Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈઝરાયલમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ઈઝરાયલમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ઈઝરાયલમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુધવારે તેલ અવિવમાં એક કાર્યક્રમમાં ઈઝરાયલમાં વસતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે, હું ઈઝરાયલની મુલાકાત લેનાર ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી છું અને આઝાદી પછી 70 વર્ષે ભારતના કોઈ પણ પ્રધાનમંત્રી આ દેશની મુલાકાતે આવ્યા છે.

તેમણે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુનો ઉષ્માસભર આવકાર આપવા બદલ તેમજ મુલાકાત દરમિયાન આતિથ્ય-સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ભારત અને ઈઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાને હજુ ફક્ત 25 વર્ષ જ થયા છે, છતાં બંને દેશો વચ્ચેનો સંબંધ સદીઓ જૂનો છે. તેમણે જણાવ્યું હતું કે, 13મી સદીમાં ભારતીય સૂફી સંત બાબા ફરીદ જેરુસલેમ આવ્યા હતા અને એક ગુફામાં મનન-ચિંતન કર્યું હતું તેવી જાણકારી મને આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોને પરંપરાગત, સાંસ્કૃતિક, વિશ્વસનિય અને મૈત્રીપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે ભારત અને ઈઝરાયલ વચ્ચે તહેવારોની સમાનતાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે હોળી અને પુરિમ તથા દિવાળી અને હનુક્કાહ વચ્ચે રહેલી સમાનતા વિશે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ઈઝરાયલે ટેકનોલોજીના ક્ષેત્રમાં કરેલી ઊડીને આંખે વળગે તેવી અભૂતપૂર્વ પ્રગતિની તથા સાહસ અને શહીદીની લાંબી પરંપરાની નોંધ લીધી હતી. તેમણે યાદ કર્યું હતું કે, ભારતીય સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હાઇફાને મુક્ત કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે નોંધ્યું હતું કે, ભારતના યહુદી સમુદાયે ભારત અને ઈઝરાયલ બંનેની પ્રગતિમાં સિંહફાળો આપ્યો છે.

પ્રધાનમંત્રીએ ઈઝરાયલના સંશોધન સાથે નવીનતા લાવવાના ખંતની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ઈઝરાયલે જિઓ-થર્મલ, પાવર, સોલર પેનલ્સ, એગ્રો-બાયોટેકનોલોજી અને સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રગતિ કરી છે.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં ભારતે હાથ ધરેલા સુધારા વિશે પણ જાણકારી આપી હતી. તેમણે પરોક્ષ કરવેરામાં દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સુધારા જીએસટીના અમલનો, કુદરતી સંસાધનોની હરાજીનો, વીમા અને બેકિંગ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા સુધારાનો તથા કૌશલ્ય વિકાસ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયલ સાથે ભાગીદારી ભારતમાં બીજી હરિયાળી ક્રાંતિ લાવવા માટે ચાવીરૂપ છે. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાન, નવીનતા અને સંશોધન ભવિષ્યમાં ભારત અને ઈઝરાયલ વચ્ચે સંબંધોનો પાયો બનશે.

તેમણે દિવસની શરૂઆતમાં મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલામાં બચી ગયેલા મોશ હોત્ઝબર્ગ સાથેની મુલાકાત પણ યાદ કરી હતી.

તેમણે ઈઝરાયલમાં વસતા ભારતીય સમુદાયને ખાતરી આપી હતી કે તેમણે ઈઝરાયલમાં સેનામાં ફરજિયાત સેના સેવા આપી હશે, તો પણ તેમને ઓસીઆઈ કાર્ડ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઈઝરાયલમાં ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ભારત અને ઈઝરાયલ વચ્ચે ટૂંક સમયમાં સીધું હવાઈ જોડાણ સ્થાપિત કરવામાં આવશે.

AP/J.Khunt/TR/GP