Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં વર્ચ્યુઅલ માધ્યમથી આપેલા સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં વર્ચ્યુઅલ માધ્યમથી આપેલા સંબોધનનો મૂળપાઠ


રશિયન સંઘના પ્રમુખ

મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ પુતિન!

મહાનુભાવો!

પૂર્વીય આર્થિક મંચના સહભાગીઓ!

 

નમસ્કાર!

 

પૂર્વીય આર્થિક મંચ (ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ) ને સંબોધિત કરતા મને ઘણો આનંદ અનુભવાઇ રહ્યો છે અને આ બહુમાન બદલ હું રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનું છુ.

 

મિત્રો!

 

ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં સંગમશબ્દનો વિશેષ અર્થ છે. તેનો મતલબ છે, સંમિલન અથવા બે નદીઓ, લોકો અથવા વિચારોનું એકમેકમાં ભળી જવું. મારા અભિપ્રાય મુજબ, વ્લાદિવોસ્તોક ખરેખરમાં યુરેશિયા અને પેસિફિકનો એક સંગમછે. રશિયન પૂર્વીય દૂરસ્થ (Russian Far-East) પ્રદેશોના વિકાસ માટે રાષ્ટ્રપતિ પુતિનની દૂરંદેશીની હું પ્રશંસા કરું છુ. આ દૂરંદેશીને સાર્થક કરવા માટે ભારત તેમનું ભરોસાપાત્ર ભાગીદાર રહેશે. 2019માં જ્યારે મેં આ મંચમાં ભાગ લેવા માટે વ્લાદિવોસ્તોકની મુલાકાત લીધી ત્યારે દૂરસ્થ પૂર્વ પર કાર્યકરવા અંગેની ભારતની કટિબદ્ધતાની મેં જાહેરાત કરી હતી. આ નીતિ રશિયા સાથે અમારી વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહનીતિનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

 

મહાનુભાવ!

 

રાષ્ટ્રપતિ પુતિન, 2019માં મારી મુલાકાત દરમિયાન વ્લાદિવોસ્તોકથી વેઝ્દા વચ્ચે હોડીમાં કરેલી સફર દરમિયાન આપણી વચ્ચે વિગતવાર થયેલી ચર્ચા મને યાદ છે. તમે મને વેઝ્દામાં આધુનિક જહાજ નિર્માણ સુવિધા બતાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, ભારત આ મહાન ઉદ્યોગમાં ભાગ લેશે. આજે, મને આનંદ છે કે, ભારતના સૌથી મોટા શિપયાર્ડમાંથી એક એવું મઝગાંવ ડોક્સ લિમિટેડ દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વ્યાપારી જહાજોમાંથી કેટલાકનું નિર્માણ કરવા માટે વેઝ્દાસાથે ભાગીદારી કરશે. ભારત અને રશિયાએ ગગનયાન કાર્યક્રમ દ્વારા અવકાશ ક્ષેત્રમાં શોધ કરવા માટે ભાગીદારી કરી છે. ભારત અને રશિયા આંતરરાષ્ટ્રીય વેપાર અને વાણિજ્ય માટે ઉત્તરીય સમુદ્રનો માર્ગ પણ ખુલ્લો કરશે.

 

મિત્રો!

 

ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી સમયની એરણે પરખાયેલી છે. તાજેતરમાં કોવિડ-19 મહામારી દરમિયાન રસી સહિતના ક્ષેત્રોમાં એકબીજા સાથે સહકાર દ્વારા મજબૂત મૈત્રી જોવા મળી હતી. મહામારીએ આરોગ્ય અને ફાર્મા ક્ષેત્રમાં આપણા દ્વીપક્ષીય સહકાર પર પ્રકાશ પાડ્યો છે. ઉર્જા આપણી વ્યૂહાત્મક ભાગીદારીનો અન્ય એક મુખ્ય આધારસ્તંભ છે. ભારત અને રશિયા વચ્ચેની ઉર્જા ભાગીદારી વૈશ્વિક ઉર્જાના બજારમાં સ્થિરતા લાવવામાં મદદ કરી શકે છે. મારા પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના મંત્રી શ્રી હરદીપ પૂરી વ્લાદિવોસ્તોકમાં મંચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યા છે. ભારતીય કામદારો અમુર પ્રદેશ, યમલથી વ્લાદિવોસ્તોક અને તેનાથી આગળ ચેન્નઇમાં મુખ્ય ગેસ પરિયોજનાઓમાં ભાગ લઇ રહ્યાં છે. અમે ઉર્જા અને વેપાર સેતુઓની કલ્પના કરી છે. મને ખુશી છે કે, ચેન્નઇવ્લાદિવોસ્તોક મેરિટાઇમ કોરિડોર પ્રગતિનો માર્ગ બનાવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ઉત્તરદક્ષિણ કોરિડોરની સાથે સાથે કનેક્ટિવિટી ભારત અને રશિયાને ભૌતિક રીતે એકબીજાની વધુ નજીક લાવશે. મહામારી સંબંધિત પ્રતિબંધો લાગુ હોવા છતાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં આપણાં વ્યાપારિક જોડાણમાં મજબૂત લાગવા બાબતે ઘણી સારી પ્રગતિ થઇ છે. આમાં ભારતના સ્ટીલ ઉદ્યોગને લાંબાગાળાનો કોકિંગ કોલસાનો પુરવઠો પણ સામેલ છે. અમે કૃષિ ઉદ્યોગ, સિરામિક્સ, વ્યૂહાત્મક અને દુર્લભ પૃથ્વી ખનીજો અને હીરાના ક્ષેત્રોમાં પણ નવી તકો શોધી રહ્યાં છીએ. મને ખુશી છે કે, સાખા યાકુતિયા અને ગુજરાતના હીરાના પ્રતિનિધિઓ આ મંચના ભાગરૂપે અલગથી સંવાદ કરી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે, 2019માં જાહેર કરવામાં આવેલી 1 બિલિયન ડૉલરની સોફ્ટ ક્રેડિટ લાઇનના કારણે બંને દેશો વચ્ચે વ્યવસાયની સંખ્યાબંધ તકોનું સર્જન થશે.

 

રશિયાના દૂરસ્થ પૂર્વીય અને ભારતમાં સમાન મંચ પર સંબંધિત રાજ્યોના પ્રદેશોના સૌથી મહત્વપૂર્ણ હિતધારકોને એકજૂથ કરવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. આપણે 2019માં ભારતના મુખ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓની મુલાકાત દરમિયાન થયેલી ઉપયોગી ચર્ચાઓને આગળ ધપાવવી જોઇએ. હું દૂરસ્થ પૂર્વીય રશિયાના 11 પ્રદેશોના ગવર્નરોને વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવું છુ.

 

મિત્રો!

 

2019માં મેં આ મંચમાં કહ્યું હતું તે મુજબ, ભારતીય કૌશલ્યએ દુનિયામાં સંખ્યાબંધ સંસાધનસમૃદ્ધ પ્રદેશોના વિકાસમાં યોગદાન આપ્યું છે. ભારત પાસે કૌશલ્યવાન અને સમર્પિત કાર્યદળ છે, જ્યારે દૂરસ્થ પૂર્વીય પ્રદેશ સંસાધનોથી સમૃદ્ધ છે. આથી, રશિયાના દૂરસ્થ પૂર્વીય પ્રદેશના વિકાસ માટે યોગદાન આપવાનો ભારતના કાર્યદળ પાસે પ્રચંડ અવકાશ છે. દૂરસ્થ પૂર્વીય સંઘીય યુનિવર્સિટી કે જ્યાં આ મંચનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે ભારતમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાનું ગૃહસ્થાન છે.

 

મહાનુભાવ!

 

રાષ્ટ્રપતિ પુતિન, આ મંચમાં સંબોધન આપવા માટે મને તક આપવા બદલ હું ફરી એકવાર આપનો આભાર વ્યક્ત કરું છું. તમે હંમેશા ભારતના મહાન મિત્ર રહ્યાં છો અને આપના માર્ગદર્શન હેઠળ આપણી વ્યૂહાત્મક ભાગીદારી વધુને વધુ મજબૂતી સાથે વધતી રહેશે. હું પૂર્વીય આર્થિક મંચ ખાતે દરેક સફળતાઓ માટે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવું છું.

 

સ્પાસિબા!

આપ સૌનો આભાર!

આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com