Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આયુષમાન ભારતના એક કરોડમા લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આયુષમાન ભારતના લાભાર્થીઓની સંખ્યા એક કરોડનો આંકડો પાર કરી ગઇ તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી.

પોતાની શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા 1 કરોડનો આંકડો વટાવી ગઇ તેનાથી દરેક ભારતીયને ગૌરવ થશે.

તેમણે જણાવ્યું હતું કે, “માત્ર બે વર્ષથી ઓછા સમયમાં, આ પહેલના કારણે સંખ્યાબંધ લોકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. હું તમામ લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવું છુ. હું સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના પણ કરું છુ.”

શ્રી મોદીએ, આયુષમાન ભારત સાથે સંકળાયેલા ડૉક્ટરો, નર્સો, આરોગ્ય સંભાળ કામદારો અને અન્ય તમામ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ પ્રયાસોના કારણે જ દુનિયાનો સૌથી મોટો આરોગ્ય સંભાળ કાર્યક્રમ શક્ય બન્યો છે. આ પહેલ અનેક ભારતીયોનો વિશ્વાસ જીતી શકી છે, ખાસ કરીને ગરીબો અને પછડાયેલા લોકોમાં તેનાથી વિશ્વાસ જાગ્યો છે.”

આયુષમાન ભારત અંતર્ગત ફાયદા વર્ણવતા પ્રધાનમત્રીએ જણાવ્યું હતું કે, તેનો એક સૌથી મોટો ફાયદો તો પોર્ટિબલિટી છે.

પોતાની ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આનાથી લાભાર્થીઓ માત્ર તેમની નોંધણી થયેલી હોય ત્યાં જ નહીં પરતું ભારતમાં અન્ય કોઇપણ જગ્યાએ શ્રેષ્ઠ ગુણવત્તાની અને પરવડે તેવી તબીબી સારવાર મેળવી શકે છે. આનાથી એવા લોકોને મદદ મળી રહે છે જેઓ પોતાના ઘરથી દૂર છે અથવા જેમણે એક જગ્યાએ નોંધણી કરાવી છે અને હાલમાં બીજે ક્યાંય રહે છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિના કારણે તેઓ આયુષમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી શકે તેમ નથી. જોકે, તેમણે ટેલીફોનના માધ્યમથી આયુષમાન ભારતની એક કરોડમા ક્રમની લાભાર્થી મેઘાલયની રહેવાસી પૂજા થાપા સાથે વાર્તાલાપ કર્યો હતો.

GP/DS