પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વોશિંગ્ટન ડીસીમાં રાઉન્ડટેબલ બેઠકમાં અમેરિકાનાં ટોચનાં 20 સીઇઓને મળ્યાં હતાં તથા તેમની સાથે આદાનપ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ સીઇઓને આવકારતાં જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયાની નજર ભારતનાં અર્થતંત્ર પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્રમાં જગતને રસ વધવાનાં મુખ્ય પરિબળોમાં બે પરિબળો અતિ મહત્ત્વપૂર્ણ છે – એક, ભારતની યુવા વસતિ અને બે, મધ્યમ વર્ગમાં વૃદ્ધિ. ભારતીય અર્થતંત્રમાં ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય તથા લોકો વચ્ચે સંપર્કો જેવા ક્ષેત્રોમાં રસ વધ્યો છે.
તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં કેન્દ્ર સરકારે લોકોનાં જીવનની ગુણવત્તા સુધારવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માટે વૈશ્વિક ભાગીદારીની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં કેન્દ્ર સરકાર આ ભાગીદારી વધારવા લઘુતમ સરકાર, મહત્તમ શાસન જેવા સિદ્ધાંતો પર કામ કરે છે.
પ્રધાનમંત્રીએ તાજેતરનાં સુધારણા વિશે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે એકલા હાથે 7000 સુધારા હાથ ધર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ ભારતની વૈશ્વિક માપદંડો સ્થાપિત કરવાની આતુરતા સૂચવે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર કાર્યદક્ષતા, પારદર્શકતા, વૃદ્ધિ અને તમામ માટે લાભ પર ભાર મૂકી રહી છે.
પ્રધાનમંત્રીએ જીએસટી પર કહ્યું હતું કે, વર્ષોનાં પ્રયાસ પછી જીએસટીએ હવે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટીનો અમલ જટિલ કામગીરી છે, જે ભવિષ્યમાં અભ્યાસનો વિષય બની શકે છે. તેમણે કહ્યું હતું કે, આ ભારતની મોટાં નિર્ણયો લેવાની અને તેનો સરળતાપૂર્વક અમલ કરવાની ક્ષમતા સૂચવે છે.
સીઇઓએ પ્રધાનમંત્રીની નીતિગત પહેલો અને તાજેતરમાં વેપારવાણિજ્ય સરળ કરાવવા કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ડેવપમેન્ટ, વિમુદ્રીકરણ અને અક્ષય ઊર્જા પર ભાર જેવી પહેલોને વિવિધ સીઇઓએ બિરદાવી હતી. કેટલાંક સીઇઓએ સ્કિલ ડેવલપમેન્ટ અને શૈક્ષણિક પહેલોમાં ભાગીદાર બનવાની ઇચ્છા દર્શાવી હતી. તેમણે ભારતમાં તેમની કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સામાજિક વિકાસની પહેલોનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમ કે મહિલા સશક્તિકરણ, ડિજિટલ ટેકનોલોજી, શૈક્ષણિક અને ફૂડ પ્રોસેસિંગ. માળખાગત વિકાસ, સંરક્ષણ ઉત્પાદન અને ઊર્જા સુરક્ષા જેવા વિષયોની ચર્ચા પણ થઈ હતી.
આ કાર્યક્રમનાં અંતે પ્રધાનમંત્રીએ સીઇઓનો તેમનાં અવલોકનો બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી આવતીકાલે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને મળશે. તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા સહિયારા મૂલ્યો ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, જો અમેરિકા મજબૂત થશે, તો સ્વાભાવિક રીતે તેનો લાભ ભારતને થશે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, દુનિયા માટે મજબૂત અમેરિકા જરૂરી છે તેવું ભારત દ્રઢપણે માને છે. તેમણે મહિલા સશક્તિકરણ, અક્ષય ઊર્જા, સ્ટાર્ટઅપ્સ અને નવીનતા જેવા ક્ષેત્રોમાં સીઇઓને વધારે ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી. તેમણે શાળામાં અભ્યાસ કરતી કન્યાઓની જરૂરિયાતો સાથે સાફસફાઈની પદ્ધતિઓ, ઉત્પાદનો અને ટેકનોલોજીને જોડવાનું સૂચન કર્યું હતું. તેમણે ભાર મૂક્યો હતો કે, તેમને સૌથી વધુ રસ ભારતમાં જીવનની ગુણવત્તા વધારવામાં છે.
J.KHUNT
PM @narendramodi interacted with top Indian and American CEOs in Washington DC. pic.twitter.com/oK908BmZJC
— PMO India (@PMOIndia) June 25, 2017
Interacted with top CEOs. We held extensive discussions on opportunities in India. pic.twitter.com/BwjdFM1DaZ
— Narendra Modi (@narendramodi) June 25, 2017