Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમેરિકાની મોટી કંપનીઓના ગ્લોબલ સીઈઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં 20 ક્ષેત્રો સાથે સંબંધિત ઉદ્યોગનાં આંતરરાષ્ટ્રીય વડાઓ સાથે એક વિશેષ ગોળમેજી બેઠકમાં ચર્ચાવિચારણાની અધ્યક્ષતા કરી હતી. આ ચર્ચામાં સામેલ થયેલી કંપનીઓની કુલ સંયુક્ત સંપત્તિ 16.4 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. એમાં ભારતમાં એમની સંપત્તિ 50 અબજ અમેરિકન ડોલર છે.
આ આયોજનમાં આઈબીએમની અધ્યક્ષા અને સીઇઓ સુશ્રી ગિન્ની રોમેટી, વૉલમાર્ટનાં અધ્યક્ષ અને સીઈઓ ડગ્લાસ મેકમિલન, કોકા કોલાનાં ચેરમેન અને સીઇઓ શ્રી જેમ્સ ક્વિન્સી, લૉકહીડ માર્ટિનના સીઈઓ સુશ્રી મોર્લિન હ્યુસન, જેપી મોર્ગનનાં ચેરમેન અને સીઇઓ શ્રી જેમી ડિમોન, અમેરિકન ટાવર કૉર્પોરેશનના સીઇઓ અને ભારત-અમેરિકા સીઇઓ મંચનાં ઉપાધ્યક્ષ શ્રી જેમ્સ ડી ટેસલેટ અને એપ્પલ, ગૂગલ, વીઝા, માસ્ટરકાર્ડ, થ્રીએમ, વૉરબર્ગ પિન્ક્સ, એઈસીઓએમ, રેથિયોન, બેંક ઑફ અમેરિકા, પેપ્સી જેવી કંપનીઓનાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયાં હતાં.

ડીપીઆઈઆઈટી અને ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ચર્ચાવિચારણામાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ, ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ તથા વિદેશ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં.

સહભાગીઓએ વેપારવાણિજ્યની સરળતા અને અન્ય સુધારાઓની દિશામાં ભારતનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેનાં કારણે દેશમાં રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. વ્યાપાર જગતનાં દિગ્ગજોએ વેપારવાણિજ્યની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભારતને રોકાણ માટે વધારે અનુકૂળ બનાવવા માટે મજબૂત નિર્ણયો લેવા માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. ઉદ્યોગજગતનાં આગેવાનોએ એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે, એમની કંપનીઓ ભારતની વિકાસગાથા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને આ માટે ભારતમાં પોતાની કામગીરી વધારતી રહેશે.

આ સીઇઓએ ભારતમાં પોતાની વિશિષ્ટ યોજનાઓની ટૂંકમાં જાણકારી પણ આપી હતી અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સમાવેશી વિકાસ, હરિત ઊર્જા અને નાણાકીય સમાવેશકતાની દિશામાં ભારતનાં પ્રયાસોમાં મદદ કરવા માટે પોતાની ભલામણો પણ રજૂ કરી હતી.

સીઇઓની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપીને પ્રધાનમંત્રીએ સતત રાજકીય સ્થિરતા, નીતિઓનાં પૂર્વાનુમાન અને વિકાસ તથા પ્રગતિશીલ નીતિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે પર્યટન, પ્લાસ્ટિક રિસાઇકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ખેડૂતો અને ખેતી માટે વધારે તક પેદા કરવા માટે એમએસએમઈ વ્યવસાયને વધારવાની પહેલ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કંપનીઓને ભારત સહિત દુનિયા માટે સમાધાન શોધવા અન્ય દેશોની સાથે ભાગીદારીમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન પ્લેટફોર્મનો લાભ ઉઠાવવાનો આગ્રહ કર્યો હતો. તેમાં પોષણ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા પડકારજનક મુદ્દાઓ સામેલ છે.

DK/NP/J.Khunt/GP/RP