Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ


જય સ્વામીનારાયણ!

જય સ્વામીનારાયણ!

પરમ પૂજ્ય મહંત સ્વામીજી, પૂજ્ય સંત ગણ, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અહીં ઉપસ્થિત તમામ સત્સંગી પરિવારના સભ્યો, આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું અને સત્સંગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આટલા મોટા પાયા પરનો આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલવાનો છે અને હું માનતો નથી કે આ કાર્યક્રમ માત્ર સંખ્યાની દૃષ્ટિએ મોટો છે, સમયની દૃષ્ટિએ પણ ઘણો લાંબો છે. પરંતુ મેં અહીં જેટલો સમય વિતાવ્યો છે તેનાથી મને લાગે છે કે અહીં મને દિવ્યતાની અનુભૂતિ થઇ છે. અહીં સંકલ્પોની ભવ્યતા છે. અહીં આપણો વારસો શું છે, આપણી ધરોહસ શું છે, આપણી આસ્થા શું છે, આપણી આધ્યાત્મિકતા શું છે, આપણી પરંપરા શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણી પ્રકૃતિ શું છે, આ તમામ બાબતોને આ પરિસરમાં સમાવી લેવામાં આવી છે. અહીં ભારતનો દરેક રંગ જોવા મળે છે. હું આ અવસર પર તમામ પૂજ્ય સંત ગણને, આ આયોજન કરવા માટેની કલ્પના કરવાના સામર્થ્ય બદલ અને આ સંકલ્પનાને તેમણે સાકાર કરવા માટે કરેલા પ્રયત્નો બદલ તમામ આદરણીય સંતોના ચરણોમાં વંદન કરું છું, હું તેમને મારા અંતઃકરણુપૂર્વક હૃદયના ઊંડાણથી અભિનંદન પાઠવું છું અને પૂજ્ય મહંત સ્વામીજીના આશીર્વાદરથી આટલું મોટું અને ભવ્ય આયોજન માત્ર દેશ અને દુનિયાને આકર્ષિત કરવાનું કામ નહીં કરે પરંતુ તે આવનારી પેઢીને પ્રભાવિત પણ કરશે, તેમને પ્રેરિત પણ કરશે.

15મી જાન્યુઆરી સુધી સમગ્ર વિશ્વમાંથી મારા પિતા તુલ્ય પૂજનીય પ્રમુખ સ્વામીજીમાં શ્રદ્ધા રાખનારા હરિભક્તો અહીં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લાખોની સંખ્યામાં પધારવાના છે. કદાચ તમારામાંથી ઘણાને ખબર હશે કે પ્રમુખ સ્વામીજીની શતાબ્દીની ઉજવણી યુએનમાં પણ, સંયુક્ત રાષ્ટ્રમાં પણ કરવામાં આવી છે અને તે આ બાબતનો પૂરાવો છે કે, તેમના વિચારો કેટલા શાશ્વત છે અને કેટલા સાર્વભૌમિક છે તેમજ આપણી મહાન પરંપરા સંતો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા વેદથી વિવેદેકાનંદ સુધી જે પ્રવાહને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોએ આગળ ધપાવી છે, તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના આજે શતાબ્દી મહોત્સવમાં પણ દર્શન થઇ રહ્યા છે. અહીં બાંધવામાં આવેલા આ નગરમાં, અહીં આપણી હજારો વર્ષની મહાન સંત પરંપરા, આપણી સમૃદ્ધ સંત પરંપરાના એકસાથે દર્શન થઇ રહ્યા છે. આપણી સંત પરંપરા માત્ર કોઇ ધર્મ, પંથ, આચાર, વિચારને ફેલાવવા પૂરતી સીમિત નથી રહી, આપણા સંતોએ સમગ્ર દુનિયાને જોડવા માટે વસુધૈવ કુટુંબકમની શાશ્વત ભાવનાને સશક્ત કરી છે અને મારા માટે સૌભાગ્યની વાત છે કે, હવે બ્રહ્મવિહારી સ્વામીજી, જેઓ થોડી વાર પહેલાં જ કેટલીક અંદરની વાતો કહી રહ્યા હતા. નાનપણથી જ મને આવા કેટલાક ક્ષેત્રોમાં આકર્ષણ રહ્યું હતું, તેથી હું દૂર દૂરથી પ્રમુખ સ્વામીજીના દર્શન કરતો હતો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું તેમની ખૂબ નજીક પહોંચી શકીશ. પણ સારું લાગતું હતું, દૂર દૂરથી પણ દર્શન કરવાનો મોકો મળતો, તે મને ગમતું હતું, મારી ઉંમર પણ ઘણી નાની હતી, પરંતુ મારી જિજ્ઞાસા વધતી જતી હતી. કેટલાય વર્ષો પછી, લગભગ 1981 માં, મને પ્રથમ વખત તેમની સાથે એકલામાં સત્સંગ કરવાનો લ્હાવો પ્રાપ્ત થયો હતો અને મને ઘણું આશ્ચર્ય થયું કે, તેમણે મારા વિશે કેટલીક માહિતી પહેલાંથી જ ભેગી કરી લીધી હતી અને સત્સંગની આખી ચર્ચા દરમિયાન તેમણે ન તો ધર્મ કે ભગવાન વિશે ચર્ચા કરી, ના કોઇ ઇશ્વરની ચર્ચા કરી, ન આધ્યાત્મિકતાની ચર્ચા કરી, કંઇ જ નહીં. તેઓ બસ સંપૂર્ણપણે સેવા, માનવ સેવા, આવા વિષયો પર વાત કરતા રહ્યા. એ મારી પહેલી મુલાકાત હતી અને એક એક શબ્દ મારા હૃદય પટલ પર અંકિત થઇ રહ્યો હતો અને તેમનો એક જ સંદેશ હતો કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા જ હોવું જોઇએ. છેલ્લા શ્વાસ સુધી સેવામાં વ્યસ્ત રહેવું જોઇએ. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે નરની સેવા એ જ નારાયણની સેવા છે. જીવમાં જ શિવ છે, પરંતુ મોટી મોટી આધ્યાત્મિક ચર્ચાને તેઓ ખૂબ જ સરળ શબ્દોમાં સમાવી લેતા હતા. વ્યક્તિની જેવી પચાવવાની શક્તિ હોય તે પ્રમાણે જ તેઓ પીરસતા હતા. અબ્દુલ કલામ જી, આટલા મહાન વૈજ્ઞાનિક, તેઓ પણ જ્યારે તેમને મળે ત્યારે કંઇને કંઇ મેળવતા હતા અને તેમને સંતોષ થતો હતો અને મારા જેવા સામાન્ય સામાજિક કાર્યકર, તેઓ તેમની પાસે જાય તો તેમને પણ કંઇકને કંઇક મળતું હતું હતું, તેમને સંતોષ થતો હતો. આ તેમના વ્યક્તિત્વની વિશાળતા હતી, વ્યાપકતા હતી, ઊંડાણ હતું અને એક આધ્યાત્મિક સંત તરીકે તમે ઘણું બધું કહી શકો છો, જાણી શકો છો. પરંતુ મારા મનમાં હંમેશા એવી અવધારણા રહી છે કે તેઓ ખરા અર્થમાં સમાજ સુધારક હતા, તેઓ એક સુધારાવાદી હતા અને જ્યારે આપણે તેમને પોત-પોતાની રીતે યાદ કરીએ છીએ પણ એક તાતણો જે હું હંમેશા મને દેખાય છે, કદાચ તે માળાના અલગ અલગ મણકા આપને દેખાતા હશે. મોતી આપણને દેખાતા હશે, પરંતુ અંદરનો જે તાતણો હોય છે તે એક પ્રકારે મનુષ્ય કેવો હોય, ભવિષ્ય કેવું હોય, વ્યવસ્થાઓમાં પરિવર્તનશીલતા શા માટે હોય, તે ઉચ્ચ આદર્શો સાથે જોડાયેલો હોવો જોઇએ. પરંતુ આધુનિકતાના સપના, આધુનિકતાની દરેક વસ્તુને સ્વીકારી, એક અદ્ભુત સંયોગ, એક અદ્ભુત સંગમ, તેમની રીત પણ ખૂબ જ અનોખી હતી, તેમણે હંમેશા લોકોના ભીતરમાં રહેલી સારા ગુણને પ્રોત્સાહન આપ્યું છે. ક્યારેય એવું નથી કહ્યું કે ભાઇ, તમે આમ કરો, એમ કહેતા કે ભગવાનનું નામ લો, સારું થશે, તમારામાં ખામીઓ હશે, મુશ્કેલી હશે, સમસ્યાઓ પણ આવશે પરંતુ તમારામાં આ જે ભલાઇનો ગુણ છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને તે શક્તિને જ તેઓ સમર્થન આપતા હતા, તેને ગુણને ખાતર અને પાણી નાખીને સંવર્ધન કરતા હતા. તમારી અંદર રહેલી ભલાઇ જ તમારી અંદર આવતી અને વધતી જતી બદીઓને દૂર કરશે, તેને ખતમ કરશે, આવો એક ઉચ્ચ વિચાર અને સહજ શબ્દોમાં તેઓ અમને કહેતા હતા. અને એ જ માધ્યમને, તેમણે એક પ્રકારે મનુષ્યમાં સંસ્કારનું સંચિતન કરવાનું, સંસ્કારિત કરવાનું, પરિવર્તિત કરવાનું માધ્યમ બનાવ્યું હતું. તેમણે આપણા સામાજિક જીવનમાં ઊંચ-નીચના ભેદભાવની સદીઓ જૂની તમામ ખરાબીઓ દૂર કરી અને આવી બાબતોમાં તેમનો વ્યક્તિગત સ્પર્શ રહેતો હતો અને તેના કારણે જ આ શક્ય બન્યું હતું. દરેકને મદદ કરવી, દરેકની ચિંતા કરવી, પછી ભલે સામાન્ય સમય હોય કે પડકારનો સમય હોય, પૂજ્ય પ્રમુખ સ્વામીજીએ હંમેશા સમાજના હિત માટે દરેકને પ્રેરણા આપી છે. અગ્રેસર રહીને, આગળ વધીને યોગદાન આપ્યું છે. મોરબીમાં પહેલીવાર મચ્છુ ડેમની આપદા આવી હતી ત્યારે હું ત્યાં સ્વયંસેવક તરીકે કામ કરતો હતો. આપણા પ્રમુખ સ્વામીજી, કેટલાક સંતો, અને તેમની સાથે સત્સંગીઓને સૌને અહીં મોકલવામાં આવ્યા હતા અને તેઓ અમારી સાથે માટી ઉપાડવામાં જોડાઇ ગયા હતા. તેઓ મૃતદેહોના અગ્નિસંસ્કારમાં જોડાઇ ગયા હતા. મને બરાબર યાદ છે કે, 2012માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ હું તેમની પાસે ગયો હતો. સામાન્ય રીતે હું મારા જીવનના જે પણ મહત્વના પડાવ આવ્યા છે ત્યારે હું અવશ્ય પ્રમુખ સ્વામીજીના દર્શને ગયો છું. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે, હું 2002ની ચૂંટણી લડી રહ્યો હતો. મારે પહેલીવાર ચૂંટણી લડવાની હતી, પહેલીવાર મારે ઉમેદવારી નોંધાવવાની હતી અને મારે રાજકોટથી ઉમેદવાર બનવું હતું, ત્યારે ત્યાં બે સંતો હાજર હતા, હું ત્યાં ગયો ત્યારે તેઓએ મને એક બોક્સ આપ્યું, મેં તે બોક્સ ખોલ્યું તો તેની અંદર એક પેન હતી, તે સંતોએ મને કહ્યું કે પ્રમુખ સ્વામીજીએ આ પેન મોકલી છે, જ્યારે તમે ઉમેદવારી પત્રક પર સહી કરો ત્યારે આ પેનથી કરજો. હવે ત્યાંથી માંડીને હું કાશીમાંથી ચૂંટણી લડ્યો ત્યાં સુધી. એક પણ ચૂંટણી એવી નથી જ્યારે હું ઉમેદવારી પત્રક ભરવા ગયો હોઉ અને હું સહી કરું ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામીજીની કોઇ વ્યક્તિ પેન આપવા માટે આવીને ઉભી ન હોય.

જ્યારે, હું કાશી ગયો ત્યારે મારા માટે આશ્ચર્યની વાત હતી કે, તે પેનનો રંગ ભાજપના ઝંડાનો રંગ હતો. તેનું કવર લીલા રંગનું હતું અને નીચેનો ભાગ કેસરી રંગનો હતો. મતલબ કે તેમણે ઘણા દિવસ પહેલાંથી તે પેન સાચવીને રાખી હશે અને યાદ કરીને તે જ રંગની પેન મોકલી હતી. એટલે કે, વ્યક્તિગત રીતે તેમણે આટલી કાળજી લીધી હતી, બાકી આ તો તેમનું ક્ષેત્ર પણ નહોતું કે તેઓ મારી આટલી સંભાળ રાખે. કદાચ ઘણા લોકોને સાંભળીને ઘણું આશ્ચર્ય થશે કે, 40 વર્ષમાં કદાચ એક પણ વર્ષ એવું નથી ગયું કે દર વર્ષે પ્રમુખ સ્વામીજીએ મારા માટે ઝભ્ભા અને પાયજામાનું કાપડ ન મોકલ્યું હોય અને આ મારું સૌભાગ્ય છે. અને આપણે જાણીએ છીએ કે દીકરો ભલે ગમે તેટલો મોટો બને, પરંતુ માતા-પિતા માટે બાળક જ રહે છે. દેશે મને પ્રધાનમંત્રી બનાવ્યો, પરંતુ જે પરંપરાને પ્રમુખસ્વામીજી ચલાવતા હતા, તે પરંપરા તેમના ગયા પછી પણ ચાલુ છે એટલે કે કાપડ મોકલવાનું ચાલુ જ છે. મતલબ કે આટલું પોતીકાપણું અને હું નથી માનતો કે આ સંસ્થાકીય સંબંધોનું કામ છે, આ તો એક આધ્યાત્મિક સંબંધ હતો, એક પિતા-પુત્રનો સ્નેહ હતો, અતૂટ બંધન છે અને આજે તેઓ જ્યાં પણ છે, તેઓ મારી દરેક ક્ષણ પર અચૂક નજર રાખતા જ હશે. મારા કામનું બારીકાઇથી અવલોકન કરતા જ હશે. તેમણે મને જે શીખવ્યું અને સમજાવ્યું, શું હું એ જ રસ્તે ચાલી રહ્યો છું કે નહીં તેનું પણ તેઓ ધ્યાન રાખતા જ હશે. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું કચ્છમાં સ્વયંસેવક તરીકે કામ કરતો હતો ત્યારે મારા મુખ્યમંત્રી બનવાનો તો કોઇ સવાલ જ નહોતો. પણ જ્યારે હું ત્યાંના તમામ સંતોને મળ્યો ત્યારે સૌથી પહેલા તેમણે તમારા ભોજનની શું વ્યવસ્થા છે જે જોયું, મેં કહ્યું કે હું મારા કાર્યકરના સ્થાને પહોંચી જઇશ. ત્યારે તેમણે કહ્યું કે, ના, તમે ભલે ગમે ત્યાં જાઓ પણ તમારા ભોજનની વ્યવસ્થા તો અહીંથી થઇ જશે, રાત્રે મોડું આવવાનું થાય તો પણ અહીં જ ભોજન લેવાનું. એટલે કે હું જ્યાં સુધી ભૂજમાં કામ કરતો હતો ત્યાં સુધી મારા ભોજનની ચિંતા પ્રમુખ સ્વામીએ કરી અને તમના સંતોને કહી દીધું એટલે તેઓ સતત મને પૂછતા રહેતા હતા. મતલબ કે, આટલો બધો સ્નેહ અને હું કોઇ આધ્યાત્મિક બાબતોની વાત નથી કરી રહ્યો, હું તમારી સાથેના સહજ અને સામાન્ય વર્તનની વાત કરી રહ્યો છું.

જીવનની સૌથી કઠીન ક્ષણોમાં ભાગ્યે જ કોઇ એવો પ્રસંગ આવ્યો હશે જ્યારે પ્રમુખસ્વામીએ પોતે મને ફોન કરીને બોલાવ્યો ન હોય અથવા ફોન પર મારી સાથે વાત ન કરી હોય. મને બરાબર યાદ છે કે, આમ તો આપણે હમણાં વીડિયોમાં જોયું તેમાં ઉલ્લેખ હતો જ કે, હું 1991-92માં મારી પાર્ટીએ શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ધ્વજ ફરકાવવા માટે એકતા યાત્રાનું આયોજન કર્યું હતું ત્યારે તેમાં હતો. તે યાત્રા ડૉ. મુરલી મનોહરજીના નેતૃત્વમાં ચાલી રહી હતી અને હું તેના સંયોજકત રીતે જવાબદારી સંભાળતો હતો, વ્યવસ્થા જોતો હતો. જતા પહેલા, મેં પ્રમુખ સ્વામીજીના આશીર્વાદ લીધા હતા, એટલે તેમને ખબર તો હતી જ કે હું ક્યાં જઇ રહ્યો છું અને હું શું કરી રહ્યો છું. અમે જ્યારે પંજાબથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અમારી યાત્રાની ટક્કર આતંકવાદીઓ સાથે થઇ, અમારા કેટલાક સાથીઓ માર્યા ગયા હતા. આખા દેશમાં ખૂબ જ ચિંતાનો વિષય હતો, ક્યાંક ગોળીઓ ચાલી રહી હતી અનેક લોકોના મોત થયા હતા. અને પછી ત્યાંથી અમે જમ્મુ પહોંચી રહ્યા હતા. અમે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવ્યો. પરંતુ જેવા અમે જમ્મુમાં ઉતર્યા કે તરત જ, સૌથી પહેલો ફોન પ્રમુખ સ્વામીજીનો આવ્યો હતો અને હું સકુશળ છું, ચાલો તમારી સાથે ભગવાનના આશીર્વાદ છે, પાછા આવો ત્યારે જરૂર ફરી મળીશું, તમારો અવાજ સાંભળીને ઘણું સારું લાગ્યું, આ બધી વાતો કરી – એકદમ સહજ અને સરળ રીતે. હું મુખ્યમંત્રી બની ગયો, અક્ષરધામની સામે 20 મીટર દૂર, હું મારા ઘરમાં રહેતો હતો જ્યાં મુખ્યમંત્રીનું નિવાસસ્થાન હતું. અને મારો આવવા-જવાનો રસ્તો પણ એ જ હતો એટલે હું નીકળતી વખતે અક્ષરધામના શિખરના દર્શન કરીને જ આગળ જતો હતો. આથી સહજ-નિત્ય સંબંધ હતો અને અક્ષરધામ પર આતંકવાદીઓ હુમલો કર્યો, તેથી મેં પ્રમુખ સ્વામીજીને ફોન કર્યો. આટલો મોટો હુમલો થયો છે, હું વ્યથિત થઇ ગયો હતો, અક્ષરધામ પર હુમલો થયો છે, સંતો પર શું વીતિ હશે, ગોળીઓ ચલાવવામાં આવી છે, કોઇને વાગ્યું હશે કે કેમ, આ બધું જ ચિંતાનો વિષય હતો કારણ કે વાતાવરણ સાવ ધુંધળું હતું. આવી સંકટની ઘડીમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો તેવી સ્થિતિમાં, આટલા બધા લોકો માર્યા ગયા હતા ત્યારે, મેં તેમને ફોન કર્યો ત્યારે પ્રમુખ સ્વામીજીએ મને શું કહ્યું, તેમણે મને એટલું જ કહ્યું કે, અરે ભાઇ, તમારું ઘર તો સામે જ છે, તમને કોઇ તકલીફ તો નથી થઇને? મેં કહ્યું બાપા તમે આ સંકટની આટલી મોટી ઘડીમાં આટલા સ્વસ્થ રહીને કેવી રીતે મારી ચિંતા કરી શકો છો. તેમણે કહ્યું કે, જુઓ ભાઇ ભગવાન પર ભરોસો રાખો બધું સારું થઇ જશે. ભગવાન સત્યની સાથે હોય છે, એટલે કે વ્યક્તિ કોઇ પણ હોય, આવી સ્થિતિમાં માનસિક સંતુલન, સ્વસ્થતા આ બધુ જ અંદરની ઊંડી આધ્યાત્મિક શક્તિ વિના શક્ય નથી. જ્યારે પ્રમુખ સ્વામીએ તેમના ગુરુજનો પાસેથી અને તેમના તપ દ્વારા આ શક્તિ સિદ્ધ કરી હતી. અને મને હંમેશા એક વાત યાદ રહે છે કે, મને લાગે છે કે તેઓ મારા પિતા સમાન હતા, તમને લાગતુ હશે કે તેઓ મારા ગુરુ હતા. પણ એક બીજી વાત છે જે હંમેશા મારું ધ્યાન ખેંચે છે અને મેં દિલ્હી અક્ષરધામ બનાવવામાં આવ્યું ત્યારે મેં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો, કારણ કે મને કોઇએ કહ્યું હતું કે યોગીજી મહારાજની ઇચ્છા હતી કે યમુના નદીના કિનારે અક્ષરધામ હોવું જોઇએ. હવે એમણે તો, વાત વાતમાં યોગીજી મહારાજના મુખે નીકળી ગયું હશે, પણ એ શિષ્યને જુઓ જેઓ તેમના ગુરુના આ શબ્દો જીવ્યા. યોગીજી તો હવે નહોતા રહ્યા, પરંતુ તેઓ યોગીજીના શબ્દોને જીવતા રહ્યા, કારણ કે યોગીજીની સામે પ્રમુખ સ્વામી તેમના શિષ્ય જ હતા. આપણે લોકોને તેમની એક ગુરુ તરીકેની તાકાત દેખાય છે, પરંતુ હું એક શિષ્ય તરીકે તેમની તાકાત જોઉં છું કે તેઓ તેમના ગુરુના શબ્દો પર ખરા ઉતર્યા, અને યમુના કિનારે અક્ષરધામનું નિર્માણ કર્યું અને આજે દુનિયાભરમાંથી લોકો અક્ષરધામની મુલાકાતે આવે છે. તેઓ અક્ષરધામના માધ્યમથી ભારતના મહાન વારસાને સમજવાનો પ્રયાસ કરે છે. આ યુગો યુગ માટે કરવામાં આવેલું કામ છે, આ યુગને પ્રેરણા આપનારું કામ છે. આજે દુનિયામાં તમે ગમે ત્યાં જાવ, અહીં મંદિરો આપણે ત્યાં કોઇ નવી વાત નથી, હજારો વર્ષોથી મંદિરો બની રહ્યા છે. પરંતુ આપણી મંદિર પરંપરાને આધુનિક બનાવવા માટે, મંદિરની વ્યવસ્થાનમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સમન્વય કરવો. આ બધુ, મને લાગે છે કે પ્રમુખ સ્વામીજીએ એક મહાન પરંપરા સ્થાપી છે. ઘણા લોકો આપણી સંત પરંપરાના મોટા, નવી પેઢીના દિમાગમાં તો ન જાણે શું શું ભરી દેવામાં આવ્યું છે, એવું જ માને છે. પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે, બધા સત્સંગીઓ મને માફ કરશો, પહેલા એવું કહેવાતું કે તમારે સાધુ થવું હોય તો, સ્વામીનારાયણના થવું અને પછી હાથથી લાડવાનો ઇશારો કરતા હતા. આવી જ વાતો ચાલતી હતી કે, સ્વામીનારાયણના સાધુ બનશો તો મજા જ આવશે. પરંતુ જે રીતે પ્રમુખ સ્વામીએ સંત પરંપરાને જે પ્રકારે સંપૂર્ણપણે બદલી નાખી, જે રીતે સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશન દ્વારા સેવા માટે સંન્યાસી જીવનને સેવા ભાવ માટે વિશાળ વિસ્તરણ કર્યું છે. પ્રમુખ સ્વામીજી પણ સંત, એટલે કે માત્ર પોતાના કલ્યાણ માટે જ નથી, સંત સમાજના કલ્યાણ માટે હોય છે અને તેથી તેમણે દરેક સંતને એવી રીજે તૈયાર કર્યા છે, અહીં બેઠેલા દરેક સંતો કોઇને કોઇ સામાજિક કાર્યમાંથી નીકળીને અહીં આવ્યા છે અને આજે પણ સામાજિક કાર્ય તેમની જવાબદારી છે. માત્ર આશીર્વાદ આપવાનું નથી અને તમને મોક્ષ મળે એટલું જ પૂરતું નથી હોતું. તેઓ જંગલોમાં જાય છે, આદિવાસીઓની વચ્ચે કામ કરે છે. કુદરતી આફત આવે ત્યારે તેઓ પોતાનું જીવન સ્વયંસેવક તરીકે સમર્પિત કરી નાખે છે. અને આ પરંપરા ઉભી કરવામાં આદરણીય પ્રમુખસ્વામી મહારાજનું ખૂબ જ મોટું યોગદાન છે. જેટલો સમય, શક્તિ અને પ્રેરણા આપતા હતા, મંદિરોના માધ્યમથી વિશ્વમાં આપણી ઓળખ બને, એટલું જ સામર્થ્ય તેઓ સંતોના વિકાસ માટે પણ કરતા હતા. પ્રમુખ સ્વામીજી ઇચ્છત તો ગાંધીનગરમાં રહી શક્યા હોત, અમદાવાદમાં રહી શક્યા હોત, મોટા મોટા શહેરમાં રહી શક્યા હોત, પરંતુ તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય સાળંગપુરમાં વિતાવવાનું પસંદ કર્યું હતું. અહીંથી લગભગ 80-90 કિલોમીટર દૂર છે અને ત્યાં પણ તેમણે શું કર્યું, તેમણે સંતો માટે તાલીમ સંસ્થા તૈયાર કરવા પર ભાર મૂક્યો અને આજે જ્યારે હું કોઇપણ અખાડાના લોકોને મળું છું, ત્યારે હું તેમને કહું છું કે તમારે 2 દિવસ માટે સાળંગપુર જવું જોઇએ, સંતોની તાલીમ કેવી રીતે થાય તે જોવું જોઇએ, સાધુ મહાત્માઓ કેવા હોવા જોઇએ તે જોઇ આવો અને તેઓ જઇને જુએ પણ છે. એટલે કે, આધુનિકતામાં ભાષા પણ શીખવે છે, અંગ્રેજી શીખવાડે છે, સંસ્કૃત પણ શીખવાડે છે, વિજ્ઞાન પણ શીખવાડે છે, આપણી આધ્યાત્મિક પરંપરાઓ પણ શીખવવામાં આવે છે. એટલે કે પૂરેપૂરો પ્રયાસ કરીને તેનો વિકાસ કરીને તૈયાર કરવામાં આવે છે. સમાજમાં એવા સંત હોવા જોઇએ જે સક્ષમ હોવા જોઇએ. માત્ર ત્યાગી હોવું પૂરતું નથી, આમાં ત્યાગ તો હોવો જોઇએ પણ સાથે સાથે સામર્થ્ય પણ હોવું જોઇએ. અને તેમણે જે આખી સંત પરંપરાનું સર્જન કર્યું છે, જેમ કે તેમણે અક્ષરધામ મંદિરો દ્વારા આપણી ભારતની મહાન પરંપરાનો વિશ્વ સમક્ષ પરિચય થાય તે માટે તેને એક માધ્યમ બનાવ્યું છે. એવી જ રીતે, ઉત્તમ પ્રકારની સંત પરંપરાનું નિર્માણ કરવામાં પણ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજે એક સંસ્થાકીય વ્યવસ્થાતંત્ર ઉભું કર્યું છે. તેમણે વ્યક્તિગત વ્યવસ્થા હેઠળ નહીં પરંતુ તેમણે સંસ્થાકીય વ્યવસ્થાતંત્રનું સર્જન કર્યું છે. તેથી સદીઓ સુધી લોકો આવશે અને જશે, નવા નવા સંતો આવશે, પરંતુ આ વ્યવસ્થા એવી રીતે બનાવવામાં આવી છે કે નવી પરંપરાની પેઢીઓ બનવાની છે, આ હું મારી આંખો સામે જોઇ રહ્યો છું. અને મારો અનુભવ છે કે તેઓ દેવ ભક્તિ અને દેશભક્તિ વચ્ચે કોઇ ભેદ નહોતા કરતા. તમે દેવ ભક્તિ માટે જીવો છો, દેશ ભક્તિ માટે જીવો છે, જે તેને લાગે છે કે, મારા માટે બંને બાબતે સંત્સંગી હોવા જેવી છે. દેવ ભક્તિ માટે જીવવું તે પણ સત્સંગી છે, દેશભક્તિ માટે જીવવું તે પણ સત્સંગી હોય છે. આજે પ્રમુખસ્વામીજીના શતાબ્દી સમારંભની ઉજવણી આપણી નવી પેઢી માટે પ્રેરણાનું કારણ બનશે, તેમનામાં એક જિજ્ઞાસા જાગશે. આજના યુગમાં પણ અને તમે પ્રમુખ સ્વામીજીની નાની નાની બાબતો પર ધ્યાન આપશો તો, તેમણે મોટી મોટી તકલીફો થાય તેવો ઉપદેશ ન હતો આપ્યો, તેમણે સરળ વાતો જ કહી હતી, સહજ જીવનની ઉપયોગી વાતો જ કહી હતી અને આટલા મોટા સમૂહને જોડ્યો છે, મને કહેવામાં આવ્યું કે અહીં 80 હજાર સ્વયંસેવકો છે. હમણાં અમે અત્યારે આવી રહ્યા હતા ત્યારે આપણા બ્રહ્મજી મને કહેતા હતા કે આ બધા સ્વયંસેવકો છે અને પ્રધાનમંત્રીનું અભિવાદન કરે છે. મેં કહ્યું, તેઓ બધા સ્વયંસેવક છે, હું પણ સ્વયંસેવક છું. અમે બંને એકબીજાનું અભિવાદન કરીએ છીએ. અમે બંને એકબીજા સામે હાથ ઉંચો કરીએ છીએ. પછી મેં કહ્યું કે, હવે 80 હજારમાં વધુ એક ઉમેરી દો. આમ તો કહેવા માટે ઘણી બધી વાતો છે, જૂની યાદો આજે મનને સ્પર્શી રહી છે. પણ મને હંમેશા પ્રમુખસ્વામી મહારાજની ખોટ વર્તાઇ રહી છે. અને મેં તેની સાથે ક્યારેય કંઇ મોટી ચર્ચા નથી કરી, મેં ક્યારેય મોટી જ્ઞાનની ગોષ્ઠી નથી કરી, બસ એમ જ મને સારું લાગતું હતું, તેમની પાસે જઇને બેસવાનું ગમતું હતું. જેવી રીતે આપણે થાકીને ઝાડ નીચે બેસીએ ત્યારે કેવું સારું લાગે છે, એ ઝાડ થોડું આપણને ભાષણ આપે છે, તો પણ ગમે છે. હું પ્રમુખસ્વામી મહારાજ પાસે હું બેસતો, ત્યારે મને એવું લાગતું. હું વટવૃક્ષની છાયામાં બેઠો હોઉં, જ્ઞાનના ભંડારના ચરણમાં બેઠો હોઉં તેવું લાગતું. મને ખબર નથી કે હું આ વાતો ક્યારેય લખી શકીશ કે નહીં, પણ મારા અંતરમનની જે યાત્રા છે, તે યાત્રા આવી સંત પરંપરા સાથે રહ્યું છે, આધ્યાત્મિક પરંપરા સાથે રહ્યું છે અને તેમાં પૂજ્ય યોગીજી મહારાજ, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ વગેરે હોવાથી, મારે માટે ખૂબ જ મોટું સૌભાગ્ય છે મને આવા સાત્વિક વાતાવરણમાં, તામસિક જગતની વચ્ચે મારી જાતને બચાવીને, સુરક્ષિત રાખીને કામ કરવાની શક્તિ મળતી રહે છે. નિરંતર તેમના આશીર્વાદ મળતા રહે છે અને આ કારણે જ રાજસી પણ નથી બનવું અને તામસિક પણ નથી બનવું, માત્ર સાત્વિક બનીને ચાલતા રહેવું છે, ચાલતા રહેવું છે, ચાલતા રહેવું છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જય સ્વામીનારાયણ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com