Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે ચર્ચાવિચારણા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બુધવારે ભારત સરકારમાં સેવા આપતાં 70 અધિક સચિવો અને સંયુક્ત સચિવોનાં જૂથને મળ્યાં હતાં અને તેમની સાથે ચર્ચા કરી હતી. આ પ્રકારનાં પાંચ આદાનપ્રદાન થવાનાં છે, જેમાં આ સૌપ્રથમ હતું.

આ આદાનપ્રદાન દરમિયાન અધિકારીઓએ ડિજિટલ અને સ્માર્ટ ગવર્નન્સ, વહીવટી પ્રક્રિયાઓ અને જવાબદારી, પારદર્શકતા, ખેડૂતોની આવક બમણી કરવી, કૌશલ્ય વિકાસ, સ્વચ્છ ભારત, ઉપભોક્તા અધિકારો, પર્યાવરણનું સંરક્ષણ અને વર્ષ 2022 સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવા જેવા વિષયો પર પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નાગરિકોનાં કલ્યાણ અને સંતોષ માટે વિકાસ અને સુશાસનનો સમન્વય ચાવીરૂપ છે. તેમણે જણાવ્યું હતું કે, સુશાસન અધિકારીઓ માટે પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે સરકારની તમામ પાંખોએ શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા સંવાદિતા અને સમન્વય સાથે કામ કરવાની જરૂર છે, એ વાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓએ નિર્ણય લેતી વખતે ગરીબો અને સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખવા જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયા ભારત તરફ સકારાત્મક અપેક્ષાઓ સાથે જોઈ રહી છે. આખી દુનિયા માને છે કે વૈશ્વિક સંતુલન માટે સફળ ભારતની આવશ્યકતા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનાં સામાન્ય નાગરિકો ઉત્કૃષ્ટતા ધરાવે છે અને તેને બહાર કાઢવાની જરૂર છે. સાધારણ પૃષ્ઠભૂમિ ધરાવતાં યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રમતગમતમાં શ્રેષ્ઠ પોઝિશન હાંસલ કરે છે. તેમણે અધિકારીઓને પ્રતિભાઓનાં સ્વાભાવિક વિકાસને પ્રોત્સાહન આપવા કામ કરવા જણાવ્યું હતું. અહીં તેમણે અધિકારીઓને તેમની સેવાનાં પ્રથમ ત્રણ વર્ષમાં તેમનાં જુસ્સા અને ઊર્જાની યાદ અપાવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અધિકારીઓને દેશનાં લાભ અને વિકાસ માટે તેમની અંદર છુપાયેલી ક્ષમતાનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાની વિશિષ્ટ તક સાંપડી છે. તેમણે જૂની પદ્ધતિઓ છોડવા અને સરકારનાં વિવિધ વિભાગો વચ્ચે અસરકારક આંતરિક સંચાર વિકસાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નિર્ણય લેવામાં ઝડપ અને કાર્યદક્ષતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સારાં આશય સાથે પ્રામાણિક નિર્ણયોને હંમેશા પ્રોત્સાહન આપશે. તેમણે અધિકારીઓને ભારતનાં 100 અતિ પછાત જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું, જેથી તેઓ વિકાસનાં વિવિધ માપદંડો પર રાષ્ટ્રીય સરેરાશ સ્તરે પહોંચી શકે.

AP/J.Khunt/TR/GP