Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડની આગામી મુલાકાત અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડની મુલાકાતે રવાના થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મુલાકાતનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું 24 જૂન, 2017ના રોજ પોર્ટુગલની કાર્યકારી મુલાકાત લઈશ. પોર્ટુગલના મહામહિમ પ્રધાનમંત્રી એન્તોનિયો કોસ્ટાએ જાન્યુઆરી, 2017માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આપણા ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધોએ વેગ પકડ્યો છે. હું પ્રધાનમંત્રી કોસ્ટા સાથેની મારી મુલાકાતને લઈને આતુર છું. અમે તાજેતરમાં ચર્ચાવિચારણા કરી હતી, જેના આધારે અમે વિવિધ સંયુક્ત પહેલો અને નિર્ણયોની પ્રગતિની સમીક્ષા કરીશું. અમે દ્વિપક્ષીય સંબંધને વધુ મજબૂત કરવા પણ ચર્ચા કરીશું, ખાસ કરીને આર્થિક સહકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી, અંતરિક્ષ ક્ષેત્રમાં જોડાણ અને લોકો વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરીને. અમે આતંકવાદ સામેની લડાઈમાં અમારા સહકારને સઘન બનાવવાના વિવિધ માધ્યમોની ચર્ચા કરીશું. વળી પારસ્પરિક હિતના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારણા કરીશું. હું દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવા નોંધપાત્ર શક્યતાઓ જોઉં છું. હું આ મુલાકાત દરમિયાન પોર્ટુગલમાં ભારતીય સમુદાય સાથે આદાનપ્રદાન કરવા પણ આતુર છું.”

પ્રધાનમંત્રી 24થી 26 જૂન સુધી વોશિંગ્ટનની મુલાકાત લેશે.

આ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર હું 24થી 26 જૂન વોશિંગ્ટનની મુલાકાત લઈશ. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મેં અગાઉ ટેલિફોન પર વાત કરી હતી. અમારી વાતચીત અમારા લોકોના પારસ્પરિક હિત માટે તમામ ક્ષેત્રમાં ફળદાયક જોડાણને આગળ વધારવાના ઉદ્દેશને સ્પર્શી છે. હું આ તકનો ઉપયોગ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત અને વ્યાપક ભાગીદારીને વધુ મજબૂત કરવા અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવા આતુર છું. અમેરિકા સાથે ભારતની ભાગીદારી બહુસ્તરીય અને વિવિધતાસભર છે, જેને સરકારનું જ નહીં, પણ બંને પક્ષના તમામ હિતધારકોનું સમર્થન પ્રાપ્ત છે. હું રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકામાં નવા વહીવટીતંત્ર સાથે અમારા જોડાણ માટે લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે અગ્રેસર થવા આતુર છું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમના મંત્રીમંડળના સાથીદારો સાથે સત્તાવાર બેઠકો ઉપરાંત હું અમેરિકાના કેટલાંક પ્રસિદ્ધ સીઇઓને મળીશ. અગાઉની જેમ હું અમેરિકામાં વસતા ભારતીય સમુદાય સાથે આદાનપ્રદાન કરવા આતુર છું.”

પ્રધાનમંત્રી 27 જૂન, 2017ના રોજ નેધરલેન્ડની મુલાકાત પણ લેશે.

આ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું 27 જૂન, 2017ના રોજ નેધરલેન્ડની મુલાકાત લઈશ. અમે ચાલુ વર્ષે ભારત અને ડચ વચ્ચે રાજદ્વારી સંબંધોના 70મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આ મુલાકાત દરમિયાન હું ડચના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માર્ક રુટ્ટ સાથે સત્તાવાર બેઠક કરીશ. હું નેધરલેન્ડના મહારાજા વિલિયમ-એલેક્ઝાન્ડર અને મહારાણી મેક્સિમાને પણ મળીશ. હું પ્રધાનમંત્રી રુટ્ટને મળવા અને આપણા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા આતુર છું. હું આતંકવાદ સામેની લડાઈ અને આબોહવામાં ફેરફાર સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પ્રધાનમંત્રી રુટ્ટ સાથે અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કરીશ. આપણા દ્વિપક્ષીય સંબંધોમાં આર્થિક સંબંધોનો હાર્દ છે. યુરોપિયન યુનિયનમાં નેધરલેન્ડ ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર રાષ્ટ્ર છે અને વૈશ્વિક સ્તરે પાંચમું સૌથી મોટું રોકાણ કરનાર ભાગીદાર છે. જળ અને કચરાના વ્યવસ્થાપન, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, અક્ષય ઊર્જા તથા બંદર અને જહાજ જેવા ક્ષેત્રોમાં ડચની કુશળતા આપણી વિકાસલક્ષી જરૂરિયાતોને અનુરૂપ છે. ભારત અને ડચ વચ્ચેના આર્થિક સંબંધ બંને દેશ માટે લાભદાયક છે. હું પ્રધાનમંત્રી રુટ્ટ સાથે બંને પક્ષોએ સમન્વયને વધુ લાભદાયક બનાવવા કેવી રીતે કામ કરવું જોઈએ એ અંગે ચર્ચા કરીશ. હું ડચની મુખ્ય કંપનીઓના સીઇઓને પણ મળીશ અને તેમને ભારતની વિકાસગાથામાં જોડાવા પ્રોત્સાહન આપીશ. બંને દેશોના લોકો વચ્ચે મજબૂત સંબંધ છે. યુરોપમાં બીજો સૌથી મોટો ભારતીય સમુદાય નેધરલેન્ડમાં વસે છે. હું નેધરલેન્ડમાં વસતા ભારતીય સમુદાય સાથે જોડાવા માટે આતુર છું.”

TR