Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પોર્ટુગલના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો મૂળ પાઠ (07 જાન્યુઆરી, 2017)

પોર્ટુગલના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો મૂળ પાઠ (07 જાન્યુઆરી, 2017)

પોર્ટુગલના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો મૂળ પાઠ (07 જાન્યુઆરી, 2017)


મહામહિમ પ્રધાનમંત્રી એન્ટોનિઓ કોસ્ટા,

પ્રતિનિધિમંડળના પ્રતિષ્ઠિત સભ્યો,

મીડિયાના પ્રતિનિધિઓ,

મિત્રો,

ગૂડ ઇવનિંગ.

મહામહિમ,

ભારતમાં તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવાની મને ખુશી છે. ભારતની આ તમારી કદાચ પ્રથમ મુલાકાત છે, પણ તમે ભારતથી અજાણ નથી. ભારત પણ તમારાથી અપરિચિત હોય તેવું નથી. હકીકતમાં આજે શિયાળાની ઠંડી સાંજે તમારું એક વખત ફરી ઉષ્માભર્યું સ્વાગત કરું છું. વેલ્કમ બેક! તમે બેંગલોરમાં ભારતીય ડાયસ્પોરાની ઉજવણી સમાન પ્રવાસી ભારતીય દિવસમાં મુખ્ય અતિથિ બનવાનું અમારું આમંત્રણ સ્વીકાર્યું છે, જે બદલ અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ. તમે વિશિષ્ટ નેતા છો. વિશિષ્ટ નેતા એ અર્થમાં કે તમારા પરિવારના મૂળિયા ભારતમાં રહેલા છે અને આવતીકાલે એક સફળ લીડર તરીકેની તમારી ઉત્કૃષ્ટ સિદ્ધિઓને બિરદાવવાની અમને તક મળશે. પોર્ટુગલે તમારા નેતૃત્વમાં કેટલીક સફળતા મેળવી છે, જે બદલ હું તમને અભિનંદન આપું છું. તમારા નેતૃત્વમાં પોર્ટુગલના અર્થતંત્રએ સ્થિર પ્રગતિ કરી છે અને તમારા દેશનું અર્થતંત્ર સાચી દિશામાં અગ્રેસર છે.

મિત્રો,

ભારત અને પોર્ટુગલે સહિયારા ઐતિહાસિક પાયા પર આધુનિક દ્વિપક્ષીય ભાગીદારીનું નિર્માણ કર્યું છે. આપણી ભાગીદારી વૈશ્વિક મુદ્દાઓ પર સમાન વિચારસરણી અને એકસરખા અભિગમથી મજબૂત થઈ છે. આ મુદ્દાઓમાં સંયુક્ત રાષ્ટ્ર સાથે સંબંધિત બાબતો સામેલ છે. આજે પ્રધાનમંત્રી કોસ્ટા સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે. તેમાં અમે ભારત અને પોર્ટુગલ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંબંધોની વિસ્તૃતપણે સમીક્ષા કરી હતી. અમે ચર્ચાવિચારણામાં સંમત થયા હતા કે બંને દેશોએ આપણી ભાગીદારીમાં આર્થિક તકોની સંપૂર્ણ સંભવિતતા સાકાર કરવા કાર્યલક્ષી અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. આજે થયેલી સમજૂતીઓ આપણા સંયુક્ત નિર્ધારનો એકમાત્ર સંકેત છે.

મિત્રો,

આપણા બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને વ્યાવસાયિક ભાગીદારીઓનું વિસ્તરણ આપણી સંયુક્ત પ્રાથમિકતા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ, સોલર અને પવન ઊર્જા તથા નવીનતાના ક્ષેત્રો આપણા બંને અર્થતંત્રો વચ્ચે મજબૂત વાણિજ્યિક સંબંધોનું નિર્માણ કરવાની તકો પૂરી પાડે છે. સ્ટાર્ટ-અપ્સ માટે ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આપણો અનુભવ દ્વિપક્ષીય જોડાણમાં આકર્ષક ક્ષેત્ર બની શકે છે. તે આપણા યુવાન ઉદ્યોગસાહસિકો વચ્ચે ફળદાયક ભાગીદારીનું નિર્માણ કરવા વિશિષ્ટ તકો પૂરી પાડે છે, જે આપણા બંને દેશના સમાજો માટે મૂલ્ય અને સંપત્તિ એમ બંનેનું સર્જન કરશે. મને ખાતરી છે કે સ્ટાર્ટ-અપ પોર્ટુગલ અને સ્ટાર્ટ-અપ ઇન્ડિયા વચ્ચે ભાગીદારી આપણને નવીનતા અને પ્રગતિ કરવા આપણા પારસ્પરિક આકાંક્ષાઓ સાકાર કરવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી કોસ્ટા અને હું સુરક્ષા અને સંરક્ષણના ક્ષેત્રમાં અમારી ભાગીદારીને મજબૂત કરવા પણ સંમત થયા હતા. આજે સંરક્ષણ સમજૂતીના સમજૂતીકરાર (એમઓયુ) પર પણ હસ્તાક્ષર થયા હતા, જે અમને પારસ્પરિક લાભ માટે આ ક્ષેત્રમાં આપણી ક્ષમતાઓનો લાભ લેવામાં મદદરૂપ થશે. આપણા દ્વિપક્ષીય સંબંધો માટે અન્ય એક ક્ષેત્ર રમતગમત પણ છે. મહામહિમ, અમે જાણીએ છીએ કે તમે ફૂટબોલના ચાહક છો. પોર્ટુગલ ફૂટબોલની રમત માટે જગપ્રસિદ્ધ છે અને ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતામાં ઝડપથી થઈ રહેલો વધારો રમતગમત સાથે સંબંધિત શાખાઓમાં નવી ભાગીદારી રચવા પાયો નાંખી શકે છે.

મિત્રો,

ભારત અને પોર્ટુગલ ઘણી આંતરરાષ્ટ્રીય બાબતો પર એકસરખો અભિપ્રાય ધરાવે છે. હું સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ માટે પોર્ટુગલના સતત સાથસહકાર માટે પ્રધાનમંત્રી કોસ્ટાનો આભાર માનું છું. અમે મિસાઇલ ટેકનોલોજી કન્ટોલ રેજાઇમ (એમટીસીઆર)ના સભ્યપદ માટે ભારતને ટેકો આપવા અને ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)ના સભ્યપદ માટે ભારતને સતત સમર્થન આપવા બદલ અમે પોર્ટુગલનો આભાર માનીએ છીએ. અમે વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહેલી હિંસા અને આતંકના જોખમ સામે વૈશ્વિક સમુદાયની મજબૂત અને તાત્કાલિક કામગીરી કરવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી.

મહામહિમ,

ભારત અને પોર્ટુગલ સહિયાર સાંસ્કૃતિક વારસો ધરાવે છે. અમે તમારા પિતા ઓર્લેન્ડો કોસ્ટાના પ્રદાનની પ્રશંસા કરીએ છીએ, જેમણે આ ધરતી અને ગોવાના નાગરિકો તથા ભારત-પોર્ટુગીઝ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આજે આપણે નૃત્યના બે સ્વરૂપોની ઉજવણી કરવા ટપાલ ટિકિટ બહાર પાડી હતી. નૃત્યના આ બંને સ્વરૂપોમાં એક પોર્ટુગીઝ અને એક ભારતીય છે, જે અમારા સાંસ્કૃતિક જોડાણોનું ઉત્તમ ઉદાહરણ છે.

મહામહિમ,

તમે આગામી બે દિવસમાં ભારતમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થવાનો અને પ્રવાસ કરવાનો એજન્ડા ધરાવો છો. હું તમને અને તમારા પ્રતિનિધિમંડળને બેંગાલુરુ, ગુજરાત અને ગોવામાં શ્રેષ્ઠ અનુભવ મળે એવી શુભેચ્છા પાઠવું છું. તમારી ગોવાની મુલાકાત યાદગાર બની રહે અને તમે તમારા પૂર્વજોના મૂળિયા સાથે ફરી જોડાઈ શકો તેવી ખાસ શુભેચ્છા પાઠવું છું.

ધન્યવાદ.

તમારો ખૂભ આભાર.

TR