Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેરિસમાં ભારત-ફ્રાંસ સીઈઓ ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પેરિસમાં ભારત-ફ્રાંસ સીઈઓ ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ભારત અને ફ્રાંસના ઉદ્યોગ જગતના અગ્રણીઓ,

આપ સૌને શુભેચ્છાઓ!

નમસ્તે! Bonjour!

આ રૂમમાં મને એક અદ્ભુત ઉર્જા, ઉત્સાહ અને ગતિશીલતાનો અનુભવ થાય છે. આ ફક્ત એક સામાન્ય વ્યવસાયિક ઘટના નથી. આ ભારત અને ફ્રાંસના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓનું સંગમ છે. સીઈઓ ફોરમનો હમણાં જ રજૂ કરાયેલો અહેવાલ આવકાર્ય છે. હું જોઉં છું કે તમે બધા ઇનોવેટ, કોલાબોરેટ અને એલેવેટના મંત્ર સાથે કામ કરી રહ્યા છો, તમે ફક્ત બોર્ડ રૂમ કનેક્શન્સ જ નથી બનાવી રહ્યા. તમે બધા ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીને પણ મજબૂત બનાવી રહ્યા છો.

મિત્રો,

મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન સાથે આ ફોરમમાં જોડાવાનો મને ખૂબ આનંદ છે. છેલ્લા 2 વર્ષમાં આ અમારી છઠ્ઠી બેઠક છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ મેક્રોન આપણા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન હતા. આજે સવારે અમે સાથે મળીને AI એક્શન સમિટનું સહ-અધ્યક્ષતાપદ સંભાળ્યું. આ સફળ શિખર સંમેલન માટે હું રાષ્ટ્રપતિ મેક્રોનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

મિત્રો,

ભારત અને ફ્રાંસ ફક્ત લોકશાહી મૂલ્યો દ્વારા જોડાયેલા નથી, પરંતુ આપણી મિત્રતાનો પાયો ઊંડા વિશ્વાસ, નવીનતા અને જન કલ્યાણની ભાવના પર આધારિત છે. આપણી ભાગીદારી ફક્ત બે દેશો પૂરતી મર્યાદિત નથી. અમે વૈશ્વિક સમસ્યાઓ અને પડકારોના ઉકેલ માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. મારી છેલ્લી મુલાકાત દરમિયાન અમે અમારી ભાગીદારી માટે 2047નો રોડમેપ બનાવ્યો હતો. તેના આધારે, અમે દરેક ક્ષેત્રમાં સહયોગને વ્યાપકપણે આગળ વધારી રહ્યા છીએ.

મિત્રો,

તમારામાંથી મોટાભાગની કંપનીઓ ભારતમાં પહેલેથી જ હાજર છે. એરોસ્પેસ, બંદરો, સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, ડેરી, રસાયણો અને કન્ઝ્યૂમર ગુડ્સ જેવા જેવા અલગ અલગ ક્ષેત્રથી તમે છો અને ખૂબ સક્રિય છો. મને ભારતમાં પણ ઘણા સીઈઓને મળવાની તક મળી છે. છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ફેરફારોથી તમે સારી રીતે વાકેફ છો. અમે સ્થિર રાજનીતિ અને અનુમાનિત નીતિઓ સાથે એક ઇકોસિસ્ટમ સ્થાપિત કરી છે. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના માર્ગ પર ચાલીને, આજે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. ટૂંક સમયમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. ભારતની કુશળ યુવા પ્રતિભા ફેક્ટરી અને નવીનતાની ભાવના વૈશ્વિક મંચ પર આપણી ઓળખ છે. આજે ભારત ઝડપથી વૈશ્વિક રોકાણ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. અમે ભારતમાં AI, સેમિકન્ડક્ટર અને ક્વોન્ટમ મિશન શરૂ કર્યા છે. સંરક્ષણમાં અમે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. તમારામાંથી ઘણા લોકો આ સાથે જોડાયેલા પણ છો.

આપણે અવકાશ ટેકનોલોજીમાં નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યા છીએ. આ ક્ષેત્ર FDI માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમે ઝડપથી ભારતને વૈશ્વિક બાયોટેક પાવરહાઉસમાં ફેરવી રહ્યા છીએ. અમારા માટે માળખાગત વિકાસ પ્રાથમિકતા છે, અને અમે તેના પર વાર્ષિક $114 બિલિયનથી વધુનો જાહેર ખર્ચ કરી રહ્યા છીએ. અમે મોટા પાયે રેલવે ટ્રેક બિછાવ્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેલવેનું આધુનિકીકરણ અને અપગ્રેડ કરી રહ્યા છીએ. અમે 2030 સુધીમાં 500 GWના નવીનીકરણીય ઉર્જા લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આ માટે અમે સૌર સેલ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. ક્રિટિકલ મિનરલ મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે, અમે હાઇડ્રોજન મિશન હાથ ધર્યું છે, આ માટે ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે. અમે 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. મને તમને જણાવતા આનંદ થાય છે કે આ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. અમે SMR અને AMR ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

મિત્રો,

આજે ભારત વૈવિધ્યકરણ અને ડી-રિસ્કિંગનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. થોડા દિવસ પહેલા અમારા બજેટમાં નવી પેઢીના સુધારા રજૂ કરવામાં આવ્યા છે. વ્યવસાય કરવાની સરળતા માટે નવા પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે 40,000થી વધુ કમ્પ્લાયન્સને તર્કસંગત બનાવ્યા છે. વિશ્વાસ આધારિત આર્થિક શાસનને આગળ વધારવા માટે, નિયમનકારી સુધારા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કસ્ટમ રેટ સ્ટ્રક્ચરને તર્કસંગત બનાવવામાં આવ્યું છે. ડિજિટલ જાહેર માળખાગત સુવિધાની મદદથી આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવા માટે ભારત ટ્રેડ નેટ શરૂ કરવામાં આવી રહ્યું છે. અમે જીવન જીવવાની સરળતા માટે એક નવો સરળ આવકવેરા કોડ લાવી રહ્યા છીએ. રાષ્ટ્રીય ઉત્પાદન મિશનની જાહેરાત કરવામાં આવી છે અને વીમા ક્ષેત્ર જેવા નવા ક્ષેત્રોને 100 ટકા FDI માટે ખોલવામાં આવ્યા છે. તમારે આ બધી પહેલોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. હું તમને બધાને કહું છું કે ‘આ સમય છે, ભારત આવવાનો યોગ્ય સમય’. દરેક વ્યક્તિની પ્રગતિ ભારતની પ્રગતિ સાથે જોડાયેલી છે,  આનું ઉદાહરણ ઉડ્ડયન ક્ષેત્રમાં જોવા મળ્યું છે. જ્યારે ભારતીય કંપનીઓએ વિમાનો માટે મોટા ઓર્ડર આપ્યા અને હવે જ્યારે અમે 120 નવા એરપોર્ટ ખોલવા જઈ રહ્યા છીએ. ત્યારે તમે પોતે ભવિષ્યની શક્યતાઓની કલ્પના કરી શકો છો.

મિત્રો,

ભારતના 1.4 અબજ લોકોએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. સંરક્ષણ હોય કે અદ્યતન ટેકનોલોજી, ફિનટેક હોય કે ફાર્મા, ટેક હોય કે કાપડ, કૃષિ હોય કે ઉડ્ડયન, આરોગ્ય સંભાળ હોય કે હાઇવે, અવકાશ હોય કે સતત વિકાસ આ બધા ક્ષેત્રોમાં તમારા બધા મિત્રો માટે રોકાણ અને સહયોગની અસંખ્ય શક્યતાઓ રહેલી છે. હું તમને બધાને ભારતની વિકાસ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપું છું. જ્યારે ફ્રાંસની કુશળતા અને ભારતનું કદ એક થશે, જ્યારે ભારતની ગતિ અને ફ્રાંસની ચોકસાઈ એક થશે, જ્યારે ફ્રાંસની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા એક થશે, ત્યારે ફક્ત વ્યવસાયિક ક્ષેત્ર જ નહીં પરંતુ વૈશ્વિક પરિવર્તન આવશે. ફરી એકવાર તમારો કિંમતી સમય કાઢીને અહીં આવવા બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com