પ્રણવ મુખર્જીએ કહ્યું, પ્રધાનમંત્રીએ લખેલો પત્ર હૃદયસ્પર્શી છે
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને ભારતના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળના અંતિમ દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પત્ર મળ્યો હતો, જે તેમણે વહેંચ્યો છે. શ્રી પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીનો પત્ર તેમના હૃદયને સ્પર્શી ગયો છે.
આ પત્ર નીચે પ્રસ્તુત છેઃ
નવી દિલ્હી
24 જુલાઈ, 2017
પ્રિય પ્રણવદા,
જ્યારે તમે તમારી વિશિષ્ટ અને ફળદાયક સફરનો નવો તબક્કો શરૂ કરવા જઈ રહ્યા છો, ત્યારે હું દેશની સેવામાં તમારા અમૂલ્ય પ્રદાન માટે, ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે તમારી કામગીરી બદલ તમારો આભાર માનું છું અને તમારા પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરું છું. તમે તમારી સાદગી, સરળતા, ઊંચા મૂલ્યો અને ઉત્કૃષ્ટ નેતૃત્વ સાથે અમને બધાને પ્રેરિત કર્યા છે.
ત્રણ વર્ષ અગાઉ ભારતના પ્રધાનમંત્રી તરીકે હું નવી દિલ્હી આવ્યો હતો. નવી દિલ્હીમાં હું આઉટસાઇડર એટલે કે દિલ્હીના રાજકીય વર્તુળોની બહારની વ્યક્તિ ગણાતો હતો. મારી સામે દેશની સેવાની મોટી કામગીરી હતી અને એટલો જ મોટો પડકાર હતો. આ સમયે તમે હંમેશા મારા માટે પિતાતુલ્ય બની રહ્યા અને મને માર્ગદર્શન આપ્યું હતું. તમારું શાણપણ, માર્ગદર્શન અને અંગત હૂંફથી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો અને મને વધારે તાકાત મળી હતી.
તમે માહિતી અને જાણકારીનો ખજાનો છો એ સર્વવિદિત છે. તમે નીતિગત મુદ્દાઓથી લઈને રાજકારણ, અર્થશાસ્ત્રથી લઈને વિદેશીનીતિ તથા સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જબરદસ્ત સૂઝ-સમજણ ધરાવો છે અને હું હંમેશા તેનાથી પ્રભાવિત થયો છું. તમારી બૌદ્ધિકતાએ મને અને મારી સરકારને સતત મદદ કરી છે.
તમે અતિ મિલનસાર, મળતાવડા, સંવેદનશીલ છો. તમે મારી કાળજી રાખી છે. એક વખત તમે મને ફોન કરીને કહ્યું હતું કે, “મને આશા છે કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો.” આખો દિવસ બેઠકો કે અભિયાન માટે પ્રવાસ કર્યા પછી તમારો એ ફોન મારા શરીરમાં નવઊર્જાનો સંચાર કરવા માટે પર્યાપ્ત હતો.
પ્રણવ દા, આપણા બંનેની રાજકીય સફર અલગ-અલગ રાજકીય પક્ષોમાં રહી છે. આપણી વિચારધારાઓ અલગ છે. આપણા અનુભવો પણ જુદા જુદા છે. મારો વહીવટી અનુભવ મારા રાજ્યનો હતો. તમે અમારા રાષ્ટ્રીય પક્ષ અને રાજકારણના દાયકાના સાક્ષી છો. છતાં આપણે એકસાથે ખભેખભો મિલાવીને કામ કરી શક્યા હતા એ તમારી સમજણ અને શાણપણને આભારી છે.
તમારી રાજકીય સફર અને તમારા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન તમે રાષ્ટ્રહિતને સર્વોપરી ગણ્યું હતું. તમે ભારતીય યુવા પેઢીની નવીનતા અને પ્રતિભાને પ્રોત્સાહન મળે એવી પહેલો અને એવા કાર્યક્રમો માટે રાષ્ટ્રપતિ ભવનના દ્વાર ખોલ્યા હતા.
તમે એવી પેઢીના નેતાઓમાં સામેલ છો, જેમના માટે રાજકારણ એટલે સમાજની નિઃસ્વાર્થ સેવા. તમે ભારતીયો માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત બની રહ્યા છો. ભારતને તમારા પર, રાષ્ટ્રપતિ પર ગર્વ થશે, જેઓ નમ્ર અને સરળ જનસેવક અને ઉત્કૃષ્ટ નેતા હતા.
તમારી ઉત્કૃષ્ટ કામગીરીનો વારસો હંમેશા અમારા માટે દીવાદાંડી બની રહેશે. અમે દરેકને સાથે રાખવાના તમારા લોકશાહી અભિગમમાંથી પ્રેરણા મેળવતા રહીશું, જે તમારા લાંબા અને દ્રષ્ટાંતરૂપ જાહેર જીવન દરમિયાન તમે વિકસાવ્યો છે. હું તમને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.
તમારા સાથસહકાર, પ્રોત્સાહન, માર્ગદર્શન અને તમારી પ્રેરણા બદલ તમારો એક વખત ફરી આભાર. થોડા દિવસ અગાઉ સંસદમાં તમારા વિદાય સમારંભમાં મારી પ્રશંસા કરવા બદલ તમારો ધન્યવાદ.
રાષ્ટ્રપતિ જી, તમારા પ્રધાનમંત્રી તરીકે તમારી સાથે કામ કરવા મળ્યું એ બદલ હું સન્માનની લાગણી અનુભવું છું!
જય હિંદ
આપનો સ્નેહાધીન,
(નરેન્દ્ર મોદી)
શ્રી પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિ, ભારત
AP/J.Khunt/TR/GP
Pranab Da, I will always cherish working with you. @CitiznMukherjee https://t.co/VHOTXzHtlM
— Narendra Modi (@narendramodi) August 3, 2017