Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએન પનિકર રીડિંગ ડે – રીડિંગ મન્થ ઉજવણીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

s20170617107706


રીડિંગ મન્થ સેલિબ્રેશન એટલે વાંચનમાસની ઉજવણીનું ઉદ્ઘાટન કરવાના પ્રસંગે અહીં તમારી વચ્ચે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. મને તેની ખુશી છે. હું આ પ્રકારના આયોજન માટે પી એન પનિકર ફાઉન્ડેશનનો આભાર માનું છું અને ફાઉન્ડેશનના સંચાલકોને અભિનંદન આપું છું. વાંચનથી વિશેષ ખુશી બીજી કોઈ હોઈ ન શકે અને જ્ઞાનથી મોટી તાકાત બીજી કોઈ નથી.

મિત્રો!

સાહિત્યના ક્ષેત્રમાં કેરળ સંપૂર્ણ દેશ માટે દિવાદાંડીરૂપ અને પ્રેરક છે.

સૌપ્રથમ 100 ટકા સાક્ષર શહેર અને પ્રથમ 100 ટકા સાક્ષર જિલ્લો કેરળનો છે. કેરળમાં તમામ નાગરિકોએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે અને 100 ટકા પ્રાથમિક શિક્ષણની સિદ્ધિ મેળવનાર કેરળ પ્રથમ રાજ્ય છે. વળી દેશની કેટલીક સૌથી જૂની કોલેજો, શાળાઓ અને પુસ્તકાલયો પણ કેરળમાં છે.

આ સિદ્ધિ સરકાર એકલા હાથે ન મેળવી શકે. આ નોંધપાત્ર સિદ્ધિ મેળવવામાં નાગરિકો અને સામાજિક સંગઠનોએ સક્રિય ભૂમિકા ભજવી છે. કેરળએ આ સંબંધમાં જનભાગીદારીમાં ઉદાહરણ સ્થાપિત કર્યું છે. હું સ્વ. શ્રી પી એન પનિકર જેવા લોકો અને તેમના ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવું છું. શ્રી પી એન પનિકર કેરળમાં પુસ્તકાલયનું નેટવર્ક ઊભું કરવા પાછળ પ્રેરક પરિબળ પણ હતા. તેમણે કેરળ ગ્રંથશાળા સંઘમ મારફતે આ કામગીરી કરી હતી, જેની સ્થાપના 1945માં 47 ગ્રામીણ પુસ્તકાલયો સાથે થઈ હતી.

મારું માનવું છે કે વાંચન અને જાણકારી કાર્ય સંબંધિત પાસા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. તે સામાજિક જવાબદારીની આદત વિકસાવવામાં, દેશની સેવા કરવામાં અને માનવતાલક્ષી કાર્યો કરવામાં મદદરૂપ થવી જોઈએ. તે સમાજ અને રાષ્ટ્રમાં અનિષ્ટ દૂર કરવા ઉપયોગી થવી જોઈએ. તે દેશની એકતા અને અખંડિતતાની સાથે શાંતિનો વિચાર ફેલાવવામાં સહાયભૂત થવી જોઈએ.

કહેવાય છે કે એક સાક્ષર મહિલા બે પરિવારને શિક્ષિત કરે છે. આ સંબંધમાં કેરળે ખરેખર પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મને જાણવા મળ્યું છે કે પી એન પનિકર ફાઉન્ડેશન અનેક સરકારી સંસ્થાઓ, ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને નાગરિક સભ્ય સમાજની સંસ્થાઓ સાથે સંયુક્તપણે વાંચનની પહેલ હાથ ધરવામાં મોખરે છે.

સંસ્થાનો લક્ષ્યાંક વર્ષ 2022 સુધીમાં 300 મિલિયન વંચિત લોકો સુધી પહોંચવાનો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધિ અને સમૃદ્ધિના માધ્યમ તરીકે વાંચનને પ્રોત્સાહન આપવાનો છે.

વાંચન વ્યક્તિની માનસિકતા કે વિચારસરણીને વિસ્તૃત બનાવે છે, તેને પાંખો આપે છે, તેને વિશાળ બનાવે છે. સારું વાંચન ધરાવતો નાગરિક સમુદાય ભારતને વૈશ્વિક સ્તરે ટોચ પર લઈ જવામાં મદદરૂપ થશે.

જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો, ત્યારે આ જ ભાવના સાથે મેં વાંચે ગુજરાત નામનું અભિયાન શરૂ કર્યું હતું. અંગ્રેજીમાં તેનો અર્થ “Gujarat Reads”થાય છે. મેં લોકોને વાંચન માટે પ્રોત્સાહિત કરવા સરકારી પુસ્તકાલયોની મુલાકાત લીધી હતી. આ અભિયાનનો આશય ખાસ કરીને યુવા પેઢીને વાંચન તરફ વાળવાનો હતો. મેં નાગરિકોને તેમના ગામમાં “ગ્રંથમંદિર”નું નિર્માણ કરવા વિનંતી પણ કરી હતી. તેની શરૂઆત 50થી 100 પુસ્તકોથી થઈ શકે છે.

મેં લોકોને ભેટમાં ગુલદસ્તો આપવાનો બદલે પુસ્તક આપવાની અપીલ કરી હતી. આ પ્રકારનું પગલું બહુ મોટો ફરક પેદા કરી શકે છે.

મિત્રો!

ઉપનિષદ યુગથી લઈને અત્યાર સુધી જ્ઞાની પુરુષોને સમાજમાં માનસન્માન મળ્યું છે. અત્યારે આપણે માહિતી યુગમાં જીવીએ છીએ. અત્યારે પણ જ્ઞાન, માહિતી કે જાણકારી દિવાદાંડીરૂપ છે.

મને જણાવવામાં આવ્યું છે કે ડિજિટલ લાઇબ્રેરીના પાયલોટ પ્રોજેક્ટ તરીકે પનિકર ફાઉન્ડેશન નવી દિલ્હીની ઇન્ડિયન પબ્લિક લાયબ્રેરી મૂવમેન્ટ સાથે જોડાણમાં રાજ્યમાં 18 સરકારી પુસ્તકાલયો સાથે કામ કરે છે.

હું આ પ્રકારના વાંચન અને પુસ્તકાલયનું અભિયાન સમગ્ર દેશમાં જોવા ઇચ્છું છું. અભિયાનનો ઉદ્દેશ લોકોને સાક્ષર બનાવવા પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. અભિયાનથી સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવાના વાસ્તવિક લક્ષ્યાંકો હાંસલ થવા જોઈએ. જ્ઞાનના પાયામાંથી સમાજના ઉત્તમ માળખાનું સર્જન થવું જોઈએ.

મને જાણીને આનંદ થયો છે કે, રાજ્ય સરકારે 19 જૂનને વાંચન દિવસ જાહેર કર્યો છે. ચોક્કસ, આ લોકપ્રિય પ્રવૃત્તિ કરવા અનેક પ્રયાસોનો સમન્વય થશે.

ભારત સરકાર ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓનું સમર્થન પણ કરે છે. મને જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં ફાઉન્ડેશનને આશરે 1.20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

મને એ જાણીને પણ આનંદ થયો છે કે હવે ફાઉન્ડેશન ડિજિટલ સાક્ષરતા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેની અત્યારે જરૂર છે.

મિત્રો!

હું જનશક્તિમાં માનું છું. તે શ્રેષ્ઠ સમાજ અને દેશનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે.

હું શ્રોતાઓમાં હાજર દરેક યુવાન વ્યક્તિને વાંચનની પ્રતિજ્ઞા કરવાની અપીલ કરું છું. અને દરેકને વાંચન માટે પ્રેરિત કરવાની કામગીરી કરવાની વિનંતી કરું છું.

સંયુક્તપણે આપણે ભારતને ફરી જ્ઞાન, ડહાપણ, શાણપણ અને માહિતીનું સ્વર્ગ બનાવી શકીએ.

તમારો આભાર!

TR