Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલય ખાતે પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મંચ પર બિરાજમાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાજી, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રીમાન કેસરી નાથજી ત્રિપાઠી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીજી, વિશ્વભારતીના ઉપાચાર્ય પ્રૉ. સબૂઝ કોલીસેનજી અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ ઈન્સ્ટીટ્યુટના ઉપાચાર્ય પૂજ્ય સ્વામી આત્મપ્રિયાનંદજી અને અહિં ઉપસ્થિત વિશ્વભારતીના અધ્યાપક ગણ અને મારા પ્રિય યુવા સાથીદારો.

હું સૌથી પહેલાં વિશ્વભારતીના કુલપતિ હોવાને નાતે આપ સૌની ક્ષમા માંગુ છું, કારણ કે હું જ્યારે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મને કેટલાંક બાળકોએ જણાવ્યું કે અહિં પીવાનું પાણી પણ નથી. આપ સૌને જે અગવડ પડી છે તે બદલ કુલપતિ હોવાને નાતે મારી એ જવાબદારી છે અને એટલા માટે હું સૌથી પહેલાં તમારા બધાંની ક્ષમા માંગુ છું.

પ્રધાનમંત્રી હોવાન કારણે મને દેશના ઘણાં વિશ્વવિદ્યાલયોના પદવીદાન સમારંભોમાં ભાગ લેવાની મને તક મળી છે. ત્યાં મારી ઉપસ્થિતિ અતિથિ તરીકેની હોય છે, પરંતુ હું અહિંયા એક અતિથિ તરીકે નહીં, પણ આચાર્ય એટલે કે કુલપતિ હોવાને નાતે તમારી વચ્ચે આવ્યો છું. અહિં મારી જે ભૂમિકા છે તે મહાન લોકતંત્રને કારણે છે, પ્રધાનમંત્રી પદના કારણે છે. જો કે લોકતંત્ર પણ પોતાની રીતે એક આચાર્ય જ છે, જે સવા સો કરોડથી વધુ આપણાં દેશવાસીઓને અલગ-અલગ માધ્યમોથી પ્રેરણા આપે છે. લોકતાંત્રિક મૂલ્યો બાબતે જે કોઈ વ્યક્તિ જાણકાર હોય અને શિક્ષિત હોય છે તે શ્રેષ્ઠ ભારત અને શ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણમાં સહાયક બને છે.

આપણે ત્યાં કહેવામાં આવે છે કે आचार्यत विद्याविहिता साघिष्ठतम प्राप्युति इति એટલે કે આચાર્યની પાસે ગયા વિના વિદ્યા, શ્રેષ્ઠતા અને સફળતા મળી શકતી નથી. મારૂં એ સૌભાગ્ય છે કે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની આ પવિત્ર ભૂમિ પર આટલા આચાર્યોની વચ્ચે મને આજે થોડોક સમય વિતાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

જેવી રીતે કોઈ મંદિરના પ્રાંગણમાં તમને મંત્રોચ્ચારની ઊર્જાનો અનુભવ થતો હોય છે, તેવો જ અનુભવ હું વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં કરી રહ્યો છું. હું જ્યારે કારમાંથી ઉતરીને મંચ તરફ આવી રહ્યો હતો ત્યારે દરેક કદમે હું વિચારી રહ્યો હતો કે ક્યારેક આ ભૂમિ પર અહિંના કણ-કણ પર ગુરૂદેવના પગલાં પડ્યા હશે. અહિંયા આસપાસ બેસીને તેમણે શબ્દોને કાગળ ઉપર ઉતાર્યા હશે. ક્યારેક કોઈ ધૂન અને કોઈ સંગીત ગણગણ્યાવ્યું હશે. ક્યારેક મહાત્મા ગાંધી સાથે લાંબી ચર્ચા પણ કરી હશે, ક્યારેક કોઈ વિદ્યાર્થીને જીવનનો, ભારતનો, રાષ્ટ્રના સ્વાભિમાનનો અર્થ પણ સમજાવ્યો હશે.

સાથીઓ, આજે આ પ્રાંગણમાં આપણે બધા પરંપરા નિભાવવા માટે એકઠા થયા છીએ. આ અમરકુંજ લગભગ એક સદીથી આવા ઘણાં અવસરોની સાક્ષી બની છે. વિતેલાં ઘણાં વર્ષોથી તમે અહિંયા જે શિખ્યા છો તેનો એક મુકામ અહિં પૂરો થાય છે. તમારામાંથી જે લોકોને આજે જે પદવી મળી છે તેમને હું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું અને ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તમારી આ પદવી, તમારી શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણપત્ર છે અને એ સંબંધે જ તે ખૂબ મહત્વનું છે. પરંતુ તમે અહિંયા માત્ર પદવી જ પ્રાપ્ત કરી છે તેવું નથી. તમે અહિંયાથી જે શિખ્યા છો, તમે જે પ્રાપ્ત કર્યું છે તે અણમોલ છે. તમે એક સમૃદ્ધ વારસાના વારસદાર છો. તમારો સંબંધ એક એવી ગુરૂ શિષ્ય પરંપરા સાથે છે તે જેટલી જૂની છે, તેટલી જ આધુનિક પણ છે.

વૈદિક અને પૌરાણિક કાળમાં જેનું આપણાં ઋષિમુનિઓએ સિંચન કર્યું છે તેને આધુનિક ભારતમાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર જેવા મહામુનિઓએ આગળ ધપાવ્યું છે. આજે તમને જે સપ્તપરિણયનો ગુચ્છ આપવામાં આવ્યો છે તે માત્ર પત્તા જ નથી, પરંતુ એક મહાન સંદેશ છે. પ્રકૃતિ કેવી રીતે આપણને એક મનુષ્ય તરીકે, એક રાષ્ટ્ર તરીકે ઉત્તમ શિખામણ આપી શકે છે તેનો તે પરિચય આપે છે અને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. આ એક અજોડ સંસ્થાની પાછળની જે ભાવના છે તે ગુરૂદેવની વિચારધારા છે અને તે વિશ્વભારતીની આધારશિલા બની રહી છે.

ભાઈઓ અને બહેનો, यत्र विश्वम भवेतेक निरम એટલે કે સમગ્ર વિશ્વ પંખીનો એક માળો છે, એક ઘર છે. વેદોની શિખામણને ગુરૂદેવે એક અત્યંત કિંમતી ખજાના તરીકે વિશ્વભારતીનું ધૈય વાક્ય બનાવ્યું છે. આ વેદ મંત્રમાં ભારતની સમૃદ્ધ પરંપરાનો સાર છૂપાયેલો છે. ગુરૂદેવ ઈચ્છતા હતા કે આ જગ્યા ઉદ્ઘોષણા બને કે સમગ્ર વિશ્વ જેને પોતાનું ઘર માને. પંખીના માળા અને ઘરને અહીં એક જ સ્વરૂપે ઓળખવામાં આવે છે. જ્યાં સમગ્ર વિશ્વના હિતની ભાવના રાખવામાં આવતી હોય તે એક ભારતીયતા છે. અહિં वसुधैव कुटुम्बकम् ની ભાવનાનું પાલન થાય છે, જે હજારો વર્ષોથી ભારતની ભૂમિ પર ગુંજતી રહી છે અને આ મંત્ર માટે જ ગુરૂદેવે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધુ હતું.

સાથીઓ, હજારો વર્ષોથી વેદો અને ઉપનિષદોની ભાવનાને સાર્થક માનવામાં આવે છે તેટલી જ, 100 વર્ષ પહેલાં ગુરૂદેવ શાંતિ નિકેતનમાં પધાર્યા ત્યારે માનવામાં આવતી હતી. આજે 21મી સદીના પડકારોથી ઝઝૂમતા વિશ્વ માટે તે એટલી જ પ્રાસંગિક છે. આજે સીમાઓના બંધનમાં બંધાયેલા રાષ્ટ્રો એક સચ્ચાઈ છે, પરંતુ એ વાત પણ સાચી છે કે આ ભૂમિખંડની મહાન પરંપરા, જે આજે દુનિયામાં વૈશ્વિકરણ સ્વરૂપે જીવિત છે. આજે આપણી વચ્ચે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાજી પણ હાજર છે. કદાચ, ક્યારેક જ એવો મોકો આવ્યો હશે કે જ્યારે એક પદવીદાન સમારંભમાં બે દેશના પ્રધાનમંત્રીઓ હાજર રહ્યા હોય.

ભારત અને બાંગ્લાદેશ બે રાષ્ટ્ર છે, પરંતુ એક બીજા સાથે આપણાં હિત સમન્વય અને સહયોગ દ્વારા જોડાયેલા છે. સંસ્કૃતિ હોય કે જાહેર નીતિ હોય, આપણે એક બીજા પાસેથી ઘણું બધુ શીખી શકીએ તેમ છીએ. એનું જ એક ઉદાહરણ બાંગ્લાદેશ ભવન છે, જેનું થોડાવાર પછી અમે બંને ત્યાં જઈને ઉદ્દઘાટન કરવાના છીએ. આ ભવન પણ ગુરૂદેવના દ્રષ્ટિકોણનું એક પ્રતિબિંબ છે.

સાથીઓ, હું ઘણીવાર પરેશાન થઈ જાઉં છું. જ્યારે હું જોઉં છું કે ગુરૂદેવના વ્યક્તિત્વનો જ નહીં, પરંતુ તેમની યાત્રાઓનો વિસ્તાર પણ કેટલો વ્યાપક હતો. મારી વિદેશ યાત્રા દરમ્યાન મને અનેક એવા લોકો મળે છે જે જણાવે છે કે ટાગોર કેટલાક વર્ષો પહેલાં તેમના દેશમાં આવ્યા હતા. એ દેશોમાં આજે પણ ખૂબ જ સન્માનની સાથે ગુરૂદેવને યાદ કરવામાં આવે છે. લોકો ટાગોરની સાથે પોતાને જોડવાનો પ્રયત્ન કરતા હોય છે.

આપણે જો અફઘાનિસ્તાન જઈએ તો કાબુલીવાળાની વાર્તાનો ઉલ્લેખ દરેક અફઘાનિસ્તાની કરતો હોય છે અને આવો ઉલ્લેખ ખૂબ જ ગર્વ સાથે કરતો હોય છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારેહું કઝાકિસ્તાન ગયો ત્યારે મને ત્યાં ગુરૂદેવની એક મૂર્તિનું લોકાર્પણ કરવાની તક પણ પ્રાપ્ત થઈ હતી. ગુરૂદેવ માટે ત્યાંના લોકોમાં મને જે આદર ભાવ જોવા મળ્યો તેને હું ક્યારેય પણ ભૂલી શકું તેમ નથી.

દુનિયાના અનેક વિશ્વવિદ્યાલયોમાં ટાગોર આજે પણ અભ્યાસનો વિષય છે. તેમના નામની પદવી પણ હોય છે અને જો હું જણાવીશ કે ગુરૂદેવ આવા પ્રથમ વૈશ્વિક નાગરિક હતા અને આજે પણ છે એવું કહેવામાં કશું ખોટુ નથી. આજે આ પ્રસંગે તેમનો ગુજરાત સાથે જે નાતો હતો, તેનું વર્ણન કરવાનો લોભ હું રોકી શકતો નથી. ગુરૂદેવનો ગુજરાત સાથે પણ એક વિશેષ નાતો રહેલો છે. તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર કે જે સનદી સેવામા જોડાનાર પ્રથમ ભારતીય હતા. તે ઘણો સમય અમદાવાદમા પણ રોકાયા હતા. સંભવતઃ એ સમયે તેઓ અમદાવાદના કમિશ્નર તરીકે કામ કરતા હતા. અને મેં ક્યાંક વાંચ્યું પણ છે કે અભ્યાસ માટે ઈંગ્લેન્ડ જતાં પહેલાં સત્યેન્દ્રનાથજીએ 6 મહિના સુધી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ ત્યાં અમદાવાદમાં જ કરાવ્યો હતો. ગુરૂદેવની ઉંમર ત્યારે માત્ર 17 વર્ષની હતી. એ સમયગાળા દરમિયાન ગુરૂદેવે પોતાની લોકપ્રિય નવલકથા ખુદિતોપાશાનના કેટલાંક મહત્વપૂર્ણ ભાગ અને કેટલીક કવિતાઓની રચના અમદાવાદમાં રહીને કરી હતી. આનો અર્થ એ થાય કે ગુરૂદેવને વૈશ્વિક પટલ પર સ્થાપિત કરવામાં એક નાની સરખી ભૂમિકા હિંદુસ્તાનના દરેક ખૂણે રહેલી છે, તેમાં ગુજરાત પણ એક છે.

સાથીઓ, ગુરૂદેવ માનતા હતા કે દરેક વ્યક્તિનો જન્મ કોઈને કોઈ ધ્યેયની પ્રાપ્તિ માટે જ થયો હોય છે. દરેક બાળક પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી શકે તે માટે તેને યોગ્ય બનાવવામાં શિક્ષણનું મહત્વપૂર્ણ યોગદાન રહે છે. તે બાળકો માટે કેવું શિક્ષણ ઈચ્છતા હતા તેની એક ઝલકનો તેમની કવિતા પાવર ઑફ એફેક્શનમાં આપણે અનુભવ કરી શકીએ છીએ. તે કહેતા હતા કે વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવે છે તેને જ માત્ર શિક્ષણ ગણી શકાય નહીં. શિક્ષણ તો વ્યક્તિના દરેક પાસાંનો સમતોલ વિકાસ છે, જેને સમય અને સ્થળના બંધનમાં બાંધી શકાય તેમ નથી. અને એટલા માટે જ ગુરૂદેવ હંમેશા ઈચ્છતા હતા કે ભારતીય વિદ્યાર્થીઓ બહારની દુનિયામાં પણ જે કાંઈ બની રહ્યું છે તેનાથી સારી રીતે પરિચિત હોવા જોઈએ. બીજા દેશોના લોકો કેવી રીતે રહે છે, તેમના સામાજિક મૂલ્યો શું છે, તેમનો સાંસ્કૃતિક વારસો કેવો છે, આ બધી બાબતોની જાણકારી મેળવવા બાબતે તેઓ હંમેશા ભારપૂર્વક આગ્રહ રાખતા હતા અને તેની સાથે-સાથે તે એવું પણ કહેતા કે ભારતીયતા ભૂલવી જોઈએ નહીં.

મને કહેવામાં આવ્યું છે કે એક વખત અમેરિકામાં ખેતી અંગેનો અભ્યાસ કરવા માટે ગયેલા પોતાના જમાઈને ચિઠ્ઠી લખીને તેમણે એ બાબત ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવી હતી અને ગુરૂદેવે પોતાના જમાઈને લખ્યું હતું કે ત્યાં માત્ર ખેતી અંગેનો જ અભ્યાસ કરવામાં આવે તે પૂરતું નથી, પરંતુ સ્થાનિક લોકો સાથે હળવું મળવું તે પણ તમારા શિક્ષણનો એક ભાગ છે અને આગળ લખ્યું હતું કે જો ત્યાંના લોકોને જાણવા જતાં તમે પોતે ભારતીય હોવાની ઓળખ ગૂમાવી દો તો બહેતર છે કે ખંડને તાળુ લગાવીને તેની અંદર જ રહેવું જોઈએ.

ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં ટાગોરની આ શૈક્ષણિક અને ભારતીયતામાં ઓતપ્રોત વિચારધારાને કારણે એક અંતર ઊભું થયું હતું. તેમનું જીવન રાષ્ટ્રીય અને વૈશ્વિક વિચારોના સમાવેશ સ્વરૂપ હતુ અને તે આપણી જૂની પરંપરાઓનો એક હિસ્સો પણ હતું. એ પણ એક કારણ રહ્યું છે કે તેમણે અહીં વિશ્વભારતીમાં એક અલગ દુનિયાનું સર્જન કર્યું છે. સાદાઈ, એ અહિંના શિક્ષણનો એક મૂળભૂત સિદ્ધાંત છે. વર્ગો અહિંયા ખૂલ્લી હવામાં વૃક્ષોની નીચે ચલાવવામાં આવે છે, જ્યાં મનુષ્ય અને કુદરતની વચ્ચે સીધો સંવાદ થાય છે. સંગીત, ચિત્રકલા, નાટ્ય અભિનય સહિત માનવ જીવનના જેટલા પણ પાસાં છે તેને પ્રકૃતિના ખોળે બેસીને નિખારવામાં આવે છે.

મને આનંદ છે કે જે સપનાંઓ સાથે ગુરૂદેવે આ મહાન સંસ્થાનો પાયો નાંખ્યો હતો અને તેને પૂરા કરવાની દિશામાં એ નિરંતર આગળ વધી રહી છે. શિક્ષણને કૌશલ્ય વિકાસની સાથે જોડીને તેના માધ્યમથી સામાન્ય માનવીના જીવનસ્તરને ઊંચે લઈ જવાનો તેમણે જે પ્રયાસ કર્યો છે તે પ્રશંસાપાત્ર છે.

મને કહેવામાં આવ્યું છે કે અહિંયા લગભગ 50 ગામડાંમાં તમે લોકોએ સાથે મળીને તે ગામો સાથે જોડાઈને વિકાસ અને સેવાના કામ કરી રહ્યા છો. મને જ્યારે તમારા આ પ્રયાસ બાબતે જાણ કરવામાં આવી ત્યારે મારી આશાઓ અને આકાંક્ષાઓ થોડીક વધી ગઈ છે અને આશા એના માટે જ વધે છે કે જે કંઈક કરતાં હોય છે. તમે તે કર્યું છે એટલા માટે તમારા માટે મારી અપેક્ષાઓ થોડી વધી ગઈ છે.

મિત્રો, 2021માં આ મહાન સંસ્થાને 100 વર્ષ પૂરા થવાના છે. આજે તમે જે પ્રયાસ 50 ગામડાંઓમાં કરી રહ્યા છો તેને હવે પછીના બે-ત્રણ વર્ષમાં તમે 100 થી 200 ગામડાઓ સુધી લઈ જઈ શકો છો. મારો એ આગ્રહ છે કે પોતાના પ્રયાસોને દેશની જરૂરિયાતની સાથે વિશેષ પ્રમાણમાં જોડવા જોઈએ. જેવી રીતે તમે એક સંકલ્પ લો છો કે વર્ષ 2021માં જ્યારે આ સંસ્થાની આપણે શતાબ્દિ મનાવીશું ત્યારે 2021 સુધીમાં એવા 100 ગામડાં વિકસીત કરીશું કે જ્યાં ઘરમાં વીજળીનું જોડાણ હશે, ગેસનું જોડાણ હશે, શૌચાલય હશે, માતાઓ અને બાળકોનું રસીકરણ થયું હશે. ઘરનાં લોકોના વ્યવહારો ડિજિટલ લેવડ-દેવડથી થતા હશે. તેમણે કોમન સર્વિસ સેન્ટર પર જઈને મહત્વના ફોર્મ ઓનલાઈન ભરવાનું પણ આવડતું હશે.

તમને એ બાબતની પણ સારી રીતે ખબર છે કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવેલા ગેસના જોડાણો અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવેલા શૌચાલયોને કારણે મહિલાઓનું જીવન સરળ બન્યું છે. ગામડાંમાં તમારા પ્રયાસ શક્તિની ઉપાસક એવી આ ભૂમિમાં નારી શક્તિને સશક્ત કરવાનું કામ કરશે અને તે ઉપરાંત પણ કેટલાંક પ્રયાસો થઈ શકે છે, જેમાં 100 ગામડાઓના પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિ પૂજન ગામ કઈ રીતે બનાવી શકાય. જેવી રીતે તમે પ્રકૃતિની સુરક્ષા કરવાનું કામ કરી રહ્યા છો તે જ રીતે આ ગામો પણ તમારા અભિયાનનો એક હિસ્સો બની રહેવા જોઈએ. એટલે કે એ 100 ગામ એ વિઝનને આગળ ધપાવે અને ત્યાં જળ સંગ્રહની પૂરતી વ્યવસ્થાઓ ગોઠવાય અને ત્યાં જળ સંરક્ષણનું કામ થતું હોય. લાકડાં નહીં સળગાવીને વાયુ સંરક્ષણનું કામ થતું હોય. સ્વચ્છતાનું ધ્યાન રાખીને કુદરતી ખાતરનો ઉપયોગ કરીને ભૂમિ સંરક્ષણ કરવામાં આવતું હોય.

ભારત સરકારની ગોબર ધન યોજના નો ભરપૂર લાભ ઉઠાવી શકાય તેમ છે. આવા તમામ કાર્યોનું એક ચેક લિસ્ટ બનાવીને તમે આવા કામ પૂર્ણ કરી શકો છો.

સાથીઓ, આજે આપણે એક અલગ વિષય પર, અલગ જ પડકારોની વચ્ચે જીવી રહ્યા છીએ. સવા સો કરોડ દેશવાસીઓએ વર્ષ 2022 સુધી જ્યારે આઝાદીની 75 વર્ષ થશે ત્યારે નવા ભારતની રચનાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ સિદ્ધ કરવામાં શિક્ષણ અને શિક્ષણ સાથે જોડાયેલા તમે સૌ મહાન સંસ્થામાં મહત્વની ભૂમિકા બજાવી શકો તેમ છો. આવી સંસ્થાઓમાં તૈયાર થયેલા નવયુવાનો દેશને નવી ઊર્જા આપે છે. એક નવી દિશા આપે છે. આપણાં વિશ્વવિદ્યાલયો માત્ર શિક્ષણની સંસ્થાઓ ન બને, પરંતુ સામાજિક જીવનમાં પણ તેમની સક્રિય ભાગીદારી હોય તે માટેનો પ્રયાસ નિરંતર ચાલુ રાખવામાં આવે છે.

સરકાર દ્વારા ઉન્નત ભારત અભિયાન હેઠળ વિશ્વ વિદ્યાલયોને ગામડાંઓના વિકાસની સાથે જોડવામાં આવી રહ્યા છે. ગુરૂદેવના વિઝનની સાથે-સાથે નૂતન ભારતની આવશ્યકતાઓ અનુસાર આપણી શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે.

આ બજેટમાં શિક્ષણ અંગેની માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટે (આરઆઇએસઈ) RISE નામની એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ હવે પછીના 4 વર્ષમાં દેશની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. શૈક્ષણિક નેટવર્કની વૈશ્વિક પહેલ (Global Initiative of Academic Network) એટલે કે જ્ઞાન શરૂ કરવામાં આવી છે. તેના માધ્યમથી ભારતીય સંસ્થાઓમાં ભણાવવા માટે દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે રૂ. 1000 કરોડનાં રોકાણની સાથે સાથે ઉચ્ચ શિક્ષણ માટે ફાયનાન્સિંગ એજન્સી પણ શરૂ કરવામાં આવી છે. તેનાથી ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ ગુણવત્તા ધરવાતી માળખાગત સુવિધાઓના રોકાણમાં મદદ મળશે. નાની ઉંમરે જ નવોન્મેષ માટેનું માનસ તૈયાર કરવા માટેની દિશામાં આપણે દેશભરમાં 2400 શાળાઓની પસંદગી કરી છે. આ શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબના માધ્યમથી આપણે ધોરણ 6 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પર ધ્યાન આપીને તેમને આ પ્રયોગશાળાઓમાં આધુનિક ટેકનોલોજીનો પરિચય કરાવવામાં આવે છે.

સાથીઓ, તમારી આ સંસ્થા શિક્ષણમાં નવીનીકરણ માટેનું જીવંત ઉદાહરણ છે. હું એવું ઈચ્છું કે વિશ્વાભારતીના 11000થી વધુ વિદ્યાર્થીઓએ નવીનીકરણને ઉત્તેજન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓનો વધુમાં વધુ લાભ ઉઠાવવો જોઈએ. તમે સૌ અહીંથી અભ્યાસ કરીને બહાર નિકળી રહ્યા છો. ગુરૂદેવના આશિર્વાદથી તમને એક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો છે. તમે તમારી સાથે વિશ્વભારતીની ઓળખ લઈને જઈ રહ્યા છો. મારો એ આગ્રહ છે કે તમારા આ ગૌરવને ઉપર લઈ જવા માટે તમે નિરંતર પ્રયાસ કરતા રહો. જ્યારે સમાચારોમાં આવે છે કે સંસ્થાના વિદ્યાર્થીઓએ પોતાના સંશોધનના માધ્યમથી, પોતાના કાર્યોથી 500 અથવા 1000 લોકોનું જીવન બદલી નાખ્યું છે, તો લોકો એ સંસ્થાને પણ નમન કરે છે.

તમે યાદ રાખો કે ગુરૂદેવ જે કહ્યું હતું તે जोदि तोर दक शुने केऊ ना ऐशे तबे एकला चलो रे એટલે કે તમારી સાથે ચાલવા માટે કોઈ તૈયાર ન હોય તો પણ તમે તમારા ધ્યેય તરફ એકલા આગળ વધતા રહો. આજે હું અહિં આ જગ્યાએથી કહી રહ્યો છું કે જો તમે એક કદમ આગળ વધશો તો સરકાર 4 કદમ આગળ ચાલવા તૈયાર છે.

જન ભાગીદારીની સાથે આગળ વધતાં કદમ જ આપણાં દેશને 21મી સદીના એ પડાવ સુધી લઈ જઈ શકશે, જેનું તે અધિકારી છે. જેનું સપનું ગુરૂદેવે પણ જોયું હતું.

સાથીઓ, ગુરૂદેવે પોતાના દેહાંતના થોડાક સમય પહેલાં ગાંધીજીને જણાવ્યું હતું કે વિશ્વભારતી એક એવુ જહાજ છે કે જેમાં તેમના જીવનનો ખૂબ જ મૂલ્યવાન ખજાનો રાખવામાં આવ્યો છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે ભારતના લોકો તરીકે આપણે સૌ સાથે મળીને આ બહુમૂલ્ય ખજાનાને સાચવી રાખીશું. આ ખજાનાને માત્ર સાચવવાનો જ નથી, પણ તેને સમૃદ્ધ બનાવવાની પણ ઘણી મોટી જવાબદારી આપણા પર છે. વિશ્વભારતી, વિશ્વવિદ્યાલય નૂતન ભારતની સાથે સાથે વિશ્વને પણ નવા માર્ગો દર્શાવતી રહેશે તેવી શુભેચ્છા સાથે હું મારી વાત અહિં સમાપ્ત કરૂં છું.

તમે, આ સંસ્થા તથા દેશના સપનાંને સાકાર કરી શકો તે માટે તમને તથા તમારા માતા- પિતાને વધુ એકવાર ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

NP/J.Khunt/GP/RP