Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

“પરીક્ષા પે ચર્ચા 2024″માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

“પરીક્ષા પે ચર્ચા 2024″માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


નમસ્તે,

હમણાં જ હું, આપણા તમામ વિદ્યાર્થી સાથીઓએ કંઈક ને કંઈક નવીનતાઓ કરી છે અને અલગ-અલગ પ્રકારની આકૃતિઓ બનાવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આકૃતિમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. જળ, જમીન, આકાશ અને અવકાશ અને AI આ તમામ ક્ષેત્રોમાં દેશની ભાવિ પેઢી શું વિચારે છે, તેમની પાસે કેવા કેવા ઉકેલો છે, એ તમામ વસ્તુઓ મને જોવાની તક મળી. એવું લાગતું હતું કે જો મારી પાસે 5-6 કલાક હોત તો તે પણ ઓછા પડ્યા હોત, કારણ કે બધાએ એક એકથી ચઢિયાતી પ્રસ્તુતિ આપી છે. તેથી હું તે વિદ્યાર્થીઓને, તેમના શિક્ષકોને, તેમની શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હું તમને એ પણ વિનંતી કરું છું કે જતા પહેલા તમારે એ પ્રદર્શન અવશ્ય જોવું જોઈએ અને એમાં શું છે તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તમારી શાળામાં પાછા ગયા પછી તમારે તમારા અનુભવો અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરવા જ જોઈએ, કરશો? આ બાજુથી અવાજ આવ્યો, પેલી બાજુથી અવાજ આવ્યો નહીં, કરશો? મારો અવાજ સંભળાય છે ને…. સારું.

તમને ખબર છે, તમે ક્યાં આવ્યા છો. તમે એ સ્થાન પર આવ્યા છો જ્યાં ભારત મંડપમ્‌ની શરૂઆતમાં વિશ્વના મોટા મોટા દિગ્ગજ  નેતાઓ 2 દિવસ બેઠા હતા અને વિશ્વનાં ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી, આજે તમે તે જગ્યાએ છો. અને આજે તમે તમારી પરીક્ષાઓની ચિંતા કરવાની સાથે સાથે ભારતનાં ભવિષ્ય વિશે ચર્ચા કરવાના છો. અને એક રીતે, પરીક્ષા પે ચર્ચા, આ કાર્યક્રમ મારા માટે પણ એક પરીક્ષા હોય છે. અને તમારામાંના ઘણા એવા લોકો છે જેઓ કદાચ મારી પરીક્ષા લેવા માગતા હશે. એવા કેટલાક લોકો હશે જેમને ખરેખર લાગતું હશે કે કેટલીક વસ્તુઓ એવી રીતે પૂછવી જોઈએ કે જેનો ઉકેલ પોતાને પણ મળે, બીજાને પણ મળે. બની શકે કે અમે કદાચ બધા પ્રશ્નોને તો સંબોધી ન શકીએ, પરંતુ મોટા ભાગે એ સવાલોને કારણે ઘણા ઘણા સાથીઓનું સમાધાન થઈ જશે. તો ચાલો, વધુ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. ક્યાંથી શરૂઆત કરવી છે?

પ્રસ્તુતકર્તા– પ્રધાનમંત્રીજી. તમારા પ્રેરણાદાયી શબ્દો માટે હૃદયપૂર્વક આભાર.

યહી જજ્બા રહા તો મુશ્કિલોં કા હલ નિકલેગા,

જમીં બંજર હુઈ તો ક્યા, વહી સે જલ નિકલેગા,

કોશિશ જારી રખ કુછ કર ગુજરને કી,

ઈન્હીં રાતોં કે દામન સે સુનહરા કલ નિકલેગા,

ઈન્હીં રાતોં કે દામન સે સુનહરા કલ નિકલેગા.

 

પ્રધાનમંત્રીજી, તમારું પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક ઉદ્‌બોધન અમને હંમેશા સકારાત્મક ઊર્જા અને વિશ્વાસથી ભરી દે છે. તમારા આશીર્વાદ અને અનુમતિથી અમે આ કાર્યક્રમ શરૂ કરવા માગીએ છીએ. આભાર મહોદય.

પ્રસ્તુતકર્તા- પ્રધાનમંત્રીજી. સંરક્ષણ, આરોગ્ય અને પર્યટન ક્ષેત્રે ભારતના સહયોગી એવા અરબ દેશ ઓમાનમાં સ્થિત ઈન્ડિયન સ્કૂલ, દર્શૈતની વિદ્યાર્થિની ડાનિયા શબુ આપણી સાથે ઓનલાઈન જોડાઈ રહી છે અને તમને એક પ્રશ્ન પૂછવા માગે છે. ડાનિયા કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

ડાનિયા- આદરણીય પ્રધાનમંત્રીજી, હું ઓમાનની ઇન્ડિયન સ્કૂલ દર્શૈતની ધોરણ 10ની ડેનિયા શબુ વાર્કી છું. મારો પ્રશ્ન એ છે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જે દબાણ અનુભવે છે તેમાં સાંસ્કૃતિક અને સામાજિક અપેક્ષાઓ કેવી રીતે ફાળો આપે છે અને આ બાહ્ય પ્રભાવોને કેવી રીતે સમાયોજિત કરી શકાય છે? આભાર!

પ્રસ્તુતકર્તા- આભાર ડાનિયા. મહોદય, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની રાજધાની દિલ્હીમાં સ્થિત સરકારી સર્વોદય બાલ વિદ્યાલય બુરાડીથી મોહમ્મદ અર્શ આપણી સાથે ઓનલાઈન જોડાઈ રહ્યા છે અને તે આપની પાસેથી પોતાનાં મનમાં રહેલી શંકાઓનું નિવારણ ઇચ્છે છે. મો. અર્શ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

મો. અર્શ- માનનીય પ્રધાનમંત્રીજી. નમસ્કાર. મારું નામ અર્શ છે, હું જીએસએસએસબી બુરારી 12th Hનો વિદ્યાર્થી છું. મારો તમને પ્રશ્ન એ છે કે આપણે આપણાં વાતાવરણમાં પરીક્ષાઓની આસપાસની નકારાત્મક ચર્ચાઓને કેવી રીતે સંબોધિત કરી શકીએ, જે આપણા અભ્યાસ અને સારી કામગીરી કરવાની આપણી ક્ષમતાને નોંધપાત્ર રીતે અસર કરે છે. વિદ્યાર્થીઓ માટે વધુ સકારાત્મક અને સહાયક વાતાવરણ બનાવવા માટે શું પગલાં લઈ શકાય? આભાર.

પ્રસ્તુતકર્તા – તમારો આભાર મોહમ્મદ! ઓમાનથી ડાનિયા શબુ અને દિલ્હીથી મોહમ્મદ અર્શ અને અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ સમાજ અને આસપાસના લોકોની અપેક્ષાઓનાં દબાણને હૅન્ડલ કરી શકતા નથી. કૃપા કરીને તેમને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રીજી- કદાચ મને કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષા પે ચર્ચાનો 7મો ઍપિસોડ છે, અને જ્યાં સુધી મને યાદ છે, મેં જોયું છે કે આ પ્રશ્ન દરેક વખતે આવ્યો છે અને અલગ-અલગ રીતે આવ્યો છે. તેનો મતલબ એ કે 7 વર્ષમાં 7 અલગ-અલગ બેચ આ પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે. અને દરેક નવા બેચને પણ આ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે વિદ્યાર્થીઓનો બેચ તો બદલાય છે પણ શિક્ષકોનો બેચ એટલી ઝડપથી બદલાતો નથી. જો શિક્ષકોએ અત્યાર સુધી મારા જેટલા ઍપિસોડ થયા છે, એમાં મેં આ વાતોનું જે વર્ણન કર્યું છે, જો એનું કંઈક ને કંઈક તેમણે પોતાની સ્કૂલમાં સંબોધિત કર્યું હોય તો આપણ એ આ સમસ્યાને ધીમે ધીમે ઓછી કરી શકીએ છીએ. એ જ રીતે, દરેક પરિવારમાં, મોટા ભાગે શક્ય છે કે મોટા પુત્ર અથવા પુત્રીએ એકાદ વાર આ ટ્રાયલ થઈ હોય. પરંતુ તેમની પાસે બહુ અનુભવ નથી. પરંતુ દરેક માતા-પિતાએ ચોક્કસપણે કોઈને કોઈ સ્વરૂપમાં આ સમસ્યાનો અનુભવ કર્યો છે. હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું હોવો જોઈએ, આપણે એમ તો કહી શકીએ નહીં કે સ્વીચ ઑફ, પ્રેશર બંધ, આપણે એવું કહી શકતા નથી, તેથી આપણે આપણી જાતને કોઈપણ પ્રકારનું દબાણ સહન કરવા સામર્થ્યવાન  બનાવવી જોઈએ, રડતા બેસી રહેવું જોઈએ નહીં. એમ માનીને ચાલવું જોઇએ કે જીવનમાં દબાણ આવતું રહે છે, બનતું રહે છે. તેથી તમારે તમારી જાતને તૈયાર કરવી પડશે. હવે જેમ કે જ્યારે પણ તમે એવી જગ્યાએ જાવ જ્યાં ખૂબ ઠંડી હોય અને તમે ગરમ વિસ્તારમાં રહો છો, ત્યારે તમે મનને તૈયાર કરો છો કે આજે 3-4 દિવસ પછી મારે એવા વિસ્તારમાં જવાનું છે જ્યાં ખૂબ જ ઠંડી છે. તેથી જો તમે માનસિક રીતે તૈયારી કરો છો તો ધીમે ધીમે લાગે છે, ત્યાં પહોંચ્યા પછી ક્યારેક તમને લાગે છે કે, યાર, મેં જે વિચાર્યું હતું તેના કરતાં તો ઠંડી ઓછી છે. કારણ કે તમે તમારાં મનથી નક્કી કરી લીધું છે. તેથી જ તમારે તાપમાન કેટલું છે કેટલું નથી તે જોવાની જરૂર પડતી નથી, તમારું મન તૈયાર થઈ જાય છે. એ જ રીતે, દબાણને આપણે આપણી રીતે આપણાં મનમાં એકવાર આ સ્થિતિથી જીતવાનું છે એ સંકલ્પ તો કરવો પડશે. બીજું, જરા દબાણના પ્રકારો જ જુઓ, એક એવું દબાણ છે જે તમારા દ્વારા લાદવામાં આવે છે કે તમારે સવારે 4 વાગ્યે ઉઠવું જ પડશે, તમારે રાત્રે 11 વાગ્યા સુધી અભ્યાસ કરવો જ પડશે, તમારે આટલા બધા જવાબો ઉકેલીને પછી જ ઉઠવું પડશે અને મોટું દબાણ જાતે જ અનુભવો છો. મને લાગે છે કે આપણે એટલું ખેંચવું જોઈએ નહીં કે આપણી ક્ષમતા જ તૂટી જાય. આપણે ધીમે ધીમે વધવું જોઈએ, ચાલો ભાઈ, મેં ગઈકાલે રાત્રે 7 પ્રશ્નો ઉકેલ્યા હતા, આજે હું 8 ઉકેલીશ. પછી હું, નહીંતર જો હું 15 કરવાનું નક્કી કરું અને માત્ર 7 જ કરી શકું, તો હું સવારે ઉઠીને જોઉં છું, યાર, હું ગઈ કાલે તો ન કરી શક્યો, આજે કરીશ. તેથી આપણે પોતે પણ દબાણનું પ્રેસર પેદા કરીએ છીએ. અમે આ થોડું વૈજ્ઞાનિક રીતે કરી રહ્યા છીએ. બીજું- માતા-પિતા દબાણ ઊભું કરે છે, તમે આ કેમ ન કર્યું?-તમે તે કેમ ન કર્યું? તમે કેમ સૂતા રહ્યા? ચાલો, વહેલા ઉઠતા નથી, ખબર નથી કે પરીક્ષા છે. અને ત્યાં સુધી કહે છે, જો તારો મિત્ર શું કરે છે, તું શું કરે છે. સવાર-સાંજ આ જે કોમેન્ટ્રી ચાલે છે, રનિંગ કોમેન્ટ્રી અને ક્યારેક માતા થાકી જાય ત્યારે પિતાની કોમેન્ટરી શરૂ થાય છે, ક્યારેક પપ્પા થાકી જાય ત્યારે મોટા ભાઈની કોમેન્ટરી શરૂ થાય છે. અને જો તે પણ ઓછું હોય તો શાળામાં શિક્ષકની. પછી કાં તો કેટલાક લોકો એવા હોય છે…જા, તારે જે કરવું હોય તે કરી લે, હું આવી જ રીતે રહીશ. કેટલાક લોકો તેને ગંભીરતાથી લે છે. પરંતુ આ દબાણનો બીજો પ્રકાર છે. ત્રીજું, એવું પણ બને છે કે જેમાં કોઈ કારણ ન હોય, સમજણનો ભાવ  હોય અને કોઈપણ કારણ વગર આપણે તેને સંકટ માની લઈએ. જ્યારે તમે વાસ્તવમાં તે કરો છો, ત્યારે તમને લાગે છે કે નહીં યાર, તે એટલું મુશ્કેલ ન હતું, હું ખોટું બેકાર દબાણ સહન કરતો રહ્યો. તેથી મને લાગે છે કે આને સમગ્ર પરિવારે, શિક્ષકો અને બધાએ સાથે મળીને સંબોધવું પડશે. માત્ર વિદ્યાર્થીઓ જ સંબોધશે, માત્ર વાલીઓ જ સંબોધશે, એટલાથી વાત બનવાની નથી. અને હું માનું છું કે સતત પરિવારોમાં પણ આ વાતચીત થતી રહેવી જોઈએ. દરેક પરિવાર આવી સ્થિતિઓને કેવી રીતે હૅન્ડલ કરે છે તેની ચર્ચા થવી જોઈએ. તેની એક વ્યવસ્થિત થિયરી રાખવાને બદલે, આપણે વસ્તુઓને ધીમે ધીમે વિકસિત કરવી જોઈએ. જો તેને વિકસિત કરીએ તો મને પાક્કો વિશ્વાસ છે કે આપણે આ વસ્તુઓમાંથી બહાર આવી જઈશું. આભાર.

પ્રસ્તુતકર્તા- પીએમ સર, દબાણ સહન કરવાનો માર્ગ સૂચવવા બદલ આપનો આભાર. વીર સાવરકરનાં બલિદાનના સાક્ષી અને અનુપમ કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત આંદામાન નિકોબાર ટાપુઓમાંથી એક વાલી ભાગ્ય લક્ષ્મીજી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આપણી સાથે જોડાઈ રહ્યાં છે. ભાગ્ય લક્ષ્મીજી, તમારો પ્રશ્ન પૂછો.

ભાગ્ય લક્ષ્મી- નમસ્કાર માનનીય પ્રધાનમંત્રીજી. એક વાલી તરીકે, મારો તમને સવાલ એ છે કે વિદ્યાર્થિની પર સાથીદારોનું જે દબાણ રહેતું હોય છે, જે એક રીતે મિત્રતાની સુંદરતા છીનવી લે છે. અને તે વિદ્યાર્થીનીઓને તેમના જ મિત્રો સામે હરીફાઈ કરાવી દે છે, તેના પર તમારો શું અભિપ્રાય છે? કૃપા કરીને મને ઉકેલ આપો. આભાર.

પ્રસ્તુતકર્તા– આભાર ભાગ્ય લક્ષ્મીજી. વિશ્વને સત્ય, અહિંસા અને ધર્મની ત્રિમૂર્તિ પ્રદાન કરનારી ભૂમિ ગુજરાતના પંચમહાલના જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થિની દ્રષ્ટિ ચૌહાણ પ્રધાનમંત્રીજી તમારી પાસેથી તેમની સમસ્યાનું સમાધાન જાણવા માગે છે. દ્રષ્ટિ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

દ્રષ્ટિ ચૌહાણ – માનનીય પ્રધાનમંત્રીજી નમસ્કાર. હું દ્રષ્ટિ ચૌહાણ, જવાહર નવોદય વિદ્યાલય પંચમહાલમાં ધોરણ 6ની વિદ્યાર્થિની છું. મારો તમને પ્રશ્ન એ છે કે ક્યારેક ક્યારેક પરીક્ષાનાં સ્પર્ધાત્મક વાતાવરણમાં મિત્રો સાથેની સ્પર્ધા પણ વધુ દબાણ પેદા કરે છે. કૃપા કરીને સૂચવો કે આનાથી કેવી રીતે બચી શકાય? કૃપા કરીને મને આ અંગે તમારું માર્ગદર્શન આપો. આભાર સર.

પ્રસ્તુતકર્તા- આભાર દ્રષ્ટિ. કુદરતી સૌંદર્યથી ભરપૂર વરસાદનાં પ્રથમ ટીપાથી ભીંજાઈ જતું રાજ્ય કેરળમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 કાલિકટથી સ્વાતિ દિલીપ આપણી સાથે ઓનલાઈન જોડાઈ રહ્યાં છે અને તમને પોતાનો પ્રશ્ન પૂછવા માગે છે. સ્વાતિ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

સ્વાતિ- નમસ્કાર. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, હું સ્વાતિ દિલીપ, એર્નાકુલમ ક્ષેત્રની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 કાલીકટની 11મા ધોરણની વિદ્યાર્થીની છું. સાહેબ, શું તમે કૃપા કરીને આ સ્પર્ધાત્મક વિશ્વમાં આપણે કેવી રીતે બિનઆરોગ્યપ્રદ અને બિનજરૂરી સ્પર્ધાને ટાળી શકીએ અને સાથીઓનાં દબાણને આપણાં મગજમાં કેવી રીતે ન લઈ શકાય તે અંગે માર્ગદર્શન આપી શકો છો?

પ્રસ્તુતકર્તા– આભાર સ્વાતિ. પ્રધાન મંત્રીજી. કૃપા કરીને ભાગ્ય લક્ષ્મીજી, દૃષ્ટિ અને સ્વાતિ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં સાથીઓનું દબાણ અને સ્પર્ધાને કારણે થતી ચિંતા અને તેનાથી સંબંધોમાં આવતી કડવાશથી કેવી રીતે બચવું? કૃપા કરીને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રી– જો જીવનમાં કોઈ પડકારો નહીં હોય, સ્પર્ધા નહીં હોય, તો પછી જીવન ખૂબ જ પ્રેરણાહીન બની જશે, ચેતનાહીન બની જશે, સ્પર્ધા હોવી જ જોઈએ. પરંતુ જેમ કે કાલિકટની એક બાળકીએ એક સવાલમાં પૂછ્યું કે તંદુરસ્ત સ્પર્ધા, સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ. હવે તમારો જે સવાલ છે થોડો ખતરનાક છે અને તે મને ચિંતા કરાવે છે, કદાચ મને પણ આ પરીક્ષા પે ચર્ચામાં આ પ્રકારનો સવાલ પહેલીવાર મળ્યો છે. જુઓ, ક્યારેક ક્યારેક આ વૃત્તિનું ઝેર, આ બીજ પારિવારિક વાતાવરણમાં જ વાવવામાં આવે છે. ઘરમાં પણ બે બાળકો હોય તો માતા-પિતા ક્યારેક એક માટે સારું બોલશે તો ક્યારેક બીજા માટે. તો ક્યારેક પેલા બે ભાઈ-બહેનમાં પણ કે 2 ભાઈઓમાં પણ કે બે બહેનોમાં પણ, જુઓ માતાએ તેને તો આ કહ્યું અને મને આવું કહ્યું. આ પ્રકારની વિકૃત સ્પર્ધાનો ભાવ પરિવારનાં રોજબરોજનાં જીવનમાં જાણ્યે-અજાણ્યે વાવવામાં આવે છે. અને તેથી જ હું તમામ વાલીઓને વિનંતી કરું છું કે કૃપા કરીને પોતાનાં જ સંતાનોની આવી સરખામણી ન કરો. તેની અંદર એક દ્વેષનો ભાવ પેદા કરી દે છે અને તે પરિવારમાં પણ ક્યારેક ને ક્યારેક લાંબા સમય બાદ એ બીજ એક બહુ મોટું ઝેરીલું વૃક્ષ બની જાય છે. એ જ રીતે, મેં ઘણા સમય પહેલા એક વીડિયો જોયો હતો – કદાચ તમે બધાએ પણ તે જોયો જ હશે, કેટલાક દિવ્યાંગ બાળકો બધા તેમની સ્પર્ધામાં દોડી રહ્યાં છે, 12-15 બાળકો અલગ અલગ, દિવ્યાંગ છે એટલે મુશ્કેલીઓ તો આવશે, પરંતુ તેઓ દોડી રહ્યાં છે. દરમિયાન એક બાળક પડી જાય છે. હવે જે વધારે બુદ્ધિમાન લોકો હોત તો શું કર્યું હોતવાહ, આ તો ગયો, ચાલો યાર, સ્પર્ધામાં એક તો ઓછું થઈ ગયું. પણ પેલા બાળકોએ શું કર્યું – જેઓ સૌથી આગળ નીકળી ગયાં હતાં તે બધા પણ પાછા આવી ગયાં, જે દોડતાં હતાં તે પણ અટકી ગયાં, પહેલા બધાએ તેને ઊભો કર્યો અને પછી ફરી દોડવાનું શરૂ કર્યું. ખરેખર, આ વીડિયો દિવ્યાંગ બાળકોનાં જીવનનો ભલે હોય, પરંતુ તે આપણને પણ મહાન પ્રેરણા અને મહાન સંદેશ આપે છે.

હવે ત્રીજો વિષય એ છે કે તમારા દોસ્ત સાથે તમારી કંઈ વાતની સ્પર્ધા છે ભાઈ? ધારો કે પેપર 100 માર્કસનું છે, હવે જો તમારા મિત્ર 90 લઈ ગયો તો શું તમારા માટે 10 માર્કસ જ બચે છે? શું તમારા માટે 10 માર્કસ જ બાકી છે? તમારા માટે પણ 100 છે ને? તેથી તમારે તેની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી, તમારે તમારી જાત સાથે સ્પર્ધા કરવાની છે. તમારે તમારી જાત સાથે કરવાની છે કે તે 100માંથી 90 લાવ્યો, હું 100માંથી કેટલા લાવીશ. તેનાથી દ્વેષ કરવાની જરૂર છે જ નહીં. વાસ્તવમાં, તે તમારા માટે પ્રેરણા બની શકે છે. અને જો તમારી આ જ માનસિકતા રહી તો તમે શું કરશોતમે તમારા હોંશિયાર વ્યક્તિને દોસ્ત નહીં બનાવશો. તમે એવાને જેનું બજારમાં કંઈ ચાલતું નથી એને જ દોસ્ત બનાવશો અને પોતે મોટા ઠેકેદાર બનીને ફરતા રહેશો. ખરેખર તો આપણે એવા મિત્રો શોધવા જોઈએ જે આપણા કરતા વધુ પ્રતિભાશાળી હોય. જેટલા વધુ પ્રતિભાશાળી મિત્રો મળે છે તેટલું જ આપણું કામ પણ તો વધે છે. આપણી ભાવના પણ વધે છે. અને તેથી જ આપણે આ પ્રકારનો ઈર્ષ્યા ભાવ ક્યારેય આપણાં મનમાં આવવા જ ન દેવો જોઈએ.

અને ત્રીજી બાબત માતાપિતા માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. માતા-પિતા દરેક વખતે તેમનાં બાળકોને કોસતા રહેશે. જો – તું રમતો રહે છે, જો તે પુસ્તકો વાંચે છે. તું આમ કરતો રહે છે, જો તે પુસ્તકો વાંચે છે. તું આમ કરતો રહે છે, જો પેલો વાંચે છે. એટલે કે તેઓ પણ હંમેશા તેનું જ ઉદાહરણ આપે છે. પછી તમારાં મનમાં પણ આ એક માનદંડ બની જાય છે. કૃપા કરીને માતા-પિતા આ વસ્તુઓથી બચે. કેટલીકવાર તો મેં જોયું છે કે જે માતા-પિતા તેમનાં જીવનમાં બહુ સફળ થયા નથી, જેમની પાસે તેમના પરાક્રમ, તેમની સફળતા કે તેમની સિદ્ધિઓ વિશે દુનિયાને કહેવા માટે કંઈ નથી અથવા જણાવવા જેવું કંઈ નથી, તો તેઓ તેમનાં બાળકોના રિપોર્ટ કાર્ડને જ પોતાનો વિઝિટિંગ કાર્ડ બનાવી લે છે. કોઈને મળશે અને તેને તેનાં બાળકની કથા સંભળાવશે. હવે આ જે સ્વભાવ છે તે પણ બાળકનાં મનમાં એક રીતે એવી લાગણી ભરી દે છે કે તે જ સર્વસ્વ છે. હવે મારે કંઈ કરવાની જરૂર નથી…તે પણ ઘણું નુકસાન કરે છે.

ખરેખર તો આપણે આપણા મિત્રની ઈર્ષ્યા કરવાને બદલે તેની શક્તિ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તેની પાસે ગણિતમાં નિપુણતા છે અને મારી પાસે ઓછી હોય, જો મારો મિત્ર મને મારા શિક્ષકો કરતાં ગણિતમાં વધુ મદદ કરે તો તે મારું મનોવિજ્ઞાન સમજીને કરશે અને બની શકે કે હું પણ તેની જેમ ગણિતમાં આગળ વધીશ. જો તે ભાષામાં નબળો છે અને હું ભાષામાં મજબૂત છું, જો હું તેને ભાષામાં મદદ કરીશ તો આપણે બંનેને એકબીજાની તાકાત જોડશે અને આપણે વધુ સામર્થ્યવાન બનીશું. અને તેથી કૃપા કરીને આપણે આપણા મિત્રો સાથે સ્પર્ધા અને ઈર્ષ્યા ભાવમાં ન ડૂબીએ અને મેં તો એવા લોકોને જોયા છે જેઓ પોતે ફેલ થઈ જાય, પરંતુ જો મિત્ર સફળ થાય છે તો મીઠાઈ તે વહેંચે છે. મેં એવા મિત્રો પણ જોયા છે કે જેઓ બહુ સારા માર્ક્સ લઈને આવ્યા હોય, પણ મિત્ર ન આવ્યો, એટલે જ તેણે એનાં ઘરે પાર્ટી ન કરી, તહેવાર ઊજવ્યો નહીં, કેમ… મારો મિત્ર પાછળ રહી ગયો. ..આવા પણ તો દોસ્ત હોય છે. અને શું દોસ્તી લેવડ-દેવડનો ખેલ છે? જી નહીં…દોસ્તી એ આપવા અને લેવાની રમત નથી. જ્યાં કોઇ પ્રકારના, આ પ્રકારની લેવડ-દેવડ નથી, નિઃસ્વાર્થ પ્રેમ હોય છે, એ જ તો દોસ્તી હોય છે. અને આ જે મિત્રતા હોય છે ને, તે સ્કૂલ તો છોડો… જીવનભર તમારી સાથે રહે છે. અને તેથી, કૃપા કરીને આપણે આપણા કરતાં વધુ તેજસ્વી અને તપસ્વી દોસ્ત શોધીવા જોઈએ અને હંમેશા તેમની પાસેથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. આભાર.

પ્રસ્તુતકર્તા- પ્રધાનમંત્રીજી, માનવતાનો આ સંદેશ આપણને સ્પર્ધામાં પણ હંમેશા પ્રેરણા આપતો રહેશે. ભારતના દક્ષિણ-પૂર્વ રાજ્ય, કૃષિ પ્રધાન દેશ તિરુમલ્યની પવિત્ર ભૂમિ, આંધ્ર પ્રદેશ સ્થિત ઝેડપી હાઈસ્કૂલ, ઉપરાપલ્લી, એન્કાપલ્લી જિલ્લાના સંગીત શિક્ષક શ્રી કોંડાકાંચી સંપતરાવજી  આપણી સાથે ઑનલાઇન માધ્યમથી જોડાઈ રહ્યા છે અને તમને પ્રશ્ન પૂછવા માગે છે. સંપતરાવજી કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

સંપતરાવ– પ્રધાનમંત્રીજીને સંપતરાવના નમસ્કાર. મારું નામ કોંડાકાંચી સંપતરાવ છે અને હું ઝેડપી હાઈસ્કૂલ, ઉપરાપલ્લી, એનકાપલ્લી જિલ્લા આંધ્ર પ્રદેશમાં શિક્ષક છું. સાહેબ, મારો તમને પ્રશ્ન એ છે કે એક શિક્ષક તરીકે, હું મારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતી વખતે તણાવમુક્ત રહેવા માટે કઈ રીતે મદદ કરી શકું? કૃપા કરીને મને આ અંગે માર્ગદર્શન આપો. આભાર મહોદય.

પ્રસ્તુતકર્તા- આભાર સર. ભારતના પૂર્વમાં ચાના બગીચાઓ અને સુંદર પર્વતીય પ્રદેશ બ્રહ્મપુત્રાની ભૂમિ આસામના શિવસાગરની સૈરા હાઈસ્કૂલનાં એક શિક્ષક બંટી મેધીજી સભાગૃહમાં હાજર છે, તેઓ પ્રધાનમંત્રીજીને એક પ્રશ્ન પૂછવા માગે છે. મેમ, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

બંટી મેધી– નમસ્કાર. આદરણીય પ્રધાનમંત્રી મહોદય, હું આસામના શિવસાગર જિલ્લાની શિક્ષક બંટી મેધી છું. મારો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ. કૃપા કરીને અમારું માર્ગદર્શન કરો. આપનો આભાર.

પ્રસ્તુતકર્તા– આભાર મેડમ, કૃપા કરીને પ્રધાનમંત્રીજી, આંધ્ર પ્રદેશના સંગીત શિક્ષક શ્રી સંપતરાવજી અને સભાગૃહમાં હાજર શિક્ષિકા બંટી મેધીજી દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નોમાં, તેઓ પરીક્ષાના સમયે શિક્ષકોની ભૂમિકા વિશે જાણવા માગે છે કે તેઓ વિદ્યાર્થીઓને કેવી રીતે તણાવ મુક્ત રહેવામાં મદદ કરે. કૃપા કરીને સમગ્ર શિક્ષક વર્ગને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રી- સૌ પ્રથમ, તો મને લાગે છે કે આ જે સંગીતના શિક્ષકો છે તેઓ માત્ર તેમના ક્લાસના જ નહીં પરંતુ સમગ્ર શાળાનાં બાળકોના તણાવને દૂર કરી શકે છે. સંગીતમાં એ સામર્થ્ય છે…હા, જો આપણે કાન બંધ કરીને સંગીતમાં બેઠા હોઈએ…ક્યારેક-ક્યારેક એવું બને છે…કે આપણે ત્યાં હોઈએ છીએ, સંગીત વાગી તો રહ્યું છે પણ આપણે બીજે ક્યાંક હોઈએ છીએ. અને તેથી જ આપણે તેનો આનંદ અનુભવી શકતા નથી. હું સમજું છું કે જ્યારે કોઈપણ શિક્ષકનાં મનમાં જ્યારે એ વિચાર આવે છે કે હું વિદ્યાર્થીઓના આ તણાવને કેવી રીતે દૂર કરું. બની શકે કે હું ખોટો હોઈશ, પણ કદાચ મને લાગે છે કે શિક્ષકનાં મનમાં પરીક્ષાનો સમયગાળો છે. જો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પરીક્ષાના સમયગાળાનો હોય તો સૌથી પહેલા તો તે સંબંધને સુધારવો જોઈએ. વિદ્યાર્થી સાથેનો તમારો સંબંધ જેવા તમે પહેલા દિવસે, વર્ષના પ્રારંભમાં પહેલા જ દિવસે વર્ગખંડમાં પ્રવેશ કરો છો તે દિવસથી લઈને પરીક્ષા આવવા સુધી તમારો સંબંધ નિરંતર વધતો રહેવો જોઈએ, તો કદાચ પરીક્ષાના દિવસોમાં તણાવની નોબત જ નહીં આવે. જરા વિચારો, આજે મોબાઈલનો જમાનો છે, વિદ્યાર્થીઓ પાસે પણ તમારો મોબાઈલ હશે જ ને હશે. શું કોઈ વિદ્યાર્થીએ તમને ક્યારેય ફોન કર્યો છે? કોલ પર સંપર્ક કર્યો છે કે મને આ તકલીફ થઈ રહી છે, , હું ચિંતામાં છું..કદી નહીં કર્યો હોય. કેમ… કારણ કે તેને લાગતું જ નથી કે મારાં જીવનમાં આપનું કોઈ વિશેષ સ્થાન છે. તેને લાગે છે કે આપનો-મારો સંબંધ એક વિષય છે. ગણિત છે, રસાયણશાસ્ત્ર છે, ભાષા છે. જે દિવસે તમે સિલેબસથી આગળ વધશો અને તેની સાથે સંબંધ સ્થાપિત કરશો, ત્યારે તે તેની નાની-નાની સમસ્યાઓ દરમિયાન પણ ચોક્કસપણે તેનાં મનની વાત તમારી સાથે કરશે. જો આ સંબંધ છે તો પરીક્ષા સમયે તણાવની સ્થિતિ પેદા થવાની શક્યતા જ ખતમ થઈ જશે. તમે ઘણા ડૉકટરો જોયા હશે, તે ડૉકટરોમાં ડિગ્રી તો બધા  પાસે હોય છે, પરંતુ કેટલાક ડૉકટરો જે જનરલ પ્રેક્ટિશનર્સ હોય છે… તેઓ વધુ સફળ એટલા માટે થાય છે કારણ કે દર્દી ગયા પછી, એકાદ દિવસ બાદ, તેઓ તેને ફોન કરે છે કે ભાઈ આપે એ દવા બરાબર લીધી હતીતમને કેમ છે. તે બીજા દિવસે પોતાની હૉસ્પિટલ આવશે ત્યાં સુધી રાહ જોવાને બદલે વચ્ચે એકાદ વાર વાત કરી લે છે. અને તે તેને અડધો સાજો કરી દે છે. તમારામાંથી કેટલાક શિક્ષકો એવા છે… માની લો કે, એક બાળકે ખૂબ સારું કર્યું છે, અને તમે તેના પરિવાર સાથે જઈને બેસો અને કહો, ‘ભાઈ, હવે તો હું મીઠાઈ ખાવા આવ્યો છું, તમારાં બાળકે આટલું શાનદાર કર્યું છે, આજે તમારી પાસે હું મીઠાઈ ખાઈશ. તમને કલ્પના આવે છે કે એ મા-બાપને જ્યારે તમે..  બાળકે તો કહ્યું જ હશે ઘરે જઈને કે આજે તે આ કરીને આવ્યો છે. પરંતુ જ્યારે એક શિક્ષક પોતે જઈને કહે છે, ત્યારે શિક્ષકનું તે પરિવારમાં આવવું, શિક્ષકનું કહેવું તે બાળકને પણ શક્તિ આપશે અને પરિવાર પણ ક્યારેક ક્યારેક વિચારતો હશે, જ્યારે શિક્ષકે આવીને કહ્યું છે, ત્યારે પરિવાર પણ વિચારતો હશે, યાર મારાં બાળકમાં શિક્ષકે જે વર્ણન કર્યું એ શક્તિ તો અમને ખબર જ ન હતી. ખરેખર આપણે થોડું ધ્યાન આપવાની જરૂર છે.

તો તમે જોશો, એકદમથી વાતાવરણ બદલાઈ જશે અને હવે એટલે પહેલી વાત તો એ છે કે પરીક્ષા સમયે તણાવ દૂર કરવા શું કરવું જોઈએ, તેના માટે તો હું ઘણું કહી ચૂક્યો છે. હું તેનું પુનરાવર્તન કરતો નથી. પણ જો તમે આખાં વર્ષ દરમિયાન તેની સાથે સંબંધ રાખશો તો… હું ક્યારેક ક્યારેક ઘણા શિક્ષકોને પૂછું છું કે ભાઈ તમે કેટલા વર્ષોથી શિક્ષક છો? જેઓ પહેલીવાર તમારે ત્યાં ભણીને ગયા હશે શરૂમાં, તેઓ તો હવે પરણી પણ ગયા હશે. શું તમારો કોઈ વિદ્યાર્થી તમને લગ્નનું કાર્ડ આપવા આવ્યો હતો શું? 99 ટકા શિક્ષકો મને કહે છે કે કોઈ વિદ્યાર્થી આવ્યો નથી. મતલબ કે આપણે જૉબ કરતા હતા, આપણે જિંદગી બદલતાં ન હતા. શિક્ષકનું કામ નોકરી કરવાનું નથી, શિક્ષકનું કામ જીવનને સુધારવાનું છે, જીવનને સામર્થ્ય આપવાનું છે અને તે જ પરિવર્તન લાવે છે. આભાર.

પ્રસ્તુતકર્તા- શિક્ષક અને શિષ્ય વચ્ચેના સંબંધમાં પરસ્પર વિશ્વાસ મહત્વપૂર્ણ છે. અમને એક નવો દૃષ્ટિકોણ આપવા બદલ આભાર. અદ્‌ભૂત આદિવાસી સંસ્કૃતિ ધરાવતા પૂર્વોત્તર ભારતનાં રાજ્ય ત્રિપુરાના પ્રણવાનંદ વિદ્યા મંદિર પશ્ચિમ ત્રિપુરાની વિદ્યાર્થિની આદ્રિતા ચક્રવર્તી આપણી સાથે ઑનલાઇન જોડાઈ રહી છે. અને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે, તે માનનીય પ્રધાનમંત્રીજી પાસેથી પોતાની સમસ્યાનું સમાધાન ઈચ્છે છે. આદ્રિતા કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

આદ્રિતા ચક્રવર્તી– નમસ્કાર પ્રધાનમંત્રી મહોદય, મારું નામ આદ્રિતા ચક્રવર્તી છે. હું પ્રણવાનંદ વિદ્યા મંદિર પશ્ચિમ ત્રિપુરામાં ધોરણ 12ની વિદ્યાર્થિની છું. મારો તમને એ જ પ્રશ્ન છે કે પેપર પૂરું  થયાની છેલ્લી થોડી મિનિટોમાં, હું નર્વસ થઈ જાઉં છું અને મારું લખવાનું પણ બગડે છે. હું આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકું, કૃપા કરીને મને ઉકેલ આપો, આભાર શ્રીમાન.

પ્રસ્તુતકર્તા- આભાર આદ્રિતા. કુદરતી સંસાધનોમાં સમૃદ્ધ ધાનના કટોરા તરીકે પ્રખ્યાત રાજ્ય છત્તીસગઢ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય કરાપ કાંકેરના વિદ્યાર્થી શેખ તૈફૂર રહેમાન ઑનલાઈન માધ્યમથી જોડાઈ રહ્યા છે અને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન માગે છે. તૈફૂર રહેમાન કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

શેખ તૈફૂર રહેમાન- પ્રધાનમંત્રી મહોદય નમસ્કાર, મારું નામ શેખ તૈફૂર રહેમાન છે. હું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કાંકેર છત્તીસગઢનો વિદ્યાર્થી છું. મહોદય, મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ગભરાટ અનુભવે છે જેનાં કારણે તેઓ મૂર્ખતાપૂર્ણ ભૂલો કરી બેસે છે જેમ કે પ્રશ્નો યોગ્ય રીતે ન વાંચવા વગેરે. સાહેબ, મારો તમને પ્રશ્ન એ છે કે આ ભૂલોથી કેવી રીતે બચવું જોઈએ. કૃપા કરીને તમારું માર્ગદર્શન આપો, આભાર.

પ્રસ્તુતકર્તા– આભાર તૈફૂર, આ સભાગૃહમાં ઓડિશા આદર્શ વિદ્યાલય, કટકની એક વિદ્યાર્થીની રાજલક્ષ્મી આચાર્ય આપણી વચ્ચે હાજર છે. તે પ્રધાનમંત્રીને પ્રશ્ન પૂછવા માગે છે. રાજલક્ષ્મી કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

રાજલક્ષ્મી આચાર્ય- માનનીય પ્રધાનમંત્રી, જય જગન્નાથ. મારું નામ રાજલક્ષ્મી આચાર્ય છે, હું ઓડિશા આદર્શ વિદ્યાલય, જોકીડોલા બાંકી કટકની છું. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે-તે કહેવું સરળ છે કે તમે શાંત મન સાથે પરીક્ષાનો સામનો કરો, પરંતુ પરીક્ષા ખંડમાં પરિસ્થિતિ એટલી ભયાનક હોય છે કે જેમ કે હલનચલન ન કરો, સીધા જુઓ, વગેરે વગેરે અને પછી તે આટલું શાંત કેવી રીતે હોઈ શકે, આભાર સર.

પ્રસ્તુતકર્તા – આભાર, રાજલક્ષ્મી, પ્રધાનમંત્રીજી, આદ્રિતા, તૈફૂર અને રાજલક્ષ્મી અને તેમના જેવા ઘણા વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રશ્ન પરીક્ષા પે ચર્ચાની અગાઉની તમામ આવૃત્તિઓમાં વારંવાર પૂછવામાં આવ્યો છે, અને અત્યારે પણ આ પ્રશ્ન કેટલાક વિદ્યાર્થીઓ માટે ચિંતાનું કારણ બની રહ્યો છે કે પરીક્ષા દરમિયાન તણાવનો સામનો કેવી રીતે કરવો. કૃપા કરીને તેમને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રી- ફરી ફરીને પાછો તણાવ આવી ગયો. હવે આ તણાવમાંથી કેવી રીતે મુક્તિ મળે? તમે જુઓ કે કેવી ભૂલ થાય છે. જો આપણે રોજબરોજનાં જીવનમાં કેટલીક ભૂલોનું અવલોકન કરીએ છીએ, તો આપણને તેના વિશે ખબર પડશે. કેટલીક ભૂલો માતાપિતાના અતિશય ઉત્સાહને કારણે થાય છે. કેટલીક ભૂલો વિદ્યાર્થીઓની વધુ પડતી પ્રામાણિકતાથી થાય છે. મને લાગે છે કે આનાથી બચવું જોઈએ. જેમ કે, મેં જોયું છે કે કેટલાક માતાપિતાને લાગે છે કે આજે પરીક્ષા છે, તેથી બેટાને નવી પેન લાવી આપવી. જરા સરસ કપડાં પહેરાવીને મોકલો, તો તેનો ઘણો સમય તો તેમાં એડજસ્ટ થવામાં જ જાય છે. શર્ટ બરાબર છે કે નહીં, યુનિફોર્મ બરાબર પહેર્યો છે કે નહીં. હું માતા-પિતાને વિનંતી કરું છું કે તેઓ દરરોજ વાપરે છે ને તે જ પેન આપે. તે ત્યાં પેન બતાવવા માટે થોડો જઈ રહ્યો છે, અને પરીક્ષા સમયે કોઈની પાસે ફુરસદ નથી. તમારું બાળક નવું પહેરીને આવ્યું છે, કે જૂનાં પહેરીને આવ્યું છે. તેથી તેઓએ આ માનસિકતામાંથી બહાર આવવું જોઈએ. બીજું, તેઓ તેને એવી વસ્તુઓ ખવડાવીને મોકલશે કે પરીક્ષા છે ને તો આ ખાઈને જા, પરીક્ષા છે પેલું ખાઇને જા, પછી તેને વધુ મુશ્કેલીઓ થાય છે કારણ કે તેની પાસે તે કમ્ફર્ટ- આરામ નથી. તે દિવસે જરૂર કરતાં વધારે ખાવું અને પછી માતા કહેશે કે અરે તારું તો પરીક્ષા કેન્દ્ર આટલું દૂર છે. રાત આવે ત્યાં સુધીમાં 7 વાગી ગયા હશે, એમ કર, કંઈક ખાઈને જા અને પછી કહેશે કંઈક લઈને જા. તે પ્રતિકાર કરવાનું શરૂ કરે છે, ના, હું નહીં લઈ જાઉં. ત્યાંથી જ તણાવ શરૂ થાય છે, અને તે ઘરેથી નીકળતા પહેલાં જ થઈ જાય છે. તેથી તમામ માતા-પિતા પાસેથી મારી અપેક્ષા છે અને મારું સૂચન છે કે તમે તેને તેની મસ્તીમાં જીવવા દો. જો તે પરીક્ષા આપવા જાય છે તો ઉત્સાહ-ઉમંગથી ચાલ્યો જાય બસ. તેની રોજીંદી ટેવો એવી જ છે તેવો જ રહે તે. તો પછી જે સિન્સિયર વિદ્યાર્થીઓ હોય છે તેમની સમસ્યા શું હોય  છે? દરવાજા સુધી ચોપડાં છોડશે નહીં. હવે તમે અચાનક આ રીતે કરો, ઈવન રેલવે સ્ટેશન પર પણ જાઓ ત્યારે ક્યારેક ટ્રેનની એન્ટ્રી અને તમારી એન્ટ્રી આવું થાય છે શું? તમે 5-10 મિનિટ વહેલા જાવ, પ્લેટફોર્મ પર ઊભા રહો, તમારો ડબ્બો ક્યાં આવશે તે અનુમાન લગાવો છો, પછી તે જગ્યાએ જાઓ છો, પછી વિચારો છો કે કયો સામાન અંદર લઈ જવો અને પછી કયો. એટલે કે ટ્રેન આવે તે પહેલા જ તમારું મન તરત જ સેટ કરવા લાગે છે. તેવી જ રીતે, તમારો જે પરીક્ષા હોલ છે. શક્ય છે કે કોઇ સવારથી તે તમારા માટે ખોલી ન રાખે, પરંતુ ઓછામાં ઓછા તેઓ તમને 10-15 મિનિટ પહેલા તો એલાઉ કરી જ દે છે. તેથી, જેવો ખુલે, આરામથી અંદર પહોંચી જાઓ, અને આરામથી અને આનંદથી બેસો. જો કોઈ જૂની રમૂજી વસ્તુઓ હોય, તો તેને યાદ કરી લો, અને જો કોઈ મિત્ર નજીકમાં જ હોય તો, તો પછી એકાદ જોક સંભળાવી દો. 5-10 મિનિટ હસતા અને મજાકમાં વિતાવો. કંઈ જ નથી, જવા દો, ઓછામાં ઓછું એક ઊંડા શ્વાસ લો, ખૂબ ઊંડા શ્વાસ લો. ધીમે ધીમે, 8-10 મિનિટ માટે તમારા માટે, તમારામાં ખોવાઈ જાઓ. પરીક્ષાથી બહાર નીકળી જશો. અને પછી જ્યારે તમારા હાથમાં પ્રશ્નપત્ર આવશે, ત્યારે તમને આરામ રહેશે, નહીં તો શું થાય, તે આવ્યો કે નહીં, તે જોયું કે નહીં, તે કેવો છે, ખબર નથી, શિક્ષક ક્યાં જુએ છે, સીસીટીવી કેમેરા છે. અરે, તમારું કામ શું છે જી, કોઈ ખૂણે સીસીટીવી કેમેરા પડેલો છે, તારે શું લેવા-દેવા છે જી. આપણે આ વસ્તુઓમાં અટવાયેલા રહીએ છીએ અને કોઈપણ કારણ વગર આપણી શક્તિ અને સમયનો વ્યય કરીએ છીએ. આપણે આપણી જાતમાં ખોવાયેલા રહેવું જોઈએ અને જેવું પ્રશ્નપત્ર આવે છે તો ક્યારેક ક્યારેક તો તમે જોયું હશે. કે જો તમારો નંબર પ્રથમ બેંચ પર આવ્યો છે. પરંતુ તે પાછળથી પ્રશ્નપત્રો વહેંચવાનું શરૂ કરે છે. તો તમારું મન ફફડે છે, જો તેને મારાથી પાંચ મિનિટ પહેલા મળશે, મને પાંચ મિનિટ પછી મળશે. આવું જ થાય છે, નહીં? આવું થાય છે ને? હવે તમે તમારા મગજનો ઉપયોગ એવી બાબતોમાં કરશો કે પહેલા મને પ્રશ્નપત્ર મળ્યું કે વીસ નંબર પછી મને મળ્યું તો તમે તમારી ઊર્જા, તમે પરિસ્થિતિ બદલી શકતા નથી. શિક્ષકે ત્યાંથી શરૂઆત કરી, તમે ઉભા થઈને કહી શકતા નથી કે પહેલા મને આપો, તમે તે ન કરી શકો. તો તમે જાણો છો કે આ થવાનું છે, તો તમારે તમારી જાતને આ રીતે ગોઠવી લેવી જોઈએ. એકવાર તમે આપણી આસપાસની આ આખી દુનિયા અને આપણે બાળપણથી તો વાંચતા આવ્યા છીએ. પેલી અર્જુનની પક્ષીની આંખવાળી કથા તો સાંભળતા રહીએ છીએ. પણ જીવનની વાત આવે ત્યારે વૃક્ષ પણ દેખાય છે, પાંદડા પણ દેખાય છે. પછી તમને તે પક્ષીની આંખ દેખાતી નથી. જો તમે પણ આ કથાઓ સાંભળો છો અને વાંચો છો, તો તેને તમારાં જીવનમાં લાવવાની આ તમારી તક હોય છે. તો પહેલી વાત એ છે કે તમે આ બધી બાહ્ય બાબતોથી તમે, બીજું, ક્યારેક પરીક્ષામાં ગભરાટ-નર્વસનેસનું કારણ આ હોય છે, ક્યારેક લાગે છે કે સમય ઓછો પડ્યો, ક્યારેક લાગે છે કે જો પેલા સવાલ પહેલા કરી લેત તો સારું થાત. તો એનો ઉપાય એ છે કે પહેલા આખું પ્રશ્નપત્ર એક વાર વાંચી લેવું. પછી તમારાં મનમાં નક્કી કરો કે કયા જવાબમાં આશરે આશરે કેટલી મિનિટ મારી જશે. અને એ જ રીતે તમારો સમય નક્કી કરો. હવે તમે ખાવાનું ખાવ છો ને, જમવા બેસો ત્યારે ઘડિયાળમાં જોતાં જોતા થોડું ખાવ છો કે ભાઈ વીસ મિનિટમાં ખાવાનું છે. તો જમતા-જમતા આદત પડી જાય છે હા ભાઈ, આટલામાં 20 મિનિટ થઈ પણ ગઈ અને ભોજન પણ થઈ ગયું. આ માટે કોઇ ઘડિયાળ કે કોઇ બેલ થોડો વાગે છે કે ચાલો હવે ખાવાનું શરૂ કરો, હવે ખાવાનું બંધ કરો, આવું તો નથી હોતું ને. તો આ પ્રેક્ટિસથી. બીજું મેં જોયું છે, આજકાલ જે સૌથી મોટી સમસ્યા છે જેનાં કારણે  આ સમસ્યા છે. તમે મને કહો, જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો, મતલબ તમે શારીરિક રીતે શું કરો છો? તમે શારીરિક રીતે તમારા હાથમાં પેન પકડીને લખો છો, આ જ કરો છો ને? મગજ પોતાનું કામ કરે છે પણ તમે શું કરો છો, લખો છો. આજના યુગમાં આઈપેડને કારણે, કમ્પ્યુટરને કારણે અને મોબાઈલના કારણે મારી લખવાની ટેવ ધીરે ધીરે ઓછી થઈ ગઈ છે. જ્યારે પરીક્ષામાં લખવાનું હોય છે. એનો મતલબ થયો કે જો મારે પરીક્ષાની તૈયારી કરવી હોય તો લખવા માટે પણ મારી જાતને તૈયાર કરવી પડશે. આજકાલ લખવાની આદત હોય એવા બહુ ઓછા લોકો છે. હવે તેથી જ તમે શાળા પછી તમારા અભ્યાસમાં વાંચવામાં દરરોજ જેટલો સમય પસાર કરો છો. તેનો ઓછામાં ઓછો 50% સમય, ઓછામાં ઓછો 50% સમય તમે જાતે તમારી નોટબુકમાં કંઈક ને કંઈક લખશો. જો શક્ય હોય તો, તે વિષય પર જ લખશો. અને તમે જે જાતે લખ્યું છે તેને ત્રણ-ચાર વાર વાંચો અને જે લખ્યું છે તેને સુધારી લો. તેથી કોઈની મદદ વિના તમારો સુધારો એટલો સારી રીતે થશે કે તમને પછીથી લખવાની આદત પડી જશે. તો કેટલાં પાના પર લખવું, લખવામાં કેટલો સમય લાગે છે, આ તમારી માસ્ટરી બની જશે. ક્યારેક ક્યારેક તમને લાગે છે કે ઘણા વિષય આ તો મને આવડે છે. જેમ કે માની લો કે તમે એક ખૂબ જ પ્રખ્યાત ગીત સાંભળી રહ્યા છો. જ્યારે કોઈ ગીત વાગતું હોય ત્યારે તમને લાગે છે કે આ ગીત તો મને આવડે છે કારણ કે તમે તેને ઘણી વખત સાંભળ્યું છે. પણ એકવાર તમે ગીત બંધ કરી દો, એ ગીત કાગળ પર લખો, શું તમને એ ગીત આવડે છે? તો તમને ખબર પડશે નહીં યાર સાંભળતી વખતે મને જે આત્મવિશ્વાસ હતો, મને સારું લાગતું હતું અને આવડતું હતું, પણ હકીકતમાં મને આવડતું ન હતું, મને ત્યાંથી પ્રોમ્પ્ટિંગ મળતું હતું, તેથી મને એ પંક્તિ યાદ આવી જતી હતી. અને એમાં પણ જો પરફેક્ટની વાત થશે તો હું પાછળ રહી જઈશ.

મારી આજની પેઢીના મારા મિત્રોને વિનંતી છે કે કૃપા કરીને તમારી પરીક્ષામાં એક મોટો પડકાર હોય છે લખવું. તમને કેટલું યાદ રહ્યું, તે સાચું હતું કે ખોટું રહ્યું, શું તમે તેને સાચું લખો છો કે ખોટું લખો છો તે પછીનો વિષય છે. તમે તમારું ધ્યાન પ્રેક્ટિસમાં આના પર આપો. જો તમે આવી કેટલીક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, તો મને ખાતરી છે કે પરીક્ષા હોલમાં બેઠા પછી તમને જે અગવડતા કે દબાણ તમે અનુભવો છો તે તમને લાગશે જ નહીં કેમ કે તમને તેની આદત છે. જો તમે તરવાનું જાણો છો, તો તમે પાણીમાં જવાથી ડરતા નથી કારણ કે તમે કેવી રીતે તરવું તે જાણો છો. તમે પુસ્તકોમાં જોયું હશે કે સ્વિમિંગ આવું થાય છે અને તમે વિચારો છો, હા, મેં વાંચ્યું છે કે ભાઈ આ રીતે હાથ પહેલા આમ કરીએ, પછી બીજો હાથ, પછી ત્રીજો હાથ, પછી ચોથો હાથ તો પછી તમને લાગે છે કે, હા, પહેલો હાથ, પહેલો પગ. દિમાગથી કામ કરી લીધું, અંદર જતા જ ફરી મુસીબત શરૂ થઈ જાય છે. પરંતુ જેણે પાણીમાં જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી, તેને પાણી ગમે તેટલું ઊંડું હોય, તેને વિશ્વાસ હોય છે કે તે તેને પાર કરશે. અને તેથી જ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે, લખવાની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. અને તમે જેટલું વધુ લખો છો, તેટલી વધુ તીક્ષ્ણતા આવશે. તમારા વિચારોમાં પણ તીક્ષ્ણતા આવશે. અને તમે જે લખ્યું છે તે ત્રણ વાર-ચાર વાર વાંચો અને જાતે સુધારી લો. તમે તમારી જાતને જેટલી સુધારશો, તેના પર તમારી પકડ એટલી જ વધી જશે. જેથી તમને અંદર બેસતા કોઈ સમસ્યા નહીં થાય. બીજું, આજુ-બાજુમાં તે ખૂબ જ ઝડપે લખી રહ્યો છે. હું તો હજી ત્રીજા પ્રશ્ન પર અટકેલો છું, તે તો સાતમા પ્રશ્ન પર પહોંચી ગયો છે. દિમાગ એમાં ન ખપાવો બાબા. તે 7માં પહોંચ્યો, તે 9માં પહોંચે, તે કરે કે ન કરે, ખબર નથી કે તે સિનેમાની વાર્તા લખતો હશે, તમે તમારામાં વિશ્વાસ કરો, તમે તમારામાં વિશ્વાસ રાખો. આજુ-બાજુમાં કોણ શું કરે છે તે બાજુ પર છોડી દો. તમે તમારા પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો, તેટલું જ તમે પ્રશ્નપત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમે પ્રશ્નપત્ર પર જેટલું વધુ ધ્યાન કેન્દ્રિત કરશો, એટલું જ તમારા જવાબ એક એક શબ્દ-શબ્દ પર થઈ જશે, અને આખરે તમને ઉચિત પરિણામ મળશે, આભાર.

પ્રસ્તુતકર્તા – આભાર પીએમ સાહેબ, તણાવ વ્યવસ્થાપનનું આ સૂત્ર આપણને જીવનભર પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીજી, રાજસમંદ રાજસ્થાનના વિદ્યાર્થી ધીરજ સુથાર, જેઓ સરકારી સિનિયર માધ્યમિક શાળા, કોંડવામાં અભ્યાસ કરે છે, તે આપણી વચ્ચે આ હૉલમાં હાજર છે અને તમને એક પ્રશ્ન પૂછવા માગે છે. ધીરજ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

ધીરજ સુથાર– નમસ્કાર માનનીય પ્રધાનમંત્રીજી, હું ધીરજ સુથાર છું, હું રાજકીય ઉચ્ચતર માધ્યમિક શાળા, કોંડવા, રાજસમંદ રાજસ્થાનનો છું. હું 12મા ધોરણમાં ભણું છું. મારો પ્રશ્ન એ છે કે વ્યાયામની સાથે સાથે અભ્યાસનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, કારણ કે શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે, કૃપા કરીને માર્ગદર્શન આપો, આભાર સાહેબ.

પ્રધાનમંત્રી-  તમારાં શરીરને જોઈને લાગે છે કે તમે મને ખરો પ્રશ્ન પૂછ્યો છે. અને તમારી આ ચિંતા પણ યોગ્ય હશે.

પ્રસ્તુતકર્તા – ધન્યવાદ ધીરજ, પોતાની સાંસ્કૃતિક પરંપરા અને બરફીલા શિખરો પર તૈનાત સૈન્યના જવાનોની બહાદુરી માટે પ્રસિદ્ધ ઉત્તર ભારતનાં મુખ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય કારગિલની વિદ્યાર્થીની નજમા ખાતૂન ઑનલાઇન માધ્યમથી આપણી સાથે જોડાઈ રહી છે, અને પ્રધાનમંત્રીજી તમને એક પ્રશ્ન પૂછવા માગે છે, નજમા, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

નજમા ખાતૂન –માનનીય પ્રધાનમંત્રીજી નમસ્કાર, મારું નામ નજમા ખાતૂન છે, હું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, કારગિલ લદ્દાખમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10ની વિદ્યાર્થિની છું. મારો તમને પ્રશ્ન એ છે કે પરીક્ષાની તૈયારી અને તંદુરસ્ત જીવનશૈલી જાળવવા વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું, આભાર.

પ્રસ્તુતકર્તા– આભાર નજમા, પૂર્વોત્તર ભારતનાં રત્ન આદિવાસી પ્રભુત્વ ધરાવતાં રાજ્ય અરુણાચલ પ્રદેશની નાહરલાગુન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષિકા તોબી લોમીજી આ સભાગૃહમાં હાજર છે અને પ્રધાનમંત્રીજીને પ્રશ્ન પૂછવા માગે છે.

તોબી લોમી– નમસ્તે માનનીય પ્રધાનમંત્રીજી, મારું નામ તોબી લોમી છે, હું એક શિક્ષિકા છું, હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, નાહરલાગુન, અરુણાચલ પ્રદેશમાંથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ માત્ર રમત-ગમત પર જ નહીં પણ મુખ્યત્વે અભ્યાસ પર શું અને કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે, કૃપા કરીને માર્ગદર્શન આપો, આભાર સર.

પ્રસ્તુતકર્તા- આભાર મેડમ, પ્રધાનમંત્રીજી ધીરજ, નજમા અને તોબીજી અભ્યાસ અને સ્વસ્થ જીવન વચ્ચે સુમેળ કેવી રીતે સ્થાપિત કરી શકાય તે અંગે તમારું માર્ગદર્શન ઈચ્છે છે.

પ્રધાનમંત્રી- તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હશે. અને કેટલાક લોકો હશે જેમને કલાકો સુધી મોબાઈલ ફોનની આદત થઈ ગઈ હશે. પરંતુ શું તમારાં મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ના, જો હું મારો ફોન ચાર્જિંગમાં નહીં રાખું તો મારા મોબાઈલનો વપરાશ ઓછો થઈ જશે, તેથી હું તેને રિચાર્જ નહીં કરું. જો હું રિચાર્જ નહીં કરું તો શું મોબાઈલ ચાલશે ખરો? ચાલશે કે? તો મોબાઈલ જેવી વસ્તુઓ જે આપણે રોજ જોઈએ છીએ, તેને પણ ચાર્જ કરવાની જરૂર છે કે નહીં? કરવો પડે છે ને? અરે, જવાબ તો આપો? રિચાર્જ કરાવવું છે કે નથી કરાવવું પડતું? જો મોબાઈલે આવું કરવું પડતું હોય તો શરીરે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? જેમ મોબાઇલ ફોનમાં ચાર્જિંગ એ મોબાઈલ ફોનની જરૂરિયાત છે. એવી જ રીતે આપણા શરીરને ચાર્જ કરવું એ પણ શરીરની જરૂરિયાત છે. જો તમે એમ વિચારતા હોય કે જો તમારે ભણવું નથી, તો બસ બારી બંધ કરી અભ્યાસ, બાકી બધું બંધ, આવું ક્યારેય ન થઈ શકે, જીવન આ રીતે જીવી શકાય નહીં, અને તેથી જીવન થોડું સંતુલિત બનાવવું પડે છે. કેટલાક લોકો એવા હોય છે જે રમતા જ રહે છે, તે પણ એક સંકટ હોય છે, પરંતુ જ્યારે તમારે પરીક્ષા આપવાની હોય છે અને લૌકિક જીવનમાં આ વસ્તુઓનું પોતાનું મહત્વ હોય છે. આ બાબતો ટાળી શકાતી નથી. પરંતુ જો આપણે સ્વસ્થ જ ન રહીએ, જો આપણાં શરીરમાં તે શક્તિ જ ન હોય, તો શક્ય છે કે આપણે ત્રણ કલાક પરીક્ષામાં બેસવાની ક્ષમતા જ ગુમાવી દઈએ અને પછી આપણે પાંચ મિનિટ આ રીતે જ કરીને બેસી રહેવું પડે. અને તેથી સ્વસ્થ મન માટે પણ સ્વસ્થ શરીર ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સ્વસ્થ શરીરનો અર્થ એ નથી કે તમારે કુસ્તી કરવી પડશે. આ જરૂરી નથી, પરંતુ જીવનમાં કેટલાક નિયમો નક્કી હોય છે. હવે જરા વિચારો કે તમે કેટલો સમય હશે જે ખુલ્લા આકાશ નીચે સૂર્યપ્રકાશમાં પસાર કર્યો હશે. જો તમારે વાંચવું પણ હોય તો એક પુસ્તક લો અને થોડીવાર સૂર્યના પ્રકાશમાં બેસોને ભાઈ. ક્યારેક ક્યારેક સૂર્યપ્રકાશ પણ શરીરને રિચાર્જ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે ક્યારેય તેનો પ્રયાસ કર્યો છે? નિયમથી કે ભાઇ હું દિવસ દરમિયાન ભલે ગમે તે કરું, મારે ઓછામાં ઓછો પૂરતો સમય મળવો જોઈએ જેથી મારો સૂર્યપ્રકાશ સાથે સંબંધ રહે. એ જ રીતે, તમે ગમે તેટલું વાંચવાનું કેમ ન હોય, પણ ઊંઘને ​​ક્યારેય ઓછી કરશો નહીં. જ્યારે તમારી મમ્મી તમને સૂઈ જવાનું કહે કે ભાઈ સૂઇ જા-સૂઈ જા, ત્યારે તેને તેની દખલગીરી ન ગણો. મોટા ભાગના વિદ્યાર્થીઓનો અહંકાર એટલો હર્ટ થઈ જાય છે કે તું કોણ છે, સૂઈ જા, સૂઈ જા કહે છે, મારે કાલે પરીક્ષા આપવાની છે. હું સૂઈશ – ન સૂઈશ – તેની તમને શું પડી છે, આવું કરીએ છીએ ને ઘરમાં. જેઓ નથી કરતા તેઓ ના બોલે, જેઓ કરે છે તે જરા બોલે…કરો છો? કોઈ બોલતું નથી. પણ એટલું ચોક્કસ છે કે ઊંઘના વિષય પર પણ, એકવાર તમે રીલ પર ચઢી જાવ છો, તમે એક પછી એક રીલ જોતા જ ગયા… તમે તેને છુપાવવા માગો છો ને… કેટલો સમય વીતી ગયો ખબર નથી, કેટલી ઊંઘ ખરાબ થઈ ખબર નથી. શું કાઢ્યું? પહેલી રીલ કાઢો જરા, યાદ કરો યાદ પણ નથી, એમ જ જોઈ રહ્યા છે. આ રીતે આપણે ઊંઘને ​​ઘણી ઓછી આંકીએ છીએ.

આજે આધુનિક આરોગ્ય વિજ્ઞાન જે છે તે ઊંઘને ​​ઘણું મહત્વ આપે છે. તમને જરૂરી ઊંઘ મળે છે કે નહીં તે તમારાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આનો મતલબ એવો પણ નથી કે પરીક્ષાઓ તો આવતી જ રહેશે…મોદીજીને મળ્યા હતા અને તેમણે સૂવાનું કહ્યું છે. હવે અહીં એક કલાત્મક શબ્દ બનાવો અને ઘરમાં પ્રવેશતાની સાથે જ લખો – સૂઈ જાવ. મમ્મી-પપ્પાને બતાવો…સૂઈ જાવ, તમે એવું તો નથી કરતા ને? ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેટલાક ઉપરી લોકો હોય છે, જેઓ તેમનાં શરીરને એવા સ્ટેજ પર લઈ ગયા છે, તેઓ કદાચ તેમાંથી બહાર હશે. સામાન્ય માણસનાં જીવન માટે આ અયોગ્ય છે.

તમે કોશીશ કરો કે તમને જરૂરી બધી ઊંઘ છે, એને આપ પૂરી લો છો કે નહીં અને એ પણ જુઓ કે તે સાઉન્ડ સ્લીપ-ગાઢ નિદ્રા છે કે નહીં. ખૂબ જ ગાઢ ઊંઘ હોવી જોઈએ જી. તમને નવાઈ લાગશે…અહીં જે શિક્ષકો બેઠા છે ને ઘણી મોટી ઉંમરના શિક્ષકો…આ સાંભળીને ચોક્કસ ચોંકી જશે. આજે પણ હું… મારી પાસે આટલું બધું કામ છે ને, તમારા જેટલું નથી, પરંતુ 365 દિવસ- કોઈ અપવાદ નથી.. જો હું પથારી પર પડ્યો નથી અને 30 સેકન્ડમાં ગાઢ નિદ્રા તરફ ગયો નથી, તો આવું નથી થતું… મને 30 સેકન્ડ લાગે છે. તમારામાંથી ઘણા નાની વયના પણ હશે…ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, ક્યારેક ત્યાં, ક્યારેક ત્યાં, પછી જ્યારે ઊંઘ આવે, ત્યારે આવશે. શા માટે… હું મારા બાકીના જાગૃત અવસ્થાના સમય દરમિયાન ખૂબ જ સજાગ રહું છું. તેથી જ્યારે હું જાગૃત છું, ત્યારે હું સંપૂર્ણપણે જાગૃત છું, જ્યારે હું સૂઈ રહ્યો છું, ત્યારે હું સંપૂર્ણ રીતે ઊંઘી ગયો છું. અને એ સંતુલન… જેઓ મોટી ઉંમરના છે તેઓ પરેશાન થતા હશે… હા, હા ભાઈ, અમને તો બિલકુલ ઊંઘ જ નથી આવતી, અડધો કલાક તો આમ જ પડખા ફેરવતા રહીએ છીએ. અને તમે આ હાંસલ કરી શકો છો.

પછી એક વિષય પોષણનો છે… સંતુલિત આહાર અને તમે જે ઉંમરમાં છો… એ ઉંમરે જે વસ્તુઓની જરૂર છે તે તમારા આહારમાં છે કે નહીં… એક વસ્તુ જે તમને ગમે છે તે માત્ર ખાવાનું ચાલુ રાખો… પેટ ભરાઈ જાય છે…ક્યારેક મન ભરાઈ જાય છે…પણ શરીરની જરૂરિયાતો પૂરી થતી નથી. 10મા, 12માનો આ સમયગાળો એવો છે, જ્યારે તમારી પાસે પરીક્ષાનું વાતાવરણ હોય, ત્યારે એક વાત નક્કી કરો કે મારે મારાં શરીરની જેટલી જરૂરિયાત છે એ હું લેતો રહું. માતા-પિતાએ પણ તેમના બાળકોને એવું ન કરે…નહીં-નહીં.. આજે તો હલવો બનાવ્યો છે, જરા વધારે ખાઇ લે. ક્યારેક માતા-પિતાને એવું પણ લાગે છે કે જો તેઓ વધુ માત્રામાં ખવડાવે છે તો બાળક ખુશ છે… જી નહીં, તેનું શરીર છે… અને આ માટે અમીરી-ગરીબીનો કોઈ મુદ્દો નથી, જે કંઈ પણ ઉપલબ્ધ છે તેમાંથી મળી રહે છે જી. તેમાં બધી વસ્તુઓ રહેલી છે…ઓછામાં ઓછા ખર્ચવાળી વસ્તુઓ પણ છે જે આપણા પોષણને પૂરી કરી શકે છે. અને તેથી આપણા આહારમાં સંતુલન…આ પણ સ્વાસ્થ્ય માટે એટલું જ જરૂરી છે. અને પછી વ્યાયામ – આપણે કુસ્તીની કસરત કરીએ કે ન કરીએ એ અલગ બાબત છે… પરંતુ આપણે ફિટનેસ માટે કસરત કરવી જોઈએ. જેમ તમે રોજેરોજ ટૂથબ્રશ કરો છો…તે જ રીતે કોઈ બાંધછોડ નહીં…કસરત કરવી જોઈએ. મેં કેટલાક બાળકોને જોયાં છે કે જેઓ છત પર જાય છે કે સાથે પુસ્તક લઈને જાય છે, વાંચતા રહે છે, બંને કાર્યો કરે છે… કંઈ ખોટું નથી. તે વાંચે પણ છે અને સૂર્યપ્રકાશમાં ચાલી પણ લે છે…તેને કસરત પણ થાય છે. કોઈક ને કોઈક રસ્તો શોધી કાઢવો જોઈએ જેમાં તમારી શારીરિક પ્રવૃત્તિ થયા કરવી જોઈએ. વ્યક્તિએ 5 મિનિટ, 10 મિનિટ માટે સમર્પિત શારીરિક પ્રવૃત્તિ કરવી જ જોઈએ. જો આપણે વધુ કરી શકીએ તો તે સારું છે. જો તમે આ વસ્તુઓ સહજતાથી લાવો છો. પરીક્ષાના તણાવ વચ્ચે તમે અહીં બધું જ કરશો, જો તમે એવું નહીં કરો તો નહીં ચાલે. તેને સંતુલિત કરો, તમને ઘણો ફાયદો થશે. આભાર.

પ્રસ્તુતકર્તા- પીએમ સાહેબ, તમે અમને એક્ઝામ વોરિયરમાં પણ આ જ સંદેશ આપ્યો છે… તમે જેટલું વધુ રમશો, તેટલા તમે ખીલશો. આભાર પીએમ સાહેબ. રવિન્દ્રનાથ ટાગોર વંદે માતરમ્‌ની અમર ભૂમિ, સમૃદ્ધ કળા અને કૌશલ્યથી ભરપૂર રાજ્ય બંગાળના ઉત્તર 24 પરગણાની કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થિની મધુમિતા મલ્લેખ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આપણને પ્રશ્ન પૂછવા માગે છે. મધુમિતા કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

મધુમિતા – માનનીય પ્રધાનમંત્રી સાહેબ નમસ્કાર, મારું નામ મધુમિતા મલ્લેખ છે. હું પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય બેરકપુર ભૂમિ સેના કોલકાતા વિભાગમાં અગિયારમા ધોરણમાં વિજ્ઞાનની વિદ્યાર્થિની છું. મારો તમને પ્રશ્ન એ છે કે, તમે એવા વિદ્યાર્થીઓને શું સલાહ આપશો કે જેઓ તેમની કારકિર્દી વિશે અસમંજસમાં હોય અથવા કોઇ ચોક્કસ કારકિર્દી અથવા વ્યવસાય પસંદ કરવા માટે દબાણ અનુભવતા હોય. કૃપા કરીને મને આ વિષય પર માર્ગદર્શન આપો. આભાર સાહેબ.

પ્રસ્તૂતકર્તા – આભાર મધુમિતા. પ્રધાનમંત્રી સાહેબ, ભગવાન કૃષ્ણના ઉપદેશની ભૂમિ, વીર બહાદુર ખેલાડીઓની ભૂમિ એવા હરિયાણા પાણીપતની ધ મિલેનિયમ સ્કૂલની વિદ્યાર્થિની અદિતિ તંવર ઑનલાઇન માધ્યમથી જોડાયેલી છે અને તમારી પાસેથી માર્ગદર્શન માંગે છે. અદિતિ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

અદિતિ તંવર– માનનીય પ્રધાનમંત્રી, નમસ્કાર. મારું નામ અદિતિ તંવર છે અને હું ધ મિલેનિયમ સ્કૂલ, પાણીપત, હરિયાણાની અગિયારમા ધોરણની વિદ્યાર્થિની છું. મારો આપને એવો પ્રશ્ન છે કે, મેં માનવશાસ્ત્રને મારા વિષય તરીકે પસંદ કર્યો છે અને લોકો મને રોજ ટોણા મારતા હોય છે. મને આ વિષય ગમે છે, તેથી જ મેં તેને પસંદ કર્યો છે. પરંતુ ક્યારેક ટોણાનો સામનો કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનું મુશ્કેલ બની જાય છે. તેમને કેવી રીતે તેનો સામનો કરવો જોઇએ અને કેવી રીતે અવગણવું જોઇએ. આમાં મારે તમારી પાસેથી માર્ગદર્શન જોઇએ છે. આભાર સાહેબ, નમસ્તે.

પ્રસ્તૂતકર્તા – આભાર અદિતિ. મધુમિતા અને અદિતિ તથા તેમના જેવા કેટલાક વિદ્યાર્થીઓ જીવનમાં કારકિર્દી પસંદ કરવા બાબતે દબાણ અનુભવે છે. સાહેબ, કોઇ ચોક્કસ કારકિર્દી કે પ્રવાહ પસંદ કરવા માટેના માનસિક દબાણની સમસ્યાને કેવી રીતે હલ કરી શકાય?

પ્રધાનમંત્રી – મને નથી લાગતું કે તમે પોતે કોઇ મૂંઝવણમાં છો. તમે પોતે જ કોઇ મૂંઝવણમાં છો એવું મને જરાય નથી લાગતું. વાસ્તવિકતા એ છે કે, તમને તમારી જાત પર વિશ્વાસ નથી. તમને તમારી વિચારસરણી સંબંધે અવઢવ છે. હવે તેથી જ, તમે 50 લોકોને પૂછતા રહો છો. શું લાગે છે, જો હું આમ કરીશ તોજો હું તેમ કરીશ તો કેવું લાગશે. તમે તમારી જાતને જાણતા નથી. અને તેના કારણે તમે બીજા કોઇની સલાહ પર નિર્ભર રહો છો. અને તમને જે વ્યક્તિ સૌથી વધુ સારી લાગે છે અને જે સલાહ તમને સૌથી વધુ સરળ લાગે છે, તમે તેને જ અપનાવી લો છો. હવે જેમ મેં કહ્યું તેમ, રમતો તો ઘણી હશે જને આજે તમે સંકલ્પ લઇને ઘરે જશો… મોદીજીએ કહ્યું રમો-રમો, રમો અને ખીલો. હવે હું વાંચીશ નહીં, માત્ર… કારણ કે તેણે તેની વસ્તુ પસંદ કરી લીધી છે.

મને લાગે છે કે, સૌથી ખરાબ પરિસ્થિતિ જે હોય છે, તે મૂંઝવણ છે… અનિર્ણાયકતા છે. અનિર્ણાયકતા… તમે જોયું હશે કે જુના જમાનમાં એક વાર્તા વાર્તા ચાલતી હતી… કોઇ ગાડી લઇને જઇ રહ્યું હતું અને કૂતરો નક્કી કરી શક્યો નહીં કે અહીં જવું કે ત્યાં જવું અને અંતે તે નીચે આવી ગયો. આવું જ થતું હોય છે… જો તેને ખબર પડે કે જો હું ત્યાં જતો રહું, તો શક્ય છે કે ડ્રાઇવર પોતે તેને બચાવી લે. પરંતુ તે અહીં ગયોત્યાં ગયોત્યાં ગયોપછી તો ડ્રાઇવર ગમે તેટલો નિષ્ણાત હોય, તે બચાવી શકશે નહીં. આપણે અનિશ્ચિતતાથી પણ બચવાનું છે, અનિર્ણાયકતાથી પણ દૂર રહેવાનું છે. અને નિર્ણય લેતા પહેલાં, આપણે બધી બાબતોને… આપણે જેટલી તેને ત્રાજવામાં તોલી શકીએ, એટલી તોલીને ચકાસી લેવી જોઇએ.

બીજું કે, ક્યારેક ક્યારેક અમુક લોકોને એવું લાગે છે કે ફલાણી ચીજ એવી છે… ઢીંકણી ચીજ.. હવે તમે મને કહો – સ્વચ્છતાના મુદ્દાને જ જોઇએ, જો પ્રધાનમંત્રીના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો તે ખૂબ જ સામાન્ય મુદ્દો છે કે નહીં? બહુ જ નાનો વિષય છે ને? કોઇપણ કહેશે… યાર, પ્રધાનમંત્રી પાસે તો આટલા બધા કામ હોય છે… તેઓ સ્વચ્છતા – સ્વચ્છતા કરતા રહે છે. પરંતુ જ્યારે તેની અંદર મેં મારું મન પરોવી લીધું, દર વખતે મેં તેને મારું મહત્વનું સાધન બનાવી દીધુંબોલો આજે સ્વચ્છતા દેશનો એક મુખ્ય એજન્ડા બની ગઇ છે કે નથી બની? સ્વચ્છતા તો એક નાનો મુદ્દો હતી, પરંતુ જો જ્યારે મેં તેમાં મારો જીવ પરોવી દીધો ત્યારે તે એક મોટો વિષય બની ગયો. તેથી, આપણે એવું ન વિચારવું જોઇએતમારા ધ્યાનમાં આવ્યું જ હશે કે, હું આખું તો વાંચી શક્યો નથી, પરંતુ મેં જોયું કે કોઇએ કહ્યું હતું કે છેલ્લાં દસ વર્ષમાં કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ભારતનું બજાર 250 ગણું વધી ગયું છે. હવે આજથી પહેલાં કોઇ ચિત્રકામ કરતા તો તેના માતા-પિતા કહેતા કે પહેલાં ભણવા બેસ. વેકેશન પડે ત્યારે ચિત્રો દોરજે. તેમને એવું ક્યારેય લાગતું જ નહોતું કે ચિત્રકળા જીવનમાં મહત્વનો વિષય બની શકે છે. અને તેથી ચાલો આપણે કોઇપણ બાબતને ઓછી ન આંકવી જોઇએ. જો આપણામાં હિંમત હશે, તો આપણે તેમાં જીવ રેડી શકીશું. આપણામાં સામર્થ્ય હોવું જોઇએ. અને તમે જે પણ વસ્તુ તમારા હાથમાં લોએમાં પૂરા દિલથી વ્યસ્ત રહોઆપણે અડધા-પડધા યાર, એણે આ લીધુંમેં પણ એ લીધું હોત તો કદાચ સારું થાત. તેણે આ લીધું, મેં આ લીધું હોત તો સારું થાત. આ મૂંઝવણ જ તમને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે.

બીજો વિષય એ છે કે, આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તમારા માટે ઘણી બધી સગવડ ઉભી કરી આપી છે. તમે એક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો, પરંતુ તમને લાગે છે કે તમારે બીજા કોઇ ક્ષેત્રમાં પ્રયાસ કરવો જોઇએ તો, તમે ફેરબદલી કરી શકો… તમારો માર્ગ બદલી શકો છો. તમારે કોઇની સાથે બાંધવાની જરૂર નથી, તમે પોતાની જાતે જ પ્રગતિ કરી શકો છો. અને તેથી હવે શિક્ષણમાં પણ ઘણી બાબતો બની રહી છે. આજે હું પ્રદર્શન નિહાળી રહ્યો હતો, ત્યારે હું જોઇ રહ્યો હતો કે જે રીતે બાળકોની પ્રતિભા બહાર આવી છે તે ખૂબ જ પ્રભાવશાળી છે.

સરકારનું INB મંત્રાલય, સરકારની યોજનાઓ સુધી પહોંચાડવા માટે જે કંઇ પણ કરી રહ્યું છે… તેના કરતાં આ બાળકોએ ઘણું બધું સારું કર્યું છે. નારી શક્તિનું મહત્વ આટલી સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે આપણે કોઇપણ પરિસ્થિતિમાં નિર્ણાયક હોવા જોઇએ. અને એકવાર તમને નિર્ણાયક બનવાની આદત પડી જાય એટલે, પછી કોઇપણ પ્રકારની મૂંઝવણ આગળ રહેતી જ નથી. બાકી તમે તો જોયું જ હશે કે, ક્યારેક આપણે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જઇએ છીએ… યાદ કરો તમે… મને તક નથી મળતી પણ તમને મળતી જ હશે. જ્યારે તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો… ત્યારે પહેલા તમે વિચારો છો કે હું આ મંગાવીશ… પછી જ્યારે તમે તમારી બાજુના ટેબલ પર તમારી નજર જાય છે, ત્યારે તમે કહો છો, ના-ના, આ નહીં, હું પેલી વસ્તુ મંગાવીશ. પછી પેલો વેઇટર હોય એ પોતાની ટ્રેમાં બીજું કંઇક લઇને જતો દેખાય છેતો દોસ્ત, આ તો કંઇક બીજું છે, ના-ના, આ શું છે ભાઇઠીક છે, મારા પેલા બે ઓર્ડર કેન્સલ કરો. હવે એનું તો ક્યારેય પેટ જ નહીં ભરાય. તે ક્યારેય સંતોષ થશે જ નહીં અને જ્યારે ડિશ આવશે, ત્યારે તેને લાગશે કે આના બદલે તેણે સૌથી પહેલા જે કહી હતી તે વસ્તુ લીધી હોત તો સારું થાત. જે લોકો રેસ્ટોરન્ટના ડાઇનિંગ ટેબલ પર નિર્ણય લઇ શકતા નથી તેઓ ક્યારેય રેસ્ટોરન્ટ કે ભોજનનો આનંદ માણી શકતા નથી, તમારે નિર્ણય લેનાર બનવું પડે છે, ભાઇ. જો તમારી માતા દરરોજ સવારે તમને પૂછે કે તમે આજે શું ખાશો અને તમારી સામે 50 પ્રકારની વસ્તુઓના નામ બોલી દેશે… તમે શું કરશો? ફરી ફરીને તમે ત્યાં જ પાછા આવી જશો, રોજ ખાઓ છો… ત્યાં જ ફરી પાછા આવીને ઊભા રહી જશો.

મને લાગે છે કે, આપણે નિર્ણાયક બનવાની આદત પાડી દેવી જોઇએ. નિર્ણય લેતા પહેલાં, આપણે 50 વસ્તુઓને ખૂબ જ બારીકાઇથી જોવી જોઇએ, તેના સારા-નરસા બધા જ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઇએ, કોઇને સારા-નરસા મુદ્દાઓ અંગે પૂછવું જોઇએપરંતુ તે પછી આપણે નિર્ણાયક બનવાનું છે. કોઇપણ સંજોગોમાં કોઇપણ વ્યક્તિ માટે મૂંઝવણ સારી નથી હોતી. અનિર્ણાયકતા વધુ ખરાબ હોય છે અને તેમાંથી આપણે બહાર આવવું જોઇએ. આભાર.

પ્રસ્તૂતકર્તા – સાહેબ, નિર્ણયની સ્પષ્ટતામાં સફળતા સમાયેલી છે… આપનું આ વાક્ય હંમેશા યાદ રહેશે. આભાર. શાંત દરિયા કિનારા, મનોહર શેરીઓ અને સાંસ્કૃતિક વિવિધતા માટે પ્રખ્યાત એવા પુડુચેરી શહેરની સેદારાપેટ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિની ડી. વર્સરી આપણી વચ્ચે આ સભાગૃહમાં ઉપસ્થિત છે અને તે પોતાનો પ્રશ્ન પૂછવા માંગે છે. દીપશ્રી કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

દીપશ્રી નમસ્કાર, વણક્કમ માનનીય પ્રધાનમંત્રી સાહેબ.

પ્રધાનમંત્રી – વણક્કમ, વણક્કમ

ડી. વર્સરી મારું નામ દીપશ્રી છે. હું પુડુચેરીના સેદારાપેટ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે, અમે ખૂબ જ સખત મહેનત કરી રહ્યાં છીએ એવો વિશ્વાસ અમારા માતા-પિતામાં કેવી રીતે કેળવી શકીએ? આપનો આભાર સાહેબ.

પ્રસ્તૂતકર્તા – આભાર દીપશ્રી. પ્રધાનમંત્રીજી, આપણે માતાપિતાને કેવી રીતે સમજાવી શકીએ કે આપણે સખત મહેનત કરી રહ્યા છીએ? આ વિષય પર દીપશ્રી આપની પાસેથી માર્ગદર્શન ઇચ્છે છે.

પ્રધાનમંત્રી – તમે એક પ્રશ્ન પૂછ્યો છે, પરંતુ આ પ્રશ્નની પાછળ તમારા મનમાં બીજો પણ એક પ્રશ્ન છે, જે તમે પૂછ્યો નથી. તમારો બીજો પ્રશ્ન એ છે કે આખા પરિવારમાં વિશ્વાસનો અભાવ છે. ભરોસો ખૂટે છે અને આનો અર્થ એવો છે કે તમે ખૂબ સારી સ્થિતિને પકડી છે. તમે તેની રજૂઆત એવી રીતે કરી છે કે ઘરમાં કોઇને ગુસ્સો ન આવે, શિક્ષકો માટે પણ અને માતા-પિતા માટે પણ આ વિચારવા જેવી વાત છે. એવું કયું કારણ છે કે, આપણે વિશ્વાસના અભાવ વાળા પારિવારિક જીવનનો અનુભવ કરી રહ્યાં છીએ? જો આપણે પારિવારિક જીવનમાં પણ વિશ્વાસની ઉણપ અનુભવી રહ્યાં હોઇએ, તો તે ખૂબ જ ચિંતાની વાત છે. અને આ વિશ્વાસની ઉણપ અચાનક નથી આવી જતી… તે લાંબો સમય પસાર કર્યા પછી ઉભરી આવે છે. અને તેથી દરેક માતા-પિતાએ, દરેક શિક્ષકે, દરેક વિદ્યાર્થીએ ખૂબ જ બારીકાઇથી પોતાના વર્તનનું વિશ્લેષણ કરતા રહેવું જોઇએ. આખરે એવું શું છે કે મારી વાત પર મા-પિતા કેમ માનતા નથી… ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ તો બની જ હશે જેના કારણે એમણે આવું મન બનાવ્યું હશે. ક્યારેક તમે એવું કહ્યું હશે કે હું મારી બહેનપણીને ત્યાં મળવા જઉં છું અને જ્યારે માતા-પિતાને ખબર પડી હોય કે તમે તો ત્યાં ગયા જ નથી તો આવી સ્થિતિમાં વિશ્વાસની કમી શરૂ થઇ જાય છે. તેણે તો કહ્યું હતું કે તે ત્યાં જશે પરંતુ પછી તો જ્યારે તે ત્યાં નહોતી ગઇ, પણ તમે તેને જો કહ્યું હોય કે હું તેને ત્યાં જવાની હતી પરંતુ રસ્તામાં મેં મારો નિર્ણય બદલ્યો તેથી હું આમ જતી રહી. આમ, ક્યારેય પણ વિશ્વાસના અભાવની આવી સ્થિતિ ઊભી થશે નહીં. અને એક વિદ્યાર્થી તરીકે આપણે જરૂર વિચારવું જોઇએ કે એવું તો નથી કે મેં કહ્યું હતું કે મમ્મી, તમે સૂઇ જાઓ, ચિંતા કરશો નહીં, હું વાંચી લઇશ. અને જો મા છૂપી રીતે જુએ કે હું સૂઇ રહ્યો હોઉં, તો વિશ્વાસનો અભાવ ઉભો થશે કે, એ તો કહેતો હતો કે તે ભણશે, પણ તે ભણતો નથી, એ તો સૂઇ રહ્યો છે.

તમે કહો છો મા, હવે હું એક અઠવાડિયા સુધી મારા મોબાઇલને હાથ પણ નહીં લગાડું. પરંતુ છુપાઇને માતાને બધુ જ દેખાઇ રહ્યું હોય છે… અરે… તો પછી વિશ્વાસનો અભાવ પેદા થાય છે. શું તમે ખરેખર જે કંઇપણ કહો છો તેનું સાચે જ પાલન કરો છો? જો તમે ખરેખર પાલન કરતા હોવ તો, હું માનતો નથી કે માતા-પિતા અથવા શિક્ષકો તરફથી આ પ્રકારના વિશ્વાસના અભાવની પરિસ્થિતિ ઊભી થાય, તમારા પ્રત્યે તેમને અવિશ્વાસનું કોઇ કારણ બને. એવી જ રીતે માતાપિતાએ પણ વિચારવું જોઇએ. કેટલાક માતા-પિતાને એવી આદત હોય છે, ઉદાહરણ તરીકે, ધારી લો કે… માતાએ ખૂબ જ સરસ ભોજન બનાવ્યું છે અને દીકરો આવી ગયો છે, કોઇને કોઇ કારણસર તેને ખાવાનું મન થતું નથી પણ બહુ ઓછું ખાધું હોય, તો માતા શું કહેશે…. હમ્મ, જરૂરથી તું ક્યાંક જમીને જ આવ્યો હોઇશ, કોઇના ઘરે પેટ ભરીને આવ્યો હોઇશ. એટલે આવી સ્થિતિમાં એને દુઃખ થાય છે, અને પછી તે સાચું બોલતો નથી. પછી માતાને સારી રાખવા માટે, ઠીક છે, સારું લાગે કે ખરાબ, હું મારા મોંમાં જેટલું મૂકીશ તેટલું મૂકીશ. આ વિશ્વાસની ઉણપ સર્જાય છે, આ અનુભવ દરેકના ઘરમાં આવતો હશે. તમને, તમારી માતાએ, તમારા પિતાએ માની લો કે પૈસા આપ્યા અને તમને કહે છે કે, તેઓ તમને આ 100 રૂપિયા તમારા ખિસ્સા માટે એક મહિના માટે આપે છે, અને પછી દર ત્રીજા દિવસે તેઓ પૂછે કે પેલા 100 રૂપિયાનું તમે શું કર્યું?… અરે ભાઇ, તમે એ રૂપિયા તો 30 દિવસ માટે આપ્યા છે ને, તમારી પાસે બીજા ફરીથી માંગવા માટે આવ્યા તો નથી ને… તો ભરોસો મૂકોને. જો ભરોસો જ ન હોય, તો આપવા જ નહોતા. મોટાભાગના મા-બાપના કિસ્સામાં આવું થાય છે, તેઓ દરરોજ પૂછે છે, સારું તો, પેલા 100 રૂપિયા… હા, કોઇ એવું તો પૂછી શકે છે, પૂછવાની એક રીત હોય છે, કોઇ કહે છે – દીકરા, તે દિવસે પૈસા નહોતા, મે તને માત્ર 100 રૂપિયા આપ્યા હતા. ચિંતા ના કરીશ, જરૂર હોય તો મને કહેજે. તો પેલા દીકરાને લાગ્યું – ના-ના મારા માતા-પિતાએ મને 100 રૂપિયા આપ્યા છે… હા જુઓ, જ્યારે તમારી પસંદગીની વાત આવી ત્યારે તમે લોકો તાળીઓ પાડી રહ્યાં છો.

જો આ જ પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવે કે, તે પેલા 100 રૂપિયાનું શું કર્યું, તેના બદલે જો આ રીતે પૂછો તો… દીકરો કહેશે કે, ના મમ્મી, બિલકુલ નહીં, મારી પાસે પૈસા છે, પૂરતા પૈસા છે. એટલે કે આપણે એકબીજા સાથે કેવી રીતે વાત કરીએ. આ વસ્તુઓ, જેનો આપણે સામાન્ય જીવનમાં અનુભવ કરીએ છીએ, તે પણ ધીમે ધીમે આપણી શિક્ષણ પ્રણાલીની સાથે સાથે રોજબરોજની આપણી અપેક્ષાઓ હોય છે, તેના ટકરાવમાં ફેરવાઇ જાય છે. પછી પૂછે છે તારે માર્કસ કેમ નથી આવ્યા? તું ભણતો જ નહીં હોય, ધ્યાન આપતો જ નહી હોય, વર્ગમાં બેસતો જ નહીં હોય, તમારા દોસ્તો સાથે ગપ્પા મારતો રહેતો હોઇશ. બની શકે એ પૈસા છે, સિનેમા જોવા જતા રહ્યાં હશો, મોબાઇલ ફોન પર રીલ્સ જોતા હશો. પછી તે કંઇક ને કંઇક કહેવાનું શરૂ કરી દે છે, પછી અંતર વધતું જાય છે, પહેલા વિશ્વાસ ખતમ થઇ જાય છે, પછી અંતર વધે છે અને આ અંતર ક્યારેક બાળકોને હતાશા તરફ ધકેલી દે છે. અને તેથી તે માતાપિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એવી જ રીતે શિક્ષકોએ પણ બાળકો સાથે એટલી જ મોકળાશથી વાત કરવી જોઇએ કે તેઓ પોતાની વાત મુક્તપણે વ્યક્ત કરી શકે, જો તેને કોઇ સવાલ ન સમજાય તો કોઇ શિક્ષક તેમને ઠપકો આપી દે, તને કંઇ જ ખબર પડતી નથી, તું બીજા વિદ્યાર્થીઓનો સમય ખરાબ ન કરીશ, બેસી જા. ક્યારેક ક્યારેક શિક્ષકો પણ શું કરે છે કે તેઓને જે 4-5 હોંશિયાર બાળકો હોય છે તે ખૂબ જ ગમે છે, તેમની સાથે તેમનું મન જોડાઇ જાય છે, બાકીના વર્ગમાં 20 બાળકો હોય, 30 બાળકો હોય, એ જાણે, એમનું નસીબ જાણે. આવા 2-4 બાળકોમાં પોતાનું મન પરોવી લે છે, બધી વસ્તુઓ, પ્રશંસા એમની જ થયા કરે છે, તેમના પરિણામોની જ વાતો કરે છે. હવે તમે તેમને કેટલા આગળ લઇ જઇ શકો છો એ તો અલગ વાત છે, પરંતુ બાકીના જે વિદ્યાર્થીઓ છે, તેમને તમે ત્યાંથી નીચે ધકેલી દો છો. અને તેથી કૃપા કરીને બધા વિદ્યાર્થીઓ તમારા માટે એક સમાન હોવા જોઇએ. સૌની સાથે એક સમાન રીતે રહો, હા, જે સૌથી હોંશિયાર હશે તે આપમેળે તમારી પાસેથી અમૃત લઇ લેશે. પરંતુ જેમને સૌથી વધુ જરૂર હોય તેવા વિદ્યાર્થી પ્રત્યે તમે સહાનુભૂતિ રાખો અને તેમાં પણ હું માનું છું કે, તેના ગુણોના વખાણ કરો. ક્યારેક કોઇ બાળક ભણવામાં બહુ નબળું હોય છે, પરંતુ તેના અક્ષરો ખૂબ જ સારા હોય, ત્યારે તમે તેની જગ્યા પર જઇને જો એમ કહો કે, ‘અરે યાર, તું તો આટલું સારું લખે છે, તારા અક્ષરો તો ખૂબ જ સારા છે, તારામાં શું સ્માર્ટનેસ છે.ક્યારેક કોઇ આવો નબળો વિદ્યાર્થી હોય, ત્યારે કહો કે અરે યાર, તારા કપડા બહુ જોરદાર છે, કાપડ બહુ સરસ છે. તેનામાં આત્મવિશ્વાસ વધવા લાગશે, તે તમારી સાથે મોકળાશથી વાત કરવાનું શરૂ કરશે, તે તમારી સાથે વાત કરવાનું શરૂ કરશે કે સાહેબનું ધ્યાન મારા તરફ છે. જો આ અનુકૂળ વાતાવરણ બની જાય, તો મને નથી લાગતું કે, કોઇ વાંધો આવે પરંતુ વિદ્યાર્થીઓની પણ એટલી જ જવાબદારી છે, આપણે આત્મમંથન કરવું જોઇએ કે, મારી એવી કઇ કઇ વાતો છે જેના કારણે મારા પરિવારજનોએ મારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કોઇ પણ સંજોગોમાં આપણા વર્તનથી, આપણા પરિવારનો અથવા આપણા શિક્ષકોનો આપણામાં રહેલો ભરોસો નષ્ટ ન થવો જોઇએ, જો આપણે કંઇ ન કરી શક્યા હોઇએ તો આપણે કહી દેવું જોઇએ. બીજું, મને લાગે છે કે પરિવારમાં એક પ્રયોગ કરી શકાય કે…. ધારો કે તમારા દીકરા કે દીકરીને 5 મિત્રો છે, તો નક્કી કરો કે મહિનામાં એકવાર, તે પાંચેય પરિવાર એક પરિવારમાં 2 કલાક માટે ભેગા થશે, પછીના મહિનામાં બીજા પરિવારને ત્યાં બધાએ ભેગા થવાનું. બિલકુલ સમૂહમિલન જેવું કરશો અને તેમાં બધા બાળકો અને વૃદ્ધો બધા જ ભેગા થાય. એવું નહીં કે આપણે બે લોકોને ઘરે મૂકીને જઇએ, જો 80 વર્ષના માતા-પિતા શારીરિક રીતે સ્વસ્થ હોય તો તેઓ આવી શકે છે, તેમને પણ લઇને આવો. અને પછી નક્કી કરો કે આજે જે પેલો ત્રીજા નંબરનો મિત્ર છે તેની માતાજી કોઇ એક એક સકારાત્મક પુસ્તક વાંચશે અને તેની વાર્તા સંભળાવશે. આગલી વખતે, નક્કી કરો કે જે ચાર નંબરનો મિત્ર નંબર છે તેના પિતાએ કોઇ સકારાત્મક ફિલ્મ જોઇ હોય, તો તેઓ તે ફિલ્મની વાર્તા સંભળાવશે. જ્યારે પણ તમે એક કલાક માટે આવી રીતે ભેગા થશે ત્યારે માત્રને માત્ર ઉદાહરણો સાથે, કોઇ સંદર્ભ સકારાત્મક બાબતોની ચર્ચા કરો, પણ ત્યાંના કોઇના સંદર્ભમાંથી નહીં. તમને જોવા મળશે કે, સકારાત્મકતા ધીમે ધીમે પ્રસરી જશે. અને આવી જ સકારાત્મકતા ફક્ત તમારા બાળકો પ્રત્યેજ જ નહીં પરંતુ અંદરો અંદર પણ વિશ્વાસનું એવું વાતાવરણ પણ ઉભું કરશે કે તમે બધા એક સંગઠન બની જશો, એકબીજાને મદદરૂપ થશો અને હું માનું છું કે આવા કેટલાય પ્રયોગો કરતા રહેવા જોઇએ. આભાર.

પ્રસ્તૂતકર્તા – પ્રધાનમંત્રી સાહેબ, પરિવારમાં વિશ્વાસ જળવાયેલો હોય તે મહત્વપૂર્ણ છે, તમારો આ સંદેશ અમારા ઘરોમાં ખુશીઓ લાવશે. આભાર પ્રધાનમંત્રી સાહેબ. છત્રપતિ શિવાજી મહારાજ અને સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેનું જન્મસ્થળ એવી મહારાષ્ટ્રની પવિત્ર નગરી પુણેના એક વાલી શ્રી ચંદ્રેશ જૈનજી આ કાર્યક્રમમાં ઑનલાઇન માધ્યમથી જોડાઇ રહ્યા છે અને પ્રધાનમંત્રીજી આપને એક પ્રશ્ન પૂછવા માંગે છે. ચંદ્રેશજી કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

ચંદ્રેશ જૈન – માનનીય પ્રધાનમંત્રીજી. આપને મારા સાદર પ્રણામ. મારું નામ ચંદ્રેશ જૈન છે, હું એક વાલી છું. આપને મારો એક પ્રશ્ન છે કે, શું તમને નથી લાગતું કે આજકાલના બાળકોએ તેમના મગજનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે, તેઓ ટેક્નોલોજી પર વધુ નિર્ભર રહેવા લાગ્યા છે કારણ કે દરેક વસ્તુ તેમની આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. કોઇ આ યુવા પેઢીને કેવી રીતે જાગૃત કરી શકે છે કે તેમણે ટેક્નોલોજીના ગુલામ નહીં પણ તેના માલિક બનવું જોઇએ? કૃપા કરીને આ અંગે માર્ગદર્શન આપો. આભાર.

પ્રસ્તૂતકર્તા – આભાર ચંદ્રેશજી. આદિવાસી જનજાતિના લોકનાયક સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડના રામગઢ જિલ્લાનાં એક વાલી શ્રીમતી પૂજા શ્રીવાસ્તવજી આ કાર્યક્રમ સાથે ઑનલાઇન માધ્યમથી જોડાયેલાં છે અને પ્રધાનમંત્રી આપને પ્રશ્ન પૂછીને તેઓ પોતાની શંકાનું નિરાકરણ લાવવા માંગે છે. પૂજા, મહેરબાની કરીને તમારો પ્રશ્ન પૂછો.

પૂજા શ્રીવાસ્તવ – નમસ્કાર. માનનીય પ્રધાનમંત્રી સાહેબ. મારું નામ કુમારી પૂજા શ્રીવાસ્તવ છે. હું શ્રી ગુરુનાનક પબ્લિક સ્કૂલ, રામગઢ, ઝારખંડમાં અભ્યાસ કરતી પ્રિયાંશી શ્રીવાસ્તવની માતા છું. સાહેબ, હું આપને પૂછવા માંગુ છું કે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પણ હું મારી દીકરીના અભ્યાસનું સંચાલન કેવી રીતે કરી શકું. કૃપા કરીને મને આ અંગે માર્ગદર્શન આપો. આભાર સાહેબ.

પ્રસ્તૂતકર્તા – આભાર મેમ. હિમાચલ પ્રદેશ શિવાલિક પહાડીઓની તળેટીમાં આવેલા હમીરપુર જિલ્લાની ટી.આર. ડી.એ.વી. સ્કૂલ કાંગૂનો એક વિદ્યાર્થી અભિનવ રાણા ઑનલાઇન જોડાઇ રહ્યો છે અને પ્રધાનમંત્રી આપને એક પ્રશ્ન પૂછવા માંગે છે. અભિનવ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

અભિનવ રાણા – માનનીય પ્રધાનમંત્રી સાહેબ નમસ્કાર. મારું નામ અભિનવ રાણા છે, હું ટી.આર. ડી.એ.વી. સાર્વજનિક સિનિયર માધ્યમિક શાળા કાંગૂ જિલ્લા, હમીરપુર, હિમાચલ પ્રદેશનો વિદ્યાર્થી છું. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે, અમે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને અસરકારક રીતે સંચાલિત કરવા માટે કેવી રીતે શિક્ષિત કરી શકીએ અને પ્રોત્સાહિત કરી શકીએ છીએ, અને સાથે સાથે મોબાઇલ ટેક્નોલોજીના ફાયદાઓને શીખવા માટેના સાધન તરીકે ઉપયોગ કરીને, અભ્યાસના મૂલ્યવાન સમયગાળા દરમિયાન તેનાથી વિચલિત થવા દેવાને બદલે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આભાર સાહેબ.

પ્રસ્તૂતકર્તા – આભાર અભિનવ. પ્રધાનમંત્રીજી, ચંદ્રેશ જૈન, પૂજા અને અભિનવ જેવા ઘણા લોકો જીવનમાં સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના વધી રહેલા દબાણથી તેઓ પરેશાન છે. તે તમામ લોકો ટેક્નોલોજી પરની નિર્ભરતા અને તેના વધુ પડતા ઉપયોગની આડ અસરોથી કેવી રીતે બચી શકે? કૃપા કરીને આ બાબતે યોગ્ય સલાહ આપો.

પ્રધાનમંત્રી – જુઓ, આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે અને આપણા રોજિંદા જીવનમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઇપણ વસ્તુનો અતિરેક થાય તો તેનાથી કોઇનું ભલું થતું નથી. દરેક ચીજનું, તેનું એક ધોરણ હોવું જોઇએ અને તેના પર આધાર હોય છે. જો એવું માની લો, માતાએ કંઇક ખૂબ જ સરસ ભોજન બનાવ્યું છેતે પોષણની દૃષ્ટિએ ખૂબ જ સારું છેસ્વાદ તમારી પસંદગીનો છે ખાવાનો સમય પણ થઇ ગયો છે… પરંતુ બસ તમે ખાતા જ જાઓ, ખાતા જ જાઓ, ખાતા જ જાઓ, અને માતા પીરસતી જ જાય. શું આ શક્ય છે? શું આવું શક્ય બંને? ક્યારેક તો તમે તમારી માતાને કહેશો જ કે… ના મા, હવે પેટ ભરાઇ ગયું, ઘણું જમ્યો હવે હું ખાઇ શકું તેમ નથી. તમે કરો છો કે નહીં, આવું? એ તમારું મનપસંદ ભોજન હતું, એમાં દરેક રીતે પોષક મૂલ્ય હતું, એ સમય પણ એવો હતો કે ખાવાનો જ સમય હતો, છતાં એક તબક્કો એવો આવે છે જ્યારે એ ભોજન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, તમને ઉલ્ટી કરાવશે, તમારી તબિયત બગાડશે. તમારા માટે ભલે ગમે તેટલું પ્રિય ભોજન હોય… તમારે અટકવું તો પડશે જ, બોલો, અટકવું પડે છે કે નહીં?

એવી જ રીતે, મોબાઇલમાં ભલે ગમે તેટલી મનપસંદ વસ્તુઓ ઉપલબ્ધ હોય, પરંતુ અમુક તો સમય નક્કી કરવો જ પડશે. જો તમે… મેં જોયું છે આજકાલ… ઘણા લોકોને તમે જ્યારે પણ જુઓ ત્યારે… તેઓ એમાં વ્યસ્ત જ હોય છે. તમે જોયું હશે. મારા હાથમાં ક્યારેક જ, બહુ જ ભાગ્યે કોઇ સ્થિતિમાં મોબાઇલ ફોન હોય છે. કારણ કે મને ખબર છે કે મારે મારા સમયનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. જ્યારે હું પણ માનું છું કે, તે મારા માટે માહિતી મેળવવાનો ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવોકેટલો ઉપયોગ કરવોતેના વિશે મારામાં સમજદારી હોવી જરૂરી છે. અને આ બંને માતા-પિતાએ જે ચિંતા વ્યક્ત કરી તે માત્ર આ બંનેની જ નથી, પરંતુ દરેક માતા-પિતાની ચિંતા છે. ભાગ્યે જ કોઇ એમાંથી અપવાદ હશે. જે માતા-પિતા પોતે આખો દિવસ મોબાઇલ ફોનમાં અટવાયેલા રહેતા હોયને, તો તેઓ પણ ઇચ્છતા હશે કે તેમનો પુત્ર આનાથી બચે. અને તમે જોયું જ હશે… સૌથી મોટી વાત… તે તમારા જીવનને કુંઠિત કરી નાખે છે. જો તમે પરિવારમાં જોશો તો ઘરના ચાર લોકો ચાર ખૂણામાં બેસીને એકબીજાને મેસેજ ફોરવર્ડ કરતા હોય છે. ઉભા થઇને તેમને પોતાનો મોબાઇલ નથી બતાવતા કે… જુઓ, મારી પાસે આ આવ્યું છે… શા માટે… ગુપ્તતા, આના કારણે પણ આજકાલ ભારે અવિશ્વાસ પેદા થવાનું તે માધ્યમ બની ગયું છે. જો માતા મોબાઇલને હાથ પણ લગાવી દે તો સમજો ઘરમાં તોફાન આવી જાય. મારા મોબાઇલને હાથ લગાડનાર તું કોણ છે… આવું જ થાય છે.

મને લાગે છે કે પરિવારમાં કેટલાક નિયમો હોવા જોઇએ, જેમ કે જમતી વખતે ડાઇનિંગ ટેબલ પર કોઇ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ નહીં હોય. નહીં મતલબ નહીં જ હોય. જમતી વખતે બધા એકબીજા સાથે ગપસપ કરશે, વાતો કરશે અને ભોજન લેશે. આપણે આ શિસ્તનું પાલન કરી શકીએ છીએ, ભાઇ. ઘરની અંદરમેં પહેલાં પણ કહ્યું છે, ફરી કહી રહ્યો છુંનો ગેજેટ ઝોન. નક્કી કરી લો કે ભાઇ, આ રૂમમાં કોઇ જ ગેજેટ્સને પ્રવેશ નથી, આપણે બેસીશું, વાતો કરીશું અને ગપશપ કરીશું. પરિવારમાં તે ઉષ્માભર્યું વાતાવરણ બને… એટલા માટે આ જરૂરી છે.

ત્રીજું કે, આપણા પોતાના ભલા માટે પણહવે આપણે ટેક્નોલોજીથી છટકી શકતા નથી, ટેક્નોલોજીને આપણે બોજ ન સમજવી જોઇએ, ટેક્નોલોજીથી દૂર ભાગવું જોઇએ નહીં, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખવું એ પણ એટલું જ જરૂરી છે. જો તમે ટેક્નોલોજીથી પરિચિત હોવ… તમારા માતા-પિતાને તેનું પૂરેપુરું જ્ઞાન ન હોય… સૌથી પહેલાં તમારું કામ તેમની સાથે આજે મોબાઇલ પર શું-શું ઉપલબ્ધ છે તેની ચર્ચા કરવાનું છે… તેમને શિક્ષિત કરો… અને તેમને વિશ્વાસ અપાવો કે જુઓ, ગણિતમાં મને આ વસ્તુઓ અહીંથી મળે છે, રસાયણશાસ્ત્રમાં મને આ બધુ જાણવા મળે છે, ઇતિહાસમાં મને આટલી આટલી માહિતી મળે છે, અને હું આ બધું જોઉં છું, તમે પણ જુઓ. તો એમને પણ આમાં થોડો રસ જાગશે, નહીં તો શું થશે કેદર વખતે એમને એવું જ લાગશે કે મોબાઇલ હાથમાં છે મતલબ કે તે મિત્રો સાથે ગપશપમાં લાગી ગયો છે. મોબાઇલ હાથમાં છે મતલબ કે રીલ જોઇ રહ્યો છે. જો એમને ખબર પડે કે ભાઇ આમાં તો આવા આવા ભાગો છેએનો મતલબ એવો નથી કે એણે મા-બાપને મૂર્ખ બનાવીને સારું સારું હોય એ બતાવી દેવાનું અને પછી બીજું કંઇક કરીએઆવું ન થઇ શકે. આપણા આખા પરિવારને ખબર હોવી જોઇએ કે શું ચાલી રહ્યું છે. આપણા મોબાઇલ ફોનને લૉક કરવા માટે ઉપયોગમાં લેવાતો જે પણ નંબર હોય તે પરિવારમાં દરેકને ખબર હોય તો શું નુકસાન થવાનું? પરિવારના દરેક સભ્યને દરેક મોબાઇલ ફોનની પહોંચ હોય… જો આટલી પારદર્શિતા આવી જાય, તો તમે ઘણા બધા અનિષ્ટોથી બચી શકશો. અરે ભાઇ, ભલે દરેક સભ્યના મોબાઇલ અલગ-અલગ હશે પણ બધાને તેનો જે કોડ વર્ડ હોય છે એ ખબર હશે, તો આનાથી સારું થઇ જશે.

બીજું કે, તમારે પણ તમારા સ્ક્રીન સમયને મોનિટર કરે તેવી એપ્લિકેશનો આવે છે તેને ડાઉનલોડ કરવી જોઇએ અને રાખવી જોઇએ. તે એપ્લિકેશનો તમને કહેશે કે તમારો સ્ક્રીન ટાઇમ આજે આટલો થઇ ગયો છે, તમે અહીં આટલો સમય લગાવ્યો છે. તમે આટલો સમય વિતાવ્યોતે તમને સ્ક્રીન પર જ સંદેશો આપે છે. તે તમને ચેતવણી આપે છે. આવા ચેતવણીના ટૂલ્સ જેટલા વધુ છે, તેટલા વધુ આપણે તેને આપણા ગેજેટ્સ સાથે જોડાયેલા રાખવા જોઇએ જેથી આપણેને ખબર પડે કે… હા યાર, તે ખૂબ જ વધુ સમય થઇ ગયો છે, હવે મારે બંધ કરવું જોઇએ… કમસે કમ તે આપણને ચેતવણી આપે છે. સાથે જ, તેનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય. જો માની લો કે, હું કંઇક લખી રહ્યો છું, પરંતુ મને… કોઇ સારો શબ્દ નથી મળ્યો તો મારે શબ્દકોશની જરૂર છે.

હું ડિજિટલ વ્યવસ્થાનો ઉપયોગ કરીને તેનો લાભ લઇ શકું છું. માની લો કે, હું તે ગણિતનો કોઇ દાખલો કરી રહ્યો છું અને મને કોઇ અંકગણિત સૂત્ર યાદ નથી. બસ, મેં ડિજિટલ વસ્તુની સપોર્ટ સિસ્ટમ લીધી, પૂછી લીધું, તેનું શું થયું, ફાયદો થશે પરંતુ મારા મોબાઇલમાં શું તાકાત છે તે ખબર જ ન હોય તો? તો પછી શું હું વાપરીશ? અને તેથી જ મને લાગે છે કે, ક્યારેક ક્યારેક ક્લાસરૂમમાં પણ મોબાઇલના સકારાત્મક પાસાઓ શું છે, તેનો સકારાત્મક રીતે ઉપયોગ કરવામાં કઇ કઇ ચીજો હોય છે તેના વિશે ચર્ચા કરવી જોઇએ. ક્યારેક વર્ગખંડમાં 10-15 મિનિટ માટે ચર્ચા કરવી જોઇએ. કોઇપણ વિદ્યાર્થી પોતાનો અનુભવ કહેશે કે મેં ફલાણી વેબસાઇટ જોઇ છે, તે આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી વેબસાઇટ છે. મેં તે વેબસાઇટ જોઇ, ત્યાં ફલાણા વિષય માટે સારું શીખવાનું ઉપલબ્ધ છે, ત્યાં બધા જ સારા પાઠ મળી રહે છે. માની લો કે, ક્યાંક પ્રવાસમાં જઇ રહ્યા છો, પ્રવાસનો કાર્યક્રમ આપણી પાસે છે અને બાળકો કહે છે, ‘ચાલો, ભાઇ આપણે જેસલમેર જઇએ છીએ. બધાને કહેવામાં આવે કે, ભાઇ જરાક ઑનલાઇન જઇને જેસલમેરનો સંપૂર્ણ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો. તો આ રીતે, તેનો સકારાત્મક ઉપયોગ કરવાની આદત કેળવવી જોઇએ. તેને લાગવું જોઇએ કે તમારી મદદ કરવા માટે ઘણી બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે, તમે તેનો ઉપયોગ કરો. તમે જેટલો વધુ સકારાત્મકતા સાથે તેનો ઉપયોગ કરશો, તેટલો તમને ફાયદો થશે, અને હું આગ્રહ કરીશ કે આપણે તેનાથી ભાગવું જોઇએ નહીં. પરંતુ જો આપણે દરેક બાબતનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઇએ અને સમગ્ર પરિવારમાં પારદર્શિતા પણ સાથે જળવાઇ રહેવી જોઇએ, જેટલી વધારે પારદર્શિતા આવશે એટલું સારું, જો આ રીતે છુપાઇ છુપાઇને જોવું પડે તો મતલબ કે કંઇક ગરબડ છે. જેટલી વધુ પારદર્શિતા હશે એટલો ફાયદો થશે. ખૂબ ખૂબ આભાર.

પ્રસ્તૂતકર્તા – પ્રધાનમંત્રી સાહેબ, સફળતા માટે જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. આ મંત્ર અમને સાચા માર્ગ પર લઇ જશે, આભાર. મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીની જન્મભૂમિ તમિલનાડુના પાટનગર ચેન્નાઇની મોડલ સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી એમ. વાગેશ ઑનલાઇન માધ્યમથી જોડાયેલા છે અને પ્રધાનમંત્રી આપણે તેઓ એક પ્રશ્ન પૂછવા માંગે છે. એમ. વાગેશ, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

એમ. વાગેશ માનનીય પ્રધાનમંત્રી સાહેબ નમસ્તે, મારું નામ એમ. વાગેશ છે, હું મોડર્ન સિનિયર સેકન્ડરી સ્કૂલ, નંગનાલ્લુર ચેન્નાઇનો વિદ્યાર્થી છું, આપને મારો પ્રશ્ન એ છે કે, તમે પ્રધાનમંત્રી તરીકે અત્યંત મજબૂત સ્થિતિમાં તણાવ અને દબાણને કેવી રીતે સંચાલન કરી શકો છો? તણાવને નિયંત્રિત કરવા માટેનું તમારું મુખ્ય શું પરિબળ છે? આભાર.

પ્રધાનમંત્રી – શું તમે પણ બનવા માંગો છો? શું તમે તૈયારી કરી રહ્યા છો?

પ્રસ્તૂતકર્તા આભાર, એમ વાગેશ, આજની ચર્ચાનો છેલ્લો પ્રશ્ન. દેવભૂમિ ઉત્તરાખંડ જે તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતી છે. ઉધમસિંહ નગરમાં આવેલી ડાયનેસ્ટી મોર્ડન ગુરુકુલ એકેડમીની વિદ્યાર્થિની સ્નેહા ત્યાગી ઑનલાઇન માધ્યમથી જોડાયેલી છે અને પ્રધાનમંત્રીને પ્રશ્ન પૂછવા માંગે છે. સ્નેહા કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

સ્નેહા ત્યાગી દિવ્ય છો, અતુલ્ય છો, અદમ્ય સાહસનો તમે પરિચય છો. યુગો યુગોના નિર્માતા અદ્ભુત ભારતનું તમે ભવિષ્ય છો. દેવભૂમિ ઉત્તરાખંડથી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીને મારા ચરણ સ્પર્શ પ્રણામ. મારું નામ સ્નેહા ત્યાગી છે. હું ડાયનેસ્ટી મોડર્ન ગુરુકુલ એકેડેમી, છીકની ફાર્મ, ખાતીમા, ઉધમસિંહ નગરમાં સાતમા ધોરણની વિદ્યાર્થિની છું. આદરણીય પ્રધાનમંત્રીજીને મારો પ્રશ્ન એ છે કે અમે તમારી જેમ સકારાત્મક કેવી રીતે બની શકીએ? આભાર સાહેબ.

પ્રસ્તૂતકર્તા – આભાર સ્નેહા. પ્રધાનમંત્રીજી, તમે તમારા વ્યસ્ત જીવનમાં દબાણનું કેવી રીતે સંચાલન કરો છો, અને તમે આટલા બધા દબાણો હોવા છતાં કેવી રીતે હંમેશા સકારાત્મક રહી શકો છો, તમે આ બધું કેવી રીતે કરી શકો છો, કૃપા કરીને તમારી સકારાત્મક ઊર્જાનું રહસ્ય અમારી સાથે શેર કરો, પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રી – આના ઘણા જવાબો હોઇ શકે છે. એક તો મને એ વાત ઘણી ગમી ગઇ કે તમે જાણો છો કે પ્રધાનમંત્રીને કેટલા દબાણનો સામનો કરવો પડે છે. બાકી તો, તમે જો એવુ વિચારતા હોવ કે વિમાન છે, હેલિકોપ્ટર છે, એમને શું તકલીફ હોય, અહીંથી ત્યાં જવાનું, આવું જ કરવાનું હોય છે, પરંતુ તમે જાણો છો કે સવાર – સાંજના અલગ-અલગ પ્રકારના કેટલાય લોકોને મળવાનું હોય છે. વાસ્તવમાં, દરેક વ્યક્તિના જીવનમાં તેમની પરિસ્થિતિ સિવાય બીજી ઘણી વસ્તુઓ હોય છે, જેને તેમણે મેનેજ કરવાની હોય છે. જે વસ્તુઓ વિશે તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હોય તે તેના અંગત જીવનમાં આવી જાય છે, તેમના પારિવારિક જીવનમાં આવે છે અને પછી તેમણે એને પણ સંભાળવી પડે છે. હવે એક સ્વભાવ એવો છે કે ભાઇ ખૂબ જ મોટી આંધી આવી છે, ચાલો થોડો સમય બેસી જાઓ અને પછી નીકળી જાઓ, કંઇક સંકટ આવ્યું છે, નીચું માથું કરી લો, યાર સમય નીકળી જશે. કદાચ આવા લોકો જીવનમાં કશું જ પ્રાપ્ત કરી શકતા નથી. આ મારો સ્વભાવ છે અને મને તે ખૂબ જ લાભદાયી જણાયો છે. હું દરેક પડકારને સામો પડકાર ફેંકુ છું. પડકાર દૂર થઇ જશે, પરિસ્થિતિઓ સુધરી જશે, હું આની રાહ જોતો ઊંઘતો રહેતો નથી. અને તેના કારણે મને નવું નવું નવું શીખવા મળે છે. દરેક પરિસ્થિતિને સંભાળવાની નવી રીત, નવા પ્રયોગો, નવી વ્યૂહરચના વિકસાવવાની મારી સહજ વિદ્યાનો પોતાની રીતે વિકાસ થતો જાય છે. બીજું કે, મારી અંદર ઘણો આત્મવિશ્વાસ છે. હું હંમેશા માંગું છું કે ભલે ગમે તે થાય, 140 કરોડ દેશવાસીઓ મારી સાથે છે. જો 100 મિલિયન પડકારો છે, તો અબજો અબજો ઉકેલો પણ છે. મને ક્યારેય એવું લાગતું નથી કે હું એકલો છું, મને ક્યારેય એવું નથી લાગતું કે મારે કરવું પડશે. હું હંમેશા જાણું છું, મારો દેશ મજબૂત છે, મારા દેશના લોકો મજબૂત છે, મારા દેશના લોકોનું મન મજબૂત છે, આપણે દરેક પડકારનો સામનો કરી લઇશું. આ મૂળભૂત વિચારધારા મારી અંદર વિચાર કરવાનું પિંડ છે. અને તેના કારણે મને ક્યારે એવું નથી લાગતું કે, યાર બધુ મારા પર આવી ગયું હવે મારે શું કરવું જોઇએ? મને લાગે છે કે ના-ના, 140 કરોડ લોકો છે, બધું સંભાળી લઇશું. ઠીક છે, મારે આગળ રહેવું પડશે અને જો કંઇપણ ખોટું થશે, તો મારે અપમાનનો સામનો કરવો પડશે. પરંતુ મારા દેશમાં સામર્થ્ય છે અને તેથી હું દેશની તાકાત વધારવા માટે મારી શક્તિ સમર્પિત કરી રહ્યો છું. અને હું જેટલો વધુ મારા દેશવાસીઓની તાકાતમાં વધારો કરીશ, એટલો જ પડકારોનો સામનો કરવાની આપણી શક્તિમાં પણ વધારો થતો જશે.

હવે ભારતની દરેક સરકારને ગરીબીના સંકટનો સામનો કરવો પડ્યો છે. આપણા દેશમાં આ સંકટ ચોક્કસપણે છે જ. પરંતુ હું ડરીને બેસી રહ્યો નથી. મેં તેનો રસ્તો શોધ્યો અને મેં વિચાર્યું કે સરકાર કોણ હોય છે – જે ગરીબી દૂર કરશે એ. ગરીબી ત્યારે જ દૂર થશે જ્યારે મારો દરેક ગરીબ નક્કી કરશે કે હવે તેણે ગરીબીને હરાવવાની છે. હવે તે સપના જ જોશે કે તે થશે કે નહીં. તેથી, મારી જવાબદારી બને છે કે, હું તેમને તેમના સપનાં પૂરા કરવા માટે સામર્થ્યવાન બનાવું, તેમને પાકા ઘર આપી દઉં, તેમને શૌચાલય આપી દઉં, તેમને શિક્ષણની વ્યવસ્થા કરી આપું, તેમને આયુષ્માન યોજનાનો લાભ આપી દઉં, તેમના ઘરે નળથી પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરી આપું, જો હું આ બધી ચીજો, જેનાથી તેમને રોજબરોજના જીવન સામે ઝઝૂમવું પડે છે, જો તેમને હું આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી દઉં, તેમનું સશક્તિકરણ કરું, તો તેઓ પણ એવું માનવા લાગશે કે, ગરીબી જતી રહી છે, હવે હું ગરીબીને ખતમ કરી દઇશ. અને તમે જુઓ કે મારા દસ વર્ષના કાર્યકાળમાં દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા છે. હવે આ જ વસ્તુને જો અન્ય લોકોએ જેવી રીતે વિતાવી દીધી હતી એવી જ રીતે હું પણ વિતાવી શક્યો હોત. અને આથી જ હું હંમેશા પ્રયાસ કરું છું કે દેશની તાકાત અને દેશના સંસાધન પર આપણે ભરોસો રાખીએ. જ્યારે આપણે આ બધી બાબતો પર ધ્યાન આપીએ છીએ, તો આપણને ક્યારેય એવું નથી લાગતું કે આપણે એકતા છીએ, ભાઇ. હું શું કરું? હું કેવી રીતે કરું? કંઇ જ લાગતું નથી. અરે, હું તો એક ચા વેચવાવાળો માણસ શું કરી શકવાનો હતો, એવું ક્યારે નથી વિચારતો, ભાઇ. મને પૂરો વિશ્વાસ હોવો જોઇએ અને તેથી સૌથી પહેલી વાત એ છે કે, તમે જેમના માટે આ કરી રહ્યા છો તેમના પર તમારો અપાર વિશ્વાસ. બીજું કે, તમારી પાસે સારા-નરસાનો ભેદ પારખવાનો વિવેક હોવો જરૂરી છે. શું સાચું છે, શું ખોટું છે એ ખબર પડવી જોઇએ. શું આજે જરૂરી છે, શાના પર અત્યારે નહીં પણ પછી ધ્યાન આપીશું તે સમજણ હોવી જઇએ. તમારામાં પ્રાથમિકતાઓ નક્કી કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. તે અનુભવમાંથી આવે છે, તે દરેક વસ્તુનું વિશ્લેષણ કરવાથી આવે છે, હું બીજો પ્રયાસ આ કરું છું. ત્રીજું કે, જો હું ભૂલ પણ કરું તો પણ એવું માનું છું કે તે મારા માટે એક બોધપાઠ છે. હું આને નિરાશાનું કારણ માનતો નથી. હવે તમે જુઓ કે કોવિડનું સંકટ કેટલું ભયાનક હતું, શું તે કોઇ નાનો પડકાર હતો? આખી દુનિયા અટવાઇ ગઇ હતી. હવે મારા માટે પણ એવી સ્થિતિ હતી કે શું કરવું જોઇએ, ભાઇ, જો હું કહી દઉં કે હું શું કરું, આ તો વૈશ્વિક બીમારી છે, આખી દુનિયામાં આવી છે, બધા પોત-પોતાની રીતે સંભાળ લો, પણ મેં એવું નથી કર્યું. રોજ ટીવી પર આવ્યો, રોજ દેશવાસીઓ સાથે વાત કરી, ક્યારેક તાળી પાડવાનું કહ્યું, ક્યારેક થાળી વગાડવાનું કહ્યું, ક્યારેક દીવો પ્રગટાવવાનું કહ્યું, તેનાથી કોરોના ખતમ નથી થઇ જતો. પરંતુ એવા કાર્યો કોરોના સામે લડવાની સામૂહિક શક્તિને જન્મ આપે છે. સામૂહિક શક્તિ ઉભી કરવા માટે, સામૂહિક શક્તિને બેઠી કરવી, હવે તમે જ જુઓ, પહેલાં પણ આપણા લોકો રમતના મેદાનમાં જતા જ હતા, ક્યારેક કોઇ વિજયી થઇને પાછું આવતું, ક્યારેક કોઇ જીતી નહોતા શકતા. આવનારાને કોઇ પૂછતા પણ નહોતા, જનારાને કોઇ પૂછતા પણ નહોતા. મેં કહ્યું, તેઓ ત્રણ ચંદ્રકો જીતશે પણ હું ઢોલ વગાડીને કહીશ. તેથી ધીમે ધીમે 107 ચંદ્રકો જીતી લાવવાની ક્ષમતા તે બાળકોમાંથી જ ઉભરી આવી આવીને. સામર્થ્ય તો હતું જ, સાચી દિશા, સાચી વ્યૂહરચના, યોગ્ય નેતૃત્વ પરિણામ લાવે છે. જેની પાસે સામર્થ્ય છે, તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. અને મારો તો શાસનનો એક સિદ્ધાંત એ છે કે, સારી સરકાર ચલાવવા માટે આ સમસ્યાઓના ઉકેલ માટે પણ, તમારે નીચેથી ઉપરની તરફ સાચી માહિતી મેળવવી જરૂરી છે, એકદમ સાચી માહિતી આવવી જોઇએ અને ઉપરથી નીચે તરફ એકદમ સાચું માર્ગદર્શન જવું જોઇએ. જો આ બે ચેનલો એકદમ બરાબર હોય, તેનું કોમ્યુનિકેશન, તેની વ્યવસ્થા, તેના પ્રોટોકોલ યોગ્ય રીતે કરવામાં આવે તો તમે સ્થિતિઓને સંભાળી શકો છો.

કોરોના એક ઘણું મોટું ઉદાહરણ છે. અને તેથી જ હું માનું છું કે જીવનમાં નિરાશ થવાનું કોઇ કારણ નથી હોતું, અને એકવાર આપણે મનમાં નક્કી કરી લઇએ કે આપણે નિરાશ નથી જ થવું, તો પછી સકારાત્મકતા સિવાય બીજું કંઇ જ આવતું નથી. અને મારે ત્યાં નિરાશાના બધા દરવાજા બંધ છે. મેં કોઇ ખૂણો છોડ્યો નથી, એક નાની એવી બારી પણ ખુલ્લી નથી રાખી કે, ત્યાંથી નિરાશા પ્રવેશી શકે. અને તમે નોંધ્યું હશે કે, હું ક્યારેય રડતો નથી. ખબર નહીં શું થશે, તે આપણી સાથે આવશે કે નહીં, તે આપણી સામે લડશે, અરે આવું તો થતું રહે, ભાઇ. આપણે શેના માટે છીએ, અને તેથી જ હું માનું છું કે જ્યારે આપણે આત્મવિશ્વાસ ધરાવતા હોઇએ છીએ અને જીવનમાં આપણા લક્ષ્યો વિશે, અને બીજી વાત એ છે કે જ્યારે કોઇ અંગત સ્વાર્થ ન હોય, આપણે આપણા માટે કંઇક કરવાનું નક્કી કરીએ છીએ, પછી તે નિર્ણયોમાં ક્યારેય પણ કોઇ દ્વીધા ઉભી થતી નથી. અને મારી પાસે એ બહુ જ મોટો ખજાનો છે. મારું શું, મારે શું, તેનાથી મારે કોઇ લેવાદેવા નથી – મારે તો માત્રને માત્ર દેશ માટે જ કરવાનું છે. અને તમારા માટે જ કરવાનું છે જેથી તમારા માતા-પિતાને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હોય, હું નથી ઇચ્છતો કે તમારે તે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે. આપણે એવો દેશ બનાવવાનો છે, મિત્રો કે, જેથી તમારી આવનારી પેઢીઓ અને તમારા બાળકોને પણ લાગે કે આપણે આવા દેશમાં વધુ પૂર્ણપણે ખીલી શકીએ અને આપણી ક્ષમતાઓ બતાવી શકીએ છીએ, અને આ આપણો સામૂહિક સંકલ્પ હોવો જોઇએ. આ આપણું સામૂહિક પ્રણ હોવું જોઇએ, અને આપણને પરિણામ મળે છે.

અને તેથી જ મિત્રો, જીવનમાં સકારાત્મક વિચારસરણી ખૂબ જ મોટી તાકાત ધરાવે છે. ખરાબમાં ખરાબ બાબતોમાં પણ સકારાત્મકતા જોઇ શકાય છે. આપણે તેને જોવી જોઇએ. સૌનો આભાર.

પ્રસ્તૂતકર્તા – પ્રધાનમંત્રી સાહેબ, તમે અમારા તમામ પ્રશ્નોના અત્યંત સરળતા અને સમરસતા સાથે ઉકેલ આપ્યા. અમે, આપણા વાલીઓ અને શિક્ષકો હંમેશા આપના આભારી રહીશું. અમે હંમેશા પરીક્ષા યોદ્ધા રહીશું, ચિંતા કરનારા નહીં. આભાર માનનીય પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રી – બધા પ્રશ્નો થઇ ગયા ને!

પ્રસ્તૂતકર્તા – કેટલાક પક્ષીઓ ઉડી રહ્યાં છે તોફાનોની સામે, કેટલાક પક્ષીઓ ઉડી રહ્યાં છે તોફાનોની સામે, તેમનામાં તાકાત છે સાચી અને જુસ્સો હશે જરૂર, આ રીતે હંમેશા આગળ વધતા રહીએ તો, જોઇ લેજો એક દિવસ, ચોક્કસપણે સમુદ્રનું અંતર પણ કપાઇ જશે, ચોક્કસપણે સમુદ્રનું અંતર પણ કપાઇ જશે.

પ્રધાનમંત્રી – તમે લોકોએ જોયું હશે કે, આ બાળકો પણ જે પ્રકારે એન્કરિંગ કરી રહ્યાં છે. તમે પણ તમારી શાળા-કોલેજમાં આ બધું જ કરી શકો છો, તો તેમાંથી જરૂર શીખજો.

પ્રસ્તૂતકર્તાપરીક્ષા પે ચર્ચા 2024’ની પ્રતિષ્ઠિત સવારનું અહીં સમાપન થાય છે, અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને તેમની સમજદારીપૂર્ણ સલાહ અને પ્રેરણાદાયી સ્પર્શ બદલ હૃદયપૂર્વક તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આજે પ્રધાનમંત્રી સાહેબે … (નામ અસ્પષ્ટ) પુસ્તકમાં દર્શાવેલ શિક્ષણના લક્ષણોનું ઉદાહરણ આપ્યું છે. તેમના સૂચનોએ આપણા દેશભરના અસંખ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાની ભાવનાનો પડઘો પાડ્યો છે અને તેની ચેતના જગાવી છે. પ્રધાનમંત્રી સાહેબનો ફરી એકવાર આભાર.

પ્રધાનમંત્રી ચાલો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હું આશા રાખું છું કે, આપ સૌ એવા જ જોશ અને એવા જ ઉત્સાહ સાથે તમારા પરિવારને પણ આત્મવિશ્વાસ આપશો, તમે પોતે પણ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને સારા પરિણામો, તેમજ જીવનમાં જે કંઇપણ ઇચ્છા રાખી હોય, તેના માટે જીવવાની તમને આદત પડશે. અને તમે સૌ જે ઇચ્છતા હોવ તે પરિણામ તમને પ્રાપ્ત થશે, આપ સૌની સાથે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આભાર.

CB/JD