Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


આપ સૌને નમસ્કાર. આમ તો આ મારો એક ખૂબ જ પ્રિય પ્રોગ્રામ છે, પરંતુ કોરોનાને કારણે, વચ્ચે, હું આપનામાંથી સાથીઓને મળી શક્યો નહીં આજનો કાર્યક્રમ મારા માટે થોડો વિશેષ ખુશીનો છે, કારણ કે લાંબા અંતર પછી આપ સૌને મળવાનો મોકો મળ્યો. મને નથી લાગતું કે તમને બધાંને પરીક્ષાનું કોઈ ટેન્શન હશે. હું સાચો છું ને? હું સાચો છું ને? તમને લોકોને  કોઇ  ટેન્શન નહીં હશે ને? જો ટેન્શન હશે તો તમારાં માતા-પિતાને હશે કે તે શું કરશે? સાચું કહો કે કોને ટેન્શન છે તમને કે તમારા પરિવારવાળાને? જેમને પોતાને ટેન્શન હોય તેઓ હાથ ઊંચો કરે. સારું, હજી પણ લોકો છે, સરસ. અને એવા કોણ છે જેમને પાક્કો વિશ્વાસ છે કે મમ્મી-પપ્પાને ટેન્શન છે, એ કોણ કોણ છે? મોટાભાગના લોકો એ જ છે. આવતી કાલથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. અને આમ પણ, એપ્રિલ મહિનો આપણા દેશમાં ઘણા તહેવારોથી ભરેલો હોય છે. હું તમને આવનારા તમામ તહેવારો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પરંતુ તહેવારોની વચ્ચે પરીક્ષાઓ પણ હોય છે અને તેથી તેઓ તહેવારોનો આનંદ માણી શકતા નથી. પણ જો પરીક્ષાને જ તહેવાર બનાવી દેવામાં આવે. તો પછી એ તહેવારમાં અનેક રંગો પૂરાઇ જાય છે. અને તેથી જ આપણો આજનો કાર્યક્રમ એ છે કે આપણી પરીક્ષાઓમાં ઉત્સવનું વાતાવરણ કેવી રીતે બનાવવું, તેને રંગોથી કેવી રીતે ભરી શકાય, આપણે પરીક્ષા માટે ઉમંગ અને ઉત્સાહ સાથે કેવી રીતે પ્રસ્થાન કરીએ? આ જ બધી બાબતોને લઈને આપણે ચર્ચા કરીશું. ઘણા સાથીઓએ પણ મને ઘણા પ્રશ્નો મોકલ્યા છે. કેટલાક લોકોએ મને ઓડિયો મેસેજ પણ મોકલ્યા છે. કેટલાક લોકોએ વીડિયો મેસેજ મોકલ્યા છે. મીડિયાના સાથીઓએ પણ વિદ્યાર્થીઓ સાથે સ્થળે સ્થળે વાત કરીને અનેક પ્રશ્નો બહાર કાઢ્યા છે. પરંતુ સમય મર્યાદામાં મારાથી બને તેટલું હું ચોક્કસપણે કરીશ. પણ આ વખતે હું એક નવું સાહસ કરવાનો છું. કેમ કે છેલ્લા 5 વખતનો અનુભવ છે કે પછીથી અમુક લોકોની ફરિયાદ રહે છે કે મારી વાત તો રહી જ ગઈ, મારી વાત આવી નહીં, વગેરે વગેરે. એટલે હું એક કામ કરીશ. આ વખતે આજે જેટલું પણ થઈ શકે, સમયમર્યાદામાં આપણે વાત કરીશું. પરંતુ પછી જે આપના સવાલો રહે એને હું સમય મળે તો વીડિયોનાં માધ્યમથી, ક્યારેક પ્રવાસ કરતી વખતે મને તક મળે તો ઑડિયોના માધ્યમથી અથવા તો પછી રિટર્ન ટેક્સ્ટ સ્વરૂપે હું નમો એપ પર સમગ્ર ચર્ચાને ફરી એક વાર આપની સમક્ષ જે બાબતો રહી ગઈ છે એને મૂકીશ જેથી આપ નમો એક પર જઈને અને એમાં પણ આ વખતે એક નવો પ્રયોગ કર્યો છે, માઈક્રો સાઇટ બનાવાઇ છે, એટલે ત્યાં જઈને આપ એનો લાભ ઉઠાવી શકો છો. તો આવો, આપણે કાર્યક્રમનો આરંભ કરીએ. સૌથી પહેલાં કોણ છે?

પ્રસ્તુતકર્તા : આભાર માનનીય પ્રધાનમંત્રી સાહેબ, માનનીય પ્રધાનમંત્રીજી, તમારું પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક સંબોધન અમને હંમેશા હકારાત્મક ઊર્જા અને વિશ્વાસથી ભરી દે છે. અમે બધા તમારા બહોળા અનુભવ અને જ્ઞાનપૂર્ણ માર્ગદર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. માનનીય, આપના આશીર્વાદ અને અનુમતિથી અમે આ કાર્યક્રમનો શુભારંભ કરવા માગીએ છીએ. ધન્યવાદ સાહેબ. માનનીય પ્રધાનમંત્રીજી, ભારતની રાજધાની ઐતિહાસિક નગરી દિલ્હીની વિવેદાનંદ સ્કૂલની ધોરણ 12માની વિદ્યાર્થિની ખુશી જૈન આપને પ્રશ્ન પૂછવા માગે છે. ખુશી, કૃપા કરીને આપનો પ્રશ્ન પૂછો.

આ સારી વાત છે કે શરૂઆત ખુશીથી થઈ રહી છે. અને આપણે એ પણ ઇચ્છીએ છીએ કે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી ખુશી જ ખુશી રહે.

ખુશી : માનનીય પ્રધાનમંત્રી મહોદય, નમસ્કાર. મારું નામ ખુશી જૈન છે. હું વિવેકાનંદ સ્કૂલ, આનંદવિહાર દિલ્હીની ધોરણ 12ની વિદ્યાર્થિની છું. માન્યવર, મારો સવાલ છે કે જ્યારે આપણે ગભરાટની સ્થિતિમાં હોઇએ છીએ તો પરીક્ષાના સમયે અમે તૈયારી કેવી રીતે કરીએ. ધન્યવાદ.

પ્રસ્તુતકર્તા : આભાર ખુશી, માન્યવર, સાહિત્યિક પરંપરાના સંદર્ભમાં ખૂબ સમૃદ્ધ રાજ્ય છત્તીસગઢના બિલાસપુરના બારમા ધોરણના વિદ્યાર્થી છે. શ્રીધર શર્મા પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી સમક્ષ પોતાની વાત મૂકવા આતુર છે, શ્રીધર, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

એ. શ્રીધર શર્મા : નમસ્કાર માનનીય પ્રધાનમંત્રી મહોદય, હું એ. શ્રીધર શર્મા, છત્તીસગઢના બિલાસપુરના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય નંબર 1નો ધોરણ 12નો આર્ટ્સનો વિદ્યાર્થી છું. મહોદય, મારો પ્રશ્ન કઈ આ રીતે છે- હું પરીક્ષા સંબંધી તણાવનો સામનો કઈ રીતે કરું? જો મારા સારા ગુણ નહીં આવે તો શું થશે. જો મારા ધારેલા માર્ક્સ ન આવે તો શું થશે? અને આખરે જો મારો ગ્રેડ સારો નહીં આવે તો હું મારા પરિવારની નિરાશાનો મુકાબલો કઈ રીતે કરું?

પ્રસ્તુતકર્તા : આભાર શ્રીધર, જ્યાંથી સાબરમતી સંત મહાત્મા ગાંધીજીએ તેમની સત્યાગ્રહ ચળવળની શરૂઆત કરી હતી, એ ભૂમિના વડોદરાની 10મા ધોરણની વિદ્યાર્થીની કેની પટેલને હું આમંત્રિત કરું છું કે જેઓ તેમની સામે આવી રહેલા આવા જ પડકારો અંગે પ્રમાણિકપણે તમારું માર્ગદર્શન માગે છે. કેની, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

કેની પટેલ : નમસ્કાર પ્રધાનમંત્રી સાહેબ, મારું નામ કેની પટેલ છે, હું ટ્રી હાઉસ હાઈસ્કૂલ, વડોદરા, ગુજરાતમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારો પ્રશ્ન એ છે કે આખો અભ્યાસક્રમ યોગ્ય પુનરાવર્તન સાથે પૂર્ણ કરવાના તણાવને કેવી રીતે દૂર કરવો અને તેથી પરિણામમાં આગળ વધવું અને પરીક્ષાના સમયે યોગ્ય ઊંઘ અને આરામ કેવી રીતે લેવો. આભાર સાહેબ.

પ્રસ્તુતકર્તા : આભાર કેની, માનનીય પ્રધાનમંત્રીજી, ખુશી, શ્રીધર શર્મા અને કેની પટેલ પરીક્ષાના તણાવથી વ્યથિત છે. તેમની જેમ, દેશભરમાંથી ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષાના તણાવને લગતા પ્રશ્નો પૂછ્યા છે. લગભગ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવથી પ્રભાવિત થાય છે. અને તમારા માર્ગદર્શનના અભિલાષી છે. આદરણીય પ્રધાનમંત્રીજી,

પ્રધાનમંત્રીજી : તમે લોકોએ એકસાથે એટલા બધા પ્રશ્નો પૂછ્યા છે કે લાગે છે કે મારે ગભરાટમાંથી પસાર થવું પડશે. જુઓ, તમારા મનમાં ડર કેમ થાય છે. આ પ્રશ્ન મારા મનમાં છે. શું તમે પહેલી વાર પરીક્ષા આપવા જઈ રહ્યા છો? તમારામાંથી કોઈ એવું નથી કે જે પહેલી વાર પરીક્ષા આપવા જઈ રહ્યું હોય. મતલબ તમે ઘણી પરીક્ષાઓ આપી ચૂક્યા છો. અને હવે, એક રીતે, તમે પરીક્ષાના આ તબક્કાના અંતમાં પહોંચી ગયા છો. આટલો મોટો દરિયો પાર કર્યા પછી કિનારે ડૂબી જવાનો ડર, એ મનમાં બેસતું નથી. તો પહેલી વાત એ છે કે આપ મનમાં એક વાત નક્કી કરી લો કે પરીક્ષા જીવનનો એક સહજ ભાગ છે. આપણી વિકાસ યાત્રાના નાના-નાના નાના તબક્કા છે અને આ તબકામાંથી આપણે પસાર થવાનું છે અને આપણે પસાર થઈ ચૂક્યા છે. જ્યારે આટલી વખત આપણે પરીક્ષા આપી ચૂક્યા છીએ. એગ્ઝામ આપતા આપતા આપણે એક રીતે આપણે પરીક્ષા પ્રૂફ થઈ ચૂક્યા છીએ. અને જ્યારે આ વિશ્વાસ પેદા થઈ જાય છે, તો આ જ નહીં પણ આવનારી કોઇ પણ પરીક્ષા માટે આ અનુભવ આપમાં આપની તાકાત બની જાય છે. તમે જે પ્રક્રિયામાંથી પસાર થયા છો તેનો આ તમારો અનુભવ છે. તેને કદી નાનો ન ગણો. બીજું, આ તમારા મનમાં રહેલો આ ગભરાટ થાય છે. શું એવું તો નથી કે સજ્જતાનો અભાવ છે? કહેવા માટે તો આપણે કંઈક કહેતા હોઇશું. પણ મનમાં રહે છે. હું તમને સૂચન કરું છું. હવે પરીક્ષાની વચ્ચે વધુ સમય નથી, તમારે આ બોજ સાથે જીવવાનું છે કે તમે જે કર્યું છે તેના પર પૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધવું પડશે. બની શકે કે એકાદ બે વસ્તુ રહી ગઈ હશે. એક યા બીજી બાબતમાં થોડી જેટલી મહેનતની જરૂર હોય એટલી ન થઈ હશે, એમાં શું છે. પણ જે થયું છે એમાં મારો આત્મવિશ્વાસ ભરપૂર છે. તો એ બાકીની બાબતોમાં પણ કાબૂ મેળવી આપે છે. એટલે મારો આપને આગ્રહ છે. કે આપ કોઇ પ્રેશરમાં રહેશો નહીં. ગભરાટ ઊભો થાય-પેનિક ક્રિએટ થાય એવું વાતાવરણ તો સર્જવા જ દેતાં નહીં. જેટલી સહજ દિનચર્યા આપની રહે છે એટલી જ સરળ અને સહજ દિનચર્યામાં આપ પોતાના આવનારા પરીક્ષાના સમયને પણ પસાર કરો. વધારે કે ઓછું ઉમેરવું, તોડવું એ તમારા સમગ્ર સ્વભાવમાં ખલેલ પેદા કરશે. જો તે આ કરે છે, તો ચાલો હું પણ આ કરીશ. મારો એક મિત્ર આવું કરે છે જેથી તેને સારા માર્ક્સ આવે છે, તો હું પણ તે કરીશ. તમે જે સાંભળ્યું છે તે બિલકુલ ન કરો. તમે આટલા લાંબા સમયથી જે કરતા આવ્યા છો તે જ કરો. અને તેમાં તમારો વિશ્વાસ રેડો. મને તમારામાં પૂરો વિશ્વાસ છે કે તમે બહુ સરળતાથી, ઉમંગથી, ઉત્સાહથી, એક ઉત્સવના મૂડમાં, પરીક્ષા આપી શકશો અને સફળ થઈને રહેશો.

પ્રસ્તુતકર્તા : માનનીય પ્રધાનમંત્રી સાહેબ, અમને પરીક્ષાને સ્વાભાવિક અનુભવ તરીકે સ્વીકારવા આપણામાં વિશ્વાસ રાખવાનું શીખવવા બદલ આભાર. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, આગળનો પ્રશ્ન કર્ણાટકના મૈસૂરથી આવે છે, જે તેના હેરિટેજ સ્થળો અને રાષ્ટ્રીય ઉદ્યાનો માટે પ્રખ્યાત છે, તરુણ એમબી જે અહીં ધોરણ 11માં અભ્યાસ કરે છે તે તેની સમસ્યાનું સમાધાન શોધે છે, તરુણ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો.

તરુણ : ગુડ મોર્નિંગ સર, હું જવાહર નવોદય વિદ્યાલય, મૈસુર, કર્ણાટકમાં ધોરણ 11મા ભણતો તરુણ એમબી છું. પરીક્ષા પે ચર્ચા 2022ની 5મી આવૃત્તિમાં ભાગ લેવાની તક મળવા બદલ હું મારો આભાર વ્યક્ત કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને મારો પ્રશ્ન છે, સર, સવારે અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થી કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે કારણ કે અહીં યુટ્યુબ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન જેવા ઘણા વિક્ષેપ ખલેલ પહોંચાડે છે. આના કારણે ઑનલાઇન અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે સાહેબ, શું આનો કોઈ ઉકેલ છે? આભાર સર.

પ્રસ્તુતકર્તા : તરુણ આભાર. માનનીય પ્રધાનમંત્રી સર, સિલ્વર ઓક્સ સ્કૂલ, દિલ્હી કેન્ટોન્મેન્ટ  બોર્ડના ધોરણ 10માના વિદ્યાર્થી સાહિદ અલી આવા જ વિષય પર તેમનો પ્રશ્ન પૂછવા આતુર છે, શાહિદ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

શાહિદ : નમસ્કાર સર, માનનીય પ્રધાનમંત્રીજી, હું શાહિદ અલી સિલ્વર ઓક્સ સ્કૂલ, દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડમાં ધોરણ 10નો વિદ્યાર્થી છું. છેલ્લાં બે વર્ષથી અમે અમારો અભ્યાસ ઑનલાઇન મોડમાં કરી રહ્યા છીએ. ઈન્ટરનેટના ઉપયોગે આપણામાંથી ઘણા બાળકોને સોશિયલ મીડિયા અને ઑનલાઇન ગેમિંગના વ્યસની બનાવી દીધા છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ. કૃપા કરીને અમને માર્ગદર્શન આપો.

પ્રસ્તુતકર્તા : ધન્યવાદ શાહિદ, માનનીય સર, કેરળના થિરુવનંતપુરમનાં ધોરણ 10માના વિદ્યાર્થિની કીર્તના નાયર પણ આવી જ સમસ્યાથી પીડિત છે અને તમારી પાસેથી માર્ગદર્શન મેળવવાની અપેક્ષા રાખે છે. સાહેબ, કીર્તનાનો પ્રશ્ન ટાઈમ્સ નાઉ તરફથી મળ્યો છે. કીર્તના કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

કીર્તના : નમસ્તે હું કીર્તના છું અને કેરળની ક્રિસલ સ્કૂલ, તિરુવનંતપુરમમાં ધોરણ 10માં છું. જેમ આપણે બધા જાણીએ છીએ કે મહામારી દરમિયાન અમારા વર્ગો ઑનલાઇન શિફ્ટ થયા છે. મોબાઈલ, સોશિયલ મીડિયા વગેરેના રૂપમાં અમારાં ઘરોમાં ખૂબ જ વિક્ષેપ છે. સર, તો મારો પ્રશ્ન એ છે કે, આપણે ઑનલાઇન વર્ગો દ્વારા શિક્ષણને કેવી રીતે સુધારી શકીએ.

પ્રસ્તુતકર્તા : ધન્યવાદ કીર્તના, માનનીય સાહેબ, ઑનલાઇન શિક્ષણે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, શિક્ષકોને પણ પડકાર આપ્યો છે. કૃષ્ણગિરીના એક શિક્ષક શ્રી ચંદાચુડેશ્વરન એમ. તમારી પાસેથી માર્ગદર્શન અને દિશા માગે છે. સાહેબ, કૃપા કરી તમારો પ્રશ્ન પૂછો.

ચંદાચુડેશ્વરન એમ : નમસ્તે માનનીય પ્રધાનમંત્રી સાહેબ, હું અશોક લલ્લાન સ્કૂલ, હોસુર તમિલનાડુથી ચંદચુડેશ્વરન છું. મારો પ્રશ્ન છે – એક શિક્ષક તરીકે, ઑનલાઇન શીખવવું અને શીખવું એ એક પડકાર બની ગયું છે, તેનો સામનો કેવી રીતે કરવો સર, આભાર સર.

પ્રસ્તુતકર્તા : ધન્યવાદ સર, માનનીય પ્રધાનમંત્રી સર, તરુણ, શાહિદ, કીર્તના અને ચંદચુડેશ્વરન અને બધા ઑનલાઇન શિક્ષણ વિશે ખાતરી કરે છે કે છેલ્લાં બે વર્ષમાં તેઓ સોશિયલ મીડિયાના વ્યસની અને વિચલિત થયા છે. માનનીય સાહેબ,  દેશના જુદા જુદા ભાગોમાંથી અમને આવા જ ઘણા પ્રશ્નો મળ્યા છે. તે બધામાંથી, આ તે પસંદ કરેલા છે જે દરેકની ચિંતા કરે છે. હું તમને વિનંતી કરું છું કે સાહેબ તેમને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રીજી : મારાં મનમાં એક સવાલ આવે છે કે આપ લોકોએ કહ્યું કે આમતેમ ભટકી જઈએ છીએ. જરા પોતાની જાતને પૂછો કે જ્યારે તમે ઓનલાઇન રીડિંગ કરો છો, ત્યારે ખરેખર રીડિંગ કરો છો કે રીલ જુઓ છો. હવે હું આપને હાથ ઊંચા નહીં કરાવીશ. પણ આપ સમજી ગયા કે મેં આપને પકડી પાડ્યા છે. હકીકતમાં દોષ ઑનલાઇન કે ઑફલાઇનનો નથી. તમે અનુભવ કર્યો હશે કે ક્લાસમાં પણ ઘણી વાર આપનું શરીર તો વર્ગખંડમાં હશે, આપની નજર ટીચરની તરફ હશે. પણ કાનમાં એકેય વાત ઊતરતી નહીં હોય. કેમ કે તમારું મન-મગજ બીજે કશે હશે. તનને તો કોઇ દરવાજો લગાવાયો નથી, કોઇ બારી લગાવાઇ નથી પણ મન બીજે ક્યાંક હોય તો સાંભળવાનું જ બંધ થઈ જાય છે. રજિસ્ટર જ નથી થતું. જે વસ્તુઓ ઑફલાઇન હોય છે, એ જ વસ્તુઓ ઑનલાઇન પણ હોય છે. એનો અર્થ એ છે કે માધ્યમ સમસ્યા નથી. મન સમસ્યા છે. માધ્યમ ઑનલાઇન હોય કે ઑફલાઇન, જો મારું મન એની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હોય, એમાં ડૂબેલું હોય. મારું એક ખોજી મન છે જે એની બારીકાઇઓને પકડવાની કોશીશ કરી રહ્યું છે. તો આપના માટે ઑનલાઇન કે ઑફલાઇન, હું નથી માનતો કે કોઇ ફરક પડે. અને એટલે આપણે જેમ યુગ બદલાય છે તો માધ્યમ પણ બદલતા રહીએ છીએ. હવે પહેલાના જમાનામાં જે ગુરુકુળ ચાલતું હતું, સદીઓ પહેલાં, સિત્તેર વર્ષ પહેલાં તો, ત્યાં છાપકામનો કાગળ પણ ન હતો. તેથી તે સમયે કોઈ પુસ્તક પણ નહોતું. તેથી બધું આ રીતે કંઠસ્થ જ ચાલતું હતું. તેથી તેમની શ્રવણ શક્તિ એટલી તેજ રહેતી કે સાંભળતા હતા અને મોંઢે કરી લેતા હતા. અને પેઢી દર પેઢી કાન દ્વારા શીખ્યા પછી યુગ બદલાયો, છાપેલી સામગ્રી આવી, પુસ્તકો આવવા લાગ્યા, એટલે પછી લોકોએ પોતાને એમાં ઢાળ્યા. આ ઉત્ક્રાંતિ અવિરત ચાલી રહી છે. આ અને આ જ  માનવ જીવનની  વિશેષતા છે. તેથી તે ઉત્ક્રાંતિનો એક ભાગ છે. કે આપણે આજે ડિજિટલ ગેજેટ્સનાં માધ્યમથી નવા ટેકનોલોજીકલ ટૂલ્સ દ્વારા વસ્તુઓને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ અને મોટા પાયે હાંસલ કરી શકીએ છીએ. આને આપણે એક તક માનવી જોઇએ. આપણે આને સમસ્યા માનવી જોઇએ નહીં. પણ એ પણ ખરું છે કે ક્યારેક આપણે એક કોશિશ કરવી જોઇએ આપણે ઑનલાઇન આપણાં ભણતરને એક રિવૉર્ડ તરીકે પોતાના ટાઇમ ટેબલમાં રાખી શકીએ છીએ. મને પાક્કો વિશ્વાસ છે કે માની લો કે આપે આપના ટીચર દ્વારા મળેલી નૉટ્સ અને સ્ટાન્ડર્ડ મટીરિયલ્સ ક્યાંક આપને ઑનલાઇન પ્રાપ્ય છે. બેઉને બરાબર જોશો તો આપ જ તેનું વેલ્યુ એડિશન કરી શકો છો. આપ કહેશો કે ટીચરે આટલું કહ્યું હતું અને મને આટલું યાદ રહ્યું હતું. પણ અહીં બે બાબતો મને સારી મળી ગઈ છે. સારી રીતે મળી ગઈ છે. હું બેઉને જોડી દઈશ તો એ આપની તાકાતને બહુ વધારી દેશે. ઑનલાઇનનો બીજો લાભ એ છે કે તે આખરે શિક્ષણનો એક ભાગ છે. જ્ઞાન સંપાદન હવે ઑનલાઈન અને ઑફલાઈનનો સિદ્ધાંત શું હોઈ શકે. હું માનું છું કે ઑનલાઇન પામવા માટે છે અને ઑફલાઇન બનવા માટે છે. મારે કેટલું જ્ઞાન મેળવવું છે, મારે કેટલું મેળવવાનું છે. હું ઑનલાઇન જઈને અને દુનિયાના જે છેડેથી જે કંઈ પણ ઉપલબ્ધ છે. હું મારા મોબાઈલ ફોન અથવા આઈપેડ પર લાવીશ. હું એને અપનાવીશ. અને ઑફલાઇન જે મેં ત્યાં મેળવ્યું છે એને સંવર્ધન માટે હું તક આપીશ. હું ઑફલાઇન એ બધી વસ્તુઓ, માની લો કે અહીં દક્ષિણ ભારતના સાથીઓએ મને પૂછ્યું અંતમાં વણક્કમ કરતા વાત થઈ. શિક્ષક મહોદયે પૂછ્યું તો હું આ કહીશ. કે મા ઑનલાઇન ઢોસો કેવી રીતે બને છે. કયા કયા ઇન્ગ્રેડિયેન્ટ્સ હોય છે, શું પ્રક્રિયા હોય છે એ બધું જોઇને કર્યું પણ પેટ ભરાશે શું? સારામાં સારો ઢોસો તમે કમ્પ્યુટર પર બનાવી દીધો. તમામ ઇન્ગ્રેડિયેન્ટ્સનો ઉપયોગ કરી દીધો. પેટ ભરાશે શું? પણ એ જ્ઞાન જો આપે કોશીશ કરી અને આપે જો ઢોસો બનાવી દીધો તો પેટ ભરાશે કે નહીં ભરાશે? તો ઑનલાઇન આપના આધારને મજબૂત કરવા માટે ઉપયોગમાં લો. આપને ઑફલાઇનમાં એને જઈને જીવનમાં સાકાર કરવાનું છે. શિક્ષણનું પણ એવું જ છે. આપનાં જે પુસ્તકો છે એ , આપના જે શિક્ષક છે, આપની આસપાસ છે એ, પહેલાં બહુ મર્યાદિત સાધનો હતા જ્ઞાન મેળવવા માટે. આજે અમર્યાદિત સંસાધનો છે. એટલે આપ પોતાને કેટલા વ્યાપક કરી શકો છો. પોતાનો વિસ્તાર કેટલો કરી શકો છો. એટલી જ વસ્તુઓ આપ એને અપનાવતા જશો. અને એટલે ઑનલાઇનને એક અવસર સમજો. પણ જો આમ તેમ ભટકીને કામ કરો છો તો પછી ટૂલ પણ ઉપલબ્ધ છે. આપે જોયું હશે કે આપનાં દરેક ગૅઝેટમાં ટૂલ છે. જે તમને સૂચનાઓ આપે છે. ચેતવણી આપે છે કે આ કરો, આ  નહીં કરો, હવે અટકી જાવ, થોડી વાર આરામ કરો, હવે 15 મિનિટ બાદ ફરી આવવાનું છે. તે 15 મિનિટ બાદ આવશે. આપ આ ટૂલનો ઉપયોગ કરીને પોતાની જાતને શિસ્તમાં લાવી શકો છો. અને મેં જોયું છે કે ઘણાં બાળકો હોય છે જે ઑનલાઇન આ ટૂલ્સનો મહત્તમ ઉપયોગ કરે છે. પોતાની જાતને નિયંત્રિત કરે છે. બીજું, જીવનમાં પોતાની જાત સાથે જોડાવાનું પણ એટલું જ મહત્વ છે. જેટલો આનંદ આઇપેડમાં અંદર ઘૂસીને આવે છે. મોબાઇલ ફોનની અંદર ઘૂસવામાં આનંદ આવે છે. એનાથી હજાર ગણો આનંદ પોતાની અંદર ઘૂસવાનો પણ હોય છે. એટલે દિવસભરમાં અમુક ક્ષણ એવી કાઢો જ્યારે આપ ઑનલાઇન પણ ન હોવ, ઑફલાઇન પણ નહીં હોવ. ઈનર લાઇન હશો. જેટલા અંદર જશો, આપ પોતાની ઊર્જાનો અનુભવ કરશો. જો આ બધી બાબતો કરી લો છો તો મને નથી લાગતું કે આ બધાં સંકટ આપના માટે મુશ્કેલીઓ ઊભી કરશે.

પ્રસ્તુતકર્તા : માનનીય પ્રધાનમંત્રીજી, તમે અમને મૂળ મંત્ર આપ્યો છે કે જ્યારે આપણે એકાગ્ર થઈને અભ્યાસ કરીશું, ત્યારે આપણને ચોક્કસપણે સફળતા મળશે. આભાર સર. માનનીય પ્રધાનમંત્રીજી, વૈદિક સંસ્કૃતિ અને સિંધુ ખીણની સંસ્કૃતિનાં મુખ્ય નિવાસસ્થાન એવા હરિયાણાના પાણીપતનાં શિક્ષિકા શ્રીમતી સુમન રાની તમારી સમક્ષ એક પ્રશ્ન મૂકવા માંગે છે. શ્રીમતી સુમન રાની મેમ, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

સુમન રાની : નમસ્તે પ્રધાનમંત્રી મહોદયજી, હું સુમન રાની, ટી.જી.ટી. સામાજિક વિજ્ઞાન, ડીએવી પોલીસ પબ્લિક સ્કૂલ, પાણીપતથી છું, સર મારો આપને એક પ્રશ્ન છે કે નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને તેમનાં કૌશલ્યો વિકસાવવાની નવી તકો કેવી રીતે પ્રદાન કરશે? આભાર સર.

પ્રસ્તુતકર્તા : આભાર મેડમ, માન્યવર, પૂર્વના સ્કોટલેન્ડ તરીકે પ્રખ્યાત એવાં મેઘાલયથી ઇસ્ટ ખાસી હિલ્સની ધોરણ 9માની વિદ્યાર્થી શીલા વૈષ્ણવી તમને આ જ વિષય પર એક પ્રશ્ન પૂછવા માગે છે. શીલા કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

શીલા વૈષ્ણવ : ગુડ મોર્નિંગ સર, હું 9મા ધોરણમાં ભણતી જવાન નવોદય વિદ્યાલય ઈસ્ટ ખાસી હિલ્સ મેઘાલયની શીલા વૈષ્ણવ છું. માનનીય પ્રધાનમંત્રીને મારો પ્રશ્ન છે – રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ વિદ્યાર્થીઓનાં જીવનને ખાસ કરીને અને સામાન્ય રીતે સમાજને કેવી રીતે સશક્ત બનાવશે અને નવા ભારત માટેનો માર્ગ કેવી રીતે બનાવશે. આભાર સર.

પ્રસ્તુતકર્તા : આભાર શીલા. આદરણીય પ્રધાનમંત્રીજી, નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને, દેશભરમાંથી આવા ઘણા વધુ પ્રશ્નો પ્રાપ્ત થયા છે. જેમાં વિદ્યાર્થીઓએ એવી રજૂઆત કરી હતી કે અમારો રસ કંઈક બીજો હોય છે અને અમે કોઇ બીજા જ વિષયનો અભ્યાસ કરીએ છીએ. આવી સ્થિતિમાં શું કરવું? કૃપા કરીને અમને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રીજી : જરા ગંભીર પ્રકારનો સવાલ પૂછ્યો છે અને આટલા ઓછા સમયમાં એનો સંપૂર્ણ વિસ્તારથી જવાબ આપવો પણ અઘરો છે. પહેલી વાત તો એ કે તે ન્યુ એજ્યુકેશન પોલિસીના બદલે આપણે એ કહીએ કે તે નેશનલ એજ્યુકેશન પોલિસી છે. એનઈપી, કેટલાંક લોકો એને ન્યુ કહે છે. હકીકતમાં તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. અને મને સારું લાગ્યું કે આપે એ પૂછ્યું. કદાચ દુનિયામાં શિક્ષણ નીતિનાં નિર્ધારણમાં આટલા લોકો સામેલ થયા હોય, આટલા સ્તર પર થયા હોય એ પોતાનામાં એક બહુ મોટો વિશ્વ વિક્રમ છે. 2014થી જ્યારે મને આ કાર્ય માટે આપ સૌએ પ્રશ્ન કર્યો છે, તો શરૂઆતથી જ આ કામ પર અમે લાગ્યા હતા. લગભગ છ-સાત વર્ષો સુધી બહુ મનોમંથન થયું, દરેક સ્તરે થયું. ગામડાંના શિક્ષક વચ્ચે થયું, ગામના વિદ્યાર્થી વચ્ચે થયું, શહેરના શિક્ષક વચ્ચે થયું, શહેરના વિદ્યાર્થી વચ્ચે થયું. બૉયઝ સ્ટુડન્ટ્સે કહ્યું, ગર્લ્સ સ્ટુડન્ટ્સે કહ્યું, દૂર-સુદૂર પહાડોમાં, જંગલોમાં, એટલે એક રીતે હિંદુસ્તાનના દરેક ખૂણામાં વર્ષો સુધી આ વિષય પર મનોમંથન થયું. ત્યાર બાદ એનાં જિસ્ટ તૈયાર કરવામાં આવ્યાં અને દેશના બહુ જ સારા વિદ્વાન અને એ પણ આજના યુગને ધ્યાનમાં રાખીને જે લોકો સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલા હતા, એવા લોકોનાં નેતૃત્વમાં એની વિશેષ ચર્ચાઓ થઈ, એમાંથી એક મુસદ્દો તૈયાર થયો. એ મુસદ્દાને પછી લોકોની વચ્ચે મોકલવામાં આવ્યો અને 15-20 લાખ ઈનપુટ્સ આવ્યા. એટલે આટલી મોટી કવાયત, આટલી વ્યાપક કવાયત બાદ શિક્ષણ નીતિ આવી છે અને આ શિક્ષણ નીતિને મેં જોયું છે કે રાજકીય પક્ષ,  સરકાર કઈ પણ કરે, ક્યાંક ને ક્યાંક તો વિરોધનો સૂર, કંઈક ને કંઈક તો દરેક જણ મોકો શોધતા હોય છે. પણ આજે મારા માટે ખુશીની વાત છે કે નેશનલ એજ્યુકેશન પૉલિસીનું હિન્દુસ્તાનના દરેક વર્ગમાં પૂરજોશથી સ્વાગત થયું છે અને એટલે આ કામ કરનારા સૌ અભિનંદનના અધિકારી છે. લાખો લોકો છે જેમણે એને બનાવી છે. આ સરકારે નથી બનાવી. દેશના નાગરિકોએ બનાવી છે, દેશના વિદ્યાર્થીઓએ બનાવી છે, દેશના શિક્ષકોએ બનાવી છે અને દેશનાં ભવિષ્ય માટે બનાવી છે. હવે એક નાનો વિષય, અગાઉ રમત ગમતને આપણા દેશમાં વધારાની પ્રવૃત્તિ ગણવામાં આવતી હતી. જેઓ પાંચમા, છઠ્ઠા, સાતમામાં ભણ્યા છે તેમને ખબર હશે. હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેને શિક્ષણનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. અર્થાત્ રમતગમત, રમવાનું ખીલવા માટે ખૂબ જ અનિવાર્ય હોય છે. રમ્યા વિના ખીલી શકાતું નથી. જો તમારે ખીલવું છે, ખુલવું છે, તો જીવનમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ભાવના આવે છે, હિંમત આવે છે, તમારા હરીફને સમજવાની તાકાત આવે છે. આ તમામ પુસ્તકોમાંથી જે  શીખીએ છીએ તે રમતનાં મેદાનમાં સરળતાથી શીખી શકે છે. પરંતુ અગાઉ તે આપણી શિક્ષણ પ્રણાલી બહાર હતી, વધારાની પ્રવૃત્તિ હતી. તેને પ્રતિષ્ઠા અપાવી, હવે તમે જુઓ છો કે પરિવર્તન આવવાનું છે અને આ દિવસોમાં રમત ગમતમાં જે રુચિ વધી રહી છે, તેથી તેને પ્રતિષ્ઠા મળી છે. પણ હું એવી જ એક વાત કહું છું જે તમારા ધ્યાન પર આવવી જોઈએ, કહેવા માટે મારી પાસે ઘણી બધી વાતો છે. એ જ રીતે આપણે વીસમી સદીની નીતિઓને લઈને 21મી સદીનું નિર્માણ કરી શકીએ ખરા? હું તમને લોકોને પૂછું છું. 20મી સદીની વિચારસરણી, 20મી સદીની વ્યવસ્થા, 20મી સદીની નીતિ, એનાથી શું 21મી સદીમાં આગળ વધી શકીએ છીએ કે કેમ? જરા મોટેથી કહો ને.

પ્રસ્તુતકર્તા : ના સર!

પ્રધાનમંત્રીજી : નહીં વધી શકીએ ને, તો પછી આપણે આપણી બધી વ્યવસ્થાઓ, બધી નીતિઓ 21મી સદી અનુસાર ઘડવી જોઈએ કે નહીં? જો આપણે આપણી જાતને વિકસિત નહીં કરીએ, તો આપણે અટકી જઈશું અને આપણે અટકી જઈશું એવું નહીં, આપણે પાછળ પડી જઈશું. અને તેથી જ સમય અધવચ્ચે જે પસાર થવો જોઈતો હતો તેના કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે, પરંતુ હવે જ્યારે આપણે પહોંચી ગયા છીએ, હવે આપણે આજે જોઈએ છીએ કે ક્યારેક માતા-પિતાની ઈચ્છાને કારણે, સંસાધનોને કારણે, નજીકમાં વ્યવસ્થાને કારણે, આપણે આપણી ઈચ્છા મુજબ શિક્ષણ માટે આગળ વધી શક્યા નથી અને તમામ દબાણને લીધે અને પ્રતિષ્ઠાનાં કારણે એક લાઈન પર ગયા હતા કે નહીં હા, ડૉક્ટર બનવું છે. પણ આપણી વૃત્તિ છે એ કંઈક બીજી જ છે. મને વન્યજીવનમાં રસ છે, મને પેઇન્ટિંગમાં રસ છે, મને ટેકનોલોજીમાં રસ છે, મને વિજ્ઞાનમાં રસ છે, મને સંશોધનમાં રસ છે, હવે હું કોઈ કારણસર મેડિકલમાં તો ચાલ્યો ગયો છું. પહેલાં તો જો તમે ગયા છો, તો પછી તમે અહીં આ પાઇપલાઇનમાં પ્રવેશો છો, તો તમારે ત્યાંથી જ બીજા છેડે નીકળવું પડશે. હવે અમે કહી દીધું કે એ જરૂરી નથી કે તમે દાખલ થયા હોવ પણ 1 વર્ષ અને 2 વર્ષ પછી લાગ્યું કે ના, મારો રસ્તો આ નથી, મારો મૂડ તો એ છે, મારે ત્યાં જવું છે, તો હવે તમને નેશનલ એજ્યુકેશન પોલિસી નવા માર્ગ પર જવાની તક આપે છે, સન્માન સાથે તક આપે છે. આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં રમત ગમતનું મહત્વ ઘણું વધી ગયું છે. માત્ર શિક્ષણ, માત્ર જ્ઞાનનો ભંડાર, તે પૂરતું નથી, હુનર પણ હોવું જોઈએ, કૌશલ્ય હોવું જોઈએ. હવે અમે તેને અભ્યાસક્રમનો એક ભાગ બનાવી દીધો છે. જેથી તેના સંપૂર્ણ વિકાસ માટે તેને પોતાને એક અવસર મળે. આજે હું ખુશ છું, હું આજે હમણાં જ એક પ્રદર્શન જોઈને આવ્યો છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પ્રતિબિંબ શું છે, તે આજે શિક્ષણ વિભાગના લોકો દ્વારા નાના સ્વરૂપમાં મૂકવામાં આવ્યું હતું, હું શિક્ષણ વિભાગના લોકોને અભિનંદન આપું છું, એટલે કે તે ખૂબ અસરકારક હતી. તે મજાની વાત હતી કે આપણાં આઠમા-દસમા ધોરણનાં બાળકો 3D પ્રિન્ટર બનાવે છે. તે આનંદની વાત છે કે આપણાં ધોરણ આઠ-દસનાં બાળકો વૈદિક ગણિત એપ ચલાવી રહ્યા છે અને વિશ્વભરના વિદ્યાર્થીઓ તેમની પાસેથી શીખી રહ્યા છે. મને બે બહેનો નંદિતા અને નિવેદિતા મળી, મને બહુ આશ્ચર્ય થયું. આપણી પાસે અહીં એક વર્ગ છે જે આ બાબતોને ખરાબ માને છે. પરંતુ તેમને સમગ્ર વિશ્વમાં તેના વિદ્યાર્થીઓ મળ્યા છે. તેઓ પોતે વિદ્યાર્થી છે, પણ ગુરુ બની ગયાં છે. હવે જુઓ તેઓએ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તેઓ ટેકનોલોજીથી ડર્યાં નથી, તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એ જ રીતે, મેં જોયું કે કેટલાંક શિલ્પો બનાવ્યાં છે. કેટલાંક સારાં ચિત્રો બનાવાયાં છે અને એટલું જ નહીં એમાં વિઝન પણ હતું. આમ કરવા ખાતર કોઇ કામ કરવામાં નથી આવ્યું. હું તેમનાં વિઝનનો અનુભવ કરતો હતો, તેનો અર્થ એ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વ્યક્તિત્વ વિકાસ માટે ઘણી તકો આપે છે અને આ અર્થમાં હું કહીશ કે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જેટલી નજીકથી સમજીશું અને તેને સીધી રીતે ધરતી પર લાવીશું, તમે જોશો,  બહુવિધ લાભ તમારી સામે હશે. તેથી, દેશભરના શિક્ષકોને, દેશભરના શિક્ષણવિદોને, દેશભરની શાળાઓને મારી વિનંતી છે કે તમે તેની બારીકાઈને જમીન પર ઉતારવા માટે નવી નવી રીતો વિકસાવો અને જેટલી વધુ પદ્ધતિઓ હશે, તમને એટલી વધુ તકો મળશે, મારી શુભેચ્છાઓ છે.

પ્રસ્તુતકર્તા : માનનીય પ્રધાનમંત્રી સાહેબ, હવે અમને પૂરો આત્મવિશ્વાસ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણા માટે શિક્ષણનો અર્થ ફરીથી વ્યાખ્યાયિત કરશે અને આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. જો આપણે રમીશું, તો આપણે ચોક્કસપણે ખીલીશું. માનનીય સર, ગાઝિયાબાદના ઔદ્યોગિક નગરમાં રાજકીય કન્યા ઇન્ટર કોલેજનાં રોશની અમુક મુદ્દાઓ પર આદરણીય પ્રધાનમંત્રીની મદદ અને માર્ગદર્શન માગે છે. રોશની, પ્લીઝ તમારો પ્રશ્ન પૂછો.

રોશની : નમસ્કાર મહોદય! માનનીય પ્રધાનમંત્રીજી, હું રોશની છું અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વિજય નગરની રાજકીય કન્યા ઇન્ટર કૉલેજમાં ધોરણ 11ની વિદ્યાર્થીની છું. સર મારો પ્રશ્ન એ છે કે મને આશ્ચર્ય થાય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાથી ડરે છે કે તેમનાં માતા-પિતા અને શિક્ષકોથી? જેમ કે આપણાં માતા-પિતા અથવા શિક્ષકો આપણી પાસેથી અપેક્ષા રાખે છે એમ શું આપણે પરીક્ષાઓને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ કે પછી તહેવારોની જેમ તેનો આનંદ માણવો? કૃપા કરીને અમને માર્ગદર્શન આપો, આભાર.

પ્રસ્તુતકર્તા : આભાર રોશની. પાંચ નદીઓનો પ્રદેશ, ગુરુઓની ભૂમિમાં સ્થિત એક સમૃદ્ધ રાજ્ય પંજાબના ભટિંડાની દસમા ધોરણની વિદ્યાર્થિની કિરણપ્રીત, આ વિષય પર પોતાનો પ્રશ્ન પૂછવા માગે છે. કિરણપ્રીત, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

કિરણપ્રીત : ગુડ મોર્નિંગ આદરણીય પ્રધાનમંત્રી સાહેબ, મારું નામ કિરણપ્રીત કૌર છે અને હું બ્લૂમ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલ, કલ્યાણસુખા, જિલ્લા ભટિંડા, પંજાબમાં ધો. 10મા ભણું છું. સર, મારો તમને પ્રશ્ન એ છે કે જો મારાં પરિણામો સારાં ન હોય તો હું મારા પરિવારની નિરાશાનો સામનો કેવી રીતે કરી શકું, મારાં માતા-પિતા પ્રત્યે મને નકારાત્મકતા નથી કારણ કે હું જાણું છું કે તેઓને મારા કરતાં વધુ આશ્વાસનની જરૂર છે. આભાર સર, કૃપા કરીને મને માર્ગદર્શન આપો.

પ્રસ્તુતકર્તા : આભાર કિરણપ્રીત. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, આપણામાંના ઘણાંની જેમ, રોશની અને કિરણપ્રીતને પણ તેમના માતાપિતા અને શિક્ષકોની અપેક્ષા સામે કેવી રીતે વર્તવું એનો  પડકાર લાગે છે, અમે તમારી સલાહની રાહ જોઈ રહ્યા છીએ. માનનીય સાહેબ.

પ્રધાનમંત્રીજી : રોશની, શું કારણ છે કે જ્યારે તમે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે સૌથી વધારે તાળીઓ પડી હતી, શું કારણ છે? મને લાગે છે કે આપે સવાલ વિદ્યાર્થીઓ માટે નથી પૂછ્યો, આપે બહુ ચતુરાઇથી પેરેન્ટ્સ અને ટીચર માટે પૂછ્યું છે. અને મને લાગે છે કે આપ ઇચ્છો પણ છો કે હું અહીંથી દરેક માતા-પિતા અને શિક્ષકોને કંઈક અહીંથી કહી દઉં જેથી તમને કામ આવે. એનો મતલબ આપ પર પ્રેશર છે ટીચર્સનું, આપ પર દબાણ છે પેરેન્ટ્સનું અને એ માટે આપને મૂઝવણ છે કે હું મારા માટે કંઈક કરું કે એમના કહેવા પર કંઈક કરું. હવે તેમને સમજાવી શકતા નથી અને અને હું પોતાનું છોડી શકતી નથી, આ તમારી ચિંતા હું  અનુભવું છું. સૌ પ્રથમ તો હું માતા-પિતા અને શિક્ષકોને કહેવા માગું છું કે મહેરબાની કરીને તમે તમારાં મનમાં સપનાઓ લઈને જીવો છો, કાં તો તમારાં પોતાના અધૂરાં રહી ગયેલાં સપનાઓ, તમે તમારા વિદ્યાર્થીકાળમાં જે કંઈ કરવા માગતા હતા, તમે તમારાં જીવનમાં જે પણ કરવા માગતા હતા, એ ન કરી શક્યા અને તેથી જ તમે દિવસ-રાત વિચારો છો કે બસ, એને તો હું એ બનાવીને જ રહીશ. એટલે આપ પોતાનાં મનની વાતોને, પોતાનાં સપનાંને, પોતાની અપેક્ષાઓ-આકાંક્ષાઓને પોતાનાં બાળકોમાં એક રીતે ઇન્જેક્ટ કરવાની કોશીશ કરો છો. બાળક આપનો આદર કરે છે, મા-બાપની વાતને બહુ મહત્વ આપે છે, બીજી તરફ ટીચર કહે છે જુઓ તમારે આ કરવાનું છે આ કરો, અમારી શાળામાં તો આમ રહે છે, અમારી તો આ પરંપરા છે. આપનું મન ઉત્સાહિત કરે છે અને મોટા ભાગે આપણાં બાળકોના વિકાસમાં આ જે કન્ફ્યુઝન અને કૉન્ટ્રેક્ટ્રી જે પ્રભાવોની વચ્ચેથી એમને પસાર થવું પડે છે, એ એમના માટે બહુ મોટી ચિંતાની બાબત હોય છે અને એટલે જ જૂના જમાનામાં ટીચરનો પરિવાર સાથે સંપર્ક રહેતો હતો. પરિવારના દરેક લોકોને ટીચર જાણતા હતા અને પરિવાર પણ પોતાનાં બાળકો માટે શું વિચારે છે એનાથી ટીચર પરિચિત રહેતા હતા. ટીચર શું કરે છે, કેવી રીતે કરે છે એનાથી પેરેન્ટસ પરિચિત રહેતા હતા. એટલે કે એક રીતે શિક્ષણ શાળામાં ચાલતું હોય કે પછી ઘરમાં, દરેક જણ એક જ પ્લેટફોર્મ પર રહેતું હતું અને એના લીધે તમે શું થયું છે? બાળક આખો દિવસ શું કરે છે મા-બાપ પાસે મય નથી, જાણતા નથી. ટીચરને સિલેબસ સાથે નિસ્બત છે., મારો સિલેબસ પૂરો થઈ ગયો, મારું કામ થઈ ગયું. મેં સારી રીતે ભણાવ્યું, બહુ મહેનત કરીને ભણાવે છે, એવું નથી કે નથી ભણાવતા, પણ એમને લાગે છે કે મારી જવાબદારી છે સિલેબસ પૂરો કરું. એ મારી જવાબદારી છે પણ બાળકનું મન કંઈક બીજું કરે છે અને એટલે જ્યાં સુધી પછી તે માતા-પિતા હોય કે ટીચર્સ કે સ્કૂલનું વાતાવરણ હોય, આપણે બાળકની શક્તિ અને એની મર્યાદા, એની રુચિ અને એની પ્રવૃત્તિ, એની અપેક્ષા, એની આકાંક્ષા એ તમામનું બારીકાઇથી અવલોકન કરતા નથી. એમને જાણવા-સમજવાનો પ્રયાસ નથી કરતા અને આપણે એને ધક્કો મારતા જઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક તે અટકી જાય છે અને એટલે જ હું રોશનીનાં માધ્યમથી તમામ માતા-પિતાને, તમામ ટીચર્સને કહેવા માગું છું કે આપ આપનાં મનની આશા અપેક્ષા અનુસાર પોતાનાં બાળકો પર બોજ વધી જાય, એનાથી બચવાનો પ્રયાસ કરો અને દરેક બાળક પાસે એક શક્તિ-તાકાત હોય છે, દરેક મા-બાપે એ સ્વીકારવું પડશે કે આપનાં ત્રાજવામાં એ ફિટ હોય કે ન હોય પણ પરમાત્માએ એને કોઇને કોઇ વિશેષ તાકાત સાથે મોકલ્યો છે. એની અંદર કોઇ સામર્થ્ય છે, એ આપની ખામી છે. એ આપની ખામી છે કે આપ એનાં સામર્થ્યને ઓળખી શકતા નથી. એ આપની ભૂલ છે કે આપ એનાં સપનાંને સમજી નથી રહ્યા અને એટલે અંતર અહીંથી જ સર્જાવા લાગે છે. અને હું ઇચ્છીશ બાળકો પાસે કે શું આપ પ્રેશર વચ્ચે પણ, હવે એમ તો હું નહીં કહીશ કે મા-બાપનું સાંભળો નહીં, હું એમ તો નહીં કહીશ કે ટીચરની વાત સાંભળો નહીં, આ સલાહ તો યોગ્ય નહીં હોય, સાંભળવાનું તો છે જ. તેઓ જે કહે છે એને સમજવાનું છે પણ આપણે એ બાબતોનો સ્વીકાર કરવાનો છે જે આપણી અંદર બહુ સહજ રીતે આપે જોયું હશે કે ધરતી પણ આમ તો નિર્જીવ લાગે છે, એક બીજ વાવો તો એમાંથી કંઇક ને કંઇક નીકળવા લાગે છે, પણ એ જ ધરતી પર બીજું પણ વાવશો તો ઘણું બધું નીકળવા લાગે છે, બહુ મોટું વટવૃક્ષ બની જાય છે. તે ધરતીનું નથી, જે બીજ વાવવામાં આવ્યું છે તેના પર છે. અને તેથી તમે જાણો છો કે તમે કઈ વસ્તુઓ સરળતાથી અપનાવો છો. કઈ વસ્તુ આપનાં મનની સાથે એકદમ એમાં આગળ વધી જાવ છો. તમે ખંતથી  તેમાં વધતા રહો, તમને ક્યારેય બોજ લાગશે નહીં અને શરૂઆતમાં કદાચ, શરૂમાં અવરોધો આવી શકે છે, પરંતુ પછીથી પરિવાર ગર્વ લેવાનું શરૂ કરશે, હા અમે તો માનતા જ  હતા કે તેણે આ ખૂબ જ સારું કર્યું, આજે તો અમારું નામ રોશન થઈ ગયું. ચાર લોકોની વચ્ચે બેઠા હોય તો વખાણ થાય છે. જે ગઈકાલ સુધી આપની તાકાતને સ્વીકારતા ન હતા એ આવનારા સમયમાં આપની જ તાકાતનું ગૌરવગાન કરવાનું શરૂ કરી દેશે અને એટલે આપ હસતાં- રમતાં ઉમંગની સાથે જે લઘુતમ જરૂરિયાત છે એને પૂરી કરતા, વધારાનું કે સામર્થ્ય છે એને જોડીને આગળ વધશો તો આપને બહુ લાભ થશે.

પ્રસ્તુતકર્તા : આદરણીય પ્રધાનમંત્રીજી, આપે માતા-પિતા અને શિક્ષકોની આશાઓ અને અપેક્ષાઓ વચ્ચે બાળકોના રસ અને આકાંક્ષાઓને નવી શક્તિ આપી છે, તમારો કોટિ કોટિ આભાર. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દિલ્હી શહેરના કેન્દ્રીય વિદ્યાલય, જનકપુરીના ધોરણ 10માના વિદ્યાર્થી વૈભવ, તેમની સમસ્યા અંગે પ્રામાણિકપણે આપનું માર્ગદર્શન માગે છે. વૈભવ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

વૈભવ : નમસ્કાર પ્રધાનમંત્રીજી, મારું નામ વૈભવ કનોજિયા છે. હું ધોરણ 10નો વિદ્યાર્થી છું. હું કેન્દ્રીય વિદ્યાલય જનકપુરીમાં અભ્યાસ કરું છું. સર મારો આપને એક પ્રશ્ન છે કે જ્યારે આપણી પાસે આટલો બૅકલોગ હોય ત્યારે કેવી રીતે પ્રેરિત રહેવું અને સફળ થવું?

પ્રસ્તુતકર્તા : આભાર વૈભવ, માનનીય પ્રધાનમંત્રીજી, માત્ર અમે બાળકો જ નહીં પરંતુ અમારા માતા-પિતા પણ આપ પાસે એમની સમસ્યાઓનું નિદાન ઇચ્છે છે. ઝારસુગુડા ઑડિશાના સુજીત કુમાર પ્રધાનજી વાલી છે, આ બાબતે જ તેઓ આપનાં માર્ગદર્શનની અપેક્ષા રાખે છે, શ્રી સુજીત પ્રધાનજી, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

સુજીત પ્રધાન જી: પ્રધાનમંત્રીજીને મારાં નમસ્કાર, મારું નામ સુજીત કુમાર પ્રધાન છે. મારો પ્રશ્ન એ છે કે બાળકોને અભ્યાસેતર પ્રવૃત્તિઓ કરવા કેવી રીતે પ્રેરિત કરવાં? આભાર.

પ્રસ્તુતકર્તા : ધન્યવાદ શ્રીમાન. માનનીય પ્રધાનમંત્રીજી, સ્થાપત્ય અને ચિત્ર કળાથી સમૃદ્ધ રાજસ્થાનના જયપુરનાં ધોરણ 12માનાં વિદ્યાર્થિની કોમલ શર્મા આપ પાસેથી પોતાની તકલીફનો ઉકેલ ઇચ્છે છે, કોમલ મહેરબાની કરી આપનો પ્રશ્ન પૂછો.

કોમલ : નમસ્કાર માનનીય પ્રધાનમંત્રીજી મહોદય. મારું નામ કોમલ શર્મા છે, હું રાજકીય બાલિકા ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય બગરૂ, જયપુરમાં ધોરણ 12માની વિદ્યાર્થિની છું. મારો આપને પ્રશ્ન એ હતો કે મારા એક સહાધ્યાયીનું એક પેપર સારું નથી ગયું તો હું એને કેવી રીતે આશ્વાસન આપું?

પ્રસ્તુતકર્તા : આભાર કોમલ. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, કતારના ધોરણ 10માના વિદ્યાર્થી એરન એપેન આવી જ સમસ્યાથી નિરૂપાય થયા છે, એરન, કૃપા કરીને આગળ વધો અને એક પ્રશ્ન પૂછો.

એરન : નમસ્તે સર, એમઈએસ ઈન્ડિયન સ્કૂલ, દોહા, કતાર તરફથી શુભેચ્છાઓ. મારું નામ એરન  એપેન છે અને હું ધોરણ 10માં છું. મારો પ્રશ્ન ભારતના આદરણીય પ્રધાનમંત્રીને એ છે કે- મારી જાતને ઢીલમાં નાખવામાંથી કેવી રીતે રોકી શકાય અને પરીક્ષાના ડર અને તૈયારીના અભાવની ભાવનાને કેવી રીતે દૂર રાખી શકાય.

પ્રસ્તુતકર્તા : આભાર એરન. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, વૈભવ, શ્રી પ્રધાનજી, કોમલ અને એરન પ્રેરણાના અભાવની સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરવી અને શિક્ષણવિદો પ્રત્યેની પ્રતિબદ્ધતાને કેવી રીતે ટકાવી રાખવી તે અંગે આપનાં જ્ઞાનમાંથી લાભ મેળવવા આતુર છે. ઉપરાંત, સમગ્ર ભારતમાંથી અન્ય ઘણા વિદ્યાર્થીઓ એ જાણવા માગે છે કે તેઓ સારી રીતે સંકલિત વ્યક્તિ બનવા માટે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સમાન રીતે એટલો જ ભાગ લે તેની ખાતરી કેવી રીતે કરવી. સાહેબ અમને બધાને માર્ગદર્શન આપો.

પ્રધાનમંત્રીજી : કોઇ એમ માને છે કે મોટિવેશનનું કોઇ ઇન્જેકશન મળે છે અને એ ઇન્જેકશન આપણે મૂકાવી દઈએ તો પછી મોટિવેશનની ખાતરી મળી જાય છે, કોઇને એમ લાગે છે કે એ ફૉર્મ્યુલા મળી જાય તો પછી પ્રેરણાની કદી સમસ્યા નહીં રહે, હું માનું છું કે આ બહુ મોટી ભૂલ હશે પણ પહેલાં તો આપ ખુદ પોતાનું અવલોકન કરો કે આપ એવી કઈ વાતો હોય છે જેનાથી સંપૂર્ણ રીતે ડિમોટિવેટેડ થઈ જાવ છો. આપને ખબર પડશે આપ આખો દિવસ જોશો, આખું અઠવાડિયું જોશો તો આપ પકડી પાડશો કે ક્યાં આવું જ્યારે થાય છે ત્યારે મને લાગે છે કે હું કઈ નથી કરી શકતો, આ મારા માટે મુશ્કેલ છે તો એક ખુદને જાણવું અને એમાં પણ એ કઈ વાતો છે જે મને હતાશ કરી દે છે, નિરાશ કરી દે છે, એક વાર એને જાણી લો અને એક વાર એને નંબર બૉક્સમાં નાખી દો, પછી આપ કોશીશ કરો કે એ કઈ બાબતો છે જે સહજ રીતે આપને મોટિવેટ કરે છે, જે વાતો આપને સહજ રીતે મોટિવેટ કરે છે એને આપ ઓળખો. માની લો કે આપે કોઇ બહુ સરસ ગીત સાંભળ્યું, માત્ર એનાં સંગીતમાં જ નહીં, એના શબ્દોમાં પણ એવી કંઇક વાત હતી શું આપને લાગે છે કે હા, યાર, વિચારવાની રીત આવી પણ હોઇ શકે છે, તો આપે જોયું હશે કે આપ અચાનક નવેસરથી વિચારવાનું શરૂ કરી દો છો, કોઈએ આપને જણાવ્યું હતું, નહોતું જણાવ્યું પણ આપે પોતાની જાતને તૈયાર કરી હતી કે એ કઈ બાબતો છે જે આપને મોટિવેટ કરે છે, આપે પકડી પાડ્યું તો આપને મન થશે કે આ મારા માટે બહુ કામની વસ્તુ છે. એટલે હું ઇચ્છીશ કે આપ પોતાના વિષયમાં ચોક્કસ વિશ્લેષણ કરતા રહો. એમાં કોઇ બીજાની મદદના ચક્કરમાં ન પડો. વારંવાર કોઇની પાસે જઈને એવું ન કહો કે યાર, મારો મૂડ નથી મને મજા નથી આવતી, પછી આપની અંદર એક એવી નબળાઇ પેદા થશે કે આપ દરેક વખતે સહાનુભૂતિ ઇચ્છશો, પછી આપનું મન કરશે કે મમ્મી મારી પાસે બેઠાં છે તો મને જરા પંપાળે, મને ઉત્સાહિત કરે, મારું લાલન-પાલન કરે તો એક નબળાઇ ધીમે ધીમે વિકસવા લાગશે. અમુક ક્ષણો તો સારી વીતી જશે. એટલે ક્યારેય પણ એ વસ્તુઓના વિષયમાં સિમ્પથી મેળવવા માટે ઉપયોગ ન કરો. કદી ન કરો. હા, જીવનમાં મુસીબતો આવી, નિરાશા આવી, હતાશા આવી, હું પોતે તેની પાસે જઈશ, હું તેની સાથે ઉગ્રતાથી લડીશ અને મારી નિરાશા, મારી ઉદાસીનતાને જ હું ખતમ કરીશ, હું જ તેને કબરમાં દફનાવીશ. આ વિશ્વાસ પેદા થવો જોઇએ. બીજું એ છે કે આપણે કઈ વસ્તુઓનું અવલોકન કરીએ છીએ. કેટલીક વાર કેટલીક વસ્તુઓનું અવલોકન કરવાથી આપણને ઘણી પ્રેરણા મળે છે,  હવે ધારો કે તમારા ઘરમાં એક 3 વર્ષનું બાળક છે, ત્યાં 2 વર્ષનું બાળક છે, તેને કંઈક લેવું છે પણ તે તેના માટે ખૂબ જ મુશ્કેલ છે,  તમે દૂરથી જોતા જ રહો. તે પડી જશે, પહોંચી શકશે નહીં,  થાકી જશે તો થોડો સમય ચાલ્યું જશે, પછી આવીને ફરી પ્રયાસ કરે, તેનો અર્થ એ છે કે તે તમને શીખવી રહ્યો છે કે ઠીક છે તે મારા માટે મુશ્કેલ છે પરંતુ હું આ કોશીશ છોડીશ નહીં.  આ મોટિવેશન શું કોઇ શાળામાં કોઈએ ભણાવ્યું હતું? એ બે વર્ષના બાળકોને કોઇ પ્રધાનમંત્રી કહેવા માટે ગયા હતા શું? કોઇ પ્રાઇમ મિનિસ્ટરે સમજાવ્યું હતું કે શું? અરે મારા દીકરા, જરા ઊભો થઈ જા, દોડ, એવું કોઈએ કહ્યું હતું કે શું? જી નહીં. ઈશ્વરે એક વારસાગત ક્વોલિટી આપણા સૌમાં મૂકેલી છે જે આપણને કંઇક ને કંઈક કરવા માટે તે ચાલક બળ બને છે. નાનાં બાળકમાં પણ હોય છે. આપણે કદી આ વસ્તુઓને ઑબ્ઝર્વ કરી છે ખરી? આપે જોયું હશે કે કોઇ દિવ્યાંગ કોઇ ગતિવિધિ કરે છે તો એણે પોતાની રીત શોધી લીધી છે, બહુ સારી રીતે કરે છે. પણ આપણે ઝીણવટપૂર્વક જોયું છે કે ભાઈ, ભગવાને તેનાં શરીરમાં ઘણી બધી ખામીઓ આપી છે, પણ તેણે હાર માની નહીં, તેણે પોતાની ખામીઓને શક્તિ બનાવી છે. અને તે શક્તિ પોતે તો દોડે છે, એ શક્તિ જોનાર નહીં પણ અવલોકન કરનાર, જે નિરીક્ષણ કરે છે, તેમને પણ પ્રેરણા આપે છે, કે આપણે કોશીશ કરીએ. આપણે આપણી આસપાસની જે વસ્તુઓ છે તેનું આ રીતે અવલોકન કરીએ. તેની નબળાઈઓનું અવલોકન ન કરો, તેણે તેની ખામીઓ કેવી રીતે દૂર કરી, તે તે ખામીઓને કેવી રીતે દૂર કરે છે, એ પ્રક્રિયાને નજીકથી જુઓ. પછી તમે તમારી જાતને તેની સાથે જોડશો, જ્યાં આવું થાય છે, તો હું પણ કદાચ આમ કરી શકું છું, ભગવાને મને ખૂબ સારા હાથ- પગ બધું આપ્યું છે, મારી પાસે કોઈ કમી નથી, હું કેમ ચૂપ બેઠો છું, તમે પોતે જ દોડવા લાગશો અને તેથી મને લાગે છે કે બીજો એક વિષય છે, શું તમે ક્યારેય તમારી પોતાની પરીક્ષા લો છો ખરા? તમે તમારી પરીક્ષા પણ જાતે તો લો, કોઈએ તમારી પરીક્ષા શા માટે લેવી જોઈએ જેમ કે મેં કદાચ મારું જે  પુસ્તક છે ઍગ્ઝામ વોરિયર્સ, એમાં એક જગ્યાએ લખ્યું છે કે તમારે પરીક્ષાને જ એક પત્ર લખવો જોઈએ હે પ્રિય પરીક્ષા,  અને એને લખો કે  તું શું સમજે છે, મેં આ તૈયારી કરી છે. મેં પેલી તૈયારી કરી છે, મેં આટલી મહેનત કરી છે, મેં આટલા પ્રયત્ન કર્યા છે, મેં આ વાંચ્યું છે, મેં આટલી બધી નોટ ભરી છે, હું શિક્ષક સાથે આટલા કલાકો બેઠો છું, મેં મમ્મી સાથે આટલો સમય વીતાવ્યો છે, મારા પાડોશીના સારા વિદ્યાર્થીએ આટલું સારું કામ કર્યું છે, તો તેની પાસે જઈને અરે, હું આટલું બધું શીખ્યા પછી આવ્યો છું, મારી સાથે સ્પર્ધા કરનાર તું કોણ છે, મારી પરીક્ષા લેનાર તું કોણ છે, હું તારી પરીક્ષા લઈ રહ્યો છું. હું જોઉં છું તું મને નીચે પાડીને તો બતાવ, હું તને નીચે પાડીને બતાવી આપું છું. ક્યારેક તો કરો. ક્યારેક ક્યારેક આપને લાગે છે કે ભાઇ હું આ જે વિચારું છું, ખરું છે, ખોટું છે. આપ આવું કરો. એક વાર રિપ્લે કરવાની આદત કેળવો. રિપ્લે કરવાની આદત પાડશો તો આપને એક નવી દ્ર્ષ્ટિ મળશે. જેમ કે ક્લાસમાં કંઈક શીખીને આવ્યા છો, આપના ત્રણ-ચાર દોસ્ત છે, બેસો અને આજે જે શીખ્યા છે, તમે પણ ટીચર બનીને આપના ત્રણ દોસ્તોને શીખવાડો. પછી બીજો મિત્ર વધુ ત્રણ દોસ્તને શીખવાડે, પછી ત્રીજો દોસ્ત વધુ ત્રણને શીખવાડે, પછી ચોથો દોસ્ત….એટલે એક રીતે જેણે જેટલું મેળવ્યું હશે એ પીરસશે. અને દરેકનાં ધ્યાનમાં આવશે જો યાર, એણે આ પોઇન્ટ પકડ્યો હતો, મારાથી રહી ગયો હતો, તેણે આ મુદ્દો પકડ્યો હતો, મારાથી રહી ગયો હતો. ચારેય લોકો જ્યારે રિપ્લે કરશે એ વાતને, અને ખુદ તમે કરો, પુસ્તક નથી, કઈ જ નથી, સાંભળેલું-સંભળાવેલું છે. હવે જુઓ. તે આપનો પોતાનો બની જશે. આપ વસ્તુઓને, હવે તમે જોયું હશે કે કોઈ ઘટના બની છે, મોટા મોટા રાજકીય નેતાઓને પણ, આ ટીવીવાળા લોકો લાકડી લઈને ઊભા થઈ જાય છે, અને તમે જોયું જ હશે કે તેઓ જવાબ આપવામાં આમતેમ થઈ જાય છે. અમુક લોકોને પાછળથી પ્રોત્સાહન આપવું પડે છે, પ્રોમ્પ્ટિંગ કરવું પડે છે, આપે જોયું હશે. પણ એક ગામની મહિલા છે અને કશેક અકસ્માત થયો છે અને કોઇ ટીવીવાળો પહોંચી ગયો. એ બિચારીને તો ટીવી શું છે એની ખબર પણ નથી અને એને પૂછી લીધું. તમે જુઓ, ખૂબ આત્મવિશ્વાસ સાથે એ આખું વર્ણન કરી દે છે. કેવી રીતે થયું હતું, પછી આમ થયું હતું, ફલાણું આ રીતે, ઢીંકણું આ રીતે એમ પર્ફેક્ટલી બધું જણાવી દીધું. કેમ? કેમ કે તેણે જે અનુભવ્યું હતું એને એ આત્મસાત કરી લે છે અને એના લીધે એને રિપ્લે બહુ સરળતાથી કરી લે છે. અને એટલે હું માનું છું કે આપ પોતાની જાતને ખુલ્લાં મનથી આ બધી બાબતો સાથે જોડશો તો કદી પણ નિરાશા આપના દરવાજે ટકોરા મારી શકે નહીં.

પ્રસ્તુતકર્તા- આદરણીય પ્રધાનમંત્રી સર, વિચાર કરવાનો, અવલોકન કરવાનો અને વિશ્વાસ કરવાનો મંત્ર અમને આપવા બદલ આપનો આભાર. શિખર ગમે તેટલું ઊંચું હોય, અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે ક્યારેય હાર માનીશું નહીં.  માનનીય પ્રધાનમંત્રીજી કલા, સંસ્કૃતિ અને પરંપરાઓ માટે પ્રખ્યાત તેલંગાણાના ખમ્મનથી ધોરણ 12માની વિદ્યાર્થીની યાદવ અનુષા, ઈચ્છે છે કે આપ એના પ્રશ્નનો ઉકેલ લાવો. અનુષા, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

અનુષા – નમસ્કાર માનનીય પ્રધાનમંત્રીજી. મારું નામ અનુષા છે. હું સરકારી જુનિયર કૉલેજમાં ધોરણ 12મા અભ્યાસ કરું છું. હું ખમ્મન, તેલંગાણાથી છું. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે જ્યારે શિક્ષકો અમને ભણાવે છે ત્યારે અમે સમજી જઈએ છીએ. પણ અમુક સમય કે થોડા દિવસો પછી અમે ભૂલી જઈએ છીએ. કૃપા કરીને આ અંગે મને મદદ કરો. આભાર સર.

પ્રસ્તુતકર્તા – આભાર અનુષા. સર, અમને નમો એપ દ્વારા અન્ય એક પ્રશ્ન મળ્યો છે. જેમાં પ્રશ્ન કર્તા ગાયત્રી સક્સેના જાણવા માગે છે કે, પરીક્ષા આપતી વખતે એમની સાથે ઘણી વાર એવું બને છે કે જે અભ્યાસ કર્યો છે અને વિષય યાદ રાખ્યા છે તેઓ પણ પરીક્ષા ખંડમાં ભૂલી જાય છે. જ્યારે પરીક્ષા પહેલા અથવા પરીક્ષા પછી સાથીદારો સાથે વાત કરતી વખતે તેમને એ જ જવાબ ધ્યાનમાં રહે છે. આવી પરિસ્થિતિને બદલવા શું કરવું જોઈએ? માન્યવર, અનુષા અને ગાયત્રી સક્સેના જેવા પ્રશ્નો અન્ય ઘણા લોકોનાં મનમાં પણ છે. જે યાદશક્તિ સાથે સંબંધિત છે. કૃપા કરીને આ દિશામાં માર્ગદર્શન આપો, માનનીય પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રીજી – કદાચ દરેક વિદ્યાર્થીના મગજમાં આ વિષય ક્યારેક ને ક્યારેક તો સમસ્યા બનીને ઊભો થાય જ છે. દરેકને લાગે છે કે મને યાદ નથી રહેતું, આ હું ભૂલી ગયો. પણ આપ જો જોશો તો આ પરીક્ષાના ટાઇમ પર અચાનક એવી વસ્તુઓ આપની નીકળવા લાગશે કે આપ, આપને કયારેક પરીક્ષા બાદ ધ્યાનમાં આવશે કે અરે, મેં તો ગયા અઠવાડિયામાં ક્યારેય આ વિષયને સ્પર્શ્યો પણ ન હતો, અચાનક પ્રશ્ન આવી ગયો પણ મારો જવાબ બહુ સારો થઈ ગયો. મતલબ કે ક્યાંક સ્ટોર હતો. આપને પણ ધ્યાન ન હતું, અંદર સ્ટોર હતો. અને એ સ્ટોર કેમ હતો કેમ કે એ જ્યારે ભરી રહ્યા હતા ત્યારે દરવાજા ખુલ્લા હતા, કબાટ ખુલ્લો જતો એટલે એ અંદર ગયું. જો કબાટ બંધ બંધ હોત, કેટલું પણ પીરસતે, જતે કશું જ નહીં. અને એટલે ક્યારેક-ક્યારેક ધ્યાન શબ્દ એવો છે કે લોકો એને યોગ, મેડિટેશન, હિમાલય, ઋષિ-મુનિ ત્યાં જોડી દે છે. મારો બહુ જ સરળ મત છે. ધ્યાનનો અર્થ શું છે. જો આપ અહીં છો પણ અત્યારે આપ વિચારતા હશો કે મમ્મી ઘર પર ટીવી જોતી હશે, તે શોધતી હશે કે હું કયા ખૂણામાં બેઠો છું. મતલબ આપ અહીં નથી, આપ ઘરમાં છો. આપના મગજમાં એ જ છે કે મમ્મી ટીવી જોતી હશે, નહીં જોતી હોય. હું અહીં બેઠો છું એ એને દેખાતું હશે કે નહીં દેખાતું હશે. તમારું ધ્યાન અહીં હોવું જોઇતું હતું પણ આપનું ધ્યાન ત્યાં છે. મતલબ કે આપ બેધ્યાન છો. જો આપ અહીં છો તો આપ ધ્યાનમાં છો. આપ ત્યાં છો તો આપ બેધ્યાન છો. અને એટલે ધ્યાનને એટલી સરળતાથી જીવનમાં સ્વીકાર કરો આપ, એટલી સરળતાથી સ્વીકાર કરો. આ કઈ બહુ મોટું વિજ્ઞાન છે અને કોઇ બહુ મોટું નાક પકડીને હિમાલયમાં જઈને બેસવું પડે છે, એવું નથી. બહુ જ સરળ છે. આપ એ ક્ષણને જીવવાની કોશીશ કરો. જો આપ એ ક્ષણને સંપૂર્ણ પણે જીવો તો એ આપની શક્તિ બની જાય છે.

તમે ઘણાં લોકોને જોયાં હશે, સવારે ચા પીતાં હશે, અખબાર વાંચતા હશે, પરિવારના લોકો કહે છે અરે પાણી ગરમ થઈ ગયું, ચાલો જલદી નાહી લો. હું નહીં, મારે અખબાર વાંચવાનું છે. પછી કહેશે કે નાસ્તો ગરમ છે એ ઠંડો પડી જશે, તો પણ કહેશે કે મારે અખબાર વાંચવાનું છે. એટલે હું માતાઓને આ માટે કહું છું કે જે બહેનો આવી પરેશાનીમાં રહે છે એ જરા સાંજ પડે પૂછે કે આજે અખબારમાં શું વાંચ્યું હતું. હું 99 ટકા એ કહ્યું છું કે તેઓ એ નહીં કહી શકે કે આજના અખબારની હેડ લાઇન શું હતી. કેમ, તેઓ ન જાગૃત છે, ન તેઓ એ ક્ષણને જીવી રહ્યા છે. તેઓ આદત વશ પાનાં ઉથલાવે છે, આંખો જોઇ રહી છે, બાબતો વંચાઇ રહી છે, કશું જ રજિસ્ટર નથી થતું. અને જો રજિસ્ટર ન થઈ રહ્યું હોય તો મેમરી ચિપમાં જતું નથી. હવે એટલા માટે આપ માટે પહેલી આવશ્યકતા એ છે કે, આપ જે પણ કરો એને એ વર્તમાનને….અને મારો હજી પણ મત છે કે પરમાત્માની આ સૃષ્ટિની સૌથી મોટી કોઇ ભેટ છે, જો કોઇ મને પૂછે તો હું કહીશ કે એ ભેટ વર્તમાન છે. જે આ વર્તમાનને જાણી શકે છે, જે આ વર્તમાનને જીવી શકે છે, જે આ વર્તમાનને આત્મસાત્ કરી શકે છે, એના માટે ભવિષ્ય માટે કદી પણ પ્રશ્નાર્થ ચિહ્ન હોતું નથી. અને મેમરીનું પણ એ જ કારણ છે કે આપણે એ પળને જીવતા નથી અને એના લીધે આપણે એને ગુમાવી દઈએ છીએ.

બીજું, મેમરીનો જીવન સાથે સંબંધ હોય છે. માત્ર પરીક્ષા સાથે છે એમ વિચારશો તો આપ એની કિમત જ નથી સમજતા, એનું મૂલ્ય જ નથી સમજતા. જો માની લો, કે આપના કોઇ દોસ્તનો જન્મ દિન આપને યાદ રહ્યો અને આપે જન્મ દિન પર એને ફોન કર્યો છે. આપની તો એ મેમરી હતી જેના લીધે આપને જન્મ દિન યાદ રહ્યો. પણ એ મેમરી આપનાં જીવનના વિસ્તારનું કારણ બની જાય છે જ્યારે એ મિત્રને ટેલિફોન જાય છે, અરે વાહ! એને મારો જન્મ દિન આટલો યાદ હતો. મતલબ મારાં જીવનનું મહત્વ એનાં જીવનમાં છે. એ જીવનભર આપનો બની જાય છે, કારણ શું હતું, એ મેમરી. મેમરી જીવનના વિસ્તારનું એક બહુ મોટું ઉદ્દીપક છે. અને એટલે આપણી સ્મૃતિને માત્ર પરીક્ષા સુધી, સવાલ-જવાબ સુધી મર્યાદિત ન રાખો. આપ એનો વિસ્તાર કરતા જાવ. જેટલી વિસ્તારશો, વસ્તુઓ આપોઆપ જોડાતી જશે.

બીજું, આપ ક્યારેક બે વાસણ લો. બે વાસણમાં પાણી ભરો. પાણી ભરીને એની અંદર એક સિક્કો મૂકો, બેઉમાં. પાણી શુદ્ધ છે, સ્વચ્છ છે, બેઉમાં એક જ પ્રકારનું પાણી છે, બેઉમાં એક જ પ્રકારનાં વાસણો છે, બેઉમાં એક જ પ્રકારના સિક્કા એમાં છે અને આપ એને નિહાળો. પણ એક વાસણ છે જે હલી રહ્યું છે, પાણી આમતેમ થઈ રહ્યું છે, નીચે સિક્કો છે, બીજું સ્થિર છે. આપ જોશો કે જે સ્થિર પાણીવાળો સિક્કો છે એ આપને સંપૂર્ણ દેખાય છે, બની શકે કે એના પર લખાયેલી વસ્તુ પણ જોવા મળે અને જે પાણી હલી રહ્યું છે એનાં પર પણ એ સિક્કો, એ જ સાઇઝ છે, એટલો જ ઊંડો છે પણ દેખાતો નથી, કેમ કે પાણી હલી રહ્યું છે. વાસણ હલે છે. જો મન પણ એવી જ રીતે ડોલતું રહે અને આપણે વિચારીએ કે એમાં સિક્કો છે જે મને દેખાશે, આપે જોયું હશે પરીક્ષામાં આપની સમસ્યા એ હોય છે કે જો ને આ બાજુવાળો તો ઉપર જોતો જ નથી, લખતો જ રહે છે, હવે હું પાછળ રહી જઈશ….એટલે મગજ એમાં જ લાગેલું છે. આપનું દિમાગ એટલું હલવા લાગે છે જે અંદર જે મેમરી ચિપરૂપી સિક્કો છે ને એ આપણે દેખાતો જ નથી. એક વાર મનને સ્થિર કરી લો. મનને સ્થિર કરવામાં મુશ્કેલી છે તો આપ ઊંડા શ્વાસ લો, ત્રણ-ચાર વાર ઊંડા શ્વાસ લો. એકદમ છાતી પહોળી કરીને, આંખો બંધ કરીને થોડી વાર બેસો, મન સ્થિર થતાં જ એ સિક્કાની જેમ દેખાવા લાગે છે, આપની મેમરીની અંદર પડેલી એ વસ્તુ એમ જ ઉભરીને સામે આવવા માંડે છે. અને એટલા માટે ઈશ્વરે જેની મેમરી વધારે છે એને કોઇ વધારાની ઊર્જા આપી છે, એવું નથી. આપણે સૌને, આપણાં સૌની જે આંતરિક રચના છે ને, પરમાત્માએ બહુ પદ્ધતિસર બનાવેલી છે. આપણે કોને ઘટાડીએ છીએ, કોને વધારીએ છીએ, એના પર આધાર રાખે છે. તો આપ એને બહુ સરળતાથી કરી શકો છો.

આપમાંથી જે લોકો જૂનાં શાસ્ત્રોને જાણતા હશો, અમુક તો ક્યારેક યુટ્યુબ પર પણ અમુક વસ્તુઓ ઉપલબ્ધ છે. કેટલાંક શતાવધાની લોકો હોય છે, એમને એક સાથે 100 વસ્તુઓ યાદ આવે છે. આપણા દેશમાં આ બાબતો ક્યારેક-ક્યારેક એનું પ્રચલન ઘણું વધારે હતું. તો આપણે એને ટ્રેન્ડ કરી શકીએ છીએ, આપણાં મનને પણ ટ્રેન્ડ કરી શકીએ છીએ.  પણ આજે આપ પરીક્ષામાં જઈ રહ્યા છો એટલે હું એ દિશામાં આપને નહીં લઈ જાઉં, પણ હું કહું છું કે મન સ્થિર રાખો. આપની પાસે જે વસ્તુઓ પડેલી છે એ આપોઆપ આવવાની શરૂ થઈ જશે, આપને દેખાવા માંડશે, આપને એનું સ્મરણ થવાનું શરૂ થઈ જશે અને એ જ બહુ મોટી તાકાત બની જશે.

પ્રસ્તુતકર્તા – માનનીય પ્રધાનમંત્રીજી, આપે જે સ્નેહપૂર્ણ સરળાથી અમને ધ્યાનની વિધિ શીખવાડી, ચોક્કસ જ મારી જેમ સૌનું મન ખીલી ઊઠયું છે. ધન્યવાદ મહોદય. માનનીય પ્રધાનમંત્રીજી, ખનીજ સંસાધનોથી સમૃદ્ધ રાજ્ય, મનોરમ પર્યટન સ્થળ ઝારખંડના રામગઢથી ધોરણ 10માની વિદ્યાર્થી શ્વેતા કુમારી આપ પાસે એમના પ્રશ્નનો ઉકેલ ઇચ્છે છે. શ્વેતા, મહેરબાની કરીને આપનો પ્રશ્ન પૂછો.

શ્વેતા – માનનીય પ્રધાનમંત્રીજી, નમસ્કાર. હું શ્વેતાકુમારી, કેન્દ્રીય વિદ્યાલય પટારાટૂની 10મા ધોરણની વિદ્યાર્થિની છું. હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું. હું વાંચું તો મારી પ્રોડક્ટિવિટી રાતના સમયે વધારે હોય છે પણ બધાં મને દિવસના વાંચવાનું કહે છે. હું શું કરું? ધન્યવાદ.

પ્રસ્તુતકર્તા – ધન્યવાદ શ્વેતા. આદરણીય પ્રધાનમંત્રીજી, નમો એપ દ્વારા મળેલ પ્રશ્ન જેમાં રાઘવ જોશીને એક વિચિત્ર મૂંઝવણ છે. વાલીઓ હંમેશા કહે છે કે પહેલા ભણજો પછી રમતગમત કરો. પરંતુ તેઓને લાગે છે કે જો તેઓ રમ્યા પછી અભ્યાસ કરે છે, તો તેઓ વસ્તુઓને વધુ સારી રીતે સમજે છે. કૃપા કરીને રાઘવ અને શ્વેતા તેમજ આ જેવા ઘણા વિદ્યાર્થીઓને સમજાવો કે તેઓએ શું કરવું જોઈએ જેથી તેમની ઉત્પાદકતા શ્રેષ્ઠ રહે. મહેરબાની કરીને આપણા બધાની મૂંઝવણ ઉકેલો, માનનીય પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રીજી – એ વાત સાચી છે કે દરેક જણ ઇચ્છે છે એના સમયનો સદુપયોગ થાય. જે કામ માટે એ સમય લગાવ્યો છે એનો એટલો જ લાભ એને મળે અને આ સારો વિચાર છે. અને એ આવશ્યક વિચાર છે કે આપણે હંમેશા જાગૃત રીતે પ્રયાસ કરવા જોઇએ કે શું હું જે સમય લગાવી રહ્યો છું, હું જે સમય ખર્ચી રહ્યો છું એનું મને પરિણામ મળે છે કે નથી મળતું. આઉટપુટ તો દેખાશે, આઉટકમ- પરિણામ નહીં દેખાય. એટલે પહેલા તો પોતાને એક ટેવ પાડવી જોઇએ કે મેં જેટલું રોકાણ કર્યું છે એટલું મને પ્રાપ્ત થયું કે નહીં. હવે આપણે એનો હિસાબ-કિતાબ લગાવી શકીએ છીએ અને આ આદત આપણે કેળવવી જોઇએ કે ભાઇ આજે મેં મેથેમેટિક્સ પાછળ એક કલાક વીતાવ્યો, તો મને એ એક કલાકમાં જે મારે કરવાનું હતું એ હું કરી શક્યો કે નહીં. એમાં જે સવાલ મને અઘરા લાગતા હતા એ હવે મને સરળ થઈ ગયા કે નહીં. મતલબ મારું આઉટકમ સુધરી રહ્યું છે. આ આપણે એનાલિસિસ કરવાની ટેવ પાડવી જોઇએ. બહુ ઓછા લોકોને એનાલિસિસ કરવાની આદત હોય છે. તેઓ એક પછી એક પૂરું કરતા જાય છે, કરતા જ જાય છે અને બાદમાં ખબર જ નહીં પડે કે અરે જરા વધારે ધ્યાનની જરૂર હતી, એમાં મારે વધારે ધ્યાન આપવાની જરૂર હતી. ક્યારેક ક્યારેક શું થાય છે કે આપણા પોતાના ટાઇમ ટેબલમાં જે સૌથી સરળ છે એ સૌથી પ્રિય છે, આપણે ફરી ફરીને એમાં જ ઘૂસી જઈએ છીએ. મન કરે છે કે ચાલો એને જ કરી લઇએ, કેમ? કેમ કે આનંદ આવે છે. હવે એના લીધે જે ઓછું ગમે છે, થોડું અઘરું છે એનાથી બચવાની કોશીશ કરીએ છીએ.

આપે જોયું હશે. આપણું જે શરીર છે ને, એ શરીર-બૉડી… શબ્દ મારો સારો નથી પણ સરળતા માટે કહી દઉં છું. ક્યારેક ક્યારેક લાગે છે મારું બૉડી ચીટર છે. આપ નક્કી કરો મારે આમ બેસવું છે. આપને ખબર જ નહીં હોય, આમ થાય જઈ જાય છે, ખબર જ નહીં પડે. મતલબ આપની સાથે આપનું શરીર ચીટિંગ કરે છે. આપે મનથી નક્કી કરી લીધું છે કે મારે આમ બેસવું છે પણ થોડી વારમાં જ ઢીલા થઈ જાવ છો, એટલે કે જે મૂળ સ્વભાવ છે ત્યાં આપનું શરીર ઢળી જાય છે. પછી જાગૃત થઈને આમ કરી લેશો, પાછા એમ થઈ જશો. મતલબ કે આ બૉડી જેમ ચીટર છે ને, એવી જ રીતે મન પણ ચીટિંગ કરે છે-ક્યારેક ક્યારેક. અને એટલે આપણે આ ચીટિંગથી બચવું જોઇએ. આપણું મન આપણું ચીટર ન બનવું જોઇએ. એ કેવી રીતે બની જાય છે કેમ કે જે ચીજ મનને પસંદ આવી જાય, આપણે એમાં જ ચાલ્યા જઈએ છીએ. આપણને જે જરૂરી છે…. મહાત્મા ગાંધીજી શ્રેય અને પ્રિયની વાત કરતા હતા. જે વસ્તુ શ્રેયસ્કર છે અને જે વસ્તુ પ્રિય છે, વ્યક્તિ શ્રેયસ્કરને બદલે પ્રિય તરફ ચાલી જાય છે. જે શ્રેયસ્કર છે એના પર આપણે વળગીને રહેવું જોઇએ, એ બહુ આવશ્યક હોય છે અને એની તરફ જ જો મન ચીટિંગ કરે છે, ત્યાં લઈ જાય છે તો પછી ખેંચીને લઈ આવો. તો આપની પ્રોડક્ટિવિટી, આપનું આઉટકમ વધશે અને એ માટે પ્રયાસ કરવા જોઇએ.

બીજું, એ વિચારવું કે હું રાતના વાંચું તો સારું થાય છે. કોઇ કહે છે કે હું સવારે વાંચું તો સારું રહે છે. કોઇ કહે કે જમીને વાંચું તો સારું પડે છે, કોઇ કહે કે ભૂખ્યા પેટે વાંચું. આ દરેકની પોતપોતાની પ્રકૃતિ હોય છે. આપ અવલોકન કરો, પોતાની જાતને કઈ બાબતમાં અનુકૂળ પડે છે. ખરેખર તો આપ અનુકૂળ હોવા જોઇએ. જો આપ અનુકૂળ-કમ્ફર્ટ નથી એ પરિસરથી, બેસતા-ઉઠતા, તો આપ કદાચ એ ન કરી શકો. હવે કેટલાંક લોકો કેવાં હોય છે કે એક જ પ્રકારની જગા હોય તો જ એને ઊંઘ આવે. મને યાદ છે કે ઘણાં વર્ષો પહેલાં મેં એક મૂવી જોઇ હતી. એ મૂવીમાં એક દ્રશ્ય આવતું હતું, કોઇ એક વ્યક્તિ ઝૂંપડીની પાસે પોતાનું જીવન વીતાવે છે અને પછી અચાનક કોઇ સારી જગાએ રહેવા જાય છે. એનું નસીબ ખુલે છે પણ ઊંઘ નથી આવતી. હવે ઊંઘ કેમ નથી આવતી તો પછી એ એનું દિમાગ ખપાવે છે, એ જાય છે રેલવે સ્ટેશન પર અને રેલવેના પાટાનો જે ખટાખટ અવાજ આવે છે એને રેકોર્ડ કરે છે અને ઘરમાં લાવીને ટેપ રેકોર્ડર શરૂ કરે છે અને પછી સૂઈ જાય છે, ઊંઘ આવી જાય છે. એનું એ કમ્ફર્ટ થઈ જાય છે. જ્યાં સુધી એને એ…હવે દરેક માટે તો આમ ન બની શકે કે ભાઇ ટ્રેનનો અવાજ આવે તો તમને ઊંઘ આવશે. દરેક માટે એ જરૂરી નથી હોતું પણ એને એ કમ્ફર્ટ લાગ્યું.

હું માનું છું કે આપણને પણ એ ખબર હોવી જોઇએ, એનું પ્રેશર બિલકુલ ન રાખો. જે વસ્તુમાં આપને આનંદ આવે છે, આપે ઓછામાં ઓછું એ માટે પોતાની જાતને એડજસ્ટ કરવી પડે છે. એ માર્ગ છોડવાની જરૂર નથી પણ જે કમ્ફર્ટ અવસ્થામાં પણ આપનું કામ છે એ છે આપનું વાંચન. આપનું કામ છે મેક્સિમમ આઉટકમ. એમાં જરાય પાછા પડવાનું નથી. અને મેં જોયું છે કે લોકો કેવી રીતે કામ કરે છે. ક્યારેક ક્યારેક આપણને સાંભળવામાં તો સારું લાગે કે ફલાણી વ્યક્તિ 12 કલાક કામ કરે છે, 14 કલાક કામ કરે છે, 18 કલાક કામ કરે છે. સાંભળવાનું સારું લાગે છે. પણ હકીકતમાં 18 કલાક કામ કરવું શું હોય છે મારાં જીવનમાં એક બહુ મોટો પાઠ છે, લેસન છે. હું જ્યારે ગુજરાતમાં હતો તો કેકા શાસ્ત્રીજી કરીને એક બહુ મોટા વિદ્વાન હતા. તેઓ પોતે તો પાંચ-સાતમા ધોરણ સુધી જ ભણ્યા હતા પણ અનેક ગ્રંથ લખ્યા હતા તેમણે, ડઝનો ગ્રંથ લખ્યા હતા અને પદ્મ સન્માનથી પણ સન્માનિત હતા. તેઓ 103 વર્ષ જીવ્યા અને જ્યારે હું ત્યાં હતો ત્યારે મેં એમની શતાબ્દીનો સત્તાવાર કાર્યક્રમ સરકારનો યોજ્યો હતો. મારો એમની સાથે બહુ નિકટનો સંબંધ એવો હતો, એમનો મારા પર અપાર સ્નેહ રહેતો હતો. તો મેં ઘણાં વર્ષો અગાઉ, ત્યારે તો હું મુખ્યમંત્રી પણ ન હતો, તો અમે એકવાર કાર્યક્રમ બનાવ્યો કે એમને લઈને રાજસ્થાનનાં તીર્થસ્થાનો પર હું એમને દર્શન માટે લઈ જઈશ. એટલે હું એમને લઈને નીકળી પડ્યો. એક વાહનમાં અમે બધા હતા. હું જોતો હતો કે એમની પાસે બહુ ઓછો સામાન હતો, પણ એમાં પણ વધારે લગેજ તો એમની વાંચવા-લખવાની વસ્તુઓ જ હતી. ક્યાંક રેલવે ક્રોસિંગ આવે તો બંધ થઈ જતું હતું, અટકી જવું પડતું હતું, જ્યાં સુધી ટ્રેન પસાર ન થાય ત્યાં સુધી તો દરવાજો ખુલે નહીં, આગળ વધતાં ન હતા. હવે એ સમયમાં આપણે શું કરીએ છીએ. આપણે ક્યાં તો નીચે ઊતરીને થોડાં ટહેલવા લાગીએ, જ્યાં કોઇ સીંગ-ચણા વેચતું હોય તો થોડાં લઈને ખાવા લાગી, આપણે આપણો સમય… હું જોતો હતો કે જેવી ગાડી ઊભી રહે કે, તેઓ પોતાના થેલામાંથી કાગળ કાઢતા હતા અને એકદમ લખવાનું શરૂ કરી દેતા હતા. તે વખતે એમની ઉમર, હું માનું છું કે 80 સુધી લગભગ પહોંચી ગઈ હશે. એટલે સમયનો કેવી રીતે ઉપયોગ કરવો, આઉટકમ કોને કહેવાય, હું એટલી બારીકાઇથી એમને જોઇ રહ્યો હતો. અને કદાચ તીર્થયાત્રાના સમયમાં રિલેક્સ થવું, ફરવું, ટહેલવું, જોવું, બાકી બધું બાજુએ, પોતાનું કામ કરતા જ રહેવું, કોઇ પણ પરિસ્થિતિમાં કરતા રહેવું, હું માનું છું કે આ બહુ આવશ્યક હોય છે. જીવનમાં એનાથી ઘણું બધું મળે છે.

પ્રસ્તુતકર્તા – માનનીય સાહેબ, અમને સ્વ-વિશ્લેષણ નું મહત્વ સમજાવવા અને ઉત્કૃષ્ટતા તરફ વધવા માટે આનંદપૂર્વક શીખવું જોઈએ તે સમજાવવા બદલ આભાર. માનનીય પ્રધાનમંત્રી સર, નીલગિરીનાં જંગલ સાથેની સુંદર લીલીછમ જમીન ધરાવતા જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના  ઉધમપુરથી  ધોરણ 9ની વિદ્યાર્થિની એરિકા જ્યોર્જ આપનું માર્ગદર્શન ઇચ્છે છે. એરિકા, પ્લીઝ આપનો પ્રશ્ન પૂછો.

એરિકા જ્યોર્જ – માનનીય પ્રધાનમંત્રી સાહેબ, હું જમ્મુ અને કાશ્મીરના એપીએસ ઉધમપુરથી ધોરણ 9માં અભ્યાસ કરતી એરિકા જ્યોર્જ છું. સર હું જે પ્રશ્ન પૂછવા માગું છું તે એ છે કે આજકાલ ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રોમાં અને ભારત જેવા દેશમાં ઘણી હરીફાઈ છે. આ કિસ્સામાં, એવાં ઘણાં લોકો છે જેઓ ખરેખર ખૂબ જ પ્રતિભાશાળી અને જાણકાર છે. પરંતુ કોઈ કારણસર તેઓ પરીક્ષા આપી શક્યા ન હતા. કદાચ તેઓ સાચો રસ્તો પસંદ કરી શક્યા ન હતા અથવા કદાચ તેમની પાસે યોગ્ય કાઉન્સેલિંગ નહોતું. તો સર, આ કિસ્સામાં આપણે આ લોકો માટે શું કરી શકીએ, જેથી આ લોકોની પ્રતિભા વ્યર્થ ન જાય તેના બદલે ફળદાયી રીતે ઉપયોગ કરી શકાય. આભાર સર.

પ્રસ્તુતકર્તા – આભાર એરિકા, માનનીય પ્રધાનમંત્રી સાહેબ, ઔદ્યોગિક હબ ગૌતમ બુદ્ધ નગરના ધોરણ 12માના વિદ્યાર્થી હરિઓમ મિશ્રા, તેમની બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અને આવો જ સવાલ પૂછવા માગે છે જે ઝી ટીવી દ્વારા આયોજિત સ્પર્ધા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યો હતો. હરિઓમ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

હરિઓમ – નમસ્તે મારું નામ હરિ ઓમ મિશ્રા છે અને હું કેમ્બ્રિક સ્કૂલ, નોઈડાના 12મા ધોરણનો વિદ્યાર્થી છું. આજે મારો પ્રધાનમંત્રીજીને એ સવાલ છે કે આ વર્ષે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયામાં ઘણા ફેરફારો લાવવામાં આવ્યા છે અને આ વર્ષે બોર્ડની પરીક્ષાની પેટર્નમાં પણ ઘણા ફેરફારો લાવવામાં આવ્યા છે. તેથી આ બધા ફેરફારો વચ્ચે, આપણે વિદ્યાર્થીઓએ હવે બોર્ડની પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે અમારે કોલેજ પ્રવેશ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અમારે શું કરવું જોઈએ, અમારી જાતને કેવી રીતે તૈયાર કરવી જોઈએ?

પ્રસ્તુતકર્તા – આભાર હરિઓમ. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, એરિકા અને હરિઓમની જેમ, દેશના વિવિધ ભાગોમાંથી ઘણા વિદ્યાર્થીઓએ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બોર્ડ પરીક્ષાની તૈયારી કે કોલેજમાં પ્રવેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું કે કેમ તે અંગે તેમની અસ્વસ્થતા અને ચિંતા વ્યક્ત કરી છે. અમે બધા માનનીય પ્રધાનમંત્રી સાહેબ, તમારું માર્ગદર્શન માગીએ છીએ.

પ્રધાનમંત્રીજી – આમ તો બે અલગ-અલગ પ્રકારના સવાલ છે. એક વિષય છે સ્પર્ધાનો અને બીજો વિષય છે કે હું આ પરીક્ષા આપું કે પેલી પરીક્ષા આપું અને એક જ સમયે બે-બે પરીક્ષા છે તો હું શું કરું. હું નથી માનતો કે તમારે પરીક્ષા માટે વાંચવું જોઇએ. ભૂલ અહીં જ થાય છે. હું આ પરીક્ષા માટે વાંચીશ, પછી આ પરીક્ષા માટે વાંચીશ, એનો અર્થ એ થાય કે આપ અભ્યાસ નથી કરી રહ્યા, આપ એ જડીબુટ્ટી શોધી રહ્યા છો જે આપનું કામ સરળ કરી દે, અને કદાચ એના લીધે જ આપણને અલગ-અલગ પરીક્ષાઓ અલગ લાગે છે, મુશ્કેલ લાગે છે. હકીકત એ છે કે જે પણ આપણે વાંચી રહ્યા છીએ એને પૂર્ણ રીતે, આપણે સંપૂર્ણ રીતે એને આત્મસાત્ કરીશું, પછી એ બૉર્ડની ઍગ્ઝામ હોય કે એન્ટ્રન્સ ઍગ્ઝામ હોય કે જૉબ માટે કોઇ ઇન્ટરવ્યુ કે પરીક્ષા હોય, પરીક્ષા ક્યાંય પણ હોઇ શકે છે. જો તમે તમારું શિક્ષણને સંપૂર્ણ રીતે સાક્ષાત્કાર કર્યું છે, આત્મસાત્ કર્યું છે તો આપની પરીક્ષાનું સ્વરૂપ કયું છે એ અવરોધ બનતું નથી. અને એટલે પોતાની જાતને ઍગ્ઝામ માટે તૈયાર કરવા માટે મગજ વાપરવાને બદલે પોતાની જાતને યોગ્ય શિક્ષિત વ્યક્તિ બનાવવા માટે, વિષયના માસ્ટર બનવા માટે આપણે મહેનત કરીએ. પછી પરિણામ જે મળશે એ મળશે. જ્યાં મૂઝવણ આવે એનો પહેલો સામનો કરીશું, બીજી આવશે, બીજીનો સામનો કરીશું પણ મુકાબલો એ માટે કરીએ છીએ, હવે મેં ખેલાડી આપે જોયો હશે, એ ખેલાડી ખેલની અંદર પારંગત હોય છે. કયા લેવલની ગેમ માટે રમવાનું છે એ માટે એ મહેનત નથી કરતો. પછી એ તાલુકામાં રમશે તો ત્યાં પોતાના કરતબ બતાવશે, જિલ્લામાં રમશે તો ત્યાં કરતબ બતાવશે, નેશનલ રમશે તો ત્યાં કરતબ દેખાડશે, ઇન્ટરનેશનલ રમશે તો ત્યાં કરતબ બતાવશે. અને પોતે પણ ઈવોલ્વ થતો રહેશે. એટલે હું માનું છે કે આપણે ફલાણી પરીક્ષા માટે આ જડી-બુટ્ટી, પેલી પરીક્ષા માટે પેલી જડી-બુટ્ટી, એ ચક્કરમાંથી નીકળીને મારી પાસે આ સંપૂટ છે. હું લઈને જઈ રહ્યો છું. જો હું ત્યાંથી નીકળી ગયો તો ઠીક છે, નહીં નીકળ્યો તો બીજો કોઇ માર્ગ શોધીશ. તો મને લાગે છે કે એમાં આ વિચારવું જોઇએ.

બીજું, કૉમ્પિટિશન-સ્પર્ધા. જુઓ દોસ્તો, સ્પર્ધાને આપણે જીવનની સૌથી મોટી ભેટ માનવી જોઇએ. જો કૉમ્પિટિશન નથી તો જિંદગી શું જીવ્યા. પછી તો આપણે એમ જ ખુશ રહીશું બસ, અને બીજું કંઇ નથી આપણે જ ને આપણે છીએ નસ. એવું ન હોવું જોઇએ. સાચું પૂછો તો આપણે સ્પર્ધાને આમંત્રિત કરવી જોઇએ. ત્યારે જ તો આપણી કસોટી થાય છે. હું તો કહીશ કે ઘરમાં ક્યારે પણ રજાનો દિવસ હોય, વાંચવાનું ન હોય, પરીક્ષા ન હોય, કંઇ જ ન હોય તો ભાઇ-બહેન બેસીને સ્પર્ધા કરો. તું ચાર રોટલી ખાય છે, હું પાંચ ખાઉં છું. તું પાંચ ખાય છે હું છ ખાઉં છું. અરે કૉમ્પિટિશન તો કરો. જિંદગીને કૉમ્પિટિશન આપણે નિમંત્રણ આપવું જોઇએ. સ્પર્ધા જિંદગીને આગળ વધવા માટે એક સારું માધ્યમ હોય છે જે આપણને આપણો પણ ક્રમિક વિકાસ કરવા લાગે છે.

બીજું, હું જે પેઢીનો છું, અથવા આપના માતા-પિતા જે પેઢીના છે, એમને એ વસ્તુઓ નસીબ નહોતી જે આપને નસીબ થઈ રહી છે. આપ એ ભાગ્યવાન જનરેશનમાં છો જે ભાગ્ય આપનાં પહેલાં કોઇ પણ પેઢીને આટલી મોટી માત્રામાં ક્યારેય મળ્યું નથી અને એ છે જેમ સ્પર્ધા વધારે છે તો ચોઇસ પણ વધારે છે, તકો પણ અનેક છે. આપના પરિવારમાં આટલી તકો ન હતી. આપે જોયું હશે કે માની લો કે બે ખેડૂત છે, એની પાસે બે એકર જમીન છે, બીજાની પણ બે એકર જમીન છે પણ એક ખેડૂત છે, ચાલો ભાઇ, ગુજરાન કરવાનું છે તો શેરડીની ખેતી કરતા રહો, આપણું ગુજરાન ચાલ્યા કરશે. બીજો ખેડૂત છે, એ વિચારે છે કે નહીં નહીં, બે એકર જમીન છે, એમ કરીશ કે વન થર્ડમાં એ કરીશ, વન થર્ડ પેલું કરીશ, વન-થર્ડ અન્ય કરીશ. ગયાં વર્ષે પેલું કર્યું હતું તો આ વખતે આ કરીશ. આ બે વસ્તુઓ નહીં કરીશ. આપ જોશો કે એ જે બે એકર જમીનમાં જ આમ આરામથી બેસીને ગુજરાન ચલાવી લે છે, જિંદગી અટકી જાય છે. જે રિસ્ક લે છે, પ્રયોગ કરે છે, નવી વસ્તુ લાવે છે. નવી વસ્તુ જોડે છે એ એટલો આગળ વધી જાય છે કે જિંદગીમાં કદી અટકવાનું નામ નથી લેતો. આવું જ આપણાં જીવનમાં છે. આપણે ગર્વ લેવો જોઇએ કે આપણે આટલી સ્પર્ધા વચ્ચે પોતાની જાતને સાબિત કરી રહ્યા છીએ અને આપણી પાસે અનેક પસંદગીઓ છે. આ સ્પર્ધા નહીં તો પેલી, પેલી સ્પર્ધા નહીં તો બીજી, બીજી સ્પર્ધા નહીં તો ત્રીજી, આ માર્ગ નહીં તો પેલો રસ્તો. પેલો રસ્તો નહીં તો આ રસ્તો. હું સમજું છું કે આપણે એને તક માનીએ, એક અવસર માનીએ, અને હું આ અવસરને છોડીશ નહીં, હું આ અવસરને કદી જવા દઈશ નહીં, એ ભાવ જો આપણે પેદા કરીએ તો મને પાકો વિશ્વાસ છે કે કૉમ્પિટિશન આપના માટે આ યુગની સૌથી મોટી ભેટ તરીકે આપ અનુભવ કરશો.

પ્રસ્તુતકર્તા – માનનીય પ્રધાનમંત્રીજી, તમે અમને જ્ઞાનને આત્મસાત્ કરવાની પ્રેરણા આપી છે જેનાથી જીવનમાં સફળતા મળે છે. આભાર આદરણીય પ્રધાનમંત્રી, ગુજરાતના નવસારીનાં વાલી સુશ્રી સીમા ચિંતન દેસાઈ તમારી સમક્ષ એક પ્રશ્ન મૂકવા માંગે છે. મેડમ, કૃપા કરીને તમારી વાત જણાવો.

સીમા ચિંતન દેસાઈ – જય શ્રી રામ, પ્રધાનમંત્રી મોદી જી, નમસ્તે. હું નવસારીની સીમા ચિંતન દેસાઈ છું, એક વાલી. સર, તમે ઘણા બધા યુવાનોના આઇકોન છો. કારણ તમે માત્ર બોલતા નથી, તમે જે કહો છો તે કરીને બતાવો છો. સાહેબ, એક પ્રશ્ન ભારતીય ઘરોમાં ગ્રામીણ વિસ્તારની કન્યાઓ માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે. આપણો સમાજ તેની પ્રગતિમાં શું ફાળો આપી શકે છે. કૃપા કરીને માર્ગદર્શન આપો. આભાર.

પ્રસ્તુતકર્તા – આભાર મેડમ. આદરણીય સાહેબ, સીમા ચિંતન દેસાઈજી ગ્રામીણ વિસ્તારની કન્યાઓનાં શિક્ષણ માટે ચિંતિત છે, અને શ્રીમાન પાસેથી જાણવા માગે છે કે આ દિશામાં તમારો શું અભિપ્રાય છે, માનનીય પ્રધાનમંત્રીજી,

પ્રધાનમંત્રીજી – આમ તો હું માનું છું કે સ્થિતિ ઘણી બદલાઇ છે. પહેલાના સમયમાં જ્યારે શિક્ષણની વાત આવતી હતી તો મા-બાપને લાગતું હતું કે દીકરાએ ભણવું જોઇએ. પોતાના મર્યાદિત સંસાધનથી એમને લાગતું હતું કે આટલી જ સ્થિતિ છે, ચાલો છોકરો ભણશે તો કંઇક તો કમાશે અને ક્યારેક-ક્યારેક અમુક મા-બાપ એમ પણ કહેતાં હતાં કે અરે, દીકરીએ ભણીને શું કરવાનું છે, એને નોકરી થોડી કરવાની છે. અને એ તો સાસરે જઈને પોતાની જિંદગી વીતવાશે. આ માનસિકતાનો કોઇ કાળખંડ હતો. બની શકે કે આજે પણ અમુક ગામમાં, ક્યાંક આ પ્રકારની માનસિકતા બચી હોય, પણ બાય એન્ડ લાર્જ, મોટા ભાગે આજે સ્થિતિ બદલાઈ છે અને સમાજ દીકરીઓનાં સામર્થ્યને ઓળખવામાં જો પાછળ રહી ગયો તો એ સમાજ કદી આગળ નહીં વધી શકે. ક્યારેક-ક્યારેક આપે એવા પરિવાર જોયા હશે જ્યાં એમ કહેતા હશે કે ભાઇ પુત્ર તો હોવો જ જોઇએ જેથી ઘડપણમાં કામ આવે. દીકરીનું તો શું છે, એ તો સાસરે ચાલી જશે, એ શું કામની છે. આવી પણ એક વિચારધારા આપણા સમાજમાં છે. અને ક્યારેક તો હતી, પણ ઇતિહાસ આ વાતોનો અનુભવ કરે છે, જ્યારે હું આ વસ્તુઓને બહુ ઝીણવટથી જોઉ છું. મેં એવી ઘણી દીકરીઓ જોઇ છે જેમણે મા-બાપની એકલી દીકરી તરીકે મા-બાપના સુખ અને એમનાં ઘડપણની ચિંતા માટે પોતે લગ્ન નથી કર્યાં અને મા-બાપની સેવામાં જિંદગી ખર્ચી નાખી, જે પુત્ર નહીં કરી શકે એ દીકરીઓએ કર્યું છે. અને મેં એવા પણ પરિવાર જોયા છે ઘરમાં ચાર દીકરા છે. ચારેય પાસે ચાર બંગલા છે. સુખ-ચેનની જિંદગી છે. દુઃખ કદી જોયું નથી પણ મા-બાપ વૃદ્ધાશ્રમમાં જિંદગી ગાળી રહ્યા છે. એવા પણ પુત્રો મેં જોયા છે. એટલે પહેલી વાત છે, સમાજમાં દીકરા-દીકરી એક સમાન, કોઇ ભેદભાવ નહીં. આ આજના યુગની અનિવાર્યતા છે અને દરેક યુગની અનિવાર્યતા છે. અને ભારતમાં અમુક વિકૃતિઓ આવી છે. આવવાનાં અમુક કારણો રહ્યાં હશે. પણ આ દેશ ગર્વ કરી શકે છે. જો શાસન વ્યવસ્થાની વાત યાદ કરીએ તો કોઇ જમાનામાં અહિલ્યા દેવીનું નામ આવતું હતું. બેસ્ટ ગવર્નન્સ તરીકે. ક્યારેક વીરતાની વાત આવે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું નામ આવે. વીરતા માટે. દીકરીઓ જ તો હતી. એટલે કોઇ યુગ એવો નહીં હશે અને આપણે ત્યાં તો વિદ્વાન-વિદૂષી જ્ઞાનનો ભંડાર દીકરીઓએ કરી બતાવ્યો છે. પહેલા તો આપણી પોતાની માનસિકતા છે. બીજું આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે તો આપ જોશો કે નવાં જે બાળકો સ્કૂલે જાય છે ને તો દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા હોય છે. આ હિસાબ આવી રહ્યો છે. આજે જે દીકરીઓની આકાંક્ષાઓ છે, કંઇક કરી બતાવવાનો જુસ્સો છે. કદાચ કોઇ પણ હિંદુસ્તાની ગર્વ કરે, એવો છે અને એને આપણે તક આપવી જોઇએ અને તકો આપણે સંસ્થાગત કરવી જોઇએ. કોઇ એક પરિવાર પોતાની રીતે કરી લે એવું નથી, જેમ આપે જોયું જ હશે ખેલકૂદમાં. આજે ખેલકૂદમાં કોઇ પણ સ્તરની રમત ચાલતી હશે, ભારતની દીકરીઓ દરેક સ્થળે ક્યાંક ને ક્યાંક પોતાનું નામ રોશન કરી રહી છે. વિજ્ઞાનનું ક્ષેત્ર જુઓ, આટલી મોટી મોટી સિદ્ધિઓ વિજ્ઞાનની આવે છે તો આપ જોશો કે એમાં અડધાથી વધારે તો આપણી દીકરીઓએ કંઇક ને કંઇક પરાક્રમ કર્યું છે વિજ્ઞાનનાં ક્ષેત્રમાં. હવે 10મા-12નાં પરિણામ જોઇ લો, દીકરાઓ કરતા દીકરીઓ વધારે માર્ક લાવે છે. પાસ થનારાની સંખ્યા દીકરીઓની વધારે હોય છે. એટલે આજે દરેક પરિવાર માટે બેટી એક બહુ મોટી એસેટ બની ગઈ છે, પરિવારની બહુ મોટી શક્તિ બની ગઈ છે અને આ પરિવર્તન સારું છે, આ ફેરફાર જેટલો વધારે થશે એટલો જ લાભ થશે. હવે આપ ગુજરાતને જ જોઇ લો જ્યાંથી તેમણે સવાલ પૂછ્યો છે. ગુજરાતમાં જેમ પંચાયતી રાજ વ્યવસ્થા છે, સારી પંચાયતી રાજ વ્યવસ્થા છે. 50 ટકા ચૂંટાયેલી બહેનો છે. કાયદેસર વ્યવસ્થા છે કે 50% છે. પણ હકીકતમાં ચૂંટણી બાદ સ્થિતિ એવી બને છે કે ચૂંટાયેલી મહિલાઓની સંખ્યા 53 ટકા, 54 ટકા, 55 ટકા છે. એટલે તે પોતાની અનામત બેઠકો પરથી તો જીતે જ છે, પણ સામાન્ય બેઠક પરથી પણ જીતીને ક્યારેક ક્યારેક 55% સુધી જાય છે અને પુરુષ 45% પર આવી જાય છે. એનો અર્થ એ કે સમાજનો પણ માતાઓ-બહેનો પર વિશ્વાસ વધ્યો છે. ત્યારે જ તો તે લોક પ્રતિનિધિ બનીને આવે છે. આજે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે. આજે હિંદુસ્તાની સંસદમાં આજ સુધીના કાળ ખંડમાં સૌથી વધારે મહિલા સાંસદો છે અને ગામોમાં પણ જોવામાં આવે છે કે જે ભણેલી ગણેલી દીકરીઓ છે, એમને લોકો ચૂંટવાનું વધારે પસંદ કરે છે. ભલે તે પાંચમા ધોરણ સુધી ભણેલી છે તો સાતમા ધોરણવાળાં બહેનની ચૂંટણીમાં જીતવા સાતની સામે જો અગિયાર ધોરણવાળાં છે તો એમને પસંદ કરશે. એટલે સમાજમાં પણ શિક્ષણ પ્રત્યે સન્માનનો ભાવ દરેક સ્તર પર દેખાય રહ્યો છે. આજે આપ શિક્ષણ ક્ષેત્ર જ જોઇ લો. કદાચ ક્યારેક ને ક્યારેક પુરુષો તરફથી માગ આવવાની સંભાવના છે. હું કોઇને માર્ગ નથી બતાવી રહ્યો, પોલિટિકલ પાર્ટીવાળાઓને. પણ ક્યારેક-ક્યારેક સંભાવના છે. કે પુરુષો સરઘસ કાઢશે કે ટીચરમાં અમારી આટલા ટકા અનામત નક્કી કરો. કેમ કે મોટા ભાગે ટીચર આપણી માતાઓ-બહેનો છે. એવી જ રીતે નર્સિંગમાં વધારે જે સેવાભાવ, માતૃભાવ હોય છે. એ આજે નર્સિંગનાં ક્ષેત્રમાં ભારતનું ગૌરવ વધારે છે. ભારતની નર્સિસ દુનિયામાં જ્યાં જઈ રહી છે. ભારતની આન-બાન-શાન વધારી રહી છે. ઈવન પોલિસિંગમાં, પોલીસમાં આજે આપણી દીકરીઓ બહુ મોટી સંખ્યામાં આવી રહી છે. હવે તો અમે એનસીસીમાં દીકરીઓ, સૈનિક સ્કૂલમાં દીકરીઓ, આર્મીમાં દીકરીઓ, જીવનનાં દરેક ક્ષેત્રમાં અને આ બધી બાબતો એ માટે સંસ્થાગત થઈ રહી છે અને મારો સમાજને પણ આ જ આગ્રહ છે કે આપ દીકરા-દીકરીમાં કોઇ ફરક ન રાખો. બેઉને સમાન તકો આપો. અને હું કહું છું કે કદાચ સમાન રોકાણથી જ સમાન અવસરથી જ જો દીકરો ઓગણીસ કરશે તો દીકરી 20 કરશે.

પ્રસ્તુતકર્તા : આદરણીય પ્રધાનમંત્રી , દીકરીઓ ઘર, સમાજ અને રાષ્ટ્રની શોભા છે. તેમની આકાંક્ષાઓને તમારી પ્રેરણાથી નવી ઉડાન મળી છે, આપનો આભાર. માનનીય પ્રધાનમંત્રી સાહેબ, આજે તમારા તરફથી પહેલી આંતરિક પ્રેરણા મળી છે તે માટે અમને નસીબદાર અને કૃતજ્ઞ છીએ. તમારા કિંમતી સમયને ધ્યાનમાં રાખીને હવે હું બે અંતિમ પ્રશ્નોને આમંત્રણ આપું છું. નવી દિલ્હીના આર.કે. પુરમ, સેક્ટર 8ના કેન્દ્રીય વિદ્યાલયના બારમા ધોરણનાં વિદ્યાર્થી ડમ્પલા પવિત્ર રાવ એમના પ્રશ્નનો જવાબ જાણવા ઉત્સુક છે. પવિત્ર રાવ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

પવિત્ર રાવ : નમસ્કાર પ્રધાનમંત્રીજી, હું પવિત્ર રાવ, કેન્દ્રીય વિદ્યાલય, સેક્ટર-8, આર.કે. પુરમ નવી દિલ્હીમાં ધોરણ 12નો વિદ્યાર્થી છું. માનનીય પ્રધાનમંત્રીજી, જેમ જેમ આપણો ભારત વધુ પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે, તેને જાળવી રાખવા આપણી નવી પેઢીએ બીજાં કયાં પગલાં ભરવા પડશે? તમારાં માર્ગદર્શનથી ભારત સ્વચ્છ તો બન્યું જ છે અને આવનારી પેઢીએ તેના પર્યાવરણ સંરક્ષણમાં વધુ શું યોગદાન આપવું જોઈએ, કૃપા કરીને માર્ગદર્શન આપો, આભાર સાહેબ.

પ્રસ્તુતકર્તા : આભાર પવિત્રા, માન્યવર ચૈતન્ય લેલે, નવી દિલ્હીના ધોરણ 11ના વિદ્યાર્થી, એમનાં મનમાં ઉદ્ભવતા આવા જ સમાન પ્રશ્નનો ઉકેલ ઇચ્છે છે. ચૈતન્ય કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.

ચૈતન્ય: નમસ્કાર, માનનીય પ્રધાનમંત્રીજી, મારું નામ ચૈતન્ય છે. હું ડી.એ.વી. સ્કૂલનો 11મા ધોરણનો વિદ્યાર્થી છું. મારો તમને પ્રશ્ન એ છે કે આપણે આપણાં પર્યાવરણને સ્વચ્છ અને વધારે સારું કેવી રીતે બનાવી શકીએ? આભાર.

પ્રસ્તુતકર્તા : આભાર ચૈતન્ય, માનનીય પ્રધાનમંત્રી સાહેબ, પવિત્ર અને ચૈતન્યની જેમ ભારતના યુવાનો સ્વચ્છ અને હરિયાળા ભારતમાં શ્વાસ લેવા માગે છે. તમારા હૃદયની નજીકનું એક સપનું આપણે બધા જાણવા ઈચ્છીએ છીએ કે ભારતને અને આપણાં પર્યાવરણને વિશ્વના દરેક અર્થમાં અસલ અને સંપૂર્ણ  કેવી રીતે રાખવું, અમે આપનાં માર્ગદર્શન માટે આશાવાદી છીએ. સર.

પ્રધાનમંત્રીજી : આમ તો આ પરીક્ષા પે ચર્ચા સાથે સંકળાયેલો વિષય નથી. પણ જેમ પરીક્ષા માટે સારું વાતાવરણ જોઇએ. એમ પૃથ્વીને એક સારાં વાતવરણની જરૂર હોય છે અને આપણે લોકો તો પૃથ્વીને મા માનનારા લોકો છીએ. હું સૌથી પહેલાં તો આજે મને તક આપી છે તો હું સાર્વજનિક રીતે આપણા દેશનાં બાળકોનો-બાળક-બાલિકાઓનો હ્રદયથી ધન્યવાદ કરવા માગું છું અને હું અનુભવ કરું છું કે પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર જ્યારે હું 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહ્યો હતો. ત્યારે મારાં ભાષણ બાદ મોટા ભાગના લોકોએ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું હતું. કે ઠીક છે, મોદીજીએ કહી તો દીધું પણ થઈ શકશે કે કેમ? અને એ સમયે મેં સ્વચ્છતાની વાત કરી હતી. થોડું એ અચરજ પણ હતું કે દેશના પ્રધાનમંત્રી, આ તો એવી જગા છે જ્યાં સ્પેસની-અવકાશની વાત કરવી જોઇએ, વિદેશ નીતિની વાત કરવી જોઇએ, સૈન્ય શક્તિની વાત કરવી જોઇએ. આ માણસ કેવો છે કે સ્વચ્છતાની વાત કરી રહ્યો છે. ઘણાંને આશ્ચર્ય થયું હતું. પણ જે પણ આશંકાઓ વ્યક્ત થઈ હતી, એ તમામને ખોટી સિદ્ધ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય કે સ્વચ્છતાની મારી ભાવનાને ચાર ચાંદ લગાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ મારાં દેશનાં બાળક-બાલિકાઓએ કર્યું છે. સ્વચ્છતાની આ યાત્રામાં આજે આપણે જ્યાં પણ પહોંચ્યા છે. જો એનો હું સૌથી વધારે શ્રેય કોઈને આપું છું તો મારા દેશના બાળકો-બાલિકાઓને આપું છું. મેં એવા સેંકડો પ્રશ્નો સાંભળ્યા છે. જ્યાં 5-5, 6-6 વર્ષનાં બાળકોએ પોતાના દાદા-દાદી, નાના-નાનીને દિવસમાં 10 વાર ટોક્યા છે કે અહીં નહીં નાખો, મોદીજીએ ના પાડી છે, અહીંયા ન ફેંકો, મોદીજીને સારું નહીં લાગે. આ બહુ મોટી તાકાત છે અને આપ કદાચ એ જ પેઢીના હોવાને લીધે આપે પણ એ જ ભાવના સાથે સવાલ પૂછ્યો છે. હું આપના સવાલને આવકારું છું. એ વાત સાચી છે કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વૉર્મિંગને લીધે, પર્યાવરણને લીધે બહુ પરેશાન છે અને એનું મૂળ કારણ છે કે આપણે સંસાધનોનો દુરુપયોગ કર્યો છે. આપણી પાસે પરમાત્માએ જે વ્યવસ્થાઓ આપી છે, એને આપણે બરબાદ કરી નાંખી છે. હવે આપણી જવાબદારી છે કે જો આજે હું પાણી પી રહ્યો છું. કે મારાં ભાગ્યમાં પાણી છે, આજે જો હું ક્યાંક નદી જોઇ શકું છું, આજે જો હું કોઇ વૃક્ષની છાયામાં ઊભો છું. તો એમાં મારું કોઇ યોગદાન નથી. આ મારા પૂર્વજોએ મારા માટે છોડ્યું છે. જે વસ્તુનો આજે હું ઉપભોગ કરી રહ્યો છું. એ મારા પૂર્વજોએ મારા માટે આપી છે. શું મારા પછીની પેઢીને મારે પણ કંઇક આપવું જોઇએ કે નહીં આપવું જોઇએ? આપવું જોઇએ કે નહીં આપવું જોઇએ? જો હું બચાવીશ નહીં તો આપીશ શું? અને એટલા માટે જેમ આપણા પૂર્વજોએ આપણને આપ્યું એનો ઋણ સ્વીકાર કરવા માટે અને આપણી આગળની પેઢીને આપવા માટેની જવાબદારી સ્વીકાર કરતા આપણે આપણી જવાબદારી નિભાવવી જોઇએ. આ આપણી ફરજ છે. હવે આ કોઇ સરકારી કાર્યક્રમથી સફળ થતું નથી. જેમ કે માની લો કે હું કહું છું. કે ભાઇ, સિંગલ યુઝ પ્લાસ્ટિક, એનાથી બચવું જોઇએ. પણ આપણા જ પરિવારમાં ભાષણ પણ આપણે કરીએ છીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બચવું જોઇએ. પણ લગ્નની કંકોત્રી જો કોઇની ઘરમાં આવે છે તો આપણે જોઇએ છીએ કે એના પર પ્લાસ્ટિકનું એક બહુ સરસ રેપર કરીને આવે છે. આપણે એને કાઢીને ફેંકી દઈએ છીએ. હવે આ આપણે જે વિચારીએ છીએ તેનાથી વિપરીત છે. તો સહજ સ્વભાવ કેવી રીતે બને? ઓછામાં ઓછું મારા પરિવારમાં, હું મારાં ઘરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની મંજૂરી બિલકુલ આપીશ નહીં. તો આપણે પર્યાવરણ માટે થોડી મદદ કરી રહ્યા છીએ અને જો દેશનાં તમામ બાળકો આ કામ કરવા લાગે તો આજે જે આપણું છે. તમે જોયું જ હશે કે હું ગુજરાતમાં પશુ આરોગ્ય મેળાનું આયોજન કરતો હતો. તમને નવાઈ લાગશે કે જ્યારે હું મુખ્યમંત્રી હતો અને પશુ આરોગ્ય મેળાનું આયોજન કરતો હતો. જ્યારે હું મુખ્યમંત્રી હતો અને પશુ આરોગ્ય મેળા યોજતો હતો તમને નવાઈ લાગશે, હું  ગુજરાતમાં પશુઓની દાંતની સારવાર-ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતો હતો. પશુઓને મોતિયો હોય છે. મોતિયાનું કામ કરાવતો હતો અને અમુક પશુઓનાં ઓપરેશન કરવાં પડતાં હતાં. તો મેં એક ગાયને જોઇ, એનાં પેટમાં ઓછાંમાં ઓછું 40 કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળ્યું હતું. હવે આ માનવતા વિરુદ્ધનું કામ છે. જો આપણામાં આ સંવેદના પેદા થાય કે મને તો તે ગમે છે, ચાલો ભાઇ એક હલકી ફૂલકી  થેલી છે, લઈ જવાનું ગમે છે. અને પછી હું તેને ફેંકી દઉં છું. આપણે હવે યુઝ એન્ડ થ્રો કલ્ચરથી બચવું પડશે અને આપણે રિયુઝ, રિસાઇકલ અને એ ભારતમાં કોઇ નવી વાત નથી. એ આપણે ત્યાં તો વર્ષોથી પરિવારમાં એ આદત રહી છે. આપણે જેટલો વધારે સંસાધનોનો ઉપયોગ કરીશું આપણે પર્યાવરણને બરબાદ કરી દઈશું. આપણે જેટલો સંસાધનોનું ઑપ્ટિમમ યુટિલાઇઝેશન કરીશું, આપણે પર્યાવરણની રક્ષા કરીશું. આજે જુઓ આપણા ઈલેક્ટ્રોનિક ગૅઝેટ્સ, એ પણ પર્યાવરણ માટે સંકટ બનતા જાય છે. આપે જોયું હશે કે ભારત સરકારે હમણાં સ્ક્રૅપ પૉલિસી બહાર પાડી છે જેથી જૂની ગાડીઓ જે પ્રદૂષણ પેદા કરે છે, એને ખતમ કરો, એમાંથી પણ કંઇક કમાણી કરો અને નવી ગાડી લાવો. એ દિશામાં પણ બહુ મોટી માત્રામાં કામ થવાનું છે. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે પાણીનું શું મહત્વ છે, રોપાનું શું મહત્વ છે, પ્રકૃતિનું શું મહત્વ છે, આપણે એના પ્રત્યે સંવેદનશીલ છીએ ખરા? અને એ સહજ સ્વભાવ બનવો જોઇએ જો એ સ્વભાવ બનવો છે તો. આપે જોયું હશે કે COP-26માં મેં એક વિષય મૂક્યો હતો. યુકેમાં કૉન્ફરન્સ થઈ હતી, મેં કહ્યું હતું એમાં કે lifestyle is a problem. આપણી જે જીવનશેલી છે અને કહેવાયું છે કે મિશન લાઇફની આવશ્યકતા છે. અને મેં મિશન લાઇફ માટે ત્યાં  શબ્દ નક્કી કર્યો હતો. કે lifestyle for environment, હું માનું છું કે આપણે પણ આપણાં જીવનમાં બહુ નાની વય છે, ચાર માળનું મકાન છે અને આપણે પણ લિફ્ટમાં જઈએ છીએ, અરે આપણે કોશીશ કરીએ, આપણે ચઢી જઈશું એમાં શું છે, તો આપણાં આરોગ્યને પણ ફાયદો થશે, આપણે પર્યાવરણને પણ મદદ કરીશું. નાની નાની વસ્તુઓ આપણે આપણાં જીવનમાં લાવીશું અને એટલે મેં કહ્યું હતું કે આપણે દુનિયામાં P-3 મૂવમેન્ટ ચલાવવાની જરૂર છે. Pro-Planet-People. આ P-3 મૂવમેન્ટ સાથે વધુ ને વધુ લોકો જોડાય અને સભાન રહીને એના પ્રયાસ કરે તો હું માનું છું કે આપણે વસ્તુઓને લાવી શકીશું. બીજું, આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. આઝાદીનાં 75 વર્ષ આજની જે પેઢી છે. એ પોતાનાં જીવનનાં સૌથી સફળ તબક્કામાંથી પસાર થાય ત્યારે દેશ શતાબ્દી મનાવતો હશે. મતલબ આ 25 વર્ષ આપની જિંદગીનાં છે. આપના માટે છે, આપનું યોગદાન આ 25 વર્ષમાં શું હોય જેનાથી આપણો દેશ એ સ્થાને પહોંચે, આપણે ગર્વની સાથે દેશની શતાબ્દી આન-બાન-શાન સાથે દુનિયા સમક્ષ એક ચહેરો ઊંચો રાખીને મનાવી શકીએ, આપણે આપણાં જીવનને એનાથી જોડવાનું છે. અને એનો સરળ માર્ગ છે કર્તવ્ય પર ભાર આપવો. જો હું મારી ફરજ બજાવું છું. મતલબ કે હું કોઈના અધિકારનું રક્ષણ કરું છું. તો પછી તેણે ક્યારેય અધિકારની માગણી માટે બહાર નીકળવું પડશે નહીં. આજે સમસ્યા એ છે કે આપણે આપણી ફરજો નિભાવતા નથી. તેથી તેણે હક માટે લડવું પડે છે. આપણા દેશમાં કોઈએ પોતાના અધિકારો માટે લડવું ન પડે. આ આપણું કર્તવ્ય છે અને એ કર્તવ્યનો ઉપાય પણ આપણી ફરજોનું પાલન છે. જો આપણે ફરજો નિભાવીએ છીએ, તો આપણે જે જવાબદારીઓ છે તે પૂરી કરીએ છીએ. હવે જુઓ, આપણા દેશે સમગ્ર દુનિયાના લોકો, આપણે અહીંયાં તો એ બાબતની ચર્ચા કરીએ તો લોકોને ડર લાગે છે કે મોદીનાં ખાતામાં થઈ જશે, મોદીનો જય-જયકાર થઈ જશે, એટલે જરા સંકોચ કરે છે, એનો જય-જયકાર કરવામાં પણ આપણે ત્યાં જે રસીકરણ થયું છે, એમાં પણ જ્યારે મેં શાળાનાં બાળકો માટે રસીકરણ શરૂ કર્યું અને જે ઝડપથી આપણા દેશમાં બાળકોએ દોડી દોડીને રસી લઈ લીધી, એ પોતાનામાં એક બહુ મોટી ઘટના છે જી. આપ સૌમાં પણ કોનું રસીકરણ થઈ ગયું છે, હાથ ઉપર કરજો જરા, સૌનું રસીકરણ થયું છે? જો દુનિયાના કોઇ દેશમાં આવા સવાલ પૂછવાની હિમ્મત કોઇ ન કરી શકે, હિંદુસ્તાનનાં બાળકોએ પણ આ કરીને બતાવ્યું છે, મતલબ કે આપણે કર્તવ્યનું પાલન કર્યું છે. આ કર્તવ્ય પાલન ભારતની આન-બાન-શાન વધારવાનું કારણ બની ગયું છે, એ જ રીતે આપણે દેશને આગળ વધારવાનો હોય, પ્રકૃતિની રક્ષા કરવાની હોય, તો મને પાક્કો વિશ્વાસ છે કે આપણે કર્તવ્યોને જો સજાગતાપૂર્વક લગાવીશું, કામ કરીશું તો આપણે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ.

પ્રસ્તુતકર્તા : પ્રધાનમંત્રીજી દ્વારા પરીક્ષા પે ચર્ચા 2022માં, અમારાં જેવાં કરોડો બાળકો, શિક્ષકો અને માતાપિતાની બેચેનીને  ઉત્સાહ, ઉમંગ અને સફળતાની ઝંખનામાં ફેરવી દીધી છે. અમે આભારી છીએ, માનનીય પ્રધાનમંત્રીજી, અમે તમારાં સુવર્ણ સંબોધન માટે અત્યંત આભારી છીએ. આ આપણને પ્રેરણા અને પ્રોત્સાહનની ક્ષણોની આ ભવ્ય સવારના અંતમાં લાવે છે જે હંમેશા અમારી યાદોમાં રહેશે. અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ એમનો કિમતી સમય ફાળવીને અહીં આપણી સાથે આવ્યા અને તેમનાં ચુંબકીય વ્યક્તિત્વથી અમને પ્રેરણા આપી. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.

પ્રધાનમંત્રીજી : તમે બધા, તમારા એનાઉન્સર બધા અહીં આવી જાય, સૌને બોલાવી લો. થોડા આ બાજુ આવી જાય, થોડાં આ તરફ આવી જાય. જુઓ, આજે હું આ લોકોને સૌથી પહેલા અભિનંદન આપવા માગું છું. આ બધાએ આ બધી બાબતોને અદભુત રીતે ચલાવી છે, ક્યાંય આત્મવિશ્વાસની કમી દેખાતી ન હતી. આપે પણ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હશે, હું બરાબર અવલોકન કરતો હતો. આવું સામર્થ્ય અહીં બેઠેલાં દરેકમાં હશે, જેઓ ટીવી પર જોતા હશે એમાં પણ હશે અને જેઓ નથી જોઇ રહ્યા, એમાં પણ હશે. જીવનમાં જે સવાલનાં ક્ષેત્રમાં નથી, છતાં હું કહેવા માગીશ કે આપણે ખરેખર જો જીવનમાં આનંદની અનુભૂતિ કરવી છે તો પોતાનામાં એક ગુણ-એક ક્વૉલિટી વિકસિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. જો એ વિદ્યાને આપણે ડેવલપ કરીશું તો આપ હંમેશા આનંદિત રહેશો અને એ છે ગુણોના પૂજારી બનવું. કોઇ પણમાં આપણે ગુણ જોઇએ છીએ, ક્વૉલિટી જોઇએ છીએ અને આપણે એના પૂજારી બનીએ છીએ. એનાથી એને તો તાકાત મળે જ છે, આપણને તાકાત મળે છે, આપણો સ્વભાવ બની જાય છે કે જ્યાં પણ સારી સારી વસ્તુઓને ઓબ્ઝર્વ કરો, કેવી રીતે સારી છે એ ઓબ્ઝર્વ કરો, આપણે એને સ્વીકારવાનો પ્રયાસ કરીએ, પોતાને એમાં ઢાળવાનો પ્રયાસ કરીએ. ઇનોવેટ કરવાનો પ્રયાસ કરીએ, જોડાવાનો પ્રયાસ કરીએ, જો આપણે ઈર્ષ્યાભાવ પાંગરવા દઈશું, જો યાર, આ તો મારાથી આગળ થઈ ગયો, જો એનો કુર્તા મારા કરતા પણ સારો છે, જો ને યાર, આ એના પરિવારમાં આટલું સરસ વાતાવરણ છે, એને તો કોઇ તકલીફ જ નથી. જો આ સ્પર્ધા મનમાં પડી રહે તો આપણે ધીમે-ધીમે ધીમે-ધીમે બહુ જ આપણી જાતને નાની કરતા જઈશું, આપણે કદી મોટા ન બની શકીએ. જો આપણે બીજાનાં સામર્થ્યને, બીજાની વિશેષતાઓને, બીજાની શક્તિઓને  જાણવા સમજવાનું સામર્થ્ય વિકસિત કરીશું તો તે વિશેષતાઓને આપણા પોતાનામાં લાવવાની શક્તિ આપોઆપ વિકસિત થવા લાગશે. અને તેથી તમારાં જીવનમાં સફળ થવા માટે હું તમને બધાને વિનંતી કરીશ કે જીવનમાં તમને જ્યાં પણ તક મળે ત્યાં તમારે શું વિશેષ છે, શું સારું છે, શું શક્તિશાળી છે તેના તરફ આપનો ઝોક હોવો જોઇએ.  એને જાણવા સમજવાનો સ્વીકાર કરવા માટે બહુ ઉમદા મન હોવું જોઇએ. ક્યારેય પણ ઈર્ષ્યાનો ભાવ નહીં થશે, ક્યારેય પણ આપણાં મનમાં પ્રતિશોધની ભાવના પેદા નહીં થશે. આપણે પણ બહુ આનંદ અને સુખની જિંદગી જીવી શકીશું. આ એક અપેક્ષા સાથે હું ફરી એક વાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને હવે હું શિક્ષણ વિભાગને અભિનંદન આપું છું, તમે બધાંએ કેટલાં સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને હવે મને તમામ યુવાનોને મળવાનો મોકો મળ્યો છે. કેટલાક લોકોને લાગતું હશે કે મોદીજી પરીક્ષાની ચર્ચા શા માટે કરે છે, પરીક્ષામાં તો ઠીક છે, શિક્ષકે તમને ઘણું સમજાવ્યું હશે, તમને લાભ થાય છે કે નહીં એ મને નથી ખબર પણ મને લાભ થાય છે. મારો લાભ એ હોય છે કે જ્યારે હું આપની વચ્ચે આવું છું તો હું 50 વર્ષ નાનો બની જાઉં છું. અને હું મારી જાતને આપની ઉમરમાંથી કંઇક શીખીને ગ્રો કરવાની કોશીશ કરું છું, એટલે કે મારી પેઢી નથી બદલાતી, હું આપની સાથે જોડાવાનાં કારણે હંમેશા આપનાં મનને સમજું છું, આપની આશા-આકાંક્ષાઓને સમજું છું, મારી જિંદગીને એમાં ઢાળવાની કોશીશ કરું છું અને એટલે આ કાર્યક્રમ મારાં ઘડતરમાં કામ આવી રહ્યો છે, મારાં સામર્થ્યને વધારવામાં કામ આવી રહ્યો છે અને એટલે જ હું આપની વચ્ચે આવું છું, આજે મને ઘડવામાં, મારી જાતને ઘડવામાં, મારા માટે કંઈક શીખવા માટે આપ સૌએ સમય આપ્યો એ બદલ હું આપ સૌનો આભાર માનું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com