પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી ઓડિશામાં તેમના જન્મસ્થળમાં થઈ રહી છે. તેમણે આ પ્રસંગે ઓડિશાનાં લોકોને અને સરકારને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેતાજીનાં જીવનનાં વારસા પર આધારિત એક મોટું પ્રદર્શન ઓડિશાનાં કટકમાં યોજાયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનેક કલાકારોએ નેતાજીનાં જીવન સાથે જોડાયેલી ઘટનાઓને કેનવાસ પર દર્શાવી છે. તેમણે કહ્યું કે નેતાજી પર આધારિત ઘણા પુસ્તકો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નેતાજીની જીવનયાત્રાનાં આ તમામ વારસાઓ મારા યુવા ભારતને નવી ઊર્જા પ્રદાન કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે જ્યારે આપણે વિકસિત ભારતનાં સંકલ્પને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, ત્યારે નેતાજી સુભાષનાં જીવનની વિરાસત આપણને સતત પ્રેરિત કરશે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, નેતાજી સુભાષ બોઝનું મુખ્ય અને મહત્ત્વપૂર્ણ લક્ષ્ય આઝાદ હિન્દ હતું. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ સંકલ્પને હાંસલ કરવા માટે તેઓ એક જ માપદંડ – આઝાદ હિન્દ પર પોતાનાં નિર્ણય પર અડગ રહ્યાં હતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે, નેતાજીનો જન્મ એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો અને તેમણે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કર્યા બાદ, તેઓ બ્રિટિશ સરકારમાં વરિષ્ઠ અધિકારી બની શક્યા હોત અને આરામદાયક જીવન જીવી શક્યા હોત. પરંતુ નેતાજીએ ભારત અને અન્ય દેશોમાં ભટકવાની સાથે સાથે આઝાદીની શોધમાં મુશ્કેલીઓ અને પડકારોનો માર્ગ પસંદ કર્યો હતો તેમ શ્રી મોદીએ નોંધ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, “નેતાજી સુભાષ કમ્ફર્ટ ઝોનની સુવિધાઓથી બંધાયેલા નહોતા.” પ્રધાનમંત્રીએ આગ્રહ કર્યો કે, “આજે આપણે સૌએ વિકાસશીલ ભારતનું નિર્માણ કરવા માટે આપણાં સુવિધા ક્ષેત્રમાંથી બહાર નીકળવાની જરૂર છે.” તેમણે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બનવા, ઉત્કૃષ્ટતાની પસંદગી કરવા અને કાર્યદક્ષતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
નેતાજીએ દેશની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. જેમાં દરેક ક્ષેત્ર અને વર્ગનાં બહાદુર પુરુષો અને મહિલાઓ સામેલ હતા. તેમણે તે વાત પર ભાર આપ્યો કે, અલગ-અલગ ભાષાઓ હોવા છતાં તેમની ભાવના એક જ હતી, દેશની સ્વતંત્રતાની. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ એકતા આજે વિકસિત ભારત માટે મહત્ત્વપૂર્ણ બોધપાઠ છે. તેમણે નોંધ્યું હતું કે, જે રીતે તે સમયે સ્વરાજ માટે એકતા આવશ્યક હતી. તે જ રીતે હવે વિકસિત ભારત માટે પણ મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ પર પ્રકાશ પાડ્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, દુનિયા 21મી સદીને ભારત કેવી રીતે પોતાની બનાવે છે, તેના પર નજર રાખી રહ્યું છે. તેમણે નેતાજી સુભાષ પાસેથી પ્રેરણા લેવા અને ભારતની એકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ દેશને નબળો પાડવા અને તેની એકતાને વિક્ષેપિત કરવા માંગતા લોકો સામે સતર્ક રહેવાની ચેતવણી પણ આપી હતી.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે, નેતાજી સુભાષને ભારતનાં વારસા પર ખૂબ ગર્વ છે અને તેઓ અવારનવાર ભારતનાં સમૃદ્ધ લોકતાંત્રિક ઇતિહાસ વિશે વાત કરતા હતાં અને લોકોને તેમાંથી પ્રેરણા લેવા માટે પ્રોત્સાહિત કરતા હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારત સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર આવી રહ્યું છે અને પોતાનાં વારસાનાં ગૌરવ સાથે વિકાસ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાનું સન્માન વ્યક્ત કર્યું હતું, જે એક અવિસ્મરણીય ઐતિહાસિક પ્રસંગ છે. તેમણે ઉમેર્યું હતું કે, નેતાજીનાં વારસાથી પ્રેરિત થઈને સરકારે વર્ષ 2019માં દિલ્હીમાં લાલ કિલ્લા પર નેતાજી સુભાષને સમર્પિત એક સંગ્રહાલયની સ્થાપના કરી હતી અને એ જ વર્ષે સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કારોની શરૂઆત પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “2021માં સરકારે નેતાજીની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.” શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ઇન્ડિયા ગેટ નજીક નેતાજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના, આંદામાનમાં ટાપુનું નામ નેતાજીનાં નામ પર રાખવું અને પ્રજાસત્તાક દિવસની પરેડમાં આઈએનએ સૈનિકોને સલામ કરવી એ તેમની વિરાસતનું સન્માન કરવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “છેલ્લાં 10 વર્ષમાં દેશે દર્શાવ્યું છે કે, ઝડપી વિકાસ સામાન્ય નાગરિકનાં જીવનને સરળ બનાવે છે અને સૈન્યની તાકાતમાં પણ વધારો કરે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં 25 કરોડ ભારતીયોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે, જે મોટી સફળતા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દરેક જગ્યાએ આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે, પછી તે ગામ હોય કે શહેર. તેમણે ભારતીય સેનાની તાકાતમાં અભૂતપૂર્વ વધારો અને વૈશ્વિક મંચ પર ભારતની વધતી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હવે એ દિવસ દૂર નથી, જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બની જશે. તેમણે દરેકને નેતાજી સુભાષથી પ્રેરિત એક ધ્યેય, એક ઉદ્દેશ્ય સાથે વિક્સિત ભારત માટે સતત કામ કરતા રહેવાનો આગ્રહ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ જ નેતાજીને સાચી શ્રદ્ધાંજલિ હશે. પ્રધાનમંત્રીએ તમામને શુભેચ્છા પાઠવી હતી.
Netaji Subhas Chandra Bose’s ideals and unwavering dedication to India’s freedom continue to inspire us. Sharing my remarks on Parakram Diwas.
https://t.co/wyDCWX6BNh— Narendra Modi (@narendramodi) January 23, 2025
AP/IJ/GP/JT
Netaji Subhas Chandra Bose's ideals and unwavering dedication to India's freedom continue to inspire us. Sharing my remarks on Parakram Diwas.
— Narendra Modi (@narendramodi) January 23, 2025
https://t.co/wyDCWX6BNh