Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નૈરૌબી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ભાષણ (11 જુલાઈ, 2016)

નૈરૌબી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ભાષણ  (11 જુલાઈ, 2016)


ડો. વિજૂ રત્તાન્સી, ચાન્સેલર ઓફ યુનિવર્સિટી ઓફ નૈરોબી,
પ્રોફેસર પીટર મ્બિથી, વાઇસ ચાન્સેલર ઓફ યુનિવર્સિટી ઓફ નૈરોબી,
યુનિવર્સિટી સેનેટના સભ્યો,
વિશિષ્ટ પ્રોફેસરો,
પ્રિય વિદ્યાર્થીઓ,

જમ્બો! હબારી ગન (હેલ્લો, કેમ છો)?

અહીં ઉત્સાહ અને જુસ્સો છે અને આ વાતાવરણમાં હોવાની મને ખુશી છે.

કેન્યાના શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી લોકો વચ્ચે હોવાની મને ખરેખર ખુશી છે.

તમે આ ભૂમિનું ગૌરવ છો અને આફ્રિકાનું ભવિષ્ય છો. તમારી આકાંક્ષા, મહત્ત્વાકાંક્ષા અને કામગીરી આ મહાન દેશની દિશા અને નિયતિ જ નક્કી નહીં કરે, પણ તમે તમારી મહેનત અને પ્રતિબદ્ધતાથી આ મહાન ખંડને ભવિષ્યમાં સમૃદ્ધિ તરફ દોરી જશો. તમારા માટે, કેન્યાની નવી ઉત્સાહી પેઢી માટે હું ભારતના 80 કરોડ યુવાનોનો મૈત્રીનો સંદેશ લાવ્યો છું.

આ યુવાનોમાં હું પણ સામેલ છું.

મિત્રો, જ્યારે રાષ્ટ્રના નિર્માણની વાત આવે, કે કેન્યા જેવા મિત્ર રાષ્ટ્રો સાથે સંબંધોનું સિંચન કરવાની વાત આવે, ત્યારે એક 20 વર્ષના યુવાન જેવા ઉત્સાહ અને જોશ મારા હૃદયમાં જાગે છે.

પ્રિય વિદ્યાર્થીઓ,

નૈરોબી યુનિવર્સિટી ભવ્ય અને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા છે. તે આફ્રિકા જ નહીં, વિશ્વમાં પ્રતિષ્ઠિત સંસ્થા ગણાય છે.

અને જ્યારે હું તમારા યુવાન, કશું કરવાનો તરવરાટ, ધગશ ધરાવતા ઇન્ટેલિજન્ટ ચહેરા જોઉં ત્યારે તેની પાછળ તમારી આર્થિક પ્રગતિ કરવાની મહત્ત્વાકાંક્ષાના દર્શન થાય છે. આ યુનિવર્સિટીમાં રાજકીય નેતાઓ, એન્જિનીયરો, વૈજ્ઞાનિકો, સામાજિક કાર્યકર્તાઓ અને કલાકારોની પેઢીઓ તૈયાર થઈ છે.

આ મહાન સંસ્થાએ તમારા દેશને પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા અપાવી છે. અને આજે પણ આ વિદ્યાના મંદિરમાં કેન્યાનું ભવિષ્ય, આગામી પેઢીઓ તૈયાર થઈ રહી છે. ભારત અને કેન્યા વિકાસશીલ દેશો છે. આ યુનિવર્સિટી આ બંને દેશોના સંયુક્ત ઇતિહાસ અને સમાન અનુભવોને બયાન પણ કરે છે, તેને દર્શાવે છે.

હજુ હમણા, આ ઓડિટોરિયમમાં પ્રવેશ કરતા અગાઉ, મેં મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. તેમની પ્રતિમા આ યુનિવર્સિટીમાં છે. તેનું અનાવરણ 60 વર્ષ અગાઉ થયું હતું. મહાત્મા ગાંધી અને આ શ્રેષ્ઠ યુનિવર્સિટી વચ્ચેનું જોડાણ આપણા બંને મહાન રાષ્ટ્રો વચ્ચે દાયકાઓ જૂના મજબૂત સંબંધોનું પ્રતીક છે.

તે એ મૂલ્યને પણ પ્રતિબિંબિત કરે છે કે આપણા બંને રાષ્ટ્રોના સમાજ આપણી રાષ્ટ્રીય વૃદ્ધિ માટે મજબૂત શૈક્ષણિક વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે.

પ્રાચીન ભારતના અમારા સાહિત્યમાં કહેવાયું છે કેઃ

व्याये क्राते इवा नित्यं, विद्या धनं सर्व धन प्रधानम.

એટલે જે આપવાથી વધે છે એવું ધન ફક્ત વિદ્યા છે. વિદ્યારૂપી ધન સર્વ સંપત્તિઓમાં શ્રેષ્ઠ છે.

હું તમને સ્વાહિલી ભાષાની એક આવી જ કહેવત પણ કહી રહ્યો છુઃ

“પેસા, કામા માતમિઝી યાકે, હુઇશા; કુજીફુન્ઝા, કામા માતમિઝી યાકે, હુઓંગઇઝિકા”,

એટલે કે જો નાણાંનો ઉપયોગ કરશો તો એ ખૂટી જશે, પણ વિદ્યાનો ઉપયોગ કરશો તો એ વધશે.

મિત્રો,

આફ્રિકા પ્રાચીન ખંડ છે અને કેન્યા તેમાં યુવા રાષ્ટ્ર છે. પણ યુવા રાષ્ટ્ર તરીકે પણ તમે કેટલીક બાબતોમાં નવો ચીલો ચાતર્યો છે.

પર્યાવરણના સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર કેન્યાના વાન્ગરી માથાઈ નોબેલ પીસ પ્રાઇઝ મેળવનાર પ્રથમ આફ્રિકન મહિલા હતા.

તેઓ આ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીની હતા.

કેન્યા મૂળના લ્યુપિટા ન્યોન્ગો ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ આફ્રિકન હતા.

અને આપણે બધા જાણીએ છીએ કે કેન્યાના દોડવીરો સમગ્ર વિશ્વમાં યોજાતી મેરેથોન દોડમાં બધાને હંફાવી રહ્યા છે. દુનિયાના કોઈ પણ દેશમાં યોજાતી મેરેથોનમાં કેન્યાના દોડવીરોનો ડંકો વાગે છે.

કેન્યાની આબોહવા બિગ ફાઇવ (આફ્રિકન સિંહ, આફ્રિકન હાથી, આફ્રિકન ભેંસ, આફ્રિકન ચિત્તો અને ગેંડા)નું પાલનપોષણ કરતી નથી. પણ તે ઉચિત ટેકનોલોજી અને નવીનતા સંચાલિત વૃદ્ધિ માટે યોગ્ય ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે.

કેન્યા પૂર્વ આફ્રિકામાં મહત્ત્વપૂર્ણ નાણાકીય અને પરિવહન કેન્દ્ર છે. એમ-પેસાના વિચારની શોધ વર્ષ 2007માં કેન્યામાં જ થઈ હતી.

અત્યારે સમગ્ર વિશ્વએ એમ-પેસાના વિચારને અપનાવ્યો છે. તેણે વૈશ્વિક સ્તરે મોબાઇલ મની સર્વિસના વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. અત્યારે આ ટેકનોલોજી દ્વારા નાણાકીય સેવાઓનો જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે. ફક્ત કેન્યામાં જ નહીં, આખી દુનિયામાં. એમ-પેસા મારફતે અત્યાર સુધી નાણાકીય સેવાઓની સુવિધાથી વંચિત લોકો પણ અર્થતંત્રના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ રહ્યાં છે અને તેમનું સશક્તિકરણ થઈ રહ્યું છે.

અમે ભારતમાં પણ તેનું વર્ઝન ધરાવીએ છીએ.

પ્રિય વિદ્યાર્થીઓ,

અત્યારે ભારત અને કેન્યા બંને વિકાસના માર્ગે અગ્રેસર લોકશાહી રાષ્ટ્રો છે. બંને વિકાસશીલ રાષ્ટ્રો પોતાની જનતા માટે શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છે છે. અને આપણા સંબંધો સદીઓ જૂના છે.

સદીઓથી વેપારવાણિજ્ય અને સાંસ્કૃતિક આદાનપ્રદાન, વેપાર અને પરંપરા, વિચારો અને આદર્શો, માન્યતાઓ અને મૂલ્યોરૂપી ગાંઠોથી બંને દેશના સમાજો એકબીજા સાથે સારી રીતે જોડાયેલા છે. અને હિંદ મહાસાગરના હૂંફાળા જળ બંને દેશની જનતા વચ્ચે સેતુ બની રહ્યા છે.

હું સમજું છું કે કેન્યામાં 43 જનજાતિઓ છે અને ભારતીય મૂળના લોકો 43મી જનજાતિ તરીકે ઓળખાય છે. તમારા સમાજના મજબૂત તાણાવાણાની જેમ ભારત પણ સદીઓથી વિવિધતામાં એકતાની ભવ્ય પરંપરા ધરાવે છે. હકીકતમાં લોકશાહી, સ્વતંત્રતા અને સમાનતાની સાથે વિવિધતામાં એકતા આધુનિક ભારતનું હાર્દ છે.

મિત્રો,

ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ કેન્યાટા અને મેં અહીં વસતા ભારતીયો સાથે યાદગાર આદાનપ્રદાન કર્યું હતું. ઘણા દાયકાઓ અગાઉ તેમણે કેન્યાને પોતાનું ઘર બનાવ્યું હતું. કેન્યા પ્રત્યે તેમનો લગાવ અને તેમની વફાદારી સો ટચ સોના જેવી છે. તેઓ આપણા સંબંધોને આગળ ધપાવવામાં સૌથી વધુ અસરકારક પરિબળોમાં સામેલ છે. અને આપણી જનતા વચ્ચેનો આ ગાઢ સંબંધ આપણી આધુનિક ભાગીદારી, મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે મજબૂત કરવાનો આધાર છે.

મિત્રો,

આપણે ભૂલવું ન જોઈએ કે, ભારત અને આફ્રિકામાં સંયુક્તપણે વિશ્વની 33 ટકા વસતિ વસે છે. આપણી અવગણના કરવા ઇચ્છતા, આપણને નીચું દેખાડવા ઇચ્છતા લોકો આપણા વિશે જે કહે છે તેનાથી વિપરીત મારે તમને કહેવું છે. આપણે આ એકબીજા પર નિર્ભર વિશ્વમાં કોઈ પણ રીતે લઘુમતીમાં નથી. આપણે કોઈ પણ રીતે તેમનાથી ઊતરતા નથી.

આપણે એવી ભાગીદારીનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ, જેઃ

• જૂના મોડલ્સ અને નિયમો પર આધારિત ન હોય;

• જે લોકો પર અને તેમને સશક્ત કરવા પર કેન્દ્રીત હોય;
• જેમાં આપણે એકબીજાની આર્થિક સમૃદ્ધિના મીઠાં ફળ ચાખી શકીએ;
• જે આપણને એકબીજાને 21મી સદીની તકો આપે;
• જે આપણા બંને દેશના સમાજને સલામતી અને સુરક્ષાના પડકારો ઝીલવા સક્ષમ બનાવે; અને
• સૌથી મહત્ત્વપૂર્ણ, જે આ પ્રદેશ અને સમગ્ર વિશ્વમાં વિકાસશીલ દેશોના વ્યાપક સામાન્ય હિતમાં કામ કરે.

અમે આફ્રિકાના તમામ દેશો સાથે 21મી સદીમાં ભાગીદારીનું સ્વપ્ન સેવ્યું છે અને કેન્યા સાથે અમારી ભાગીદારી તેનું અભિન્ન અંગ છે.

મિત્રો,

આફ્રિકાના વિકાસના માર્ગે અગ્રેસર અર્થતંત્રોમાં કેન્યા આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરતો દેશ છે. આ મજબૂત પરંપરાઓની ભૂમિ છે. તમારા દેશમાં પુષ્કળ તકો પણ છે. તો હિંદ સાગરની બીજી તરફ વર્ષે 7.6 ટકાના દરે વિકાસ કરતા ભારતમાં મહાન આર્થિક કાયાપલટ થઈ રહી છે.

આપણા પડકારોને ધ્યાનમાં લઈએ તો આપણા બંને રાષ્ટ્રો માટે આર્થિક વૃદ્ધિનો દર ઊંચો રાખ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આ પડકારો જ આપણને સંયુક્તપણે કામ કરવાની ઘણી તકો પ્રદાન કરે છે. આ તકો ફક્ત રાજકીય ક્ષેત્રમાં જ રહેલી નથી, પણ આર્થિક, સામાજિક અને વિકાસના અનેક ક્ષેત્રોમાં છે. અને તે પણ વિવિધ સ્તરો પર.

અત્યારે બંને દેશો વચ્ચે અગાઉ કરતા વધારે વેપારવાણિજ્યનો વિકાસ થઈ રહ્યો છે. કેન્યામાં ભારતીય કંપનીઓની નોંધપાત્ર હાજરી સાથે રોકાણમાં આપણી ભાગીદારી મજબૂત, વિવિધતાસભર અને વાઇબ્રન્ટ છે. તેના ફળસ્વરૂપે આપણા બંને દેશના સમાજમાં યુવાનો અને શિક્ષિતો માટે રોજગારીનું સર્જન થયું છે. આપણી વચ્ચે ચીજવસ્તુઓ અને મૂડીનો પ્રવાહ વહેતો થવાથી આપણે વિવિધ ક્ષેત્રોમાં સંયુક્તપણે ઉત્પાદન કરવાના માર્ગોનો વિચાર કરવો જોઈએ. આ વિચાર આપણે ફક્ત કેન્યા અને ભારત માટે જ નહીં, પણ આફ્રિકા અને અન્ય વિસ્તારોના હિતોને ધ્યાનમાં રાખીને કરવાનો છે.

આ વાત કરું છું ત્યારે મારા મનમાં સૌપ્રથમ વિચાર હેલ્થકેરનો આવે છે. આ ક્ષેત્રમાં ભારત કેન્યામાં સિસ્ટમ, સંસ્થાઓ અને ક્ષમતાઓના નિર્માણમાં મદદ કરી શકે છે. વળી વિશિષ્ટ તબીબી કુશળતાઓમાં આપણી ભાગીદારી કેન્યાના યુવાનોના ધ્યાનમાં રાખીને થઈ શકે છે, જે ખરેખર તમારા માટે મહત્ત્વપૂર્ણ અને હેતુલક્ષી બની શકે છે. ફાર્માસ્યુટિકલ્સમાં આપણા વેપારી સંબંધોમાં ઉત્પાદન ક્ષેત્રનું જોડાણ પૂરક બની શકે છે. તેઓ કેન્યામાં આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાતો પૂર્ણ કરવામાં પૂરક બની શકે છે. સાથે સાથે હેલ્થકેરની પ્રાદેશિક માગો પણ પૂર્ણ કરી શકે છે.

કેન્યાનું ભવિષ્ય તેના યુવાનોના હાથમાં છે. તે જ રીતે તમને એ જાણની આનંદ થશે, તમને એ જાણવામાં રસ હશે કે ભારતની દિશા અને તેની નિયતિનું સંચાલન ભારતના 80 કરોડ યુવાનોના હાથમાં છે. તેઓ ભારતને નવી દિશા આપી રહ્યા છે. અને તેમના માટે અમે વર્ષ 2022 સુધીમાં 50 કરોડ નવી રોજગારીનું સર્જન કરવા રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. ચોક્કસ, અમારા યુવાનોને કુશળ બનાવ્યા સિવાય અને શિક્ષણ આપ્યા સિવાય આ અભિયાનને સાકાર કરવું શક્ય નથી. પણ અમે મોટા પાયે ઝુંબેશ કરી છે, જે અગાઉ ક્યારેય જોવા મળી નથી.

‘સ્કિલ ઇન્ડિયા’ અને ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’નો ઉદ્દેશ ભારતમાં રોજગારીનું સર્જન અને વ્યક્તિગત ઉદ્યોગસાહસિકતાની દશા અને દિશા બદલી નાંખવાનો છે. અમને અમારા કેન્યાના મિત્રોના લાભ માટે અમારી ક્ષમતાઓ, અનુભવો અને શક્તિઓ વહેંચવાનો આનંદ થશે. આપણે સંસ્થા અને ક્ષમતાના નિર્માણમાં, ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રમાં ગાઢ સહકાર ધરાવીએ છીએ. પણ આપણી વચ્ચેનો સાથસહકાર પૂરતો નથી.

અત્યારે આપણે ટેલિકોમ, કૃષિ, ઊર્જા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભાગીદારી કરીને આપણા સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધારવાની જરૂર છે. આ એવા ક્ષેત્રો છે, જે આપણા અર્થતંત્રોને આધુનિક જ નહીં કરે, પણ આપણી કુશળ યુવા પેઢી માટે રોજગારીનું સર્જન કરશે. આપણા સંયુક્ત વિકાસલક્ષી પડકારો માનવ સંસાધનોની સમસ્યાનો સામનો નહીં કરે.

અને આપણે વાજબી ખર્ચ ધરાવતી ટેકનોલોજી સુલભ કરવાની ક્ષમતા પણ ધરાવીએ છીએ. એમ-પેસા દર્શાવે છે કે ટેકનોલોજી સાથે એક સ્વદેશી વિચાર કેવી રીતે, ઝડપથી અને અસરકારક રીતે આપણા સમાજના વંચિત તબક્કાઓના જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકી શકે છે.

આપણા અર્થતંત્રો વૃદ્ધિ પામી રહ્યા છે અને આપણી ભાગીદારી વધી રહી છે, ત્યારે પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેનું જતન કરવાની આપણી જવાબદારી આપણે ભૂલવી ન જોઈએ. હકીકતમાં આપણા સમાજમાં ધરતી માતાનું જતન કરવાની પરંપરા છે. બંને દેશના સમાજ પૃથ્વીનું સંરક્ષણ કરવાનું મૂલ્ય ધરાવે છે. નોબેલ પારિતોષિક વિજેતા વાન્ગારી માથાઈએ આ મૂલ્યને સુંદર રીતે આત્મસાત કર્યું હતું.

હું અહીં તેમના જ શબ્દોને ટાંકું છુઃ “આપણે આપણા પર્યાવરણનો નાશ કરે તેવા વિકાસને પ્રોત્સાહન આપવું જરૂરી નથી.”

આપણે કુદરત સાથે સંવાદિતા જાળવીને જીવન જીવવાની પરંપરા ધરાવીએ છીએ. આ પરંપરા જ આપણા માટે “ગ્રીન આફ્રિકા” માટે ભાગીદારીનું નિર્માણ કરવા આદર્શ પ્લેટફોર્મ બનશે. આ ભાગીદારી જ નવી આર્થિક તકોનું સર્જન પણ કરશે. હકીકતમાં પર્યાવરણનું સંરક્ષણ કરવાની ભાવનાએ જ ભારતને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ઊભું કરવાની પ્રેરણા આપી છે. આ ગઠબંધનનો ઉદ્દેશ સૂર્યને સૌર ઊર્જાને કાયમી પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત બનાવવાનો છે. આ ગઠબંધનમાં અત્યારે 120થી વધારે દેશો સામેલ છે. કેન્યા સાથે અમારી ભાગીદારીનું આ વિકસતું ક્ષેત્ર પણ છે.

તે જ રીતે ભારત યોગનો પ્રાચીન વારસો ધરાવે છે. યોગ સંપૂર્ણ અને સ્વસ્થ જીવન જીવવાનું વિજ્ઞાન છે, જે કુદરતને અનુરૂપ છે.

મને તમને જણાવતા ખુશી થાય છે કે નૈરોબી યુનિવર્સિટીના મેદાનમાં ચાલુ વર્ષે 19 જૂનના રોજ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા યોગના 7,000થી ઉત્સાહીઓ સામેલ થયા હતા.

મિત્રો,

આપણે આપણા આર્થિક લક્ષ્યાંકો પાર પાડવા સતત આગેકૂચ કરવી પડશે. તે જ આપણી પ્રાથમિકતા છે. પણ આપણે આપણા લોકોની સુરક્ષા અને સલામતીની અવગણના પણ ન કરી શકીએ. આપણી આર્થિક સમૃદ્ધિ અને સામાજિક વિકાસ તો જ ફળદાયક બનશે, જો આપણા સમાજ સુરક્ષિત હશે અને આપણા લોકો સલામત હશે.

રાષ્ટ્રપતિ યુહુરુએ ગયા વર્ષે ઓક્ટોબરમાં દિલ્હીમાં કહ્યું હતું કે, “આતંકવાદ એવો ભસ્માસુર છે, જેનો સંબંધ કોઈ સરહદ, કોઈ ધર્મ, કોઈ જાતિ અને કોઈ મૂલ્યો સાથે નથી.”

હકીકતમાં આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં નફરત અને હિંસા ફેલાવતા આતંકી તત્ત્વો આપણા સમાજના તાણાવાણા માટે જોખમરૂપ છે. કેન્યાના યુવાન, ઊર્જાવંત નાગરિકો અને આફ્રિકન સમાજના સભ્ય તરીકે તમારે આવી વિચારધારો ફેલાવતા તત્ત્વોથી સાવધ રહેવાની જરૂર છે. તમારે આતંકવાદને આશ્રય આપતા અને તેમનો રાજકીય હાથા તરીકે ઉપયોગ કરતા તત્ત્વોને વખોડવાની પણ જરૂર છે.

યુવાનો આવી વિનાશક વિચારધારાનો સામનો કરવા અને હકારાત્મક વાતાવરણ ઊભું કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વિદ્યાર્થીઓ,

ભારત અને કેન્યાએ દરિયાઈ વેપારી રાષ્ટ્રો અને ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનના સભ્યો તરીકે, આપણે દરિયાઈમાં પેદા થતા જોખમો સામે પણ સુરક્ષા તંત્ર ઊભું કરવાની જરૂર છે. આપણે આપણા દરિયાખેડુઓની સલામતી માટે અને ચાંચિયાગિરીના જોખમ સામે આપણા વેપારવાણિજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂર છે. આપણા તમામ માટે દરિયાઈ અવરજવરની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી પડશે.

કેન્યા આવતા અગાઉ મેં મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા અને તાન્ઝાનિયાની મુલાકાત પણ લીધી હતી. સદીઓથી આફ્રિકાના પૂર્વ કિનારાના દેશો સાથે ભારત મજબૂત દરિયાઈ સંબંધો ધરાવે છે. અત્યારે આ જ પૂર્વ કિનારો વ્યૂહાત્મક અને સંરક્ષણાત્મક પડકારોનો સામનો કરે છે. એટલે ભારત અને કેન્યા બંને વચ્ચે દરિયાઈ અને દરિયાકિનારાની સુરક્ષાના સંપૂર્ણ ક્ષેત્રમાં મજબૂત ભાગીદારી સ્થાપિત કરવાની જરૂર છે.

પ્રિય વિદ્યાર્થીઓ,

આપણે એકબીજાના પર નિર્ભર વિશ્વમાં રહીએ છીએ. વધતી તકો અને જટિલ પડકારોના આ યુગના તમે વારસદારો છે. તમે જ ભવિષ્ય છો. તમારે જ આ મહાન દેશનાં ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. સુરક્ષિત અને સમૃદ્ધ કેન્યા તથા મજબૂત આફ્રિકા તમારી નિયતિ છે. અને તેને કોઈ બદલી નહીં શકે. તમારે તમારી મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા યાદ રાખવુ પડશે કે રાષ્ટ્રનિર્માણ સતત ચાલતી, અનંત પ્રક્રિયા છે.

આ માટે તમારા કાર્યોને તમારા માટે અને અન્યો માટે પ્રેરણારૂપ બનવા દો. આ માટેઃ

• ઊંચું વિચારો, મહત્ત્વાકાંક્ષી બનો;
• મોટા સ્વપ્નો જુઓ અને સતત, આયોજનપૂર્વક કામ કરો.

તમારો સિદ્ધાંત “ઉનિતાત એટ લેબોર” એટલે કે ખૂબ મહેનત કરો અને એક થઈને કામ કરો, પછી તમારી મહેનતના ફળ તમને ચાખવા મળશે. તમે તમારી નિયતિ ઘડવા આગેકૂચ કરી રહ્યા છો, ત્યારે તમારી આ સફરમાં ભારત સ્વરૂપે ભરોસાપાત્ર અને વિશ્વસનિય ભાગીદાર મળશે.

એક એવો ભાગીદારઃ

• જે તમારી સફળતાથી ખુશ થશે;
• જે તમને સાથસહકાર આપવા હંમેશા તૈયાર હશે;
• જે તમને જરૂર હશે ત્યારે તમારી પડખે હશે.

તમારી સાથે વાત કરવાનો મને ગર્વ છે.

આ તક આપવા બદલ હું નૈરોબી યુનિવર્સિટી, તેના ફેકલ્ટી અને કેન્યાનું ભવિષ્ય, વિદ્યાર્થીઓનો આભારી છું.

અસાન્તે સાને, ધન્યાવાદ.

તમારો ખૂભ આભાર.

AP/TR/GP