Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ-એનએસીઆઇએનનાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ-એનએસીઆઇએનનાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


આંધ્ર પ્રદેશના રાજ્યપાલ શ્રી એસ. અબ્દુલ નઝીરજી, મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદાર નિર્મલા સીતારમણજી, પંકજ ચૌધરીજી, ભાગવત કિશનરાવ કરાડજી, અન્ય જનપ્રતિનિધિઓ, દેવીઓ અને સજ્જનો,

નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સનાં આ શાનદાર  કૅમ્પસ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જે શ્રી સત્ય સાંઈ જિલ્લો, જે વિસ્તારમાં આ કૅમ્પસ બનાવવામાં આવ્યું છે, તે પોતાનામાં વિશેષ છે. આ વિસ્તાર આધ્યાત્મ, રાષ્ટ્ર નિર્માણ અને સુશાસન સાથે સંકળાયેલા આપણા વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. તમે બધા જાણો છો કે પુટ્ટપર્થી એ શ્રી સત્ય સાઈ બાબાનું જન્મસ્થળ છે. આ મહાન સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી શ્રી કલ્લુર સુબ્બારાવની ભૂમિ છે. આ પ્રદેશે પ્રસિદ્ધ કઠપૂતળી કલાકાર દલવાઈ ચલાપતિ રાવને નવી ઓળખ આપી છે. આ ભૂમિ વિજયનગરના ગૌરવશાળી રાજવંશના સુશાસનની પ્રેરણા આપે છે. આવાં જ પ્રેરણાદાયી સ્થળે ‘નેસિન’નું આ નવું કૅમ્પસ બનાવવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે આ કૅમ્પસ સુશાસનના નવા આયામો સર્જશે અને દેશમાં વેપાર અને ઉદ્યોગને નવી ગતિ આપશે.

સાથીઓ,

આજે તિરુવલ્લુવર દિવસ પણ છે. સંત તિરુવલ્લુવરે કહ્યું હતું – ઉરુપોરુલુમ ઉલ્ગુ-પોરલુમ તન્‌-વોન્નાર, તિરુ-પોરુલુમ વેન્દન પોરુલ, એટલે કે મહેસૂલ તરીકે મેળવેલા રાજકીય કર અને શત્રુ પાસેથી જીતેલા ધન પર રાજાનો જ અધિકાર હોય છે. હવે લોકશાહીમાં રાજા તો હોય નહીં, રાજા તો પ્રજા હોય છે અને સરકાર પ્રજાની સેવા કરવાનું કામ કરે છે. તેથી, સરકારને પર્યાપ્ત આવક મળતી રહે તેમાં તમારી બહુ મોટી ભૂમિકા છે.

સાથીઓ,

અહીં આવતા પહેલા મને પવિત્ર લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. મને મંદિરમાં રંગનાથ રામાયણ સાંભળવાની તક મળી. મેં ત્યાં ભક્તો સાથે ભજન-કીર્તનમાં પણ ભાગ લીધો. એવી માન્યતા છે કે અહીં નજીકમાં ભગવાન શ્રી રામે જટાયુ સાથે સંવાદ કર્યો હતો. તમે જાણો છો કે અયોધ્યામાં શ્રી રામનાં ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે મારું 11 દિવસનું વ્રત-અનુષ્ઠાન ચાલી રહ્યું છે. આવા પૂણ્ય સમય દરમિયાન અહીં ઈશ્વરના સાક્ષાત્‌ આશીર્વાદ મેળવીને હું ધન્ય થઈ ગયો છું. આજકાલ તો આખો દેશ રામમય છે, રામજીની ભક્તિમાં તરબોળ છે. પરંતુ મિત્રો, ભગવાન શ્રી રામનો જીવન વિસ્તાર, તેમની પ્રેરણા, આસ્થા… ભક્તિના દાયરા કરતાં ઘણું વધારે છે. ભગવાન રામ સામાજિક જીવનમાં શાસન અને સુશાસનના એવા પ્રતીક છે, જે તમારી સંસ્થા માટે પણ બહુ મોટી પ્રેરણા બની શકે છે.

સાથીઓ,

મહાત્મા ગાંધી કહેતા હતા કે રામરાજ્યનો વિચાર જ સાચી લોકશાહીનો વિચાર છે. ગાંધીજીએ આવું કહેવા પાછળનું કારણ તેમનો વર્ષોનું અધ્યયન હતું,  તેમની ફિલસૂફી હતી. રામરાજ્ય એટલે કે એક એવી લોકશાહી જ્યાં દરેક નાગરિકનો અવાજ સાંભળવામાં આવતો અને તેને યોગ્ય સન્માન મળતું હતું. રામરાજ્યના રહેવાસીઓ માટે કહેવામાં આવ્યું છે, જેઓ રામરાજ્યના રહેવાસી હતા અને ત્યાંના નાગરિકો હતા, તેમના માટે કહેવામાં આવ્યું છે -રામરાજ્યવાસી ત્વમ્‌, પ્રોચ્છૃયસ્વ તે શિરમ્‌ । ન્યાયાર્થ યૂધ્ય્સ્વ, સર્વેષુ સમં ચર। પરિપાલય દુર્બલં, વિદ્‌ધિ ધર્મ વરમ્‌। પ્રોચ્છૃયસ્વ તે શિરમ્‌, રામરાજ્યવાસી ત્વમ્‌। એટલે કે રામરાજ્યના રહેવાસીઓ, તમારું મસ્તક ઊંચું રાખો, ન્યાય માટે લડો, સૌને સમાન ગણો, નબળાઓની રક્ષા કરો, ધર્મને સર્વોચ્ચ ગણો, પોતાનું મસ્તક ઊંચું રાખો, તમે રામરાજ્યના રહેવાસી છો. સુશાસનના આ જ 4 સ્તંભો પર રામરાજ્ય ઊભું હતું. જ્યાં દરેક વ્યક્તિ પોતાનું મસ્તક ઊંચું રાખીને, સન્માન સાથે અને ભય વિના ચાલી શકે. જ્યાં દરેક નાગરિક સાથે સમાન વ્યવહાર કરવામાં આવે. જ્યાં નિર્બળોનું રક્ષણ થાય અને જ્યાં ધર્મ એટલે કે કર્તવ્ય સર્વોપરી હોય. આજે, 21મી સદીના તમારાં આધુનિક સંસ્થાનના આ ચાર સૌથી મોટાં લક્ષ્યો આ જ તો છે. એક એડમિનિસ્ટ્રેટર તરીકે, નિયમો અને નિયમનો લાગુ કરતા એકમ તરીકે, તમારે આ વાતને હંમેશા યાદ રાખવાની છે.

સાથીઓ,

નેસિનની ભૂમિકા દેશને એક આધુનિક ઇકોસિસ્ટમ પ્રદાન કરવાની છે. એક એવી ઇકોસિસ્ટમ જે દેશમાં વેપાર-કારોબારને સરળ બનાવી શકે. જે ભારતને વૈશ્વિક વેપારમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનાવવા માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવી શકે. જે ટેક્સ, કસ્ટમ્સ, નાર્કોટિક્સ જેવા વિષયો દ્વારા દેશમાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપે અને જે ખોટી પ્રથાઓ સાથે કડક રીતે કામ લે. થોડા સમય પહેલા હું કેટલાક યુવા નવયુવાનો, યુવાન તાલીમાર્થી અધિકારીઓને પણ મળ્યો હતો. આ કર્મયોગીઓની અમૃત પેઢી છે જે અમૃત કાળનું નેતૃત્વ કરશે. સરકારે તમને બધાને ઘણી શક્તિઓ આપી છે. આ શક્તિનો ઉપયોગ તમારી વિવેકબુદ્ધિ પર આધારિત છે. અને આમાં પણ તમને પ્રભુ શ્રી રામનાં જીવનમાંથી પ્રેરણા મળશે. એક પ્રસંગમાં ભગવાન રામ લક્ષ્મણને કહે છે- નેયં મમ મહી સૌમ્ય દુર્લભા સાગરામ્બરાન હીચ્છેયમ ધર્મેણ શક્રત્વમપિ લક્ષ્મણ ॥ અર્થાત્‌ જો હું ઈચ્છું તો મહાસાગરથી ઘેરાયેલી આ ધરતી પણ મારા માટે દુર્લભ નથી. પણ અધર્મના માર્ગે ચાલતી વખતે મને જો ઈન્દ્રપદ પણ મળે તો હું તેનો સ્વીકાર નહીં કરું. આપણે તો ઘણીવાર જોઈએ છીએ કે નાની-નાની લાલચમાં જ ઘણી વાર લોકો પોતાની ફરજ અને શપથ ભૂલી જાય છે. તેથી, તમારે પણ તમારા કાર્યકાળમાં પ્રભુ રામે કહેલી આ વાત અવશ્ય યાદ રાખવી જોઈએ.

સાથીઓ,

તમે ટેક્સ સિસ્ટમ સાથે સીધા જ સંબંધિત છો. રામરાજ્યમાં કર કેવી રીતે વસૂલવામાં આવતો હતો તે વિશે ગોસ્વામી તુલસીદાસજીએ જે કહ્યું છે તે ખૂબ જ સુસંગત છે. ગોસ્વામીજી તુલસીદાસજી કહે છે- બરસત હરષત લોગ સબ, કરષત લખૈ ન કોઈ, તુલસી પ્રજા સુભાગ તે, ભૂપ ભાનુ સો હોઈ। અર્થાત્‌, સૂર્ય પૃથ્વી પરથી પાણી ખેંચે છે અને પછી તે જ પાણી વાદળો બનીને વરસાદનાં રૂપમાં ધરતી પર આવે છે, સમૃદ્ધિમાં વધારો કરે છે. આપણી ટેક્સ સિસ્ટમ પણ એવી જ હોવી જોઈએ. આપણો પ્રયાસ એ હોવો જોઈએ કે જનતા પાસેથી એકત્ર કરાયેલા કરની પાઈએ પાઈ લોકકલ્યાણ માટે ઉપયોગમાં લેવાય અને તે સમૃદ્ધિને પ્રોત્સાહિત કરે. જો તમે અધ્યયન કરશો, તો આ જ પ્રેરણાથી અમે છેલ્લાં 10 વર્ષમાં ટેક્સ સિસ્ટમમાં ઘણા મોટા સુધારા કર્યા છે. અગાઉ, દેશમાં જાત-જાતની કર પ્રણાલીઓ હતી, જેને સામાન્ય નાગરિક સરળતાથી સમજી શકતો ન હતો. પારદર્શિતાના અભાવે પ્રામાણિક કરદાતાઓ અને ધંધાદારી લોકોને હેરાન કરવામાં આવતા હતા. અમે જીએસટીનાં રૂપમાં દેશને આધુનિક વ્યવસ્થા આપી. સરકારે આવકવેરા પ્રણાલીને પણ સરળ બનાવી છે. અમે દેશમાં ફેસલેસ ટેક્સ એસેસમેન્ટ સિસ્ટમ શરૂ કરી. આ તમામ સુધારાઓને કારણે આજે દેશમાં રેકોર્ડ ટેક્સ કલેક્શન થઈ રહ્યું છે. અને જ્યારે સરકારની વેરાની વસૂલાત વધી છે ત્યારે સરકાર પ્રજાનાં નાણાં વિવિધ યોજનાઓ દ્વારા જનતાને પરત પણ કરી રહી છે. 2014માં માત્ર 2 લાખ રૂપિયા સુધી જ, 2 લાખની આવક પર જ ટેક્સમાં છૂટ હતી, અમે મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરી દીધી. અમારી સરકારે 2014 પછીથી જે ક છૂટ અને સુધારાઓ આપ્યા છે તેનાથી દેશવાસીઓને અંદાજે રૂ. 2.5 લાખ કરોડના કરની બચત થઈ છે. સરકારે નાગરિક કલ્યાણની મોટી યોજનાઓ બનાવી છે, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રેકોર્ડ રોકાણ કરી રહી છે. અને તમે જુઓ, આજે જ્યારે દેશનો કરદાતા એ જોઈ રહ્યો છે કે તેના પૈસાનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે તે પણ આગળ આવીને ટેક્સ ભરવા માટે તૈયાર થયો છે. તેથી, વીતેલાં વર્ષોમાં કરદાતાઓની સંખ્યા સતત વધી રહી છે. મતલબ કે અમે જનતા પાસેથી જે પણ લીધું તે અમે જનતાનાં ચરણોમાં જ સમર્પિત કરી દીધું. આ જ તો સુશાસન છે, આ જ તો રામરાજ્યનો સંદેશ છે.

સાથીઓ,

રામરાજ્યમાં સંસાધનોના મહત્તમ ઉપયોગ કેવી રીતે થાય એ વાત પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. ભૂતકાળમાં આપણે ત્યાં પ્રોજેક્ટ્સને અટકાવવાની, લટકાવવાની અને ભટકાવવાની એક પ્રવૃત્તિ રહી છે. જેનાં કારણે દેશને બહુ મોટું નુકસાન થાય છે. આવી પ્રવૃત્તિ સામે ચેતવણી આપતા, ભગવાન રામ ભરતને કહે છે અને તે ભરત અને રામ વચ્ચેનો ખૂબ જ રસપ્રદ વાર્તાલાપ છે. રામ ભરતને કહે છે- કચ્ચિદર્થં વિનિશ્ચિત્ય લઘુમૂલં મહોદયમ્‌। ક્ષિપ્રમારભસે કર્તું ન દીર્ઘયસિ રાઘવ અર્થાત્‌, મને વિશ્વાસ છે કે તમે સમય બગાડ્યા વિના એવાં કાર્યો પૂર્ણ કરો છો, જેનો ખર્ચ ઓછો અને લાભ વધુ હોય છે. છેલ્લાં 10 વર્ષમાં અમારી સરકારે પણ ખર્ચનું ધ્યાન રાખ્યું છે અને યોજનાઓને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો છે.

સાથીઓ,

ગોસ્વામી તુલસીદાસજી કહે છે- ‘માલી ભાનુ કિસાનુ સમ નીતિ નિપુન નરપાલ । પ્રજા ભાગ બસ હોહિંગે કબહું કબહું કલિકાલ્। મતલબ કે સરકારમાં માળી, સૂર્ય અને ખેડૂત જેવા ગુણો હોવા જોઈએ. માળી નબળા છોડને ટેકો આપે છે, તેનું પોષણ કરે છે, તેના હકનું પોષણને લૂંટનારાને દૂર કરે છે. એ જ રીતે સરકારે, વ્યવસ્થાએ ગરીબમાં ગરીબ લોકોનો આધાર બનવું જોઈએ, તેમને સશક્ત કરવા જોઈએ. સૂર્ય પણ અંધકારનો નાશ કરે છે, વાતાવરણને શુદ્ધ કરે છે અને વરસાદમાં મદદ કરે છે. છેલ્લાં 10 વર્ષમાં અમે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવા, આ સૌને વધુ ને વધુ સશક્ત કર્યા છે. અમારી યોજનાઓનાં કેન્દ્રમાં એ જ લોકો સર્વોપરી રહ્યા છે, જેઓ વંચિત હતા, શોષિત હતા, સમાજના અંતિમ પાયદાન પર ઊભા હતા. છેલ્લાં 10 વર્ષમાં અમે અંદાજે 10 કરોડ નકલી નામ કાગળોમાંથી બહાર કાઢી નાખ્યાં છે. આજે, દિલ્હીથી નીકળેલો એક એક પૈસો એ લાભાર્થીના બેંક ખાતામાં પહોંચે છે જે તેનો હકદાર છે. ભ્રષ્ટાચાર સામે લડાઈ અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી એ સરકારની પ્રાથમિકતા રહી છે. તમારે બધાએ આ પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને તમારું કામ કરવું જ જોઈએ.

સાથીઓ,

રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસ, આ ભાવના સાથે જે કામ થયું છે, તેનાં સુખદ પરિણામો આજે આપણને મળી રહ્યાં છે. ગઈકાલે બહાર પાડવામાં આવેલ નીતિ આયોગના નવીનતમ અહેવાલથી તમે વાકેફ હશો જ. જ્યારે કોઈ સરકાર ગરીબો પ્રત્યે સંવેદનશીલ હોય છે, જ્યારે કોઇ સરકાર ગરીબોની સમસ્યાઓ દૂર કરવાના શુદ્ધ ઈરાદા સાથે કામ કરે છે, ત્યારે તેનાં પરિણામ પણ આવે છે. નીતિ આયોગે કહ્યું છે કે અમારી સરકારનાં 9 વર્ષમાં દેશના લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જે દેશમાં દાયકાઓ સુધી ગરીબી હટાવવાના નારા અપાતા રહ્યા, એ દેશમાં માત્ર 9 વર્ષમાં લગભગ 25 કરોડ લોકોનું ગરીબીમાંથી બહાર આવવું એ ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે. 2014માં સત્તામાં આવ્યા બાદ અમારી સરકારે જે રીતે ગરીબોનાં કલ્યાણને પ્રાથમિકતા આપી છે તેનું આ પરિણામ છે. મારું હંમેશા માનવું છે કે આ દેશના ગરીબમાં એ સામર્થ્ય છે કે  જો તેને સાધન આપવામાં આવે, સંસાધનો આપવામાં આવે તો તે જાતે ગરીબીને પરાસ્ત કરી દેશે. આજે આપણે આવું જ થતું જોઈ રહ્યા છીએ. અમારી સરકારે ગરીબોનાં સ્વાસ્થ્ય પર ખર્ચ કર્યો, શિક્ષણ પાછળ ખર્ચ કર્યો, રોજગાર અને સ્વરોજગાર પાછળ ખર્ચ કર્યો, તેમની સુવિધાઓમાં વધારો કર્યો. અને જ્યારે ગરીબોની શક્તિ વધી અને તેને સુવિધાઓ મળી ત્યારે તેણે ગરીબીને હરાવી અને છાતી પહોળી કરીને ગરીબીમાંથી બહાર પણ નીકળવા લાગ્યો. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા દેશને આ વધુ એક શુભ સમાચાર મળ્યા છે. ભારતમાં ગરીબી ઘટાડી શકાય છે, આ વાત દરેકને એક નવા વિશ્વાસથી ભરી દેનારી છે અને દેશનો આત્મવિશ્વાસ વધારનારી છે. ભારતમાં ઓછી થતી આ ગરીબી, દેશમાં નિયો મિડલ ક્લાસનો અને મિડલ ક્લાસનો વ્યાપ પણ સતત વધારી રહી છે. અર્થતંત્રની દુનિયાના તમે લોકો જાણો છો કે નિયો મિડલ ક્લાસનો આ વધતો વ્યાપ આર્થિક પ્રવૃત્તિઓમાં કેટલો વધારો કરવા જઈ રહ્યો છે. ચોક્કસ આવી સ્થિતિમાં તમારે નેસિનને વધુ ગંભીરતાથી પોતાની જવાબદારી નિભાવવાની છે.

સાથીઓ,

તમને યાદ હશે કે લાલ કિલ્લા પરથી મેં સબકા પ્રયાસની વાત કરી હતી. સબકા પ્રયાસનું મહત્વ શું હોય છે એનો જવાબ પણ આપણને પ્રભુ શ્રી રામનાં જીવનમાંથી જ મળે છે. શ્રી રામ સમક્ષ વિદ્વાન, શક્તિશાળી અને સમૃદ્ધ લંકાધિપતિ રાવણ તરફથી વિરાટ પડકાર હતો. આ માટે તેમણે નાના-નાના સંસાધનો, તમામ પ્રકારના જીવોને એકત્ર કર્યા, તેમના સંયુક્ત પ્રયાસોને એક વિરાટ શક્તિમાં પરિવર્તિત કર્યા અને અંતે સફળતા રામજીને જ મળી. તેવી જ રીતે વિકસિત ભારતનાં નિર્માણમાં પણ દરેક અધિકારી, દરેક કર્મચારી, દરેક નાગરિકની મહત્વની ભૂમિકા છે. દેશમાં આવકનાં સાધનો વધે, દેશમાં રોકાણ વધે અને દેશમાં વેપાર કરવાનું સરળ બને એ માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. સબકા પ્રયાસ આ મંત્રને લઈને ચાલવાનું છે. નેસિનનું આ નવું કૅમ્પસ અમૃત કાલમાં સુશાસન માટે પ્રેરણા સ્થળી બને તેવી ઈચ્છા સાથે, ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આભાર!

CB/GP/JD