મહામહિમ પ્રધાનમંત્રી પ્રચંડજી, બંને પ્રતિનિધિમંડળના સભ્યો, મીડિયાના અમારા મિત્રો,
નમસ્કાર!
સૌ પ્રથમ, હું ભારતમાં પ્રધાનમંત્રી પ્રચંડજી અને તેમના પ્રતિનિધિમંડળનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મને યાદ છે કે 9 વર્ષ પહેલા, 2014 માં, કાર્યભાર સંભાળ્યાના ત્રણ મહિનામાં, મેં નેપાળની મારી પ્રથમ મુલાકાત લીધી હતી. તે સમયે, મેં ભારત-નેપાળ સંબંધો, એચઆઈટી- હાઈવે, આઈ-વે અને ટ્રાન્સ-વે માટે “HIT” ફોર્મ્યુલા આપી હતી. મેં કહ્યું હતું કે અમે ભારત અને નેપાળ વચ્ચે એવા સંબંધો સ્થાપિત કરીશું કે અમારી સરહદો અમારી વચ્ચે અવરોધ ન બને.
ટ્રકને બદલે પાઈપલાઈન દ્વારા તેલની નિકાસ થવી જોઈએ.
વહેંચાયેલી નદીઓ પર પુલ બાંધવા જોઈએ.
નેપાળથી ભારતમાં વીજળીની નિકાસ માટે સુવિધાઓ ઊભી કરવી જોઈએ.
મિત્રો,
આજે, 9 વર્ષ પછી, મને જણાવતા આનંદ થાય છે કે અમારી ભાગીદારી ખરેખર “હિટ” રહી છે. છેલ્લા 9 વર્ષમાં અમે વિવિધ ક્ષેત્રોમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. નેપાળનું પ્રથમ ICP બીરગંજમાં બનાવવામાં આવ્યું હતું. આપણા પ્રદેશની પ્રથમ ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ પાઇપલાઇન ભારત અને નેપાળ વચ્ચે બાંધવામાં આવી હતી. અમારી વચ્ચે પ્રથમ બ્રોડ-ગેજ રેલ લાઇન સ્થાપિત કરવામાં આવી છે. સરહદ પાર નવી ટ્રાન્સમિશન લાઈનો બનાવવામાં આવી છે. અમે હવે નેપાળથી 450 મેગાવોટથી વધુ વીજળી આયાત કરી રહ્યા છીએ. જો આપણે 9 વર્ષની સિદ્ધિઓનું વર્ણન કરવાનું શરૂ કરીએ તો આખો દિવસ લાગશે.
મિત્રો,
આજે પ્રધાનમંત્રી પ્રચંડજી અને મેં અમારી ભાગીદારીને ભવિષ્યમાં સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આજે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ પૂર્ણ થયું છે.
આમાં નેપાળના લોકો માટે નવા રેલ માર્ગોની સાથે ભારતના આંતરદેશીય જળમાર્ગોની સુવિધા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.
અમે નવી રેલ લિંક્સ સ્થાપિત કરીને ભૌતિક જોડાણ વધારવાનો નિર્ણય કર્યો.
આ સાથે નેપાળના રેલવે કર્મચારીઓને ભારતીય રેલવે સંસ્થાઓમાં તાલીમ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નેપાળના સુદૂર પશ્ચિમ વિસ્તાર સાથે જોડાણ વધારવા માટે, શિરશા અને ઝુલાઘાટ ખાતે વધુ બે પુલ બનાવવામાં આવશે.
અમે ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ દ્વારા નાણાકીય જોડાણમાં લીધેલા પગલાંને આવકારીએ છીએ. હજારો વિદ્યાર્થીઓ, લાખો પ્રવાસીઓ અને યાત્રાળુઓ તેમજ તબીબી સારવાર માટે ભારત આવનારા દર્દીઓને પણ આનો લાભ મળશે. ત્રણ “ICPs” ના નિર્માણથી આર્થિક જોડાણ મજબૂત થશે.
ગયા વર્ષે, અમે પાવર સેક્ટરમાં સહકાર માટે સીમાચિહ્નરૂપ વિઝન દસ્તાવેજ અપનાવ્યો હતો. આને આગળ વધારતા આજે ભારત અને નેપાળ વચ્ચે લાંબા ગાળાના પાવર ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ અમે આગામી દસ વર્ષમાં નેપાળમાંથી 10,000 મેગાવોટ વીજળી આયાત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
ફૂકોટ-કરનાલી અને લોઅર અરુણ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પરના કરારો દ્વારા પાવર સેક્ટરમાં સહકાર વધુ મજબૂત બન્યો છે. મોતીહારી-અમલેખગંજ પેટ્રોલિયમ પાઈપલાઈનની સકારાત્મક અસરને ધ્યાનમાં રાખીને આ પાઈપલાઈનને હિતવન સુધી લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વી નેપાળમાં સિલિગુડીથી ઝાપા સુધી બીજી નવી પાઈપલાઈન પણ બાંધવામાં આવશે.
આ સાથે જ ચિતવન અને ઝાપા ખાતે નવા સ્ટોરેજ ટર્મિનલ પણ સ્થાપવામાં આવશે. અમે નેપાળમાં ખાતર પ્લાન્ટ સ્થાપવા પરસ્પર સહયોગ પર પણ સંમત થયા છીએ.
મિત્રો,
ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો ઘણા જૂના અને ખૂબ જ મજબૂત છે. આ સુંદર કડીને વધુ મજબુત બનાવવા માટે, પ્રધાનમંત્રી પ્રચંડજી અને મેં નિર્ણય લીધો છે કે રામાયણ સર્કિટથી સંબંધિત પ્રોજેક્ટને ઝડપી બનાવવા જોઈએ.
અમે અમારા સંબંધોને હિમાલયની ઊંચાઈ આપવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
અને આ ભાવનામાં, અમે તમામ મુદ્દાઓ ઉકેલીશું, પછી ભલે તે સીમાનો હોય કે અન્ય કોઈ મુદ્દા.
આદરણિય
પ્રધાનમંત્રી પ્રચંડ જી, તમે આવતીકાલે ઈન્દોર અને ધાર્મિક શહેર ઉજ્જૈનની મુલાકાત લેશો. મને ખાતરી છે કે તમારી ઉજ્જૈનની મુલાકાત ઊર્જાથી ભરપૂર હશે, અને પશુપતિનાથથી મહાકાલેશ્વર સુધીની આ યાત્રામાં તમને આધ્યાત્મિક અનુભવ પણ થશે.
ખુબ ખુબ આભાર.
અસ્વિકરણ – આ વડાપ્રધાનની ટિપ્પણીનો અંદાજિત અનુવાદ છે. મૂળ ટિપ્પણીઓ હિન્દીમાં આપવામાં આવી હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com