Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેપાળના કાઠમંડૂમાં રાષ્ટ્રીય સભા ગૃહ ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

નેપાળના કાઠમંડૂમાં રાષ્ટ્રીય સભા ગૃહ ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

નેપાળના કાઠમંડૂમાં રાષ્ટ્રીય સભા ગૃહ ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ


શાકયજી તમે અને તમારા સાથીઓએ કાઠમંડૂની મહાનગર પાલિકાએ મારા માટે આ સ્વાગત સમારોહનું આયોજન કર્યું છે. હું તેના માટે હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. આ માત્ર મારું નહી પરંતુ સંપૂર્ણ ભારતનું સન્માન છે. માત્ર હું જ નહીં સવા સો કરોડ ભારતીયો પણ કૃતજ્ઞ છે. કાઠમંડૂથી અને નેપાળથી દરેક ભારતીયનો એક પોતાપણાનો સંબંધ છે અને આ સૌભાગ્ય મને પણ મળ્યું છે.

જયારે હું રાજનીતિમાં પણ નહોતો. હું જયારે પણ નેપાળ આવું છું તો મને શાંતિ અને આત્મીયતાની અનુભૂતિ થાય છે અને તેનું સૌથી મોટું કારણ આપ સૌનો પ્રેમ છે, તમારો સ્નેહ, તમારું હુંફાળું સ્વાગત, સત્કાર અને સન્માન.

ગઈકાલે હું જનકપુરમાં હતો, આજના યુગને એક ઘણો મોટો સંદેશ જનકપુર આપે છે. રાજા જનકની શું વિશેષતા હતી. તેમણે શસ્ત્રને તોડી નાખ્યા અને સ્નેહથી જોડી દીધા. આ એવી ધરતી છે કે જે શસ્ત્રને તોડીને સ્નેહ સાથે જોડે છે.

સાથીઓ જયારે પણ હું કાઠમંડૂ વિષે વિચારું છું તો જે ચિત્ર ઉપસી આવે છે. તે માત્ર એક શહેર નથી. કાઠમંડૂ અમારા પાડોશી અને અભિન્ન મિત્ર નેપાળની રાજધાની જ છે માત્ર એટલું જ નથી. ભગવાન બુદ્ધના જન્મસ્થળના દેશની રાજધાની જ નથી. એવરેસ્ટ પર્વતના દેશની, લિલી ગુરાજના દેશની માત્ર રાજધાની નથી. કાઠમંડૂ પોતાનામાં જ એક આખે આખી દુનિયા અને આ દુનિયાનો ઇતિહાસ તેટલો જ જુનો તેટલો જ ભવ્ય અને તેટલો જ વિશાળ છે જેટલો હિમાલય છે.

મને કાઠમંડૂએ, નેપાળે હંમેશાથી આકર્ષિત કર્યો છે. કારણ કે આ શહેર જેટલું ગહન છે તેટલું જ ગતિમાન પણ છે. હિમાલયના ખોળામાં વસેલું આ એક અણમોલ રત્ન છે. કાઠમંડૂ માત્ર કાષ્ઠ એટલે એ લાકડાનો મંડપ નથી. તે અમારી સહભાગી, સંસ્કૃતિ અને વિરાસતનો એક દિવ્ય મહેલ છે. આ શહેરની વિવિધતામાં નેપાળની મહાન વિરાસત અને તેના વિશાળ હૃદયની એક ઝાંખીનો અનુભવ થાય છે. નાગાર્જુનના જંગલો હોય કે શિવપુરીની પહાડીઓ, સેંકડો ઝરણાઓ અને જલધારાઓની શિથિલતા હોય કે પછી બાગમતીનો ઉદગમ, હજારો મંદિરો, મંજુશ્રીની ગુફાઓ અને બૌદ્ધ વિહારોનું આ શહેર દુનિયામાં પોતાનામાં જ અનોખું છે.

ઇમારતોની છત ઉપરથી એક બાજુ ધૌલાગિરી અને અન્નપૂર્ણા અને બીજી તરફ સાગરમાથા, કે દુનિયા જેને એવરેસ્ટના નામથી ઓળખે છે અને કાંચનજંઘા. આવા દર્શન ક્યાં સંભવ છે, જો સંભવ છે તો માત્ર અને માત્ર કાઠમંડૂમાં છે.

બસંતપુરની બાનગી, પાટણની પ્રતિષ્ઠા, ભરતપુરની ભવ્યતા, કીર્તિપુરની કલા અને લલિતપુરનું લાલિત્ય. કાઠમંડૂએ જાણે ઇન્દ્રધનુષના તમામ રંગોને પોતાની અંદર સમાવી લીધા છે. અહીંની હવામાં ઘણી બધી પરંપરાઓ એ રીતે ભળી ગઈ છે જાણે ચંદનમાં રોલી. પશુપતિનાથમાં પ્રાર્થના અને ભક્તોની ભીડ સ્વયંભુની સીડીઓ પર અધ્યાત્મની ચહલ કદમી, બૌદ્ધામાં પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓના પગ-પગ પર ઓમ મણી પદમેહમ ની ગુંજ, એવું લાગે છે કે જાણે તારાઓ ઉપર સરગમના તમામ સ્વરો ગળે મળી રહ્યા છે.

મને જણાવવામાં આવ્યું છે કે કેટલાક તહેવારો જેમ કે નેવારી સમુદાયના તહેવારો એવા પણ છે જેની અંદર બૌદ્ધ અને હિંદુ માન્યતાઓ અને પ્રથાઓનો અભૂતપૂર્વ સંગમ છે. પરંપરા અને સંસ્કૃતિએ કાઠમંડૂના હસ્તકલા અને કારીગરોને બેજોડ બનાવ્યા છે. પછી તે હાથ દ્વારા બનેલ કાગળ હોય કે પછી તારા અને બુદ્ધ જેવી મૂર્તિઓ, ભરતપુરની માટીમાંથી બનેલ વાસણ હોય કે પાટણમાં પથ્થર, લાકડી અને ધાતુનું કામ હોય. નેપાળની બેજોડ કલા અને કલાકારીનો આ મહાકુંભ છે કાઠમંડૂ અને મને ખુશી છે કે અહીંની યુવા પેઢી આ પરંપરાને ખુબ સારી રીતે નિભાવી રહી છે. અને તેમાં યુવાનુકૂલ પરિવર્તન કરીને કંઈક નવીનતા પણ ઉમેરી રહી છે.

સાથીઓ નેપાળની મારી અત્યાર સુધીની બે યાત્રાઓમાં મને પશુપતિનાથના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આ યાત્રામાં મને ભગવાન પશુપતિનાથ સિવાય પવિત્ર જનકપુર ધામ અને મુક્તિનાથ ત્રણેય પવિત્ર તીર્થ સ્થળો પર જવાનો સુઅવસર મળ્યો. આ ત્રણેય સ્થાનો માત્ર મહત્વપૂર્ણ તીર્થ સ્થાનો જ નથી. આ ભારત અને નેપાળના અડગ અને અતુટ સંબંધોનો હિમાલય છે. આગળ જયારે પણ નેપાળ યાત્રાનો અવસર બનશે તો હું સમય કાઢીને ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુંબિની જવાનો કાર્યક્રમ પણ જરૂરથી રાખીશ.

સાથીઓ, શાંતિ, પ્રકૃતિની સાથે સંતુલન અને આધ્યાત્મિક જીવનના મુલ્યોથી પરિપૂર્ણ આપણા બંને દેશોની મુલ્યવાન પ્રણાલી આ સમગ્ર માનવજાતની, સમગ્ર વિશ્વની એક અણમોલ ધરોહર છે. અને એટલા માટે તે કોઈ આશ્ચર્યની વાત નથી કે સમગ્ર દુનિયામાંથી લોકો શાંતિની ખોજમાં ભારત અને નેપાળ તરફ ખેંચાઇ આવે છે.

કોઈ બનારસ જાય છે તો કોઈ બોધ ગયા, કોઈ હિમાલયના ખોળામાં જઇને રહે છે તો કોઈ બુદ્ધના વિહારોમાં. સાધના એક જ છે ખોજ એક છે. આધુનિક જીવનની બેચેનીઓનું સમાધાન ભારત અને નેપાળનાં પારસ્પરિક મુલ્યોમાં જ મળશે.

સાથીઓ બાગમતીના કિનારે કાઠમંડૂમાં પશુપતિનાથ અને ગંગાના કિનારે કાશી વિશ્વનાથ. બુદ્ધનું જન્મસ્થળ લુંબિની, તપસ્થળ બોધગયા અને સંદેશ ક્ષેત્ર સારનાથ.

સાથીઓ આપણે સૌ હજારો વર્ષોની સહભાગી વિરાસતથી સમૃદ્ધ છીએ. આપણી આ સહભાગી વિરાસત બંને દેશોની યુવા પેઢીની સંપત્તિ છે તેમાં તેમના ભૂતકાળના મૂળ, વર્તમાનના બીજ અને ભવિષ્યના અંકુર પડેલા છે.

સાથીઓ સમગ્ર વિશ્વમાં આજે અનેક પ્રકારના પરિવર્તનોનો સમય ચાલી રહ્યો છે. વૈશ્વિક વાતાવરણ અનેક અસ્થીરતાઓ અને અનિશ્ચિતતાઓથી ભરેલું છે.

સાથીઓ હજારો વર્ષથી વસુધૈવ કુટુમ્બકમ્ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. તે ભારતનું દર્શન રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ આપણે આપણા વિદેશ સહયોગ પર પણ તેટલી જ પવિત્રતા સાથે આગળ વધી રહ્યા છીએ. ભારતીય શાસ્ત્રોમાં પ્રાર્થના છે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ્ભવેત. એટલે કે સૌ પ્રસન્ન થાઓ, સૌ સ્વસ્થ થાઓ, સૌનું કલ્યાણ થાઓ, કોઈને દુઃખ ન મળે. ભારતના મુનીઓએ હંમેશાથી આ જ સપનું જોયું છે. આ આદર્શને પ્રાપ્ત કરવા માટે આપણી વિદેશ નીતિ સૌને સાથે લઈને ચાલવા પર આધારિત છે. ખાસ કરીને પડોશમાં ભારતના અનુભવ અને ભારતના અવસરોને વહેંચીએ છીએ. પહેલો સગો પાડોશી, અમારી સંસ્કૃતિમાં માત્ર વિદેશ નીતિ જ નથી, જીવનશૈલી પણ છે. ઘણા બધા ઉદાહરણો છે સ્વયં વિકાસશીલ બનીને પણ ભારત 50 વર્ષથી પણ વધુ સમયથી ઇન્ડિયન ટેકનીકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન કાર્યક્રમ અંતર્ગત 160થી વધુ દેશોમાં ક્ષમતા નિર્માણ માટે સહયોગ અને એ દેશોની જરૂરિયાત અનુસાર સહયોગ અમે કરતા આવ્યા છીએ.

ગયા વર્ષે ભારતે એક દક્ષિણ એશિયા ઉપગ્રહ છોડ્યો હતો તેનાથી અમારી અંતરિક્ષ ક્ષમતાઓના સારા પરિણામો અમારા પાડોશી દેશોને ઉપહાર સ્વરૂપે ઉપલબ્ધ થઇ રહ્યા છે અને આ જ સભા મંચમાં જયારે સાર્ક સમિટ માટે હું આવ્યો હતો તો મેં આ જ મંચ પરથી આ વાતની જાહેરાત કરી હતી. સાથે જ અમે એ વાત ઉપર પણ ધ્યાન આપી રહ્યા છીએ કે વિશ્વની સામે જે મોટા પડકારો છે. જેનાથી કોઈપણ દેશ એકલો લડી શકે તેમ નથી. તેનો સામનો કરવા માટે આપણે કઈ રીતે આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓનો વિકાસ કરીએ. ઉદાહરણના તરીકે 2016માં ભારત અને ફ્રાંસે મળીને જળવાયુ પરિવર્તનના સંદર્ભમાં એક નવા આંતરરાષ્ટ્રીય ટ્રીટી આધારિત સંસ્થાનની કલ્પના કરી હતી. આ ક્રાંતિકારી પગલું હવે એક સફળ પ્રયોગમાં બદલાઈ ગયું છે.

આ વર્ષે માર્ચમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ શ્રીમાન મેક્રો અને આશરે 50 અન્ય દેશોના નેતાઓએ દિલ્હીમાં આ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના પહેલા શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આવા પ્રયાસો વડે જળવાયુ પરિવર્તન જેવા પડકારોનો સામનો કરવા માટે તકનીકિ અને આર્થિક ભાગીદારીઓ વિકસિત કરવામાં નાના વિકાસશીલ દેશોની જરૂરિયાતોને પૂરી કરવામાં મને વિશ્વાસ છે ઘણી મદદ મળશે.

સાથીઓ જયારે ભારતીય નેપાળ તરફ જુએ છે તો અમને નેપાળને જોઇને, અહીના માહોલને જોઇને ઘણી ખુશી થાય છે. નેપાળમાં વાતાવરણ છે આશાનું, ઉજ્જવળ ભવિષ્યની કામનાનું, લોકતંત્રની મજબુતીનું અને સમૃદ્ધ નેપાળ, સુખી નેપાળના વિઝનનું અને આવા વાતાવરણને યથાવત રાખવામાં આપ સૌનું ખૂબ મોટું યોગદાન છે.

2015ના ભૂકંપની ભયાનક આપત્તિ પછી નેપાળ અને ખાસ કરીને કાઠમંડૂના લોકોએ જે ધૈર્ય અને અદમ્ય સાહસનો પરિચય આપ્યો છે તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છે. તે તમારા સમાજની દ્રઢ નિષ્ઠા અને કર્મઠતાનું પ્રમાણ છે કે આટલા ઓછા સમયમાં આપત્તિ સામે લડીને પણ નેપાળમાં એક નવી વ્યવસ્થાનું નિર્માણ થયું છે. ભૂકંપ બાદ માત્ર ઇમારતોનું જ નહીં, દેશ અને સમાજનું પણ એક રીતે પુનઃનિર્માણ થયું છે. આજે નેપાળમાં સમવાયી, પ્રાદેશિક અને સ્થાનિક એમ ત્રણેય સ્તર પર લોકતાંત્રિક સરકારો આવેલી છે અને ત્રણેય સ્તરોની ચૂંટણી એક વર્ષની અંદર અંદર સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી છે. આ શક્તિ આપ સૌની અંદર અંતર્નિહિત છે અને એટલા માટે હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ નેપાળે યુદ્ધથી બુદ્ધ સુધીની ઘણું લાંબુ અંતર કાપ્યું છે. બુલેટની બોલબાલા હતી. બુલેટને છોડીને બેલેટનો રસ્તો અપનાવ્યો છે. યુદ્ધથી બુદ્ધની આ યાત્રા છે. પરંતુ મંજિલ હજુ ઘણી દુર છે, ઘણું આગળ સુધી જવાનું છે. એક રીતે કહું તો હવે આપણે માઉન્ટ એવરેસ્ટની તળેટી સુધી પહોંચી ગયા છીએ. પરંતુ શિખરનું ચડાણ હજુ આપણે પાર કરવાનું છે અને જે રીતે પર્વતારોહીઓને નેપાળના શેરપાઓનો મજબુત સાથ અને સમર્થન મળે છે તે જ રીતે નેપાળની આ વિકાસયાત્રામાં ભારત તમારા માટે શેરપાનું કામ કરવા તૈયાર છે.

ગયા મહીને પ્રધાનમંત્રી શ્રીમાન ઓલીજીની ભારત યાત્રામાં અને ગઈકાલ અને આજની મારી નેપાળ યાત્રામાં મારો એ જ સંદેશ છે કે મારી આ જ ભાવના મેં જુદા-જુદા શબ્દોમાં વ્યક્ત કરી છે. નેપાળ પોતાની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ અનુસાર આગળ વધે. આ ખૂબ જ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું. નેપાળ પોતાની અને પ્રાથમિકતાઓ અને જરૂરિયાતો અનુસાર આગળ વધે. તમારી સફળતા માટે ભારત હંમેશા નેપાળ સાથે ખભે ખભો મિલાવીને ચાલશે. તમારી સફળતામાં જ ભારતની સફળતા છે. નેપાળની ખુશીમાં જ ભારતની ખુશી છે.

પછી તે કામ રેલવે લાઈનનું હોય કે માર્ગ નિર્માણનું હોય, હાયડ્રો પાવરનું હોય કે પછી ટ્રાન્સમીશન લાઈનનું હોય, ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું હોય કે પછી ઓઇલ પાઈપલાઈનનું હોય કે પછી ભારત અને નેપાળના સાંસ્કૃતિક અને લોકોની વચ્ચે લોકો સાથેના મજબુત સંબંધોને વધુ તાકાત આપવાનું કામ હોય. તમારી દરેક જરૂરિયાતોમાં અમે સાથે ચાલી રહ્યા છીએ અને આગળ પણ ચાલતા રહીશું. અમે કાઠમંડૂને ભારત સાથે રેલવે દ્વારા જોડવાની પરિયોજનાના ડીપીઆરનું કામ કરવાનું શરૂ કરી દીધું છે અને હવે તો કદાચ અહિંયાં નેપાળમાં એની કેટલી ચર્ચા છે તે મને ખબર નથી. હાલ તાજેતરના સમયમાં ભારતમાં આઇપીએલની ક્રિકેટ મેચો ચાલી રહી છે અને નેપાળ પણ હવે આઇપીએલમાં જોડાઈ ગયું છે.

આ યાત્રામાં તાજેતરની ઘણી બધી પહેલોથી તમે વાકેફ છો. મને જણાવવામાં આવ્યું છે કે સૌપ્રથમ વખત નેપાળનો એક નવયુવાન ખેલાડી સંદીપ લમીછાને આઈપીએલમાં ભાગ લઇ રહ્યો છે. હું આશા રાખું છું કે આવનારા સમયમાં ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય રમતોના માધ્યમથી પણ આપણા લોકોના લોકો સાથેના સંબંધો મજબુત થતા રહેશે.

સાથીઓ આ જ શબ્દો સાથે હું ફરી એકવાર કાઠમંડૂ મેયર શ્રીમાન શાકયજીનો, કાઠમંડૂ વહીવટીતંત્રનો, નેપાળની સરકારનો, આદરણીય મુખ્યમંત્રીજીનો, વિદેશ મંત્રીજીનો અને આપ સૌનો હૃદય પૂર્વક આભાર પ્રગટ કરું છું અને હૃદયનો એ જ ભાવ છે જે તમારા દિલોમાં છે તે જ મારા દિલમાં છે જે દરેક નેપાળીના દિલમાં છે તે જ દરેક હિન્દુસ્તાનીના દિલમાં છે અને તે એ જ છે કે…..

નેપાળ ભારત મૈત્રી અમર રહોસ….

નેપાળ ભારત મૈત્રી અમર રહોસ….

નેપાળ ભારત મૈત્રી અમર રહોસ….

ખૂબ-ખૂબ આભાર.

RP