તમે લોકો ગઈકાલથી તમારો બહુમુલ્ય સમય, દેશમાં શું થાય, કઈ રીતે થાય, શા માટે થાય, તેની ઉપર મંથન કરી રહ્યા હતા. પોત પોતાના ક્ષેત્રના અનુભવોના આધાર પર તમે દેશને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા હતા. જુદા જુદા પાસાઓને જોઈ રહ્યા છો.
તમે જોયું હશે કે અહીંયા એક રીતે સરકારની જે નિર્ણયકર્તા ટુકડી હોય છે, જે નીતિ નિર્ધારક લોકો હોય છે, તે બધા જ અહીંયા બેઠેલા છે. અને તમારી પ્રત્યેક વાતને ઝીણવટતાપૂર્વક મેં સાંભળવાનો, સમજવાનો પ્રયાસ કર્યો છે. અને મને વિશ્વાસ છે કે આ પ્રયાસ રંગ લાવશે. સરકારમાં જે વિચારવાની રીત હોય છે. સરકારમાં રહીને કોઈ એક બાબતની એક બાજુ દેખાય છે બીજી બાજુ તો ક્યારેક રહી જાય છે. આ વાર્તાલાપને કારણે આ વાતચીતના કારણે એક રીતે 360 ડીગ્રીનો દ્રષ્ટિકોણ પ્રત્યેક વિષયના સંબંધમાં, પ્રત્યેક સમસ્યાના સંબંધમાં, અથવા પ્રત્યેક સલાહના સંબંધમાં ઉપસીને બહાર આવે છે. અને એટલા માટે જ જયારે નીતિઓ બને છે, ત્યારે કાં તો તેને અમલ કરવા માટે તેની માર્ગદર્શિકા બનતી હોય છે, ત્યારે આ વસ્તુઓ ઘણી કામમાં આવે છે. એવું તો ના બની શકે ને કે પ્રધાનમંત્રીના મનમાં જેટલા પણ વિચારો આવ્યા તે દરેકે દરેક વિચાર સરકારમાં લાગુ થઇ જાય. નહિતર તો દેશ ચાલી જ ના શકે. પ્રધાનમંત્રીને પણ પોતાના વિચારોને છોડવા પડે છે. તમને પણ એ વાત સારી રીતે ખબર છે કે તમે જેટલું બનાવ્યું છે બની શકે કે તેમાંથી કેટલીક વસ્તુઓ કામમાં આવી જાય, કેટલીક કામમાં ના આવે. પરંતુ જેટલી પણ કામમાં આવશે તેનાથી ચોક્કસપણે પહેલાની સ્થિતિઓમાં, પહેલાની નીતિઓમાં, પહેલાના દ્રષ્ટિકોણમાં ઘણો મોટો બદલાવ આવશે. બાબતોને રજૂ કરવાની તમારી પોતાની અલગ એક રીત હોય છે. અલગ રીતે તમારો વિકાસ થયેલો હોય છે. તમે જે જવાબદારીને લઈને કામ કરી રહ્યા છો, તેમાં પરિણામ કેન્દ્રીત, ઉત્પાદન આધારિત તમારી બધી જ પ્રવૃત્તિઓ રહેતી હોય છે. સરકારની વત્તે ઓછે અંશે કલ્યાણ રાજની કલ્પનાથી કામ થતું હોય છે. જનહિત સર્વોપરી હોય છે. જનસુખનું કાર્ય સર્વોપરી હોય છે. તમારી વિચારધારાની મર્યાદામાં હોય છે કે મારી કંપનીએ શું ધ્યેય નક્કી કર્યો હતો અને શું પ્રાપ્ત કર્યું. મારી કંપની કેટલી આગળ વધી. અને કેટલી પાછળ રહી ગઈ તેનાથી તમને કઈ લેવા દેવા નથી હોતી, તમને તમારી કંપની કેટલી આગળ વધી તેની ચિંતા હોય છે. અને ખૂબ સ્વાભાવિક છે. પરંતુ જે સરકારમાં છે તેમના માટે સરકાર ક્યાં ઊભી રહી તેના કરતા વધારે દેશ ક્યાં પહોંચ્યો તેની જવાબદારી રહેતી હોય છે. દેશના છેલ્લા તબક્કાની વ્યક્તિ ક્યાં પહોંચી તે તેની જવાબદારી બને છે.
આપણે સારી રીતે સમજીએ છીએ કે દરેકના મનમાં વિચાર હોય છે કે યાર સરકારને આટલી સમજણ નથી પડતી આપણે રોજ જોઈએ છીએ આવું થાય છે પરંતુ આ બસ આવા જ લોકો છે કઈ કામ જ નથી કરતા. આ દરેક દેશવાસીના મનમાં હોય છે. પરંતુ જો તમે તેને સાથે લઈને ચાલો તેને પણ સમસ્યા સાથે જોડો. તમે જોયું હશે કે તેની સલાહ આપવાની રીત પણ બદલાઈ જાય છે. જો તમે સરકારની સાથે એક ગ્રાહકના રૂપમાં બેઠા હોત તો તમારી વાત કરવાની રીત ભાત અલગ હોત. પરંતુ જયારે તમે સરકારમાં ભાગીદારના રૂપમાં બેઠા છો તો તમને લાગે છે કે ના યાર આપણે એવી વાતો કહીએ જે કરી શકીએ છીએ. આ સમગ્ર પ્રક્રિયાનો મારો એટલો જ ઉદ્દેશ્ય છે કે આ દેશના પ્રત્યેક નાગરિકને લાગવું જોઈએ કે આ મારો દેશ છે. આ દેશને મારે આગળ વધારવાનો છે. સમસ્યાઓ છે. મુશ્કેલીઓ છે. ઈશ્વરે જેટલી બુદ્ધિ આપણને આપી છે તેટલી કદાચ સરકારમાં બેઠેલા લોકોને નથી આપી. પરંતુ તેમ છતાં હું જ્યાં પણ છું ત્યાંથી મારે તેમાં કંઈક જોડવાનું છે.
આપણા દેશમાં તમે લોકો જુઓ આઝાદીનું આંદોલન, આમ તો આપણે સેંકડો વર્ષની ગુલામી જોઈ, આ સેંકડો વર્ષોમાં એક વર્ષ એવું નહીં ગયું હોય કે ભારતના કોઈ ને કોઈ ખૂણામાંથી આઝાદી માટે અવાજ ના ઉઠ્યો હોય. જે પણ મુશ્કેલી આપનારાઓ હશે તેમની વિરુદ્ધ માથું ઊંચું કરવાનો પ્રયાસ પ્રત્યેક કાલખંડમાં થયો છે. જો કોઈ હજાર વર્ષની ગુલામી માને તો હજાર વર્ષમાં હજારો વખત તે આખા હજાર વર્ષની અંદર થયું છે. પરંતુ આઝાદી માટે મરી ફીટનારાઓની ઉણપ ક્યારેય નહોતી. આજે એકને ફાંસી મળે તો કાલે બીજો મેદાનમાં આવી જતો હતો. બીજાને ફાંસી મળે તો પરમ દિવસે ત્રીજો આવી જતો હતો. એક શ્રેણી ચાલી રહી હતી દેશને આઝાદી અપાવવા માટે. અને આઝાદીના વાતાવરણને બનાવવા માટેનો એક નિરંતર પ્રયાસ ચાલી રહ્યો હતો. અને દરેકને લાગતું હતું કે હું મારું બલિદાન આપીને દેશની સેવા કરી રહ્યો છું. મહાત્મા ગાંધીએ શું બદલી નાખ્યું અને હું સમજુ છું કે જો આપણે આ વાતને સમજી લઈએ તો 2017 થી 2022 સુધીમાં આપણે ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે શા માટે જવાનું છે કોના ભરોસે જવાનું છે કોના માટે જવાનું છે તે બધા જ પ્રશ્નોના જવાબ પોતાની જાતે જ મળી જશે. અને એટલા માટે જ ગાંધીએ શું કર્યું. વ્યક્તિગત રૂપે દેશની માટે મરી ફીટનારાઓની કોઈ ઉણપ નહોતી, લોકોને ફાંસીના માંચડે ચડાવાતા હતા. આંદામાન નિકોબારની જેલોમાં પોતાની યુવાની હોમી રહ્યા હતા. પરંતુ ગાંધીએ પ્રત્યેક વ્યક્તિને આઝાદીમાં ભાગીદાર બનાવ્યા. દરેક નાગરિકને. એક એવો માહોલ બનાવ્યો કે શિક્ષક છો, ભણાવી રહ્યા છો મનમાં ભાવ રાખો કે હું આઝાદી માટે દેશના આ બાળકોને ભણાવી રહ્યો છું. તમે સફાઈનું કામ પહેલા પણ કરતા હતા આજે પણ કરો છો. પરંતુ તમે સફાઈનું કામ કરી રહ્યા છો દેશની આઝાદી માટે, તમે ખેડૂત છો, ખેતર ખેડો છો. ખેતરમાં કામ કરો છો, પહેલા પણ કરતા હતા. અત્યારે પણ કરો છો પરંતુ મનમાં ભાવ ભરો કે હું દેશના માટે ખેતી કરી રહ્યો છું.
સમગ્ર હિન્દુસ્તાનમાં દરેકના મનમાં આ ભાવ પેદા કર્યો ગાંધીજીએ કે તે જે પણ કામ કરી રહ્યો છે તે દેશના માટે કરી રહ્યો છે..દેશની આઝાદી માટે કરી રહ્યો છે. અને અંગ્રેજો માટે એ વાતને સમજવી ખૂબ અઘરી હતી. કોઈ રસ્તા ઉપર નીકળીને સામે ઊભું રહી જાય તો ગોળી ચલાવી દેવી અંગ્રેજો માટે સહેલી હતી. કોઈ સામે ઊભું રહી જાય તો તેને પકડીને જેલમાં નાખી દેવું સહેલું હતું. પરંતુ તે પોતાના ઘરમાં જ કામ કરી રહ્યો છે પરંતુ તે કહી રહ્યો છે કે હું તો આઝાદી માટે કરી રહ્યો છું. તેનું શું કરવાનું. ગાંધીએ આઝાદીને લોક ચળવળમાં પરિવર્તિત કરી દીધી. અને લોક ચળવળમાં પરિવર્તિત કરી તો તમે જોયું કે આટલું મોટું પરિણામ આવ્યું. આજે આપણા દેશમાં આગળ વધવા માટે દરેક સરકારે પ્રયત્ન કર્યો છે. જેની જ્યાં જવાબદારી રહેલી હશે તેણે ત્યાં પ્રયાસ કર્યો જ છે. પરંતુ આઝાદી પછી વિકાસ…તે લોક ચળવળ ના બની શકી. આપણે દેશને ત્યાં લઇ જવાનો છે. આપણે તે કરીને રહીશું. જો મારા દેશમાં આટલા ડોક્ટર્સ છે, જો ડોક્ટર્સ ના મનમાં જુસ્સો છે કે હવે પોષણની સમસ્યાના સમાધાન માટે અમે મહેનત કરીશું. બાળ આરોગ્ય સંભાળ માટે અમારું આ યોગદાન રહેશે. નવી પેઢીને અમે આવી રીતે લઇ જઈશું. માતા મૃત્યુદર..શિશુ મૃત્યુદર..તેને આપણે વૈશ્વિક માનાંકની બરાબર લાવીને રહીશું. જો એવો ભાવ ઉત્પન્ન થઇ જાય તો કોણ કહે છે કે દેશમાં બદલાવ નથી આવી શકતો. કોણ કહે છે કે સરકારોની જરૂર છે. સરકાર માત્ર એક સંચાલક બળના રૂપમાં કામ કરતી રહે. દેશ પોતાની જાતે જ ચાલતો રહેશે. અને એટલા માટે આજે આપણે 2017માં છીએ જયારે હિન્દ છોડો આંદોલનના 75 વર્ષ પુરા થયા છે અને આઝાદીના 70 વર્ષ થયા છે. 2022માં આઝાદીના જયારે 75 વર્ષ પુરા થશે.
દેશને અહીંથી અહીંયા લઇ જઈશું. એવો મારે માહોલ બનાવવો છે. આ મંથનથી મારે તમારા લોકોની ખૂબ જરૂર છે કે તમે જ્યાં પણ છો ત્યાં, જે લોકોની વચ્ચે છો. તમે પણ એક આધુનિક ભારતના સૈનિક બની શકો છો. એક સમૃદ્ધ ભારતના સૈનિક બની શકો છો. એક વિશ્વની અંદર પોતાનું નામ ઊંચું કરી શકે સામર્થ્યવાન બને તેવા ભારતના સૈનિક બની શકો છો. પરંતુ આ રીતે સાથે મળીને બેસીને આપણે એક એક વસ્તુઓને હાથ લગાવીશું તો આપણને રસ્તાઓ મળતા રહેશે.
આપણને લાગશે કે હા હું તે કરી શકું છું. આ સમસ્યાનું સમાધાન. હું અહીંયા જોઈ રહ્યો હતો કે ખેડૂતની આવક બમણી કેવી રીતે થાય અનેક વિષયો ઉપર તમે ચર્ચા કરી અને ઘણા સારા સારા પ્રેઝન્ટેશન પણ તમે લોકોએ આપ્યા, ખૂબ સુંદર રીતે તમે રજૂઆત કરી. પ્રેઝન્ટેશનની ગુણવત્તા તો સારી હતી જ હતી.
પરંતુ હું એટલા માટે નથી કહી રહ્યો, પરંતુ હું એટલા માટે કહી રહ્યો છું કે મારે આ ટીમને..મારી માટે તમે મારી ટીમ છો. મારા દેશને આગળ લઇ જવા માટે મારે તમારો સાથ જોઈએ છીએ. હું અને તમે ખભે ખભો મિલાવીને કામ કરીએ અને આ ત્યારે જ થશે જયારે આપણી બેઠકો થશે. તમારા વિચારો મારી યોજનાનો ભાગ બને, મારા વિચારો તમારા પુરુષાર્થનો એક આધાર બની જાય તો તમે જોજો કેટલો મોટો બદલાવ આવી શકે છે.
હવે જુઓ કૃષિ ક્ષેત્રમાં એક નાનકડો વિષય છે. આપણે અર્થજગતના લોકો છીએ. આયાત નિકાસની ભારે ચર્ચાઓ કરીએ છીએ. મને જણાવો કે જે દેશ કૃષિ પ્રધાન હોય, જે દેશની આત્મા ગામડું હોય જે દેશની સમગ્ર ચર્ચા ગાંધીજીના જીવનમાં ગામડા સાથે જોડાયેલી હોય. અને તે દેશ ટીમ્બરની આયાત કરે છે. મને કહો કે ક્યાંથી કયાં પહોંચી ગયા આપણે. શું કારણ છે કે આપણે ટીમ્બરની આયાત કરીએ છીએ. શું આપણે આપણા ખેડૂતોની આવક બમણી કરવામાં શું સરકારમાં કાયદાઓ બદલી શકાય તેમ છે કે તેના ખેતરની જ્યાં સરહદો હોય છે. ત્યાં ટીમ્બરની ખેતી કરીશું. અને તે ટીમ્બરને તેને કાપવાનો અને વેચવાનો તેને હક મળશે. શું મારા દેશનું ટીમ્બર આયાત કરવાનું બંધ થશે કે નહીં થાય. મારા દેશનો ખેડૂત, આપણા દેશનું એક દુર્ભાગ્ય છે કે બે ખેતરોની વચ્ચે આપણે એટલી જમીન બરબાદ કરીએ છીએ, વાડ લગાવીને..તાર લગાવીને અથવા એવા છોડવાઓ લગાવી દઈએ છીએ, કાંટાઓ લગાવી દઈએ છીએ. એક તો આની બરબાદી થાય છે, બીજી તેની બરબાદી થાય છે. પરંતુ જો ત્યાં આગળ જ ટીમ્બર લગાવી દઈએ તો તમે મને કહો કે દેશનું ટીમ્બર આયાત કરવાનું બંધ થશે, તેની જમીનનો મહત્તમ ઉપયોગ થશે અને સરકારના કાયદા બદલવાથી કેટલો મોટો બદલાવ લાવી શકાય તેમ છે. સરકારમાં ચર્ચા ચાલી રહી છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ખેડૂતની આવક બમણી કરવા માગીએ છીએ. પરંતુ પશુ પાલન પર વિચારીશું જ નહીં. મરઘા ઉત્પાદન પર વિચારીશું જ નહીં. આપણે મત્સ્ય ઉછેર પર નહીં વિચારીએ. આપણે ઓર્નામેન્ટલ મત્સ્ય ઉછેર પર નહીં વિચારીએ, તો આપણે કુલ મળીને એક જે ડીઝાઇન બનાવવાની છે તે નહીં બનાવી શકીએ. આપણા માટે જરૂરી છે કે મુલ્ય વૃદ્ધિ કેવી રીતે થાય, આપણે દુનિયાના બજારમાં આપણું કયું એવું ઉત્પાદન છે કે જે લક્ષિત બજારને પકડી શકે તેમ છે. સમગ્ર ગલ્ફ દેશો ત્યાં વસતી વધી રહી છે, તેલ છે પાણી નથી. તેલ ભલે ગમે તેટલું કેમ ના હોય, જિંદગી જીવવા માટે પાણી જરૂરી હોય છે. અને એટલા માટે તેમના માટે કૃષિ ઉત્પાદનોને આયાત કર્યા સિવાય કોઈ ઉપાય નથી. શું તેમની જરૂરિયાતનો સર્વે કરીને આપણે આપણા ખેડૂતોને તે કૃષિ ઉત્પાદનોની માટે લઇ જઈએ અને આપણા કૃષિ અર્થતંત્ર સાથે જોડાયેલા લોકો જ અથવા તો કૃષિ મુલ્ય વૃદ્ધિ સાથે જોડાયેલા લોકો મળીને તે ઉત્પાદનને ત્યાં આગળ પહોંચાડે તે રીતે બનાવી શકે છે ખરા? આને જો આપણે બદલી શકીએ, અખાતી દેશોને આપણે એક રીતે તેમની જે કૃષિને લગતી જરૂરિયાતો છે તેમની ખાતરી આપી દઈએ અને તે લોકો આપણને આપણી ઊર્જા જરૂરિયાતોની ખાતરી આપી દે એક રીતે વિન વિન પરિસ્થિતિની દિશામાં આગળ વધી શકીએ છીએ કે નથી વધી શકતા. અને એટલા માટે અહીંયા એક એવી ટીમ છે મારી સામે જે આ પ્રકારની નવી વસ્તુઓને લઈને આવી શકે છે. હમણાં ભારત સરકાર નવેમ્બરમાં એક વૈશ્વિક સ્તરનો એક ઘણો મોટો કાર્યક્રમ કરવા જઈ રહી છે જેમાં ખાસ રીતે ફૂડ પ્રોસેસીંગમાં સીધા વિદેશી મૂડી રોકાણને અમે 100 ટકા ખુલ્લું મૂકી દીધું છે. ખેડૂતની આવક બમણી થાય એ માત્ર નારો નથી. તે જ રીતે કૃષિ ક્ષેત્રમાં માળખાગત બાંધકામ આજે આપણે ત્યાં વાર્ષિક લગભગ લગભગ એક લાખ કરોડ રૂપિયા.. આ નાની રકમ નથી ભારત જેવા દેશ માટે. એક લાખ કરોડ રૂપિયાની કિંમતનું આપણું કૃષિ ઉત્પાદન, ફળ ફૂલ હોય, શાકભાજી હોય, અનાજ હોય, તે બરબાદ થઇ જાય છે. કારણકે આપણી પાસે માળખાગત સુવિધાઓ નથી. હવે તે માળખાગત સુવિધાઓ પણ પોતાનામાં જ રોજગારી આપવા માટેનો એક બહુ મોટો અવસર છે. જે આર્થિક સંસ્થાઓ, ખાનગી ઉત્પાદકો કે જે રીયલ એસ્ટેટની દુનિયાના લોકો છે. જો તેઓ આ પ્રકારની વસ્તુઓ બનાવશે. તમે મને કહો કે બહુમુખી ફાયદો થશે કે નહીં થાય. અને એટલા માટે આપણી પહોંચ..આપણી પહોંચ શું હોય. આપણે દેશની જરૂરિયાતને સંબોધીએ. આપણે આપણા વ્યાપારને વિસ્તૃત કરીએ અને આપણે દેશના ગુણવત્તાયુક્ત જીવનમાં પરિવર્તન લાવવા માટે મૂળભૂત વસ્તુઓનું નિર્માણ કરતા રહીએ.
જો આ વસ્તુઓને લઈને આપણે આપણી વિકાસ યાત્રાને લઇ જઈએ છીએ, તો મને વિશ્વાસ છે કે આપણે જે ઈચ્છીએ છીએ તે પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને સરકારમાં તમે ઝીણવટતાથી જોયું હશે. ગઈકાલથી તમે અહીયા જ્યાં સુધી બેઠા છો અનેક વિષયો ઉપર તમારી ચર્ચા પણ આવી હશે. આ સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જે મહત્વપૂર્ણ નિર્ણયોએ મૂળભૂત બાબતોમાં મોટું પરિવર્તન કર્યું છે.
હવે તમને ખબર હશે કે પહેલા આપણા દેશમાં ખેડૂત યુરીયા માટે તેને ખૂબ ટેન્શન રહેતું હતું. સમય પર યુરીયા મળશે કે નહીં મળે. અને ખેડૂતને જો સમય પર યુરીયા નથી મળતું તો યુરીયા મળવું બેકાર બની જાય છે. અને એટલા માટે મને યાદ છે જયારે હું મુખ્યમંત્રી હતો તો હું પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખતો રહેતો હતો કે મારે ત્યાં આટલો સમય યુરીયા મળે..કેટલું મળે..ફલાણું મળે.. અને જયારે હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે શરૂઆતના ત્રણ મહિના મને જે સૌથી વધારે પત્રો મળ્યા મુખ્યમંત્રીઓના, તે યુરીયા માટે આવેલા હતા. આપણા દેશમાં યુરીયા માટે પોલીસનો લાઠીચાર્જ થતો હતો. યુરીયા માટે ખેડૂતોને ત્રણ ત્રણ દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. ત્રણ ત્રણ દિવસ મુદ્રીકરણ પછી બેંકોની બહાર ઊભેલી લાઈનોને તો તમે ટીવી ઉપર ઘણી જોઈ. મારા દેશનું દુર્ભાગ્ય છે કે યુરીયા માટે ઊભેલા આપણા ખેડૂતોને ક્યારેય ટીવી ઉપર બતાવવામાં નથી આવ્યા. આ ફર્ક છે. સમસ્યાઓને જોવા અને સમજવામાં. આ સરકારે કેટલાક પગલા લીધા. એક સૌથી મોટું પગલું. યુરીયાની ફેક્ટરીને ગેસ જોઈએ. અમારે ત્યાં ગેસની વિવિધતાની યોજનાઓ હતી. કોઈને એક ભાવે ગેસ મળતો હતો કોઈને એક..શરત અને પરિસ્થિતિ ઉપર મળતો હતો. અમે બધાને એકીકૃત કરી દીધા. એક જ પ્રકારના બેચ બનાવી દીધા જેથી બધાને સ્પર્ધા માટે સુવિધા મળી રહે.
બીજું આપણા દેશમાં મોટું..થોડા ઊંડા જશો તો ઘણું આશ્ચર્ય થશે કે આ કેવી રીતે ચલાવ્યું હશે. જો તમારી ક્ષમતા છે 10 લાખ મેટ્રિક ટનની અને તમે પાંચ ટકા વધારે ઉત્પાદન કરો છો તો તમને સરકાર એટલા પૈસા આપતી હતી. તમે આટલું ઉત્પાદન કરતા. અને તેનું પરિણામ એ આવ્યું હતું કે એક રીતે તે બહુ મોટું થઇ ગયું હતું. અમે આવીને તેના બધા જ નિયમો બદલી નાખ્યા. આજે પરિણામ એ છે કે સરકારના પૈસા તો બચ્યા પરંતુ વીસ લાખ ટન યુરીયા તે જ કારખાનામાં તે જ વ્યવસ્થામાં વધારાનું ઉત્પન્ન થવા લાગ્યું. ઉત્પાદકતા વધી ગઈ. માત્ર નીતિ પરિવર્તનના કારણે. પછીથી અમે યુરીયા નીમકોટિંગ કર્યું. હવે તમારામાંથી કોઈ કેમિકલવાળા અહીંયા નહીં હોય. એવું હું માનીને કહું છું. દાની તો છે અહીંયા. પરંતુ યુરીયા ખેતરોમાં ઓછુ જતું હતું કેમિકલ ઉદ્યોગમાં વધારે જતું હતું. કારણકે તેને સબસીડીવાળું યુરીયા મળી જતું હતું. અને મુલ્ય ઉમેરીને ઉત્પાદન બનાવીને દુનિયાને વેચતા હતા. અમે યુરીયાને નીમ કોટિંગ કરી નાખ્યું. નીમ કોટિંગ કર્યા પછી એક ગ્રામ યુરીયા પણ બીજા કોઈ કામમાં નથી આવી શકતું, સિવાય કે જમીનમાં નાખો. અને તેનું પરિણામ એ આવ્યું કે જે બધું સાઇફન થતું હતું. ચોરી થતી હતી અને કોઈ બીજા કામમાં ચાલ્યું જતું હતું. તે બધું ખતમ થઇ ગયું. આજે દેશમાં ક્યાંય યુરિયાની માગ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે કઈ રીતે એક એક વસ્તુઓને એન્ડ થી એન્ડ ઉપાયો સુધી જોડીએ. હું સ્વભાવથી વસ્તુઓને ટુકડાઓમાં નથી કરતો. એક વાર તેને..હા વસ્તુઓનું પ્રોગ્રેસિવ અનફોલ્ડમેન્ટ થાય છે. આજે હું એક વાત કહીશ તો સામેવાળાને જલ્દી ખબર નહીં પડે કે મોદી અહીંયાથી ક્યાં ઉપાડીને લઇ જશે.
હું જયારે કહું છું કે ભાઈ તમારી પાસે પૈસા છે, સરકાર યોજનાઓ લાવી છે, જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો, નહીં કરો, પછી 8 નવેમ્બર આવી જાય છે. અને એટલા માટે કોઈપણ વાત અમે ટુકડાઓમાં નથી કરતા. પરંતુ કોને કેટલું કહેવાનું છે તો તો અને એટલા માટે હું કહું છું કે સરકારે અનેક પગલાઓ લીધા છે.
હવે મને કહો કે ડિજિટલ ઇન્ડિયા તરફ જવા માગો છો કે નહીં. ડિજિટલ ઇન્ડિયાની અંદર આપણું ઓપ્ટીકલ ફાયબરના નેટવર્કનું કામ ચાલી રહ્યું છે. તમને નવાઈ લાગશે જયારે હું આવ્યો હતો ત્યારે ત્રણસો સાહીઠ ગામડાઓ હતા કદાચ. જ્યાં ઓપ્ટીકલ ફાયબર પહોંચ્યું હતું. હવે આપણે આશરે લાખોમાં પહોંચી ગયા છીએ. ત્રણ વર્ષની અંદર અંદર પહોંચ બદલી, પરિણામ લાવ્યા. હવે અમે ઓછી રોકડવાળા સમાજ તરફ જવા માગીએ છીએ. તમે મને કહો કે તમારી કંપનીઓ 2022માં દેશને અહીંયા લઇ જવા માટે એક કામ..અમારો બધો કારોબાર અમારા કાર્યકરોનો પણ બધો કારોબાર એટલે કે એવું નથી કે અમે તેને ઈ પેમેન્ટ આપી દઈશું અને પછીથી લોકો રોકડા કાઢીને વેપાર કરતા રહેશે. એવું નથી. તેને પણ અમે શીખવાડીશું. તમે ભીમ એપ ડાઉનલોડ કરો અને તમે તમારા મોબાઇલ ફોનથી અને ત્યાં આગળ નાના મોટા વેપારીઓ હશે તેમને પણ શીખવાડીશું. તમે ભીમ એપ ડાઉનલોડ કરો અને આપણે ત્યાં કોઈ એવું નહીં હોય જે રોકડ ટ્રાન્ઝેક્શન કરશે. મને કહો કે દેશની સેવા થશે કે નહીં થાય. અને એટલા માટે મારે તે ભાગીદારી જોઈએ. આપણે કેવી રીતે કરીએ.
હવે ક્યારેક ક્યારેક જોઈ રહ્યો છું કે હાલના દિવસોમાં જુઓ તમે, તમે લોકો દિવાળીના દિવસોમાં આ તમારી કંપનીઓ ગીફ્ટ આપે છે..તે આપવી પડે છે. ભલે થોડા મોડા જ આપો પરંતુ. શું આપણે આ રીતને બદલી શકીએ છીએ કે ભાઈ અમે તેવી ભેટ આપવાની આદત પાડીશું કે જેના કારણે ગરીબના ઘરમાં દીવા પ્રગટે. તમે લોકોને ખરીદીની કુપનો આપો છો. જાવ 2000 રૂપિયાનો માલ અમારો તમે લઇ શકો છો. તમે ખાદીનું કેમ નથી આપી શકતા. તમે ગીફ્ટ પેકેટ ખાદીનું કેમ નથી આપી શકતા? હું એવું નથી કહેતો કે જેના ઘરમાં ગીફ્ટ પેકેટ જશે તો તે ખાદીધારી બની જશે. ખાદીધારી બનવાની જરૂર નથી. પરંતુ તમારી પાસે પચાસ પ્રકારના કાપડ છે, તો એક ખાદી પણ હોઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા સંપૂર્ણ કારોબારમાં…હું કોઈ એવી વસ્તુ જોડી રહ્યો છું, મારી સાથે બધા કર્મચારીઓ જોડાઈને જેના કારણે હું દેશની ગરીબીને કઈ રીતે સંબોધન કરી રહ્યો છું. હું દેશના ગરીબોને હકારાત્મક રીતે સંબોધીત કરી રહ્યો છું શું? તમે જુઓ પોતાની જાતે જ પરિવર્તન શરુ થઇ જશે. એનો અર્થ એ નથી કે હું ગુણવત્તામાં બાંધછોડ કરીશ. મારા સુખ હું ઓછા કરું હું તમને એવો કોઈ આગ્રહ નથી કરવાનો. આપણે એક વાતાવરણ બનાવીએ કે આપણે આપણા ગરીબમાં ગરીબ લોકોને સાથે લઈને ચાલીએ. હવે તમને જાણીને ખુશી થશે. સરકારમાં હવે જો કઈ ખરીદી કરવી છે તો કાગળ પર કેટલા પ્રકારની કાર્યવાહીઓ થાય છે. ટેન્ડર નીકળશે..ટેન્ડરની શરતો અને પરિસ્થિતિઓ નીકળશે પછી ટેન્ડર ભરનારાઓ આવશે પછી જોવું પડશે કે મંત્રીજીના ભત્રીજાનું ટેન્ડર આવ્યું છે કે નથી આવ્યું. જાત જાતની વસ્તુઓથી દેશ પરિચિત છે. ટેન્ડર ખોલવું કે ના ખોલવું હવે સ્થિતિ બરાબર નથી તો નકારી દો. આ બધી બાબતોથી તમે સારી રીતે પરિચિત છો, દેશ પરિચિત છે. કોઈપણ વસ્તુ આપણા દેશમાં..પારદર્શકતા છે જી. બેઈમાની પણ બધાને ખબર છે. હવે શું આટલી મોટી સરકારમાં કોઈ નાનકડો માણસ પણ પોતાનું ઉત્પાદન પુરું પાડી શકે છે કે નથી પાડી શકતો. કોઈ ખૂબ મોટા ટેન્ડરીંગની પ્રક્રિયામાંથી તે નીકળશે તો શું તે કરશે. સરકારે એક નાનકડું પ્લેટફોર્મ બનાવ્યું જેમ (જીઈએમ) (GEM). આપ સૌને મારો આગ્રહ છે કે તમે તે પોર્ટલ પર જાવ ચેક કરો અને સરકારના બધા જ વિભાગો પોતાની જરૂરિયાતો તેની ઉપર લખે છે કે અમારે આ વસ્તુઓ જોઈએ છે. અમારે 25 નેપકીન જોઈએ, અમારે 2 કચરાપેટી જોઈએ, વેસ્ટ પેપર બાસ્કેટ જોઈએ, અમારે 25 સાવરણી જોઈએ, જે પણ 100 ખુરશીઓ જોઈએ. પોત પોતાનું લખે છે. કોઈપણ સપ્લાયર પોતાની પાસે કયા પ્રકારનો માલ છે તેનું સ્તર કયું છે ગુણવત્તા શું છે તેની સંપૂર્ણ માહિતી રાખે છે.
સરકારનો નિયમ બનેલો છે કે તેમાં જે ગુણવત્તાની સાથે બાંધછોડ કર્યા વિના જે પણ સસ્તું છે તેને લેવાનું છે કોઈ ટેન્ડર બેન્ડર કઈ નહીં. ઓનલાઈન ઉપલબ્ધ કોઈપણ તેને જોઈ શકે છે. તમને નવાઈ લાગશે કે હજુ તો આ પ્રયોગને ચાર છ મહિના થયા છે. અને સરકારમાં પણ જેટલું પ્રસાર થવું જોઈએ તેટલું નથી થયું. તેમ છતાં પણ એક હજાર કરોડ રૂપિયાની સરકારની ખરીદી આ જેમ દ્વારા થઇ છે. એક હજાર કરોડ રૂપિયા. અને સપ્લાયર કેટલા, તમે ચોંકી ઉઠશો. 28,૦૦૦ સપ્લાયર્સ મળીને એક હજાર કરોડના આપ્યા છે આ. મતલબ દરેકના નસીબમાં કેટલા નાના લોકો હશે આ. નાના નાના લોકોએ પોતાની વસ્તુઓ પહોંચાડી છે. અને પરિણામ એ આવ્યું છે કે આ જ હજાર કરોડનો માલ જો જૂની સરકારના ટેન્ડરીંગથી થયું હોત તો કદાચ ચુકવણી 1700 કરોડની થઇ હોત. અને હજાર કરોડમાંથી શું આવ્યું હોત તે તો ભગવાન જાણે. મારો કહેવાનો અર્થ એ છે કે વસ્તુઓ કઈ રીતે બદલાઈ રહી છે.
ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરીને પારદર્શિતા લાવી શકાય છે. હવે તમારા ધ્યાનમાં પણ કેટલાક લોકો હશે. તમારો જ કોઈ કર્મચારી પણ હશે જેનો દીકરો કોઈ ચીજ પેદા કરતો હશે. તેને કહો કે ભાઈ તું જરા જેમમાં રજિસ્ટ્રેશન કરાવી લે. જો, સરકારને લખ, તારો માલ ત્યાં ચાલ્યો જશે. અમે આંતરપ્રિન્યોરશિપને કેવી રીતે પ્રોત્સાહન આપીએ છીએ. અમે કેવી રીતે બદલી શકીએ છીએ. હવે અમારે ત્યાં ટુરિઝમ, તમારા દરેક પ્રેઝન્ટેશનમાં ટુરિઝમની વાત આવે છે. પ્રવાસન સામે સૌથી મોટી સમસ્યા શું છે. મારો સવાલ ચોંકવનારો છે. આપણે ક્યારેય વિચાર્યું કે આપણા વિચારો આપણું કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે. હું તમને નથી સંભળાવી રહ્યો, આપણે બધા મંથન કરી રહ્યા છીએ, હું પણ તમારી જ સાથે પોતાના વિચારોને મંથનના રૂપમાં પ્રગટ કરી રહ્યો છું. મેં ગયા વર્ષે એક કાર્યક્રમ કર્યો હતો મારા મનની વાત (મન કી બાત) હું કરી રહ્યો છું. તેમાં મેં વેકેશનમાં બાળકોને કહ્યું હતું કે તમે જાઓ છો, આ હેશટેગમાં તમે જે જગ્યાએ ગયા છો તેનો ફોટો મોકલો. લાખો કરોડો ફોટોગ્રાફ્સ મારી વેબસાઈટ પર છે. લાખો, કરોડો અને હું પરેશાન છું, ક્યારેક સમય મળે ત્યારે તે જોઉ છું તો આપણા દેશમાં એવી ઘણી જગ્યા છે, એવા નૈસર્ગિક દૃશ્યો છે, જે ગયા છે તેમણે ફોટો મોકલ્યા તો ખબર પડી કે ભાઈ, આ તો હેશટેગને કારણે ઘણાએ ફોટો મોકલ્યા તો ઘણાએ જોયા પણ હશે. આપણા લોકોની માન્યતા શું છે,કોઈ સારી જગ્યાએ ગયા અને મન મોહી ગયું. તો આપણું પહેલું વાક્યું શું નીકળે છે, યાર લાગતું નથી કે આપણે હિન્દુસ્તાનમાં છીએ. હવે મને કહો કે ટુરિઝમ ક્યાંથી ફેલાશે. જો તમે તમારા બાળકને ઘરમાં પ્રેમ નહીં કરો, મહત્વ નહીં આપો તો મહોલ્લા વાળા કેવી રીતે આપશે મને કહો. જો આપણે જ આપણી ચીજ પર ગર્વ નહીં કરીએ, તમારી પાસે ખરીદનારા આવતા હશે, વેચનારા આવતા હશે. વૈશ્વિક સમૂદાય સાથે તમારો નાતો હશે. તમારામાંથી કેટલા એવા હશે જેણે તેમને કહ્યું હશે કે તમે આવ્યા છો પરંતુ ત્રણ વધારે કાઢીને આવો. આ સપ્તાહના અંતે તો આ જગ્યા જોઇને આવીએ. ટુરિઝમ તો આપણે, જૂઓ ટુરિઝમ સરકારની જાહેરાતથી થતું નથી. કોઈ તમને કહે યાર હું ગયો હતો તું પણ જા. તમે ચોક્કસ જાઓ છો. કેમ કે મુસાફરના દિમાગમાં ટુરિઝમમાં એક અજાણતાનો ડર અંદરથી જ રહેલો હોય છે. પરંતુ જેવું તેને કોઈ કહે કે આ જગ્યાએ હું ગયો હતો તો તે પૂછતો નથી કે ત્યાં જઈને શું કરવાનું છે અને તે આપમેળે જ નીકળી પડે છે. આપણા હિન્દુસ્તાનીઓનો આ સ્વભાવ નથી. આપણે ત્યાં કોઈ ફાર્મસીની કંપની, અહીં કોઈ ફાર્મસીવાળા છે શું? ચાલો સારું છે હું બોલી શકીશ. ફાર્મસીવાળા ડોક્ટરોની ખાસ ટૂર કરાવે છે. તમને પણ ખબર છે કેમ કરાવે છે પણ ક્યાં લઈ જશે તો કહે દુબઈ લઈ જશે, સિંગાપોર લઈ જશે. તેમને નથી લાગતું કે ચાલો આપણા દેશમાં એક હમ્પી કરીને જગ્યા છે. ચાલો ત્યાં જઈએ. કર્ણાટક જઈએ છ ચીજ જોઇને આવીશું. રાજસ્થાન જઇએ પાંચ ચીજ જોઇને આવીએ. હું લઇને જઇશ. આપણે આપણી ચીજોને મહત્વ આપતા નથી. જ્યાં સુધી આપણે અને આપણે જ એ નહીં વિચારીએ કે અમે દુનિયાને ટેકનોલોજી વાળું ટુરિઝમ કરાવીએ. કૃત્રિમ આનંદનું વાતાવરણને બદલે આપણો જે વારસો છે એ વારસાથી દુનિયાને આપણે પરિચિત કરાવીએ. એ દુનિયા તેને જોવા માટે પાગલ છે ભાઈ. મને યાદ છે જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો તો ગુજરાતમાં મારા એવા શોખ હતા (જ્યારે હું રાજકારણમાં ન હતો)કે આવા જંગલોમાં રખડતા રહેવું. તો એ વખતે હું રેગિસ્તાનમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો. એ વખતે મેં કચ્છમાં સફેદ રણ જોયું હતું અને મારા મન પર એક અલગ અસર થઈ હતી. આ હું 40-45 વર્ષ અગાઉની વાત કરી રહ્યો છું. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો તો મેં નક્કી કરી લીધું હતું કે આ રેગિસ્તાનને હું પ્રવાસન સ્થળ બનાવીશ. તમને મારો આગ્રહ છે કે ક્યારેક રણોત્સવ વેબસાઇટ પર જાઓ. દિવાળી પછી તે શરૂ થાય છે. ત્રણ મહિના સુધી ચાલે છે. આખું ટેન્ટ સિટી બની જાય છે. તમે કલ્પના નહીં કરી શકો કે આવું સૌંદર્ય મારા દેશમાં રેગિસ્તાનમાં સર્જાય છે. સમગ્ર સફેદ રણ અને આ દિવસોમાં ઘણી મોટી સંખ્યામાં બુકિંગમાં તકલીફ પડે છે એટલી બધી ભીડ જામે છે. એક નવો અનુભવ થાય છે. ઘણા લોકો પોતાની બોર્ડ મિટિંગ આ રણોત્સવ સાથે સાંકળી લે છે. ક્યારેય કોઈએ પણ વિચાર્યું હતું કે એક રેગિસ્તાન સફેદ રણ ક્યારેય કોઈ પ્રવાસન સ્થળ બની શકે છે. તેને કારણે કચ્છનું હેન્ડીક્રાફ્ટ, કચ્છની અન્ય ઘણી ચીજોનું એક મોટું માર્કેટ ઊભું થઈ ગયું છે. આ સાથે લોકો પણ વ્યવસાયી રીતે સજ્જ થઈ ગયા છે. પેકેજિંગ શીખવા લાગ્યા છે. લોકોને કેવી રીતે જમાડવા, પીરસવું વગેરે પણ તેમને આવડી ગયું છે. આ ટુરિઝમ જાણે એવું છે કે પહેલા મરઘી કે પહેલા ઇંડું. પ્રવાસીઓ આવશે તો ટુરિઝમનો વિકાસ થશે. જો ટુરિઝમનું સ્થળ વિકસશે તો પ્રવાસી આવશે. તેનો જ ઝઘડો ચાલતો રહે છે. હું ઘણા વર્ષો અગાઉ હિમાચલમાં કામ કરતો હતો. હિમાચલમાં એક સ્થળ છે મનાલીની નજીક.. એક મોટા આર્ટિસ્ટ હતા વિદેશના જેમનું નામ હું ભૂલી ગયો રોડ્રિક, તો હું તેમનું સ્થાન જોવા ગયો. કોઈ જગ્યાએ બળદગાડીમાં ત્યાં પહોંચ્યા હતા. આઝાદીના આંદોલનમાં વિદેશીએ ભાગ લીધો હતો. જગ્યા છે પણ કોઈ પ્રવાસી આવતો ન હતો. ત્યાં હિમાચલમાં મેં કહ્યું સરકારમાં અમારા પક્ષના લોકો હતા તો મેં તેમને વિનંતી કરી, મે કહ્યું કે તમે નિયમ બનાવો. સ્કૂલ જે પ્રવાસ કાર્યક્રમ બનાવે છે. તે સ્કૂલના વિદ્યાર્થીઓને અહીં લાવવાના ફરજિયાત કરી દો. તો ત્યાં શાળાની બસો આવવા લાગી. બસો આવવા લાગી તો ચણા-ચવાણા વેચવાવાળા આવ્યા, પાણી વેચવાવાળા આવ્યા અને ચા વેચવા વાળા પણ આવ્યા. ધીમે ધીમે માળખાગત સવલતોનો વિકાસ થવા લાગ્યો. જરૂરિયાતોને વિકસાવનારા આવવા લાગ્યા. પાછળથી તો લોકોના પ્રવાસના કાર્યક્રમમાં આ જગ્યા આવી ગઈ. આપણે પ્રયાસ કરવો પડે છે ભાઈ. અને હું માનું છું કે સરકાર દ્વારા ટુરિઝમને જેટલું વિકસીત કરી શકાય છે તેના કરતા વધારે ટુરિઝમને એક ટેમ્પરામેન્ટ આપણે બનાવીએ. તેને વેગ આપવા માટે આપણે ભાર આપીએ. અને ભારતમાં પ્રવાસ નવી બાબત ન હતી. આજે સરકિટ પ્રવાસ છે. ટુરિઝમમાં આ સરકિટ પ્રવાસ ઘણી લોકપ્રિય બાબત છે. આપણે ત્યાં સદીઓ અગાઉ ચારધામ યાત્રા શું હતી એક સરકિટ પ્રવાસ તો હતો. 12 મહાદેવના જ્યોતિર્લિંગ શું હતા, તે પણ એક સરકિટ પ્રવાસ તો હતો. નવ ગણેશ શું હતું તે પણ એક સરકિટ પ્રવાસ જ હતો. આપણા પૂર્વજોને સરકિટ પ્રવાસની ખબર હતી. એ વખતે એક માળખું પણ ઉપલબ્ધ હતું. આપણે આ ચીજોને આગળ વધારી શકીએ છીએ. તેથી જ હું રોજગારીની તકો પેદા કરવાથી લઈને હું એ બાબતે સહમત છું કે ટુરિઝમમાં મોટી તાકાત છે. પરંતુ જો આપણે આ ચીજોને ભેગી કરીએ તો તેમાં આપણું યોગદાન ભળશે અને મોટું પરિણામ મળશે. ઘણા વિચારો, સૂચનો તમારા તરફથી આવ્યા છે જેનો ચોક્કસ ઉપયોગ થશે. પરંતુ મારો પ્રયાસ એ છે કે વિચારો માત્ર આ રૂમ સુધી જ મર્યાદિત રહી જાય નહીં, તમે પણ તમારા પોતપોતાના એકમોમાં, પોતપોતાના ખરીદ-વેચાણના સંબંધોમાં, ઔદ્યોગિક વર્તુળમાં આ ચીજોને આગળ ધપાવી શકો છો. તમે પણ ત્યાં કોઈ ઇવેન્ટ કરી શકો છો શું? તમે મળીને દેશ માટે અમે પણ કાંઇક કરીશું. તમે જોયું છે કે આપણા જે ઔદ્યોગિક રાજ્યો છે હું ગમે તેટલું સ્વચ્છતા અભિયાન ચલાવું. તમે કોઈ ચેમ્બરમાં બેસો તો તે આલીશાન હોય છે પરંતુ ઔદ્યોગિક વિસ્તારમાં પગ રાખવો પણ પસંદ કરો નહીં તેવા હાલ હોય છે ભાઈઓ પરંતુ આપણે સામૂહિક જવાબદારી લેતા નથી. તેથી તે સફાઈ થતી નથી. કચરામાંથી વેલ્થનો એક મોટો આંતરપ્રિન્યોર વિકાસ છે. આપણા દેશમાં નવા આંતરપ્રિન્યોર વેસ્ટમાંથી વેલ્થને આપણે કેવી રીતે તૈયાર કરીએ. તેને આપણે કેવી રીતે પ્રોત્સાહિત કરીએ. આ સિવાય પણ ઘણું બધું થઈ શકે છે. આપણા પર્યાવરણની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. હવે નાગપુરના એક નવયુવાને એક નાનકડું કામ કર્યું છે.તેણે આપણે ત્યાં તમે જોયું હશે હરિયાાણા, પંજાબમાં ખેતી બાદ જે પાક પાછળથી કચરો બની જાય છે તેને સળગાવી નાખે છે. તો દિલ્હીમાં પર્યાવરણની જે સમસ્યા પેદા થાય છે ત્યારે ગાળો પડે છે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને. નાગપુરમાં એક યુવાને આ જ કચરાને ખરીદી લીધો. ગોબર ખરીદી લીધું તેમાંથી નાના નાના બ્લોક બનાવી દીધા અને તેને અંતિમક્રિયા માટે સળગાવવા માટે જરૂરી હોય છે તે બ્લોક વેચે છે. 20% લાકડાની જરૂરિયાત અને લાશ તેનાથી સળગી શકે છે. અને કુલ જે જરૂરિયાત હોય છે તેમાંથી 20%થી ઓછી આ જરૂરિયાત હોય છે. વેસ્ટનું બેસ્ટ થઈ ગયું અને અંતિમક્રિયામાં જે સમય બરબાદ થતો હતો તે પણ બંધ થઈ ગયો. પહેલા બે કલાકમાં લાશ સળગતી હતી જે હવે એક કલાકમાં સળગે છે.પરિવારજનો જલદી મુક્ત થઈ જાય છે. એક સ્ટાર્ટ અપ શું કરી શકે છે, મારો કહેવાનો અર્થ છે કે આપણે આવી ચીજોને ઉત્તેજન કેવી રીતે આપીએ.
આપણા દેશમાં બીજી એક સમસ્યા છે જેનો મારે ઉકેલ જોઇએ છીએ. આપણે જે વૈશ્વિક જરૂરિયાત છે,જે વૈશ્વિક દુનિયા નિહાળીએ છીએ, આપણે તે પ્રોડક્ટ તરફ જવા માગતા હોઇએ છીએ. પછી આપણને એ વાતનો સંતોષ હોય છે કે જૂઓ આ પાંચ હજાર રૂપિયાની ચીજ છે જે ચાર હજાર રૂપિયામાં મળે છે તમે મારી ચીજ ખરીદો. ખરેખર આપણા એક વલણને બદલવાની જરૂર છે. આપણા દેશની જે સમસ્યા છે તેનો ઉકેલ લાવનારી કોઈ ચીજ હું આપી શકું છું ખરો? ક્યારે આપણે એ પ્રોડક્ટ આપીશું. તમે જૂઓ આપણે ત્યાં મોટું માર્કેટ છે. જેને આપણે ઝડપી શકીએ તેમ છીએ. અને આપણે આ તાકાતને વૈશ્વિક બજારમાં પણ લાવી શકીએ તેમ છીએ.
શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આપણા દેશે કેટલી વસ્તુઓ આયાત કરવી પડે છે. શું હું 2022 સુધીમાં મારા દેશને કમસે કમ આ પાંચ ચીજોની આયાત કરવામાંથી બચાવીશ. મારા દેશમાં આ પાંચ ચીજ આયાત થવા દઇશ નહીં. મારી આ દેશભક્તિ છે, પાંચ ચીજ એવી બનાવીશ જેનાથી મારા દેશની બહાર પૈસો જશે નહીં. કેમ ન કરી શકીએ આપણે. કરી શકીએ છીએ. તમે મને કહો કે હમણા તમે કહેતા હતા કે ઇલેક્ટ્રોનિક વગેરે આયાત કરો તેની ચર્ચા કરી રહ્યા હતા. હેલ્થ કેરના ઇલેક્ટ્રોનિક સાધનો ભારતમાં હેલ્થ કેરને સસ્તું કરવું છે તો આપણી પાસે જમીની સ્તર પર ઉપયોગી ચીજો હોવી જોઇએ.કીડનીના પેશન્ટ માટે જે જરૂરિયાત છે તે મશીન શું આપણે ન બનાવી શકીએ? ડાયાલિસીસ આપણે નથી બનાવી શકતા. શું આપણા બિઝનેસમેન આ પ્રકારની સવલતો નથી લાવી શકતા. આપણા દેશની સમસ્યાઓ સાથે સમાધાન કરવાનો ટેમ્પરામેન્ટ આપણી નવી પેઢીમાં બની જાય તો માર્કેટમાં તમે ઊભા રહી શકશો. અને મને લાગે છે કે આપણે એ દિશામાં વિચારીએ અને મને વિશ્વાસ છે કે તમે લોકોએ જે સૂચનો કર્યા છે તે સૂચનો સરકારમાં કામ લાગશે. ધીમે ધીમે મારા મનમાં જે વિચાર ચાલી રહ્યા છે તે કોઈ એક વખતની ઘટના નથી. અમે તેનું સંસ્થાકરણ કરવા માગીએ છીએ. તમે છો, તમારામાં અન્ય પણ ઘણા લોકો જોડાઈ શકે છે. તેની પરિણામલક્ષી રચના પણ થઈ શકે છે. ઘણા સૂચનો આવી શકે છે. પરંતુ આ એક પ્રારંભ છે. અલગ અલગ જૂથ સાથે આ રીતે બેસવું અને ધીમે ધીમે જેમને તેમાં રસ હશે તેમને હું સરકાર સાથે એ વિભાગમાં જોડવાનો પ્રયાસ કરીશ. જેથી કાયમી ચર્ચા-વિચારણા થઈ શકે. અને અમે સાથે મળીને દેશ માટે કામ કરીએ. અને મને સંપૂર્ણ ભરોસો છે કે તમે વેપાર જગતમાં હોવા છતાં તમારા પ્રેઝન્ટેશનમાં ઉદ્યોગ કે વેપારી જગતના કોઈ સૂચનો ન હતા. તમામ સૂચનો દેશના હિતમાં હતા. આ જ મારું 2022નું સ્વપ્ન પૂર્ણ કરી દે છે. તેથી અમે આ ચીજો પર ભાર મુકવા માગીએ છીએ.
ઘણા નવા પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કેમ કે તમે જેટલા સંકળાશો તેટલું જ મારું માનવું છે કે પરિણામ જોવા મળશે. હું આજે ખાસ કરીને આપણા નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રીમાન અરવિંદ પાનગરિયાને અભિનંદન આપવા માગું છું. જૂઓ, મિશન મોડમાં કેવી રીતે કામ થાય છે. તેઓ 45 વર્ષથી અમેરિકામાં રહ્યા છે. ક્યારેય ભારત આવવા અંગે વિચાર્યું ન હતું. પરિવાર પણ ત્યાં જ સેટ થઈ ગયો.તેમની સાથે મારી મિત્રતા હતી. મેં કહ્યું ભાઈ, ઘણું કમાઈ લીધું હવે થોડો સમય અમને પણ આપો. મારા એક શબ્દ પર તેઓ આવી ગયા. ત્રણ વર્ષ નીતિ આયોગને તેમણે ચલાવ્યું, આગળ ધપાવ્યું અને આજે એક રીતે અગાઉના પ્લાનિંગ કમિશનને ધરમૂળથી બદલી નાખ્યું આ નીતિ આયોગમાં. તેમનું યોગદાન ઘણું મોટું હતું. અને રસપ્રદ બાબત છે કે આ સપ્તાહ બાદ તેઓ બધું છોડીને અમેરિકા પરત જઈ રહ્યા છે પરંતુ આજે પણ આ કામ ધગશથી કરી રહ્યા છે. આપણી વચ્ચે બેઠાં છીએ. આ નાની વાત નથી. નહિતર હવે જવાનું છે તો એક મહિનો તો પેકિંગમાં લાગી જાય છે. અમેરિકા પરત જવાનું છે તો કાંઈ નહીં પણ મોટા મનથી આ કાર્યમાં લાગેલા છે. હું સમજું છું કે આપણા દેશમાં આવા લોકોની અછત નથી. અને તેમના જ ભરોસે 2022નું સ્વપ્ન લઈને અમે ચાલી રહ્યા છીએ. અરવિંદજી જેઓ હવે જઈ રહ્યા છે તેમને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવા માગું છું. તેમણે ઉત્તમ કાર્ય કર્યું છે. આ દેશ હંમેશાં હંમેશાં યાદ રાખશે. તેમની સેવાઓને યાદ રાખશે અને આ કાર્યક્રમના મૂળમાં તો અરવિંદજી જ રહેલા છે. તમારી સાથે મળીને બે દિવસથી બેઠાં છે. અત્યંત શાંત સ્વભાવના છે તેઓ જલદીથી પરિચય પણ થવા દેતા નથી કે અરવિંદજી કોણ છે. આ પણ એક ગુણવત્તા છે. તેઓ પોતાની જાતને ઘણી પાછળ રાખે છે. પરંતુ હું માનું છું કે એક સારો પ્રયાસ, સારું પરિણામ અને અને તમે લોકો હંમેશાં સાથે જ રહેશો. સરકાર સાથે તમારો સીધો સંબંધ હોવો જોઇએ. તમારા સૂચનો આવવા જોઇએ. હવે તો હું આસાનીથી મળી શકું છું. કદાચ કાલે તમને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હશે. હું ટેકનોલોજી સાથે કોઈની પણ સાથે ગમે ત્યાંથી સંકળાયેલો રહી શકું છું. હું તેની સાથે જ જોડાયેલો હોઉં છું. હું ફરી એક વાર તમારા સૌનો આ યોગદાન માટે આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
TR
In Government, the welfare of the people and the happiness of citizens is supreme: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
We are always thinking about where the nation will reach through our work: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
Every citizen must have a feeling that this country is mine & I have to work for the country, I want to add something towards its growth: PM
— PMO India (@PMOIndia) August 22, 2017
Every person wanted India to be free but Gandhi ji did something unique- he made every person feel he or she is working for the nation: PM
— PMO India (@PMOIndia) August 22, 2017
Mahatma Gandhi turned the freedom struggle into a mass movement and we saw the results: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
In the same spirit as what Mahatma Gandhi did for the freedom struggle, we need to make India's development a mass movement: PM
— PMO India (@PMOIndia) August 22, 2017
When we work together, we can solve several problems the country faces: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
As industry leaders, think about what more you can do for the poorest of the poor: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017
As industry leaders, think about what more you can do for the poorest of the poor: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2017