કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ શ્રી સુરેશ ચંદ્ર આર્યજી, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ શ્રી ધર્મપાલ આર્યજી, શ્રી વિનય આર્યજી, મારા મંત્રીમંડળના સાથીદારો કિશન રેડ્ડીજી, મીનાક્ષી લેખીજી, અર્જુન રામ મેઘવાલજી, ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો!
મહર્ષિ દયાનંદજીની 200મી જન્મજયંતીનો આ અવસર ઐતિહાસિક છે અને ભવિષ્યના ઈતિહાસને રચવાની તક પણ છે. આ સમગ્ર વિશ્વ માટે, માનવતાનાં ભવિષ્ય માટે પ્રેરણાની ક્ષણ છે. સ્વામી દયાનંદજી અને તેમનો આદર્શ હતો- “કૃણ્વન્તો વિશ્વમાર્યમ્”॥ એટલે કે, આપણે આખાં વિશ્વને શ્રેષ્ઠ બનાવીએ, આપણે આખાં વિશ્વમાં શ્રેષ્ઠ વિચારોનો, માનવીય આદર્શોનો સંચાર કરીએ. તેથી, આજે 21મી સદીમાં જ્યારે વિશ્વ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે, હિંસા અને અસ્થિરતામાં ઘેરાયેલું છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ બતાવેલો માર્ગ કરોડો લોકોમાં આશાનો સંચાર કરે છે. આવા મહત્વના સમયગાળામાં આર્ય સમાજ તરફથી મહર્ષિ દયાનંદજીની 200મી જન્મજયંતીનો આ પાવન કાર્યક્રમ બે વર્ષ સુધી ચાલુ રહેવાનો છે અને મને આનંદ છે કે ભારત સરકારે પણ આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. માનવતાનાં કલ્યાણ માટે આ જે અખંડ સાધના ચાલી છે, એક યજ્ઞ ચાલી રહ્યો છે, હમણાં થોડી વાર પહેલા મને પણ આહુતિ અર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું. આચાર્યજી હમણાં જ કહી રહ્યા હતા, આ મારું સૌભાગ્ય છે કે, જે પવિત્ર ધરતી પર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ થયો હતો, એ ધરતી પર મને પણ જન્મ લેવાનું સૌભાગ્ય મળ્યું. મને એ માટીમાંથી મળેલા સંસ્કાર, એ માટીમાંથી મળેલી પ્રેરણા આજે મને પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીના આદર્શો તરફ આકર્ષિત કરતી રહે છે. હું સ્વામી દયાનંદજીનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને આપ સૌને હ્રદયથી અનેક-અનેક શુભકામનાઓ પાઠવું છું.
સાથીઓ,
જ્યારે મહર્ષિ દયાનંદજીનો જન્મ થયો હતો ત્યારે દેશ સદીઓની ગુલામીથી નબળો પડીને તેની આભા, પોતાનું તેજ, પોતાનો આત્મવિશ્વાસ, બધું જ ગુમાવી રહ્યો હતો. દરેક ક્ષણે આપણા સંસ્કારોને, આપણા આદર્શોને, આપણાં મૂલ્યોને ચૂર-ચૂર કરવાના લાખો પ્રયાસો થતા રહ્યા. જ્યારે કોઇ સમાજમાં ગુલામીની હીન ભાવના ઘર કરી જાય છે, ત્યારે આધ્યાત્મ અને શ્રદ્ધાનાં સ્થાને આડંબર આવવો સ્વાભાવિક બની જાય છે. મનુષ્યનાં જીવનમાં પણ આપણે જોઈએ છીએ, જે આત્મવિશ્વાસ હીન હોય છે તે આડંબરના ભરોસે જીવવાની કોશીશ કરે છે. આવી પરિસ્થિતિમાં મહર્ષિ દયાનંદજી આગળ આવ્યા અને સમાજ જીવનમાં વેદના બોધને પુનર્જીવિત કર્યો. તેમણે સમાજને દિશા આપી, પોતાના તર્કોથી સિદ્ધ કર્યું અને તેમણે આ વારંવાર કહ્યું કે ખામી ભારતના ધર્મ અને પરંપરાઓમાં નથી. ખામી એ છે કે આપણે તેનાં વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયા છીએ અને વિકૃતિઓથી ભરેલા છીએ. તમે કલ્પના કરો કે, એવા સમયે જ્યારે આપણા જ પોતાના વેદોનાં વિદેશી અર્થઘટનને, વિદેશી વૃત્તાંતને ઘડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, તે નકલી વ્યાખ્યાઓના આધારે આપણને નીચા દેખાડવાની, આપણા ઇતિહાસને, પરંપરાને ભ્રષ્ટ કરવાના અનેકવિધ પ્રયાસ ચાલતા હતા, ત્યારે મહર્ષિ દયાનંદજીના આ પ્રયાસો એક બહુ મોટી સંજીવનીનાં રૂપમાં, એક જડીબુટ્ટીનાં રૂપમાં, સમાજમાં એક નવી પ્રાણશક્તિ બનીને આવ્યા. મહર્ષિજીએ સામાજિક ભેદભાવ, ઉંચ-નીચ, અસ્પૃશ્યતા એવી સમાજમાં ઘર કરી ગયેલી અનેક વિકૃતિઓ, અનેક બુરાઈઓ સામે એક સશક્ત અભિયાન ચલાવ્યું. તમે કલ્પના કરો, આજે પણ સમાજની કોઇ બદી-બુરાઇ તરફ કંઈક કહેવું છે, જો હું પણ ક્યારેક કહું કે ભાઇ કર્તવ્યપથ પર ચાલવું જ પડશે, તો કેટલાક લોકો મને ઠપકો આપે છે કે તમે કર્તવ્યની વાત કરો છો અધિકારની વાત નથી કરતા. જો 21મી સદીમાં મારી આ હાલત છે તો દોઢસો, પોણા બસો વર્ષ પહેલાં મહર્ષિજીને સમાજને રસ્તો બતાવવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. જે દૂષણો માટે દોષનો ટોપલો ધર્મ પર ઢોળી દેવામાં આવતો હતો, સ્વામીજીએ તેને ધર્મના જ પ્રકાશથી દૂર કર્યાં. અને મહાત્મા ગાંધીજીએ બહુ મોટી વાત કહી હતી અને ખૂબ જ ગર્વ સાથે કહી હતી, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે- “આપણા સમાજને સ્વામી દયાનંદજીએ ઘણું બધું આપ્યું છે. પરંતુ એમાં અસ્પૃશ્યતા સામેની ઘોષણા એ તેમનું સૌથી મોટું યોગદાન છે.” મહિલાઓને લઈને પણ સમાજમાં જે રૂઢિઓ ઘર કરી ગઈ હતી, મહર્ષિ દયાનંદજી તેની સામે પણ એક તાર્કિક અને અસરકારક અવાજ તરીકે ઉભરી આવ્યા હતા. મહર્ષિજીએ મહિલાઓ પ્રત્યે ભેદભાવનું ખંડન કર્યું, મહિલા શિક્ષણ માટે અભિયાન શરૂ કર્યું. અને આ વાતો દોઢસો, પોણા બસો વર્ષ પહેલાની છે. આજે પણ ઘણા એવા સમાજ છે જ્યાં દીકરીઓને શિક્ષણ અને સન્માનથી વંચિત રાખવા મજબૂર કરે છે. સ્વામી દયાનંદજીએ આ બ્યુગલ ત્યારે ફૂંક્યું હતું જ્યારે પશ્ચિમી દેશોમાં પણ મહિલાઓ માટે સમાન અધિકારો તો દૂરની વાત હતી.
ભાઇઓ અને બહેનો!
તે સમયગાળામાં સ્વામી દયાનંદ સરસ્વતીનું પદાર્પણ, સમગ્ર યુગના પડકારો સામે તેમનું ઉઠીને ઊભા થઈ જવું, તે અસામાન્ય હતું, તે કોઈ પણ રીતે સામાન્ય ન હતું. તેથી, રાષ્ટ્રની યાત્રામાં તેમની જીવંત હાજરી, આર્ય સમાજનાં 150 વર્ષ થતાં હોય, મહર્ષિજીનાં બસો વર્ષ થતાં હોય અને આટલો વિશાળ જનસાગર આજે આ સમારોહમાં અહીં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જોડાયેલ છે. આનાથી મોટી જીવનની ઊંચાઈ શું હોઈ શકે? જે રીતે જીવન દોડી રહ્યું છે, મૃત્યુનાં દસ વર્ષ પછી પણ જીવતા રહેવું અશક્ય છે. 200 વર્ષ પછી પણ આજે મહર્ષિજી આપણી વચ્ચે છે અને તેથી જ આજે જ્યારે ભારત આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યું છે ત્યારે મહર્ષિ દયાનંદજીની 200મી જન્મજયંતી એક પૂણ્ય પ્રેરણા લઈને આવી છે. ત્યારે મહર્ષિજીએ જે મંત્રો આપ્યા હતા, સમાજ માટે જે સપનાઓ જોયાં હતાં, આજે દેશ તેના પર પૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે. ત્યારે સ્વામીજીએ આહ્વાન કર્યું હતું- ‘વેદો તરફ પાછા વળીએ.’ આજે, દેશ અત્યંત સ્વાભિમાન સાથે તેના વારસા પર ગર્વનું આહ્વાન કરી રહ્યો છે. આજે દેશ પૂરા આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છે કે દેશમાં આધુનિકતા લાવવાની સાથે સાથે આપણે આપણી પરંપરાઓને પણ સમૃદ્ધ કરીશું. વિરાસત પણ, વિકાસ પણ, આ જ પાટા પર દેશ નવી ઊંચાઇઓ માટે દોડી નીકળ્યો છે.
સાથીઓ,
સામાન્ય રીતે દુનિયામાં જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે તેનો વ્યાપ માત્ર પૂજા-પાઠ, આસ્થા અને ઉપાસના, તેના કર્મકાંડો, તેની પદ્ધતિઓ એ પૂરતો જ સીમિત માનવામાં આવે છે. પરંતુ, ભારતના સંદર્ભમાં ધર્મનો અર્થ અને સૂચિતાર્થ સંપૂર્ણપણે અલગ છે. વેદોએ ધર્મને એક સંપૂર્ણ જીવન પદ્ધતિ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. આપણે ત્યાં ધર્મનો પ્રથમ અર્થ કર્તવ્ય સમજવામાં આવે છે. પિતૃ ધર્મ, માતૃ ધર્મ, પુત્ર ધર્મ, દેશ ધર્મ, કાળ ધર્મ, આ આપણી કલ્પના છે. તેથી, આપણા સંતો અને ઋષિઓની ભૂમિકા પણ માત્ર પૂજા અને ઉપાસના પૂરતી સીમિત ન રહી. તેમણે રાષ્ટ્ર અને સમાજનાં દરેક પાસાંની જવાબદારી સંભાળી, સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો, સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો, સંકલિત અભિગમ અપનાવ્યો. પાણિની જેવા ઋષિઓએ આપણે ત્યાં ભાષા અને વ્યાકરણનાં ક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યું. પતંજલિ જેવા મહર્ષિઓએ યોગ ક્ષેત્રનો વિસ્તાર કર્યો. જો તમે દર્શનમાં- ફિલસૂફીમાં જશો, તો તમને દેખાશે કે કપિલ જેવા આચાર્યોએ બૌદ્ધિકતાને નવી પ્રેરણા આપી. નીતિ અને રાજકારણમાં મહાત્મા વિદુરથી માંડીને ભરથરી અને આચાર્ય ચાણક્ય સુધી, ઘણા ઋષિઓ ભારતના વિચારોને વ્યાખ્યાયિત કરતા રહ્યા છે. જો આપણે ગણિતની વાત કરીએ તો પણ ભારતનું નેતૃત્વ આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કર જેવા મહાન ગણિતશાસ્ત્રીઓએ કર્યું. તેમની પ્રતિષ્ઠાથી કંઈ જ ઓછું નથી. વિજ્ઞાનનાં ક્ષેત્રમાં તો કણાદ અને વરાહમિહિરથી લઈને ચરક અને સુશ્રુત સુધીનાં અસંખ્ય નામો છે. જ્યારે આપણે સ્વામી દયાનંદજીને જોઈએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે તે પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવામાં તેમણે કેટલી મોટી ભૂમિકા ભજવી હતી અને તેમનામાં આત્મવિશ્વાસ કેવો ગજબનો હશે.
ભાઇઓ અને બહેનો,
સ્વામી દયાનંદ સરસ્વતીજીએ માત્ર તેમનાં જીવનમાં એક માર્ગ જ બનાવ્યો ન હતો, પરંતુ તેમણે ઘણી અલગ-અલગ સંસ્થાઓ, સંસ્થાકીય વ્યવસ્થાઓનું પણ સર્જન કર્યું અને હું કહીશ કે ઋષિજી તેમનાં જીવનકાળમાં ક્રાંતિકારી વિચારો લઈને ચાલ્યા, તેમને જીવ્યા. લોકોને જીવવા માટે પ્રેરિત કર્યા. પરંતુ તેમણે દરેક વિચારને વ્યવસ્થા સાથે જોડ્યો, તેને સંસ્થાકીય બનાવ્યો અને સંસ્થાઓને જન્મ આપ્યો. આ સંસ્થાઓ દાયકાઓથી અલગ-અલગ ક્ષેત્રોમાં ઘણા મોટા સકારાત્મક કાર્યો કરી રહી છે. પરોપકારિણી સભાની સ્થાપના તો મહર્ષિજીએ પોતે કરી હતી. આજે પણ આ સંસ્થા પ્રકાશનો અને ગુરુકુળો દ્વારા વૈદિક પરંપરાને આગળ ધપાવી રહી છે. કુરુક્ષેત્ર ગુરુકુળ હોય, સ્વામી શ્રદ્ધાનંદ ટ્રસ્ટ હોય કે મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ હોય, આ સંસ્થાઓએ રાષ્ટ્રને સમર્પિત ઘણા યુવાનોનું ઘડતર કર્યું છે. તેવી જ રીતે, સ્વામી દયાનંદજીથી પ્રેરિત વિવિધ સંસ્થાઓ ગરીબ બાળકોની સેવા માટે, તેમનાં ભવિષ્ય માટે સેવાભાવથી કામ કરી રહી છે અને આ આપણા સંસ્કાર છે, આપણી પરંપરા છે. મને યાદ છે હમણાં જ્યારે આપણે ટીવી પર તુર્કિયેના ભૂકંપના દ્રશ્ય જોઈએ છીએ તો બેચેન થઈ જઈએ છીએ, પીડા થાય છે. મને યાદ છે કે 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે તે ગત સદીનો સૌથી ભયાનક ભૂકંપ હતો. એ સમયે જીવન પ્રભાત ટ્રસ્ટનાં સામાજિક કાર્યો અને રાહત બચાવમાં તેની ભૂમિકા તો મેં પોતે જોઈ છે. બધા મહર્ષિજીની પ્રેરણાથી કામ કરતા હતા. સ્વામીજીએ રોપેલું બીજ આજે એક વિશાળ વટવૃક્ષનાં રૂપમાં સમગ્ર માનવતાને છાંયો આપી રહ્યું છે.
સાથીઓ,
આજે, આઝાદીના અમૃત કાળમાં, દેશ એ સુધારાઓનો સાક્ષી બની રહ્યો છે, જે સ્વામી દયાનંદજીની પણ પ્રાથમિકતાઓ હતી. આજે આપણે દેશમાં કોઈપણ ભેદભાવ વિના નીતિઓ અને પ્રયાસોને આગળ વધતા જોઈ રહ્યા છીએ. જે ગરીબ છે, જે પછાત અને વંચિત છે એમની સેવા એ આજે દેશ માટે સૌથી પહેલો યજ્ઞ છે. વંચિતોને પ્રાધાન્ય, આ મંત્રને લઈને દરેક ગરીબ માટે ઘર, તેમનું સન્માન, દરેક વ્યક્તિ માટે તબીબી સંભાળ, વધુ સારી સુવિધાઓ, બધા માટે પોષણ, બધા માટે તકો, ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ‘નો આ મંત્ર દેશ માટે એક સંકલ્પ બની ગયો છે. છેલ્લાં 9 વર્ષમાં દેશ મહિલા સશક્તીકરણની દિશામાં ઝડપી પગલાંઓ સાથે આગળ વધ્યો છે. આજે દેશની દીકરીઓ સંરક્ષણ અને સુરક્ષાથી માંડીને સ્ટાર્ટઅપ સુધી, દરેક ભૂમિકામાં રાષ્ટ્ર નિર્માણને કોઈ પણ બંધન વિના ગતિ આપી રહી છે. હવે દીકરીઓ સિયાચીનમાં તહેનાત થઈ રહી છે અને ફાઈટર પ્લેન રાફેલ પણ ઉડાવી રહી છે. અમારી સરકારે સૈનિક શાળાઓમાં છોકરીઓના પ્રવેશ પર જે પ્રતિબંધ હતો એને પણ હટાવી દીધો છે. આધુનિક શિક્ષણની સાથે સાથે, સ્વામી દયાનંદજીએ ગુરુકુળો દ્વારા ભારતીય વાતાવરણમાં ઘડાયેલી શિક્ષણ પ્રણાલીની પણ હિમાયત કરી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા દેશે હવે તેનો પણ પાયો મજબૂત કર્યો છે.
સાથીઓ,
સ્વામી દયાનંદજીએ આપણને જીવન જીવવાનો વધુ એક મંત્ર આપ્યો હતો. સ્વામીજીએ ખૂબ જ સરળ શબ્દોમાં, તેમણે કહ્યું હતું કે આખરે પરિપક્વ કોણ હોય છે? તમે કોને પરિપક્વ કહેશો? સ્વામીજીનું કહેવું હતું અને બહુ જ માર્મિક છે, મહર્ષિજીએ કહ્યું હતું – “જે વ્યક્તિ સૌથી ઓછું મેળવે છે અને સૌથી વધુ યોગદાન આપે છે તે પરિપક્વ છે. તમે કલ્પના કરી શકો છો કે તેમણે આટલી ગંભીર વાત કેટલી સરળતાથી કહી દીધી હતી. તેમનો આ જીવન મંત્ર આજે અનેક પડકારોનો ઉકેલ આપે છે. હવે તેને પર્યાવરણના સંદર્ભમાં પણ જોઈ શકાય છે. એ સદીમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ ક્લાઈમેટ ચેન્જ જેવા શબ્દોનો જન્મ પણ નહોતો થયો ત્યારે કોઈ એ શબ્દો વિશે વિચારી પણ નહોતું શકતું, ત્યારે મહર્ષિજીને તેમનાં મનમાં આ બોધ ક્યાંથી આવ્યો? તેનો ઉત્તર છે – આપણા વેદ, આપણા શ્લોક! સૌથી પ્રાચીન મનાતા વેદોમાં કેટલાંય સ્તોત્રો પ્રકૃતિ અને પર્યાવરણને સમર્પિત છે. સ્વામીજી વેદોનાં એ જ્ઞાનને ઊંડાણથી સમજતા હતા, તેમણે તેમના સમયગાળામાં તેમના સાર્વત્રિક સંદેશાઓનો વિસ્તાર કર્યો. મહર્ષિજી વેદોના શિષ્ય અને જ્ઞાન માર્ગના સંત હતા. તેથી, તેમનો બોધ તેમના સમય કરતા ઘણો આગળ હતો.
ભાઇઓ અને બહેનો,
આજે જ્યારે વિશ્વ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરી રહ્યું છે ત્યારે સ્વામીજીએ ચીંધેલો માર્ગ ભારતનાં પ્રાચીન જીવન દર્શનને વિશ્વ સમક્ષ મૂકે છે અને તેને ઉકેલવાનો માર્ગ રજૂ કરે છે. પર્યાવરણનાં ક્ષેત્રમાં ભારત આજે વિશ્વ માટે પથ પ્રદર્શકની ભૂમિકા ભજવી રહ્યું છે. પ્રકૃતિ સાથે સંકલન સાધવાનાં આ જ વિઝનના આધારે અમે ‘ગ્લોબલ મિશન લાઇફ‘ LiFE અને તેનો અર્થ થાય છે Lifestyle for Environment -પર્યાવરણ માટે જીવનશૈલી. પર્યાવરણ માટેની આ જીવનશૈલીએ એક જીવન મિશન પણ શરૂ કર્યું છે. આપણા માટે ગર્વની વાત છે કે આ મહત્વપૂર્ણ સમયગાળામાં વિશ્વના દેશોએ G-20 પ્રમુખપદની જવાબદારી પણ ભારતને સોંપી છે. અમે G-20 માટે ખાસ એજન્ડા તરીકે પર્યાવરણને આગળ લઈ જઈ રહ્યા છીએ. દેશનાં આ મહત્વપૂર્ણ અભિયાનોમાં આર્ય સમાજ એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આપ આપણી પ્રાચીન ફિલસૂફી સાથે, આધુનિક દ્રષ્ટિકોણ અને ફરજો સાથે જન-જનને જોડવાની જવાબદારી સરળતાથી ઉપાડી શકો છો. આ સમયે દેશ અને જેમ આચાર્યજીએ વર્ણન કર્યું, આચાર્યજી તો તેના પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. આપણે પ્રાકૃતિક ખેતી સંબંધિત વ્યાપક અભિયાન ગામેગામ પહોંચાડવાનું છે. કુદરતી ખેતી, ગાય આધારિત ખેતી, આપણે તેને ફરી ગામડે ગામડે લઈ જવાની છે. હું ઈચ્છું છું કે આર્ય સમાજના યજ્ઞોમાં એક આહુતિ આ સંકલ્પ માટે પણ આપવામાં આવે. આવું જ વધુ એક વૈશ્વિક આહ્વાન, ભારતે બાજરી, બરછટ અનાજ, બાજરી, જુવાર વગેરે જેનાથી આપણે પરિચિત છીએ અને જાડાં અનાજનેને હમણાં આપણે વૈશ્વિક ઓળખ બનાવવા અને હવે આખા દેશની દરેક બાજરીની એક ઓળખ બનાવવા માટે હવે એક નવું નામકરણ કર્યું છે. આપણે મિલેટ્સ (જાડાં અનાજ)ને શ્રીઅન્ન કહ્યું છે. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. અને આપણે તો જાણીએ છીએ કે આપણે તો યજ્ઞ સંસ્કૃતિના લોકો છીએ અને આપણે યજ્ઞમાં આહુતિમાં જે સર્વશ્રેષ્ઠ છે એને જ આપીએ છીએ. આપણે ત્યાં યજ્ઞોમાં જવ જેવાં બરછટ અનાજ કે શ્રીઅન્નની મહત્વની ભૂમિકા હોય છે. કારણ કે, આપણે યજ્ઞમાં એનો ઉપયોગ કરીએ છીએ જે આપણા માટે સર્વશ્રેષ્ઠ હોય છે. તેથી, યજ્ઞની સાથે સાથે, તમામ મોટાં અનાજ-શ્રીઅન્ન, દેશવાસીઓનાં જીવન અને આહારમાં તેને તેઓ જીવનમાં વધુ ને વધુ સામેલ કરે, પોતાના રોજિંદા આહારનો તે ભાગ બને એ માટે આપણે નવી પેઢીને પણ જાગૃત કરવી જોઇએ અને આ કામ આપ સરળતાથી કરી શકો છો.
ભાઇઓ અને બહેનો,
સ્વામી દયાનંદજીનાં વ્યક્તિત્વમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે. તેમણે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરી હતી. એવું કહેવાય છે કે એક અંગ્રેજ અધિકારી તેમને મળવા આવ્યા અને તેમને ભારતમાં બ્રિટિશ શાસન કાયમ રહે એ માટે પ્રાર્થના કરવા કહ્યું. સ્વામીજીનો નિર્ભિક જવાબ હતો, આંખમાં આંખ નાંખીને તેમણે અંગ્રેજ અધિકારીને કહી દીધું- “સ્વતંત્રતા એ મારો આત્મા છે અને ભારતવર્ષનો અવાજ છે, તે જ મને પ્રિય છે. હું ક્યારેય વિદેશી સામ્રાજ્ય માટે પ્રાર્થના કરી શકતો નથી.” અગણિત મહાપુરુષો, લોકમાન્ય તિલક, નેતાજી સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, લાલા લજપતરાય, લાલા હરદયાલ, શ્યામજી કૃષ્ણ વર્મા, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ જેવા લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓ મહર્ષિજીથી પ્રેરિત હતા. દયાનંદજી, દયાનંદ એંગ્લો-વૈદિક શાળા શરૂ કરનાર મહાત્મા હંસરાજજી હોય, ગુરુકુળ કાંગરીની સ્થાપના કરનાર સ્વામી શ્રદ્ધાનંદજી હોય, ભાઈ પરમાનંદજી હોય, સ્વામી સહજાનંદ સરસ્વતી હોય, આવાં અનેક ઈશ્વરીય વ્યક્તિત્વોએ સ્વામી દયાનંદ સરસ્વતી પાસેથી પ્રેરણા મેળવી હતી. આર્ય સમાજ પાસે મહર્ષિ દયાનંદજીની તે બધી પ્રેરણાઓનો વારસો છે, આપને એ સામર્થ્ય વારસામાં મળ્યું છે. અને તેથી જ દેશને પણ તમારા બધા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આર્ય સમાજના દરેકે દરેક આર્યવીર પાસેથી અપેક્ષા છે. મને વિશ્વાસ છે કે, આર્ય સમાજ રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે આ કર્તવ્ય યજ્ઞોનું આયોજન કરતું રહેશે, માનવતા માટે યજ્ઞનો પ્રકાશ ફેલાવતો રહેશે. આવતાં વર્ષે આર્યસમાજની સ્થાપનાનું 150મું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે. આ બંને પ્રસંગો મહત્વના પ્રસંગો છે. અને હમણાં આચાર્યજીએ સ્વામી શ્રદ્ધાનંદજીની મૃત્યુ તિથિનાં 100 વર્ષ વિશે એટલે કે એક રીતે ત્રિવેણીની વાત થઈ ગઈ. મહર્ષિ દયાનંદજી સ્વયં જ્ઞાનના પ્રકાશ હતા, આપણે સૌ પણ આ જ્ઞાનનો પ્રકાશ બનીએ. જે આદર્શો અને મૂલ્યો માટે તેઓ જીવ્યા, જે આદર્શો અને મૂલ્યો માટે તેમણે જીવન ખપાવ્યું અને ઝેર પીને આપણા માટે અમૃત આપીને ગયા છે, આવનારા અમૃત કાળમાં તે અમૃત આપણને મા ભારતનાં અને કરોડો કરોડો દેશવાસીઓનાં કલ્યાણ માટે નિરંતર પ્રેરણા આપે, શક્તિ આપે, સામર્થ્ય આપે, આજે હું આર્ય પ્રતિનિધિ સભાના તમામ મહાનુભાવોને પણ અભિનંદન આપું છું. જે રીતે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, મને આવીને 10-15 મિનિટ માટે આ બધી વસ્તુઓ જોવાનો મોકો મળ્યો, હું માનું છું કે આયોજન, વ્યવસ્થાપન, શિક્ષણ દરેક રીતે ઉત્તમ આયોજન માટે આપ સૌ અભિનંદનના અધિકારી છો.
ખૂબ ખૂબ શુભકામનાઓ.
ખૂબ ખૂબ આભાર.
YP/GP/JD
We bow to Maharishi Dayanand Saraswati Ji on his 200th Jayanti. He was a beacon of knowledge and spirituality. https://t.co/hcgxL0Ahz4
— Narendra Modi (@narendramodi) February 12, 2023
महर्षि दयानंद सरस्वती जी का दिखाया मार्ग करोड़ों लोगों में आशा का संचार करता है। pic.twitter.com/BpLHb0A2Ik
— PMO India (@PMOIndia) February 12, 2023
महर्षि दयानन्द जी ने आगे आकर वेदों के बोध को समाज में पुनर्जीवित किया। pic.twitter.com/rFuMEzois3
— PMO India (@PMOIndia) February 12, 2023
महिलाओं को लेकर भी समाज में जो रूढ़ियाँ पनप गईं थीं, महर्षि दयानन्द जी उनके खिलाफ भी एक तार्किक और प्रभावी आवाज़ बनकर उभरे। pic.twitter.com/gKKBYcnCAj
— PMO India (@PMOIndia) February 12, 2023
आज देश पूरे गर्व के साथ ‘अपनी विरासत पर गर्व’ का आवाहन कर रहा है। pic.twitter.com/BdKXqYdST0
— PMO India (@PMOIndia) February 12, 2023
जो गरीब है, जो पिछड़ा और वंचित है, उसकी सेवा आज देश के लिए सबसे पहला यज्ञ है। pic.twitter.com/AWEHh1EuQP
— PMO India (@PMOIndia) February 12, 2023