Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવા સંસદ ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નવા સંસદ ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


લોકસભાના અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, રાજ્યસભાના ઉપસભાપતિ શ્રીમાન હરિવંશજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સાથી શ્રી પ્રહલાદ જોષીજી, હરદીપ સિંહ પૂરીજી, અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વર્ચ્યુઅલ માધ્યમ સાથે જોડાયેલા અનેક દેશોની સંસદના અધ્યક્ષો, અહીંયા ઉપસ્થિત અનેક દેશોના રાજદૂતો, ઈન્ટર પાર્લિયામેન્ટરી યુનિયનના સભ્યો, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા દેશવાસીઓ. આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. આજનો દિવસ ભારતની લોકશાહીના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ સમાન છે. ભારતીયો દ્વારા ભારતીયતાના વિચારો સાથે ઓતપ્રોત ભારતના સંસદ ભવનના નિર્માણનો શુભારંભ આપણી લોકશાહી પરંપરાઓના સૌથી મહત્વના મુકામમાંનો એક છે. આપણે સૌ ભારતના લોકો સાથે મળીને સંસદનું આ નવું ભવન બનાવીશું.

સાથીઓ, આનાથી સુંદર શું હોઈ શકે. આનાથી પવિત્ર શું હોઈ શકે કે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવશે તો તે પર્વની સાક્ષાત પ્રેરણા, આપણા સંસદની નવી ઈમારત બનશે. આજે 130 કરોડ કરતાં વધુ ભારતીયો માટે ખૂબ જ સૌભાગ્યનો દિવસ છે, ગર્વનો દિવસ છે કે જ્યારે આપણે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ.

સાથીઓ, નવા સંસદ ભવનનું નિર્માણ નૂતન અને પૂરાતના સહઅસ્તિત્વનું ઉદાહરણ છે. તે સમય અને જરૂરિયાતો મુજબ પોતાનામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ છે. હું મારા જીવનની એ ક્ષણો ક્યારેય પણ ભૂલ શકતો નથી, જ્યારે વર્ષ 2014માં પ્રથમ વખત એક સાંસદ તરીકે મને સંસદ ભવનમાં આવવાની તક મળી હતી ત્યારે લોકશાહીના આ મંદિરમાં પગ મૂકતાં પહેલાં મેં મસ્તક ઝૂકાવીને, માથું ટેકવીને લોકતંત્રના આ મંદિરને નમન કર્યું હતું. આપણાં વર્તમાન સંસદ ભવને આઝાદીના આંદોલન અને તે પછી સ્વતંત્ર ભારતના ઘડતરમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે. આઝાદ ભારતની પ્રથમ સરકારનું ગઠન પણ અહીંયા જ થયું હતું. આ જ સંસદ ભવનમાં આપણા બંધારણની રચના થઈ, આપણાં લોકતંત્રની પુનઃસ્થાપના થઈ, બાબા સાહેબ આંબેડકર અને અન્ય વરિષ્ઠ લોકોએ સેન્ટ્રલ હોલમાં ભારે મંથન પછી આપણને પોતાનું બંધારણ આપ્યું છે. સંસદની હાલની ઈમારત, સ્વતંત્ર ભારતના દરેક ચડાવ- ઉતાર વખતે, આપણાં દરેક પડકારો, આપણાં સમાધાન, આપણી આશાઓ, આકાંક્ષાઓ, આપણી સફળતાનું પ્રતીક બની રહ્યું છે. આ ભવનમાં બનેલો દરેક કાયદો, આ કાયદાઓના નિર્માણ વખતે સંસદ ભવનમાં કહેવામાં આવેલી અનેક ગૂઢ બાબતો, એ બધુ આપણી લોકશાહીના વારસા સમાન છે.

સાથીઓ, સંસદના શક્તિશાળી ઈતિહાસની સાથે-સાથે વાસ્તવિકતાને પણ સ્વીકારવી તે એટલું જ આવશ્યક છે. આ ઈમારત હવે આશરે 100 વર્ષની થઈ છે. વિતેલા દાયકાઓમાં તેની તત્કાલિન જરૂરિયાતોને જોઈને સંસદ ભવનને નિરંતર અપગ્રેડ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં ઘણી વખત દિવાલો પણ તોડવી પડી હતી. ક્યારેક નવી સાઉન્ડ સિસ્ટમ, ક્યારેક ફાયર સેફ્ટી સિસ્ટમ, ક્યારેક આઈટી સિસ્ટમ, લોકસભામાં બેસવાની જગ્યા વધારવા માટે તો દિવોલોને દૂર કરવી પડી હતી. આ બધું કર્યા પછી સંસદનું આ ભવન હવે વિશ્રામ માંગી રહ્યું છે. હમણાં લોકસભાના અધ્યક્ષજી જણાવી રહ્યા હતા કે કેવી રીતે વર્ષોથી મુશ્કેલીભરી સ્થિતિ ઉભી થઈ છે, વર્ષોથી આ નવા સંસદ ભવનની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. આવી સ્થિતિમાં આપણાં સૌની એ જવાબદારી બની રહે છે કે 21મી સદીના ભારતને હવે નવું સંસદ ભવન મળે. આ દિશામાં આજે શુભારંભ થઈ રહ્યો છે અને એટલા માટે જ આજે જ્યારે આપણે એક નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ કરી રહ્યા છીએ ત્યારે વર્તમાન સંસદના સંકુલના જીવનમાં નવા વર્ષો પણ જોડી રહ્યા છીએ.

સાથીઓ, નવા સંસદ ભવનમાં એવી અનેક નવી ચીજો કરવામાં આવી રહી છે કે જેનાથી સાંસદોની કાર્યક્ષમતામાં વધારો થશે, તેમના વર્ક કલ્ચરમાં આધુનિક તરાહ અને પધ્ધતિઓ આવશે. જે રીતે આપણાં સાંસદોને મળવા માટે તેમના સંસદીય વિસ્તારના લોકો આવે છે ત્યારે આ સંસદ ભવનમાં આવનારા લોકોને ખૂબ જ તકલીફ પડે છે. સામાન્ય જનતાને પણ તકલીફ પડે છે, નાગરિકોને તકલીફ પડે છે. સામાન્ય લોકોએ જો પોતાની કોઈ મુશ્કેલી પોતાના સાંસદને જણાવવાની હોય તો, કોઈ સુખ- દુઃખ વહેંચવાનું હોય તો તેના માટે પણ સંસદ ભવનમાં જગ્યાનો ખૂબ જ અભાવ અનુભવાઈ રહ્યો છે. ભવિષ્યમાં દરેક સાંસદ પાસે એવી સુવિધા હશે કે તે પોતાના વિસ્તારના લોકોની નજીકમાં જ આ વિશાળ સંકુલની વચ્ચે તેમને એક એવી વ્યવસ્થા મળશે કે જેનાથી પોતાના સંસદીય વિસ્તારમાંથી આવતા લોકો સાથે તેમના સુખ-દુઃખ વહેંચી શકે.

સાથીઓ, સ્વતંત્રતા પછી જૂના સંસદ ભવને ભારતને દિશા આપી છે, તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના સંસદ ભવનમાં દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે કામ થયું છે, તો નવા ભવનમાં 21મી સદીના ભારતની આશા- આકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે. જે રીતે આજે ઈન્ડિયા ગેટની આગળ નેશનલ વૉર મેમોરિયલ એક રાષ્ટ્રીય ઓળખ બની ગયુ છે, તેવી જ રીતે સંસદનું આ નવું ભવન પણ પોતાની ઓળખ સ્થાપિત કરશે. દેશના લોકો, આવનારી પેઢીઓ નવા ભવનને જોઈને ગર્વનો અનુભવ કરશે કે તે સ્વતંત્ર ભારતમાં બનેલું છે, આઝાદીના 75 વર્ષનું સ્મરણ કરતાં તેનું નિર્માણ થયું છે.

સાથીઓ, સંસદ ભવનની શક્તિનો સ્રોત, તેની ઉર્જાનો સ્રોત આપણું લોકતંત્ર છે. આઝાદી વખતે જે રીતે એક લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારતના અસ્તિત્વ અંગે સંદેહ અને શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે ઈતિહાસનો જ એક હિસ્સો છે. નિરક્ષરતા, ગરીબી, સામાજિક વૈવિધ્ય અને અનુભવહીનતા જેવા અનેક તકની સાથે એવી ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી કે ભારતમાં લોકશાહી સફળ થઈ શકશે નહીં. આજે આપણે ગર્વ સાથે કહી શકીએ તેમ છીએ કે આપણાં દેશે એ આશંકાઓને ખોટી તો પૂરવાર કરી જ છે, પણ સાથે સાથે 21મી સદીની દુનિયા ભારતને એક મહત્વની લોકશાહી તાકાત તરીકે આગળ ધપતાં પણ જોઈ રહી છે.

સાથીઓ, ભારતમાં લોકતંત્ર કેમ સફળ થયું, શા માટે સફળ છે અને શા માટે લોકતંત્રને કોઈ આંચ આવી શકતી નથી તે બાબત આપણી દરેક પેઢીને પણ જાણવી- સમજાવવી ખૂબ આવશ્યક છે. આપણે જોઈએ- સાંભળીએ છીએ કે દુનિયામાં 13મી શતાબ્દીમાં રચાયેલા મેગ્નાકાર્ટાની ખૂબ જ ચર્ચા થતી હતી. કેટલા વિદ્વાનો તો તેને લોકતંત્રના પાયા તરીકે ઓળખાવતા હતા, પરંતુ એ બાબત પણ એટલી જ સાચી છે કે તેનાથી પણ પહેલાં 12મી સદીમાં ભારતમાં જ ભગવાન બશ્વેશરના ‘અનુભવ મંટપમ’ અસ્તિત્વમાં આવી ચૂક્યું હતું. ‘અનુભવ મંટપમ’ સ્વરૂપે તેમણે લોક સંસદનું માત્ર નિર્માણ કર્યું હતું તેવું જ નહીં, તેનું સંચાલન પણ સુનિશ્ચિત કર્યું હતું અને ભગવના બસેશ્વરજીએ કહ્યું હતું કે આ અનુભવા મંટપ જન સભા, નાદીના મટઠું રાષ્ટ્રધા ઉન્નતિગે હાગૂ, અભિવૃધ્ધિગે પૂરકાવગી કેલસા માદુત્થાદે! એનો અર્થ એ થાય છે કે અનુભવ મંટપમ એક એવી જનસભા છે કે જે રાજ્ય અને રાષ્ટ્રના હિતમાં અને તેની ઉન્નતિ માટે તમામ લોકોને સંગઠીત કરીને કામ કરવા માટે પ્રેરણા આપે છે. અનુભવ મંટપમ લોકશાહીનું જ એક સ્વરૂપ હતું.

સાથીઓ, આ કાલખંડથી પણ થોડાં વધુ આગળ જઈએ તો તામિલનાડુમાં ચેન્નાઈથી 80 થી 85 કી.મી. દૂર ઉત્તરા મેરૂર નામના ગામમાં એક ખૂબ જ ઐતિહાસિક સાક્ષ્ય જોવા મળે છે. આ ગામમાં ચોલ સામ્રાજ્ય દરમિયાન 10મી શતાબ્દીમાં પત્થરો ઉપર લખાયેલી પંચાયત વ્યવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે દરેક ગામને કુડુંબુમાં કેટેગરાઈઝ કરવામાં આવતા હતા, જેને આજે આપણે વૉર્ડ કહીએ છીએ. આ દરેક કુડુંબુમાંથી એક-એક પ્રતિનિધિને મહાસભામાં મોકલવામાં આવતો હતો અને જે રીતે હાલમાં બને છે તેમ આ ગામમાં હજારો વર્ષ પહેલાં જે મહાસભા યોજાતી હતી તે, આજે પણ ત્યાં મોજૂદ છે.

સાથીઓ,

1000 વર્ષ પહેલાં બનેલી આ લોકશાહી વ્યવસ્થામાં વધુ એક વાત ખૂબ જ મહત્વની હતી. તે પત્થર પર લખવામાં આવ્યું, તે આલેખમાં વર્ણન કરવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે તે મુજબ લોક પ્રતિનિધિની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની જોગવાઈ પણ તે જમાનામાં હતી. અને નિયમ શું હતો – નિયમ એ હતો કે જે લોક પ્રતિનિધિ પોતાની સંપત્તિની વિગત નહીં આપે તે અને તેના નજીકના સંબંધીઓ ચૂંટણી લડી શકશે નહીં. કેટલા વર્ષો પહેલાં, જરા વિચાર તો કરી જુઓ, કેટલી ઝીણવટપૂર્વક તે સમયે આ પાસાં અંગે વિચારવામાં આવ્યું હતું, સમજવામાં આવ્યું હતું અને તેને પોતાની લોકશાહી પરંપરાનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો.

સાથીઓ, લોકશાહીનો આપણો આ ઈતિહાસ દેશના દરેક ખૂણે જોવા મળે છે, ખૂણે-ખૂણે નજરે પડે છે. કેટલાક શબ્દોથી તો આપણે બરાબર પરિચિત છીએ- સભા, સમિતિ, ગણપતિ, ગણાધિપતિ આ શબ્દાવલી આપણાં મન અને મસ્તિષ્કમાં સદીઓથી પ્રવાહિત છે. સદીઓ પહેલાં શાક્યા, મલ્લમ અને વેજજી જેવા ગણતંત્રો હોય, લિચ્છવી, મલ્લક, મરક અને કમ્બોજ જેવા ગણરાજ્યો હોય કે પછી મૌર્ય કાળમાં કલીંગ- આ બધાંએ લોકશાહીને જ શાસન વ્યવસ્થાનો આધાર બનાવી હતી. હજારો વર્ષ પહેલાં રચવામાં આવેલા આપણાં વેદોમાંથી ઋગવેદમાં લોકતંત્ર અંગે વિચારને સમજ્ઞાન એટલે કે સમૂહ ચેતના કલેક્ટીવ કોન્સિયસનેસ તરીકે જોવામાં આવતો હતો.

સાથીઓ, સામાન્ય રીતે અન્ય સ્થળોએ જ્યારે લોકશાહીની ચર્ચા કરવામાં આવે છે ત્યારે મોટા ભાગે ચૂંટણી, ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટાયેલા સભ્યો, તેમના ગઠનની રચના, શાસન- પ્રશાસન, લોકતંત્રની પરિભાષા, આ બધી ચીજોની આસપાસ રહેતી હતી. આ પ્રકારની વ્યવસ્થા ઉપર અધિક ભાર મૂકવા માટે જ મોટા ભાગના સ્થળોએ તેને લોકશાહી કહેવામાં આવતી હતી, પરંતુ ભારતમાં લોકતંત્ર એક સંસ્કાર છે. ભારત માટે લોકતંત્ર એક જીવન મૂલ્ય છે, જીવન પધ્ધતિ છે, રાષ્ટ્ર જીવનનો આત્મા છે. ભારતનું લોકતંત્ર સદીઓના અનુભવથી વિકાસ પામેલી વ્યવસ્થા છે. ભારત માટે લોકતંત્ર એક જીવન મંત્ર પણ છે, જીવન તત્વ પણ છે અને સાથે સાથે વ્યવસ્થાનું તંત્ર પણ છે. જે તે સમયે તેમાં વ્યવસ્થાઓ બદલાતી રહી હતી, પ્રક્રિયાઓ બદલાતી રહી હતી, પરંતુ આત્મા તો લોકતંત્રની જ રહી હતી અને વિડંબના તો જુઓ, આજે ભારતનું લોકતંત્ર આપણને પશ્ચિમી દેશોના આધારે સમજાવવામાં આવે છે. જ્યારે આપણે વિશ્વાસની સાથે લોકશાહી ઈતિહાસનું ગૌરવગાન કરીશું તો એ દિવસ દૂર નથી કે જ્યારે દુનિયા એવું કહેશે કે ભારત એ લોકશાહીની માતા છે.

સાથીઓ, ભારતમાં લોકશાહીમાં પડેલી શક્તિ જ દેશના વિકાસને નવી ઉર્જા પૂરી પાડી રહી છે, દેશના લોકોને નવો વિશ્વાસ આપી રહી છે. દુનિયાના અનેક દેશોમાં જ્યાં લોકશાહી પ્રક્રિયાઓ બાબતે અલગ અલગ સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ભારતમાં લોકતંત્ર નિત્ય નૂતન બની રહ્યું છે. વર્તમાન વર્ષોમાં મેં જોયું છે કે ઘણાં લોકશાહી દેશોમાં હવે મતદાન આપવા માટે આવતા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. તેનાથી અલગ, ભારતમાં દરેક ચૂંટણી વખતે મત આપવા માટે આવનાર લોકોની સંખ્યા વધી રહી હોય તેવું આપણે જોઈ શકીએ છીએ અને તેમાં પણ મહિલાઓ અને યુવાનોની ભાગીદારી સતત વધતી જઈ રહી છે.

સાથીઓ, આ વિશ્વાસનું, આ શ્રધ્ધાનું કારણ છે. ભારતમાં લોકશાહી હંમેશા શાસનની સાથે સાથે મતભેદ અને વિરોધાભાસ ઉકેલવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ પણ બની રહી છે. અલગ અલગ વિચાર, અલગ અલગ દ્રષ્ટિકોણ જેવી બાબતો એક ધબકતી લોકશાહીને સશક્ત બનાવે છે. મતભેદો માટે હંમેશા સ્થાન રહે છે, પરંતુ તેનાથી જુદા થવું પડે તેવું ક્યારેય થવું જોઈએ નહીં. આવા લક્ષ્ય સાથે આપણી લોકશાહી આગળ ધપી રહી છે. ગુરૂ નાનક દેવજીએ કહ્યું હતું કે – જબ લગુ દુનિયા રહીએ નાનક કિછુ સુનિયે, કિછુ કહીએ. એટલે કે જ્યાં સુધી સંસાર રહે ત્યાં સુધી સંવાદ ચાલુ રહેવો જોઈએ. કશુંક કહેવું અને કશુંક સાંભળવું તે જ તો સંવાદનો પ્રાણ છે. તે લોકતંત્રની આત્મા છે. નીતિઓમાં અંતર હોઈ શકે છે, રાજકારણમાં ભિન્નતા હોઈ શકે છે, પરંતુ જ્યારે આપણે લોકોની સેવા માટે હોઈએ ત્યારે અંતિમ લક્ષ્યમાં કોઈ મતભેદ હોવો જોઈએ નહીં. વાત- સંવાદ સંસદની અંદર હોય કે સંસદની બહાર, રાષ્ટ્ર સેવાનો સંકલ્પ રાષ્ટ્ર હિત માટે સમર્પણ લગાતાર દેખાતું હોવું જોઈએ અને એટલા માટે આજે જ્યારે નવા સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આપણે સૌએ યાદ રાખવાનું રહે છે કે લોકતંત્ર કે જે સંસદ ભવનના અસ્તિત્વનો આધાર છે અને તેની પ્રત્યે આશાવાદ જાળવી રાખવો જરૂરી છે અને તે આપણાં સૌની જવાબદારી છે. આપણે એ હંમેશા યાદ રાખવાનું રહે છે કે સંસદમાં પહોંચેલો દરેક પ્રતિનિધિ જવાબદેહ છે. આ જવાબદેહિતા જનતા તરફની પણ છે અને બંધારણ તરફની પણ છે. આપણો દરેક નિર્ણય રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે થવો જોઈએ. આપણાં દરેક નિર્ણયમાં રાષ્ટ્રહિત સર્વોપરી રહેવું જોઈએ. રાષ્ટ્રીય સંકલ્પોની સિધ્ધિ માટે આપણે એક અવાજ સાથે, એક સૂર સાથે ઉભા રહેવું ખૂબ જ જરૂરી છે.

સાથીઓ, આપણે ત્યાં જ્યારે મંદિરના ભવનનું નિર્માણ થાય છે ત્યારે શરૂઆતમાં તેનો આધાર માત્ર ઈંટ અને પત્થર હોય છે. કારીગર, શિલ્પકાર સૌના પરિશ્રમથી આ ભવનનું નિર્માણ પૂરૂં થતું હોય છે, પરંતુ આ ભવન એક મંદિર ત્યારે બને છે કે જ્યારે તેમાં પૂર્ણતા આવે છે. પૂર્ણતા એ સમયે આવે છે કે જ્યારે તેની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે. પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી તે માત્ર એક ઈમારત જ બની રહે છે.

સાથીઓ, નવું સંસદ ભવન બનીને તૈયાર તો થઈ જશે, પરંતુ તેની પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી તે માત્ર એક ઈમારત જ બની રહેશે, પરંતુ આ પ્રાણ પ્રતિષ્ઠા કોઈ એક મૂર્તિની નથી હોતી. લોકશાહીમાં આ મંદિરમાં આવા કોઈ વિધિ વિધાન પણ કરવામાં આવતા નથી. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને તેમાં ચૂંટાઈને આવેલા લોક પ્રતિનિધિઓ દ્વારા. તેમનું સમર્પણ, તેમની સેવા ભાવના આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. તેમનો આચાર, વિચાર, વ્યવહાર વગેરે લોકશાહીના આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. ભારતની એકતા અને અખંડિતતા બાબતે કરવામાં આવેલા તેમના પ્રયાસ, આ પ્રાણ પ્રતિષ્ઠાની ઉર્જા બનશે. હવે દરેક લોક પ્રતિનિધિ પોતાના જ્ઞાન, પોતાના કૌશલ્ય, પોતાની બુધ્ધિ, પોતાનું શિક્ષણ, પોતાનું અનુભવ પૂર્ણ સ્વરૂપે અહીંયા નિચોડ રજૂ કરશે. રાષ્ટ્રના હિત માટે નિચોડ આપશે. તેનો જ અભિષેક કરશે ત્યારે આ સંસદ ભવનની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અહીંયા રાજ્યસભા, કાઉન્સિલ ઓફ સ્ટેટસ છે, આ એક એવી વ્યવસ્થા છે કે જે ભારતના ફેડરલ માળખાને બળ પૂરૂં પાડે છે. રાષ્ટ્રના વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે, રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે રાજ્યની મજબૂતી, રાષ્ટ્રના કલ્યાણ માટે રાજ્યનું કલ્યાણ- આ મૂળભૂત સિધ્ધાંતની સાથે કામ કરવાનું આપણે વચન લેવાનું છે. પેઢી દર પેઢી આવનારા સમયમાં જે લોક પ્રતિનિધિઓ અહીંયા આવશે તેમના શપથ લેવાની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાના આ મહા યજ્ઞમાં તેમનું યોગદાન શરૂ થઈ જશે. તેનો લાભ દેશના કરોડો લોકોને થવાનો છે. સંસદની આ નવી ઈમારત એક એવું તપ સ્થળ બનશે કે જે દેશવાસીઓના જીવનમાં ખુશાલી લાવવા માટે કામ કરશે, લોક કલ્યાણના કામ કરશે.

સાથીઓ, 21મી સદી ભારતની સદી હોય એવું આપણાં દેશના મહાપુરૂષો અને મહાન નારીઓનું સપનું રહ્યું છે. લાંબા સમયથી આપણે તેની ચર્ચા સાંભળતા આવ્યા છીએ. 21મી સદી ભારતની સદી ત્યારે બનશે કે જ્યારે ભારતનો દરેક નાગરિક પોતાના ભારતને સર્વ શ્રેષ્ઠ બનાવવા માટે પોતાનું યોગદાન આપશે. બદલાતી જતી દુનિયામાં ભારત માટે તકો વધી રહી છે. ઘણી વખત તો એવું લાગે છે કે જાણે અવસરનું પૂર આવ્યું હોય. આ અવસરને આપણે કોઈપણ હાલતમાં, કોઈપણ સ્વરૂપે હાથમાંથી સરી જવા દેવાનો નથી. વિતેલી સદીના અનુભવોએ આપણને ઘણું બધુ શીખવ્યું છે. આ અનુભવોની શીખ આપણને અનેક વખત યાદ અપાવતી રહી છે કે હવે સમય ગૂમાવવો જોઈએ નહીં. સમય જ સાધના છે.

સાથીઓ, એક ખૂબ જૂની અને ખૂબ જ મહત્વની એક વાતનો હું આજે ઉલ્લેખ કરવા માંગુ છું. વર્ષ 1897માં સ્વામી વિવેકાનંદજીએ દેશની જનતાની સામે, આવનારા 50 વર્ષ માટે એક આહ્વાન કર્યું હતું અને સ્વામીજીએ કહ્યું હતું કે આવનારા 50 વર્ષ સુધી ભારત માતાની આરાધના જ સર્વોપરી બની રહેવી જોઈએ. દેશવાસીઓ માટે તેમનું આ જ એ કામ હતું કે ભારત માતાની આરાધના કરવી. ભારત માતાની આરાધના જ સર્વોપરી બની રહે અને આપણે જોયું છે કે આ મહાપુરૂષની વાણીની તાકાત, તેના બરાબર 50 વર્ષ પછી 1947માં ભારતને આઝાદી મળી હતી. આજે જ્યારે સંસદના નવા ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યારે દેશે એક નવા સંકલ્પનો પણ શિલાન્યાસ કરવાનો છે. દરેક નાગરિકે એક નવા સંકલ્પનો શિલાન્યાસ કરવાનો છે. સ્વામી વિવેકાનંદજીના આ આહ્વાનને યાદ કરતાં-કરતાં આપણે સંકલ્પ લેવાનો છે અને આ સંકલ્પ છે ઇન્ડિયા ફર્સ્ટનો, ભારત સર્વોપરી. આપણે માત્રને માત્ર ભારતની ઉન્નતિ, ભારતના વિકાસને જ પોતાની આરાધના બનાવવાની છે. આપણો દરેક નિર્ણય દેશની તાકાતમાં વધારો કરશે. આપણો દરેક નિર્ણય, દરેક ફેંસલો એક જ ત્રાજવામાં તોળાતો રહેવો જોઈએ અને તે ત્રાજવું છે- દેશનું હિત સર્વોપરી, દેશનું હિત સૌથી આગળ. આપણો દરેક નિર્ણય વર્તમાન અને ભાવિ પેઢીના હિતમાં જ રહેવો જોઈએ.

સાથીઓ, સ્વામી વિવેકાનંદજીએ તો 50 વર્ષની વાત કરી હતી. આપણી સામે 25થી 26 વર્ષ પછી આવનારી ભારતની આઝાદીની 100મી વર્ષગાંઠ છે. જ્યારે દેશ વર્ષ 2047માં પોતાની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે દેશ કેવો હશે, આપણે દેશને ક્યાં સુધી આગળ લઈ જવાનો છે. આ બધું 25-26 વર્ષ કેવી રીતે વિતાવવાના છે અને તેના માટે આપણે આજે જ સંકલ્પ લઈને કામ શરૂ કરી દેવાનું છે. જો આપણે આજે સંકલ્પ લઈને દેશ હિતને સર્વોપરી રાખીને કામ કરીશું તો માત્ર દેશનું વર્તમાન જ નહીં, દેશનું ભવિષ્ય પણ બહેતર બનાવી શકીશું. આત્મનિર્ભર ભારતનું નિર્માણ, સમૃધ્ધ ભારતનું નિર્માણ હવે અટકવાનું નથી, કોઈ તેને રોકી શકશે નહીં.

સાથીઓ, આપણે સૌ ભારતના લોકો એવું વચન લઈએ કે – અમારા માટે દેશ હિતથી મોટું અન્ય કોઈ હિત ક્યારેય નહીં હોય. આપણે ભારતના લોકો એવું વચન લઈએ કે અમારા માટે દેશની ચિંતા, ખુદ પોતાની ચિંતા કરતાં પણ વધુ રહેશે. આપણે ભારતના લોકો એવું વચન લઈએ કે અમારા દેશની એકતા- અખંડિતતાથી વધુ કોઈ બાબત નથી. આપણે ભારતના લોકો એવું વચન લઈએ કે આપણાં દેશ માટે બંધારણની માન મર્યાદા અને તેની અપેક્ષાઓ પૂર્ણ કરવી તે જ જીવનનું સૌથી મોટું ધ્યેય બની રહેશે. આપણે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની એ ભાવનાને હંમેશા યાદ રાખવાની છે અને ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની ભાવના શું હતી- ગુરૂદેવ કહેતા હતા કે एकोता उत्साहो धॉरो, जातियो उन्नॉति कॉरो, घुशुक भुबॉने शॉबे भारोतेर जॉय! એનો અર્થ એ થાય છે કે એકતાનો ઉત્સાહ જળવાઈ રહેવો જોઈએ. દરેક નાગરિક ઉન્નતિ કરે, સમગ્ર વિશ્વમાં ભારતનો જય જયકાર થાય !

મને વિશ્વાસ છે કે આપણી સંસદનું આ નવું ભવન આપણાં સૌની સમક્ષ એક નવો આદર્શ રજૂ કરવાની પ્રેરણા આપશે. આપણી લોકશાહી સંસ્થાઓની વિશ્વસનીયતા હંમેશા વધુ મજબૂત બનતી રહે તેવી ભાવના સાથે હું મારી વાણીને અહીં વિરામ આપું છું અને 2047ના સંકલ્પને સાથે મળીને સમગ્ર દેશવાસીઓએ આગળ ધપવાનું છે તેના માટે હું નિમંત્રણ આપું છું.

આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ! !

SD/GP/BT