મહામહિમ્ન પ્રધાનમંત્રી જનરલ પ્રાયુત ચાન-ઓ-ચા, સન્નારીઓ અને સજ્જનો,
આપણા ઉચ્ચ સ્તરીય રાજકીય આદાન પ્રદાન માટે આપની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે.
તમે એવા પ્રદેશથી આવો છો, જે ભૂમિ અમારી ખૂબ પરિચિત છે.
રામની દંતકથાઓથી માંડીને બુદ્ધના જ્ઞાન સુધી આપણાં જોડાણોના પાયા પરસ્પર વહેંચાયેલા સાંસ્કૃતિક વારસા પર રચાયેલા છે. વ્યક્તિથી વ્યક્તિ સાથેનું આપણું ઐતિહાસિક જોડાણ આપણી ભાગીદારીને મજબૂત આધાર આપે છે.
થાઈલેન્ડ, વિશ્વસનીય અને મૂલ્યવાન મિત્ર છે અને દક્ષિણ પૂર્વ એશિયામાં અમારા સૌથી નજીકના ભાગીદારોમાં સ્થાન ધરાવે છે.
મિત્રો,
આજે, પ્રધાનમંત્રી અને મેં અમારા તમામ દ્વિપક્ષીય જોડાણોની સમીક્ષા કરી.
સાંસ્કૃતિકથી માંડીને વાણિજ્યને લગતા;
બંને દેશના લોકો વચ્ચે વધુ ગાઢ સંપર્કોથી માંડીને વધુ મજબૂત કનેક્ટિવિટી; અને
આતંકવાદને નાથવાથી માંડીને સંરક્ષણ અને સુરક્ષા સુધીના મુદ્દાઓ પર વાતચીત કરી.
અમે બંને એ બાબત જાણીએ છીએ કે ઝડપથી ફેલાઈ રહેલો આતંકવાદ અને કટ્ટર વિચારધારા બંને દેશના લોકો માટે સમાન પડકાર છે.
અને, અમે અમને એ પણ જણાયું છે કે સુરક્ષા ક્ષેત્રે અમારી મજબૂત ભાગીદારી અમારા દેશના લોકોને આ પડકારો સામે સલામતિ આપવામાં મદદગાર બનશે.
આ પડકારોનો સામનો કરવા માટે અમારા સમાન ધ્યેયમાં, ખાસ કરીને ભારત, થાઈલેન્ડની મદદ અને સહકાર માટે તેના તરફ કૃતજ્ઞ છે.
આતંકવાદને નાથવામાં સહકારથી પણ આગળ વધીને અમે સાયબર સિક્યોરિટી, નાર્કોટિક્સ, દેશ-વિદેશમાં આચરવામાં આવતા આર્થિક ગુનાઓ અને માનવ તસ્કરી જેવા ક્ષેત્રોમાં પણ સુરક્ષાને લગતા અમારાં જોડાણો વધુ મજબૂત બનાવવા અમે સહમત થયા છીએ.
મિત્રો,
અમારા બંને દેશો વચ્ચેના જમીનના સીમાડા કંઈ બહુ દૂર નથી.
અને, અમે દરિયાઈ માર્ગે પણ પાડોશી છીએ.
એટલે, પ્રધાનમંત્રી અને હું સંરક્ષણ અને દરિયાઈ બાબતોના ક્ષેત્રે સહકાર માટે વધુ મજબૂત ભાગીદારી સ્થાપવા માટે સંમત થયા છીએ.
આ ભાગીદારી અમારા દ્વિપક્ષીય હિતો સાચવશે અને અમારા સમાન પ્રાદેશિક ધ્યેયો હાંસલ કરવામાં મદદરૂપ બનશે.
આ ભાગીદારીમાં,
નિષ્ણાતો અને અનુભવોના આદાન પ્રદાન,
મોટા પાયે કર્મચારીઓના આદાન પ્રદાન અને અન્ય બાબતો,
દરિયામાં ચાંચિયાગીરીને ડામવા સહકાર,
દરિયામાં સૈન્યના પેટ્રોલિંગમાં વધુ સહકાર અને
સંરક્ષણ, સંશોધન અને વિકાસ તેમજ ઉત્પાદનના ક્ષેત્રે જોડાણો સ્થાપવા જેવી બાબતો સામેલ થશે.
મિત્રો,
આજે પરસ્પર અવલંબિત વિશ્વમાં વેપાર અને વાણિજ્યના પ્રવાહો મહત્ત્વની જીવાદોરી બન્યા છે.
મહામહિમ્ન અને હું એ બાબતે સંમત થયા છીએ કે વધુ વિવિધતાભર્યા વ્યાપારી જોડાણો માત્ર અમારા બંને દેશોના અર્થતંત્રને જ લાભદાયક નહીં બને, પરંતુ તે સ્થાનિય આર્થિક સમૃદ્ધિ પણ વધારશે.
આ સંદર્ભે, આજે દિવસના પછીના હિસ્સામાં ભારત અને થાઈલેન્ડની સંયુક્ત બિઝનેસ ફોરમની સૌપ્રથમ બેઠકને અમે આવકારીએ છીએ. અમે તેને અને વેપાર ક્ષેત્રના અન્ય હિસ્સેદારોને અમારા બંને દેશોમાં વેપારની ઉભરતી તકોનો લાભ લેવા આગેવાની લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
વેપારની સાથે સાથે મેન્યુફેક્ચરીંગ અને રોકાણના મહત્ત્વનાં જોડાણો માટે પણ અપાર તકો રહેલી છે.
થાઈલેન્ડની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે રહેલી નોંધપાત્ર શક્તિ અને આ ક્ષેત્રમાં ભારતની પ્રાથમિકતાનો તાલમેળ જોવા મળ્યો છે.
ઈન્ફર્મેશન ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, ઓટો-કોમ્પોનેન્ટ્સ અને મશીનરી જેવાં અન્ય ક્ષેત્રે પણ આશાસ્પદ જોડાણોની તકો છે.
અમે અમારી સમાન પ્રાથમિકતા તરીકે સંતુલિત કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે તેમ માનીએ છીએ.
મિત્રો,
પ્રધાનમંત્રી અને હું એ બાબતથી સંપૂર્ણ વાકેફ છીએ કે અમારા દેશો વચ્ચે માલસામાન, સેવાઓ, મૂડી અને માનવ સંસાધનના સરળ પ્રવાહ માટે અવકાશ, જમીન અને દરિયાઈ માર્ગોનું મજબૂત નેટવર્ક હોય તે જરૂરી છે.
એટલે અમે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડનો ત્રણ દેશો વચ્ચેના ધોરીમાર્ગને પૂરો કરવાને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે અને ત્રણેય દેશો વચ્ચે મોટર વ્હીકલ્સ એગ્રીમેન્ટ પર પણ વહેલી તકે હસ્તાક્ષર થાય એને પ્રાથમિકતા આપી છે.
ભારતના વિકાસ માટે કનેક્ટિવિટી પણ પ્રાથમિકતાનો જ વિષય છે.
અમારા ઉત્તરપૂર્વીય રાજ્યોથી દક્ષિણપૂર્વ એશિયાના દેશો સાથેના જોડાણો સુધરતા બંને દેશોના લોકોને લાભ થશે.
મિત્રો,
માત્ર દ્વિપક્ષીય વ્યાપારી જોડાણો વધારવા જ નહીં, પરંતુ બંને દેશોના લોકોને પરસ્પર વધુ નજીક લાવવા અને વિજ્ઞાન, શિક્ષણ, સંસ્કૃતિ તેમજ પ્રવાસનનાં જોડાણો વધારવા માટે પણ કનેક્ટિવિટી વધુ મજબૂત હોવી જરૂરી છે.
આગામી વર્ષે, અમારા રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ ઉજવવા અમે થાઈલેન્ડમાં ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા અને ભારતમાં ફેસ્ટિવલ ઑફ થાઈલેન્ડ ઉજવીશું.
આ વર્ષે, ભારત, દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરની 125મી જન્મજયંતિ પણ ઉજવી રહ્યું છે.
મને એ જણાવતા ઘણો આનંદ થાય છે કે ભારતીય બંધારણ ટૂંક સમયમાં જ થાઈ ભાષામાં અનુવાદિત થશે.
હું એ જાહેર કરતાં પણ આનંદ અનુભવું છું કે થાઈલેન્ડથી વધુ પ્રવાસીઓને ભારત આવકારવા માટે તેમજ તેમને ભારતમાં બૌદ્ધ સ્થળોની મુલાકાત કરાવવા માટે અમે ટૂંક સમયમાં જ થાઈલેન્ડના નાગરિકો માટે ડબલ એન્ટ્રી ઈ-ટુરિસ્ટ વિઝા શરૂ કરીશું.
મહામહિમ્ન,
થાઈલેન્ડના રાજવી પરિવારને ભારત પ્રત્યે જે ઉષ્મા અને સ્નેહ છે, એ માટે અમને કાયમ અહોભાવ છે.
મહામહિમ્ન રોયલ પ્રિન્સેસ મહા ચક્રી સિરિન્ધોર્ન, ભારતની અવારનવાર મુલાકાત લેનારાં અત્યંત સન્માનનીય અતિથિ રહ્યાં છે.
આ વર્ષના અંતે અમે તેમને ફરી ભારતમાં આવકારવા આતુર છીએ.
અમે મહામહિમ્ન રોયલ ક્રાઉન પ્રિન્સ વજિરાલોન્ગ્કોર્નને પણ એમને જ્યારે પણ વહેલામાં વહેલી અનુકૂળતા હોય ત્યારે ભારતમાં આવકારવા આતુર છીએ.
અંતે, થાઈલેન્ડની લૂક વેસ્ટ અને ભારતની એક્ટ ઈસ્ટની નીતિઓ એકસાથે જોડાતાં અમારી ભાગીદારીના ભાવિનો રસ્તો પ્રકાશમય બને છે.
મહામહિમ્ન, હું ફરીવાર આપને અને આપના પ્રતિનિધિમંડળને ભારતમાં આવકારું છું.
આભાર.
AP/J.Khunt/GP