પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે તામિલનાડુમાં કોલાચેલ પાસે એનાયમ ખાતે એક વિરાટ બંદરની સ્થાપનાને “સૈદ્ધાંતિક” મંજુરી આપી છે.
આ બંદરના વિકાસ માટે એક સ્પેશિયલ પરપઝ વેહિકલ (એસપીવી)ની રચના કરાશે અને તેમાં પ્રારંભિક મૂડીરોકાણ તામિલનાડુના જ મોટા બંદરો – વી.ઓ. ચિદામ્બરનાર પોર્ટ ટ્રસ્ટ, ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ અને કામરાજાર પોર્ટ લિમિટેડ દ્વારા કરાશે. એસપીવી દ્વારા પોર્ટ ખાતેની ડ્રેજીંગ અને રેક્લેમેશન, બ્રેકવોટરનું નિર્માણ, કનેકટીવીટી લિંક્સ વગેરે જેવી માળખાકિય સુવિધાઓ વિકસાવવામાં આવશે.
હાલમાં પુરતો ડ્રાફટ ધરાવતા અને કાર્યદક્ષતા સાથે વૈશ્વિક સ્તરની કાર્ગોની હેરફેર કરવા સક્ષમ પોર્ટ્સની સંખ્યા ભારતમાં ઘણી ઓછી છે. ભારતનો ટ્રાન્શિપમેન્ટ ટ્રાફિક સંપૂર્ણપણે કોલંબો, સિંગાપોર તથા બીજા આંતરરાષ્ટ્રીય બંદરો ખાતેથી હેન્ડલ થાય છે. ભારતીય બંદર ઉદ્યોગ દર વર્ષે રૂપિયા 1,500 કરોડ જેટલી મહેસૂલી આવક આ કારણસર ગુમાવે છે.
એનાયમ ખાતે વિરાટ બંદરની સ્થાપનાથી હાલમાં ભારતના જે કાર્ગોનું ટ્રાન્શિપમેન્ટ દેશ બહારથી થાય છે, તેના માટે તો એ મુખ્ય ગેટવે કન્ટેઈનર પોર્ટ બની જ રહેશે, તે ઉપરાંત પૂર્વ-પશ્ચિમના વેપાર રૂટ ઉપર વૈશ્વિક ટ્રાન્શિપમેન્ટ હબ તરીકે પણ તે ઉભરી આવશે.
એનાયમ પોર્ટ દક્ષિણ ભારતના આયાતકારો અને નિકાસકારો માટે પણ લોજિસ્ટિક્સના ખર્ચમાં ઘટાડો સંભવ બનાવશે, કારણ કે આ વેપાર હાલમાં કોલંબો કે અન્ય બંદરો ઉપર ટ્રાન્શિપમેન્ટ માટે આધારિત છે અને તેના કારણે તેમણે વધારાનો પોર્ટ હેન્ડલિંગ ખર્ચ ભોગવવો પડે છે.
AP/TR/GP