Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તાન્ઝાનિયાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અખબારી નિવેદન (10 જુલાઈ, 2016)

તાન્ઝાનિયાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અખબારી નિવેદન (10 જુલાઈ, 2016)


હિઝ એક્સલન્સી, રાષ્ટ્રપતિ જોહન માગુફૂલી,

મીડિયાના પ્રતિનિધિઓ,

થેન્ક યૂ, એક્સલન્સી, તમારા ઉષ્માસભર આવકાર બદલ.

મને અને મારા પ્રતિનિધિમંડળના ઉદાર આતિથ્ય-સત્કાર બદલ પણ હું આપનો આભારી છું.

આફ્રિકાના ચાર દિવસની મારી મુલાકાતનો આજે ચોથો દિવસ છે. આજે અમે વાઇબ્રન્ટ સિટી દાર-એસ-સલામમાં છીએ અને તે ખરેખર આનંદની વાત છે. એક્સલન્સી, તમે આપણા સંબંધની ક્ષમતા અને ભવિષ્યની સંભવિતતા વિશે હમણાં જણાવ્યું છે અને તેના પર હું સંમત છું.

મિત્રો,

આફ્રિકાના પૂર્વ કિનારાના દેશો, ખાસ કરીને તાન્ઝાનિયા ભારત સાથે મજબૂત સંબંધો ધરાવે છે. આપણે સદીઓથી દરિયાઈ પડોશી દેશો છીએ. આપણા નેતાઓ અને આપણી જનતા ખભેખભો મિલાવીને સંસ્થાનવાદ અને રંગભેદ સામે લડ્યા છે.

આપણા વેપારીઓ 19મી સદીની શરૂઆતથી વેપારવાણિજ્યના સેતુથી જોડાયેલા છે. અને હિંદ સાગરના પહોળા પટ્ટાએ આપણા સમાજ અને આપણા લોકો વચ્ચેના સંબંધને વધુને વધુ મજબૂત કર્યો છે.

મિત્રો,

રવિવારે મારી મુલાકાત પર સંમત થવા બદલ હું રાષ્ટ્રપતિ માગુફૂલીનો હૃદયપૂર્વક આભારી છું. તેમનો આદર્શ છે – “હાપા કાઝી ટુ” એટલે કે કામ, કામ અને કામ.

રાષ્ટ્રપતિ માગુફૂલી પાસે દેશનું નિર્માણ કરવાની, દેશનો વિકાસ કરવાની અને ઔદ્યોગિકરણ કરવાની દ્રષ્ટિ છે અને આ જ સ્વપ્ન હું ભારત માટે સેવું છું.

મિત્રો,

ભારત તાન્ઝાનિયાનો મહત્ત્વપૂર્ણ ભાગીદાર રાષ્ટ્ર છે. આપણા આર્થિક જોડાણો મજબૂત થઈ રહ્યા છે અને આપણી ભાગીદારી વધી રહી છે.

– આપણો દ્વિમાર્ગીય વાર્ષિક વેપાર આશરે 3 અબજ ડોલરનો છે;

– તાન્ઝાનિયામાં ભારતનું રોકાણ આશરે 3 અબજ ડોલર છે; અને

– તાન્ઝાનિયામાં ભારતીય વ્યવસાયો વૃદ્ધિ અને વિસ્તરણના માર્ગે અગ્રેસર છે.

અમે તાન્ઝાનિયાના વિકાસની પ્રાથમિકતાઓ પરિપૂર્ણ કરવા વિશ્વનિય ભાગીદાર છીએ અને અમને તેનો ગર્વ છે.

આજે મેં અને રાષ્ટ્રપતિ મેગાફુલએ આપણી ભાગીદારી સાથે સંબંધિત તમામ બાબતો પર વિગતે ચર્ચા કરી હતી.

અમારું ધ્યાન સહકારની નક્કર કાર્યસૂચિને બનાવવા પર કેન્દ્રીત હતું, એટલે અમે ભવિષ્યની શક્ય બાબતો પર ઓછી અને વાસ્તવિક સિદ્ધિઓ પર વધારે વાતો કરી હતી.

અમે સંમત થયા હતા કે આપણે આપણા સમાજમાં આર્થિક સમૃદ્ધિ લાવવા ઇચ્છીએ છીએ અને આ માટે આપણે રોજગારીની નવી તકો ઊભી કરવા એકબીજાને સહકાર આપવો પડશે.

આ માટે અમારા બંનેનું માનવું છે કે આપણેઃ

– એક, આપણે કૃષિ અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં ભાગીદારીને વધારે મજબૂત કરવાની જરૂર છે. તેમાં તાન્ઝાનિયાથી ભારત અનાજ-કઠોળની નિકાસમાં વધારો સામેલ છે;

– બે, વિકાસ અને કુદરતી ગેસના ઉપયોગ માટે સંયુક્તપણે કામ કરવાની જરૂર છે;

– ત્રણ, તાન્ઝાનિયામાં ઔદ્યોગિક અર્થતંત્ર, ક્ષમતાઓ અને સંસ્થાઓના નિર્માણમાં ભાગીદાર બનવાની જરૂર છે;

– ચાર, ઉદ્યોગો વચ્ચે સંબંધોને પ્રોત્સાહન આપીને આપણા વેપાર અને રોકાણની ભાગીદારીને વધારે મજબૂત કરવાની જરૂર છે.

મિત્રો,

વિકાસશીલ દેશ તરીકે ભારત આપણા લોકોના જીવનની ગુણવત્તામાં ઝડપથી સુધારાની જરૂરને સમજે છે.

એક મિત્ર રાષ્ટ્ર તરીકે તમે તમારી જનતા માટે જે હાંસલ કરવા ઇચ્છો છો, તે દિશામાં જ અમે પ્રયાસરત છીએ.

આ સંબંધમાં દાર-એ-સલામ માટે પાણી પુરવઠો વધારવાનો 100 મિલિયન ડોલરનો પ્રોજેક્ટ પૂર્ણ થવો મોટી સિદ્ધિ છે.

હવે અમે 92 મિલિયન ડોલરની ક્રેડિટના બદલામાં ઝાંઝિબારમાં પાણી પુરવઠાના પ્રોજેક્ટ પર એક સમજૂતી પર પણ હસ્તાક્ષર કર્યા છે. અમે 17 શહેરો માટે પાણીના અન્ય પ્રોજેક્ટ પર પણ કાર્યરત છીએ. અને આ માટે ભારત 500 મિલિયન ડોલરની કન્સેશનલ ક્રેડિટ પર વિચારવા તૈયાર છે. જાહેર આરોગ્ય આપણી ભાગીદારીનું અન્ય એક મહત્ત્વપૂર્ણ પાસું છે.

અમે તાન્ઝાનિયા સરકારની હેલ્થકેર પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા તૈયાર છીએ, જેમાં દવાઓ અને ઉપકરણોની સપ્લાય સામેલ છે. મારે તમને જણાવવું જોઈએ કે બુગાન્ડો મેડિકલ સેન્ટરમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે ભારતીય રેડિયો-થેરપી મશીન સ્થાપિત થયું છે.

તમારી પ્રાથમિકતાના અન્ય ક્ષેત્રો છે – શિક્ષણ, રોજગારલક્ષી તાલીમ અને કૌશલ્ય સંવર્ધન. આ ક્ષેત્રોમાં ભારત શક્ય તમામ સહાય ઓફર કરવા તૈયાર છે. આરુષામાં નેલ્સન મંડેલા આફ્રિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આઇટી રિસોર્સ સેન્ટરનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. તાન્ઝાનિયાની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ મુજબ ભારત હંમેશા તેને સાથસહકાર આપશે.

મિત્રો,

હિંદ મહાસાગર પર પડોશીઓ તરીકે રાષ્ટ્રપતિ અને હું સંરક્ષણ ક્ષેત્રમાં આપણી ભાગીદારીને વધારે મજબૂત કરવા સંમત થયા છીએ, ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રમાં.

અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી, જે સામાન્ય હિત અને ચિંતાઓના મુદ્દાઓ પર અમારી સંયુક્ત કામગીરી કરવાની પહેલને પ્રતિબિંબિત કરે છે.

અત્યારે આખું વિશ્વ આતંકવાદ અને આબોહવામાં ફેરફારની બે મુખ્ય સમસ્યાનો સામનો કરે છે, જેની સામે હાથમાં હાથ મિલાવાની, દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે લડવા અમે સમંત થયા હતા.

આબોહવાના ફેરફાર પર ભારતે પેરિસમાં યોજાયેલી સીઓપી 21 બેઠકમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના કરવાના પ્રયાસોની આગેવાની લીધી હતી. આ ગઠબંધનને 120 દેશો જોડાયા છે અને અમે મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે તાન્ઝાનિયાને આવકારીએ છીએ.

મિત્રો,

અમને ભારતમાં તાન્ઝાનિયાના દરેક રાષ્ટ્રપતિનું સ્વાગત કરવાનું સન્માન મળ્યું છે. હું ભારતમાં શક્ય તેટલી વહેલી તકે રાષ્ટ્રપતિ માગુફૂલીનું સ્વાગત કરવા આતુર છું. રાષ્ટ્રપતિ, તમારી મૈત્રી અને તમારા ઉષ્માસભર આવકાર બદલ હું તમારો આભાર માનીને વિરામ લઉં છું.

ધન્યવાદ.

થેન્ક યૂ વેરી મચ

AP/TR/GP