સાથીઓ,
જેસલમેર એરબેઝ પર મને ઘણીવાર આવવાનો અવસર તો મળ્યો છે પરંતુ કાર્યક્રમોની શ્રેણી એવી રહે છે કે ના તો ક્યારેય રોકાવાનો, કે કોઈ સાથે વાત કરવાનો અવસર રહે છે પરંતુ આજે મારુ સૌભાગ્ય છે કે મને એક્સક્લુઝિવલી આપ સૌની વચ્ચે સમય અને દિવાળીનું પર્વ ઉજવવા માટે આવવાનો અવસર મળ્યો છે. તમને, તમારા પરિવારના પ્રત્યેક સદસ્યને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
સાથીઓ,
દિવાળીના દિવસે દરવાજા ઉપર કે ગેટની સામે શુભ લાભ અથવા તો રિદ્ધિ સિદ્ધિ એવી રંગોળી બનાવવાની પરંપરા રહી છે. તેની પાછળની વિચારધારા એ જ હોય છે કે દિવાળી ઉપર આપણે ત્યાં સમૃદ્ધિ આવે. હવે જે રીતે ઘરોમાં દરવાજા હોય છે તે જ રીતે રાષ્ટ્રની આપણી સીમાઓ આપણાં રાષ્ટ્રનું એક રીતે દ્વાર હોય છે. એવામાં રાષ્ટ્રની સમૃદ્ધિ તમારા લીધે છે, રાષ્ટ્રનું શુભ લાભ તમારાથી છે, રાષ્ટ્રની રિદ્ધિ સિદ્ધિ તમારાથી છે અને તમારા પરાક્રમથી છે. એટલા માટે જ આજે દેશના દરેક ઘરમાં આપ સૌનું ગૌરવગાન કરતાં કરતાં તમારી માટે દીવા પ્રગટાવીને લોકો પોતાની ભાવનાઓ પ્રગટ કરી રહ્યા છે. દિવાળીના આ દીવા તમારા પરાક્રમના પ્રકાશથી ઝગમગ થઈ રહ્યા છે. દિવાળીના આ દીવા તમારા સન્માનમાં હિન્દુસ્તાનના દરેક ખૂણામાં, દરેક પરિવારમાં પ્રજ્વલિત થઈ રહ્યા છે. હું આ ભાવનાઓ સાથે જ આજે તમારી વચ્ચે આવ્યો છું. તમને, તમારી દેશભક્તિને, તમારા શિસ્તને, દેશની માટે જીવવા મરવાના તમારા જુસ્સાને, હું આજે નમન કરવા આવ્યો છું.
સાથીઓ,
આજે જો ભારતના વૈશ્વિક પ્રભાવને જોવામાં આવે તો તે આર્થિક, સાંસ્કૃતિક અને સૈન્ય દરેક સ્તર પર મજબૂત બની રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે. ભારતની યુવા પ્રતિભાનું પણ વિશ્વમાં સન્માન દિવસે દિવસે વધતું જ જઈ રહ્યું છે અને જો દેશની વાત કરીએ તો અહિયાં સીમાના આ ક્ષેત્રમાં તો આ ત્રણેયના દર્શન થતાં જોવા મળે છે. વિતેલા કેટલાક વર્ષોમાં જે ગતિ અને સ્કેલ પર તમને સશક્ત કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે તે આપણી આર્થિક શક્તિને દર્શાવે છે. આપ સૌ જુદા જુદા રાજ્યોની પરંપરાઓ, ત્યાંની વિવિધતાને સમેટીને આવેલા છો. દુનિયાની સૌથી મોટી સૈન્ય શક્તિમાંથી એકનું નિર્માણ કરો છો. આપણી સેનાની તાકાત એવી છે કે જ્યારે કોઈ ત્રાંસી નજર આપણી બાજુ કરે છે તો તેને તેની જ ભાષામાં જવાબ આપવાની તાકાત તમારા બધામાં હોય છે. આ એવી વાતો છે કે જે ભારતની સેનાને દુનિયાની નજરમાં હજુ વધારે વિશ્વસનીય બનાવે છે. આજે ભારતની સેનાઓ દુનિયાના મોટા મોટા દેશોની સાથે સહયોગાત્મક અભ્યાસ કરી રહી છે. આતંક વિરુદ્ધ આપણે રણનીતિની ભાગીદારી કરી રહ્યા છીએ. ભારતની સેનાઓએ બતાવ્યું છે કે તે આતંકના ઠેકાણા ઉપર ગમે ત્યારે ગમે ત્યાં સ્ટ્રાઈક કરી શકે તેમ છે. આ પણ ભારતીય સૈન્ય દળ જ છે જે દુનિયાના ખૂણામાં પીસ કીપીંગ મિશનની આગેવાની પણ કરે છે. ભારતીય સેના જ્યાં દુશ્મનોને તોડી નાખવામાં સક્ષમ છે ત્યાં બીજી બાજુ આપત્તિઓમાં દીવાની જેમ પોતાની જાતને પ્રગટાવીને બીજાઓના જીવનને પણ પ્રકાશિત કરી નાખે છે.
સાથીઓ,
કોરોના વડે પ્રભાવિત આપણાં નાગરિકોને વિદેશથી સુરક્ષિત પાછા લાવવામાં એર ફોર્સ અને આપણી નૌસેનાની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય રહી છે. કોરોનાના ચેપ દરમિયાન જ્યારે વુહાન જવા માટેનો એક પડકાર હતો અને તેની ભયાનકતાની હજી તો શરૂઆત જ હતી અને વુહાનમાં જ્યાં ત્યાં ફસાયેલા આપણાં ભારતીયોને કાઢવાના હતા તો એરફોર્સના લોકો સૌથી પહેલા આગળ આવ્યા હતા. કેટલાક એવા દેશો પણ હતા જેમણે પોતાના લોકોને વુહાનમાં તેમના નસીબના ભરોસે છોડી દીધા હતા પરંતુ ભારતે માત્ર પોતાના નાગરિકોને ત્યાંથી જ બહાર નથી કાઢ્યા પરંતુ કેટલાય અન્ય દેશોની પણ આપણાં એરફોર્સના જવાનોએ મદદ કરી હતી. ઓપરેશન સમુદ્ર સેતુના માધ્યમથી પણ વિદેશો, કે જ્યાં હજારો ભારતીય આપણી નૌસેનાના કારણે સુરક્ષિત રીતે ભારત પરત ફરી શક્યા છે. દેશ જ નહિ પરંતુ માલદીવ, મોરેશિયસ, અફઘાનિસ્તાનથી લઈને કુવૈત, કાંગો અને સાઉથ સુદાન સહિત અનેક મિત્ર દેશોની મદદમાં પણ વાયુ સેના સૌથી આગળ રહી છે. વાયુ સેનાના સહયોગથી જ સંકટના સમયમાં સેંકડો ટનની રાહત સામગ્રી જરૂરિયાત મંદો સુધી સમયસર પહોંચી શકી હતી.
સાથીઓ,
કોરોના કાળમાં તમારા બધાના આ પ્રયાસોની વધારે ચર્ચા તો નથી થઈ શકી અને એટલા માટે જ હું આજે ખાસ કરીને દેશનું ધ્યાન તે બાજુ આકર્ષિત કરી રહ્યો છું. ડીઆરડીઓ હોય કે આપણી ત્રણેય સેનાઓ હોય, બીએસએફ સહિત આપણી તમામ પેરા મિલીટરી ફોર્સે કોવિડ સાથે જોડાયેલા સાધનોને લઈને કવોરંટાઇન તેમજ ઈલાજ સુધીમાં જે રીતે યુદ્ધના ધોરણે કામ કર્યું છે, તે અભૂતપૂર્વ છે. જ્યારે શરૂઆતમાં સેનિટાઇઝર તથા ફેસ માસ્કથી લઈને પીપીઈ સુધીના પડકારો હતા ત્યારે દેશની આ જરૂરિયાતોને પૂરી કરવાનું બીડું તમે બધાએ ઝડપ્યું હતું. પ્રોટેક્શન કીટ હોય, વેન્ટિલેટર્સ હોય, મેડિકલ ઑક્સીજન સાથે જોડાયેલ સુવિધાઓ હોય, કે દવાખાના હોય, દરેક સ્તર પર તમે બધાએ તમારું મહત્વનું યોગદાન આપ્યું છે. એટલું જ નહિ, જ્યારે દેશના અનેક ભાગોમાં ભીષણ ચક્રવાત આવ્યા ત્યારે પણ તમે મુશ્કેલીમાં ફસાયેલા નાગરિકોની મદદ કરી, તેમને સહારો આપ્યો છે. તમારા ત્યાગ અને તપસ્યા વડે ઝગમગ થઈ રહેલા તમારા જીવન, તેમાંથી જ પ્રેરણા લઈને આજે દરેક ભારતીય દિવાળીના દીવા પ્રગટાવે અને દિવાળીના દીવા પ્રગટાવીને તમારું ગૌરવગાન કરી રહ્યા છે.
સાથીઓ,
આપ સૌએ સાથે મળીને એ પણ નિશ્ચિત કર્યું છે કે કોરોના સંક્રમણ આપણી ઓપરેશનલ યુનિટને કોઈપણ સંજોગોમાં અસર ના કરી શકે. આર્મી હોય, નેવી હોય, કે પછી એર ફોર્સ હોય, કોઈએ પણ પોતાની તૈયારીઓને કોરોનાના કારણે ના તો રોકાવા દીધી, અને ના તો અટકવા દીધી. કોરોના કાળમાં જ અહિયાં જેસલમેરમાં પણ અને આપણાં સમુદ્રમાં પણ સૈન્ય અભ્યાસ સતત ચાલુ રહ્યા છે. એવા સમયમાં જ્યારે દુનિયાના અનેક દેશો લગભગ રોકાઈ ગયા હોય તે વખતે આટલી ગતિએ આગળ વધવું એ સરળ નથી હોતું પરંતુ તમે એ પણ કરીને બતાવ્યું છે. કોરોના કાળમાં જ આધુનિક અસ્ત્ર શસ્ત્ર તેમજ સાજ સામાનની ડિલિવરી અને ઇન્ડક્શન બંને ઝડપથી થયા છે. આ જ તે સમય રહ્યો છે કે જ્યારે 8 આધુનિક રાફેલ વિમાન દેશની સુરક્ષા કવચના ભાગ બન્યા હતા. આ જ કોરોના કાળમાં તેજસની સ્કવોડ્રન કાર્યરત થઈ હતી. અપાચે અને ચિનુક હેલિકોપ્ટરની સંપૂર્ણ તાકાત પણ આ જ દરમિયાન આપણને મળી હતી. ભારતમાં જ તૈયાર થયેલ 2 આધુનિક સબમરીન પણ કોરોના કાળમાં જ નૌસેનાને પ્રાપ્ત થઈ છે.
સાથીઓ,
કોરોના કાળમાં રસી બનાવવાનો પ્રયાસ કરી રહેલા વૈજ્ઞાનિકોની સાથે જ મિસાઇલ બનાવનારા આપણાં વૈજ્ઞાનિકોએ દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ દરમિયાન સતત સમાચારો આવતા રહ્યા છે કે આજે આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું. આજે પેલી મિસાઈલની આધુનિક ટેકનોલોજી વિકસિત કરવામાં આવી. તમે કલ્પના કરી શકો છો કે વિતેલા કેટલાક મહિનાઓમાં જ દેશની સામરીક શક્તિ કેટલી વધારે વધી ગઈ છે. વિતેલા બે મહિનાઓમાં જ દેશમાં અનેક મિસાઈલોના સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યા છે. એક સેકંડમાં બે કિલોમીટરનું અંતર કાપનાર હાઇપર સોનિક ડેમોન્સ્ટ્રેટર વ્હીકલના સફળ પરીક્ષણે ભારતને દુનિયાના ત્રણ ચાર પ્રમુખ દેશોની યાદીમાં ભારતને આગળ લાવીને ઊભું કરી દીધું છે, ભારતને સામેલ કરી દીધું છે. જળ હોય, જમીન હોય, કે આકાશ હોય, દરેક જગ્યા પરથી પ્રહાર કરનારી લાંબા અને ટૂંકા અંતરની અનેક મિસાઈલોએ વિતેલા દિવસોમાં ભારતના આકાશમાં સુરક્ષાની અભેદ દીવાલ ઊભી કરી દીધી છે. આ જ કોરોના કાળમાં આપણાં વૈજ્ઞાનિકોએ ભારતને ફાયર પાવરની બાબતમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ તાકાતોમાં સામેલ કરી દીધું છે.
સાથીઓ,
આધુનિક યુદ્ધ સાજ સામાનની સાથે સાથે દેશની સરહદો પર આધુનિક સંપર્કવાળા મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પણ આ જ દરમિયાન પૂરા કરવામાં આવ્યા છે. આજે અટલ ટનલ લદ્દાખની કનેક્ટિવિટીનું બહુ મોટું મધ્યમ બન્યું છે. આપણી ઉત્તરી અને પશ્ચિમી સીમાઓ પર ડઝનબંધ પુલ અને લાંબા લાંબા માર્ગો પણ આ દરમિયાન જ પૂરી રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે આખી દુનિયામાં હડકંપ મચેલો હોય, દરેક વ્યક્તિ પોતાની જીંદગીને લઈને ત્રસ્ત હોય તે સ્થિતિમાં દેશની સુરક્ષામાં સતત લાગેલા રહ્યા. ક્યાં રહીને કામ કરીને તમે લોકોએ દેશનું દિલ ફરી એકવાર જીતી લીધું છે.
સાથીઓ,
આપ સૌની આ જ પ્રતિબદ્ધતાઓ દેશને સુરક્ષા, સુરક્ષાની બાબતમાં મજબૂત કરી રહી છે. આજે દેશમાં એક બાજુ જ્યાં આધુનિક ટેકનોલોજી, આધુનિક સાજ-સામાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે ત્યાં બીજી બાજુ સંરક્ષણ સુધારાઓ ઉપર પણ એટલી જ ગંભીરતા સાથે કામ થઈ રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પાછળનું લક્ષ્ય એ જ છે કે આધુનિક હથિયારો અને ટેકનોલોજી માટે વિદેશો ઉપર નિર્ભરતા ઓછી થઈ શકે. તેને જોતાં જ આપણી ત્રણેય સેનાઓએ સાથે મળીને એક પ્રશંસનીય નિર્ણય કર્યો છે. તેમણે એવું નક્કી કર્યું છે કે હવે સુરક્ષા સાથે જોડાયેલા 100થી વધુ સાજ-સામાનને હવે વિદેશમાંથી નહિ પરંતુ આપણાં દેશમાંથી જ ઉત્પાદિત કરવામાં આવશે અથવા ઉત્પાદિત થઈ રહેલ વસ્તુઓને વધારે સારી બનાવવામાં આવશે અને ત્યાંથી જ લેવામાં આવશે. પ્રયાસ એ પણ છે કે અત્યાર સુધી જે સાધનો આયાત કરવામાં આવી રહ્યા હતા તે પણ દેશમાં જ બનશે. આપણી સેનાઓની આ ઈચ્છા શક્તિ દેશના અન્ય લોકોને પણ લોકલ માટે વોકલ બનવાની પ્રેરણા આપી રહી છે.
સાથીઓ,
ભારતમાં હથિયાર બનાવનારી વધુમાં વધુ કંપનીઓ આવે તેની માટે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદાને પણ વધારીને 74 ટકા કરવામાં આવી છે. ભારતમાં જે કંપનીઓ આવવા માંગે છે તેમની માટે અહિયાં વધુ સારી સુવિધાઓ મળે તેની માટે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં બે મોટા ડિફેન્સ કોરિડોર પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
સાથીઓ,
સેનાના આધુનિકીકરણમાં અને સૈન્યના સાજ-સામાનની આત્મનિર્ભરતામાં સૌથી મોટો અવરોધ જૂના સમયની પ્રક્રિયાઓ રહેલી છે. આ પ્રક્રિયાઓના સરળીકરણ માટે પણ સતત કામ કરવામાં આવી રહ્યું છે. હમણાં તાજેતરમાં જ કેટલાક બીજા મોટા સુધારા કરવામાં આવ્યા છે. હવે જે રીતે પહેલા ટ્રાયલ અને ટેસ્ટિંગની પ્રક્રિયા ખૂબ જટિલ હતી. તે સમય પણ બહુ વધારે લઈ લેતી હતી. તેનાથી સંરક્ષણ ક્ષેત્રમાં સાધનોના ઇન્ડક્શનમાં પણ ઘણો સમય લાગી જતો હતો. હવે તેને એકદમ સરળ કરી દેવામાં આવી છે. આપણી ત્રણેય સેનાઓની વચ્ચે સમન્વય વધારે વધે, ઝડપથી નિર્ણયો લેવાય તેની માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ની વ્યવસ્થા આપણાં બધાની સામે છે. આટલા ઓછા સમયમાં જ દેશે આ નવી વ્યવસ્થાના મહત્વનો અનુભવ કરી લીધો છે. આટલા ઓછા સમયમાં જ આ નવી વ્યવસ્થાનું મજબૂત થવું એ આપણી સેનાઓ, વાયુ સેના, નૌસેનાની પ્રતિબદ્ધતાના કારણે જ શક્ય થઈ રહ્યું છે અને એટલા માટે આપણી ત્રણેય સેનાઓ અભિનંદનની અધિકારી છે. આપણી સેનાઓના સામૂહિક સંકલ્પે સીડીએસની સફળતા સુનિશ્ચિત કરી દીધી છે.
સાથીઓ,
તમારા બધા કરતાં વધુ સારી રીતે કોણ જાણી શકે છે કે બોર્ડર એરિયામાં કયા પડકારો રહેલા હોય છે, અહિયાં કેટલી તકલીફો આવતી રહેતી હોય છે. આ મુશ્કેલીઓના સમાધાન માટે બોર્ડર એરિયા ડેવલપમેન્ટની સાથે જ બોર્ડર એરિયામાં નૌજવાનોની વિશેષ તાલીમ પણ એટલી જ જરૂરી છે. 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી મેં કહ્યું હતું કે દેશના 100 થી વધુ સીમાવર્તી જિલ્લાઓમાં એનસીસી દ્વારા યુવાનોને જોડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. સીમાવર્તી અને સમુદ્ર સાથે જોડાયેલા આ ક્ષેત્રોમાં લગભગ 1 લાખ યુવાનોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમાં ખાસ વાત એ છે કે આ યુવાનોને જમીન સેના, નૌસેના અને વાયુ સેના તાલીમ આપશે. એટલે કે જ્યાં સેનાનો બેસ છે ત્યાં સેના તાલીમ આપશે, જ્યાં વાયુ સેનાનો બેસ છે ત્યા વાયુ સેના અને જ્યાં નેવીનો બેસ છે ત્યાં નેવી તાલીમ આપશે.
સાથીઓ,
તેના કરતાં પણ મોટી સંખ્યામાં ગર્લ્સ કેડેટને તાલીમ આપવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. આ તે પ્રયાસોનો ભાગ છે જેમાં દેશની આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસને વધારવા માટે દીકરીઓની ભૂમિકાને વિસ્તરીત કરવામાં આવી રહી છે. આજે જે રીતે આપણાં સુરક્ષા તંત્રમાં પણ વુમન પાવરની ભૂમિકાને હજુ વ્યાપક બનાવવામાં આવી રહી છે. આજે વાયુ સેના અને નૌસેનામાં મહિલાઓને કોમ્બેટ રોલ આપવામાં આવી રહ્યો છે. મિલીટરી પોલીસમાં પણ દીકરીઓની ભરતી કરવામાં આવી રહી છે. બીએસએફ તો તે અગ્રણી સંસ્થાઓમાં છે કે જ્યાં બોર્ડર સુરક્ષામાં મહિલાઓની ભૂમિકાનું સતત વિસ્તરણ થયું છે. આવા જ અનેક પ્રયાસો આપણાં આત્મવિશ્વાસને વધારે છે, દેશના વિશ્વાસને વધારે છે.
સાથીઓ,
દિવાળી ઉપર તમે બધાએ એક બીજી વાત પણ નોંધી હશે. જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ તો ઘણીવાર એક દીવા વડે બીજા દીવાને પણ પ્રગટાવીએ છીએ. એક જ દીપથી ચાલે બીજો, ચાલે દીવા હજાર આપ સૌ પણ એક દિવાની જેમ સંપૂર્ણ દેશને પ્રકાશિત કરતાં રહો છો, તેને ઊર્જાવાન બનાવો છો. સીમા પર તમારા જેવા એક એક સૈનિકના શૌર્ય વડે દેશવાસીઓમાં રાષ્ટ્ર ભક્તિનો જુસ્સો બુલંદ થાય છે. તમારી પાસેથી પ્રેરણા લઈને દરેક દેશવાસી પોત-પોતાની રીતે રાષ્ટ્રહિત માટે આગળ આવી રહ્યો છે. કોઈ સ્વચ્છતાના સંકલ્પ સાથે જોડાઈ રહ્યું છે, તો કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનને આગળ વધારી રહ્યું છે, કોઈ દરેક ઘરમાં જળના મિશનમાં લાગેલું છે તો કોઈ ટીબી મુક્ત ભારત માટે કામ કરી રહ્યું છે, કોઈ કુપોષણ વિરુદ્ધહ અભિયાનને શક્તિ આપી રહ્યું છે તો કોઈ બીજાઓને ડિજિટલ લેવડ દેવડ શિખવાડીને પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે.
સાથીઓ,
હવે તો આત્મનિર્ભર ભારત અભિયાનને દેશના જન જને પોતાનું અભિયાન બનાવી લીધું છે. વોકલ ફોર લોકલ આજે દરેક ભારતીયનું મિશન બની ગયું છે. આજે ઈન્ડિયા ફર્સ્ટ, ઇંડિયન ફર્સ્ટનો આત્મવિશ્વાસ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. આ બધુ જ શક્ય બની શક્યું છે તો તેની પાછળ તમારી તાકાત છે, તમારી ઉપરનો ભરોસો છે. જ્યારે દેશનો વિશ્વાસ વધે છે તો દુનિયા તેટલી જ ઝડપથી દેશને પણ આગળ વધતો જુએ છે. આવો વિશ્વાસના, આત્મવિશ્વાસના આ સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌ આગળ વધીએ. દિવાળીના આ પાવન પર્વ પર નવા સંકલ્પોની સાથે, નવા ઉત્સાહની સાથે આપણે ખભે ખભો મિલાવીને, કદમથી કદમ મિલાવીને વન લાઈફ વન મિશનના મૂડમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા કરતાં ચાલો, 130 કરોડનો દેશ આપણે સૌ સાથે મળીને ચાલી નીકળીએ અને માં ભારતીને જે રૂપમાં સમર્થ્યવાન, સમૃદ્ધ બનાવવા માંગીએ છીએ આપણે તે સપનાંને પૂરું કરીએ. આ જ એક ભાવના સાથે તમે બધા મારી સાથે જોડાઈને બોલો, ભારત માતાની.. જય. ભારત માતાની.. જય. ભારત માતાની.. જય. ફરી એકવાર આપ સૌને દિવાળીના પર્વની અનેક અનેક શુભકામનાઓ, આભાર!
SD/GP/BT