કોવિડ-19 રોગચાળાથી ઉત્પન્ન થયેલા પડકારો અને વૈશ્વિક સ્તરે સમન્વિત પગલાઓ લેવા પર ચર્ચા માટે 26 માર્ચ, 2020નાં રોજ જી-20 નેતાઓનું એક અસાધારણ વર્ચ્યુલ શિખર સંમેલન યોજાયું હતું. આ અગાઉ પ્રધાનમંત્રીએ આ વિષય પર સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સની સાથે ટેલીફોન પર વાત કરી હતી. કોવિડ-19 રોગચાળા પર અસાધારણ જી-20 સંમેલન નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકનાં ગવર્નરોની બેઠક અને જી20 શેરપા પછી યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન જી-20ના નેતાઓએ રોગચાળો રોકવા અને લોકોની સુરક્ષા માટે તમામ જરૂરી ઉપાયો કરવાની સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે ચિકિત્સા સાથે સંબંધિત પુરવઠાની પહોંચ, નિદાન ઉપકરણો, સારવાર માટે દવાઓ અને રસીઓ સહિત રોગચાળા સામે લડાઈમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના અધિકારને વધારે મજબૂત કરવાને સમર્થન આપ્યું હતું.
આ નેતાઓએ રોગચાળાથી આર્થિક અને સામાજિક નુકસાનને ઘટાડવા અને વૈશ્વિક વિકાસ, બજારની સ્થિરતા અને સંકટમાંથી ઉગારવાની ક્ષમતાને વધારવા માટે ઉપલબ્ધ તમામ નીતિગત સાધનોનો ઉપયોગ કરવા પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોવિડ-19ની સામાજિક અને આર્થિક અસરનો સામનો કરવા માટે જી20 દેશોએ વૈશ્વિક અર્થતંત્રમાં 5 ટ્રિલિયન ડોલરથી વધારે પર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વૈચ્છિક આધારે નેતાઓએ ડબલ્યુએચઓની આગેવાનીમાં કોવિડ-19 સોલિડરિટી રિસ્પોન્સ ફંડમાં યોગદાન કરવા પણ સંમતિ વ્યકત કરી હતી.
જી20ની આ અસાધારણ બેઠક યોજવા માટે પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયાના રાજાનો આભાર માન્યો હતો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ રોગચાળાને ખતરનાક સામાજિક અને આર્થિક નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જી20 દેશોની વૈશ્વિક જીડીપીમાં 80 ટકા અને દુનિયાની વસ્તીમાં 60 ટકા ભાગીદારી છે તથા કોવિડ-19ના 90 ટકા કેસ અને 88 ટકા મૃત્યુ જી20 દેશોમાં થયા છે. તેમણે વૈશ્વિક રોગચાળા સામે લડવા જી20ને એક નક્કર યોજન તૈયાર કરવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક સમૃદ્ધિ અને સહયોગના આપણા દૃષ્ટિકોણનાં કેન્દ્રમાં મનુષ્યને રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે સાથે તેમણે સહયોગ, સ્વતંત્રતા અને ખુલ્લી રીતે ચિકિત્સા સંશોધન અને વિકાસના લાભને વહેંચવા, અનુકૂળ, ઝડપથી કામ કરતી માનવ સ્વાસ્થ્ય સારસંભાળ વ્યવસ્થાઓને વિકસિત કરવા, એકબીજા સાથે જોડાયેવા વૈશ્વિક ગામડાં માટે નવી સંકટ વ્યવસ્થાની આચારસંહિતા અને પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવા, ડબલ્યુએચઓ જેવી આંતર સરકારી સંસ્થાઓમાં સુધારો કરવા અને એને વધારે મજબૂત કરવા તથા ખાસ કરીને કોવિડ-19થી આર્થિક રીતે નબળા વર્ગો માટે પેદા થયેલી આર્થિક સમસ્યાઓને ઓછી કરવા માટે ખભેખભો મિલાવીને કામ કરવાની વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ માનવજાતની સામુહિક ભલાઈ માટે નવા વૈશ્વિકરણમાં નેતાઓની મદદની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, સંયુક્ત માનવીય હિતોને પ્રોત્સાહન આપવા બહુપક્ષીય મંચો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શિખર સંમેલનનાં અંતે જી20 નેતાઓએ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં રોગચાળા સામે લડવા એક સંકલિત વૈશ્વિક પ્રતિક્રિયા, વૈશ્વિક અર્થતંત્રના રક્ષણના ઉપાયોને અપનાવવા, વેપારમાં અવરોધો ઓછા કરવા અને વૈશ્વિક સહયોગને વધારવા માટે પગલા લેવાની અપીલ કરી હતી.
RP