Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જી-7 સમિટના આઉટરીચ સત્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

જી-7 સમિટના આઉટરીચ સત્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન


પ્રધાનમંત્રી મેલોની

હિઝ હોલિનેસ

મહામહિમ

હિઝ હાઇનેસ

મહાનુભાવો,

નમસ્કાર

સૌ પ્રથમ, હું આ સમિટમાં આમંત્રણ આપવા બદલ અને અમને આપવામાં આવેલ ઉષ્માભર્યા આતિથ્ય માટે પ્રધાનમંત્રી મેલોનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જી-7 સમિટનું આ આયોજન વિશેષ પણ છે અને ઐતિહાસિક પણ છે. આ જૂથની 50મી વર્ષગાંઠ નિમિત્તે જી-7ના તમામ સહકાર્યકરોને હાર્દિક અભિનંદન.

મહાનુભવો,

ગત સપ્તાહે તમારામાંથી અનેક મિત્ર, યુરોપિયન સંસદની ચૂંટણીમાં વ્યસ્ત હતા. કેટલાક મિત્રો આગામી સમયમાં ચૂંટણીના વાતાવરણમાંથી પસાર થશે. ભારતમાં પણ છેલ્લાં થોડા મહિના ચૂંટણીના હતા. ભારતમાં ચૂંટણીઓની વિશિષ્ટતા અને વિશાળતા કેટલાક આંકડાઓ પરથી સમજી શકાય છે: 2600થી વધુ રાજકીય પક્ષો, 1 મિલિયનથી વધુ મતદાન મથકો, 5 મિલિયનથી વધુ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો, 15 મિલિયન પોલિંગ સ્ટાફ અને લગભગ 970 મિલિયન મતદારો, જેમાં 640 મિલિયન લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ટેકનોલોજીના સર્વવ્યાપી ઉપયોગ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવામાં આવી છે. અને આટલી મોટી ચૂંટણીના પરિણામો પણ થોડા કલાકોમાં જાહેર થઈ ગયા! આ વિશ્વમાં લોકશાહીનો સૌથી મોટો અને માનવતાના ઈતિહાસનો સૌથી મોટો તહેવાર હતો. લોકશાહીની જનની તરીકે તે અમારા પ્રાચીન મૂલ્યોનું જીવંત ઉદાહરણ પણ છે. અને હું ભાગ્યશાળી છું કે ભારતની જનતાએ મને સતત ત્રીજી વખત તેમની સેવા કરવાની તક આપી છે. ભારતમાં છેલ્લા છ દાયકામાં આવું પહેલીવાર બન્યું છે. ભારતની જનતાએ આ ઐતિહાસિક જીતના રૂપમાં જે આશીર્વાદ આપ્યા છે તે લોકશાહીની જીત છે. આ સમગ્ર લોકતાંત્રિક વિશ્વની જીત છે. અને હું હોદ્દો સંભાળ્યાના થોડા જ દિવસોમાં તમે સૌ મિત્રોની વચ્ચે હાજર રહીને ખૂબ જ ખુશ છું.

મહાનુભવો,

એકવીસમી સદી ટેકનોલોજીની સદી છે. માનવ જીવનનું ભાગ્યે જ એવું કોઈ પાસું હશે જે ટેકનોલોજીના પ્રભાવથી વંચિત હોય. જ્યાં એક તરફ ટેક્નોલોજી માણસને ચંદ્ર પર લઈ જવાની હિંમત આપે છે તો બીજી તરફ સાયબર સુરક્ષા જેવા પડકારો પણ ઉભી કરે છે. આપણે સામૂહિક રીતે સુનિશ્ચિત કરવું પડશે કે ટેક્નોલોજીના લાભો સમાજના તમામ વર્ગો સુધી પહોંચે, સમાજના દરેક વ્યક્તિની ક્ષમતાનો અહેસાસ થાય, સામાજિક અસમાનતાઓને દૂર કરવામાં મદદ મળે અને માનવ શક્તિઓને મર્યાદિત કરવાને બદલે તેનો વિસ્તાર થાય. આ માત્ર આપણી ઈચ્છા જ નહીં, પણ આપણી જવાબદારી હોવી જોઈએ. આપણે ટેક્નોલોજીમાં એકાધિકારને સામૂહિક વપરાશમાં ફેરવવો પડશે. આપણે ટેકનોલોજીને સર્જનાત્મક બનાવવી પડશે, વિનાશક નહીં. તો જ આપણે સર્વસમાવેશક સમાજનો પાયો નાંખી શકીશું. ભારત તેના માનવ-કેન્દ્રિત અભિગમ દ્વારા વધુ સારા ભવિષ્ય માટે પ્રયત્નશીલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડનારા પ્રથમ કેટલાક દેશોમાં ભારત છે. આ વ્યૂહરચનાના આધારે આ વર્ષે અમે એઆઈ મિશન લોન્ચ કર્યું છે. જેનો મૂળ મંત્ર છે “A.I. ફોર ઓલ”. એઆઈ માટે વૈશ્વિક ભાગીદારીના સ્થાપક સભ્ય અને લીડ ચેર તરીકે, અમે તમામ દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ગયા વર્ષે ભારત દ્વારા યોજાયેલી જી-20 સમિટ દરમિયાન, અમે એઆઈના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય શાસનના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભવિષ્યમાં પણ અમે એઆઈને પારદર્શક, ન્યાયી, સુરક્ષિત, સુલભ અને જવાબદાર બનાવવા માટે આપણે તમામ દેશોએ સાથે મળીને કામ કરવાનું યથાવત રાખીશું.

મહાનુભવો,

ઉર્જા ક્ષેત્રે ભારતનો અભિગમ પણ ચાર સિદ્ધાંતો પર આધારિત છે – ઉપલબ્ધતા, સુલભતા, સામર્થ્ય અને સ્વીકાર્યતા. ભારત COP હેઠળ કરવામાં આવેલી તમામ પ્રતિબદ્ધતાઓને સમય પહેલા પૂર્ણ કરનાર પ્રથમ દેશ છે. અને અમે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આપણે સાથે મળીને ગ્રીન એરા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે ભારતે મિશન લાઇફ એટલે કે જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટ શરૂ કર્યું છે. આ મિશનને આગળ વધારતા, 5 જૂન, પર્યાવરણ દિવસના રોજ, મેં એક અભિયાન શરૂ કર્યું છે – “એક પેડ મા કે નામ”. દરેક વ્યક્તિ પોતાની માતાને પ્રેમ કરે છે. આ લાગણી સાથે, અમે વ્યક્તિગત સ્પર્શ અને વૈશ્વિક જવાબદારી સાથે વૃક્ષારોપણને જન ચળવળ બનાવવા માંગીએ છીએ. હું આપ સૌને તેમાં જોડાવા વિનંતી કરું છું. મારી ટીમ તેની વિગતો દરેક સાથે શેર કરશે.

મહાનુભવો,

2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો અમારો સંકલ્પ છે. અમારી પ્રતિબદ્ધતા છે કે દેશની વિકાસ યાત્રામાં સમાજનો કોઈ પણ વર્ગ પાછળ ન રહે. આ આંતરરાષ્ટ્રીય સહયોગના સંદર્ભમાં પણ આ મહત્વપૂર્ણ છે. ગ્લોબલ સાઉથના દેશો વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને તણાવનો માર સહન કરી રહ્યા છે. ભારતે વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથના દેશોની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને સ્થાન આપવાની પોતાની જવાબદારી માની છે. અમે આ પ્રયાસોમાં આફ્રિકાને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. અમને ગર્વ છે કે ભારતની અધ્યક્ષતામાં જી-20 એ આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય બનાવ્યું. ભારત તમામ આફ્રિકન દેશોના આર્થિક અને સામાજિક વિકાસ, સ્થિરતા અને સુરક્ષામાં યોગદાન આપી રહ્યું છે અને આપતું રહેશે.

મહાનુભવો,

આજની બેઠક તમામ દેશોની પ્રાથમિકતાઓ વચ્ચેના ઊંડા સંકલનને પ્રતિબિંબિત કરે છે. અમે આ તમામ મુદ્દાઓ પર જી-7 સાથે સંવાદ અને સહયોગ ચાલુ રાખીશું.

ખુબ ખુબ આભાર.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com