Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જી-20 દેશના નેતાઓનું 15મુ શિખર સંમેલન

જી-20 દેશના નેતાઓનું 15મુ શિખર સંમેલન


1. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21-22 નવેમ્બર 2020ના રોજ સાઉદી અરેબિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવેલી 15મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. જી-20 શિખર સંમેલનના બીજા દિવસના એજન્ડામાં સહિયારા, ટકાઉક્ષમ અને સ્થિતિસ્થાપક ભવિષ્યના નિર્માણ પર કેન્દ્રિત સત્ર અને ગ્રહને સલામત રાખવા માટે યોજાયેલા અન્ય સમાંતર કાર્યક્રમો હતા.

2. પ્રધાનમંત્રીએ પોતાના સંબંધોનમાં કોવિડ પછીની દુનિયામાં સહિયારી, સ્થિતિસ્થાપક અને ટકાઉક્ષમ રિકવરી, અસરકારક વૈશ્વિક સુશાસનની જરૂરિયાત અને લાક્ષાણિકતા, સુશાસન તેમજ બહુપક્ષીય સંસ્થાઓની પ્રક્રિયાઓ વર્તમાન સમયની માંગ હોવાની બાબતને રેખાંકિત કરી હતી.

3. પ્રધાનમંત્રીએ વધુમાં ટકાઉક્ષમ વિકાસના લક્ષ્ય માટે 2030ના એજન્ડાના મહત્વને પણ રેખાંકિત કર્યું હતું જેનો ઉદ્દેશ ‘કોઇ પાછળ ના રહી જેવા જોઇએ’ છે. તેમણે કહ્યું હતું કે, ભારત આગળ વધવા માટે ‘રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મ’ એટલે કે સુધારા-કામગીરી-પરિવર્તનની વ્યૂહનીતિ અને સહભાગીતાપૂર્ણ સહિયારા વિકાસના પ્રયાસોના સમાન સિદ્ધાંતને અનુસરે છે.

4. કોવિડ-19 મહામારીના કારણે બદલાતી પરિસ્થિતિઓને અનુલક્ષીને તેમણે જણાવ્યું હતું કે, ભારતે ‘આત્મનિર્ભર ભારત’ પહેલ અપનાવી છે. આ દૂરંદેશીને અનુસરીને, તેની સુસંગતતા અને નિર્ભરતાના આધારે, ભારત વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલાનો એક મહત્વપૂર્ણ અને ભરોસાપાત્ર આધારસ્તંભ બનશે. વૈશ્વિક સ્તરે, ભારતે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન અને આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધન જેવી સંસ્થાઓ સ્થાપવાની પહેલ પણ કરી છે.

5. ‘ગ્રહની સલામતી’ માટે સમાંતરરૂપે યોજાયેલા અન્ય એક કાર્યક્રમ દરમિયાન રેકોર્ડ કરેલા સંદેશમાં પ્રધાનમંત્રીએ એકીકૃત, વ્યાપક અને સર્વગ્રાહી રીતે આબોહવા પરિવર્તન સામે લડત આપવાની જરૂરિયાત પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે માત્ર પેરિસ કરારના લક્ષ્યો જ પ્રાપ્ત નથી કર્યાં, બલ્કે તેનાથી પણ આગળ વધ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતે પર્યાવરણ સાથે સૌહાર્દથી રહેવાના પરંપરાગત સિદ્ધાંતોથી પ્રેરણા લઇને ઓછા કાર્બન અને આબોહવા અનુકૂળ વિકાસના અભિગમને અપનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, માનવજાતની સમૃદ્ધિ માટે, પ્રત્યેક વ્યક્તિ સમૃદ્ધ થાય તે જરૂરી છે અને આપણે શ્રમને માત્ર ઉત્પાદનના પરિબળ તરીકે જોવો ના જોઇએ. તેના બદલે, આપણે દરેક કામદારના માનવીય ગૌરવ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, આવા અભિગમથી, આપણે ગ્રહની સલામતી માટે શ્રેષ્ઠ બાંહેધરી આપી શકીશું.

6. પ્રધાનમંત્રીએ રિયાધ શિખર મંત્રણાનું સફળ આયોજન કરવા બદલ સાઉદી અરેબિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને 2021માં જી-20ની અધ્યક્ષતા સંભાળી રહેલા ઇટાલીને આવકાર આપ્યો હતો. 2022માં જી-20ની અધ્યક્ષતા તરીકેનો પદભાર ઇન્ડોશિયા સંભાળશે અને 2023માં ભારત જ્યારે 2024માં બ્રાઝિલ સંભાળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

7. આ શિખર સંમેલનના સમાપન વખતે, જી-20 નેતાઓનો ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પ્રવર્તમાન પડકારોમાંથી બહાર આવવા માટે તેમજ લોકોના સશક્તિકરણ, ગ્રહની સલામતી અને નવા મોરચાઓને આકાર આપીને 21મી સદીની તકોને સાર્થક કરવા માટે સંકલિત વૈશ્વિક ક્રિયાઓ, એકજૂથતા અને બહુપક્ષીય સહકારનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

 

SD/GP/BT