મહામહિમ, પ્રધાનમંત્રી અબે,
મિત્રો,
મિના-સામા, કોમ્બાન વો! (અહીં ઉપસ્થિત દરેકને ગૂડ ઇવનિંગ)
જાપાનમાં ઝેન બૌદ્ધ સંપ્રદાયમાં એક કહેવત છે – “ઇચિગો ઇચી”, જેનો અર્થ થાય છે કે આપણી દરેક બેઠક વિશિષ્ટ છે અને આપણે દરેક ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ.
મેં ઘણી વખત જાપાનની મુલાકાત લીધી છે. પ્રધાનમંત્રી તરીકે આ મારી બીજી મુલાકાત છે. મારી દરેક મુલાકાત વિશિષ્ટ, વિશેષ, કશું શીખવનારી અને અતિ ફળદાયક રહી છે.
હું જાપાન, ભારત અને સમગ્ર દુનિયામાં ઘણા પ્રસંગે મહામહિમ અબેને મળ્યો છું. છેલ્લા એકથી બે વર્ષમાં ભારતમાં જાપાનના કેટલાક ઉચ્ચ સ્તરીય રાજકીય અને વેપારવાણિજ્ય ક્ષેત્રના આગેવાનોને આવકારવાનો પણ મને આનંદ છે.
આપણા બંને રાષ્ટ્રો વચ્ચે આ પ્રકારનું અવારનવાર આદાનપ્રદાન આપણા સંબંધોની ગતિશીલતા અને ઊંડાણને પ્રદર્શિત કરે છે. તે આપણા વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સંબંધોની સંપૂર્ણ સંભવિતતા સાકાર કરવાની આપણી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
મિત્રો,
આજે અમારી વાટાઘાટમાં પ્રધાનમંત્રી અબે અને મેં ગયા વર્ષના સંમેલનથી અત્યાર સુધી આપણા સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. અમારા બંને માટે સ્પષ્ટ છે કે આપણો સહકાર વિવિધ મોરચે પ્રગતિના પંથે છે.
ગાઢ આર્થિક જોડાણ, વેપારની વૃદ્ધિ, ઉત્પાદન અને રોકાણના સંબંધો, સ્વચ્છ ઊર્જા પર ધ્યાન કેન્દ્રીત કરવું, આપણા નાગરિકોની સુરક્ષા માટે ભાગીદારી તથા માળખાગત અને કૌશલ્ય સંવર્ધન પર સહકાર – આપણી મુખ્ય પ્રાથમિકતાઓ છે.
આજે બંને દેશે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહકાર માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જે આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક કદમ છે અને તેનો ઉદ્દેશ પર્યાવરણની લાભદાયક ઊર્જા માટે ભાગીદારી કરવાનો છે.
આ ક્ષેત્રમાં આપણા સહકારથી આપણને આબોહવામાં નુકસાનકારક ફેરફાર સામે લડવામાં મદદ મળશે. હું જાપાન માટે આ પ્રકારની સમજૂતી વિશેષ મહત્ત્વ ધરાવે છે એ પણ જાણું છું.
આ સમજૂતીને સમર્થન કરવા માટે હું પ્રધાનમંત્રી અબે, જાપાનની સરકાર અને સંસદનો આભાર વ્યક્ત કરું છું.
મિત્રો,
ભારત અને તેનું અર્થતંત્ર ઘણી બધી રીતે બદલાઈ રહ્યું છે. અમારો ઉદ્દેશ ઉત્પાદન, રોકાણ અને 21મી સદીના નોલેજ ઉદ્યોગો માટે મુખ્ય કેન્દ્ર બનવાનો છે.
અને આ સફરમાં અમે જાપાનને સ્વાભાવિક ભાગીદાર માનીએ છે. અમારું માનવું છે કે આપણી પાસે પારસ્પરિક લાભ માટે કામ કરવા એકબીજાની કુશળતાનો સમન્વય કરવાની પુષ્કળ તક છે, પછી તે મૂડી હોય, ટેકનોલોજી હોય, કે માનવ સંસાધન હોય.
ચોક્કસ પ્રોજેક્ટ્સની દ્રષ્ટિએ અમે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર પ્રગતિ કરવા ધ્યાન કેન્દ્રીત કરવાનું જાળવી રાખ્યું છે. નાણાકીય ક્ષેત્રમાં સહકાર પર આપણું જોડાણ અને આપણી સમજૂતીથી આપણને માળખાગત વિકાસ માટે વિશાળ સંસાધનો સુલભ થવામાં મદદ મળશે.
તાલીમ અને કુશળતામાં વિકાસ સાથે સંબંધિત આપણા સંવાદથી નવી સફળતા મળી છે અને તે આપણી આર્થિક ભાગીદારીનું મહત્ત્વપૂર્ણ પાસું છે. આપણે સ્પેસ સાયન્સ, મરિન અને અર્થ સાયન્સ, ટેક્સટાઇલ્સ, સ્પોર્ટ્સ, કૃષિ અને પોસ્ટ બેંકિંગ જેવા ક્ષેત્રોમાં નવી ભાગીદારી પણ વિકસાવી છે.
મિત્રો,
આપણી વ્યૂહાત્મક ભાગીદારી આપણા પોતાના સમાજની ભલાઈ અને સુરક્ષા માટે ઉપયોગી છે. વળી તે પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સંતુલન પણ લાવશે. તે એશિયા-પ્રશાંત વિસ્તારના દેશોમાં નવી તકો ઝડપવા અને પડકારોનો સામનો કરવા જીવંત અને જવાબદાર છે.
ભારત અને જાપાન બંને સર્વસમાવેશક વિકાસની સંભવિતતા ધરાવે છે, બંને દેશ હિંદ-પ્રશાંત સમુદ્રના જળ સાથે એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણે જોડાણ વધારવા, માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા અને ક્ષમતાનું નિર્માણ કરવા એકબીજાને ગાઢ સહકાર આપવા સંમત છીએ.
સફળતાપૂર્વક મલબાર નૌકા કવાયત સંપન્ન થઈ છે, જે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના જળના વ્યાપક વિસ્તારમાં આપણા વ્યૂહાત્મક હિતોમાં સમાનતા પર ભાર મૂકે છે.
લોકશાહી દેશો તરીકે આપણે પારદર્શકતા, ઉદારતા અને કાયદાના શાસનને સમર્થન આપીએ છીએ. આપણે આતંકવાદ, ખાસ કરીને સરહદ પારના આતંકવાદના જોખમનો સામનો કરવા એક થયા છીએ.
મિત્રો,
ભારત અને જાપાન વચ્ચેના સંબંધોના મૂળમાં સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધો અને લોકો વચ્ચેનું જોડાણ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રધાનમંત્રી અબે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મેં આપણા સંબંધોને વધારે મજબૂત કરવા આધાર બનાવવા વધુ પગલા લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અને તેના પરિણામે માર્ચ, 2016થી અમે જાપાનના તમામ નાગરિકો માટે ‘વિઝા-ઓન એરાઇવલ’ સુવિધા આપી છે. અમે જાપાનના લાયકાત ધરાવતા અને વેપારવાણિજ્ય સાથે સંબંધિત વ્યક્તિઓને લાંબા ગાળાના 10 વર્ષની વિઝા સુવિધા પણ આપી છે.
મિત્રો,
ભારત અને જાપાન પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ ગાઢ રીતે જોડાયેલા છે અને એકબીજાની સલાહ લે છે. અમે સંયુક્ત રાષ્ટ્રના સુધારા માટે સંયુક્તપણે કામ કરવાનું ચાલુ રાખીશું અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં આપણે સંયુક્તપણે આપણું ઉચિત સ્થાન મેળવવા આતુર છીએ.
હું ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતને સભ્યપદ અપાવવા સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રી અબેનો આભાર માનું છું.
મહામહિમ અબે,
અમે બંને સંમત છીએ કે આપણી ભાગીદારીનું ભવિષ્ય ઉજ્જવળ અને મજબૂત છે. આપણે સંયુક્તપણે આપણા પોતાના માટે અને સંપૂર્ણ એશિયા માટે સંયુક્તપણે કામ કરવાની અમર્યાદિત તકો અને સંભવિતતા છે.
અને આ માટેનું મુખ્ય કારણ તમારું મજબૂત અને પ્રેરક નેતૃત્વ છે. તમારી સાથે ભાગીદારી અને મૈત્રીપૂર્ણ સંબંધ ખરેખર લાભદાયક છે. આ સંમેલનને અતિ ફળદાયક બનાવવા બદલ તથા તમારા ઉદાર આવકાર અને આતિથ્યસત્કાર બદલ હું તમારો આભાર માનું છું.
અનતા નો ઓ મોતેનાશી ઓ આરિગાતો ગોઝાઇમાશિતા!
(તમારા આતિથ્ય સત્કાર બદલ ખૂબ ખૂબ આભાર!)
તમારો આભાર, તમારો ખૂબ ખૂબ આભાર.
TR