Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાંસ રવાના થતા અગાઉ પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળ પાઠ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાંસની મુલાકાતે રવાના થયા એ અગાઉ તેમના નિવેદનનો મૂળ પાઠ નીચે મુજબ છેઃ

“હું ચોથી ઇન્ડિયા-જર્મની ઇન્ટરગર્વમેન્ટલ કન્સલ્ટેશન્સ (આઇજીસી) માટે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલના આમંત્રણ પર 29-30 મે, 2017ના રોજ જર્મનીની મુલાકાત લઇશ.

ભારત અને જર્મની મોટા લોકશાહી દેશો છે, મોટા અર્થતંત્રો છે તથા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આપણી વ્યૂહાત્મક ભાગીદારી મુક્ત, સર્વસમાવેશક અને કાયદા-આધારિત વૈશ્વિક ક્રમ માટે લોકતાંત્રિક મૂલ્યો અને પ્રતિબદ્ધતા પર આધારિત છે. જર્મની આપણી વિકાસલક્ષી પહેલોમાં કિંમતી પાર્ટનર છે અને ભારતની કાયાપલટ કરવા માટે મારું વિઝન જર્મનની ક્ષમતાને અનુરૂપ છે.

હું મારો પ્રવાસ જર્મનીના બર્લિનમાં મેસેબર્ગથી શરૂ કરીશ, જ્યાં ચાન્સેલર મર્કેલએ મને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે.

ચાન્સેલર મર્કેલ અને હું 30 મેના રોજ આપણા દ્વિપક્ષીય સંબંધની સ્થિતિની સમીક્ષા કરવા 4થી આઇજીસી યોજીશું. અમે વેપાર અને રોકાણ, સુરક્ષા અને આતંકવાદ વિરોધી, નવીનતા અને વિજ્ઞાન અને ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, શહેરી માળખું, રેલવે અને નાગરિક ઉડ્ડયન, સ્વચ્છ ઊર્જા, વિકાસલક્ષી સહકાર, સ્વાસ્થ્ય અને વૈકલ્પિક ઉપચાર પર સહકાર માટે ભવિષ્યનો રોડમેપ પણ તૈયાર કરીશું.

હું જર્મન સંઘ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ડો. ફ્રેન્ક-વોલ્ટર સ્ટેઇન્મેઇરને પણ મળીશ.

જર્મની વેપાર, ટેકનોલોજી અને રોકાણમાં આપણું અગ્રણી અને મહત્વપૂર્ણ પાર્ટનર છે. ચાન્સેલર મર્કેલ અને હું બર્લિનમાં આપણા વેપારી અને રોકાણ સંબંધોને વધુ મજબૂત કરવા બંને દેશોના ટોચના બિઝનેસ લીડર્સ સાથે આદાનપ્રદાન કરીશ.

મને ખાતરી છે કે આ મુલાકાત જર્મની સાથે આપણા દ્વિપક્ષીય સંબંધોમાં નવા પ્રકરણની શરૂઆત કરશે અને અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરશે.

હું 30-31 મે, 2017ના રોજ સ્પેનની સત્તાવાર મુલાકાત લઇશ. લગભગ ત્રણ દાયકામાં ભારતના કોઈ પણ પ્રધાનમંત્રીની સ્પેનની આ પ્રથમ મુલાકાત બનશે.

હું આ મુલાકાત દરમિયાન મહામહિમ રાજા ફેલિપ છઠ્ઠાને મળીશ.

હું 31 મેના રોજ રાષ્ટ્રપતિ મેરિઆનો રેજોયને મળવા આતુર છું. અમે દ્વિપક્ષીય સંબંધ વધારવા, ખાસ કરીને આર્થિક ક્ષેત્ર તથા આતંકવાદનો સામનો કરવા સહિત વિવિધ સામાન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સહકાર સ્થાપિત કરવાના વિવિધ વિકલ્પો પર વિચાર કરીશું.

દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સાથે સંબંધિત જોડાણને મજબૂત કરવા નોંધપાત્ર સંભવિતતા છે. આપણે વિવિધ ભારતીય પ્રોજેક્ટમાં સ્પેનના ઉદ્યોગ સાથે સક્રિય ભાગીદારી કરવા ઇચ્છીએ છીએ, જેમાં માળખાગત સુવિધા, સ્માર્ટ સિટીઝ, ડિજિટલ ઇકોનોમી, અક્ષય ઊર્જા, સંરક્ષણ અને પ્રવાસન સામેલ છે.

હું સ્પેનના ઉદ્યોગજગતના ટોચના સીઇઓને પણ મળીશ અને તેમને આપણી ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલમાં અમારી સાથે જોડાણ પ્રોત્સાહન આપીશ.

મારી મુલાકાત દરમિયાન ઇન્ડિયા-સ્પેન સીઇઓ ફોરમની પ્રથમ બેઠક યોજાશે. હું ભારત અને સ્પેન વચ્ચે આર્થિક સંબંધને મજબૂત કરવા કિંમતી ભલામણો કરવા આતુર છું.

હું 31 મેથી 2 જૂન સુધી 18મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે સેન્ટરપીટર્સબર્ગની મુલાકાત લઇશ.

હું 1 જૂનના રોજ રાષ્ટ્રપતિ પુટિન સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરીશ, જેમાં ઓક્ટોબર, 2016માં ગોવામાં આયોજિત અગાઉની સમિટમાં અમારા સંવાદને આગળ વધારીશ. આર્થિક સંબંધો પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે રાષ્ટ્રપતિ પુટિન અને હું બંને દેશોના સીઇઓ સાથે આદાનપ્રદાન પણ કરીશું.

બીજા દિવસે હું રાષ્ટ્રપતિ પુટિન સાથે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (એસપીઆઇઇએફ)ને સંબોધન કરીશ. હું ચાલુ વર્ષની ફોરમમાં ગેસ્ટ ઓફ ઓનરના આમંત્રણની કદર કરું છું. ચાલુ વર્ષે ભારત ગેસ્ટ કન્ટ્રી છે.

આ પ્રકારની મારી પ્રથમ બેઠકમાં હું રશિયાના વિવિધ પ્રાંતોના ગવર્નર અને અન્ય વિવિધ હિતધારકો સાથે દ્વિપક્ષીય સહકારનો આધાર વધારવા જોડાણ કરવાની તક પણ મેળવીશ.

મારી મુલાકાતની શરૂઆતમાં હું લેનિનગ્રાદના ઘેરા દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન આપવા પિસ્કારોવ્સ્કોયે કબ્રસ્તાન જઇશ. હું જગપ્રસિદ્ધ સ્ટેટ હર્મિટેજ મ્યુઝિયમ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ મેનુસ્ક્રિપ્ટ્સની મુલાકાત પણ લઇશ.

બંને દેશો આપણા રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરતા હોવાથી દ્વિપક્ષીય સંબંધ માટે આ વિશેષ વર્ષમાં સેન્ટ પીટર્સબર્ગની મુલાકાત લેવા હું આતુર છું.

હું 2-3 જૂન, 2017ના રોજ ફ્રાંસની મુલાકાત લઇશ. મારી મુલાકાત દરમિયાન હું ફ્રાંસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમ્માન્યૂએલ મેક્રોન સાથે 3 જૂનના રોજ સત્તાવાર બેઠક કરીશ.

ફ્રાંસ અમારા સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારોમાંનું એક છે.

હું રાષ્ટ્રપતિ મેક્રોન સાથે બેઠક કરવા અને પારસ્પિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા આતુર છું. હું ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કરીશ, જેમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા અને તેમાં ભારતને કાયમી સ્થાન મેળવવાનો મુદ્દો, વિવિધ બહુપક્ષીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થામાં ભારતને સભ્યપદ, આતંકવાદ વિરોધી સહકાર, આબોહવામાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પર જોડાણ જેવા મુદ્દાઓ સામેલ છે.

ફ્રાંસ રોકાણની દ્રષ્ટિએ અમારું 9મું મોટું પાર્ટનર છે તથા સંરક્ષણ, અંતરિક્ષમાં અમારી વિકાસલક્ષી પહેલોમાં મુખ્ય ભાગીદારી છે.

TR