Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચાર સભ્યોના વિદાય પ્રસંગ દરમિયાન રાજ્યસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આ ગૃહની શોભા વધારનાર, ગૃહમાં જીવંતતા લાવનાર અને ગૃહના માધ્યમથી જનસેવામાં રત એવા ચાર આપણાં સાથીઓ, તેમનો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે એક નવા કાર્યની દિશામાં અગ્રેસર થઈ રહ્યા છે.

શ્રીમાન ગુલામ નબી આઝાદજી, શ્રીમાન શમશેર સિંહજી, મીર મોહમ્મદ ફિયાજજી, નાદિર અહમદજી, હું આપ ચારેય મહાનુભાવોને આ ગૃહની શોભા વધારવા બદલ તમારા અનુભવોને, તમારા જ્ઞાનનો ગૃહને અને દેશને લાભ આપવા બદલ અને તમારા ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે તમે જે કઈં પણ યોગદાન આપ્યું છે તેની માટે હું સૌથી પહેલા તો તમારો આભાર પ્રગટ કરું છું.

મીર મોહમ્મદજી, અને નાજીર અહમદજી, આ બંને એવા સાથીઓ – ગૃહમાં ભાગ્યે જ તેમની તરફ વધારે લોકોનું ધ્યાન ગયું હશે, પરંતુ કોઈપણ સત્ર એવું નહીં હોય કે જેમની સાથે મને મારી ચેમ્બરમાં બેસીને જુદા જુદા વિષયો પર સાંભળવાનો, સમજવાનો અવસર ના મળ્યો હોય. ત્યાં સુધી કે કાશ્મીરની પણ ઝીણવટભરી બાબતો, જ્યારે તેમની સાથે બેસતો હતો, ક્યારેક ક્યારેક જ્યારે તેઓ પરિવાર સાથે પણ આવતા હતા, એટલા બધા અનેક પાસાઓ તેઓ મારી સમક્ષ રજૂ કરતાં હતા કે મારી માટે પણ ઘણું ઊર્જાવાન રહેતું હતું. તો હું આપણાં આ બંને સાથીઓ કે જેમનો મારી સાથે વ્યક્તિગત સંબંધ રહ્યો અને જે માહિતીઓ મને મળતી હતી, હું તેની માટે તેમનો હ્રદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું. અને મને વિશ્વાસ છે કે તેમની પ્રતિબદ્ધતા અને તેમની ક્ષમતા, તે બંને દેશની માટે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીર માટે કામમાં આવશે. દેશની એકતા, દેશની સુખ, શાંતિ, વૈભવને વધારવામાં કામમાં આવશે, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

આપણાં એક સાથી શમશેર સિંહજી, હવે તો યાદ પણ નથી રહ્યું કે કેટલા વર્ષોથી હું તેમની સાથે કામ કરતો આવ્યો છું કારણ કે હું સંગઠનની દુનિયાનો માણસ રહ્યો છું. આ જ ક્ષેત્રમા હું કામ કરતો હતો. કેટલાય વર્ષો સુધી જમ્મુ કાશ્મીરમાં પણ કામ કરવાનો મોકો મળ્યો તો મારા સાથી કાર્યકર્તાના રૂપમાં ક્યારેક એક સ્કૂટર પર યાત્રા કરવાનો મોકો મળતો હતો. બહુ નાની ઉંમરમાં જે ઇમરજન્સીમાં જેલમાં ગયા, તેમાં શમશેર સિંહજી હતા. અને આ ગૃહમાં શમશેરજીની હાજરી 96 ટકા, તે પોતાનામાં જ એટલે કે જવાબદારી જનતાએ તેમને આપી તેને બિલકુલ સો એ સો ટકા નિભાવવાનો પ્રયાસ. મૃદુભાષી છે, સરળ છે અને મને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીરથી નિવૃત્ત થનારા આ ચારેય આદરણીય સદસ્યો માટે તેમના જીવનનો આ કાર્યકાળ સૌથી ઉત્તમ કાર્યકાળ છે કારણ કે ઈતિહાસે એક નવું પડખું બદલ્યું છે અને જેના તેઓ સાક્ષી બન્યા છે, સહયાત્રી બન્યા છે. આ તેમના જીવનની બહુ મોટી ઘટના છે.

શ્રીમાન ગુલામ નબીજી, મને ચિંતા એ વાતની છે કે ગુલામ નબીજી પછીથી આ પદને જે સંભાળશે તેમને ગુલામ નબીજી સાથે મેચ કરવામાં બહુ તકલીફ પડશે. કારણ કે ગુલામ નબીજી પોતાના પક્ષની ચિંતા કરતાં હતા પરંતુ દેશની અને ગૃહની પણ તેટલી જ ચિંતા કરતાં હતા. આ નાની વાત નથી જી, આ બહુ મોટી વાત છે જી, નહિતર વિરોધ પક્ષના નેતા તરીકે પોતાનો દબદબો ઊભો કરવો, આ બધો મોહ ગમે તેને આવી શકે તેમ છે. પરંતુ તેમણે હંમેશા ગૃહમાંથી.. હું શરદ પવારજીને પણ આ જ શ્રેણીમાં મૂકું છું, તેઓ ગૃહની અને દેશની ચિંતાને પ્રાથમિકતા આપનાર નેતાઓમાંથી એક રહ્યા.. ગુલામ નબીજીએ ખૂબ સારી રીતે આ કામને નિભાવ્યું છે.

મને યાદ છે આ કોરોના કાળમાં એક ફ્લોર લીડર્સની મિટિંગ કરી રહ્યો હતો તો તે દિવસે ગુલામ નબીજીનો ફોન આવ્યો – મોદીજી એ તો બરાબર છે તમે કરો છો, પરંતુ એક કામ કરો, બધા જ પક્ષના નેતાઓની બેઠક પણ જરૂર બોલાવો. મને સારું લાગ્યું કે તેમણે પક્ષના નેતાઓ સાથે, બધા જ પક્ષના અધ્યક્ષો સાથે બેસવાનું મને સૂચન આપ્યું અને મેં તે બેઠક કરી પણ ખરી. તે ગુલામ નબીજીના સૂચન પર કરી હતી.. અને મને એ કહેવામાં.. એટલે કે આ રીતનો સંપર્ક અને તેનું મૂળ કારણ છે તેમને બંને તરફનો અનુભવ રહ્યો છે, સત્તા દળનો પણ અને વિપક્ષનો પણ. 28 વર્ષનો કાર્યકાળ, તે પોતાનામાં જ બહુ મોટી વાત હોય છે જી.

ઘણા વર્ષો પહેલાંની વાત છે, કદાચ અટલજીની સરકાર હશે મને યાદ નથી રહ્યું, હું અહિયાં ગૃહમાં કોઈ કામ માટેથી આવ્યો હતો. હું તો તે સમયે રાજનીતિમાં નહોતો, એટલે કે આ ચૂંટણીય રાજનીતિમાં નહોતો, હું સંગઠનનું કામ કરતો હતો. તો હું અને ગુલામ નબીજી એમ જ લોબીમાં ગપ્પાં મારી રહ્યા હતા. અને જેવો કે પત્રકારોનો સ્વભાવ રહેતો હોય છે, એકદમ નજર માંડીને બેઠેલા હતા કે આ બે જણાનો મેળ કઈ રીતે થઈ શકે એમ છે. અમે હસતાં હસતાં વાતો કરી રહ્યા હતા તો અમે જેવા બહાર નીકળ્યા તો પત્રકારોએ ઘેરી લીધા. ગુલામ નબીજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો. તે જવાબ આપણાં બધા માટે બહુ કામમાં આવનારો છે. તેમણે કહ્યું, ભાઈ જુઓ, તમે લોકો અમને છાપાઓમાં અથવા તો ટીવી માધ્યમોમાં અથવા જાહેર સભાઓમાં લડતા ઝઘડતા જુઓ છો પરંતુ ખરેખર તો આ છત નીચે અમારી વચ્ચે જાણે એક પરિવાર જેવું વાતાવરણ બીજે ક્યાંય નથી હોતું. એટલી અમારી આત્મીયતા હોય છે, એટલા સુખ દુઃખ હોય છે. આ જે સ્પિરિટ છે, તે સ્પિરિટ પોતાનામાં જ એક બહુ મોટી વાત હોય છે.

ગુલામ નબીજીનો એક શોખ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે અને ક્યારેક તેમની સાથે બેસશો તો એ તમને કહેશે. અમે સરકારી બંગલાઓમાં રહીએ છીએ તો બંગલાની દીવાલો, પોતાનો સોફાસેટ, તેની જ આસપાસ અમારું મગજ રહે છે, પરંતુ ગુલામ નબીજીએ તે બંગલામાં જે બગીચો બનાવ્યો છે એટલે કે એક રીતે કશ્મીરના ખીણ પ્રદેશની યાદ અપાવી દે, એવો બગીચો બનાવ્યો છે. અને તેનો તેમને ગર્વ પણ છે, તેઓ સમય આપે છે, નવી નવી વસ્તુઓ ઉમેરે છે અને દર વખતે જ્યારે સ્પર્ધા થાય છે તો તેમનો બંગલો એક નંબર પર આવે છે. એટલે કે પોતાની સરકારી જગ્યાને પણ કેટલી પ્રેમથી સંભાળવી, એટલે કે એકદમ મનથી તેમણે તેની સંભાળ રાખી છે.

જ્યારે તમે મુખ્યમંત્રી હતા, તો હું પણ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામ કરતો હતો. આપણી બહુ ઘનિષ્ઠ નિકટતા રહી છે તે કાળખંડ દરમિયાન. ભાગ્યે જ કોઈ એવી ઘટના મળી શકે છે કે જ્યારે આપણાં બેની વચ્ચે કોઈ સંપર્ક સેતુ ના રહ્યો હોય. એક વખત ગુજરાતના યાત્રી કારણ કે જમ્મુ કાશ્મીર જનારા પ્રવાસીઓમાં ગુજરાતની બહુ મોટી સંખ્યા રહેતી હોય છે – અને ત્રાસવાદીઓએ તેમની ઉપર હુમલો કરી નાખ્યો. આશરે લગભગ આઠ લોકો મરી ગયા હતા. સૌથી પહેલા ગુલામ નબીજીનો મને ફોન આવ્યો હતો અને તે ફોન માત્ર સૂચના આપવા માટેનો જ નહોતો. તેમના આંસુ રોકાઈ નહોતા રહ્યા ફોન ઉપર. તે વખતે પ્રણવ મુખર્જી સાહેબ રક્ષા મંત્રી હતા. મેં તેમને ફોન કર્યો, મેં કહ્યું- સાહેબ જો ફોર્સનું વિમાન મળી જાય મૃતકોના શરીર લાવવા માટે, રાત બહુ મોડી થઈ ગઈ હતી. મુખર્જી સાહેબે કહ્યું તમે ચિંતા ના કરશો, હું કરું છું વ્યવસ્થા. પરંતુ રાત્રે પાછો ગુલામ નબીજીનો ફોન આવ્યો- તેઓ એરપોર્ટ પર હતા. તે રાત્રે એરપોર્ટ પરથી તેમણે મને ફોન કર્યો અને જાણે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરતાં હોઈએ ને તેવી જ ચિંતા..

પદ, સત્તા જીવનમાં આવતી જતી રહે છે પરંતુ તેને કઈ રીતે પચાવવી.. મારી માટે તે બહુ લાગણીશીલ ક્ષણ હતી તે. બીજા દિવસે સવારે ફોન આવ્યો કે તે બધા લોકો પહોંચી ગયા? એટલા માટે એક મિત્રના રૂપમાં ગુલામ નબીજીનો ઘટના અને અનુભવોના આધાર પર હું આદર કરું છું અને મને પૂરો વિશ્વાસ છે કે તેમની સૌમ્યતા, તેમની નમ્રતા, આ દેશ માટે કઇંક કરી છૂટવાની તેમની કામના, તે ક્યારેય તેમને શાંતિથી નહિ બેસવા દે. અને મને વિશ્વાસ છે કે જે પણ જવાબદારી, જ્યાં પણ તેઓ સંભાળશે, તેઓ જરૂરથી મૂલ્ય ઉમેરણ કરશે, યોગદાન આપશે, અને દેશ તેમનાથી લાભાન્વિત થશે, એવો મારો પાક્કો વિશ્વાસ છે. હું ફરી એકવાર તેમની સેવાઓ માટે આદરપૂર્વક આભાર પ્રગટ કરું છું. અને વ્યક્તિગત રૂપે પણ મારો તેમને આગ્રહ રહેશે કે મનથી ના માનશો કે હવે તમે આ ગૃહમાં નથી રહ્યા. તમારી માટે મારા દ્વાર હંમેશા ખુલ્લા છે. આ ચારેય આદરણીય સભ્યો માટે ખુલ્લા છે. તમારા વિચાર, તમારા સૂચનો, કારણ કે દેશમાં આ બધુ બહુ જરૂરી હોય છે. આ અનુભવ બહુ કામ આવે છે. મને મળતો રહેશે એ અપેક્ષા હું રાખતો જ રહીશ. તમને હું નિવૃત્ત તો થવા નહિ દઉં. ફરી એકવાર ખૂબ શુભકામનાઓ!

આભાર!

 

SD/GP/BT