Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ માટે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ માટે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ


પ્રતિષ્ઠિત મહાનુભાવો,

વૈજ્ઞાનિકો, નવપ્રવર્તકો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મારા પ્રિય મિત્રો, હું આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં તમારું સ્વાગત કરતા આનંદ થાય છે.

સાથીઓ, દુનિયા એક મહત્ત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. એક વધતી અનુભૂતિ થઈ રહી છે કે જળવાયુ પરિવર્તન એ માત્ર ભવિષ્યની બાબત નથી. જળવાયુ પરિવર્તનની અસર અહીં અને અત્યારે અનુભવાઈ રહી છે. કાર્યવાહી માટેનો સમય અહીં અને અત્યારે જ છે. ઊર્જા સંક્રમણ અને સ્થિરતા વૈશ્વિક નીતિ પ્રવચનોમાં કેન્દ્રિય બની ગયા છે.

મિત્રો, ભારત સ્વચ્છ અને હરિયાળા ગ્રહનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રીન એનર્જી પરની અમારી પેરિસ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર અમે જી-20 દેશોમાં પ્રથમ હતા. આ પ્રતિબદ્ધતાઓ વર્ષ 2030ના લક્ષ્યાંકથી 9 વર્ષ અગાઉ પૂર્ણ થઈ હતી. છેલ્લાં 10 વર્ષમાં ભારતની સ્થાપિત બિન-અશ્મિભૂત ઇંધણની ક્ષમતામાં આશરે 300 ટકાનો વધારો થયો છે. આ જ ગાળામાં આપણી સૌર ઊર્જાની ક્ષમતામાં 3,000 ટકાનો વધારો થયો છે. પરંતુ અમે આ સિદ્ધિઓ પર આરામ કરી રહ્યા નથી. અમે વર્તમાન ઉકેલોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે નવા અને નવીન ક્ષેત્રો તરફ પણ ધ્યાન આપી રહ્યા છીએ. અહીં જ ગ્રીન હાઈડ્રોજનની ભૂમિકા સામે આવે છે.

મિત્રો, ગ્રીન હાઇડ્રોજન એ વિશ્વની ઊર્જા પરિદ્રશ્યમાં એક આશાસ્પદ યોગદાન તરીકે ઉભરી રહ્યું છે. તે ઉદ્યોગોને ડિકાર્બોનાઇઝ કરવામાં મદદ કરી શકે છે જેમનું વીજળીકરણ કરવું મુશ્કેલ છે. રિફાઇનરીઓ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, હેવી-ડ્યુટી ટ્રાન્સપોર્ટેશન – આવા અનેક ક્ષેત્રોને લાભ થશે.લીલો હાઇડ્રોજન વધારાની નવીનીકરણીય ઉર્જા માટેના સંગ્રહ ઉકેલ તરીકે પણ કાર્ય કરી શકે છે. ભારતે 2023માં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત કરી દીધી છે.

અમે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવા માંગીએ છીએ. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન નવીનતા, માળખાગત સુવિધા, ઉદ્યોગ અને રોકાણને વેગ આપી રહ્યું છે. અમે અત્યાધુનિક સંશોધન અને વિકાસમાં રોકાણ કરી રહ્યા છીએ. ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ભાગીદારીની રચના કરવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલા સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગ્રીન જોબ્સ ઇકો-સિસ્ટમ વિકસાવવા માટે પણ મોટી સંભાવના છે. આ માટે અમે આ ક્ષેત્રમાં અમારા યુવાનો માટે કૌશલ્ય વિકાસ પર પણ કામ કરી રહ્યા છીએ.

મિત્રો, જળવાયુ પરિવર્તન અને ઊર્જા પરિવર્તન એ વૈશ્વિક ચિંતાઓ છે. આપણા જવાબો પણ વૈશ્વિક પ્રકૃતિના હોવા જરૂરી છે. ડિકાર્બોનાઇઝેશન પર ગ્રીન હાઇડ્રોજનની અસરને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી મહત્વપૂર્ણ છે. ઉત્પાદનમાં વધારો કરવો, ખર્ચમાં ઘટાડો કરવો અને માળખાગત સુવિધાઓનું નિર્માણ સહકાર મારફતે ઝડપથી થઈ શકે છે. ટેકનોલોજીને આગળ વધારવા માટે આપણે સંશોધન અને નવીનતામાં સંયુક્તપણે રોકાણ કરવાની પણ જરૂર છે. સપ્ટેમ્બર 2023માં, જી 20 સમિટ ભારતમાં થઈ હતી. આ સમિટમાં ગ્રીન હાઇડ્રોજન પર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી જી-20 લીડર્સના જાહેરનામામાં હાઇડ્રોજન પર પાંચ ઉચ્ચ-સ્તરીય સ્વૈચ્છિક સિદ્ધાંતોને અપનાવવામાં આવ્યા હતા. આ સિદ્ધાંતો આપણને એકીકૃત રોડમેપ બનાવવામાં મદદ કરી રહ્યા છે. આપણે બધાએ યાદ રાખવું જોઈએ – આપણે અત્યારે જે નિર્ણયો લઈએ છીએ, તે આપણી ભાવિ પેઢીઓનું જીવન નક્કી કરશે.

મિત્રો, આવા નિર્ણાયક ક્ષેત્રમાં ક્ષેત્રના નિષ્ણાતો માટે માર્ગનું નેતૃત્વ કરવું અને સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે. ખાસ કરીને, હું વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયને વિવિધ પાસાઓને અન્વેષણ કરવા માટે એકસાથે આવવા વિનંતી કરું છું. ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રને મદદ કરવા માટે વૈજ્ઞાનિકો અને ઈનોવેટર્સ જાહેર નીતિમાં ફેરફાર સૂચવી શકે છે. એવા ઘણા પ્રશ્નો પણ છે કે જેના પર વૈજ્ઞાનિક સમુદાય ધ્યાન આપી શકે છે. શું આપણે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં ઇલેક્ટ્રોલાઇઝર અને અન્ય ઘટકોની કાર્યક્ષમતામાં સુધારો કરી શકીએ? શું આપણે ઉત્પાદન માટે સમુદ્રના પાણી અને મ્યુનિસિપલ વેસ્ટ વોટરના ઉપયોગની શોધ કરી શકીએ? જાહેર પરિવહન, શિપિંગ અને આંતરિક જળમાર્ગોમાં આપણે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગને કેવી રીતે સક્ષમ બનાવી શકીએ? એક સાથે આવા વિષયોનું અન્વેષણ કરવાથી વિશ્વભરમાં ગ્રીન એનર્જી સંક્રમણમાં ખૂબ મદદ મળશે. મને વિશ્વાસ છે કે આ પરિષદ આવા મુદ્દાઓ પર ઘણા વિચારોના આદાનપ્રદાનમાં મદદ કરશે.

સાથીઓ, ભૂતકાળમાં માનવતાએ અનેક પડકારોનો સામનો કર્યો છે. દરેક વખતે, આપણે સામૂહિક અને નવીન ઉપાયો દ્વારા પ્રતિકૂળતાઓને પાર કરી હતી. આ સામૂહિક અને નવીન કાર્યની સમાન ભાવના છે, જે આપણને સ્થાયી ભવિષ્ય તરફ દોરી જશે. જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે આપણે કંઈપણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ચાલો આપણે ગ્રીન હાઇડ્રોજનના વિકાસ અને જમાવટને વેગ આપવા માટે કામ કરીએ.

ફરી એક વાર, ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં સામેલ દરેકને હું મારી શુભકામનાઓ પાઠવું છું.

આભાર!

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com