Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના ગાંધીનગરમાં સુઝુકીના 40 વર્ષની ઉજવણી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

ગુજરાતના ગાંધીનગરમાં સુઝુકીના 40 વર્ષની ઉજવણી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રીકૃષ્ણ ચૌટાલાજી, સંસદમાં મારા સાથીદાર શ્રીમાન સી આર પાટિલ, સુઝુકી મોટર કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ, ભારતમાં જાપાનના રાજદૂત, મારુતિ-સુઝુકીના વરિષ્ઠ અધિકારીઓ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

સૌપ્રથમ હું સુઝુકી અને સુઝુકી પરિવાર સાથે જોડાયેલા તમામ લોકોને હાર્દિક અભિનંદન આપું છું.

ભારત અને ભારતના લોકો સાથે સુઝુકીનો પારિવારિક સંબંધ હવે 40 વર્ષનો થઈ ગયો છે. આજે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનની બેટરીના ઉત્પાદન માટે વધુ એક મહત્વાકાંક્ષી પ્લાન્ટનો શિલાન્યાસ થઈ રહ્યો છે, તો સાથે સાથે હરિયાણામાં નવી કારના ઉત્પાદનની સુવિધાની શરૂઆત પણ થઈ રહી છે.

મારું માનવું છે કે, આ વિસ્તાર સુઝુકી માટે ભવિષ્યની અપાર સંભાવનાઓનો આધાર બનશે. હું આ માટે સુઝુકી મોટર્સનો, આ વિશાળ પરિવારના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન પણ આપું છું. ખાસ કરીને હું શ્રીમાન ઓસામૂ સુઝુકી અને શ્રીમાન તોષી-રિહીરો સુઝુકી – આ આ બંનેને પણ અભિનંદન આપું છું. જ્યારે પણ તમે મને મળો છો, ત્યારે ભારતમાં સુઝુકીનું નવું વિઝન રજૂ કરો છો. હજુ ચાલુ વર્ષે મે મહિનામાં મારી મુલાકાત ઓસામા સુઝુકી સાથે થઈ હતી અને તેમણે મને 40 વર્ષના કાર્યક્રમમાં આવવાનો આગ્રહ કર્યો હતો. આ માટે આ પ્રકારની ભવિષ્યલક્ષી પહેલોના સાક્ષી બનવું એક સુખદ અનુભવ છે.

સાથીદારો,

મારુતિ સુઝુકીની સફળતા ભારત અને જાપાન વચ્ચે ગાઢ સંબંધો અને જોડાણનું પણ પ્રતીક છે. છેલ્લાં આઠ વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચે આ સંબંધોએ નવી ઊંચાઈ હાંસલ કરી છે. અત્યારે ગુજરાત-મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનથી લઈને ઉત્તરપ્રદેશમાં બનારસના રુદ્રાક્ષ સેન્ટર સુધી વિકાસની ઘણી યોજનાઓ ભારત અને જાપાનના મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ છે. જ્યારે બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોની વાત થાય છે, ત્યારે દરેક ભારતવાસી આપણા મિત્ર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શિન્ઝો આબેજીને જરૂર યાદ કરે છે. જ્યારે આબે શાન ગુજરાત આવ્યા હતા, ત્યારે તેમણે અહીં જેટલો સમય પસાર કર્યો હતો, તેને ગુજરાતના લોકો બહુ આત્મીયતા સાથે યાદ કરે છે. આપણા બંને દેશોને નજીક લાવવા તેમણે જે પ્રયાસો કર્યા હતા, તેને અત્યારે જાપાનના પ્રધાનમંત્રી કિશિદા આગળ વધારી રહ્યા છે. આપણે હમણા પ્રધાનમંત્રી કિશિદાનો વીડિયો સંદેશ પણ સાંભળ્યો. હું આ માટે પ્રધાનમંત્રી કિશિદા અને જાપાનના તમામ નાગરિકોને ભારત તરફથી અભિનંદન આપું છું.

સાથીદારો,

હું આ પ્રસંગે ગુજરાત અને હરિયાણાના લોકોને પણ ખૂબ શુભેચ્છાઓ આપું છું, જે દેશના ઔદ્યોગિક વિકાસ અને મેક ઇન ઇન્ડિયાને સતત વેગ આપે છે. આ બંને રાજ્યોની સરકારોની વિકાસલક્ષી, ઉદ્યોગલક્ષી નીતિઓ, વેપારવાણિજ્યને સરળ કરવાની દિશામાં પ્રયાસો છે, તેનો લાભ રાજ્યોના કરોડો નાગરિકો, ખાસ કરીને યુવાનોને મળી રહ્યો છે.

સાથીદારો,

આ ખાસ આયોજનમાં આજે મને ઘણી જૂની બાબતો યાદ આવી રહી છે અને આ સ્વાભાવિક છે. મને યાદ છે. 13 વર્ષ અગાઉ સુઝુકી કંપની પોતાના ઉત્પાદન એકમ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ લઈને ગુજરાત આવી હતી. તે સમયે મેકહ્યું હતું કે – જેમ જેમ અમારા મારુતિના મિત્રો ગુજરાતનું પાણી પીશે, તેમને તેમ તેમ સારી રીતે ખબર પડી જશે કે વિકાસનું આદર્શ મોડલ ક્યાં છે?’ આજે મને આનંદ છે કે, ગુજરાતે સુઝુકીને આપેલું વચન સારી રીતે અદા કર્યું છે અને સુઝુકીએ ગુજરાતને આપેલું વચન પણ સન્માન સાથે પૂર્ણ કર્યું છે. અત્યારે ગુજરાત દેશમાં જ નહીં, પણ દુનિયામાં ટોચનું ઓટોમોટિવ ઉત્પાદન કેન્દ્ર બનીને વિકસી રહ્યું છે.

સાથીદારો,

આજનો આ પ્રસંગ એવો છે, જેમાં હું ગુજરાત અને જાપાનના આત્મીય સંબંધો પર જેટલી ચર્ચા કરું એટલી ઓછી હશે. ગુજરાત અને જાપાન વચ્ચે જે સંબંધ રહ્યો છે, તે રાજદ્વારી સંબંધોથી ઘણો આગળ વધી ગયો છે અને નવી ઊંચાઈઓને આંબી રહ્યો છે.

મને યાદ છે. જ્યારે વર્ષ 2009માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન શરૂ થયું હતું, ત્યારથી જાપાન એની સાથે પાર્ટનર કન્ટ્રી તરીકે હંમેશા જોડાયેલો રહ્યો છે. આ બહુ મોટી વાત છે. એક તરફ એક રાજ્ય અને બીજી તરફ એક વિકસિત દેશ – આ બંનેનું ખભેખભો મિલાવીને કામ કરવું – ખરેખર બહુ મોટી વાત છે. આજે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાનની ભાગીદારી સૌથી વધુ હોય છે.

જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે ઘણી વાર એક વાત કહેતો હતો –  I want to create a Mini-Japan in Gujarat. એટલે કે હું ભારતમાં મિની-જાપાન ઊભું કરવા ઇચ્છું છું. આની પાછળનો ભાવ એ જ હતો કે, જાપાનના આપણા મહેમાનોને ગુજરાતમાં પણ જાપાનનો અનુભવ મળે, તેમને જાપાન જેવી લાગણીનો અહેસાસ થાય. અમે પ્રયાસ કર્યો છે કે, જાપાનના લોકોને, જાપાનની કંપનીઓને અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે.

તમે અંદાજ લગાવી શકો છો કે, કેટલી નાની-નાની બાબતો પર અમે ધ્યાન આપ્યું હતું. ઘણા લોકોને સાંભળીને નવાઈ પણ લાગશે. અત્યારે અમને બધાને ખબર છે કે, જાપાનના લોકો હોય અને ગોલ્ફ ખેલવાનું ન હોય તો વાત અધૂરી રહી જાય છે. ગોલ્ફ વિના તમે જાપાનીઝની કલ્પના પણ ન કરી શકો. હવે અમારા ગુજરાતને તો ગોલ્ફની દુનિયા સાથે કોઈ લેવાદેવા જ નહોતી. એટલે જો મારે જાપાનને અહીં લાવવું હોય તો મારે ગોલ્ફ કોર્સ પણ શરૂ કરવા જોઈએ. મને ખુશી છે કે, અત્યારે ગુજરાતમાં ગોલ્ફના અનેક મેદાનો છે, જ્યાં જાપાનના લોકો કામ કરીને તેમનો વીકેન્ડ (શનિવાર-રવિવાર) પસાર કરવા પહોંચી જાય છે. ઘણા રેસ્ટોરાં પણ આવે છે, જે જાપાની વાનગીઓ માટે વિશેષ ગણાય છે, જાપાની ફૂડ માટે ખાસ ગણાય છે. અમે એ બાબતનો પણ ખ્યાલ રાખ્યો હતો.

જાપાનથી આવેલા સાથીદારોને મુશ્કેલી ના પડે એટલા માટે ઘણા ગુજરાતીઓએ જાપાની ભાષા પણ શીખી છે અને હાલ જાપાની ભાષાના વર્ગો પણ ચાલી રહ્યા છે.

સાથીદારો,

અમારા પ્રયાસોમાં હંમેશાથી ગંભીરતા પણ રહી છે અને જાપાન માટે પ્રેમ પણ રહ્યો છે. અત્યારે એના જ પરિણામ સ્વરૂપે સુઝુકી સહિત જાપાનની સવા સો (125) કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ઓટોમોબાઇલથી લઈને જૈવઇંધણ સુધીના ક્ષેત્રમાં અહીં જાપાની કંપનીઓ પોતાની કામગીરીનું વિસ્તરણ કરી રહી છે. જેટ્રો દ્વાર સ્થાપિત અમદાવાદ બિઝનેસ સપોર્ટ સેન્ટરમાં એક સાથે ઘણી કંપનીઓ પ્લગ એન્ડ પ્લે વર્ક-સ્પેસ સુવિધા આપી રહી છે. અત્યારે ગુજરાતમાં બે, જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર મેન્યુફેક્ચરિંગ, દર વર્ષે સેંકડો યુવાનોને તાલીમ આપી રહી છે.

ઘણી કંપનીઓએ ગુજરાતની ટેકનિકલ યુનિવર્સિટીઓ અને આઇટીઆઇ સાથે પણ જોડાણ કર્યું છે. અમદાવાદમાં ઝેન ગાર્ડ અને કાઇઝેન એકેડેમીની સ્થાપનામાં જે રીતે હયોગો ઇન્ટરનેશનલ એસોસિએશનનું અમૂલ્ય યોગદાન રહ્યું છે, તેને ગુજરાત ક્યારેય ભૂલી ન શકે. હવે આવું જ પર્યાવરણને અનુકૂળ ગાર્ડ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નજીક વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાઇઝેનને લઈને 18-19 વર્ષ અગાઉ જે પ્રયાસ ગુજરાતે કર્યો હતો, જેટલી ગંભીરતાથી એને લાગુ કર્યો હતો, તેનો ગુજરાતને બહુ લાભ મળ્યો છે. અત્યારે ગુજરાત વિકાસની ઊંચાઈ પર છે, તેમાં નિશ્ચિત રીતે કાઇઝેનની પણ બહુ મોટી ભૂમિકા છે.

હું જ્યારે પ્રધાનમંત્રી તરીકે દિલ્હી ગયો, ત્યારે કાઇઝેનના અનુભવો પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય) અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોમાં પણ એને લાગુ કરવામાં આવ્યા. અત્યારે કાઇઝેનનો લાભ દેશને વધારે મળી રહ્યો છે. સરકારમાં અમે જાપાન-પ્લસની એક વિશેષ વ્યવસ્થા પણ કરી છે. ગુજરાત અને જાપાનની આ સહિયારી યાત્રાને યાદગાર બનાવનાર જાપાનના ઘણા સારા મિત્રો, મારા જૂના ઘણા સાથીદારો અત્યારે આ કાર્યક્રમમાં હાજર છે. હું એક વાર ફરી તમને બધાને અભિનંદન આપું છું.

સાથીદારો,

અત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનનું બજાર જેટલી ઝડપથી વધી રહ્યું છે, એની કલ્પના થોડા વર્ષ અગાઉ થઈ શકતી નહોતી. ઇલેક્ટ્રિક વાહનોની એક મોટી ખાસિયત એ હોય છે કે, તેઓ સાયલન્ટ (અવાજ કરતાં નથી) હોય છે. ટૂ વ્હીલર હોય કે 4 વ્હીલર – કોઈ અવાજ આવતો નથી. આ સાયલન્સ એની ઇજનેરી ક્ષેત્રનો કમાલ હોવાની સાથે આ દેશમાં એક સાયલન્ટ રિવોલ્યુશન એટલે કે મૌન ક્રાંતિની શરૂઆત પણ છે. અત્યારે લોકો ઇવીને એક વધારાનું વાહન સમજતા નથી, પણ તેને પરિવહનના મુખ્ય માધ્યમ ગણી રહ્યા છે.

હું દેશમાં છેલ્લાં આઠ વર્ષોથી આ પરિવર્તન માટે જમીન તૈયાર કરી રહ્યો હતો. અત્યારે અમે ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમમાં પુરવઠા અને માગ, બંને પર ઝડપથી કામ કરી રહ્યા છીએ. સરકાર ઇલેક્ટ્રિક વાહનના ગ્રાહકોને વિવિધ પ્રકારના પ્રોત્સાહનો આપી રહી છે, જેથી માગમાં ઝડપથી વધારો થાય. આવકવેરામાં છૂટથી લઈને લોનને સરળ બનાવવા જેવા ઘણા પગલાં લેવામાં આવ્યા છે, જેથી ઇલેક્ટ્રિક વાહનોની માગમાં વધારો થાય.

આ જ રીતે ઓટોમોબાઇલ અને ઓટો ઘટકોમાં પીએલઆઇ (ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન) યોજના મારફતે પુરવઠો વધારવાની દિશામાં પણ ઝડપથી કામગીરી ચાલી રહી છે. સરકારે ઇલેક્ટ્રિક વાહનોની સંપૂર્ણ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે ઘણા પગલાં લીધા છે. પીએલઆઇ યોજના મારફતે બેટરીના ઉત્પાદનને પણ ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે.

ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ માટે માળખાગત સુવિધા ઊભી કરવા માટે પણ દેશમાં સરકારે વિવિધ નીતિગત નિર્ણયો લીધા છે. વર્ષ 2022ના બજેટમાં બેટરી સ્વેપિંગ નીતિને રજૂ કરવામાં આવી છે. ટેકનોલોજીની વહેંચણી જેવી નીતિઓ પર પણ નવી શરૂઆત થઈ છે. પુરવઠો, માગ અને ઇકોસિસ્ટમની મજબૂતી સાથે ઇવી ક્ષેત્ર આગળ વધશે એ નક્કી છે. એટલે કે આ સાયલન્ટ ક્રાંતિ આગામી દિવસોમાં મોટું પરિવર્તન લાવવા તૈયાર છે.

સાથીદારો,

જ્યારે અત્યારે આપણે ઇવી જેવા ક્ષેત્રોની વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે આપણા દેશની આબોહવા પ્રત્યેની કટિબદ્ધતા અને તેના લક્ષ્યાંકોને પણ સામે રાખવા બહુ જરૂરી છે. ભારતે સીઓપી-26માં આ જાહેરાત કરી છે કે, તે વર્ષ 2030 સુધી પોતાની સ્થાપિત વીજ ક્ષમતાની 50 ટકા ક્ષમતા બિનઅશ્મિભૂત ઇંધણના સ્તોત્રોમાંથી હાંસલ કરશે. આપણે વર્ષ 2070 માટે નેટ ઝીરોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે અમે ઇવી ચાર્જિંગ માળખા અને ગ્રિડ સ્કેલ બેટરી સિસ્ટમ, જેમ કે ઊર્જા સંગ્રહની વ્યવસ્થાઓને માળખાગત સુવિધા સાથે સુસંગત યાદીમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. સાથે સાથે આપણે બાયો-ગેસ, ફ્લેક્સ ફ્યુઅલ જેવા વિકલ્પો તરફ પણ આગેકૂચ કરવી પડશે.

મને ખુશી છે કે, મારુતિ-સુઝુકી આ દિશામાં જૈવ-ઇઁધણ, ઇથનોલના મિશ્રણ, હાઇબ્રિડ ઇવી જેવા તમામ વિકલ્પો પર પણ કામ કરી રહી છે. મારું સૂચન એ છે કે, એની સાથે સાથે સુઝુકી કમ્પ્રેસ્સ્ડ બાયોમિથન ગેસ એટલે કે સીબીજી જેવી સંભાવનાઓ સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ પણ શરૂ કરી શકે છે. ભારતની બીજી કંપનીઓ પણ આ દિશામાં ઘણું કામ કરી રહી છે. હું ઇચ્છું છું કે, આપણે ત્યાં એક તંદુરસ્ત સ્પર્ધાની સાથે સાથે એકબીજામાંથી શીખવાનું વધારે સારું વાતાવરણ ઊભું થાય. તેનો લાભ દેશ અને વેપાર બંનેને મળશે.

સાથીદારો,

આગામી 25 વર્ષોમાં અમૃતકાળમાં અમારું લક્ષ્યાંક છે કે, ભારત પોતાની ઊર્જાલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આત્મનિર્ભર બની જાય. આપણે જાણીએ છીએ કે, અત્યારે ઊર્જાની આયાતનો એક બહુ મોટો હિસ્સો પરિવહન સાથે જોડાયેલો છે. એટલે આ દિશામાં નવીનતા અને પ્રયાસો આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

મને ખાતરી છે કે, તમારા અને ઓટો ક્ષેત્રના તમામ સાથીદારોના સહયોગ સાથે દેશ પોતાનો આ લક્ષ્યાંક જરૂર પૂર્ણ કરશે. આપણે વિકાસ અને સમૃદ્ધિના લક્ષ્ય પર એ જ ઝડપ સાથે પહોંચીશું, જે ઝડપ અત્યારે આપણા એક્સપ્રેસવે પર જોવા મળે છે.

આ જ ભાવના સાથે, હું તમારો બધાનો ખૂબ-ખૂબ આભાર માનું છું અને સુઝુકી પરિવારને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. હું તમને વિશ્વાસ સાથે ખાતરી આપું છું કે, તમે વિસ્તરણના જે સ્વપ્નો લઈને ચાલશો, તેને વેગ આપવામાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય – અમે ક્યાંય પાછા નહીં પડીએ.

આ જ ભાવના સાથે તમારો બધાનો ખૂબ-ખૂબ આભાર!

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com