Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના કચ્છમાં અનેક વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ગુજરાતના કચ્છમાં અનેક વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલજી, ગુજરાત સરકારના મંત્રીગણ, સાંસદગણ, અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! की अयो कच्छी माडुओ? शी केड़ो आय? शियारो अने कोरोना, बोय मे ध्यान रखजा ! अज कच्छ अची, मुके, बेवडी खुशी थई रही आय, बेवड़ी ऐटले आय,के कच्छड़ों मुझे धिल जे बोरो वटे आय, ब्यो एतरे के, अज, कच्छ गुजरात , पण, देश जी ओड़ख मे पण, हकड़ो तारो, जोडेलाय वेने तो

સાથીઓ,

આજે ગુજરાત અને દેશના મહાન સપૂત, સરદાર વલ્લભભાઈ પટેલજીની પુણ્યતિથિ પણ છે. મા નર્મદાના જળ વડે ગુજરાતની કાયાકલ્પ કરવાનું સપનું જોનારા સરદાર સાહેબનું સપનું ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. કેવડિયામાં તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, આપણને દિવસ રાત એક સાથે મળીને દેશની માટે કામ કરવાની પ્રેરણા આપી રહી છે. સરદાર સાહેબનું સ્મરણ કરતાં આપણે આ જ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારતા જ રહેવાનું છે.

સાથીઓ,

આજે કચ્છમાં પણ નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. જરા વિચારો, આપણાં કચ્છમાં, દુનિયાનું સૌથી મોટું હાઇબ્રીડ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યાન. અને તે કેટલું મોટું છે? જેટલો મોટો સિંગાપુર દેશ છે, બહેરીન દેશ છે, લગભગ તેટલા મોટા ક્ષેત્રમાં કચ્છનું આ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યાન બનવા જઈ રહ્યું છે. હવે તમને અંદાજો આવતો હશે કે કેટલું વિશાળ બનવા જઈ રહ્યું છે. 70 હજાર હેક્ટર, એટલે કે ભારતના મોટા મોટા શહેરો કરતાં પણ વધારે મોટું કચ્છનું આ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યાન. આવું જ્યારે સાંભળીએ છીએ ને, આ શબ્દો જ્યારે કાનમાં પડે છે, તે સાંભળીને જ કેટલું સારું લાગે છે. લાગે છે કે નથી લાગતું કચ્છ વાળાઓ! મન કેટલું ગર્વથી ભરાઈ જાય છે ને!

આજે કચ્છે નવા યુગની ટેકનોલોજી અને નવા યુગના અર્થતંત્ર બંને દિશામાં ઘણું મોટું પગલું ભર્યું છે. ખાવડામાં પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક હોય, માંડવીમાં ડી સેલીનેશન પ્લાન્ટ હોય, અને અંજારમાં સરહદ ડેરીના નવા ઓટોમેટિક પ્લાન્ટનો શિલાન્યાસ, ત્રણેય કચ્છની વિકાસ યાત્રામાં નવા પરિમાણો લખવાના છે. અને તેનો ઘણો મોટો લાભ અહીંના મારા ખેડૂત ભાઈઓ બહેનોને, પશુપાલક ભાઈઓ બહેનોને, અહીંના સામાન્ય નાગરિકો અને ખાસ કરીને આપણી માતાઓ બહેનોને થવા જઈ રહ્યો છે.

સાથીઓ,

હું જ્યારે કચ્છના વિકાસની વાત કરું છું તો મનમાં ઘણી બધી જૂની બધી જ યાદો બધા ચિત્રો એકસાથે આવવા લાગે છે. એક સમય હતો કહેવાતું હતું કે કચ્છ એટલું દૂર છે, વિકાસનું નામોનિશાન નથી, સંપર્ક નથી. વીજળી પાણી માર્ગ, પડકારનું એક રીતે બીજું નામ જ આ હતું. સરકારમાં પણ એવું કહેવાતું હતું કે જો કોઈને પનિશમેન્ટ પોસ્ટિંગ આપવી હોય તો કચ્છમાં મોકલી દો અને લોકો પણ કહેતા હતા કે કાળા પાણીની સજા થઈ ગઈ. આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો સિફારીશ કરે છે કે મને થોડા સમય માટે કચ્છમાં કામ કરવાનો મોકો મળી જાય. કેટલાક લોકો તો એવું પણ કહેતા હતા કે આ ક્ષેત્રમાં વિકાસ ક્યારેય થઈ શકે તેમ છે જ નહીં. આવી જ પરિસ્થિતિમાં કચ્છમાં ભૂકંપની આફત પણ આવી ગઈ. જે પણ વધ્યું ઘટ્યું હતું, ભૂકંપે તે પણ તબાહ કરી નાખ્યું હતું. પરંતુ એક બાજુ માતા આશાપુરા દેવી અને કોટેશ્વર મહાદેવનો આશીર્વાદ, તો બીજી બાજુ કચ્છના મારા ખમીરવંતા લોકોનો જુસ્સો, તેમની મહેનત, તેમની ઈચ્છાશક્તિ. માત્ર કેટલાક જ વર્ષોમાં આ વિસ્તારના લોકોએ એ કરીને બતાવ્યું જેની કોઈ કલ્પના પણ નહોતું કરી શકે એમ. કચ્છના લોકોએ નિરાશાને આશામાં પરિવર્તિત કરી. હું સમજુ છું કે આ જ તો માતા આશાપુરા દેવીનો આશીર્વાદ છે. અહીં નિરાશાનું નામ નથી, આશા જ આશા હોય છે. ભૂકંપે ભલે તેમના ઘરો પાડી નાખ્યા હતા, પરંતુ આટલો મોટો ભૂકંપ પણ કચ્છના લોકોના મનોબળને તોડી નહોતો શક્યો. કચ્છના મારા ભાઈ બહેનો ફરીથી ઊભા થયા. અને આજે જુઓ આ ક્ષેત્રને તેમણે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું છે.

સાથીઓ,

આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ છે, આજે કચ્છની શાન હજુ વધારે ઝડપથી વધી રહી છે. આજે કચ્છ દેશના ઝડપથી વિકસિત થઈ રહેલા ક્ષેત્રોમાંથી એક મહત્વનું ક્ષેત્ર બની રહ્યું છે. અહીંનો સંપર્ક દિવસે દિવસે વધુ સારો બની રહ્યો છે. આ સીમાવર્તી વિસ્તારમાં સતત પલાયન, અને પહેલા તો વસ્તીની દ્રષ્ટિએ જોઈ લો, માઇનસ વૃદ્ધિ થતી હતી. બાકીના વિસ્તારોમાં વસ્તી વધતી હતી અને અહિયાં ઓછી થતી હતી કારણ કે લોકો જતાં રહેતા હતા અને મોટા ભાગે સીમાવર્તી વિસ્તારોમાંથી લોકો પલાયન કરીને જતાં હતા અને તેના કારણે સુરક્ષા માટે પણ મુશ્કેલી ઊભી થવી સ્વાભાવિક હતી જ. હવે જ્યારે પલાયન અટકી ગયું છે તો જે ગામડાઓ એક સમયે ખાલી થઈ રહ્યા હતા તેમાં પણ રહેવા માટે લોકો પાછા આવતા જઈ રહ્યા છે. તેનો બહુ મોટો હકારાત્મક પ્રભાવ રાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડ્યો છે.

સાથીઓ,

જે કચ્છ એક સમયે વિરાન રહેતું હતું તે જ કચ્છ દેશ અને દુનિયાના પ્રવાસીઓનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે. કોરોનાએ મુશ્કેલીઓ જરૂરથી ઊભી કરી છે પરંતુ કચ્છનું સફેદ રણ, કચ્છનો રણોત્સવ સંપૂર્ણ દુનિયાને આકર્ષિત કરે છે. સરેરાશ 4 થી 5 લાખ પ્રવાસીઓ રણ ઉત્સવ દરમિયાન અહીં આવે છે, સફેદ રણ અને ભૂરા આકાશનો આનંદ માણે છે. આ પ્રકારના મોટા પાયા પર સાંસ્કૃતિક કાર્યક્રમો, કચ્છના સ્થાનિક સામાનનું એટલા મોટા પાયે વેચાણ, અહિયાં પરંપરાગત ખાણીપીણીની લોકપ્રિયતા, એક સમયમાં કોઇ વિચારી પણ નહોતું શકતું. આજે મને કેટલાય મારા જૂના જાણીતા લોકો સાથે ગપ્પાં ગોષ્ઠી કરવાનો મોકો મળી ગયો. તો આમ જ મને કહી રહ્યા હતા. કહેતા હતા કે અમારા બાળકો અંગ્રેજી બોલતા શીખી ગયા. મેં કહ્યું કઈ રીતે, તો કહે કે હવે તો અમે હોમ સ્ટે કરીએ છીએ. અમે ઘરોની રચના કરી છે તો હોમ સ્ટે માટે લોકો રહે છે. તો અમારા બાળકો પણ બોલતા બોલતા કઇંક શીખી ગયા છે. કચ્છે સંપૂર્ણ દેશને દેખાડી દીધું છે કે પોતાના સંસાધનો પર, પોતાના સામર્થ્ય પર ભરોસો કરીને કઈ રીતે આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકાય તેમ છે. હું દુનિયાના વિકાસ નિષ્ણાતો, યુનિવર્સિટી સંસાધનો તેની સાથે જોડાયેલા લોકોને કહીશ કે ભૂકંપ પછી જે રીતે કચ્છનો ચારે બાજુ વિકાસ થયો છે, મને લાગે છે કે આ કેસ સ્ટડી છે તેની સ્ટડી પણ થવી જોઈએ, સંશોધન થવા જોઈએ અને આ કઈ રીતે મોડલ કામ કરી રહ્યું છે. આટલા મોટા ભયંકર અકસ્માતના બે દાયકાની અંદર – અંદર આટલો મોટો સર્વાંગી વિકાસ દરેક ક્ષેત્રમા તે પણ જ્યાં મોટાભાગની જમીન માત્રને માત્ર રણવિસ્તાર છે. આ અભ્યાસનો વિષય છે.

સાથીઓ,

હું હંમેશા માનું છું ઈશ્વરની મારી ઉપર કૃપા રહી છે અને ઈશ્વરની કૃપાનું જ કારણ હશે કદાચ કે મને પણ તે ભૂકંપના સમયમાં ખાસ કરીને કચ્છના લોકોની સેવા કરવાનો ઈશ્વરે અવસર આપ્યો છે. તેને સંયોગ જ કહીશું કે ભૂકંપના બીજા વર્ષ પછી, જ્યારે રાજ્યોમાં ચૂંટણી થઈ હતી તો જે દિવસે પરિણામો આવ્યા, તે તારીખ પણ 15 ડિસેમ્બર હતી અને આજે 15 ડિસેમ્બર છે. કોઈ કલ્પના નહોતું કરી શકતું કે આટલા મોટા ભૂકંપ પછી અહિયાં આગળ અમારી પાર્ટીને લોકો આશીર્વાદ આપશે. બહુ નકારાત્મક ચર્ચા ચાલી રહી હતી. તે ચૂંટણીમાં જ્યારે 15 ડિસેમ્બરે પરિણામ આવ્યું તો જોવા મળ્યું કે કચ્છે જે પ્રેમ વરસાવ્યો, આશીર્વાદ આપ્યા, તેની આજે પણ પરંપરા યથાવત ચાલી રહી છે. આજે પણ જુઓ તમારા આશીર્વાદ. આમ તો સાથીઓ, આજે 15 ડિસેમ્બરની તારીખ સાથે એક બીજો પણ સંયોગ જોડાયેલો છે. કદાચ કેટલાક લોકો માટે આ જાણકારી સુખદ આશ્ચર્ય હશે. જુઓ આપણાં પૂર્વજો પણ કેટલી દૂરંદેશીતાં ધરાવતા હતા. કેટલું દૂરનું વિચારતા હતા. આજકાલ ક્યારેક ક્યારેક નવી પેઢીની વિચારધારા ધરાવતા લોકો, જૂનું બધુ બકવાસ છે, બેકાર છે એવી વાતો કરતાં હોય છે ને, હું તમને એક પ્રસંગ સંભળાવું છું. આજથી 118 વર્ષ પહેલા આજના જ દિવસે 15 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક ઔદ્યોગિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ હતું – ભાનુતાપ યંત્ર. એટલે કે 118 વર્ષ પહેલા અહિયાના આપણાં ઉદ્યોગ સાહસિકોની વિચારધારા જુઓ. ભાનુતાપ યંત્ર એટલે કે સૂર્યતાપ યંત્ર, તે સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર હતું. ભાનુતાપ યંત્રએ સૂર્યની ગરમી વડે ચાલતું યંત્ર. અને એક રીતે સોલર કુકરની જેમ તેમણે બનાવ્યું હતું. આજે 118 વર્ષ બાદ હવે આજે 15 ડિસેમ્બરના રોજ જ સૂર્યની ગરમી વડે ચાલનાર આટલા મોટા પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્યાનમાં સોલરની સાથે સાથે પવન ઉર્જા, બંને દ્વારા આશરે 30 હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા હશે. આ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યાનમાં લગભગ લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. જરા વિચાર કરો, રણવિસ્તારની કેટલી મોટી જમીનનો સદુપયોગ થશે. સીમાની સાથે સાથે પવન ચકકીઓ લાગી જવાથી સીમા સુરક્ષા પણ વધારે સારી રીતે થશે. સામાન્ય લોકોના વીજળીના બિલ ઓછા કરવાના જે લક્ષ્યને લઈને દેશ ચાલી રહ્યો છે, તેને પણ મદદ મળશે. આ પ્રોજેક્ટ વડે ખેડૂતો અને ઉદ્યોગો બંનેને બહુ મોટો લાભ મળવાનો છે. અને સૌથી મોટી વાત, તેનાથી પ્રદૂષણ ઓછું થશે, આપણાં પર્યાવરણને પણ લાભ મળશે. આ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યાનમાં જે વીજળી બનશે, તે દર વર્ષે 5 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન રોકવામાં મદદ કરશે અને આ જે કામ થવા જઈ રહ્યું છે તેને જો પર્યાવરણની દ્રષ્ટિએ જોવું હોય તો આ કામ લગભગ લગભગ 9 કરોડ વૃક્ષો વાવવા બરાબર હશે. આ ઉર્જા ઉદ્યાન, ભારતમાં માથાદીઠ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનને પણ ઓછું કરવામાં બહુ મોટું યોગદાન આપશે. તેનાથી લગભગ એક લાખ લોકોને રોજગારના નવા અવસરો પણ ઉપલબ્ધ થશે. તેનો બહુ મોટો લાભ કચ્છના મારા યુવાનોને મળવાનો છે.

સાથીઓ,

એક સમય હતો જ્યારે ગુજરાતના લોકોની માંગણી રહેતી હતી કે ઓછામાં ઓછું રાત્રે ભોજન લેવાના સમયે તો થોડી વાર વીજળી મળી જાય. આજે ગુજરાત, દેશના તે રાજયોમાંથી એક છે જ્યાં શહેર હોય કે ગામડું, 24 કલાક વીજળીની ખાતરી કરવામાં આવે છે. આજે જે 20 વર્ષનો નવયુવાન હશે તેને ખબર નહીં હોય કે પહેલા શું હાલત રહેતી હતી. તેને તો અંદાજો પણ નહીં હોય કે આટલું મોટું પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન ગુજરાતનાં લોકોના અથાક પ્રયાસો વડે જ શક્ય બની શક્યું છે. હવે તો ખેડૂતો માટે ખેડૂત સૂર્યોદય યોજના અંતર્ગત અલગથી જ આખું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને રાત્રે સીંચાઈની મજબૂરી ના થાય તેની માટે વિશેષ લાઈનો પાથરવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો,

ગુજરાત દેશનું સૌપ્રથ રાજ્ય છે જેણે સૌર ઉર્જાને ધ્યાનમાં લઈને નીતિઓ બનાવી, નિર્ણયો લીધા. આપણે નહેરોની ઉપર સુદ્ધાં પેનલો લગાવી દીધી જેની ચર્ચા વિદેશો સુદ્ધામાં પણ થઈ છે. મને યાદ છે જ્યારે ગુજરાતે સૂર્ય ઉર્જાને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું, તો એ પણ વાત આવી હતી કે આટલી મોંઘી વીજળીનું શું કરીશું? કારણ કે જ્યારે ગુજરાતે આટલું મોટું પગલું ભર્યું હતું ત્યારે સૂર્ય ઉર્જા વડે જે વીજળી મળતી હતી તે 16 રૂપિયા કે 17 રૂપિયા પ્રતિ યુનિટ વીજળી મળવાની વાત હતી. પરંતુ ભવિષ્યની સંભાવનાઓને જોઈને ગુજરાતે તેની પર કામ કરવાનું ચાલુ રાખ્યું. આજે તે જ વીજળી ગુજરાત જ નહિ પરંતુ સંપૂર્ણ દેશમાં 2 રૂપિયા, 3 રૂપિયા પ્રતિ યુનિટ વેચાઈ રહી છે. ગુજરાતે એ સમયે જે કામ કર્યું હતું, તેનો તે વખતનો અનુભવ આજે દેશને દિશા દેખાડી રહ્યો છે. આજે ભારત પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનની બાબતમાં દુનિયાની ચોથી સૌથી મોટી તાકાત છે. દરેક હિન્દુસ્તાનીને ગર્વ હશે મિત્રો, વિતેલા 6 વર્ષોમાં આપણી સૌર ઉર્જા, તેની આપણી ક્ષમતા 16 ગણી વધી ગઈ છે. હમણાં તાજેતરમાં એક સ્વચ્છ ઉર્જા રોકાણ રેન્કિંગ આવી છે. આ સ્વચ્છ ઉર્જા રોકાણ રેન્કિંગ જે છે તેમાં 104 દેશોનું મૂલ્યાંકન થયું છે અને પરિણામ એ સામે આવ્યું છે કે દુનિયાના 104 દેશોમાં પહેલા ત્રણ નંબરમાં ભારતે પોતાની જગ્યા બનાવી લીધી છે. જળવાયુ પરિવર્તન વિરુદ્ધની લડાઈમાં હવે ભારત સમગ્ર વિશ્વને દિશા દેખાડી રહ્યું છે, નેતૃત્વ કરી રહ્યું છે.

સાથીઓ,

21 મી સદીના ભારત માટે જે રીતે ઉર્જા સુરક્ષા જરૂરી છે, તે જ રીતે જળ સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે અને મારી શરૂઆતથી જ એ પ્રતિબદ્ધતા રહી છે કે પાણીની તંગીના કારણે ના તો લોકોનો વિકાસ અટકવો જોઈએ અને ના તો કોઈ ક્ષેત્રનો વિકાસ અટકવો જોઈએ. પાણીને લઈને પણ ગુજરાતે જે કામ કર્યું છે તે આજે દેશની માટે દિશાદર્શક બન્યું છે. એક સમય હતો જ્યારે કચ્છમાં મા નર્મદાનું પાણી પહોંચાડવાની વાત કરવામાં આવતી હતી, તો કેટલાક લોકો મજાક ઉડાવતા હતા. તેઓ એ જ કહેતા હતા કે આ તો રાજનીતિની વાતો છે, આમાં થવાનું કઈં નથી. ક્યારેક ક્યારેક લોકો કહેતા હતા 600 – 700 કિલોમીટર દૂર મા નર્મદા અને ત્યાંથી પાણી છેક અહિયાં કઈ રીતે પહોંચી શકે તેમ છે. આવું ક્યારેય સંભવ નહીં બને. આજે કચ્છમાં નર્મદાનું પાણી પણ પહોંચી રહ્યું છે અને મા નર્મદાના આશીર્વાદ પણ મળી રહ્યા છે. કચ્છનો ખેડૂત હોય કે સરહદ પર ઉભેલો જવાન, બંનેની પાણીની ચિંતા દૂર થઈ છે. હું અહીંયાના લોકોની પ્રશંસા કરીશ કે જેમણે જળ સંરક્ષણને એક જન આંદોલનમાં પરિવર્તિત કરી નાખ્યું. ગામડે ગામડેથી લોકો આવ્યા, પાણી સમિતિઓ બની, મહિલાઓએ પણ મોરચો સંભાળ્યો, ચેક ડેમો બનાવવામાં આવ્યા, પાણીની ટાંકીઓ બની, નહેરો બનાવવામાં મદદ કરી. હું તે દિવસ ક્યારેય ભૂલી શકું તેમ નથી, જ્યારે નર્મદાનું પાણી અહિયાં પહોંચ્યું હતું, તે દિવસ મને બરાબર યાદ છે જે દિવસે મા નર્મદાનું પાણી પહોંચ્યું હતું, કદાચ દુનિયામાં ગમે ત્યાં કોઈ કચ્છી હશે તો જ્યારે નર્મદા મા અહિયાં કચ્છની ધરતી પર પહોંચી હતી ત્યારે દરેકની આંખોમાં હર્ષના આંસુઓ વહી રહ્યા હતા. તે દ્રશ્ય મેં જોયું હતું. પાણી શું છે, તે કચ્છના લોકો જેટલું સારી રીતે સમજી શકે છે તેટલું ભાગ્યે જ કોઈ સમજી શકતું હશે. ગુજરાતમાં પાણી માટે જે વિશેષ ગ્રીડ બનાવવામાં આવ્યા, નહેરોની જાળ પાથરવામાં આવી, તેનો લાભ હવે કરોડો લોકોને મળી રહ્યો છે. અહિયાના લોકોનો પ્રયાસ, રાષ્ટ્રીય સ્તર પર જળ જીવન મિશનનો પણ આધાર બન્યા છે. દેશમાં દરેક ઘરમાં પાઇપ વડે પાણી પહોંચાડવાનું અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. માત્ર સવા વર્ષની અંદર આ અભિયાન અંતર્ગત લગભગ લગભગ 3 કરોડ ઘરો સુધી પાણીના પાઇપ પહોંચાડવામાં આવ્યા છે. અહિયાં ગુજરાતમાં પણ 80 ટકાથી વધુ ઘરોમાં નળમાંથી જળની સુવિધા પહોંચી ગઈ છે. મને જણાવવામાં આવ્યું છે કે આવનાર કેટલાક સમયની અંદર જ ગુજરાતનાં દરેક જિલ્લામાં પાઇપ વડે પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

ભાઈઓ અને બહેનો,

પાણીને ઘરો સુધી પહોંચાડવાની સાથે-સાથે પાણીના નવા સંસાધનો બનાવવા પણ ખૂબ જરૂરી છે. આ જ લક્ષ્યની સાથે જ સમુદ્રના ખારા પાણીને શુદ્ધ કરીને ઉપયોગમાં લેવાની વ્યાપક યોજના ઉપર પણ કામ ચાલી રહ્યું છે. માંડવીમાં તૈયાર થનારો ડીસેલીનેશન પ્લાન્ટ એ નર્મદા ગ્રીડ, સૌની નેટવર્ક અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ જેવા પ્રયાસોને વધુ વિસ્તાર આપશે. પાણી સફાઇનો આ પ્લાન્ટ જ્યારે તૈયાર થઈ જશે તો તેનાથી માંડવી સિવાય મુંદ્રા, નખત્રાણા, લખપત અને અબડાસાના લાખો પરિવારોને લાભ મળશે. આ પ્લાન્ટ વડે આ ક્ષેત્રના લગભગ લગભગ 8 લાખ લોકોને દરરોજ કુલ મળીને 10 કરોડ લિટર સ્વચ્છ પાણીનો પુરવઠો પ્રાપ્ત થઈ શકશે. એક અન્ય લાભ એ થશે કે સેંકડો કિલોમીટર દૂરથી અહિયાં આવરી રહેલ નર્મદાનું પાણી, તેનો પણ આપણે સદુપયોગ કરી શકીશું. આ પાણી કચ્છના અન્ય તાલુકાઓ, જેમ કે રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજારને પણ સુચારું રૂપે મળી શકશે.

સાથીઓ,

કચ્છ સિવાય દહેજ, દ્વારકા, ઘોઘા ભાવનગર, ગીર સોમનાથ ત્યાં આગળ પણ આવા પ્રોજેક્ટ્સ આવનાર સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે સમુદ્ર કિનારે વસેલા અન્ય રાજ્યોને પણ માંડવીનો આ પ્લાન્ટ નવી પ્રેરણા આપશે, તેમને પ્રોત્સાહિત કરશે.

ભાઈઓ અને બહેનો,

સમય અને જરૂરિયાત અનુસાર પરિવર્તન કરવું એ જ કચ્છની, ગુજરાતની તાકાત છે. આજે ગુજરાતનો ખેડૂત, અહીંયાના પશુપાલકો, અહિયાના આપણાં માછીમાર સાથીઓ, પહેલા કરતાં અનેકગણી વધુ સારી સ્થિતિમાં છે. તેનું એક કારણ એ પણ છે કે અહિયાં ખેતીની પરંપરાને આધુનિકતા સાથે જોડવામાં આવી છે, પાકોની વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કચ્છ સહિત ગુજરાતમાં ખેડૂતો વધુ માંગ અને વધુ કિંમતો ધરાવતા પાકો, તેની બાજુ વળી ગયા છે અને આજે તેમાં આગળ વધી રહ્યા છે. હવે અહિયાં જ આપણાં કચ્છમાં જોઈ લો, અહિયાની ખેત પેદાશોની વિદેશોમાં નિકાસ થાય, શું કોઈએ ક્યારેય આવું વિચાર્યું હતું ખરું, આજે થઈ રહ્યું છે, અહિયાં ખજૂર, અહિયાં કમલમ અને ડ્રેગન ફ્રૂટ જેવા ઉત્પાદનોની ખેતી વધુ થવા લાગી છે. માત્ર દોઢ દાયકામાં ગુજરાતમાં કૃષિ ઉત્પાદનમાં દોઢ ગણા કરતાં વધુનું વૃદ્ધિ નોંધવામાં આવી છે.

ભાઈઓ અને બહેનો,

ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર મજબૂત થવાનું એક અન્ય મોટું કારણ એ પણ રહ્યું છે કે અહિયાં બાકી ઉદ્યોગોની જેમ જ ખેતી સાથે જોડાયેલ વેપારમાં પણ સરકાર નડતર રૂપ નથી બનતી, દખલગીરી નથી કરતી. સરકાર પોતાની દખલગીરી બહુ મર્યાદિત રાખે છે, ખુલ્લા છોડી દીધા છે. આજે આપણે જોઈએ છીએ કે ડેરી અને મત્સ્યપાલન તેની સાથે જોડાયેલ બે ક્ષેત્રો એવા છે, એજ દેશમાં સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ પામી રહ્યા છે. બહુ ઓછા લોકોએ આનો અભ્યાસ કર્યો છે, બહુ ઓછા લોકો આના વિષે લખે છે. ગુજરાતમાં પણ દૂધ આધારિત ઉદ્યોગોનો વ્યાપક પ્રસાર એટલા માટે થયો કારણ કે તેમાં સરકાર તરફથી કોઈ પ્રતિબંધો ઓછામાં ઓછા રહ્યા છે. સરકાર જરૂરી સુવિધાઓ આપે છે, બાકીનું કામ કાં તો સહકારી સંગઠન ક્ષેત્રોવાળા કરે છે અથવા તો આપણાં ખેડૂત ભાઈઓ બહેનો પોતે જ કરે છે. આજે અંજારની સરહદ ડેરી પણ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. મને યાદ છે કે કચ્છમાં ડેરી હોવી જોઈએ એ વાતને લઈને જ્યારે હું શરૂઆતમાં વાત કરતો હતો તો જેને પણ મળું તે નિરાશાપુર્ણ વાત કરતું હતું. અહિયાં શું છે, ઠીક છે થોડું ઘણું આમ તેમ કરી નાખીશું. મેં કહ્યું ભાઈ નાના પાયેથી શરૂ કરીએ. જોઈએ તો ખરા કે શું થાય છે, તે નાના પાયાનું કામ આજે ક્યાં પહોંચી ગયું, જુઓ. આ ડેરીએ કચ્છના પશુપાલકોનું જીવન બદલવામાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. કેટલાક વર્ષો અગાઉ સુધી કચ્છથી અને તે પણ બહુ ઓછી માત્રામાં દૂધને પ્રોસેસિંગ માટે ગાંધીનગરની ડેરીમાં લાવવામાં આવતું હતું. પરંતુ હવે તે જ પ્રોસેસિંગ અંજાર ડેરી પ્લાન્ટમાં થઈ રહ્યું છે. તેનાથી દરરોજ ટ્રાન્સપોર્ટેશનમાં જ ખેડૂતોના લાખો રૂપિયા બચી રહ્યા છે. હવે સરહદ ડેરીના ઓટોમેટિક પ્લાન્ટની ક્ષમતા હજી વધારે વધવા જઈ રહી છે. આવનાર દિવસોમાં અહિયાનો ડેરી પ્લાન્ટ દરરોજ 2 લાખ લિટર વધુ દૂધનું પ્રોસેસિંગ કરશે. તેનો આસપાસના જિલ્લાના પશુપાલકોને પણ બહુ લાભ મળશે. એટલું જ નહિ, નવા પ્લાન્ટમાં દહી, છાશ, લસ્સી, માખણ, માવો વગેરે જેવા અનેક દૂધના ઉત્પાદનોમાં પણ મૂલ્ય ઉમેરણ થવાનું શક્ય બનશે.

સાથીઓ,

ડેરી ક્ષેત્રમાં જે પશુપાલકોને લાભ થઈ રહ્યો છે તેમાંથી મોટાભાગના તો નાના ખેડૂતો જ છે. કોઇની પાસે 3-4 પશુ છે, તો કોઇની પાસે 5-7 અને આવું લગભગ લગભગ આખાયે દેશમાં જ છે. અહિયાં કચ્છની બન્ની ભેંસ તો દુનિયામાં પોતાનું નામ કમાઈ રહી છે. કચ્છમાં તાપમાન ભલે 45 ડિગ્રી હોય કે પછી તાપમાન શૂન્ય કરતાં નીચે હોય, બન્ની ભેંસ આરામથી બધુ સહન કરી શકે છે અને બહુ મોજથી રહે છે. તેને પાણી પણ ઓછું જોઈએ અને ચારા માટે દૂર દૂર ચાલીને જવામાં પણ બન્નીની ભેંસને કોઈ તકલીફ નથી પડતી. એક દિવસમાં આ ભેંસ સરેરાશ લગભગ લગભગ 15 લિટર જેટલું દૂધ આપે છે અને તેનાથી વર્ષે કમાણી 2 થી 3 લાખ રૂપિયા સુધીની થાય છે. મને જણાવવામાં આવ્યું છે કે હમણાં તાજેતરમાં જ એક બન્ની ભેંસ 5 લાખ રૂપિયા કરતાં પણ વધુમાં વેચાઈ છે. દેશના બીજા લોકો સાંભળતા હશે તો તેમને આશ્ચર્ય થશે કે બન્નીની ભેંસ 5 લાખ રૂપિયા એટલે કે જેટલામા 2 નાની કાર ખરીદી શકાય છે તેટલામાં બન્નીની એક ભેંસ મળે છે.

સાથીઓ,

વર્ષ 2010મા બન્ની ભેંસને રાષ્ટ્રીય માન્યતા મળી હતી. આઝાદી પછી ભેંસની આ સૌપ્રથમ બ્રીડ હતી કે જેને રાષ્ટ્રીય સ્તર પર આ રીતની માન્યતા મળી હોય.

સાથીઓ,

બન્ની ભેંસના દૂધના કારોબાર અને તેની માટે બનેલી વ્યવસ્થા અહિયાં કચ્છમાં ખૂબ સફળ રહી છે. દેશમાં બાકી જગ્યાઓ ઉપર પણ દૂધ ઉત્પાદક અને દૂધનો વ્યવસાય કરનાર ખાનગી અને સહકારી ક્ષેત્ર, બંને એકબીજા સાથે જોડાયેલા છે અને એક સારામાં સારી પુરવઠા શૃંખલા તેમણે ઊભી કરી છે. એ જ રીતે ફળ શાકભાજી સાથે જોડાયેલ વ્યવસાયમાં પણ મોટાભાગે બજારો ઉપર સરકારની સીધી કોઈ દખલગીરી નથી.

સાથીઓ,

આ ઉદાહરણ હું વિસ્તારપૂર્વક એટલા માટે આપી રહ્યો છું કારણ કે આજકાલ દિલ્હીની આસપાસના ખેડૂતોને ભ્રમિત કરવાની બહુ મોટી વ્યૂહરચના ચાલી રહી છે. તેમને ડરવવામાં આવી રહ્યા છે કે નવા કૃષિ સુધારાઓ બાદ ખેડૂતોની જમીન પર બીજા લોકો કબજો કરી લેશે.

ભાઈઓ બહેનો,

હું તમારી પાસેથી જાણવા માંગુ છું, શું કોઈ ડેરીવાળો તમારી પાસેથી દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો તમારી ગાય ભેંસ લઈને જતો રહે છે કે શું? કોઈ ફળ શાકભાજી ખરીદવાવાળો ઉદ્યમ કરે છે તો શું તમારી જમીન લઈ જાય છે શું? શું તમારી સંપત્તિ ઉઠાવીને લઈ જાય છે કે શું?

સાથીઓ,

આપણાં દેશમાં ડેરી ઉદ્યોગનું યોગદાન કૃષિ અર્થવ્યવસ્થાના કુલ મૂલ્યમાં 25 ટકા કરતાં પણ વધુ છે.

આ યોગદાન લગભગ લગભગ 8 લાખ કરોડ રૂપિયા હોય છે. દૂધ ઉત્પાદનનું કુલ મૂલ્ય, અનાજ અને દાળના કુલ મૂલ્ય કરતાં પણ વધુ હોય છે. આ વ્યવસ્થામાં પશુપાલકોને આઝાદી મળેલી છે. આજે દેશ પૂછી રહ્યો છે કે આવી જ આઝાદી અનાજ અને દાળ ઉત્પન્ન કરનાર નાના અને સીમાંત ખેડૂતોને શા માટે ના મળવી જોઈએ?

સાથીઓ,

હમણાં તાજેતરમાં થયેલા કૃષિ સુધારાઓની માંગણી, વર્ષોથી કરવામાં આવી રહી હતી. અનેક ખેડૂત સંગઠનો પણ પહેલાથી જ માંગણી કરી રહ્યા હતા કે અનાજને ગમે ત્યાં વેચવા માટેનો વિકલ્પ અપાવો જોઈએ. આજે જે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે તેઓ પણ પોતાની સરકારના સમયમાં આ કૃષિ સુધારાઓ લાવવાના સમર્થનમાં હતા. પરંતુ પોતાની સરકારના સમય દરમિયાન તેઓ આ નિર્ણય ના લઈ શક્યા, ખેડૂતોને જુઠ્ઠા આશ્વાસનો આપતા રહ્યા. આજે જ્યારે દેશે આ ઐતિહાસિક પગલું ભર્યું તો આ જ લોકો ખેડૂતોને ભ્રમિત કરવામાં લાગી ગયા છે. હું મારા ખેડૂત ભાઈઓ બહેનોને ફરી એકવાર કહી રહ્યો છું, વારે વારે કહી રહ્યો છું કે તેમની દરેક શંકાનું સમાધાન કરવા માટે સરકાર ચોવીસ કલાક બેઠેલી છે. ખેડૂતોનું હિત એ પહેલા દિવસથી જ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક રહી છે. ખેતી ઉપર ખેડૂતોનો ખર્ચ ઓછો થાય, તેમને નવા નવા વિકલ્પો મળે, તેમની આવક વધે, ખેડૂતોની મુશ્કેલીઓ હળવી થાય, તેની માટે અમે સતત કામ કર્યું છે. મને વિશ્વાસ છે, અમારી સરકારની ઈમાનદાર નીતિ, અમારી સરકારના ઈમાનદાર પ્રયાસો અને જેને લગભગ લગભગ આખા દેશે આશીર્વાદ આપ્યા છે, દેશના દરેક ખૂણાના ખેડૂતે આશીર્વાદ આપ્યા છે, મને વિશ્વાસ છે કે દેશભરના ખેડૂતોના આશીર્વાદની આ તાકાત, જે ભ્રમ ફેલાવનાર લોકો છે, જે રાજનીતિ કરવામાં લાગેલા લોકો છે જે ખેડૂતોના ખભા પર રાખીને બંદુકો ફોડી રહ્યા છે, દેશના બધા જ જાગૃત ખેડૂતો તેમને પણ પરાસ્ત કરીને જ રહેશે.

ભાઈઓ બહેનો,

આ સાથે જ હું ફરી એકવાર કચ્છને અનેક અનેક અભિનંદન આપું છું. હમણાં થોડા સમય પહેલા જ્યારે હું અહિયાં આવ્યો છું તો રણોત્સવ પ્રત્યે મારું આકર્ષણ તો રહે જ છે, કચ્છની વિરાસત, અહીંની સંસ્કૃતિને નમન કરી રહેલા અન્ય એક કાર્યક્રમ રણોત્સવમાં પણ હું ભાગ લેવા જઈશ. ફરીથી એકવાર થોડી તે પળોને જીવવાનો પ્રયાસ કરીશ. કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની યાદો પણ મારી સાથે ફરી એકવાર દિલ્હી લઈને જઈશ. કચ્છ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શતું રહે, મારી હંમેશા એ જ કામના રહેશે. હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઘણી ઘણી શુભકામનાઓ આપું છું.

ખૂબ ખૂબ આભાર !!!              

 

SD/GP/BT