રાજકોટના લોકો, તમે બધા કેમ છો,
મજા જ મજા!
હમણાં જ તમે નવરાત્રીમાં જબરદસ્ત જલસા કર્યા. બે વર્ષ બાદ આ તક મળીને, દિવાળીની તૈયારી કેવી છે? આજે, તમારી દિવાળી મને અત્યારથી દેખાવા માંડી છે. આજે તો રાજકોટે રંગ જમાવી દીધો. કોઈ કલ્પના કરી શકે છે કે નવરાત્રી તો હમણાં જ ગઈ છે, વિજયાદશમી ગઈ, ગરબા રમી-રમીને થાકી ગયા હોવ, ધનતેરસની રાહ જોઈ રહ્યા હોવ, દિવાળીની તૈયારી કરી રહ્યા હોય, નવું વર્ષ આવી રહ્યું હોય, નાના-મોટા વેપારીઓને કેટલું બધું કામ હોય અને તેમ છતાં પણ રાજકોટે આજે જે ભવ્ય કાર્યક્રમ કર્યો છે, જે પ્રેમ અને આશીર્વાદથી તેણે સ્વાગત-સન્માન કર્યું છે, હું રાજકોટને શત શત પ્રણામ કરું છું.
આપણે ત્યાં દિવાળી એટલે કરેલાં કામનો હિસાબ-કિતાબ કરવો. અને નવું વર્ષ એટલે નવા સંકલ્પોની શરૂઆત થવી અને દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવાની પ્રવૃત્તિ. આ સમયે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસ માટે આજે પૂર્ણ થયેલા અનેક પ્રોજેકટો દિવાળીની ભેટ તરીકે તમારાં ચરણોમાં મૂકી રહ્યો છું. અને જેમનો શિલાન્યાસ થયો છે, તે એક રીતે નવા સંકલ્પોનો પાયો નખાયો છે. કનેક્ટિવિટી, ઉદ્યોગ, પાણી, લોકોની સુવિધાને લગતા આવા અનેક પ્રોજેક્ટ્સ રાજકોટને અનેકગણું શક્તિશાળી બનાવશે. અહીંના નાગરિકોને તેમનાં જીવનને સરળ બનાવવા માટે કામ આવશે.
વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે દેશમાં છ જગ્યાએ મકાનો બનાવવાં માટે એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં એક રાજકોટને પસંદ કરવામાં આવ્યું હતું. અને 1144 ઘર, નવી ટેકનોલોજી, નવી પદ્ધતિ, નવી ગતિ અને કોરોનાના સંકટકાળમાં પણ આ ઉત્તમ કામ કરવા માટે ટેકનોલોજી હોય અને તેની સાથે જ સુશાસન હોય, પ્રતિબદ્ધતા હોય, લોકોની જરૂરિયાતોની ચિંતા હોય, તો જ આવાં સારાં કામ થાય છે. અને તે માટે ભારત સરકારના મંત્રી ભાઈ શ્રી હરદીપસિંહ પુરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને તેમની ટીમ, ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ આ તમામને અને રાજકોટને લાખ-લાખ અભિનંદન.
આજે હું ખાસ કરીને એ માતાઓ-બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, જેઓ આ નવી ટેકનોલોજીથી બનેલાં સુંદર ઘરો માટે આ ઘરોનાં માલિક બની ગયાં છે. અને આ ઘરનું નિર્માણ દિવાળીમાં થયું છે ત્યારે લક્ષ્મી આપનાં ઘરમાં વાસ કરે, એવી આપણે બધા મળીને પરમાત્માને પ્રાર્થના કરીએ. અહીં જ્યારે હું ચાવી આપી રહ્યો હતો, ત્યારે હું બધાને પૂછતો હતો કે, ઘર કેવું બન્યું છે? તેમના ચહેરા જ જણાવી રહ્યા છે કે તેઓ કેટલા સંતુષ્ટ થયા છે, આ મકાનો જોઈને, નહીં તો સરકારી મકાનની કોઇ ગણતરી જ ન કરે. પરંતુ હવે તો સરકાર એવી છે કે લોકો ડગલે ને પગલે ગણતરી કરે છે.
વીતેલાં 21 વર્ષોમાં આપણે બધાએ સાથે મળીને ઘણાં સપનાં જોયાં છે, અનેક પગલાં ભર્યાં છે, અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. અને મારા માટે તો રાજકોટ, આ મારી પ્રથમ શાળા હતી. મહાત્મા ગાંધી ભાગ્યશાળી હતા કે તેમનો જન્મ પોરબંદરમાં થયો હતો અને તેમને રાજકોટમાં શાળા મળી હતી. આમ જોવા જઈએ તો મારું સૌભાગ્ય હતું કે હું ત્યાં ઉત્તર ગુજરાતમાં જન્મ્યો અને રાજકોટમાં સત્તાકરણ અને રાજકારણની પહેલી શાળા આપનાં ચરણોમાં શરૂ થઈ. આ રાજકોટની ધરતીની તાકાત જુઓ, પ્રથમ શાળામાં ગાંધીજીને આશીર્વાદ આપ્યા, આજે ગાંધીજી આપણા માટે પ્રેરણારૂપ શક્તિ બની ગયા છે. અને તમે મને આશીર્વાદ આપ્યાં કે, આજે બે બે દાયકા પૂરા થઈ ગયા, જવાબદારી વધતી જ જાય છે, વધતી જ જાય છે, આ તમારાં રાજકોટનાં આશીર્વાદની તાકાત છે.
આપણા વજુભાઈએ આ બેઠક ખાલી કરી મને રાજકોટ મોકલ્યો અને તમે મને અપનાવી લીધો અને અહીં જ તમારાં આશીર્વાદથી યાત્રા શરૂ થઈ અને આ યાત્રા આજે ગુજરાત અને દેશના વિકાસને નવી ઊંચાઇઓ પર લઈ જવાનો અવસર બની ગઈ. રાજકોટનું આ ઋણ હું ક્યારેય પણ ચૂકવી શકું તેમ નથી. હું આપનો ઋણી છું. અને આજે જ્યારે હું આપ સૌની વચ્ચે આવ્યો છું, ત્યારે હું સંપૂર્ણ સેવાભાવથી, સમર્પણભાવથી, શિશ નમાવીને, આ વિકાસકાર્યોને આપનાં ચરણોમાં ભેટ કરું છું, ભાઈઓ.
હું એક વિદ્યાર્થી તરીકે તમારી પાસેથી ઘણું શીખ્યો છું. ઘણું બધું સમજ્યો અને રાજકોટે જે શીખવ્યું છે તે આજે દેશ માટે કામ આવી રહ્યું છે, ભાઈઓ. આજે જ્યારે ગુજરાતની જાહો-જલાલીની ચર્ચા થતી હોય, ગુજરાતના કાયદા-કાનૂનની ચર્ચા થતી હોય, ખેલકૂદ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓ ગુજરાત આવ્યા હતા અને એ સમયે નવરાત્રીનો તહેવાર પણ ચાલી રહ્યો હતો. મોટા ભાગના ખેલાડીઓ, કેટલાંયે મારી સાથે ફોન પર વાત કરી અને ઘણાએ સોશિયલ મીડિયામાં ગુજરાતમાં તેમનો અનુભવ, તેમાં પણ આખી રાત-રાત બહેનો અને યુવતીઓ સોનાના દાગીના પહેરીને ગમે ત્યાં જતી હોય, કોઈ ભય ન હોય, કોઈ ચિંતા ન હોય. ગુજરાતમાં આ બધું જોઈને, રાજકોટમાં જોઈને દેશભરથી આવેલા લોકો મોંમાં આંગળાં નાખી ગયા.
કાયદો અને વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાનું આ પરિણામ છે. આપણે ત્યાં સ્થિતિ હતી, અને આપણાં રાજકોટમાં તો ખબર છે, જે સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં જનસંઘનો જમાનો હતો, ત્યારે તો હું રાજનીતિમાં ન હતો, જનસંઘના જમાનામાં આપણા ચીમનભાઈ શુક્લ અને સૂર્યકાંતભાઈ આચાર્ય, તેમની જોડીએ ગુંડા વિરોધી સમિતિ બનાવી હતી અને ગુંડા વિરોધી મુક્ત અભિયાન ચલાવ્યું હતું. જનસંઘે તે જમાનામાં રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ગુંડા વિરોધી તત્વોની સામે લડત ચલાવી હતી.
આજે ભાજપની સરકાર બન્યા બાદ, કાયદા-કાનૂન, સુખ-શાંતિ સહજ બની ગયા. ગુનેગારો, માફિયા, આતંકવાદીઓ, કબજો જમાવીને ચાલતી ટોળકી હોય, આ બધા ગુંડા તત્વોથી છૂટકારો અને તેનો આનંદ સમાજના દરેક વર્ગને થઈ રહ્યો છે. દરેક માતા-પિતાનાં મનમાં શાંતિ, સદભાવના, એકતા એ બાળકોનાં ઉજ્જવળ ભવિષ્યની ગૅરંટી બની ગઈ છે. અને તે માટે તનતોડ મહેનત, અને જ્યારે હું આ બધું જોઉં છું ત્યારે મને કેટલો ગર્વ થાય છે અને કેટલો આનંદ થાય છે, ભાઈઓ.
મને યાદ છે કે આપણે આવી પ્રગતિ નિરંતર કરતા આવ્યા છીએ. દરેક વખતે નવા નવા પ્રોજેક્ટ્સ અને છેલ્લા દાયકામાં આપણું ગુજરાત વધુને વધુ સક્ષમ બને, વધુને વધુ સમર્થ બને. એ માટે જે વાતાવરણ જોઇએ, એને હંમેશા પ્રોત્સાહિત કરતા રહ્યા. અને તેનાં કારણે સરકારના પ્રયાસોનાં પરિણામે ગુજરાત આજે ઝડપથી આગળ વધી રહ્યું છે.
વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાતનો આ મંત્ર લઈને ચાલી રહ્યા હતા આપણે, સમૃદ્ધ ભારત માટે સમૃદ્ધ ગુજરાતનો આ હેતુ લઈને ચાલી રહ્યા હતા. અને તે માટે અમે વાઇબ્રન્ટ ગુજરાત અભિયાન ચલાવ્યું. દુનિયાભરના લોકોને મૂડી રોકાણ માટે બોલાવ્યા, અમે કૃષિ મહોત્સવ કર્યો. કૃષિ મહોત્સવ એક-એક મહિના સુધી આકરા તડકામાં ચાલતો હતો, જે રાજ્યમાં ખેતીનું નામ નહોતું, દુષ્કાળના દિવસો રહેતા હતા, આજે તે રાજ્ય પેટભર અનાજ ઉગાડી શકે છે, તે રાજ્યએ 9 ટકાથી 10 ટકાની કૃષિ વૃદ્ધિ સાથે હિંદુસ્તાનના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આપણે ત્યાં ગરીબ કલ્યાણ મેળો થાય છે, ગામનાં ગરીબોને સશક્ત બનાવવાનું કામ આપણે ત્યાં થાય છે, આપણે જોયું છે કે જ્યારે ગરીબ સશક્ત થાય છે, જ્યારે મધ્યમ વર્ગ તાકતવર રહે છે, અને જ્યારે તેમને સશક્ત કરવામાં આવે છે, ત્યારે આખો સમાજ ગતિ પકડે છે, સમગ્ર વિસ્તાર આગળ વધે છે, ભાઈઓ. અને તેમાં પણ માથે છત મળે, પોતાનું ઘર મળે તો તે માનભેર જીવવા લાગે છે. કોઈ પણ હોય, મધ્યમવર્ગીય પરિવાર ગમે તે હોય, પણ તેનાં મનમાં એક ઇચ્છા હોય કે મારું પોતાનું ઘર હોય.
પોતાનું ઘર બનાવવા માટે, આપણી આ જ સરકાર મધ્યમ વર્ગ માટે, ગરીબો માટે ઘણી યોજનાઓ લાવી છે. એટલું જ નહીં, ઘર એવું હોવું જોઈએ જેમાં જીવન જીવવાની મજા આવે, શૌચાલય હોય, વીજળી હોય, પાણી હોય, ગેસ હોય, ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક હોય, આ બધી વસ્તુઓ, સમગ્ર આધુનિક જીવનની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રયત્નો હોય.
સામાન્ય માનવીનાં જીવનમાં બીજી કઈ ચિંતાઓ હોય, વ્યક્તિ ગમે તેટલી ગરીબીમાંથી બહાર આવ્યો હોય, મહેનત કરી હોય, મધ્યમ વર્ગમાં ગયો હોય, પરંતુ પરિવારમાં કોઈ એક બીમારી આવી જાય તો તે ફરી ગરીબીના ચક્કરમાં ફસાઈ જાય છે. ગરીબોનાં ઘરમાં બીમારી આવી જાય તો દરિદ્રતા આવી જાય છે, ભીખ માગવાના દિવસો આવે છે. પરંતુ જો આપણા સમાજને આરોગ્યમાં સુરક્ષા મળે, તો તે ગરીબ ચિંતાઓથી મુક્ત થઈ જાય છે, અને આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને, અમે આયુષ્માન ભારત યોજના, પીએમજય અને હવે તો પીએમજય ‘મા’ આ યોજના દ્વારા પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે અને આ યોજનાથી કરોડો રૂપિયાનો લાભ મળી રહ્યો છે, ભાઈઓ.
ભાઇઓ-બહેનો,
ગરીબી હટાવોનો નારો તો ખૂબ ચાલ્યો. રોટી-કપડાંનો નારો પણ ઘણો ચાલ્યો. અને એટલા ભ્રમિત હતા કે એમ કહીએ કે આધી રોટી ખાયેંગે, લેકિન ફલાને-ફલાને લાયેંગે. આવું બધું ચાલતું હતું, અમે કહી દીધું ભાઈ, આ બધા નારા, નારાનાં અડ્ડાઓ છે, મારે તો તમારું જીવન બદલવું છે. અડધી રોટલી નથી ખાવી, પાકી રોટલી ખાવી છે. અને જો કોઈ ભૂખ્યું ઘરે આવે છે, તો તેને ખવડાવવાની તાકાત આવે, એવી આપની જિંદગી મારે બનાવવી છે. આ લોકોએ રાજકારણમાં આવીને પોતાના મહેલો બનાવ્યા, પરંતુ ક્યારેય ગરીબોની ઝૂંપડી વિશે વિચાર્યું નહીં. મેં ગરીબો માટે પાકાં મકાનો બનાવવાં માટે દેશભરમાં અભિયાન ચલાવ્યું.
એક તાકાતે દેશમાં તેમના માટે કામ કર્યું છે. અને આજે જ્યારે ગુજરાતે અને તે પણ આપણાં રાજકોટે ઉદ્યોગોની અંદર નામના મેળવી છે. મને યાદ છે કે જ્યારે હું મુખ્ય પ્રધાન હતો ત્યારે ઘણાં વર્ષો પહેલાં એક વાર ભાષણ આપ્યું હતું. મેં કહ્યું હતું કે, હું જોઇ રહ્યો છું, મોરબી, રાજકોટ, જામનગરનો આખો આ પટ્ટો મિની જાપાનની જેમ આગળ વધશે, આવું મેં વર્ષો પહેલા કહ્યું હતું. ત્યારે લોકોએ મારા વાળ ખેંચ્યા હતા, મારી મજાક ઉડાવી હતી. ભાઈઓ, મને કહો કે મારી ભવિષ્યવાણી સાચી પડી કે નહીં. આજે રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે કે નહીં. હું તે સમયે જોઈ શક્યો કે મોરબી, રાજકોટ, જામનગરની આ સમગ્ર ક્ષેત્રની તાકાત સમગ્ર ગુજરાતને ઉપર લઈ જવાની તાકાત આ ભૂમિમાં છે.
ભાઇઓ-બહેનો,
ઘર આપવાની યોજના હોય, તેના માટે પ્રગતિ કરવાની વાત હોય અને છેલ્લાં આઠ વર્ષમાં અમે ગામડાં અને શહેરોમાં ત્રણ કરોડથી વધુ પાકાં મકાનો બાંધવાનું કામ કર્યું છે. અને તેમાં આપણા ગુજરાતમાં દસ લાખ પાકાં મકાનો અને તેમાંથી સાત લાખ પાકાં મકાનો તો બનાવીને આપી દીધાં. હું ભૂપેન્દ્રભાઈ અને તેમની ટીમને અભિનંદન આપું છું કે ગુજરાતને આગળ વધારવા માટે તેમનાં નેતૃત્વમાં આ કામ થયું છે. હું તેમની પ્રશંસા કરું છું, માત્ર ગરીબોની જ નહીં, પરંતુ મધ્યમ વર્ગની પણ એટલી જ ચિંતા કરવામાં આવી છે. રેરાનો કાયદો બનાવીને મધ્યમ વર્ગનું સપનું અમે સુરક્ષિત કર્યું છે.
અમે ગુજરાતમાં મધ્યમ વર્ગને 11 હજાર કરોડ રૂપિયાની મદદ કરીને તેમને પોતાનું ઘર બનાવવાની વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં, હવે કામ એટલું વધી ગયું છે કે ગુજરાતમાં મજૂરોને બહારથી લાવવા પડે છે. આ શ્રમિકોનાં જીવનમાં પણ કોઈ મુશ્કેલી ન આવે, તેમને પણ સારું ઘર મળે, એ માટે પણ એક યોજના સાથે આગળ વધી રહ્યા છે, ભાઈઓ.
પહેલાંની સરકારોએ ઘરો બનાવ્યાં, આવાં ઘર નહીં, અમે મહેરબાની કરીએ છીએ, એવી વાત નથી, આપ આત્મનિર્ભર બનો, સક્ષમ બનો, એ માટે અમે કામ કરીએ છીએ. અમે ઘણી નવી કક્ષાઓ ઉપર કામ કરીએ છીએ. આવી અનેક બાબતો સાથે લઈને જ્યારે ચાલીએ છીએ અને આજે જ્યારે હું રાજકોટ આવ્યો છું ત્યારે સમાજજીવનને શક્તિશાળી બનાવવાનો અમારો સતત પ્રયાસ, સ્વતંત્ર ભારતનાં સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ, રાજકોટનો આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ તેનો જ એક પ્રયાસ છે, ભાઈઓ.
આજે રાજકોટમાં દેશ માટે મોડલ સ્વરૂપ કામ થયું છે. રાજકોટના લાઇટ હાઉસ પ્રોજેકટથી એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના લોકો, રિઅલ એસ્ટેટમાં કામ કરતા લોકોને સૌને લાભ થવાનો છે. અને તેમાંથી મોડલ બનશે, લાખો ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે નવાં ઘર બનશે. રાજકોટની આધુનિક ઢબે ઝડપી પ્રગતિ થાય, આંતરમાળખાકીય સુવિધાઓની પ્રગતિ થાય અને સમગ્ર સૌરાષ્ટ્રને જોડવાની વ્યવસ્થા થાય એ અંગે પણ અમે ચિંતા કરી રહ્યા છીએ અને અમે ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યા છીએ ભાઈઓ-બહેનો.
અમે આધુનિક ટેકનોલોજીનાં માધ્યમથી ભારતમાં આત્મનિર્ભરતા આવે, આ નવી વ્યવસ્થાને જોઇને આપણા લોકો પણ ચાલે, એ માટે અમે બીડું ઉઠાવ્યું છે અને તેને પૂર્ણ કરી રહ્યા છીએ. એટલા માટે અમે નવયુવાનોની તાલીમ હોય, યુવાનો નવાં સ્ટાર્ટ અપ લઈ આવે, એને અમે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.
સાથીઓ,
શહેરોનાં જીવનમાં, રસ્તા હોય, બજારો હોય, મૉલ્સ હોય, પ્લાઝા હોય, તેની આસપાસ જ વિકાસ થાય, એ પૂરતું નથી. શહેરી જીવનની એક મોટી જવાબદારી છે, અને તે જવાબદારી નિભાવવાની એક તક પણ છે અને વિકાસ માટે નવાં પરિમાણો પણ છે. એટલું જ નહીં અહીં ફૂટપાથ પર બેસીને જે સામાન વેચનારા હોય, શાકભાજીવાળા હોય, એમની ચિંતા પણ અમે કરી છે. તેને બૅન્ક તરફથી કોઈ ગૅરંટી વગર પૈસા મળે એની ચિંતા કરી છે. તેમને સ્વનિધિ યોજના દ્વારા સરળતાથી લોન મળે એની ચિંતા પણ કરી છે.
ભાઇઓ-બહેનો,
આજે તમે જોઈ શકો છો કે ડિજિટલ ઇન્ડિયા કેટલી મોટી તાકાત બની રહી છે. અમે દુનિયાનું સૌથી સસ્તું ઇન્ટરનેટ લાવ્યા છીએ, અને મારો સ્ટ્રીટ વેન્ડર પણ ડિજિટલ રીતે પૈસા ચૂકવે છે. ગુજરાતમાં આવી અનેક બાબતો આપણે જોઈ શકીએ છીએ અને તેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે, ભાઈઓ. એટલું જ નહીં, તેનો પ્રભાવ પણ વધુ થતો જાય છે.
લઘુ ઉદ્યોગ, એમએસએમઇ રાજકોટના મારા એન્જિનિયરિંગ ઉદ્યોગે વિકાસની દિશામાં બહુ મોટું કામ કર્યું છે. અહીં જે પંપ બનાવવામાં આવે છે, મશીનના સાધનો બનાવવામાં આવે છે, આજે કદાચ દેશનો કોઈ ખૂણો એવો નહીં હોય કે રાજકોટમાં બનેલી આ બધી વસ્તુઓ દેશના ખૂણે ખૂણે પહોંચી ન હોય. આપણો ફાલ્કન પમ્પ, ફિલ્માર્શલ, એન્જલ પમ્પ, રોટેક એન્જિનિયરિંગ, જલગંગા પમ્પ, સિલ્વર પંપ, રોટેક પંપ, સિદ્ધિ એન્જિનિયર, ગુજરાત ફોર્જિન, ટોપલેન્ડ કેટલાંય નામો અને આ બધી બ્રાન્ડ હિંદુસ્તાનના ખૂણે ખૂણે પહોંચી છે. વિદેશમાં પણ નિકાસ થઈ રહી છે. આ તાકાત રાજકોટ દ્વારા ઉભી કરવામાં આવી છે.
આજે ભારતમાં જે ઓટોમોબાઈલ ઉદ્યોગ વિકસ્યો છે, જે ગુજરાતમાં વિકસ્યો છે, તેના ભાગો બનાવવાનું કામ મારાં રાજકોટમાં થાય છે અને વાહનો માટે વિશ્વમાં પહોંચે છે. ગુજરાતમાં જે કાર બને, જાપાન આયાત કરે, અને તેના સ્પેરપાર્ટ્સ મારાં રાજકોટના કારીગરો બનાવતા હોય, તેનાથી મોટું ગર્વ શું હોય, ભાઈ. એક સમય હતો, ગુજરાત સાયકલ પણ બનાવતું ન હતું, અને મારા શબ્દો લખી રાખજો કે આ ગુજરાતમાં પ્લેન પણ બનશે અને રાજકોટમાં પ્લેનના સ્પેરપાર્ટસ પણ બનવા લાગશે, તે દિવસ દૂર નથી ભાઇઓ.
બે દાયકા પહેલા રાજકોટે કમાલ કરી છે, ભાઈઓ-બહેનો. મેં બે દાયકામાં એક નવો ઇતિહાસ લખ્યો છે. મારાં રાજકોટે યુનિવર્સિટીનો અભ્યાસ કરવાનું કામ કર્યું છે. રાજકોટનું એન્જીનીયરીંગ, તેના માટે ૫ હજાર કરોડની નિકાસ, તમે વિચારો, એકલાં રાજકોટમાંથી જ ૫૦૦૦ કરોડની નિકાસ થઈ રહી છે, આ રાજકોટની તાકાત છે, જે અહીંના યુવાનોનાં ભવિષ્યને આગળ ધપાવી રહ્યું છે, ભાઈઓ. અને તેનાં કારણે લોકોને અનેક રોજગારી પણ મળી રહી છે, લોકોનાં જીવનમાં એક ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે.
આપણું મોરબી તો કમાલ કરી રહ્યું છે, મોરબીની સિરામિક ટાઇલ્સ આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની ગઈ છે. અને સમગ્ર વિશ્વમાં જે સિરામિકનું કામ થઈ રહ્યું છે ને તેમાં ૧૩ ટકા કામ એકલાં મોરબીમાં જ થઈ રહ્યું છે. અને તેથી મોરબી ટાઉન ઑફ એક્સપોર્ટ એક્સેલન્સ તરીકે ઓળખાવા લાગ્યું છે, ભાઈઓ. દીવાલો હોય, ફ્લોર હોય, બાથરૂમ હોય, શૌચાલય હોય, મોરબી વિના બધું જ અધૂરું છે, ભાઈઓ. મોરબી વગર પૂર્ણ થઈ જ શકે તેમ નથી. આ તાકાત, જ્યારે મોરબીમાં પૂર આવ્યું, માછલીઓની જે હાલત થઈ ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે મોરબી ઉભું થશે, પરંતુ આજે મોરબી બીજાને ઊભા કરી રહ્યું છે ભાઈઓ.
મને યાદ છે કે તે સમયે મોરબી ટેક ઑફ સ્ટેજ પર હતું, મને સમજાયું કે જો ગેસ ત્યાં બરાબર પહોંચી જાય તો મોરબી કમાલ કરશે અને અમે ઔદ્યોગિક ગેસની પાઇપલાઇન લગાવી દીધી, અને મોરબીને નવી તાકાત આપી. આજે મોરબીમાં સિરામિક પાર્ક માટે 15 હજાર કરોડનું રોકાણ એ ખૂબ જ મોટી ઘટના છે. છેલ્લાં 20-22 વર્ષમાં ગુજરાતમાં જે ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ છે, અલગ-અલગ ક્ષેત્રોમાં થઈ છે, એનાં કારણે પણ અનેક પ્રકારના લાભો, ઔદ્યોગિક નીતિ અને હમણાં ભૂપેન્દ્રભાઈની સરકારે જે નવી ઔદ્યોગિક નીતિ બનાવી છે, તેનો લાભ પણ આગામી દિવસોમાં નવી પેઢીને પણ મળવાનો છે.
ભાઇઓ-બહેનો,
પરંપરાગત ઉદ્યોગો અને તે ઉપરાંત અનેક શક્યતાઓ આપણાં રાજકોટમાં રહેલી છે, સૌરાષ્ટ્રમાં, રહેલી છે, ગુજરાતમાં રહેલી છે, ભાઈઓ. અને એટલા માટે જ આજે જ્યારે હું તમારાં ચરણોમાં આટલી મોટી યોજનાઓ મુકવા આવ્યો છું તો મને ખૂબ જ ગર્વ અને સંતોષની લાગણી થાય છે. આપે આટલું સ્વાગત-સન્માન કર્યું, તે માટે હું ફરી એક વખત રાજકોટનો આભારી છું. અને હું હંમેશા કહીશ કે હું હંમેશા-હંમેશા રાજકોટનો ઋણી રહીશ, અને રાજકોટની સેવા કરવાની કોઇ પણ તક જવા દઇશ નહીં. આ જ વિશ્વાસ સાથે, ફરી એક વાર આપ સહુને ખૂબ ખૂબ અભિનંદન, અનેક અનેક શુભકામનાઓ.
ધન્યવાદ!
YP/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Great to be in the vibrant city of Rajkot! Addressing a programme at launch of various projects. https://t.co/QuTNcm8XWZ
— Narendra Modi (@narendramodi) October 19, 2022