Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતનાં મોરબીમાં હનુમાનજીની 108 ફિટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

ગુજરાતનાં મોરબીમાં હનુમાનજીની 108 ફિટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર!

મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી અને રામ કથા આયોજન સાથે સંકળાયેલા તમામ મહાનુભાવો, ગુજરાતના આ તીર્થમાં ઉપસ્થિત તમામ સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વર, એચ સી નંદા ટ્રસ્ટના સભ્યો, અન્ય વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ, દેવીઓ અને સજ્જનો! હનુમાન જયંતિના પાવન અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ શુભ અવસર પર આજે મોરબીમાં હનુમાનજીની આ ભવ્ય મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયાભરના હનુમાન ભક્તો, રામ ભક્તો માટે તે ખૂબ જ સુખદાયી છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન!

સાથીઓ,

રામચરિત માનસમાં કહેવાયું છે કે- બિનુ હરિકૃપા મિલહિં નહીં સંતા, એટલે કે ઈશ્વરની કૃપા વિના સંતોનાં દર્શન દુર્લભ હોય છે. આ મારું સૌભાગ્ય છે કે છેલ્લા થોડા દિવસોમાં મને મા અંબાજી, ઉમિયા માતા ધામ, મા અન્નપૂર્ણા ધામનાં આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. હવે આજે મને મોરબીમાં હનુમાનજીનાં આ કાર્ય સાથે સંકળાયેલા સંતોના સમાગમનો ભાગ બનવાનો અવસર મળ્યો છે.

ભાઇઓ અને બહેનો,

મને કહેવામાં આવ્યું છે કે હનુમાનજીની આવી 108 ફૂટ ઊંચી પ્રતિમા દેશના 4 અલગ-અલગ ખૂણામાં સ્થાપિત કરવામાં આવી રહી છે. શિમલામાં આવી જ એક ભવ્ય પ્રતિમા તો આપણે છેલ્લાં ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ. આજે આ બીજી પ્રતિમા મોરબીમાં સ્થાપિત કરવામાં આવી છે. અન્ય બે મૂર્તિઓ દક્ષિણમાં રામેશ્વરમ અને પશ્ચિમ બંગાળમાં સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે, એવું મને કહેવામાં આવ્યું.

સાથીઓ,

આ માત્ર હનુમાનજીની મૂર્તિઓની સ્થાપના કરવાનો જ સંકલ્પ નથી, પરંતુ તે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનો પણ એક ભાગ છે. હનુમાનજી તેમની ભક્તિથી, તેમની સેવાથી દરેકને જોડે છે. દરેક વ્યક્તિને હનુમાનજી પાસેથી પ્રેરણા મળે છે. હનુમાન એ એવી શક્તિ અને સંબળ છે જેમણે તમામ વનવાસી પ્રજાતિઓ અને વનબંધુઓને માન અને સન્માન આપવાનો અધિકાર અપાવ્યો. એટલા માટે હનુમાનજી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં પણ મહત્વનાં સૂત્ર છે.

ભાઇઓ અને બહેનો,

આ જ રીતે દેશના વિવિધ ભાગોમાં રામ કથાનું આયોજન પણ સતત થતું રહે છે. ભાષા-બોલી ગમે તે હોય, પણ રામકથાની ભાવના સૌને જોડે છે, પ્રભુ ભક્તિ સાથે એકાકાર કરે છે. આ જ તો ભારતીય આસ્થાની, આપણા આધ્યાત્મની, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાની તાકાત છે. તેણે ગુલામીના મુશ્કેલ સમયમાં પણ અલગ-અલગ ભાગો, અલગ-અલગ વર્ગોને જોડી એક કર્યા, સ્વતંત્રતાના રાષ્ટ્રીય સંકલ્પ માટે એક જૂથ પ્રયાસોને સશક્ત બનાવ્યા. હજારો વર્ષોથી બદલાતી પરિસ્થિતિઓ છતાં, ભારત અડગ-અટલ રહ્યું એમાં આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિની મોટી ભૂમિકા રહી છે.

ભાઇઓ અને બહેનો,

આપણી આસ્થા, આપણી સંસ્કૃતિની ધારા સદભાવની છે, સમભાવની છે, સમાવેશની છે. તેથી જ જ્યારે અનિષ્ટ પર ભલાઇની સ્થાપનાની વાત આવી ત્યારે ભગવાન રામે સક્ષમ હોવા છતાં, બધું જ જાતે કરવાનું સામર્થ્ય હોવા છતાં, તેમણે દરેકને સાથે લઈને, દરેકને એક કરવા, સમાજના દરેક વર્ગના લોકોને જોડવાનું, નાના-મોટા દરેક જીવોને, તેમની મદદ લેવાનું અને સૌને જોડીને તેમણે આ કાર્ય સંપન્ન કર્યું. અને આ જ તો છે સબકા સાથ, સબકા પ્રયાસ. આ સબકા સાથ, સબકા પ્રયાસનું ઉત્તમ પ્રમાણ પ્રભુ રામની આ જીવનલીલા પણ છે જેના હનુમાનજી બહુ મહત્વના સૂત્ર રહ્યા છે. સબકા પ્રયાસની આ જ ભાવનાથી આઝાદીના અમૃતકાળને આપણે ઉજ્જવળ કરવાનો છે, રાષ્ટ્રીય સંકલ્પો સિદ્ધ કરવા માટે એકત્ર થવાનું છે.

અને આજે જ્યારે મોરબીમાં કેશવાનંદ બાપુજીની તપોભૂમિમાં આપ સૌનાં દર્શન કરવાનો મોકો મળ્યો છે. ત્યારે તો આપણે સૌરાષ્ટ્રમાં દિવસમાં લગભગ 25 વાર સાંભળતા જ હોઇશું કે આપણી આ  સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ છે, શૂરોની ભૂમિ છે, દાતાઓની ભૂમિ છે, સંત,શૂરા અને દાતાની આ ધરતી આપણાં કાઠિયાવાડની, ગુજરાતની  અને એક રીતે આપણાં ભારતની પોતાની ઓળખ પણ છે. મારા માટે ખોખરા હનુમાન ધામ એક અંગત ઘર જેવું સ્થળ છે. તેની સાથે મારો સંબંધ મર્મ અને કર્મનો રહ્યો છે. એક પ્રેરણાનો સંબંધ રહ્યો છે, વર્ષો પહેલાં જ્યારે પણ મોરબી આવવાનું થતું ત્યારે અહીં કાર્યક્રમો ચાલતા રહેતા અને સાંજે મનમાં મન થતું કે ચાલો જરા હનુમાન ધામ જઈ આવીએ. પૂજ્ય બાપુ સાથે 5-15 મિનિટ વીતાવીએ, તેમના હસ્તે પ્રસાદ લઈ જઈએ. અને જ્યારે મચ્છુ ડેમનો અકસ્માત થયો ત્યારે આ હનુમાન ધામ અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું હતું. અને તેના કારણે સ્વાભાવિક રીતે જ મારો બાપુ સાથે ગાઢ સંબંધ કેળવાયો. અને એ વખતે જ્યારે લોકો સેવાની ભાવના સાથે ચોતરફથી આવતા હતા, ત્યારે આ બધાં સ્થાન કેન્દ્ર બની ગયાં. જ્યાંથી મોરબીને ઘરે-ઘરે મદદ પહોંચાડવાનું કામ કરવામાં આવતૂં હતું. એક સામાન્ય સ્વયંસેવક હોવાના નાતે મને લાંબા સમય સુધી તમારી સાથે રહીને અને તે દુઃખદ ક્ષણમાં તમારા માટે જે કંઈ કરવામાં આવી રહ્યું હતું તેમાં સામેલ થવાની તક મળી. અને તે સમયે પૂજ્ય બાપુ સાથે જે વાતો થતી હતી, એમાં મોરબીને ભવ્ય બનાવવાની વાત, ઈશ્વરની ઇચ્છા હતી અને આપણી કસોટી થઈ ગઈ એવું બાપુ કહ્યા કરતા હતા. અને હવે આપણે અટકવાનું નથી, સૌએ લાગી જવાનું છે. બાપુ ઓછું બોલતા હતા, પણ સરળ ભાષામાં આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ માર્મિક વાત કરવાની પૂજ્ય બાપુની વિશેષતા રહી હતી. ત્યાર પછી પણ ઘણી વાર એમનાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. અને જ્યારે ભૂજ-કચ્છમાં ભૂકંપ આવ્યો, હું એમ કહી શકું છું કે મોરબીની દુર્ઘટનામાંથી જે પાઠ શીખ્યા હતા, જે શિક્ષણ મેળવ્યું હતું, આવી સ્થિતિમાં કઈ રીતે કામ હોવું જોઇએ, એનો જે અનુભવ હતો, એ ભૂકંપ સમયે કામ કરવામાં ઉપયોગી બન્યો. અને એટલે હું આ પવિત્ર ધરતીનો ખાસ ઋણી છું, કારણ એ કે જ્યારે પણ મોટી સેવા કરવાની તક મળી ત્યારે મોરબીનાં લોકો આજે પણ એ જ સેવાભાવથી કામ કરવાની પ્રેરણા આપે છે. અને જેમ ભૂકંપ પછી કચ્છની રોનક વધી ગઈ છે, એવી આફતને અવસરમાં ફેરવવાની ગુજરાતીઓની જે તાકાત છે, એ મોરબીએ પણ બતાવી છે. આજે આપ જુઓ, ચિનાઇ માટે ઉત્પાદન, ટાઇલ્સ બનાવવાનું કામ, ઘડિયાળ બનાવવાનું કામ કહો, તો મોરબી એવી એક ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બની ગયું છે. બાકી તો પહેલાં મચ્છુ ડેમની ચારે તરફ ઈંટના ભઠ્ઠા સિવાય કશું જ દેખાતું ન હતું. મોટી- મોટી ચિમની અને ઈંટોની ભઠ્ઠી, આજે મોરબી આન, બાન અને શાન સાથે ઊભું છે. અને હું તો પહેલાં પણ કહેતો હતો કે એક તરફ મોરબી, બીજી તરફ રાજકોટ અને ત્રીજી તરફ જામનગર. જામનગરનો બ્રાસ ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ અને મોરબીનો ઘડિયાળનો ઉદ્યોગ કહો કે સિરામિકનો ઉદ્યોગ કહો… આ ત્રણેયના ત્રિકોણે જોઇએ તો લાગે છે કે આપણે ત્યાં નવું મિની જાપાન સાકાર થઈ રહ્યું છે. અને હું આજે આ વાત જોઈ રહ્યો છું, જ્યારે સૌરાષ્ટ્રમાં આવો તો એવો ત્રિકોણ ઊભો થયો છે અને હવે તો એમાં એની પાછળ ઊભેલું કચ્છ પણ ભાગીદાર બની ગયું છે. આપણે તેનો જેટલો ઉપયોગ કરીશું અને મોરબીમાં જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે તે મુખ્યત્વે સૌની સાથે જોડાઇ ગયો છે. આ અર્થમાં મોરબી, જામનગર, રાજકોટ અને આ બાજુ કચ્છ. એક રીતે, તે રોજગારીની નવી તકો પેદા કરનાર એક સામર્થ્યવાન, નાના-નાના ઉદ્યોગોથી ચાલતું કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે, અને જોતજોતામાં મોરબીએ એક મોટા શહેરનું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું અને મોરબીએ પોતાની આગવી ઓળખ બનાવી છે. અને આજે મોરબીના ઉત્પાદનો વિશ્વના અનેક દેશોમાં પહોંચી રહ્યા છે. જેના કારણે મોરબીની એક અલગ જ છાપ ઊભી થઈ છે અને આ છાપ જે સંતો, મહંતો, મહાત્માઓએ કંઈક ને કંઇક, જ્યારે સામાન્ય જીવન હતું ત્યારે પણ તેઓએ તપસ્યા કરી, આપણને દિશા આપી અને તેનું આ પરિણામ છે. અને આપણું ગુજરાત તો જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધા-આસ્થાનું કામ ચાલ્યા જ કરે છે, દાતાઓની કોઇ કમી નથી, કોઈ પણ શુભ કાર્ય લઈને નીકળો તો દાતાઓની લાંબી લાઈન જોવા મળી જાય છે. અને એક રીતે સ્પર્ધા થઈ જાય છે. અને આજે તો કાઠિયાવાડ એક રીતે યાત્રાધામનું કેન્દ્ર બની ગયું છે, એવું કહી શકું છું, કોઇ જિલ્લો એવો બાકી નથી, જ્યાં મહિનામાં હજારોની સંખ્યામાં લોકો બહારથી ન આવતા હોય. અને હિસાબ કરીએ તો એક રીતે યાત્રા કહો કે પર્યટન, તેણે કાઠિયાવાડની એક નવી તાકાત ઊભી કરી છે. આપણો સમુદ્ર કિનારો પણ હવે ગુંજવા લાગ્યો છે, મને કાલે નોર્થ-ઇસ્ટના ભાઇઓને મળવાની તક મળી, ઉત્તર-પૂર્વી રાજ્યોના ભાઇઓ, સિક્કિમ, ત્રિપુરા, મણિપુરના લોકોને મળવાની તક મળી. એ બધાં થોડા દિવસ પહેલા ગુજરાત આવ્યા હતા, અને દીકરીનાં લગ્ન કરવા માટે સરસામાનમાં ભાગીદાર બન્યા, શ્રીકૃષ્ણ અને રૂકમણિના વિવાહમાં ઋકમણિના પક્ષે બધા આવ્યા હતા. અને આ ઘટના પોતે તાકાત આપે છે, જે ધરતી પર ભગવાન કૃષ્ણના વિવાહ થયા હતા, એ માધવપુરના મેળામાં આખું નોર્થ-ઇસ્ટ ઉમટી પડ્યું, પૂર્વ અને પશ્ચિમની અદભુત એક્તાનું ઉદાહરણ આપ્યું. અને ત્યાંથી જે લોકો આવ્યા હતા એમનાં હસ્તશિલ્પનું જે વેચાણ થયું એણે તો નોર્થ-ઈસ્ટ માટે આવકમાં એક મોટો સ્ત્રોત ઊભો કરી દીધો. અને મને હવે લાગે છે કે માધવપુરનો મેળો જેટલો ગુજરાતમાં પ્રસિદ્ધ હશે એનાથી વધારે પૂર્વ ભારતમાં પ્રસિદ્ધ હશે. આર્થિક પ્રવૃત્તિઓ જેટલી વધે છે, આપણે ત્યાં કચ્છનાં રણમાં રણોત્સવનું આયોજન કર્યું અને હવે જેણે રણોત્સવ જવું હોય તો વાયા મોરબી જવું પડે છે. એટલે કે મોરબીને આવતાં-જતાં એનો લાભ મળે છે, આપણાં મોરબીના હાઇ-વેની આસપાસ અનેક હૉટલ બની ગઈ છે. કારણ કચ્છમાં લોકોનો જમાવડો થયો તો મોરબીને પણ એનો લાભ મળ્યો, અને વિકાસ જ્યારે થાય છે, અને આ રીતે મૂળભૂત વિકાસ થાય છે, ત્યારે લાંબા સમય માટે સુખાકારીનું કારણ બની જાય છે. લાંબા સમયની વ્યવસ્થાનો એક ભાગ બની જાય છે, અને જ્યારે અમે ગીરનારમાં રોપ-વે બનાવ્યો, આજે વડીલો પણ જેમણે જીવનમાં સપનું જોયું હોય, ગીરનાર જઈ ન શક્યા હોય, મુશ્કેલ ચઢાણને લીધે, હવે રોપ-વે બનાવ્યો તો સૌ મને કહેતા 80-90 વર્ષના વડીલોને પણ એમનાં સંતાન લઈને આવે છે અને ધન્યતા અનુભવે છે. પણ એની સાથે સાથે શ્રદ્ધા તો છે, પણ આવકના અનેક સ્ત્રોત પેદા થાય છે. રોજગારી મળતી રહે છે અને ભારતની એટલી મોટી તાકાત છે કે આપણે અમુક ઉધાર લીધા વિના ભારતના ટુરિઝમનો વિકાસ કરી શકીએ છીએ. એને ખરા અર્થમાં પ્રસારિત-પ્રચારિત કરો, અને એ માટે પહેલી શરત એ છે કે તમામ તીર્થસ્થાનોમાં એવી સફાઇ હોવી જોઇએ કે ત્યાંથી લોકોને સફાઇ અપનાવવાનું શિક્ષણ મળવું જોઇએ. નહીંતર, આપણને  પહેલા ખબર છે કે મંદિરમાં પ્રસાદને કારણે એટલી તકલીફ થાય છે, અને હવે મેં જોયું છે કે મંદિરમાં પ્રસાદ પણ પેકિંગમાં મળે છે. અને જ્યારે મેં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનું કહ્યું ત્યારે હવે મંદિરોમાં પ્લાસ્ટિકમાં પ્રસાદ નથી આપવામાં આવતો, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના મંદિરોમાં પ્લાસ્ટિકમાં પ્રસાદ નથી આપતા. એનો અર્થ એ થયો કે આપણાં મંદિર અને સંતો, મહંતો જેવો સમાજ બદલાય છે, સંજોગ બદલાય છે અને તે સંજોગ પ્રમાણે કેવી રીતે સેવા કરવી તે માટે તેઓ સતત કામ કરતા રહે છે અને પરિવર્તન લાવતા રહે છે, આપણાં સૌનું કામ છે કે આપણે સૌ એમાંથી કંઈક શીખીએ, આપણાં જીવનમાં ઉતારીએ અને આપનાં જીવનમાં સૌથી વધારે લાભ લઈએ. આઝાદીના અમૃત મહોત્સવનો સમય છે, અનેક મહાપુરુષોએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે. પરંતુ તે પહેલા એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે 1857 પહેલાં આઝાદીની જે સમગ્ર પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આવી હતી, આધ્યાત્મિક ચેતનાનું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. આ દેશના સંતો, મહંતો, ઋષિ-મુનિઓ, ભક્તોએ, આચાર્યોએ અને જે ભક્તિ યુગનો પ્રારંભ થયો, તે ભક્તિ યુગે ભારતની ચેતનાને પ્રજ્વલિત કરી. અને તેમાંથી આઝાદીની ચળવળને એક નવી તાકાત મળી, તેમાં સંત શક્તિ, સાંસ્કૃતિક વારસો, એનું એક સામર્થ્ય રહ્યું છે, જેમણે હંમેશા સર્વજન હિતાય, સર્વજન સુખાય, સર્વજન કલ્યાણ માટે સમાજ જીવનમાં કંઇક ને કંઈક કામ કર્યું છે, અને એ માટે તો હનુમાનજીને યાદ રાખવાનો મતલબ જ સેવાભાવ-સમર્પણભાવ. હનુમાનજીએ તો એ જ શીખવ્યું છે, હનુમાનજીની ભક્તિ સેવાપૂર્તિ રૂપે હતી. હનુમાનજીની ભક્તિ સમર્પણ  સ્વરૂપે હતી. હનુમાનજીએ ક્યારેય માત્ર કર્મકાંડવાળી ભક્તિ કરી ન હતી, હનુમાનજી પોતાની જાતને ભૂંસી નાખીને, સાહસ કરીને, પરાક્રમ કરીને  સ્વયં સેવાની ઊંચાઈઓ વધારતા ગયા. આજે પણ જ્યારે આઝાદીનાં 75 વર્ષ મનાવી રહ્યા છે ત્યારે આપણી અંદરનો સેવાભાવ જેટલો પ્રબળ બનશે, જેટલો પરોપકારી બનશે, જેટલો સમાજ જીવનને જોડવાવાળો બનશે. આ રાષ્ટ્ર વધુ ને વધુ સશક્ત બનશે, અને જ્યારે આજે હવે ભારત એમનું એમ રહે એ જરા પણ નહીં ચાલે અને જ્યારે આપણે જાગતા રહીએ કે સૂતા રહીએ પણ આગળ વધ્યા વિના છૂટકારો નથી, દુનિયાની સ્થિતિ એવી બની છે, આજે સમગ્ર દુનિયા કહેવા લાગી છે કે આત્મનિર્ભર બનવું પડશે. હવે જ્યારે સંતોની વચ્ચે બેઠો છું ત્યારે આપણે લોકોને નહીં શીખવાડીએ, લોકલ માટે વોકલ બનો, વોકલ ફોર લોકલ એ વાત સતત કહેવી જોઇએ કે નહીં. આપણા દેશમાં બનેલી, આપણા લોકો દ્વારા બનાવાયેલી, આપણી મહેનતથી તૈયાર થયેલી વસ્તુ જ ઘરમાં ઉપયોગ કરીએ, એવું જે વાતાવરણ બનશે, આપ વિચારો, કેટલા બધા લોકોને રોજગાર મળશે. બહારથી લાવવામાં સારું લાગે છે, કંઇક 19-20નો ફરક હશે પણ ભારતના લોકોએ બનાવ્યું હોય, ભારતના પૈસાથી બન્યું હોય, ભારતના પરસેવાની એમાં મહેંક હોય, ભારતની ધરતીની મહેક હોય, તો એનું ગૌરવ અને એનો આનંદ અલગ જ હોય છે. અને એનાથી આપણા સંતો-મહંતો જ્યાં જાય ત્યાં ભારતમાં બનેલી ચીજો ખરીદવાના આગ્રહી બને. તો પણ, ભારતની અંદર આજીવિકા માટે કોઈ પ્રકારની સમસ્યા ન હોય  એવા દિવસ સામે આવી જાય, અને જ્યારે આપણે હનુમાનજીની પ્રશંસા કરીએ છીએ કે હનુમાનજીએ આ કર્યું, તેમણે તે કર્યું. પરંતુ હનુમાનજીએ જે કહ્યું, તે આપણાં જીવનની અંદરની  પ્રેરણા છે. હનુમાનજી હંમેશા કહે છે-

“સો સબ તબ પ્રતાપ રઘુરાઇ, નાથ ન કછૂ મોરિ પ્રભુતાઇ”, એટલે કે એટલે કે, તેમણે હંમેશા તેમની દરેક સફળતાનો શ્રેય ભગવાન રામને આપ્યો, તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે તે મારા કારણે બન્યું છે. જે કંઈ બન્યું છે તે ભગવાન રામના કારણે થયું છે. આજે પણ ભારત જ્યાં પણ પહોચ્યું છે, આગળ જ્યાં તે સંકલ્પ કરવા માગે છે, તેનો  એક જ રસ્તો છે, આપણે બધા ભારતના નાગરિકો… અને તે જ શક્તિ છે. મારા માટે મારા 130 કરોડ દેશવાસીઓ, તે જ  રામનું સ્વરૂપ છે. તેમના સંકલ્પથી જ દેશ આગળ વધી રહ્યો છે. તેમનાં આશીર્વાદથી જ દેશ આગળ વધી રહ્યો છે. ચાલો આપણે એ ભાવના સાથે આગળ વધીએ, આ જ ભાવના સાથે હું ફરી એકવાર આપ સૌને આ શુભ અવસર પર અનેક અનેક શુભેચ્છા પાઠવું છું. હું હનુમાનજીનાં શ્રી ચરણોમાં નમન કરું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD