Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના શુભારંભ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સંબોધન


સાથીઓ,

આ ઔપચારિક ઉદ્દઘાટન કરતાં પહેલાં હું ખગડીયાના મારા ભાઈઓ અને બહેનો સાથે વાત કરી રહ્યો હતો. આજે ગામના આપસૌ લોકો સાથે વાત કરતાં મને ખૂબ જ રાહત થઈ છે અને સંતોષ પણ થયો છે. જ્યારે કોરોના મહામારીનું સંકટ વધવાનું શરૂ થયુ હતું ત્યારે તમે બધા કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર બંનેની ચિંતાનુ કારણ બની રહ્યા હતા. એ સમય દરમ્યાન જે કોઈ વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં તેને મદદ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી હતી. અમે અમારા શ્રમિક ભાઈ બહેનો માટે વિશેષ ટ્રેનો પણ ચલાવી ! મારો કહેવાનો અર્થ એ છે કે તમારી સાથે વાત કરતાં મને તમારી ઉર્જામાં જે તાજગી જોવા મળી, એક સન્માનનો ભાવ જોવા મળ્યો, એમાં એક વિશ્વાસ હતો, સમગ્ર દુનિયા જેની સામે હલી ગઈ, થથરી ગઈ તેની સામે તમે અડગ ઉભા રહ્યા. ભારતનાં ગામોએ કોરોનાનો જે રીતે અડગ રહી સામનો કર્યો છે તેનાથી શહેરોને પણ એક પાઠ શિખવા મળ્યો છે.

જરા વિચાર કરો, 6 લાખ કરતાં વધુ ગામડાં ધરાવતો આપણો દેશ કે જેમાં ભારતની બે તૃતિયાંશથી વધુ  વસતી નિવાસ કરે છે, આશરે 80 થી 85 કરોડ લોકો ગામડાઓમાં વસવાટ કરે છે, તેવા ગામડાંના લોકોએ કોરોનાના સંક્રમણને ખૂબ જ અસરકારક રીતે રોકી રાખ્યું છે અને આપણાં આ ગામોની જે  વસતી છે તે  વસતી યુરોપના તમામ દેશોની  વસતીને ભેગા કરીએ તો તેનાથી પણ વધારે આપણી  વસતી છે. આ  વસતી, સમગ્ર અમેરિકાને એકત્ર કરીએ, રશિયાને ભેગુ કરીએ, ઓસ્ટ્રેલિયાને ભેગુ કરીએ તો તેનાથી પણ ઘણી વધારે છે. આટલી મોટી  વસતી કોરોના મહામારી સામે આટલા અડગ રહીને સામનો કરે તે ખૂબ મોટી બાબત છે, દરેક ભારતવાસી આ બાબત માટે ગૌરવ લઈ શકે તેમ છે. આ સફળતાની પાછળ આપણા ગ્રામિણ ભારતની જાગરૂકતા કામ કરી ગઈ છે. પંચાયત સ્તર સુધીની આપણી લોકશાહી વ્યવસ્થાઓ, આપણે ત્યાંની આરોગ્ય સુવિધાઓ, આપણાં આરોગ્ય કેન્દ્રો, વેલનેસ સેન્ટર તથા આપણા સ્વચ્છતા અભિયાનનની એમાં મોટી ભૂમિકા રહી છે.

પરંતુ એમાં જમીનના સ્તરે રહી કામ કરનારા આપણા સાથીઓ, ગામડાંના સરપંચો, આંગણવાડી કાર્યકરો, જીવીકા દીદી, આ તમામે ખૂબજ સુંદર કામગીરી બજાવી છે. આ તમામ લોકો વાહવાહીને પાત્ર છે, પ્રશંસાને પાત્ર છે.

સાથીઓ,

જો આવી બાબત કોઈ પશ્ચિમના દેશમાં બની હોત તો દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાની કેટલી બધી ચર્ચા થઈ હોત, કેટલી વાહવાહી થઈ હોત, પણ આપણે એ બાબત જાણીએ છીએ કે ઘણા લોકોને પોતાની વાત કરતાં સંકોચ થતો હોય છે. કેટલાક લોકોને એવુ લાગતુ હોય છે કે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોની વાહવાહી થઈ જશે તો દુનિયા એ પછી લોકોને શું જવાબ આપશે. પરંતુ, તમે આ પ્રશંસાના અધિકારી છો, તમે આ પરાક્રમની પ્રશંસા મેળવવાના હક્કદાર છો. જીવન અને મૃત્યુનો આટલો મોટો ખેલ જ્યાં ખેલાઈ રહ્યો હોય એવા વાયરસની સામે ગામનાં લોકોને બચાવવા માટે તમે પ્રશંસાના અધિકારી છો. ખેર, દુનિયામાં આ પ્રકારનો સ્વભાવ હોય છે, પણ આપણા દેશમાં એવા પણ કેટલાક લોકો છે કે જે તમારી પીઠ નહીં થપથપાવે. ખેર! કોઈ પીઠ થપથપાવે કે ના થપથપાવે, હું તમારો જય જયકાર કરતો રહીશ. હું તમારા આ પરાક્રમની વાત દુનિયાને વાજતે ગાજતે કરીશ. તમે આપણાં હજારો- લાખો લોકોને કોરોનાથી બચાવવાનું પુણ્યનું કામ કર્યું છે.

આજે હું આ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં જ ભારતના ગ્રામજનોએ જે કામ કર્યું છે, દરેક ગામે જે કામ કર્યું છે, દરેક રાજ્યે જે કામ કર્યું છે તેવા તમામ ગામ અને ગ્રામજનોને સંભાળનારા લોકોને આદરપૂર્વક નમન કરૂં છું.

દેશના ગરીબ મજૂરો અને શ્રમિકોની આ શક્તિને નમન ! મને એવું કહેવામાં આવ્યું છે કે પરમ દિવસથી પટનામાં કોરોનાનું ટેસ્ટીંગ કરવા માટે એક મોટુ આધુનિક મશીન પણ કામે લાગી જવાનું છે. આ મશીનથી અંદાજે એક જ દિવસમાં 500 ટેસ્ટ કરવાનું શક્ય બની શકશે. આ ટેસ્ટીંગ મશીન માટે હું બિહારના લોકોને ધન્યવાદ પાઠવું છું.

આ કાર્યક્રમમાં જોડાયેલા કેન્દ્રના મંત્રી મંડળના મારા સાથીઓ, અલગ અલગ રાજ્યોના માનનીય  મુખ્ય મંત્રી મહોદયો, આદરણિય નીતીશ બાબુ, અશોક ગેલોતજી, શિવરાજજી, યોગી આદિત્યનાથજી, હાજર રહેલા સાંસદો અને ધારાસભ્ય સાથીદારો, તમામ અધિકારી ગણ, પંચાયતોનું પ્રતિનિધિ ગણ અને ટેકનોલોજીના માધ્યમથી દેશના સેંકડો ગામો સાથે જોડાયેલા મારા કર્મઠ કામદાર સાથીદારો, આપ સૌને ફરી એક વખત મારા નમસ્કાર !!

આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. આજે ગરીબોના કલ્યાણ માટે, તેમને રોજગારી આપવા માટે એક ખૂબ મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન મારા શ્રમિક ભાઈ-બહેન માટે છે અને આપણાં ગામોમાં રહેનારા નવયુવાનો, બહેનો-બેટીઓ માટે છે. આમાંથી મોટા ભાગના એવા શ્રમિકો છે કે જે લૉકડાઉન થયું તે દરમ્યાન પોતાના ઘરે પાછા ફર્યા છે. તે પોતાની મહેનત અને હુન્નરથી પોતાના ગામના વિકાસ માટે કશુંક કરવા માંગે છે ! તે જ્યાં સુધી પોતાના ગામમાં છે ત્યાં સુધી પોતાના ગામને આગળ ધપાવવા માંગે છે.

મારા શ્રમિક સાથીઓ,

દેશ તમારી ભાવનાઓને પણ સમજે છે અને તમારી જરૂરિયાતોને પણ સમજે છે. આજે ખગડિયાથી શરૂ થયેલું ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન આ ભાવના, આ જરૂરિયાતને પૂરી કરવા માટેનું ખૂબ મોટુ સાધન છે.

બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડીશા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ 6 રાજ્યોના 116 જીલ્લાઓમાં આ અભિયાન ખૂબ જ જોરશોરથી ચલાવવામાં આવશે. અમારો એ પ્રયાસ રહેશે કે આ અભિયાનના માધ્યમથી શ્રમિકો અને કામદારોને ઘરની નજીકમાં જ કામ આપવામાં આવે. અત્યાર સુધી તમે તમારા હુન્નર અને મહેનતથી શહેરોને આગળ ધપાવી રહ્યા હતા. હવે પોતાના ગામ અને પોતાના વિસ્તારને આગળ વધારશો.

સાથીઓ,

તમને એ જાણીને નવાઈ લાગશે કે મને આ કાર્યક્રમની પ્રેરણા કેટલાક શ્રમિક સાથીદારો પાસેથી જ પ્રાપ્ત થઈ છે.

સાથીઓ,

મેં મિડીયામાં એક સમાચાર જોયા હતા અને એ સમાચાર ઉત્તર પ્રદેશના ઉન્નાવના હતા. ત્યાં એક સરકારી શાળાને ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવામાં આવી હતી. શહેરોમાંથી જે શ્રમિકો પાછા ફર્યા હતા તેમને ત્યાં રાખવામાં આવ્યા હતા. આ સેન્ટરમા હૈદ્રાબાદથી આવેલા કેટલાક શ્રમિકોને રાખવામાં આવ્યા હતા. આ શ્રમિકો રંગાટી કામ અને પીઓપીના કામમાં ખૂબ જ નિષ્ણાંત છે, તે લોકો પોતાના ગામ માટે કશુંક કરવા માંગતા હોવાથી તેમણે વિચાર્યું કે આ રીતે પડ્યા રહીશું તો, બે વખત ખાતા રહીશું તેના કરતાં આપણે જે હુન્નર જાણીએ છીએ તે હુન્નરનો ઉપયોગ કરીએ. અને જુઓ, સરકારી સ્કૂલમાં રહેતા રહેતા આ શ્રમિકોએ પોતાના હુન્નરથી શાળાનો કાયાકલ્પ કરી દીધો છે.

મારા શ્રમિક ભાઈ બહેનોના આ કામ અંગે જ્યારે મેં જાણ્યું, તેમની દેશભક્તિ પરથી, તેમના કૌશલ્ય પરથી મારા મનને એક પ્રેરણા મળી અને તેમાંથી મને વિચાર આવ્યો કે આ લોકો કશુંક કરી શકે તેવા લોકો છે અને તેમાંથી જ આ યોજનાનો જન્મ થયો છે. તમે વિચાર કરો, કેટલી પ્રતિભાઓ આ દિવસોમાં પોતાના ગામમાં પાછી ફરી છે. દેશના દરેક શહેરને ગતિ અને પ્રગતિ પૂરી પાડનારા શ્રમ અને હુન્નર ધરાવતા લોકો જ્યારે ખગડિયા જેવા ગ્રામ વિસ્તારોમાં કામે લાગી જાય તો તેના કારણે બિહારના વિકાસને પણ કેટલી ગતિ પ્રાપ્ત થશે !

સાથીઓ,

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ તમારા ગામના વિકાસ માટે, તમને રોજગારી પૂરી પાડવા માટે રૂ.50 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે ! આ નાણાં વડે ગામડાંઓમાં રોજગારી માટે, વિકાસના કામ કરવા માટે આશરે 25 જેટલા કાર્યક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. આ 25 કામ અથવા તો પ્રોજેક્ટસ એવા છે કે જે ગામડાંની મૂળભૂત સુવિધાઓ સાથે જોડાયેલા છે, જે ગામડાંના લોકોના જીવનને બહેતર બનાવનારા છે. આ કામ પોતાના જ ગામમાં રહીને, પોતાના જ પરિવાર સાથે રહીને કામ કરવાની તમને તક પ્રાપ્ત થઈ છે.

હવે જે રીતે ખગડિયાના તેલિહાર ગામમાં આજથી આંગણવાડી ભવન, સામુદાયિક શૌચાલય, ગ્રામ બજાર અને કૂવા બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે દરેક ગામની પોતપોતાની જરૂરિયાતો છે અને આ જરૂરિયાતોને હવે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના માધ્યમથી પૂરી કરવામાં આવશે. આ યોજના હેઠળ અલગ અલગ ગામડાંમાં ક્યાંક ગરીબો માટે પાકા ઘર બનાવવામાં આવશે, તો ક્યાંક વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. ક્યાંક પશુઓને રાખવા માટે શેડ પણ બનાવવામાં આવશે. પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ગ્રામ સભાઓનો સહયોગ લઈને જલ જીવન મિશનને પણ આગળ ધપાવવાનું કામ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં જરૂર હોય ત્યાં સડકોનું બાંધકામ કરવા ઉપર ભાર મૂકવામાં આવશે. અને હા, જ્યાં પંચાયત ભવન નથી ત્યાં પંચાયત ભવન પણ બનાવવામાં આવશે.

સાથીઓ,

આ તો એવા કામો છે કે જે ગામડાંઓમાં થવા જ જોઈએ, પરંતુ તેની સાથે સાથે આ અભિયાન હેઠળ ગામડાંઓને આધુનિક સુવિધાઓની સાથે જોડવામાં આવશે. હવે શહેરોની જેમ દરેક ઘરમાં સસ્તુ અને ઝડપી ઈન્ટરનેટની સુવિધા હોય તે જરૂરી છે. જરૂરી એટલા માટે છે કે ગામડાંઓના આપણાં બાળકો પણ સારી રીતે લખી-વાંચીને ભણી શકે. ગામની આ જરૂરિયાતને પણ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન સાથે જોડવામાં આવેલ છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે ગામડાંઓમાં શહેરો કરતાં પણ વધુ ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. ગામડાંઓમાં ઈન્ટરનેટની ઝડપ વધે, ફાયબર કેબલ પહોંચે અને તેની સાથે જોડાયેલા કાર્યો પણ હાથ ધરવામાં આવશે.

સાથીઓ,

આ બધુ કામ કરશે કોણ ? ગામડાંના લોકો જ કરશે ! મારી સાથે જોડાયેલા શ્રમિક સાથીદારો જ આ કામ કરશે. ભલે તે એક કામદાર હોય, મિસ્ત્રી હોય, સામગ્રી વેચનાર નાના દુકાનદાર હોય, ડ્રાઈવર, પ્લમ્બર, ઈલેક્ટ્રીશ્યન, મિકેનિક જેવા દરેક પ્રકારના સાથીઓને રોજગારી મળી રહેશે. આપણી જે બહેનો છે તેમને પણ સ્વ સહાય જૂથોના માધ્યમથી સંગઠીત કરવામાં આવશે, જેથી તે પોતાના પરિવાર માટે વધારીની આવક માટેનું સાધન પ્રાપ્ત કરી શકે.

સાથીઓ,

આટલું જ નહીં, આપ તમામ શ્રમિકો, આપ સૌના હુન્નરનું મેપીંગ કરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આનો અર્થ એ કે ગામમાં જ તમારા હુન્નરની ઓળખ થઈ શકશે, કે જેથી તમારી કુશળતા પ્રમાણે તમને કામ મળી શકે ! તમે જે કામ કરવા માંગો છે તે માટે જરૂરિયાત ધરાવતા લોકો જાતે તમારા સુધી પહોંચી શકશે.

સાથીઓ,

સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે કે કોરોના મહામારીના આ સમયમાં ગામડામાં રહીને તમને કોઈનું દેવુ કરવાની જરૂર નહીં પડે. કોઈની આગળ હાથ લંબાવવો ના પડે, ગરીબોના સ્વાભિમાનને અમે સમજીએ છીએ. તમે શ્રમેવ જયતે, શ્રમની પૂજા કરનારા લોકો છો, તમને કામ મળવું જોઈએ, રોજગારી મળવી જોઈએ. આ ભાવનાને સર્વોચ્ચ ભાવના ગણીને જ સરકારે આ યોજનાનું ઘડતર કર્યું છે. આ યોજનાને આટલા ઓછા સમયમાં લાગુ કરી દીધી છે. આની પહેલાં પણ તમારી અને દેશના કરોડો ગરીબોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સરકારે લૉકડાઉનની શરૂઆતમાં કેટલાક ઝડપી કદમ ઉઠાવ્યા હતા.

આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાથી થઈ છે, અને મને યાદ છે કે અમે જ્યારે પ્રારંભમાં ગરીબો માટે યોજનાઓ લઈને આવ્યા ત્યારે ચારે તરફ હોબાળો શરૂ થઈ ગયો હતો, ઉદ્યોગનું શું થશે, વ્યાપારનું શું થશે, એમએસએમઈનું શું થશે, સૌથી પહેલાં આ કરો, એવું કહીને લોકોએ મારી ખૂબ ટીકા કરી હતી, પરંતુ હું જાણું છું કે સંકટના આ સમયમાં ગરીબોનો હાથ પકડવો તે મારી પ્રાથમિકતા છે.

આ યોજના માટે થોડાક જ સપ્તાહની અંદર લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ત્રણ માસ દરમ્યાન 80 કરોડ ગરીબોની થાળી સુધી રેશન- દાળ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે. રેશનની સાથે સાથે તેમને ગેસ સિલિન્ડર પણ મફત આપવામાં આવ્યા છે. આ રીતે 20 કરોડ ગરીબ માતાઓ અને બહેનોના જનધન ખાતાઓમાં રૂ.10 હજાર કરોડથી વધુ રકમ સીધી તબદીલ કરવામાં આવી છે. ગરીબો, પ્રૌઢો, માતાઓ અને બહેનો તથા દિવ્યાંગ સાથીઓ માટે રૂ.1000 કરોડની સહાય પણ તેમના ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે.

થોડોક વિચાર કરી જુઓ,

જો ઘેર ઘેર જઈને તમારા જનધન ખાતા ખોલવામાં આવ્યા ન હોત, મોબાઈલથી આ ખાતા અને આધાર કાર્ડને જોડવામાં આવ્યા ના હોત તો આ બધુ કેવી રીતે થઈ શક્યુ હોત ? અગાઉનો સમય તો તમને યાદ હશે જ ! પૈસા ઉપરથી તો આવતા હતા, તમારા નામથી જ આવતા હતા, પરંતુ તમારા સુધી પહોંચતા ન હતા. હવે આ બધુ બદલાઈ ચૂક્યું છે. તમને સરકારી દુકાનમાંથી અનાજ મેળવવામાં તકલીફ પડે નહીં તે માટે એક દેશ- એક રેશનકાર્ડ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આનો અર્થ એ કે હવે આપણાં ગરીબ ભાઈ બહેનો એક જ રેશનકાર્ડ ઉપર દેશના કોઈપણ રાજ્યમાં, કોઈપણ શહેરમાંથી રેશન મેળવી શકશે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત બનાવવા માટે ખેડૂત પણ આત્મનિર્ભર હોય તે ખૂબ જ જરૂરી છે, પરંતુ ઘણાં બધા વર્ષોથી આપણાં દેશમાં ખેતી અને ખેડૂતને બિનજરૂરી રીતે નિયમો અને કાયદાઓમાં બાંધી રાખવામાં આવ્યા હતા. આપ સૌ કિસાન સાથીઓ કે જે મારી સાથે બેઠેલા છે, તમે સૌ આટલા વર્ષો સુધી લાચારી અનુભવી રહ્યા હશો !

ખેડૂત પોતાનો પાક ક્યાં વેચી શકતો હતો, પોતાના પાકનો સંગ્રહ કરવો કે નહીં તે પણ ખેડૂત જાતે નક્કી કરી શકતો ન હતો. આ અધિકાર ખેડૂતને આપવામાં આવ્યો ન હતો. આવી જ રીતે ભેદભાવ કરનારા કાયદાઓને અમે બે સપ્તાહ પહેલાં જ ખતમ કરી દીધા છે ! ! હવે તમે કોઈપણ સ્થળે પાક વેચી શકશો, તમારે પાક ક્યાં વેચવો તે સરકાર નક્કી નહીં કરે, અધિકારીઓ પણ નક્કી નહીં કરે, ખેડૂત જાતે જ નક્કી કરશે કે તમારે પાક ક્યાં વેચવો છે.

હવે ખેડૂત પોતાના રાજ્યની બહાર પણ વેચી શકશે અને કોઈપણ બજારમાં વેચી શકશે. હવે તમે પોતાની ઉપજના સારા નાણાં આપનાર વેપારીઓ સાથે, કંપનીઓ સાથે સીધા જ જોડાઈ શકો છો. તેમને પોતાનો પાક સીધો વેચી શકો છો. અગાઉ જે કાયદા હતા તેમાં પાકનો સ્ટોક કરવા ઉપર પ્રતિબંધ હતો. હવે આ કાયદામાં પણ પરિવર્તન લાવવામાં આવ્યું છે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત પેકેજમાં ખેડૂતોના પાકનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ બને, ખેડૂતોને બજાર સાથે સીધા જોડવામાં આવે, તેના માટે પણ રૂપિયા એક લાખ કરોડના મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત જ્યારે બજાર સાથે સીધો જોડાશે તો તેનો પાક વધુ ભાવથી વેચવા માટેના રસ્તાઓ પણ ખૂલી જશે.

તમે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વધુ એક નિર્ણય બાબતે પણ સાંભળ્યું હશે ! તમારા ગામડાં પાસે કસબા અને નાના શહેરોમાં સ્થાનિક પેદાશોમાંથી અલગ અલગ પ્રકારના ઉત્પાદનો બને, પેકીંગવાળી ચીજો બને તેના માટે પણ ઉદ્યોગ સમૂહોની રચના કરવામાં આવશે. આનો ખૂબ મોટો લાભ ખેડૂતોને પ્રાપ્ત થવાનો છે.

હવે જે રીતે ખગડિયામાં મકાઈનો પાક કેટલો સારો થાય છે ! પરંતુ ખેડૂતને જો મકાઈમાંથી ઉત્પાદન તૈયાર કરનારી કંપનીઓ સાથે સીધો જોડવામાં આવે અને ખગડિયાની મકાઈમાંથી સ્થાનિક ઉત્પાદનો તૈયાર થાય તો કેટલો ફાયદો થશે ! આવી જ વાત બિહારમાં મખનાની છે, લીચીની છે, કેળાની છે ! ઉત્તર પ્રદેશમાં આમળા છે, કેરી છે અને રાજસ્થાનમાં મરચાં છે. મધ્ય પ્રદેશની દાળ છે, ઓડીશા અને ઝારખંડમાં જંગલની પેદાશો છે. દરેક જીલ્લામાં એવા અનેક સ્થાનિક ઉત્પાદનો છે કે જેની સાથે જોડાયેલા ઉદ્યોગોની નજીકમાં જ સ્થાપના કરવાની યોજના છે.

સાથીઓ,

વિતેલા 6 વર્ષથી સતત ચાલી રહેલા આ પ્રયાસોનો એક જ ઉદ્દેશ છે, આપણાં ગામડાં, આપણાં ગરીબો પોતાના જોર ઉપર ટકેલા છે, સશક્ત છે, આપણાં કોઈપણ ગરીબ, મજૂર, ખેડૂતને કોઈપણ પ્રકારના સહારાની જરૂરિયાત ના પડવી જોઈએ ! આખરે આપણે એ લોકો છીએ કે જે બીજાના આધારે નહીં, પણ શ્રમના સન્માન સાથે જીવી રહ્યા છીએ.

તમે કામ પર જાવ, પણ મારો તમને એ અનુરોધ છે કે જરૂરી સાવચેતી પણ જાળવો ! માસ્ક લગાવવાનું, ગમછાથી અથવા તો કપડાંથી ચહેરાને ઢાંકવાનું, સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનું અને બે ગજ અંતર રાખવાના નિયમનું પાલન કરવાનું ભૂલશો નહીં. તમે સાવધાની રાખશો તો તમારૂં ગામ, તમારૂં ઘર, સંક્રમણથી બચી જશે. આ બાબતે તમારા જીવન અને તમારી આજીવિકા બંને માટે ખૂબ જ જરૂરી છે.

તમે સૌ સ્વસ્થ રહો, આગળ ધપો અને તમારી સાથે સાથે દેશ પણ આગળ વધે તેવ શુભકામનાઓ સાથે આપ સૌ સાથીદારોને ખૂબ ખૂબ ધન્યવાદ ! !

હું તમામ માનનીય મુખ્ય મંત્રીઓનો પણ આભારી છું, ખાસ કરીને બિહાર સરકારનો આભારી છું. આ અત્યંત મહત્વપૂર્ણ કામની યોજના તૈયાર કરવા માટે અને તેને આગળ ધપાવવા માટે, તમારા સાથ અને સમર્થન માટે તમારો આભાર વ્યક્ત કરતાં આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ !!

 

GP/DS