Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ક્લાઇમેટ એમ્બિશન સમિટમાં પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ


મહાનુભાવો,

આ શિખર સંમેલન આપણી આબોહવામાં પરિવર્તન સામેની લડાઈમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પગલું પેરિસ સમજૂતીની પાંચમી વર્ષગાંઠના ઉપક્રમે યોજાયું છે. આજે જ્યારે આપણે વધુ ઊંચા લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે આપણે ભૂતકાળ પર પણ નજર કરવી પડશે. આપણે આપણા લક્ષ્યાંકો કે આપણી આકાંક્ષાઓમાં સુધારાવધારા કરવાની સાથે નિર્ધારિત લક્ષ્યાંકો સામે આપણી સિદ્ધિઓની પણ સમીક્ષા કરવી જોઈએ. પછી જ ભવિષ્યની પેઢીઓ માટે આપણી કામગીરી કે આપણી અપીલો વિશ્વસનીય બની શકે.

મહાનુભાવો,

મારે તમને નમ્રતાપૂર્વક જણાવવું જોઈએ કે ભારત પેરિસ સમજૂતીના એના લક્ષ્યાંકો હાંસલ કરવાના માર્ગે અગ્રેસર હોવાની સાથે એનાથી વધારે સારી કામગીરી કરવા આગેકૂચ કરી રહ્યું છે. અમે વર્ષ 2005ના સ્તરથી અમારા ઉત્સર્જનમાં 21 ટકા સુધીનું ઉત્સર્જન ઘટાડ્યું છે. અમારી સૌર ઊર્જાની ક્ષમતા વર્ષ 2014માં 2.63 ગિગાવોટથી વધીને વર્ષ 2020માં 36 ગિગાવોટ થઈ છે. અમારી પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા દુનિયામાં ચોથી સૌથી વધુ છે.

ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વર્ષ 2022 અગાઉ 175 ગિગાવોટ થઈ જશે. અમે વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોમાંથી 450 ગિગાવોટ ઊર્જા ઉત્પન્ન કરવાનો વધારે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. અમે અમારા જંગલના વિસ્તારમાં વધારો કરવામાં અને અમારી જૈવવિવિધતાનું રક્ષણ કરવામાં પણ સફળતા મેળવી છે. દુનિયાના મંચ પર ભારત બે મુખ્ય પહેલોમાં પથપ્રદર્શક છેઃ

  • આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને
  • આપત્તિ માટે મજબૂત માળખાગત સુવિધાના સર્જન માટે જોડાણ

મહાનુભાવો,

વર્ષ 2047માં ભારત આધુનિક, સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે 100મા વર્ષની ઉજવણી કરશે. આ પૃથ્વી ગ્રહના મારા તમામ સાથી રહેવાસીઓ હું ગર્વ સાથે પ્રતિજ્ઞા લઉં છું. 100 વર્ષનું સ્વતંત્ર ભારત એના પોતાના લક્ષ્યાંકો પાર પાડવાની સાથે તમારી અપેક્ષાઓને પણ પૂર્ણ કરશે.

ધન્યવાદ.

SD/GP/BT