Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોસી રેલ મેગા બ્રીજ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


બિહારના રાજ્યપાલ શ્રી, ફાગુ ચૌહાણજી, બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારજી, કેન્દ્ર સરકારના મંત્રી મંડળના મારા સહયોગી શ્રી પિયૂષ ગોયલજી, શ્રી રવિશંકર પ્રસાદજી, શ્રી ગિરીરાજ સિંહજી, શ્રી નિત્યાનંદ રાયજી, સુશ્રી દેવાશ્રી ચૌધરીજી, બિહારના ઉપ મુખ્યમંત્રી શ્રી સુશીલકુમાર મોદીજી, અન્ય મંત્રીગણ, સાંસદો, ધારાસભ્ય સમુદાય તથા ટેકનિકના માધ્યમથી જોડાયેલા બિહારના મારા ભાઈઓ અને બહેનો.

સાથીઓ, આજે બિહારમાં રેલ કનેક્ટીવિટીના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવામાં આવ્યો છે. કોસી મહાસેતુ અને કિઉલ બ્રીજની સાથે જ બિહારમાં રેલવે મુસાફરી, રેલવેનું વિજળીકરણ અને રેલવેમાં મેક ઈન ઈન્ડીયાને આગળ ધપાવીને નવી રોજગારી ઉભી કરનારા એક ડઝન જેટલા પરિયોજનાઓનું આજે લોકાર્પણ અને શુભારંભ કરવામાં આવ્યો છે. આશરે રૂ.3000 કરોડના આ પ્રોજેક્ટ મારફતે બિહારનું રેલવે નેટવર્ક તો સશક્ત બનશે જ, પણ સાથે-સાથે પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતની રેલ કનેક્ટીવિટી પણ મજબૂત થશે. બિહાર સહિત પૂર્વ ભારતના કરોડો રેલ યાત્રીઓને મળી રહેલી આ નવી અને આધુનિક સુવિધાઓ માટે હું આજે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું.

સાથીઓ, બિહારમાં ગંગાજી હોય કે કોસી નદી હોય. સોન હોય કે નદીઓના વિસ્તારને કારણે બિહારને અનેક ભાગમાં વહેંચીને એક બીજાથી અલગ પાડતી નદીઓ હોય. બિહારના લગભગ દરેક વિસ્તારમાં લોકોની એક મોટી તકલીફ એ રહી છે કે નદીઓના કારણે લાંબી મુસાફરી કરવી પડે છે. નિતીશજી જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે અને પાસવાન પણ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે તેમણે આ સમસ્યાઓ દૂર કરવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ વચ્ચે એક લાંબો સમય એવો આવ્યો કે જ્યારે આ દિશામાં કોઈ કામ કરવામાં આવ્યું નહીં. આ સમયમાં બિહારના કરોડો લોકોની આ મોટી સમસ્યાનો ઉકેલ શોધવા માટે હવે અમે આગળ વધી રહ્યા છીએ. વિતેલા 5 થી 6 વર્ષમાં એક પછી એક આ સમસ્યાઓ હલ કરવા માટે અમે ઝડપભેર કદમ ઉઠાવી રહ્યા છીએ.

સાથીઓ, 4 વર્ષ પહેલાં ઉત્તર અને દક્ષિણ બિહારને જોડનારા બે મહાસેતુ, એક પટનામાં અને બીજો મૂંગેરમાં શરૂ કરવામાં આવ્યો છે. આ બંને રેલવે પૂલ ચાલુ થઈ જવાથી ઉત્તર બિહાર અને દક્ષિણ બિહારની વચ્ચે લોકોને આવન-જાવન માટે ખૂબ જ આસાની થઈ છે. ખાસ કરીને ઉત્તર બિહારના જે વિસ્તારો કે જે દાયકાઓથી વિકાસથી વંચિત રહ્યા હતા તેમને વિકાસ માટે નવી ગતિ પ્રાપ્ત થઈ છે. આજે મિથિલા અને કોસી વિસ્તારને જોડનારા મહાસેતુ અને સુપૌલ- આસનપુર કૂપહા રેલવે રૂટ પણ બિહારવાસીઓની સેવામાં સમર્પિત કરવામાં આવ્યો છે.

સાથીઓ, લગભગ સાડા આઠ દાયક પહેલાં ભૂકંપની એક ભીષણ આપત્તિને કારણે મિથિલા અને કોસી નદીના વિસ્તારો અલગ થઈ ગયા હતા. આજે સંજોગ એવો છે કે કોરોના જેવી વૈશ્વિક મહામારીની વચ્ચે આ બંને વિસ્તારોને એક બીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. મને એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેના આખરી તબક્કાના કામોમાં બીજા રાજ્યોમાંથી આવેલા શ્રમિક સાથીદારોનો પણ ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે. એક રીતે કહીએ તો આ મહાસેતુ અને આ પ્રોજેક્ટ શ્રધ્ધેય અટલજી અને નિતીશ બાબુના ડ્રીમ પ્રોજેકટ ગણાય છે. જ્યારે વર્ષ 2003માં નિતીશજી રેલવે મંત્રી હતા અને શ્રધ્ધેય અટલજી પ્રધાન મંત્રી હતા ત્યારે નવી કોસી રેલવે લાઈન પરિયોજનાને આકાર આપવામાં આવ્યો હતો. એનો ઉદ્દેશ એ હતો કે, મિથિલા અને કોસી વિસ્તારના લોકોની તકલીફો દૂર કરવામાં આવે. આ વિચાર સાથે વર્ષ 2003માં અટલજી દ્વારા આ યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછીના જ વર્ષે અટલજીની સરકાર ચાલી ગઈ અને તે પછી કોસી રેલ લાઈન પરિયોજનાની ગતિ પણ ખૂબ જ ધીમી થઈ ગઈ હતી.

જો મિથિલાંચલની ચિંતા હોત, બિહારના લોકોની તકલીફોની ચિંતા હોત તો કોસી રેલવે લાઈન યોજના માટે ઝડપથી કામ થયું હોત. એ સમય દરમ્યાન રેલવે મંત્રાલય કોની પાસે હતું, કોની સરકાર હતી, તેની વિગતે વાત હું કરવા માંગતો નથી. હું જાણતો નથી, પરંતુ હકિકત એ છે કે જે ગતિથી અગાઉ કામ થઈ રહ્યું હતું તે ગતિથી વર્ષ 2004 પછી પણ કામ થયું હોત તો આજનો દિવસ ન જાણે ક્યારે આવત. કેટલા વર્ષો લાગી ગયા હોત, કેટલા દાયકાઓ વિતી ગયા હોત. શક્ય છે કે પેઢીઓ પણ વિતી ગઈ હોત. પરંતુ દ્રઢ નિશ્ચય હોય, નિતીશજી જેવા સહયોગી હોય તો શું શક્ય બનતું નથી. માટી રોકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુપૌલ- આસનપુર કુપહા રેલવે રૂટનું કામ પૂરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2017માં જે ભીષણ પૂર આવ્યું હતું તે ગાળા દરમ્યાન જે નુકસાન થયું હતું તેની ભરપાઈ હવે કરવામાં આવી છે. આખરે તો કોસી મહાસેતુ અને સુપૌલ- આસનપુર કુપહા રેલવે રૂટ બિહારના લોકોની સેવા માટે તૈયાર થઈ ગયો છે.

સાથીઓ, આજે કોસી મહાસેતુ થઈને સુપૌલ- આસનપુર કુપહાની વચ્ચે રેલવે સેવા શરૂ કરવામાં આવી હોવાથી અરરીયા અને સહરસા જીલ્લાના લોકોને પણ ખૂબ જ લાભ થશે. અને એટલું જ નહીં, તેનાથી ઉત્તર- પૂર્વના સાથીદારો માટે પણ એક વૈકલ્પિક રેલવે માર્ગ ઉપલબ્ધ થઈ જશે. કોસી અને મિથિલા વિસ્તાર માટે આ મહાસેતુ સુવિધાનું સાધન તો છે જ, પણ સાથે-સાથે આ સમગ્ર વિસ્તારમાં વેપાર- વ્યવસાય, ઉદ્યોગ- રોજગારમાં પણ તેના કારણે વૃધ્ધિ થવાની છે.

સાથીઓ, બિહારના લોકો સારી રીતે જાણે છે કે હાલમાં નિર્મલીથી સરાઈગઢ સુધીની રેલવે સફર લગભગ 300 કી.મી.ની થાય છે. તેનાથી દરભંગા- સમસ્તીપુર- ખગરિયા- માનસી- સરરસા આ તમામ માર્ગો પર થઈને જવું પડતું હતું. હવે એ દિવસો ઝાઝા દૂર નથી કે જ્યારે બિહારના લોકોએ 300 કી.મી.ની યાત્રા નહીં કરવી પડે. 300 કી.મી.નું અંતર માત્ર 22 કી.મી.માં જ પૂરૂ થઈ જશે. 8 કલાકની રેલવે યાત્રા માત્ર અડધા કલાકમાં જ પૂરી થઈ જશે. એટલે કે મુસાફરી પણ ઓછી, સમયની પણ બચત અને બિહારના લોકો માટે નાણાંની પણ બચત થશે.

સાથીઓ, કોસી મહાસેતુની જેમ જ કિઉલ નદી ઉપર નવી રેલવે ઈલેક્ટ્રોનિક ઈન્ટર- લૉકીંગની સુવિધા શરૂ થવાથી તેના સમગ્ર રૂટ પર સગવડો અને ગતિ એમ બંનેમાં વધારો થશે. આ નવા રેલવે પૂલના નિર્માણથી ઝાઝાથી પંડિત દિનદયાળ ઉપાધ્યાય જંક્શન સુધી મુખ્ય લાઈન પર દર કલાકે 100 થી 125 કી.મી.ની ગતિથી ટ્રેનો દોડી શકશે. ઈલેક્ટ્રોનિક ઈન્ટર- લૉકીંગ ચાલુ થવાના કારણે હાવડા- દિલ્હી- મુખ્ય લાઈન પર ટ્રેનોની અવર જવરમાં પણ આસાની થશે. જે બિનજરૂરી વિલંબ થતો હતો તેમાં પણ રાહત મળશે અને રેલવે યાત્રા ખૂબ જ સુરક્ષિત બની જશે.

સાથીઓ, વિતેલા 6 વર્ષમાં ભારતીય રેલવેને નૂતન ભારતની આકાંક્ષાઓ અને આત્મનિર્ભર ભારતની અપેક્ષાઓને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે ભારતીય રેલવે અગાઉ કરતાં ઘણી વધુ સ્વચ્છ છે. આજે ભારતીય રેલવેને બ્રોડગેજ રેલ નેટવર્કના માનવ રહિત ફાટકોથી મુક્ત કરવામાં આવી છે અને અગાઉ કરતાં પણ વધુ સુરક્ષિત બનાવવામાં આવી છે, જ્યારે ભારતીય રેલવેની ગતિ ઝડપી બની છે ત્યારે હાલમાં તે આત્મનિર્ભરતા અને આધુનિકતાનું પ્રતિક બની છે. વંદે માતરમ જેવી ભારતમાં બનેલી ટ્રેનો રેલવે નેટવર્કનો હિસ્સો બની રહી છે. આજે રેલવે વણસ્પર્શ્યા અનેક વિસ્તારો સુધી પહોંચી છે અને રેલવે માર્ગોને પહોળા કરવાનું અને વિજળીકરણ કરવાની વ્યવસ્થા ઝડપભેર વિસ્તારવામાં આવી રહી છે.

સાથીઓ, રેલવેના આધુનિકીકરણના આ વ્યાપક પ્રયાસનો ઘણો મોટો લાભ બિહારને અને સમગ્ર પૂર્વ ભારતને મળી રહ્યો છે. વિતેલા થોડાક વર્ષોમાં મેક ઈન ઈન્ડિયાની કામગીરીને વેગ આપવા માટે મધેપુરામાં ઈલેક્ટ્રીક લોકો ફેક્ટરી અને મઢૌરામાં ડિઝલ લોકો ફેક્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ બંને યોજનાઓના કારણે બિહારમાં આશરે રૂ.44 હજાર કરોડનું મૂડી રોકાણ થયું છે. બિહારવાસીઓને સાંભળીને ગૌરવ થશે કે હાલમાં બિહારમાં 12,000 હોર્સ પાવરના શક્તિશાળી વિદ્યુત એન્જીન બની રહ્યા છે. બરૌનીમાં વિજળીના એન્જીનોની માવજત માટે બિહારનો પ્રથમ લોકો શેડ ઉભુ કરવાનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. બિહાર માટે એક મોટી બાબત એ પણ છે કે હાલ બિહારમાં રેલવે નેટવર્કના આશરે 90 ટકા હિસ્સાનું વિજળીકરણ પૂરૂ થઈ ચૂક્યું છે. વિતેલા 6 વર્ષમાં બિહારમાં 3000 કી.મી. કરતાં વધુ રેલવે માર્ગોનું વિજળીકરણ થયું છે. આજે એમાં વધુ 5 પ્રોજેક્ટસને જોડવામાં આવ્યા છે.

સાથીઓ, બિહારમાં જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે તેની વચ્ચે રેલવે, લોકો માટે આવન-જાવનનું ખૂબ મોટું સાધન બની રહી છે. આવી સ્થિતિમાં બિહારમાં રેલવેની હાલત સુધારવા બાબતે કેન્દ્ર સરકાર સર્વોચ્ચ અગ્રતા સાથે આગળ ધપી રહી છે. આજે બિહારમાં જે ઝડપી ગતિથી રેલવે નેટવર્ક ઉપર કામ ચાલી રહ્યું છે તે બાબતે હું તમને કેટલીક વિગતો જણાવવા માંગુ છું. વર્ષ 2014 પહેલાંના 5 વર્ષમાં આશરે સવા ત્રણસો કી.મી.ની રેલવે લાઈન નાંખવામાં આવી હતી. આસાન શબ્દોમાં કહીએ તો વર્ષ 2014ની પહેલાના પાંચ વર્ષમાં બિહારમાં માત્ર સવા ત્રણસો કી.મી.ની રેલવે લાઈન શરૂ કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2014 પછીના પાંચ વર્ષમાં બિહારમાં લગભગ 700 કી.મી.ની રેલવે લાઈન કાર્યરત થઈ ચૂકી છે. આનો અર્થ એ થાય કે લગભગ બમણા કરતાં વધુ નવી રેલવે લાઈનો શરૂ કરવામાં આવી છે. હાલમાં લગભગ 1000 કી.મી.ની નવી રેલવે લાઈનોના નિર્માણની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. આજે હાજીપુર- ઘોસ્વર- વૈશાલી નવી રેલવે લાઈન શરૂ થવાથી વૈશાલીનગર- દિલ્હી અને પટના પણ રેલવે સેવાથી સીધા જોડાઈ જશે. આ સેવાન કારણે વૈશાલીમાં પર્યટનના વિકાસને ઘણું બળ મળશે અને યુવાન સાથીઓને નવા રોજગાર ઉપલબ્ધ થશે. આ રીતે ઈસ્લામપુર- નટેસર નવી રેલવે લાઈનને કારણે પણ લોકોને ઘણો ફાયદો થશે. ખાસ કરીને બૌધ્ધ ધર્મમાં માનનારા લોકોને આ સુવિધાને કારણે ખૂબ જ આસાની થશે.

સાથીઓ, આજે દેશમાં માલગાડી અને યાત્રી ગાડી બંને માટે અલગ અલગ ટ્રેક બનાવવાની વ્યાપક વ્યવસ્થા એટલે કે ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર માટે પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. બિહારમાં લગભગ 250 કી.મી. લાંબો ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર બની રહ્યો છે, જેનું કામ ખૂબ જ ટૂંકા ગાળામાં પૂરૂ થઈ જશે. આ વ્યવસ્થા ઉભી થવાથી ટ્રેનોના સમયમાં થતા વિલંબની સમસ્યા પણ ઓછી થશે અને સામાનની હેરફેર માટે થતો વિલંબ પણ ઘણો ઓછો થઈ જશે.

સાથીઓ, જે રીતે કોરોનાના આ સંકટકાળમાં રેલવેએ કામ કર્યું છે, રેલવે જે રીતે કામ કરી રહી છે, તેના માટે હું ભારતીય રેલવેના લાખો કર્મચારીઓ અને તેમના સાથીઓની વિશેષ પ્રશંસા કરૂં છું. દેશના લાખો શ્રમિકોને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફતે ઘરે સુરક્ષિત પહોંચાડવા માટે રેલવેએ દિવસ રાત એક કરીને કામ કર્યું હતું. સ્થાનિક સ્તરે લોકોને રોજગારી પૂરી પાડવા માટે પણ રેલવેની ઘણી મોટી ભૂમિકા રહી છે. કોરોના કાળમાં ભારતીય રેલવેની પ્રવાસી સેવા ભલે થોડાક સમય માટે અટકી ગઈ હોય, પરંતુ રેલવેને સુરક્ષિત અને આધુનિક બનાવવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. દેશની પહેલી કિસાન રેલ એટલે કે રેલવેના પાટા પર ચાલતો કોલ્ડ સ્ટોરેજ પણ બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે કોરોના કાળ દરમ્યાન જ શરૂ કરવામાં આવ્યો હતો.

સાથીઓ, આ કાર્યક્રમ ભલે રેલવેનો હોય, પરંતુ રેલવેની સાથે-સાથે તે લોકોના જીવનને આસાન બનાવવામાં અને બહેતર બનાવવાના પ્રયાસનું પણ આયોજન છે. એટલા માટે હું એકવાર આ વિષયે આપની સાથે ચર્ચા કરવા માંગુ છે, જે વાત બિહારના લોકોના આરોગ્ય સાથે પણ જોડાયેલી છે. નિતીશજીની સરકાર બની તે પહેલાં બિહારમાં માત્ર એક- બે મેડિકલ કોલેજો હતી. આ કારણે બિહારમાં દર્દીઓને ભારે તકલીફ ભોગવવી પડતી હતી. બિહારના તેજસ્વી યુવકોએ અભ્યાસ માટે બીજા રાજ્યમાં જવું પડતું હતું. આજે બિહારમાં 15 કરતાં વધુ મેડિકલ કોલેજો છે, જેમાંની અનેક વિતેલા થોડાંક વર્ષોમાં જ બનાવવામાં આવી છે. હજુ થોડાક દિવસ પહેલાં જ બિહારમાં એક નવી એઈમ્સની સ્થાપનાની વાત પણ સ્વીકારવામાં આવી છે. આ નવી એઈમ્સ દરભંગામાં બનાવવામાં આવશે અને તેના માટે એઈમ્સમાં 750 પથારીની નવી હોસ્પિટલ બનાવવામાં આવશે, પરંતુ તેમાં એમબીબીએસની 100 અને નર્સિંગની 60 બેઠકો પણ હશે. દરભંગામાં બનનારી આ એઈમ્સના કારણે હજારો લોકો માટે રોજગારીનું સર્જન થશે.

સાથીઓ, દેશમાં ખેડૂતના કલ્યાણની દિશામાં, ખેત સુધારાની દિશામાં, ગઈ કાલનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ હતો. ગઈકાલે વિશ્વકર્મા જયંતિના દિવસે લોકસભામાં ઐતિહાસિક ખેત સુધારણા વિધેયક મંજૂર કરવામાં આવ્યું છે. આ વિધેયકને કારણે આપણાં અન્નદાતા ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ છે. આઝાદી પછી ખેડૂતોની ખેતીમાં નવી આઝાદી આપવાનું કામ થયું છે. તેમને આઝાદ કરવામાં આવ્યા છે. આ સુધારાઓને કારણે ખેડૂતોને પોતાની ખેત પેદાશ વેચવા માટે વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને વધુ તકો મળશે. હું દેશભરના ખેડૂતોને આ વિધેયકો મંજૂર થવા બાબતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેડૂત અને ગ્રાહક વચ્ચે વચેટિયાઓ હોય છે, જે ખેડૂતોની કમાણીનો મોટો હિસ્સો પોતે લઈ જતા હોય છે. તેમનાથી ખેડૂતોને બચાવવા માટે આ વિધેયક લાવવું ખૂબ જ જરૂરી હતું. આ વિધેયક ખેડૂતો માટે રક્ષા કવચ બનીને આવ્યું છે. પરંતુ કેટલાક લોકો જે દાયકાઓથી સત્તામાં હતા અને દેશ પર રાજ કરી રહ્યા હતા તે લોકો ખેડૂતોને આ વિષય બાબતે ભ્રમિત કરવાની કોશિષ કરી રહ્યા છે. ખેડૂતો સાથે ખોટું બોલી રહ્યા છે.

સાથીઓ, ચૂંટણીના સમયે ખેડૂતોને આકર્ષવા માટે તે લોકો મોટી મોટી વાતો કરતા હોય છે. આવી વાતો લેખિત સ્વરૂપે કરે છે અને ઘોષણા પત્રમાં પણ તેનો સમાવેશ કરે છે તથા ચૂંટણી પછી તેને ભૂલી જાય છે. આજે જ્યારે આ જ બાબત આટલા દાયકાઓ પછી દેશમાં રાજ કરનારા લોકોના ચૂંટણી ઢંઢેરામાં પડી રહેલી છે. હવે આ કામગીરી એનડીએ સરકારે હાથ ધરી છે. ખેડૂતો માટે સમર્પિત અમારી સરકાર જ્યારે ખેડૂતો માટે કામ કરી રહી છે ત્યારે આ લોકો દહેશત ઉભી કરી રહ્યા છે. એપીએમસી કાયદા અંગે આ લોકો રાજનીતિ કરી રહ્યા છે અનેખેત બજારની જોગવાઈઓનો વિરોધ કરી રહ્યા છે. આ ફેરફારની વાતનો તેમના ઘોષણા પત્રમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે જ્યારે એનડીએ સરકારે ફેરફાર કર્યો છે ત્યારે તે લોકો તેનો વિરોધ કરવા માટે અને જૂઠ ફેલાવીને લોકોને ભ્રમિત કરવા માટે બહાર આવ્યા છે.

માત્ર, વિરોધ કરવા માટે વિરોધ કરાતો હોય તેવા વિવિધ ઉદાહરણો એક પછી એક સામે આવી રહ્યા છે, પરંતુ એ લોકો ભૂલી જાય છે કે દેશનો ખેડૂત કેટલો જાગૃત છે. આ લોકો એ જોઈ રહ્યા છે કે કેટલાક લોકો ખેડૂતને મળી રહેલી નવી તકોથી ખુશ નથી અને તેમને આ સ્થિતિ પસંદ આવતી નથી. દેશનો ખેડૂત એ જોઈ રહ્યો છે કે એવા કયા લોકો છે કે જે વચેટિયાઓની સાથે ઉભા છે.

સાથીઓ, આ લોકો પણ ટેકાના લઘુત્તમ ભાવ અંગે મોટી મોટી વાતો કરતા હતા, પરંતુ તેમણે ક્યારેય પણ પોતાના વચનો પાળ્યા નથી. ખેડૂતોને આપેલા વચનો જો કોઈએ પૂરાં કર્યા હોય તો તે એનડીએની વર્તમાન સરકારે પૂરા કર્યા છે. હવે એવો દુષ્પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે કે સરકાર તરફથી ખેડૂતોને ટેકાના ભાવનો લાભ આપવામાં નહીં આવે. આ બાબત પણ મનઘડત રીતે કહેવામાં આવી રહી છે કે ખેડૂતો પાસેથી સરકાર હવે અનાજ, ઘઉં વગેરેની ખરીદી નહીં કરે. આ અત્યંત ખોટી વાત છે. ખોટી તો છે, પરંતુ ખેડૂતોને છેતરનારી બાબત છે. અમારી સરકાર ખેડૂતોને ટેકાના લઘુત્તમ ભાવ મળી રહે તે માટે અને તેમને વાજબી મૂલ્ય મળે તે માટે કટિબધ્ધ છે અને આ પહેલાં પણ હતી, આજે પણ છે અને હવે પછી પણ કટિબધ્ધ રહેશે. સરકારી ખરીદી પણ અગાઉની જેમ જ ચાલુ રહેશે. કોઈપણ વ્યક્તિ પોતે જે ખેત પેદાશ તૈયાર કરે છે તેને દુનિયામાં કોઈપણ સ્થળે વેચી શકે છે. જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે છે. જો તે કાપડ બનાવતો હોય તો જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે. તે જો વાસણ બનાવતો હોય તો કોઈપણ સ્થળે વેચી શકે. પગરખાં બનાવતો હોય તેને કોઈપણ સ્થળે વેચી શકે છે, પરંતુ મારા ખેડૂત ભાઈ-બહેનો આ અધિકારથી વંચિત રહ્યા છે. તેમને મજબૂર બનાવવામાં આવ્યા છે. આ નવી જોગવાઈઓ લાગુ થવાના કારણે ખેડૂત તેની પોતાની ખેત પેદાશ દેશના કોઈપણ બજારમાં પોતાની મનગમતી કિંમત સાથે વેચી શકશે. આપણી સહકારી સંસ્થાઓ, કૃષિ ઉત્પાદક સંઘો, એફપીઓ અને બિહારમાં ચાલતી જીવિકા જેવી મહિલા સ્વયં સહાયતા જેવી સંસ્થાઓ માટે આ વિધેયક સોનેરી તક લઈને આવ્યું છે.

સાથીઓ, નિતીશજી પણ આ કાર્યક્રમમાં હાજર છે. તે પણ સારી રીતે સમજે છે કે એપીએમસી એક્ટના કારણે ખેડૂતોને કેવું નુકશાન થઈ રહ્યું છે અને આ કારણે જ બિહારના મુખ્ય મંત્રી બન્યા પછી પોતાના શરૂઆતના વર્ષોમાં જ તેમણે બિહારમાં આ કાયદો દૂર કર્યો હતો. જે કામ તેમણે બિહારમાં કરી બતાવ્યું છે તે રસ્તે આજે સમગ્ર દેશ જઈ રહ્યો છે.

સાથીઓ, ખેડૂતો માટે જેટલું કામ એનડીએ શાસનના પાછલા 6 વર્ષમાં થયું છે તેટલું કામ અગાઉ ક્યારેય પણ થયું ન હતું. ખેડૂતોને નડતી અનેક સમસ્યાઓ સમજીને તેમની દરેક મુશ્કેલીઓ દૂર કરવા માટે અમારી સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. દેશના ખેડૂતોને વિજળીની ખરીદી કરવામાં, ખાતરની ખરીદી કરવામાં અને પોતાની નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ દેવુ ના કરવું પડે તેના માટે પ્રધાન મંત્રી કિસાન કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના કરોડો ખેડૂતોના ખાતામાં આશરે એક લાખ કરોડ રૂપિયા સીધા તબદીલ થઈ ચૂક્યા છે. વચ્ચે કોઈ વચેટિયો નથી. ખેડૂતોને પાણીની તકલીફ ના પડે તે માટે દાયકાઓથી અટવાઈ પડેલી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા માટે પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં પણ આશરે રૂ.1 લાખ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જે યુરિયા ખાતર માટે લાંબી લાંબી લાઈનો માટે લાઈનો લાગતી હતી તે યુરિયા આજે ખેડૂતોના ખેતરોમાં ઓછુ અને ફેક્ટરીઓમાં ખૂબ જ આસાનીથી પહોંચતું હતું તેનું હવે 100 ટકા નીમ કોટીંગ કરવામાં આવી રહ્યું છે. આજે દેશમાં મોટા પાયે કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ફૂડ પ્રોસેસીંગ સાથે જોડાયેલા ઉદ્યોગોમાં પણ મોટું મૂડી રોકાણ થઈ રહ્યું છે. રૂ.1 લાખ કરોડના એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના કરવામાં આવી છે.

ખેડૂતોના પશુધનને બિમારીઓથી બચાવવા માટે દેશ વ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માછલીઓનું ઉત્પાદન વધારવા માટે, મરઘાં પાલનને પ્રોત્સાહન આપવા માટે, મધનું ઉત્પાદન વધારવા માટે, દૂધનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોની આવક વધારવા માટે વધુ વિકલ્પો પૂરા પાડવા માટે આ સરકાર નિરંતર કામ કરી રહી છે.

સાથીઓ, આજે હું દેશના ખેડૂતો સમક્ષ મારી વાત ખૂબ જ નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું, સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું. તમે કોઈપણ પ્રકારની ભ્રમણામાં રહેશો નહીં. આ લોકોથી દેશના ખેડૂતોએ સાવચેત રહેવાનું છે. આ એ લોકો છે કે જેમણે દાયકાઓ સુધી ખેડૂતો પર રાજ કર્યું છે અને આજે ખેડૂતો સાથે ખોટું બોલી રહ્યા છે. તેમનાથી સાવધાન રહેવાનું છે. આ એ જ લોકો છે કે જે ખેડૂતોના રક્ષણ માટે ઢંઢેરા પિટી રહ્યા હતા, પરંતુ વાસ્તવમાં તે ખેડૂતોને અનેક બંધનોથી જકડી રાખવા માંગે છે અને એ લોકો વચેટિયાઓને સાથ આપી રહ્યા છે. આ લોકો ખેડૂતોની કમાણીને વચ્ચેથી જ લૂંટનારા લોકોને સાથ આપી રહ્યા છે. ખેડૂતોને પોતાની ખેત પેદાશ દેશમાં કોઈપણ જગાએ વેચવાની આઝાદી પૂરી પાડવી તે એક ખૂબ મોટું ઐતિહાસિક કદમ છે. 21મી સદીમાં ભારતનો ખેડૂત બંધનોમાં રહેશે નહીં, પણ ખૂલીને ખેતી કરતો રહેશે. મન ફાવે ત્યાં પોતાની ખેત પેદાશ વેચી શકશે. જ્યાં વધુ પૈસા મળશે ત્યાં વેચાણ કરશે. તે કોઈ વચેટીયાઓ ઉપર આધાર રાખશે નહીં અને પોતાની ઉપજ તથા પોતાની આવકમાં વધારો કરશે. દેશની આ જરૂરિયાત છે અને સમયની માંગ પણ છે.

સાથીઓ, ખેડૂત હોય, મહિલા હોય, નવયુવાન હોય, રાષ્ટ્રના વિકાસમાં તમામ લોકોને સશક્ત બનાવવા તે આપણાં સૌની જવાબદારી છે. આજે જે કોઈપણ પ્રોજેક્ટ સમર્પિત કરવામાં આવ્યા છે તે આ જવાબદારીનો એક હિસ્સો છે. મને વિશ્વાસ છે કે આજે જે યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શુભારંભ કરવામાં આવ્યો છે તેનાથી બિહારના લોકો અને અહિંના નવયુવાનો તેમજ અહિંની મહિલાઓને ખૂબ જ લાભ થવાનો છે.

સાથીઓ, કોરોનાના આ સંકટ કાળમાં આપણે સૌએ સાથે મળીને ખૂબ જ કાળજી રાખીને જીવવાનું છે. નાની સરખી પણ બેજવાદારી તમને અને તમારા સ્વજનોને ઘણું બધુ નુકશાન કરી શકે છે. એટલા માટે હું બિહારના લોકોને, દેશના લોકોને ફરી એક વખત આગ્રહ સાથે પુનરાવર્તન કરવા માંગુ છું કે માસ્ક જરૂર પહેરે અને સારી રીતે પહેરે. બે ગજના અંતરનું હંમેશા ધ્યાન રાખે અને તેનું પાલન કરે. જ્યારે વધુ ભીડ થતી હોય ત્યાં જવાનું ટાળે. ભીડ કરવાનુ ટાળે. પોતાની રોગ પ્રતિરોધક ક્ષમતા અને ઈમ્યુનિટી વધારવામાં ધ્યાન રાખે. ઉકાળો પીતા રહે. ગરમ પાણી પણ પીતા રહે અને પોતાની તબિયતનું હંમેશા ખ્યાલ રાખે. તમે સતર્ક રહો, સ્વસ્થ રહો !!

તમારો પરિવાર સ્વસ્થ રહે તેવી શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ-ખૂબ ધન્યવાદ !!

 

SD/GP/BT