Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી

કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી


કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ મારફત વાતચીત કરી હતી.

આ વાતચીત દરમ્યાન અધિકારીઓએ કોવિડ-19 સામેના જંગમાં પ્રધાનમંત્રીનો એમના નેતૃત્વ માટે આભાર માન્યો હતો. અધિકારીઓએ પ્રધાનમંત્રીને પોતપોતાના જિલ્લાઓમાં કોવિડની સુધરતી જતી સ્થિતિ વિશે વાકેફ કર્યા હતા. રિયલ ટાઇમ મોનિટરિંગ અને ક્ષમતા નિર્માણ માટે ટેકનોલોજીના વપરાશ અંગેના પોતાના અનુભવો અધિકારીઓએ જણાવ્યા હતા. પોતાના જિલ્લાઓમાં લોક ભાગીદારી અને જાગૃતિ વધારવા માટે લેવાયેલાં પગલાં વિશે પણ તેમણે માહિતી આપી હતી.

આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ મહામારી સામે લડવા માટે પૂર્ણ પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવા દરેકને અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું, કોરોનાવાયરસે કામને હોય એનાથી વધુ વધારે અને પડકારજનક બનાવ્યું છે. આ નવા પડકારોની મધ્યે, નવી વ્યૂહરચનાઓ અને ઉપાયોની જરૂર છે. તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક વખતથી દેશમાં સક્રિય કેસો ઘટવાનું શરૂ થયું છે. પણ ચેતવણી આપી કે ચેપ જ્યાં સુધી નજીવા વ્યાપે પણ હાજર છે ત્યાં સુધી પડકાર યથાવત રહે છે.

મહામારી સામે લડવામાં રાજ્ય અને જિલ્લા અધિકારીઓના ઉત્કૃષ્ટ કાર્યની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ફિલ્ડમાં એમનાં કાર્યના અનુભવો અને પ્રતિભાવોથી વ્યવહારુ અને અસરકારક નીતિઓ ઘડવામાં મદદ મળી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યો અને વિવિધ હિતધારકોના તમામ સ્તરે મળેલાં સૂચનોને સમાવીને રસીકરણની વ્યૂહરચના પણ આગળ વધારાઇ રહી છે.

પ્રધાનમંત્રીએ સ્થાનિક અનુભવોનો ઉપયોગ કરીને અને એક દેશ તરીકે ભેગાં થઈને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ગામોને કોરોના-મુક્ત રાખવા અને કેસો ઘટી રહ્યા હોય ત્યારે પણ કોવિડ યોગ્ય વર્તણૂક અનુસરવા અંગેના સંદેશા ફેલાવવા અનુરોધ કર્યો હતો. તેમણે અધિકારીઓને એમની વ્યૂહરચના ગ્રામીણ અને શહેરી એમ ચોક્કસ રીતે ઘડી કાઢવા જણાવ્યું હતું અને ગ્રામીણ ભારત કોવિડ મુક્ત રહે એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ નોંધપૂર્વક કહ્યું કે દરેક મહામારી આપણને સતત નવીનીકરણ અને મહામારી સામે લડવાના આપણા ઉપાયોમાં ફેરફારની અગત્યતા શીખવે છે. તેમણે ભાર મૂક્યો હતો કે મહામારી સામે પનારો પાડવાની પદ્ધતિ અને વ્યૂહરચનાઓ ગતિશીલ હોવી જોઇએ કેમ કે વાયરસ ગુણવિકાર અને રૂપ બદલવામાં નિષ્ણાત છે. તેમણે કહ્યું કે વાયરસનું મ્યુટેશન યુવાઓ અને બાળકોને ચિંતિત કરી રહ્યું છે. તેમણે રસીકરણની ઝુંબેશને વેગ આપવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

રસીના બગાડ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એક પણ રસીનો બગાડનો અર્થ એ થાય કે એક વ્યક્તિને આપણે જરૂરી સલામતી પૂરી પાડી શક્યા નહીં. એટલે તેમણે રસીનો બગાડ અટકાવવા અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જિંદગીઓ બચાવવાની સાથે નાગરિકોનું જીવન સરળ કરવાને અગ્રતા આપવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ગરીબો માટે મફત રાશન માટેની સુવિધાઓ, અન્ય આવશ્યક પુરવઠો પૂરો પાડવો જ જોઇએ અને કાળા બજાર અટકવું જોઇએ. તેમણે જણાવ્યું કે આ લડાઇ જીતવા માટે અને આગળ વધવા માટે આ બધાં પગલાં પણ જરૂરી છે.

SD/GP/JD