Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોલંબોમાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીનું સંબોધન (12 મે, 2017)

કોલંબોમાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીનું સંબોધન (12 મે, 2017)

કોલંબોમાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીનું સંબોધન (12 મે, 2017)

કોલંબોમાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીનું સંબોધન (12 મે, 2017)


અતિ આદરણીય, શ્રીલંકાના મહાનાયક મહા નાયકોન્થેરો

અતિ આદરણીય, શ્રીલંકાના સંગરાજથૈરોસ

પ્રસિદ્ધ ધાર્મિક અને આધ્યાત્મિક આગેવાનો

શ્રીલંકાના આદરણીય રાષ્ટ્રપતિ, મહામહિમ મૈત્રીપાલ સિરિસેના

શ્રીલંકાના આદરણીય પ્રધાનમંત્રી, મહામહિમ રાનીલ વિક્રમાસિંઘે

સંસદના આદરણીય અધ્યક્ષ કારો મહામહિમ કારો જયસૂરિયા

અતિ આદરણીય ડો. બ્રાહ્મિન પંડિત, વેસાકદિવસ માટે આંતરરાષ્ટ્રીય પરિષદના પ્રમુખ

આદરણીય પ્રતિનિધિઓ

મીડિયાના મિત્રો

મહામહિમો, દેવીઓ અને સજ્જનો

નમસ્કાર. આયુબુવન.

 

વેસાક અતિ પવિત્ર દિવસોમાંનો એક છે.

 

ભગવાન બુદ્ધ “તથાગત”ના જન્મ, બુદ્ધત્વ અને પરિનિર્વાણની ઉજવણી કરવા માનતા માટેનો દિવસ છે. બુદ્ધના રંગે રંગાઈ જવાનો દિવસ છે. સર્વોચ્ચ સત્યનું પ્રતિબિંબ છે, ધમ્મની શાશ્વત પ્રસ્તુતતાનો દિવસ છે અને ચાર ઉદાત્ત સત્યોની ઉજવણીનો દિવસ છે.

 

દસ આદર્શો પૂર્ણ કરવાનો દિવસ છે. આ 10 આદર્શો છે – દાન(generosity), શીલ(proper conduct), ત્યાગ (renunciation), શાણપણ (wisdom), ઊર્જા(energy), સહિષ્ણુતા (tolerance), સત્ય (truthfulness), પ્રતિબદ્ધતા (determination), ઉદારતા (loving kindness) અને સમભાવ (equanimity).

 

તમારા માટે દિવસ શ્રીલંકામાં, ભારતમાં અમારા માટે અને સમગ્ર વિશ્વના બૌદ્ધો માટે અતિ મહત્વપૂર્ણ છે. અને કોલંબોમાં આંતરરાષ્ટ્રી વેસાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે મને સન્માન આપવા બદલ હું મહામહિમ રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના, મહામહિમ પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે અને શ્રીલંકાના લોકોનો અતિ આભારી છું. આ પવિત્ર પ્રસંગે હું મારી સાથે સમ્યક સમુબદ્ધ (અપ્પો દીપો ભવ)ની ભૂમિમાંથી 1.25 અબજ લોકોની શુભેચ્છા મારી સાથે લાવ્યો છું, જે અપ્પો દીપો ભવ માટે આદર્શ છે.

 

મહામહિમ અને મિત્રો,

આપણા વિસ્તારે દુનિયાને બુદ્ધ અને તેના ઉપદેશની અમૂલ્ય ભેટ આપી છે. ભારતમાં બોધગયામાં રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધ બન્યા હતા. બોધગયા બૌદ્ધ સંપ્રદાયનું પવિત્ર કેન્દ્ર છે. ભગવાન બુદ્ધ પ્રથમ ઉપદેશ વારાણસીમાં આપ્યો હતો, જેને સંસદમાં રજૂ કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. વારાણસીમાંથી ધમ્મચક્રપ્રવર્તનનો પ્રારંભ થયો હતો. અમારા મુખ્ય રાષ્ટ્રીય પ્રતીકોની પ્રેરણા બૌદ્ધ સંપ્રદાયમાંથી પ્રાપ્ત થઈ છે. બૌદ્ધ સંપ્રદાય અને તેના મૂલ્યો અમારા શાસન, સંસ્કૃતિ અને ફિલોસોફીમાં વણાઈ ગયા છે. ભારતમાંથી બૌદ્ધ સંપ્રદાયની પવિત્ર મહેંક સમગ્ર વિશ્વના ખૂણેખૂણે ફેલાઈ છે. મહાન રાજા અશોકના સંતાનો મહિન્દ્રા અને સંઘમિત્રાએ ધમ્મદૂત તરીકે ધમ્મની સૌથી મોટી ભેટનો પ્રસાર કરવા ભારતમાંથી શ્રીલંકાની યાત્રા કરી હતી.

 

બુદ્ધે કહ્યું હતું કેઃ सब्ब्दानामधम्मादानंजनाती એટલે કે તમામ ભેટમાં ધમ્મની ભેટ સૌથી મોટી છે. અત્યારે શ્રીલંકાને બૌદ્ધ ઉપદેશ અને વારસાના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક કેન્દ્ર હોવાનો ગર્વ છે. સદીઓ અગાઉ અંગારિકા ધર્મપાલે આવી જ સફર કરી હતી, પણ શ્રીલંકાથી ભારતની, જેનો ઉદ્દેશ બુદ્ધની જન્મભૂમિમાં બૌદ્ધ વારસાને પુનઃજાગૃત કરવાનો હતો. એક રીતે જોઈએ તો તમે અમને અમારા મૂળિયા તરફ પરત લઈ ગયા હતા. શ્રીલંકાએ બૌદ્ધ વારસાના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પાસાઓને જાળવ્યા છે અને આ માટે સમગ્ર દુનિયા તેની આભારી છે. વેસાક આપણા માટે બૌદ્ધ સંપ્રદાયના આ સહિયારા વારસાની ઉજવણીનો પ્રસંગ છે. આ વારસો આપણા સમાજોને પેઢીઓથી અને સદીઓથી જોડે છે.

 

મિત્રો,

ભારત અને શ્રીલંકા વચ્ચેની મૈત્રીને “મહાન ગુરુઓ”એ મજબૂત કરી છે. બૌદ્ધવાદ આપણા સંબંધોનું શાશ્વત જોડાણ છે.

 

પડોશી દેશો તરીકે આપણા સંબંધો અનેક સ્તરે ફેલાયેલા છે. તે બૌદ્ધ સંપ્રદાયના આપણા એકબીજા સાથે જોડાયેલા મૂલ્યો મારફતે તાકાત આપે છે, કારણ કે તે આપણા સહિયારા ભવિષ્યની અનંત શક્યતાઓ ખોલે છે. આપણા બંને દેશો વચ્ચે મૈત્રી છે, જે આપણા લોકોના હૃદયમાં જીવંત છે અને આપણા સમાજનું અભિન્ન અંગ છે.

 

બૌદ્ધ વારસાના આપણા જોડાણને વધારે ગાઢ બનાવવા મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે, ચાલુ વર્ષે ઓગસ્ટથી એર ઇન્ડિયા કોલંબો અને વારાણસી વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરશે. તેનાથી શ્રીલંકાના મારા ભાઈઓ અને બહેનો માટે બુદ્ધની ભૂમિના દર્શન કરવામાં સરળતા રહેશે અને તમે સીધી શ્રાવસ્તી, કુશીનગર, સંકાસા, કૌશંબી અને સારનાથની મુલાકાત લઈ શકશો. મારા તમિલ ભાઈઓ અને બહેનો કાશી વિશ્વનાથની ભૂમિ વારાણસીની મુલાકાત પણ લઈ શકશે.

 

આદરણીય સાધુજનો, મહામહિમ અને મિત્રો,

હું માનું છું કે અત્યારે અમે શ્રીલંકા સાથે આપણા સંબંધોને વધારે ગાઢ બનાવવાની શ્રેષ્ઠ તક ધરાવીએ છીએ. આ તક તમામ ક્ષેત્રોમાં આપણી ભાગીદારીમાં મોટી હરણફાળ ભરવાની છે. અને અમારા માટે અમારી મૈત્રીની સફળતા માટે અતિ પ્રસ્તુત માપદંડ તમારી પ્રગતિ અને સફળતા છે. અમે અમારા શ્રીલંકાના ભાઈઓ અને બહેનોની આર્થિક સમૃદ્ધિ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. અમે આપણા વિકાસલક્ષી સહકારને ગાઢ બનાવવા હકારાત્મક ફેરફાર લાવવા અને આર્થિક વૃદ્ધિને વધારવા રોકાણ કરવાનું જાળવી રાખીશું. અમારી તાકાત અમારી જાણકારી, ક્ષમતા અને સમૃદ્ધિ વહેંચવામાં છે. વેપાર અને રોકાણમાં અમે નોંધપાત્ર ભાગીદારો છીએ. અમારું માનવું છે કે વેપાર, રોકાણ, ટેકનોલોજી અને વિચારોનો મુક્ત પ્રવાહ બંને દેશો માટે લાભદાયક રહેશે. ભારતની ઝડપી વૃદ્ધિ સંપૂર્ણ વિસ્તાર, ખાસ કરીને શ્રીલંકા માટે લાભદાયક બની શકે છે. માળખાગત સુવિધા અને જોડાણ, પરિવહન અને ઊર્જામાં આપણે આપણો સહકાર વધારવા સજ્જ છીએ. આપણી વિકાસલક્ષી ભાગીદારીકૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પુનઃવસવાટ, પરિવહન, વીજળી, સંસ્કૃતિ, પાણી, આશ્રય, રમતગમત અને માનવ સંસાધન જેવા માનવતાને સ્પર્શતા લગભગ દરેક ક્ષેત્રમાં ફેલાયેલી છે.

 

અત્યારે ભારતનો શ્રીલંકા સાથે વિકાસ સહકાર 2.6 અબજ ડોલરનો છે. અને તેનો એકમાત્ર ઉદ્દેશ શ્રીલંકા તેના નાગરિકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે એવો છે. કારણ કે શ્રીલંકાના લોકોની આર્થિક અને સામાજિક સુખાકારી 1.25 અબજ ભારતીયો સાથે જોડાયેલી છે. કારણ કે, જમીન પર કે હિંદ મહાસાગરમાં આપણા સમાજોની સુરક્ષા જોડાયેલી છે. રાષ્ટ્રપતિ સિરિસેના અને પ્રધાનમંત્રી વિક્રમસિંઘે સાથે મારી વાતચીત આપણા સામાન્ય લક્ષ્યાંકો પાર પાડવામાં હાથ મિલાવવાની ઇચ્છાને પ્રતિપાદિત કરશે. તમે તમારા સમાજની સંવાદિતા અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ પસંદગીઓ કરી હોવાથી તમને ભારત સ્વરૂપે આદર્શ મિત્ર અને ભાગીદાર મળશે, જે તમારા રાષ્ટ્રનિર્માણના પ્રયાસોને સમર્થન આપશે.

 

આદરણીય સાધુજનો, મહામહિમો અને મિત્રો

ભગવાન બુદ્ધનો સંદેશ અઢી હજાર વર્ષ અગાઉ જેટલો પ્રસ્તુત હતો એટલો જ પ્રસ્તુત 21મી સદી છે. બુદ્ધનો मध्यमप्रतिपदा મધ્યમમાર્ગ આપણને બધાને માર્ગ ચીંધે છે. આ માર્ગની ભાતૃત્વની ભાવના ઊડીને આંખે વળગે એવી છે. તે દેશો વચ્ચે એકતા પેદા કરતું બળ છે. દક્ષિણ, મધ્ય, દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયાના દેશોને બુદ્ધની જમીન સુધી દોરી જતા તેમના બૌદ્ધ વારસા પર ગર્વ છે.

 

સામાજિક ન્યાય અને સ્થાયી વૈશ્વિક શાંતિની થીમ વેસાક ડે પર પસંદ કરવામાં આવી છે, જે બુદ્ધના ઉપદેશનું હાર્દ છે. આ થીમ સ્વતંત્ર લાગી શકે છે. પણ આ બંને એકબીજા પર નિર્ભર છે, એકબીજા સાથે જોડાયેલી છે. સામાજિક ન્યાયનો મુદ્દો સમુદાયોની અંદર અને સમુદાયો વચ્ચે સંઘર્ષ સાથે સંબંધિત છે. તેના મૂળમાં તન્હા કે સંસ્કૃતિમાં તૃષ્ણા રહેલી છે, જેમાંથી લોભ જન્મે છે. લોભ જ માનવજાતને પૃથ્વીનો નાશ કરવા અને તેના પર વર્ચસ્વ સ્થાપિત કરવા દોરે છે. આપણી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરવાની આપણી તૃષ્ણા સમુદાયોમાં આવકની અસમાનતા પેદા કરે છે અને સામાજિક સંવાદનો નાશ કરે છે.

 

તે જ રીતે અત્યારે દુનિયામાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવાનો સૌથી મોટો પડકાર દેશો વચ્ચે સંઘર્ષને કારણે હોય એ જરૂરી નથી. આ માટે નફરત અને હિંસાના વિચારના મૂળમાં રહેલી માનસિકતા, વિચારધારા, સંસ્થાઓ અને સાધનો રહેલા છે. આપણા વિસ્તારમાં આતંકવાદ આ વિનાશકારક લાગણીનો નક્કર પુરાવો છે. કમનસીબે, આપણા વિસ્તારમાં નફરતની આ વિચારધારા અને તેના હિમાયતીઓ સંવાદ સાધવા તૈયાર નથી અને એ જ મૃત્યુ અને વિનાશનું કારણ છે. હું દ્રઢપણે માનું છું કે બુદ્ધનો શાતિનો સંદેશ સમગ્ર દુનિયામાં વધતી હિંસાનો જવાબ છે.

 

અને ઘર્ષણની અનુપસ્થિતિ દ્વારા શાંતિની નકારાત્મક વિભાવના નક્કી ન થવી જોઈએ. પણ કરુણા અને પ્રજ્ઞાના આધારે સંવાદ, સંકલન અને ન્યાયને પ્રોત્સાહન આપવા આપણે બધા કામ કરીએ એ સક્રિય શાંતિ જરૂરી છે. બુદ્ધે કહ્યું હતું કે, ” नत्तीसंतिपरणसुखं – શાંતિથી મોટા કોઈ આશીર્વાદ કે કોઈ સુખ નથી.” વેસાક પર મને આશા છે કે ભારત અને શ્રીલંકા ભગવાન બુદ્ધના આદર્શોને જાળવવા ખભે ખભો મિલાવીને કામ કરશે તથા આપણી સરકારોની નીતિઓ અને આચરણમાં શાંતિ, સર્વસમાવેશકતા અને કરુણાના મૂલ્યોને પ્રોત્સાહન મળશે. વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ અને દુનિયાને લોભ, નફરત અને ઉપેક્ષારૂપી ત્રણ વિષમાંથી મુક્ત કરાવવાનો આ જ સાચો માર્ગ છે.

 

આદરણીય સાધુઓ, મહામહિમ અને મિત્રો,

વેસાકના પવિત્ર દિવસ પર ચાલો આપણે અંધકારને દૂર કરવા જ્ઞાનનો દીપ પ્રકટાવીએ, ચાલો આપણે આપણા આત્માને પ્રકાશિત કરીએ અને ચાલો આપણે બીજું કશું નહીં, પણ સત્યનો દીપ હંમેશા પ્રકટાવતા રહીએ. આપણે બુદ્ધના માર્ગે સતત ચાલવાનો પ્રયાસ કરીએ, જેમનો પ્રકાશ સમગ્ર દુનિયાને રોશન કરે છે.

 

ધમ્મપદનું 387મું સૂત્ર કહે છેઃ

दिवातपतिआदिच्चो,रत्तिंगओभातिचंदिमा.
सन्न्द्धोखत्तियोतपति,झायीतपतिब्राह्मणों.

अथसब्बमअहोरत्तिंग,बुद्धोतपतितेजसा.

એટલે:
સૂર્ય દિવસે પ્રકાશ આપે છે,

ચંદ્ર રાત્રે ચમકે છે,

યોદ્ધાની બહાદુરી તેના શસ્ત્રોમાં ચમકે છે,

બ્રાહ્મણ તેના ધ્યાનમાં ચમકે છે,

પણ પ્રબુદ્ધ કે બુદ્ધના પ્રકાશના કિરણો તમામ દિવસ અને રાત ફેલાતા રહે છે.

 

મને સન્માન આપવા બદલ તમારો એક વખત ફરી આભાર.

 

હું આજે બપોરે કેન્ડીમાં શ્રી દાલદા માલિગાવામાં ભગવાન બુદ્ધના દાંતના અવશેષો જળવાયેલા છે એ પવિત્ર મંદિરમાં પ્રાર્થના કરવા આતુર છું. બુદ્ધ, ધમ્મ અને સંઘના ત્રિરત્નો આપણને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના. 

 

TR