Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોરોના વાયરસ મહામારીને સંબંધિત પ્રધાનમંત્રીનું સંબોધન


મારા પ્રિય દેશવાસીઓ,

સમગ્ર વિશ્વ વર્તમાન સમયમાં સંકટના ઘણા મોટા ગંભીર સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કુદરતી સંકટ આવે છે તો તે કેટલાક દેશો અથવા રાજ્યો સુધી જ સીમિત રહે છે. પરંતુ આ વખતે આ સંકટ એવું છે, જેણે સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ માનવજાતિને સંકટમાં નાખી દીધું છે. જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હતું, જ્યારે દ્વિતીય વિશ્વ યુદ્ધ થયું હતું, ત્યારે પણ આટલા દેશો યુદ્ધ વડે પ્રભાવિત નહોતા થયા. જેટલા આજે કોરોનાથી થયા છે.

છેલ્લા બે મહિનાથી આપણે સતત દુનિયાભરમાંથી આવી રહેલા કોરોના વાયરસ સાથે જોડાયેલ ચિંતાજનક સમાચારો જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. આ બે મહિનાઓમાં ભારતના 130 કરોડ નાગરિકોએ કોરોના વૈશ્વિક મહામારીનો હિંમતપૂર્વક સામનો કર્યો છે, જરૂરી સાવચેતીઓ રાખી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એવું પણ લાગી રહ્યું છે જાણે આપણે આ સંકટથી બચેલા છીએ, બધું સારું છે. વૈશ્વિક મહામારી કોરોનાથી નિશ્ચિંત થઇ જવા માટેની આ વિચારધારા સાચી નથી. એટલા માટે, પ્રત્યેક ભારતવાસીએ સજાગ રહેવું, સતર્ક રહેવું ખૂબ જરૂરી છે.

સાથીઓ,

તમારી પાસેથી મેં જ્યારે પણ, જે પણ માગ્યું છે, મને ક્યારેય દેશવાસીઓએ નિરાશ નથી કર્યા. એ તમારા આશીર્વાદની જ તાકાત છે કે આપણા પ્રયાસો સફળ થયા છે. આજે, હું આપ સૌ દેશવાસીઓ પાસે, તમારી પાસે,

કંઇક માગવા આવ્યો છું. મારે તમારા આવનારા કેટલાક અઠવાડિયા જોઈએ છે, તમારો આવનારો કેટલોક સમય જોઈએ છે.

સાથીઓ,

અત્યાર સુધી વિજ્ઞાન, કોરોના મહામારીથી બચવા માટે, કોઈ નિશ્ચિત ઉપાય બતાવી નથી શક્યું અને ના તો કોઈ આની કોઈ રસી બની શકી છે. આવી સ્થિતિમાં ચિંતા વધવી એ ખૂબ સ્વાભાવિક છે. દુનિયાના જે દેશોમાં કોરોના વાયરસનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે, ત્યાં અભ્યાસમાં એક અન્ય વાત પણ સામે આવી છે. આ દેશોમાં શરૂઆતના કેટલાક દિવસો પછી અચાનક જ બીમારીનો જે રીતે વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાની અસર હેઠળ આવેલા લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. ભારત સરકાર આ સ્થિતિ પર, કોરોનાના પ્રસારના આ ટ્રેક રેકોર્ડ પર સંપૂર્ણ રીતે નજર રાખી રહી છે. જોકે કેટલાક દેશો એવા છે કે જેમણે ઝડપથી નિર્ણયો લઈને, પોતાને ત્યાંના લોકોને વધુમાં વધુ આઇસોલેટ કરીને સ્થિતિને સંભાળી લીધી છે. ભારત જેવા, 130 કરોડની વસતિ ધરાવતા દેશની સામે, વિકાસની માટે પ્રયત્નશીલ દેશની સામે, કોરોનાનું વધી રહેલું આ સંકટ સામાન્ય વાત નથી. આજે જ્યારે મોટા-મોટા અને વિકસિત દેશોમાં આપણે કોરોના મહામારીનો વ્યાપક પ્રભાવ જોઈ રહ્યા છીએ, તો ભારત પર આનો કોઈ પ્રભાવ નહીં પડે, એવું માનવું ભૂલ ભરેલું છે. એટલા માટે, આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે બે મુખ્ય વાતોની જરૂર છે.

પહેલી – સંકલ્પ અને બીજી – સંયમ.

આજે 130 કરોડ દેશવાસીઓએ પોતાનો સંકલ્પ વધારે દ્રઢ કરવો પડશે કે આપણે આ વૈશ્વિક મહામારીને રોકવા માટે એક નાગરિક તરીકે, આપણા કર્તવ્યોનું પાલન કરીશું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોના દિશા નિર્દેશોનું પાલન કરીશું.

આજે આપણે એ સંકલ્પ લેવો પડશે કે આપણે પોતે ચેપ લાગવાથી બચીશું અને અન્યોને પણ ચેપ લગાડવાથી બચીશું.

સાથીઓ,

આ પ્રકારની વૈશ્વિક મહામારીમાં, એક જ મંત્ર કામ કરે છે- “આપણે સ્વસ્થ તો જગત સ્વસ્થ”. આવી સ્થિતિમાં, જ્યારે આ બીમારીની કોઈ દવા નથી, તો આપણું પોતાનું સ્વસ્થ રહેવું એ ખૂબ જરૂરી છે. આ બીમારીથી બચવા માટે અને પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે સંયમ. અને સંયમની રીત કઈ છે – ભીડભાડથી દૂર રહેવું, ઘરથી બહાર નીકળવાનું ટાળવું.

આજકાલ જેને સોશિયલ ડિસ્ટન્સિંગ કહેવામાં આવી રહ્યું છે, કોરોના વૈશ્વિક મહામારીના આ સમયગાળામાં, તે ખૂબ વધારે જરૂરી છે. આપણો સંકલ્પ અને સંયમ, આ વૈશ્વિક મહામારીના પ્રભાવોને ઓછા કરવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવવાના છે. અને એટલા માટે, જો તમને લાગે છે કે તમે તંદુરસ્ત છો, તમને કંઈ જ નથી થવાનું, તમે એમ જ બજારમાં ફરતા રહેશો, રસ્તાઓ ઉપર આવતા જતા રહેશો અને કોરોનાથી બચીને પણ રહેશો, તો આ વિચારધારા બરાબર નથી. આવું કરીને તમે તમારી સાથે અને તમારા પોતાના પરિવારની સાથે અન્યાય કરશો.

એટલા માટે મારો તમામ દેશવાસીઓને આગ્રહ છે કે આવનારા કેટલાક અઠવાડિયાઓ સુધી, જ્યારે બહુ જરૂરી હોય ત્યારે જ તમારા ઘરમાંથી બહાર નીકળો. જેટલું શક્ય બની શકે, તમે તમારું કામ, પછી તે વ્યવસાય સાથે સંકળાયેલું હોય, ઓફીસ સાથે જોડાયેલું હોય, તમારા ઘરેથી જ કરો. જેઓ સરકારી સેવાઓમાં છે, દવાખાના સાથે જોડાયેલા છે, જન પ્રતિનિધિ છે, જેઓ મીડિયા કર્મી છે, તેમની સક્રિયતા તો જરૂરી છે પરંતુ સમાજના બાકી તમામ લોકોએ, પોતાની જાતને અન્ય સમાજથી દૂર કરી લેવી જોઈએ.

મારો એક બીજો આગ્રહ પણ એ છે કે આપણા પરિવારમાં જે પણ વરિષ્ઠ નાગરિકો છે, 65 વર્ષની ઉંમરથી ઉપરના વ્યક્તિઓ છે, તેઓ આવનારા કેટલાક અઠવાડિયાઓ સુધી ઘરથી બહાર ન નીકળે. આજની પેઢી તેનાથી વધુ પરિચિત નહીં હોય, પરંતુ પહેલાના સમયમાં જ્યારે યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થતી હતી, તો ગામેગામમાં બ્લેક આઉટ કરવામાં આવતું હતું. ઘરોના કાચ ઉપર કાગળ લગાવી દેવામાં આવતો હતો, લાઈટો બંધ કરી દેવામાં આવતી હતી, લોકો ચોકીદાર બનાવીને પહેરો ભરતા હતા. આ ક્યારેક-ક્યારેક લાંબા સમય સુધી ચાલતું હતું. યુદ્ધ ન પણ હોય તો પણ ઘણી એવી જાગૃત નગરપાલિકાઓ બ્લેક આઉટની ડ્રીલ પણ કરાવતી હતી.

સાથીઓ,

હું આજે પ્રત્યેક દેશવાસી પાસેથી વધુ એક સમર્થન માગી રહ્યો છું. તે છે જનતા કર્ફ્યું.

જનતા કર્ફ્યું એટલે જનતા માટે, જનતા દ્વારા પોતાની જાત પર લગાવવામાં આવેલો કર્ફ્યું.

આ રવિવારે, એટલે કે 22 માર્ચના રોજ, સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, બધા જ દેશવાસીઓએ જનતા કર્ફ્યુંનું પાલન કરવાનું છે.

આ દરમિયાન આપણે ઘરોમાંથી બહાર પણ નહીં નીકળીએ, ના તો રસ્તાઓ પર જઈશું અને ના મહોલ્લાઓમાં ક્યાંય જઈશું. માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ 22 માર્ચના રોજ પોતાના ઘરોમાંથી બહાર નીકળશે.

સાથીઓ,

22 માર્ચના રોજ આપણો આ પ્રયાસ, આપણો આ આત્મ-સંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનું એક પ્રતીક હશે. 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુંની સફળતા, તેનો અનુભવ, આપણને આવનારા પડકારો માટે પણ તૈયાર કરશે. હું દેશની તમામ રાજ્ય સરકારોને પણ આગ્રહ કરીશ કે તેઓ જનતા કર્ફ્યુંનું પાલન કરાવવાનું નેતૃત્વ હાથમાં લે. એનસીસી, એનએસએસ, સાથે જોડાયેલ યુવાનો, દેશનો દરેક યુવાન, સિવિલ સોસાયટી, દરેક પ્રકારના સંગઠન, આ તમામને પણ અનુરોધ કરીશ કે અત્યારથી લઈને આવનારા બે દિવસ સુધી બધાને જનતા કર્ફ્યું વિષે જાગૃત કરવામાં આવે. શક્ય હોય તો દરેક વ્યક્તિ દરરોજ ઓછામાં ઓછા 10 લોકોને ફોન કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયોની સાથે જ જનતા કર્ફ્યુંના વિષયમાં પણ માહિતી આપે.

સાથીઓ,

આ જનતા કર્ફ્યું એક રીતે આપણા માટે, ભારત માટે એક કસોટી જેવો હશે. આ કોરોના જેવી વૈશ્વિક મહામારી વિરુદ્ધ લડાઈ માટે ભારત કેટલું સજ્જ છે, તે જોવા અને પરખવાનો પણ સમય છે. તમારા આ પ્રયાસોની વચ્ચે, જનતા કર્ફ્યુંના દિવસે, 22 માર્ચના દિવસે હું તમારી પાસેથી એક બીજો પણ સહયોગ માગું છું.

સાથીઓ,

છેલ્લા 2 મહિનાઓથી લાખો લોકો, દવાખાનાઓમાં, હવાઈમથક પર, દિવસ રાત કામમાં લાગેલા છે, પછી તે ડૉક્ટર હોય, નર્સ હોય, હોસ્પિટલનો સ્ટાફ હોય, સફાઈ કરનારા ભાઈ-બહેન હોય, એરલાઈન્સના કર્મચારી હોય, સરકારી કર્મચારી હોય, પોલીસકર્મી હોય, મીડિયા કર્મી હોય, રેલવે બસ ઓટો રીક્ષાની સુવિધા સાથે જોડાયેલ લોકો હોય, હોમ ડિલીવરી કરનારા લોકો હોય, આ બધા જ, પોતાની પરવા કર્યા વિના, બીજા લોકોની સેવામાં લાગેલા છે.

આજની પરિસ્થિતિઓ જોઈએ, તો આ સેવાઓ સામાન્ય કહી શકાય તેવી નથી. તેમને પોતાને પણ ચેપ લાગવાની પુરેપુરી ભીતિ રહેલી છે. તેમ છતાં તેઓ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. અન્ય લોકોની સેવા કરી રહ્યા છે. તેઓ રાષ્ટ્ર રક્ષકની જેમ જ કોરોના મહામારી અને આપણી વચ્ચે ઉભેલા છે. દેશ તેમના પ્રત્યે કૃતજ્ઞ છે.

હું ઇચ્છુ છું કે, 22 માર્ચ, રવિવારના રોજ આપણે આવા તમામ લોકોનો આભાર પ્રગટ કરીએ. રવિવારના દિવસે બરાબર સાંજે 5 વાગ્યે, આપણે આપણા ઘરોના દરવાજા પર ઉભા રહીને, બાલ્કનીમાં, બારીઓની સામે ઉભા રહીને

5 મિનીટ સુધી આ લોકોનો આભાર વ્યક્ત કરીએ. તાલી વગાડીને, થાળી વગાડીને કે બેલ વગાડીને, આપણે તેમનો ઉત્સાહ વધારીએ, સલામ કરીએ.

સમગ્ર દેશના સ્થાનિક વહીવટીતંત્રને પણ મારો આગ્રહ છે કે 22 માર્ચના રોજ, 5 વાગ્યે, સાયરનના અવાજ દ્વારા આની સુચના લોકો સુધી પહોંચાડવામાં આવે. સેવા પરમો ધર્મના આપણા સંસ્કારોને માનનારા આવા દેશવાસીઓને માટે આપણે સંપૂર્ણ શ્રદ્ધાની સાથે આપણો ભાવ વ્યક્ત કરવો જોઇશે.

સાથીઓ,

સંકટના આ સમયમાં, તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે આપણી જરૂરિયાતની સેવાઓ પર, આપણા દવાખાનાઓ પર દબાણ પણ સતત વધી રહ્યું છે. એટલા માટે મારો તમને એ પણ આગ્રહ છે કે રૂટીન ચેકઅપ માટે દવાખાનામાં જવાનું જેટલું ટાળી શકાય તેમ હોય તેટલું ટાળવું જોઈએ. તમને જો બહુ જ જરૂરી લાગી રહ્યું હોય તો તમારી ઓળખાણવાળા ડૉક્ટર, તમારા ફેમીલી ડૉક્ટર અથવા તમારા સગા સંબંધીમાં જે ડૉક્ટર હોય, તેને ફોન કરીને જ જરૂરી સલાહ લઇ લો. જો તમે ઈલેક્ટીવ સર્જરી, કે જે અતિ આવશ્યક ના હોય, એવી સર્જરી, તેની કોઈ તારીખ લઇને રાખી હોય તો મારો આગ્રહ છે કે તેને પણ આગળ વધારી દો, એક મહિના પછીની તારીખ લઇ લો.

સાથીઓ,

આ વૈશ્વિક મહામારીની અર્થવ્યવસ્થા પર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. કોરોના મહામારી વડે ઉત્પન્ન થઇ રહેલા આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને, નાણામંત્રીના નેતૃત્વમાં સરકારે એક કોવીડ-19 ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે.

આ ટાસ્ક ફોર્સ તમામ શેરધારકો સાથે નિયમિત રૂપે સંપર્કમાં રહીને, પ્રતિભાવો લઈને, દરેક સ્થિતિનું મૂલ્યાંકન કરીને નજીકના ભવિષ્યમાં નિર્ણયો લેશે.

આ ટાસ્ક ફોર્સ, એ બાબતની પણ ખાતરી કરશે કે, આર્થિક મુશ્કેલીઓને ઓછી કરવા માટે જેટલા પણ પગલા ભરવામાં આવે તેના પર અસરકારક રીતે અમલ કરવામાં આવે. નિશ્ચિતપણે આ મહામારી દેશના મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબના આર્થિક હિતોને પણ ઘણું ઊંડું નુકસાન પહોંચાડી રહી છે.

સંકટના આ સમયમાં મારો દેશના વેપારી જગત, ઉચ્ચ આવક વર્ગને પણ પણ આગ્રહ છે કે જો શક્ય હોય તો તમે જે-જે લોકો પાસેથી સેવાઓ લઇ રહ્યા છો તેમના આર્થિક હિતોનું પણ ધ્યાન રાખો. બની શકે છે કે આવનારા કેટલાક દિવસોમાં, તે લોકો ઓફિસોમાં ન આવી શકે, તમારા ઘરે ન આવી શકે, એવામાં તેમનો પગાર ન કાપો, સંપૂર્ણ માનવતા સાથે, સંવેદનશીલતા સાથે નિર્ણયો લો. હંમેશા યાદ રાખજો, તેમને પણ પોતાનો પરિવાર ચલાવવાનો છે, પોતાના પરિવારને બીમારીમાંથી બચાવવાનો છે.

હું દેશવાસીઓને એ વાત માટે પણ ભરોસો બંધાવું છું કે દેશમાં દૂધ, ખાવા પીવાની સામગ્રી, દવાઓ, જીવન જરૂરી એવી મહત્વની ચીજવસ્તુઓની કોઈ તંગી ઉભી ન થાય તે માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. એટલા માટે મારો તમામ દેશવાસીઓને એ આગ્રહ છે કે જરૂરી સામાન સંગ્રહ કરવાની કોઈ સ્પર્ધા ના લગાવશો. તમે સામાન્ય રીતે જ ખરીદી કરો. ગભરાહટમાં આવીને ખરીદી ન કરશો.

સાથીઓ,

છેલ્લા 2 મહિનાઓમાં, 130 કરોડ ભારતીયોએ, દેશના દરેક નાગરિકે, દેશની સામે આવેલા આ સંકટને પોતાનું સંકટ માન્યું છે, ભારતને માટે, સમાજને માટે તેનાથી જે પણ થઇ શકે તેમ હોય, તે તેણે કર્યું છે. મને ભરોસો છે કે આવનારા સમયમાં પણ તમે તમારા કર્તવ્યોનું, તમારી ફરજોનું આ જ રીતે વહન કરતા રહેશો.

હા, હું સમજુ છું કે આવા સમયમાં કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે, આશંકાઓ અને અફવાઓનું વાતાવરણ પણ ઉત્પન્ન થાય છે. ઘણીવાર એક નાગરિક તરીકે આપણી અપેક્ષાઓ પણ પૂરી નથી થઇ શકતી. તેમ છતાં આ સંકટ એટલું મોટું છે કે બધા જ દેશવાસીઓએ આ સમસ્યાઓની વચ્ચે દ્રઢ સંકલ્પની સાથે આ મુશ્કેલીઓનો સામનો કરવો જ પડશે.

સાથીઓ,

આપણે અત્યારે આપણું સંપૂર્ણ સામર્થ્ય કોરોનાથી બચવામાં લગાવવાનું છે. આજે દેશમાં કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય, સ્થાનિક એકમો હોય, પંચાયતો હોય, જનપ્રતિનિધિ હોય કે પછી સિવિલ સોસાયટી, દરેક વ્યક્તિ પોત પોતાની રીતે આ વૈશ્વિક મહામારીથી બચવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. તમારે પણ તમારું સંપૂર્ણ યોગદાન આપવાનું છે. એ જરૂરી છે કે વૈશ્વિક મહામારીના આ વાતાવરણમાં માનવ જાતિ વિજયી બને, ભારત વિજયી બને.

થોડા જ દિવસોમાં નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે. આ શક્તિ ઉપાસનાનું પર્વ છે.

ભારત સંપૂર્ણ શક્તિ સાથે આગળ વધે, એ જ શુભકામનાઓ છે.

ખૂબ ખૂબ આભાર !!!

SD/GP/RP