પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘કેમ્પેન ફોર ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ને વીડિયો મેસેજ મારફતે સંબોધન કર્યું હતું. આ મેસેજ આજે હિસારમાં ગુરુ જામ્બેશ્વર યુનિવર્સિટીમાં એક ઇવેન્ટમાં પ્લે કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં દેશને નશીલા દ્રવ્યોનાં સમસ્યામાંથી મુક્તિ અપાવવા શ્રી શ્રી રવિશંકર અને આર્ટ ઓફ લિવિંગનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.
નશીલા દ્રવ્યોને સમાજ માટે અભિશાપરૂપ ગણાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, WHOનાં અંદાજ મુજબ, દુનિયામાં ત્રણ કરોડથી વધારે લોકો નશીલા દ્રવ્યોનાં સેવનથી પીડાય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઘણાં યુવાનોને નશીલા દ્રવ્યોનું સેવન હોવાનું જાણીને દુઃખ થાય છે અને આ બાબત ચેતવણીજનક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નશીલા દ્રવ્યો કોઈ સ્ટાઇલ સ્ટેટમેન્ટ નથી. આ બહુ મોટી અને ખોટી ધારણા છે.”
શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નશીલા દ્રવ્યોનાં સેવનને કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ પેદા થવાની સાથે કુટુંબો નાશ પામે છે. વળી દેશની સુરક્ષા અને સલામતી માટે નશીલા દ્રવ્યોનો વેપાર મોટું જોખમ છે. તેમણે ઉમેર્યુ હતું કે, નશીલા દ્રવ્યોનો વેપાર આતંકવાદીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વો માટે આવકનાં સૌથી મોટાં સ્રોતમાંનો એક છે અને તેઓ આ નાણાનો ઉપયોગ દેશને અસ્થિર કરવા માટે કરે છે.
પ્રધાનમંત્રીએ યુવા પેઢીને વિનંતી કરી હતી કે, સ્વસ્થ જીવન, ખુશ પરિવાર, ઉજ્જવળ ભવિષ્ય તથા દેશની સુરક્ષા અને સલામતી માટે ‘નશીલા દ્રવ્યોનું સેવન ન’ કરો. તેમણે જણાવ્યું હતું કે, જે લોકોમાં આત્મવિશ્વાસ હોય છે તેઓ સરળતાપૂર્વક નશીલા દ્રવ્યોનાં સેવનની જાળમાં ફસાતાં નથી. તેમણે યુવા પેઢીને નશીલા દ્રવ્યની લતમાં પડેલા લોકોને છોડાવવા સાથસહકાર આપવા અને મદદ કરવા પણ કહ્યુ હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, વાતચીત, સલાહ અને સતત પ્રેમ અને સહકાર મારફતે જ આપણે વ્યસનની લતમાં ફસાયેલા લોકોને આ માર્ગથી પાછા વાળી શકીશું.
પ્રધાનમંત્રીએ નશીલા દ્રવ્યોની લતનાં વિષચક્રને નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારની વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે નશીલા દ્રવ્યોની માગ ઘટાડવા રાષ્ટ્રીય કાર્યયોજના વિશે જાણકારી આપી હતી. આ પહેલ વર્ષ 2018માં શરૂ થઈ હતી, જે વર્ષ 2023 સુધીમાં નશીલા દ્રવ્યોની માગમાં ઘટાડો સુનિશ્ચિત કરવા નશીલા દ્રવ્યોની વધુ માગ ધરાવતાં વિસ્તારોમાં યુવા પેઢીને જાગ્રત કરવા, ક્ષમતા નિર્માણ કરવા, પુનર્ગઠન કરવા અને ચોક્કસ હસ્તક્ષેપો કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે.
દેશભરની કોલેજોનાં વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી મોદીનો સંદેશ વીડિયો કોન્ફરન્સ મારફતે સાંભળ્યો હતો.
J.Khunt/RP