Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે સાધારણ બજેટમાં રેલવે બજેટ વિલિન કરવાની; બજેટની રજૂઆતને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રજૂ કરવાની તથા બજેટ અને હિસાબોમાં આયોજિત અને બિનઆયોજિત વર્ગીકરણને વિલિન કરવાની મંજૂરી આપી


કેન્દ્રીય મંત્રીમંડળે નાણા મંત્રાલયની (1) રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં વિલિન કરવા, (2) બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસને બદલે 1લી ફેબ્રુઆરીના રોજ પ્રસ્તુત કરવા અને (3) બજેટ અને હિસાબોમાં આયોજિત અને બિન-આયોજિત વર્ગીકરણને વિલિન કરવા સાથે સંબંધિત અંદાજપત્રીય સુધારણાની દરખાસ્તોને મંજૂરી આપી છે. આ તમામ ફેરફારો નાણાકીય વર્ષ 2017-18ના બજેટથી લાગુ થઈ જશે.

કેન્દ્રીય કે સાધારણ બજેટમાં રેલવે બજેટનું વિલિનકરણ:

મંત્રીમંડળે સાધારણ બજેટમાં રેલવે બજેટને વિલિન કરવાની ગોઠવણોને મંત્રીમંડળે નીચેની વહીવટી અને નાણાકીય વ્યવસ્થાઓ સાથે મંજૂરી આપી છે –

(1) રેલવે તેનું અલગ સંસ્થા તરીકેનું અસ્તિત્વ જાળવી રાખશે – હાલની જેમ વાણિજ્યિક સાહસ તરીકે સંચાલિત વિભાગ તરીકે;

(2) વર્તમાન માર્ગદર્શિકા મુજબ, રેલવે તેની કાર્યકારી સ્વાયતત્તા અને નાણાકીય અધિકારીઓનું પ્રતિનિધિત્વ વગેરે જાળવી રાખશે;

(3) વર્તમાન નાણાકીય વ્યવસ્થા જળવાઈ રહેશે, જેમાં રેલવે તેના મહેસૂલી ખર્ચ પૂર્ણ કરશે, જેમાં સાધારણ કામગીરીના ખર્ચ, પગાર અને ભથ્થા તથા પેન્શન વગેરે તેની આવકમાંથી પૂર્ણ કરવાની પ્રક્રિયા સામેલ છે;

(4) રેલવેનો મૂડી ખાતે ખર્ચ અંદાજે રૂ. 2.27 લાખ કરોડ છે, જેના પર રેલવે દ્વારા ચુકવવામાં આવતી વાર્ષિક ડિવિડન્ડની ચુકવણી બંધ કરવામાં આવશે. તેના પરિણામે નાણાકીય વર્ષ 2017-18થી રેલવે માટે ડિવિડન્ડની ચુકવણી કરવાની નહીં રહે અને રેલવે મંત્રાલયને કુલ અંદાજપત્રીય ટેકો મળશે. આ રેલવેને ભારત સરકારના વાર્ષિક રૂ. 9,700 કરોડના ડિવિડન્ડની ચુકવણીની જવાબદારીમાંથી પણ બચાવશે;

રેલવે બજેટને સાધારણ બજેટથી અલગ રીતે રજૂ કરવાની શરૂઆત વર્ષ 1924માં થઈ હતી અને બંધારણીય જોગવાઈ નહીં, પણ પરંપરા તરીકે આઝાદી પછી પણ તેને અલગ રીતે રજૂ કરવામાં આવતું હતું.

આ વિલિનીકરણ નીચેની રીતે મદદરૂપ થશે:

• એકીકૃત બજેટની રજૂઆત રેલવેને કેન્દ્રીય સ્થાને લાવશે અને સરકારની સંપૂર્ણ નાણાકીય સ્થિતિનો સંપૂર્ણ ચિતાર રજૂ થશે.

• વિલિનીકરણ પ્રક્રિયાગત જરૂરિયાતો ઘટાડશે તેવી પણ અપેક્ષા છે અને તેના સ્થાને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાના અને સુશાસનના પાસા પર ધ્યાન કેન્દ્રીત થશે.

• વિલિનીકરણના પરિણામે રેલવે માટે યોગ્યતા મુખ્ય યોગ્યતા બિલનો ભાગ બનશે.

બજેટની વહેલાસર રજૂઆત કે તેની તારીખો આગળ કરવી:

કેબિનેટે સૈદ્ધાંતિક રીતે અંદાજપત્રીય પ્રક્રિયા સાથે સંબંધિત અન્ય સુધારાને પણ મંજૂરી આપી છે, જે અંતર્ગત બજેટ રજૂ કરવાની તારીખ ફેબ્રુઆરીના છેલ્લા દિવસને બદલે મહિનાના શરૂઆતમાં અનુકૂળ દિવસે રજૂ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2017-18 માટે બજેટ રજૂ કરવાની ચોક્કસ તારીખ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.

આ નીચેની રીતે મદદરૂપ થશે:

• બજેટ રજૂ કરવાની તારીખ મહિના જેટલી આગળ કરવામાં આવી છે અને બજેટ સાથે સંબંધિત સંસદીય કામગીરી 31મી માર્ચ અગાઉ પૂર્ણ કરવામાં આવશે, જે બજેટનું ચક્ર વહેલા પૂર્ણ કરવાનો માર્ગ મોકળો કરશે તથા મંત્રાલયો અને વિભાગોને નાણાકીય વર્ષની શરૂઆતથી યોજનાઓનું શ્રેષ્ઠ આયોજન કરવા અને અસરકારક રીતે અમલીકરણ કરવા તેમજ પ્રથમ ત્રિમાસિક ગાળા સહિત સંપૂર્ણ કાર્યકારી સિઝનનો વપરાશ કરવા સક્ષમ બનાવશે;

• આ ‘લેખાનુદાન’ મારફતે સમાયોજનની માગ માટેની જરૂરિયાત પણ અટકાવશે અને કરવેરામાં કાયદાકીય ફેરફારોનો અમલ કરવા સક્ષમ બનાવશે; નાણાકીય વર્ષની શરૂઆતથી કરવેરાના નવા કાયદાનો અમલ કરવા પણ સજ્જ કરશે.

બજેટ અને હિસાબોમાં આયોજિત અને બિનઆયોજિત વર્ગીકરણનું વિલિનીકરણ:

કેબિનેટે નાણાકીય વર્ષ 2017-18થી બજેટ અને હિસાબોમાં આયોજિત અને બિનઆયોજિત વર્ગીકરણના વિલિનીકરણ સાથે સંબંધિત મંજૂર કરેલી ત્રીજી દરખાસ્ત અનુસૂચિત જાતિઓ પેટા-યોજના/આદિવાસી પેટા-યોજના માટે ભંડોળ અંકિત કરવાનું જાળવી રાખવા સાથે સંબંધિત છે. તે જ રીતે ઉત્તર પૂર્વના રાજ્યો માટે ફાળવણી પણ ચાલુ રહેશે.

આ નીચેની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે:

• ખર્ચની આયોજિત/બિનઆયોજિત વહેંચણી વિવિધ યોજનાઓને સંસાધનોની ફાળવણીના ખંડિત અભિગમ તરફ દોરી જાય છે, જે તેને સેવાનો ખર્ચ નક્કી કરવાનું મુશ્કેલ બનાવવાની સાથે પરિણામોની જોગવાઈ સાથે જોડવાનું પણ કઠિન બનાવે છે.

• કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આયોજિત ખર્ચની તરફેણનો આગ્રહ અસ્કયામતોની જાળવણી પર આવશ્યક ખર્ચ અને આવશ્યક સામાજિક સેવાઓ પ્રદાન કરવા અન્ય સંકુલ સંબંધિત ખર્ચની ઉપેક્ષા તરફ દોરી જાય છે.

• બજેટમાં આયોજિત અને બિન-આયોજિતનું વિલિનીકરણ આવક અને મૂડીગત ખર્ચ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે યોગ્ય અંદાજપત્રીય માળખું પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

TR