પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને લગતા ક્યોટો પ્રોટોકોલના બીજા તબક્કાના કમીટમેન્ટ પીરીયડના મૂલ્યાંકનને પોતાની મંજૂરી આપી દીધી છે. ક્યોટો પ્રોટોકોલના બીજા તબક્કાના કમીટમેન્ટ પીરીયડનો પ્રારંભ 2012 માં થયો હતો. અત્યાર સુધી 65 દેશોએ બીજા કમીટમેન્ટ પીરીયડને બહાલી આપી છે.
જળવાયુ પરિવર્તનની બાબતો ઉપર આંતરરાષ્ટ્રીય સહમતી સાધવા અંગે ભારત દ્વારા ભજવાયેલી મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય પર્યાવરણીય સુરક્ષા અને કલાયમેટ જસ્ટીસના વૈશ્વિક ઉદ્દેશને સમર્પિત થયેલા રાષ્ટ્રોના સમુહમાં ભારતના નેતૃત્વને પ્રદર્શિત કરે છે. ભારત દ્વારા ક્યોટો પ્રોટોકોલની આ બહાલી અન્ય વિકાસશીલ દેશોને પણ આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવા માટે પ્રેરણા આપશે. સંતુલિત વિકાસની પ્રાથમિકતાઓ સાથેની આ સંધિના ગાળા હેઠળના ક્લીન ડેવલપમેન્ટ મીકેનીઝમ (સીડીએમ) પ્રોજેક્ટસનું અમલીકરણ ભારતમાં રોકાણને પણ આકર્ષિત કરશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘનું કલાયમેટ ચેન્જ ઉપરનું ફ્રેમવર્ક કન્વેશન વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસના એકત્રીકરણને એક એવા ચોક્કસ સ્તર પર સંતુલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે જ્યાં વાતાવરણ પદ્ધતિને ઓછામાં ઓછી દખલગીરી થાય. વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસના વર્તમાન ઊંચા સ્તર માટે મુખ્યત્વે વિકસિત દેશો જવાબદાર છે તેમ સમજીને ક્યોટો પ્રોટોકોલ વિકસિત દેશો ઉપર નિશ્ચિત લક્ષ્યાંકોને પુરા કરવા માટે, આર્થિક સંસાધનો પુરા પાડવા માટે અને વિકાસશીલ દેશોને ટેકનોલોજી પૂરી પાડવા માટે ભાર મુકે છે. ક્યોટો પ્રોટોકોલ હેઠળ ભારત જેવા વિકાસશીલ દેશો ઉપર ફરજીયાત એવું કોઈ બંધન કે લક્ષ્યાંકો નથી.
પાર્શ્વભૂમિકા
ક્યોટો પ્રોટોકોલ 1997માં સ્વીકારવામાં આવ્યો હતો અને તેનો પ્રથમ કમીટમેન્ટ પીરીયડ 2008 થી 2012 સુધીનો હતો. વર્ષ 2012માં દોહા ખાતે ક્યોટો પ્રોટોકોલના બીજા કમીટમેન્ટ પીરીયડના સુધારાઓ (દોહા સુધારાઓ) સફળતાપૂર્વક વર્ષ 2013 થી 2020 સુધીના સમયગાળા માટે અપનાવવામાં આવ્યા હતા. વિકસિત દેશોએ દોહા સુધારાઓના ‘ઓપ્ટ ઇન” પ્રોવિઝન હેઠળ તેમના કમીટમેન્ટનું અમલીકરણ કરવાની શરૂઆત અગાઉથી જ કરી દીધી છે.
ભારતે પ્રિ-2020 ના સમયગાળામાં વિકસિત દેશોના સમૂહ દ્વારા કરવામાં આવતા વાતાવરણીય પગલાઓના મહત્વ ઉપર હંમેશાથી ભાર મુક્યો હતો. ઉપરાંત, તેણે ઇક્વિટી અને કોમન પણ વિભિન્ન જવાબદારીઓ અને સંલગ્ન સક્ષમતાઓના સિદ્ધાંતો (સીબીડીઆર અને આર સી) વગેરે જેવી વાતાવરણીય પ્રવૃત્તિઓ કે જે કન્વેન્શનના સિદ્ધાંતો અને પ્રવધાનો ઉપર આધારિત હોય તેની તરફેણ કરી છે.
AP/J.Khunt/GP