Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્ર સરકારનાં વર્ષ 2018-19ના અંદાજપત્ર અંગે પ્રધાનમંત્રીનું નિવેદન


હું નાણાંમંત્રી માનનીય અરૂણ જેટલીજીને આ બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવું છું.

આ બજેટમાં દેશના એગ્રિકલ્ચર થી માંડીને ઈનફ્રાસ્ટ્ર્કચર સુધીની બાબતો પર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં આરોગ્યની ચિંતા કરતી આરોગ્યની યોજનાઓ છે, તો નાના ઉદ્યોગકારોની સંપત્તિ વધારનારી જોગવાઈઓ પણ છે. ફૂડ પ્રોસેસિંગથી માંડીને ફાયબર ઓપ્ટીક્સ સુધી, સડકથી માંડીને શિપિંગ સુધી, ગ્રામીણ ભારતથી માંડીને આયુષ્યમાન ભારત સુધી, યુવાનોથી માંડીને સિનિયર સિટીઝન સુધી, ડિજીટલ ઈન્ડિયાથી માંડીને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા સુધી દેશનાં સવાસો કરોડ લોકોની આશા અને અપેક્ષાઓને મજબૂત બનાવનારૂ બજેટ છે. દેશનાં વિકાસને ગતિ આપનારૂ બજેટ છે. આ બજેટ ખેડુતલક્ષી, સામાન્ય મનવીનું, વ્યવસાયલક્ષી હોવાની સાથે સાથે વિકાસલક્ષી પણ છે. એમાં વ્યાપાર-વાણિજ્યના સરળીકરણની સાથે સાથે ઇઝ ઑફ લીવીંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મધ્યમ વર્ગ માટે વધારે બચત, 21મી સદીનાં ભારત માટે નવા યુગને અનુરૂપ નિર્માણકાર્ય અને વધુ સારા આરોગ્યની ખાતરી આપવામાં આવી છે. આ બધાં ઇઝ ઑફ લીવીંગની દિશાનાં નક્કર પગલાં છે.

આપણા દેશના ખેડૂતોએ અનાજ અને ફળ-શાકભાજીનું વિક્રમી ઉત્પાદન કરીને દેશનાં વિકાસમાં ઐતિહાસિક પ્રદાન કર્યું છે. આ બજેટમાં ખેડૂતોની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે અને તેમની આવક વધારવાની દિશામાં પગલાં ભરવાની રજૂઆત કરવામાં આવી છે. ગામડાં અને ખેતી માટે લગભગ 14.5 લાખ કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી છે. 51 લાખ નવાં ઘર, 3 લાખ કિલોમીટરથી વધુની સડકો, આશરે 2 કરોડ શૌચાલયો, પોણા બે કરોડ ઘરમાં વિજળીનું જોડાણ તેમજ આનો સીધો લાભ દલિતો, શોષિતો તથા વંચિતો વગેરેને મળશે. આ એવાં કામો છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો લઈને આવશે. ખેડૂતોને તેમની પડતર કરતાં દોઢ ગણુ મૂલ્ય અપાવવાની જાહેરાત કરવામાં આવી છે તેની હું પ્રશંસા કરૂ છું. ખેડૂતોને આ પગલાંનો પૂરો લાભ મળી શકે, એ માટે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે ચર્ચા કરીને મજબૂત વ્યવસ્થા વિકસાવશે. શાકભાજી અને ફળ પેદા કરતા ખેડૂતો માટે ‘ઓપરેશન ગ્રીન્સ’ એક સફળ કદમ પૂરવાર થશે. અમે જોયું છે કે જે રીતે દૂધ ક્ષેત્રમાં અમૂલે દૂધ ઉત્પાદક ખેડૂતોને યોગ્ય ભાવ અપાવ્યા છે. આપણા દેશમાં ઉદ્યોગનાં વિકાસ માટે કલ્સ્ટર આધારિત અભિગમ અપનાવવા અંગે આપણે પરિચિત છીએ. હવે દેશના અલગ અલગ જીલ્લાઓમાં ખેતી સંબંધિત ત્યાંની પેદાશોને ધ્યાનમાં રાખીને કૃષિ ક્લસ્ટર અભિગમ અપનાવીને આગળ વધવામાં આવશે. આ જીલ્લાઓની એક ઓળખ ઉભી કરીને આ ખાસ ખેત પેદાશો અંગે સંગ્રહ અને માર્કેટીંગની વ્યવસ્થા વિકસાવવાની યોજનાનું હું સ્વાગત કરૂ છુ. આપણા દેશમાં કો-ઓપરેટિવ સહકારી મંડળીઓને કરવેરામાં રાહત આપવામાં આવે છે. પરંતુ ‘ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન- FPO’ ને સહકારી મંડળીઓની તર્જ પર રાહત આપવાનો નિર્ણય પ્રશંસનીય છે. મહિલા સ્વ સહાય જૂથોને ‘ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન’ની મદદથી ઓર્ગેનિક, હર્બલ અને એરોમેટિક ખેતી સાથે જોડવાની યોજના ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક મહત્વનું કદમ પૂરવાર થશે. આ રીતે ગોબર-ધન યોજના, ગામને સ્વચ્છ રાખવાની સાથે સાથે ખેડૂતોની આવક વધારવામાં પણ સહાયક પૂરવાર થશે. આપણે ત્યાં ખેડૂત ખેતીની સાથે સાથે આવી યોજનાઓ સાથે જોડાયેલા અન્ય અલગ અલગ વ્યવસાય પણ કરતો હોય છે. કોઈ માછીમારી તો પછી કોઈ પશુપાલન. આ બધી પ્રવૃત્તિઓ માટે ધિરાણની વ્યવસ્થા કરવી તે એક મોટુ કદમ છે. આવાં વિશેષ કામો માટે ખેડૂતોને બેંક માંથી ધિરાણો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા હવે મત્સ્ય ઉછેર અને પશુ પાલન માટે પણ ધિરાણની વ્યવસ્થા કરવામાં આવે તે એક ખૂબ જ પ્રભાવશાળી પગલું છે. ભારતનાં 700 જીલ્લામાં લગભગ 7 હજાર બ્લોક કે પ્રખંડ છે. આ બ્લોકમાં લગભગ 22 હજાર વ્યાપાર કેન્દ્રોનાં ઈન્ફ્રાસ્ટ્રકચરનું આધુનિકીકરણ, નવનિર્માણ અને તેમની સાથે ગામડાંની કનેક્ટિવીટી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ કેન્દ્રો, ખેડૂતોની આવક વધારવાની બાબતમાં, રોજગાર અને ખેતી આધારિત ગ્રામિણ અને ખેત અર્થ વ્યવસ્થાનાં નવાં ઉર્જા કેન્દ્રો બની રહેશે. પ્રધાન મંત્રી ગ્રામીણ યોજના હેઠળ હવે ગામડાઓને ગ્રામીણ હાટ, ઉચ્ચ શિક્ષણ કેન્દ્રો અને હોસ્પિટલો સાથે જોડવાનુ કામ પણ કરવામાં આવશે. જેને કારણે ગામડાનાં લોકોનું જીવન વધુ આસાન બનશે.

અમે ઇઝ ઑફ લીવીંગની ભાવનાને વિસ્તારવાનું કામ ઉજ્જવલા યોજનામાં પણ થતુ જોયું છે. આ યોજનાને કારણે ગામડાંની મહિલાઓને ધૂમાડાથી તો મુક્તિ મળશે જ, પણ સાથે સાથે આવી યોજના તેમના સશક્તિકરણનું પણ મોટુ માધ્યમ બની રહી છે. મને એ બાબતનો આનંદ છે કે, આ યોજનાનો વિસ્તાર કરવાની સાથે સાથે તેના લક્ષ્યાંકને 5 કરોડ પરિવારોથી વધારીને 8 કરોડ પરિવાર સુધી પહોંચાડવાનો કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ મોટા પાયે દેશના દલિત, આદિવાસી અને પછાત વર્ગનાં લોકોને મળવાનો છે. અનૂસૂચિત જાતિ અને જનજાતિનાં વિકાસ માટે આ બજેટમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

હંમેશાં નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબોનાં જીવનમાં બિમારીની સારવાર એક મોટી ચિંતા રહેતી હોય છે. બજેટમાં રજૂ કરવામાં આવેલી નવી યોજના ‘આયુષ્યમાન ભારત’ આ તમામ વર્ગોને આ ચિંતામાંથી મુક્ત કરશે. આ યોજનાનો લાભ દેશના લગભગ 10 કરોડ નિમ્ન અને મધ્યમ વર્ગનાં પરિવારોને મળશે. જેનો અર્થ એવો થાય કે આશરે 45 થી 50 કરોડ લોકોને આ યોજનાનાં વ્યાપ હેઠળ આવરી લેવામાં આવશે. આ પરિવારોને નિર્ધારિત હોસ્પિટલોમાં દર વર્ષે રૂ. 5 લાખ સુધીની મફત સારવારની સુવિધાનો લાભ મળશે.
સરકારી ખર્ચ દ્વારા શરૂ કરવામાં આવેલી દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષાની ખાતરી આપતી યોજના છે. દેશની તમામ મોટી પંચાયતોમાં, લગભગ દોઢ લાખ હેલ્થ વેલનેસ સેન્ટર શરૂ કરવાની આ યોજના એક પ્રશંસનીય પગલું છે. એના દ્વારા ગામમાં રહેતા લોકોને આરોગ્યની સેવા સુલભ થશે. દેશમાં 24 નવી મેડિકલ કોલેજોની સ્થાપનાથી લોકોને સ્વાસ્થ્યની સુવિધા તો મળશે જ, સાથે સાથે યુવાનેને મેડિકલના શિક્ષણની પણ સુવિધા પ્રાપ્ત થશે. દેશના દર ત્રણ સંસદિય ક્ષેત્રો વચ્ચે ચોક્કસ ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોય એવો એક પ્રયાસ રહેશે.

આ બજેટમાં સિનિયર સીટીઝનની અનેક ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ સિનિયર સિટીઝનને રૂ. 15 લાખ સુધીની રકમ ઉપર ઓછામાં ઓછુ 8 ટકા વ્યાજ મળશે. બેંકો અને પોસ્ટ ઓફિસોમાં તેમનાં દ્વારા જમા કરવામાં આવેલી રકમ પર રૂ. 50 હજાર સુધીનાં વ્યાજ પર કોઈ વેરો નહીં લાગે. સ્વાસ્થ્ય વીમાનાં રૂ. 50,000 સુધીનાં પ્રિમિયમ પર આવક વેરાની રાહત મળશે. એવી જ રીતે ગંભીર બિમારીઓની સારવાર માટે એક લાખ રૂપિયા સુધીનાં ખર્ચ પર પણ આવકવેરાની રાહત આપવામાં આવી છે.

ઘણા લાંબા સમયથી આપણા દેશમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગો એટલે કે MSMEને મોટા મોટા ઉદ્યોગો કરતાં પણ વધુ વેરો ચૂકવવો પડતો હતો. આ બજેટમાં સરકારે એક સાહસિક કદમ ઉઠાવીને દેશના તમામ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો એટલે કે MSMEને કરવેરાનાં દરમાં પાંચ ટકાની રાહત કરી આપી છે. હવે તેમણે 30 ટકાને બદલે 25 ટકા વેરો ભરવાનો રહેશે. MSME ઉદ્યોગોને જરૂરી મૂડી મળે, જરૂરી કાર્યકારી મૂડી પણ મળે તથા તેના માટે બેંક અને NBFC દ્વારા ધિરાણ મેળવવાની વ્યવસ્થાને ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. આ પ્રકારે મેક ઇન ઇન્ડિયાના મિશન દ્વારા તેમને તાકાત પ્રાપ્ત થશે. મોટા ઉદ્યોગોમાં એનપીએના કારણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો તણાવ અનુભવી રહ્યા હતા. કોઈ અન્યનાં ગૂનાની સજા નાના ઉદ્યોગકારોને નહીં મળવી જોઈએ. આથી સરકાર ખૂબ જ જલ્દીથી MSME સેકટરમાં એનપીએ અને Stressed Account ની સમસ્યા દુર કરવા માટે મજબૂત પગલા ઉઠાવવાની જાહેરાત કરવાની છે.

રોજગારને પ્રોત્સાહન આપવા માટે તથા કર્મચારીઓને સામાજીક સુરક્ષા પૂરી પાડવા માટે સરકારે એક દૂરોગામી હકારાત્મક નિર્ણય લીધો છે. એમાં અનૌપચારિકતા થી ઔપચારિકતા તરફ આગળ વધવાની તક મળશે અને રોજગારની પણ નવી તકો પેદા થશે. હવે સરકાર નવા શ્રમિકોના ઈપીએફ ખાતામાં 3 વર્ષ સુધી 12 ટકાનું યોગદાન આપશે. આ ઉપરાંત મહિલાઓને વધુ રોજગારીની તકો મળે તથા તેમની ટેક હોમ સેલેરી વધે તે માટે ઈપીએફનું પ્રદાન 12 ટકાથી ઘટાડીને 8 ટકા કરવામાં આવ્યું છે. જો કે આ ગાળા દરમિયાન નોકરી આપનારનો હિસ્સો 12 ટકા જ રહેશે. નોકરી કરતી મહિલાઓનાં સશક્તિકરણ માટે આ એક ખૂબ જ મહત્વનું પગલું છે.

આધુનિક ભારતનાં સપનાંને સાકાર કરવા માટે તથા સામાન્ય લોકોના Ease of living ને વધારવા માટે તથા વિકાસને સ્થાયી સ્વરૂપ આપવા માટે ભારતમાં Next Generation Infrastructure ખૂબ જ આવશ્યક બની રહે છે. બજેટમાં રેલવે, મેટ્રો, હાઈવે – આઈવે પોર્ટ-એરપોર્ટ, પાવર ગ્રીડ, ગેસ ગ્રીડ, સાગરમાલા- ભારતમાલા, ડિજીટલ ઈન્ડિયા સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. એના માટે લગભગ 6 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામા આવી છે. આ રકમ ગયા વર્ષની તુલનામાં લગભગ એક લાખ કરોડ જેટલી વધારે છે. આ યોજનાઓને કારણે દેશમાં રોજગારીની અપાર સંભાવનાઓ પેદા થશે. વેતન મેળવનાર મધ્યમ વર્ગને આપવામાં આવેલી કરવેરાની રાહતો માટે હું નાણાં મંત્રીનો આભાર માનુ છું. આ બજેટ ભારતના લોકોની આશાઓ સાથે સાચુ ઠરેલુ બજેટ છે. આ બજેટ દ્વારા સુનિશ્ચિત થયું છે: ખેડૂતને પાકની સારી કિંમત, કલ્યાણકારી યોજનાઓ વડે ગરીબોના ઉત્કર્ષને બળ, કરવેરો ચૂકવતાં નાગરિકોની ઈમાનદારીનું સન્માન, કરવેરાના યોગ્ય માળખાથી મહેનત કરનાર વર્ગની મહેનતને સમર્થન તથા દેશના માટે વરિષ્ઠ નાગરિકો યોગદાનની વંદના. હું ફરી એકવાર નાણાં મંત્રી અને તેમની ટીમને Ease Of Living વધારવા માટે અને ન્યૂ ઈન્ડિયાના પાયાને મજબૂત કરનારૂં આ બજેટ રજૂ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.