પ્રધાનમંત્રીશ્રી દ્વારા 07.06.2021ના રોજ રાષ્ટ્રને કરાયેલા સંબોધનમાં કરેલી લોકાભિમુખ જાહેરાતના અનુસંધાને તથા કોવિડ-19ની સામે લેવાયેલા આર્થિક પગલાઓના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીમંડળે વધુ 4 મહિનાના સમયગાળા (એટલેકે ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધી) માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય- પાંચમા તબક્કા)ના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ આવરી લેવાયેલા લોકો સહિત નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) [અંત્યોદય અન્ન યોજના અને પ્રાથમિકતાવાળા પરિવારો] હેઠળ આવરી લેવાયેલા તમામ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ નિઃશુલ્ક મળે છે.
આ યોજનાનો પહેલો અને બીજા તબક્કો અનુક્રમે એપ્રિલ 2020 થી જૂન, 2020 અને જુલાઈ 2020થી નવેમ્બર 2020 સુધી કાર્યાન્વિત હતો. આ યોજનાનો ત્રીજો તબક્કો મે 2021 થી જૂન 2021 સુધી કાર્યાન્વિત હતો. આ યોજનાનો ચોથો તબક્કો જુલાઈ 2021 થી નવેમ્બર 2021 સુધી, એટલે કે અત્યારે કાર્યાન્વિત છે.
પીએમજીકેએવાય યોજનાના ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધીના પાંચમા તબક્કામાં અંદાજિતપણે વધારાની રૂ. 53,344.52 કરોડની ફૂડ સબસિડીની જરૂર પડશે.
પીએમજીકેએવાયના પાંચમા તબક્કામાં અનાજની દૃષ્ટિએ આશરે કુલ 163 લાખ મેટ્રિક ટન અનાજનો ઉપયોગ થવાની શક્યતા છે.
અત્રે નોંધનીય છે કે પાછલા વર્ષે દેશમાં કોવિડ-19 મહામારી અણધારી ફાટી નીકળવાના કારણે જે આર્થિક વિક્ષેપ સર્જાયો હતો તેના લીધે સરકારે માર્ચ 2020માં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ માસિક ધોરણે નિયમિતપણે જે અનાજ મળે છે તે સિવાય અને તે ઉપરાંત પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય) હેઠળ દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલોના પ્રમાણમાં આશરે 80 કરોડ જેટલા એનએફએસએ લાભાર્થીઓને વિના મૂલ્યે વધુ અનાજ (ચોખા/ઘઉં)નું વિતરણ કરવાની જાહેરાત કરી હતી, જેથી આર્થિક કટોકટીના સમયમાં ગરીબ, જરૂરિયાતમંદ અને શોષિત પરિવારો/ લાભાર્થીઓને પૂરતા અનાજની અપ્રાપ્યતાના કારણે ભોગવવું ન પડે. અત્યાર સુધીમાં પીએમજીકેએવાય (પહેલા થી ચોથા તબક્કામાં) વિભાગે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ લગભગ 600 લાખ મેટ્રિક ટન અનાજની ફાળવણી કરી છે, જે આશરે રૂ. 2.07 લાખ કરોડની ફૂડ સબસિડીની સમકક્ષ થાય છે.
પીએમજીકેએવાય-5 હેઠળ હાલમાં વિતરણ ચાલી રહ્યું છે અને રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી અત્યાર સુધીમાં મળેલા અહેવાલ અનુસાર 93.8 ટકા અનાજનો ઉપાડ થઈ ગયો છે. લગભગ 37.32 લાખ મેટ્રિક ટન (જુલાઈ 2021માં 93.9 ટકા), 37.32 લાખ મેટ્રિક ટન (ઓગસ્ટ 2021માં 93.6 ટકા), 36.87 લાખ મેટ્રિક ટન (સપ્ટેમ્બર 2021માં 92.8 ટકા), 35.4 લાખ મેટ્રિક ટન (ઓક્ટોબર 2021માં 89 ટકા) અને 17.9 લાખ મેટ્રિક ટન (નવેમ્બર 2021માં 45 ટકા) અનાજનું અનુક્રમે 74.64 કરોડ, 74.4 કરોડ, 73.75 કરોડ, 70.8 કરોડ અને 35.8 કરોડ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે.
પ્રારંભિક તબક્કાના અનુભવના આધારે પીએમજીકેએવાય-5નો કાર્યદેખાવ અગાઉ પ્રાપ્ત થયેલા ઉચ્ચ સ્તરની જેટલો જ ઊચ્ચ રહેવાની સંભાવના છે.
પીએમજીકેએવાયના પહેલાથી પાંચમા તબક્કા સુધીમાં સરકાર લગભગ રૂ. 2.60 લાખ કરોડનો ખર્ચ ભોગવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Today’s Cabinet decision will benefit 80 crore Indians and is in line with our commitment of ensuring greater public welfare. https://t.co/1JUQ8KJc7B
— Narendra Modi (@narendramodi) November 24, 2021