પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જમ્મુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ની સ્થાપના અને સંચાલનની મંજૂરી આપવામાં આવી છે. જમ્મુમાં આઇઆઇએમનું શૈક્ષણિક વર્ષ 2016-17 એન્જિનીયરિંગ અને ટેકનોલોજીની જૂની સરકારી કોલેજના કેમ્પ્સમાં કામચલાઉ ધોરણે શરૂ થયું છે.
આ કામચલાઉ કેમ્પસ 2016થી 2020 સુધી ચાર વર્ષ કાર્યરત રહેશે અને આ પ્રોજેક્ટમાં રૂ. 61.90 કરોડનો ખર્ચ થશે. ચાલુ વર્ષે મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ (પીજીડીપી) અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 54 છે, જે દર વર્ષે વધશે અને ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા વધીને 120 થશે. દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં બહાર કેમ્પ્સ સ્થાપિત કરવા માટેના પગલા પણ લેવામાં આવશે. કાયમી કેમ્પસ ઊભું કરવા માટે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે અને પછી કેમ્પ્સ સ્થાપિત કરવા પ્રક્રિયા શરૂ થશે.
મંત્રીમંડળે સોસાયટીઝ રજિસ્ટ્રેશન ધારા, 1860 હેઠળ આઇઆઇએમ જમ્મુ સોસાયટીની રચના કરવાની પણ મંજૂરી આપી છે. આઇઆઇએમ જમ્મુનું સંચાલન અને વ્યવસ્થાપન ભારત સરકાર દ્વારા રચિત બોર્ડ ઓફ ગવર્નન્સ (બીઓજી) સાથે સોસાયટી કરશે, જે સંસ્થાનો વહીવટ કરશે તથા સંસ્થાની સ્થાપના અને સંચાલન માટે જવાબદાર હશે.
આઇઆઇએમ-જમ્મુ એ જમ્મુ-કાશ્મીર માટે પ્રધાનમંત્રીના વિકાસ પેકેજનો ભાગ છે. જમ્મુમાં આઇઆઇટી ખુલવાથી, એનઆઇટી શ્રીનગરના આધુનિકરણથી અને કાશ્મીર અને જમ્મુમાં બે નવી એમ્સ સંસ્થા શરૂ થવાની સાથે આઇઆઇએમ જમ્મુ આગળ જતા જમ્મુ-કાશ્મીરમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન અને શિક્ષણની જરૂરિયાત પૂર્ણ કરશે.
પૃષ્ઠભૂમિ:
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ છે, જે મેનેજમેન્ટમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે તેમજ મેનેજમેન્ટ શિક્ષણ અને તેની સાથે સંબંધિત જાણકારીના ક્ષેત્રમાં શિક્ષણ અને તાલીમના વૈશ્વિક માપદંડો સ્થાપિત કરે છે.
અત્યારે દેશમાં 19 આઇઆઇએમ છે. તેમાંથી 13 આઇઆઇએમ અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, લખનઉ, ઇન્દોર, કોઝિકોડે, શિલોંગ, રાંચી, રોહતક, કાશીપુર, ત્રિચી, ઉદેપુરમાં છે. અન્ય છ આઇઆઇએમ વર્ષ 2015માં શરૂ થઈ છે, જે અમૃતસર, સિરમૌર, નાગપુર, બોધગયા, સમ્બલપુર અને વિશાખાપટ્ટનમમાં છે.
AP/JKhunt/TR/GP